બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે અન્ડરટોન મજબૂત, ત્રીજા સત્રમાં નિફ્ટી 22600 જાળવવામાં સફળ
એશિયન સહિત વૈશ્વિક બજારોમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.5 ટકા ઉછળી 13.44ના સ્તરે બંધ
પીએસઈ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલમાં મજબૂતી
બેંકિંગ, મિડિયામાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં બ્રેડ્થમાં નરમાઈ યથાવત
આરઈસી, રેમન્ટ, ટ્રેન્ટ, અશોક લેલેન્ડ, ત્રિવેણી ટર્બાઈન નવી ટોચે
કોટક મહિન્દ્રા બેંકમાં નવું તળિયું
એશિયન બજારોમાં વ્યાપક નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં મજબૂતી જળવાય રહી હતી. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 128 પોઈન્ટ્સ સુધરી 74611ની સપાટીએ જ્યારે નિફ્ટી 43 પોઈન્ટ્સ મજબૂતી સાથે 22648ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે બ્રેડ્થ નેગેટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3957 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1967 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. જ્યારે 1867 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 268 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. જ્યારે 12 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.5 ટકા ઉછળી 13.44ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારે નરમાઈ સાથે ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, તે તરત જ ગ્રીન ઝોનમાં પરત ફર્યું હતું અને ઈન્ટ્રા-ડે 22711ની ટોચ પર ટ્રેડ થયું હતું અને દિવસ દરમિયાન સાંકડી રેંજમાં અથડાયું હતું. આખરે નિફ્ટી 22600 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 152 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22780ની સપાટીએ બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો થયાની સંભાવના છે. આમ, આગામી સત્રોમાં વધુ સુધારો સંભવ છે. બેન્ચમાર્ક 22800ની સપાટી પાર કરશે તો 23000-23200ની રેંજ દર્શાવી શકે છે. લોંગ ટ્રેડર્સે 22450નો સ્ટોપલોસ જાળવવાનો રહેશે.
નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, તાતા મોટર્સ, એસબીઆઈ લાઈફ, એનટીપીસી, સિપ્લા, તાતા સ્ટીલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એમએન્ડએમ, શ્રીરામ ફાઈનાન્સ, સન ફાર્મા, ટીસીએસ, ગ્રાસિમ, અદાણી પોર્ટ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, કોટક મહિન્દ્રા, તાતા કન્ઝ્યૂમર, ભારતી એરટેલ, એક્સિસ બેંક, એચડીએફસી લાઈફ, વિપ્રો, આઈસીઆઈસીઆઈ બેંક, ડિવિઝ લેબ્સ, ઈન્ડસઈન્ડ બેંકમાં નરમાઈ જોવા મળતી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસઈ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2.3 ટકા ઉછળી તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. તે 10 હજારનું લેવલ પાર કરી ગયો હતો. તેના ઘટકોમાં આરઈસી 10 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, એચપીસીએલ, પાવર ફાઈનાન્સ, બીપીસીએલ, ભેલ, આઈઓસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, એએચપીસી, કોન્કોર, એનએમડીસી, એનટીપીસી, નાલ્કો, સેઈલ, ભારત ઈલે., હિંદુસ્તાન એરોનોટીક્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ એક ટકાથી વધુ મજબૂતી સાથે નવી ટોચે પહોંચ્યો હતો. જેના ઘટકોમાં મોઈલ 9 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, વેદાંત, એનએમડીસી, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, નાલ્કોમાં પણ મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો આરઈસી 9 ટકાથી વધુ સુધારા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ડિયામાર્ટ, એચપીસએલ, પાવર ફાઈનાન્સ, ટ્રેન્ટ, અશોક લેલેન્ડ, બોશ, બાયોકોન, ભેલ, પાવર ગ્રીડ કોર્પો., જીએમઆર એરપોર્ટ્સ, એશિયન પેઈન્ટ્સ, ડાબર ઈન્ડિયા, ફેડરલ બેંક, પેટ્રોનેટ એલએનજી, વેદાંત, ઈન્ડિગો, ઓબેરોય રિઅલ્ટી, બર્ગર પેઈન્ટ્સ, આઈઓસીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ગોદરેજ પ્રોપર્ટીઝ, કોટક બેંક, રામ્કો સિમેન્ટ્સ, એસ્ટ્રાલ, દાલમિયા ભારત, કોફોર્જ, પીએબી, ઝી એન્ટર., ચંબલ ફર્ટિ., પિડિલાઈટ ઈન્ડ., ગેઈલમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં આરઈસી, રેમન્ડ, કેફિન ટેક, કાર્બોરેન્ડમ, ટ્રેન્ટ, અશોક લેલેન્ડ, ત્રિવેણી ટર્બાઈન, ભેલ, પાવર ગ્રીડ, સોભા, સીઈએસસી, એસ્કોર્ટ્સ કુબોટા, ફેડરલ બેંક, પેટ્રોનેટ એલએનજી, વેદાંત, ઈન્ડિગો, લિંડે ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. જ્યારે કોટક મહિન્દ્રા બેંકે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
અદાણી પોર્ટ્સનો માર્ચ ક્વાર્ટર પ્રોફિટ 76 ટકા ઉછળી રૂ. 2040 કરોડ પર જોવાયો
કંપનીએ શેરધારકો માટે પ્રતિ શેર રૂ. 6ના ડિવિડન્ડની જાહેરાત કરી
અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોને માર્ચ ક્વાર્ટર માટે રૂ. 2040 કરોડના નેટ પ્રોફિટની જાહેરાત કરી છે. જે વાર્ષિક ધોરણે 76 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 1158 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો.
અદાણી પોર્ટ્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 6897 કરોડની આવક નોંધાવી હતી. જે વાર્ષિક ધોરણે 19 ટકા ઊંચી હતી. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 5797 કરોડની આવક દર્શાવી હતી. કંપનીએ રૂ. 2ની ફેસવેલ્યૂ ધરાવતાં શેર પર રૂ. 6ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. ગુરુવારે અદાણી પોર્ટ્સનો શેર 1 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 1338.80ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.
માર્ચ ક્વાર્ટરમાં પોર્ટે 19 કરોડ ટન સાથે વિક્રમી વોલ્યુમ દર્શાવ્યું હતું. નાણા વર્ષ 2023-24માં કંપનીનું ડોમેસ્ટીક કાર્ગો વોલ્યુમ 21 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જે દેશમાં 7.5 ટકાના સ્થાનિક કાર્ગો વોલ્યુમની સરખામણીમાં ઘણું ઊંચું હતું. એપીસેઝે 2023-24માં 4.2 કરોડ ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું. જે સાથે તેણે 37-39 કરોડ ટનના ગાઈડન્સથી ચઢિયાતો દેખાવ કર્યો હતો.
વોડાફોન આઈડિયાની રૂ. 15 હજાર કરોડની લોન માટે વાતચીત
કંપનીની ડેટ મારફતે કુલ રૂ. 25000 કરોડ મેળવવાની યોજનાના પ્રથમ તબક્કામાં આમ થશે
રકમનો ઉપયોગ ડેટ ચૂકવણી, 5જી રોલ આઉટ અને નવી સ્પેક્ટ્રમ ખરીદીમાં કરાશે
દેશમાં ત્રીજા ક્રમની ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા રૂ. 15 હજાર કરોડની લોન મેળવવા માટે લેન્ડર્સ સાથે ચર્ચા-વિચારણા ચલાવી રહ્યું છે. કંપની આગામી બે વર્ષોમાં આ લોન મેળવશે એમ વર્તુળોનું કહેવું છે. અગાઉ કંપની ડેટ મારફતે રૂ. 25 હજાર કરોડ એકત્ર કરવાની જાહેરાત કરી ચૂકી છે. જેના પ્રથમ તબક્કામાં આ રકમ ઊભી કરવામાં આવશે.
કંપની ડેટ મારફતે મેળવવામાં આવેલા નાણાનો ઉપયોગ ઋણ ચૂકવણીમાં, 5જી રોલઆઉટમાં તથા નવા સ્પેક્ટ્રમની ખરીદીમાં કરશે. ગયા મહિને જ કંપનીએ ફોલોઓન ઓફર મારફતે ઈક્વિટી માર્કેટમાંથી 2.2 અબજ ડોલર ઊભા કર્યાં હતાં.
વોડાફોન ગ્રૂપ અને બિરલા જૂથના સંયુક્ત સાહસે લોન માટે જાહેર ક્ષેત્રની બેંક્સ એસબીઆઈ, પીએનબી અને બેંક ઓફ બરોડાનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત, તેમણે કેટલીક પ્રાઈવેટ સેક્ટર બેંક્સનો પણ અભિગમ કર્યો છે એમ જાણકારોનું કહેવું છે. એસબીઆઈ આ પીએસયૂ અને પ્રાઈવેટ બેંક્સના કોન્સોર્ટિયમની આગેવાની લઈ શકે છે. રકમને તબક્કાવાર રીતે છૂટી કરવામાં આવશે તેમ જાણકારોનું કહેવું છે.
અદાણી એન્ટરપ્રાઈઝિસનો માર્ચ ક્વાર્ટર નફો 38 ટકા ગગડી રૂ. 451 કરોડ નોંધાયો
ઊંચા ખર્ચ અને અપવાદરૂપ ખોટને કારણે નફા પર અસર પડી
કંપનીની આવક વાર્ષિક ધોરણે 1 ટકો વધી રૂ. 29,180 કરોડ જોવા મળી
અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 451 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 38 ટકા ઘટાડો સૂચવે છે. અપવાદરૂપ ખર્ચ તથા મટિરિયલ ખર્ચ અને કામકાજી ખર્ચમં વૃદ્ધિ પાછળ આમ બન્યું હોવાનું કંપનીએ જણાવ્યું છે. કંપનીની માર્ચ ક્વાર્ટર આવક વાર્ષિક એક ટકા વૃદ્ધિ સાથે રૂ. 29,180 કરોડ પર જોવા મળી હતી.
અદાણી એન્ટરપ્રાઈઝિસે નાણા વર્ષ 2023-24 માટે પ્રતિ શેર રૂ. 1.3ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. પરિણામોની જાહેરાત પછી અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર ગ્રીન ઝોનમાંથી રેડ ઝોનમાં ફર્યો હતો. બીએસઈ ખાતે તે 0.56 ટકા ઘટાડા સાથે રૂ. 3037.15ની સપાટીએ બંધ રહ્યો હતો.
કંપનીનો કામકાજી ખર્ચ વાર્ષિક ધોરણે 31 ટકા ઉછળી રૂ. 9324 કરોડ પર જોવા મળ્યો હતો. જેમાં રો-મટિરિયલ્સ ખર્ચમાં બમણાથી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી અને તે ગયા વર્ષના રૂ. 1324 કરોડ સામે રૂ. 2824 કરોડ પર રહ્યો હતો. કંપનીનો કુલ ખર્ચ 2 ટકા વધી રૂ. 28309 કરોડ રહ્યો હતો.
કંપનીએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ્સ માટે વાર્ષિક ફીને લઈ નુકસાન પેટે રૂ. 627 કરોડનું અસાધારણ નુકસાન દર્શાવ્યું હતું. જ્યારે કંપનીના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટે ટેક્સ અગાઉ નફામાં 84 ટકા ઘટાડો નોંધાવ્યો હતો.
કંપનીના કમર્સિયલ માઈનીંગ સેગમેન્ટે પણ ગયા વર્ષે રૂ. 231 કરોડના પ્રોફિટ સામે ચાલુ વર્ષે રૂ. 201 કરોડની ખોટ નોંધાવી હતી. આમ, કંપનીના સમગ્રતયા દેખાવ પર નેગેટિવ અસર જોવા મળી હતી.
Market Summary 02/05/2024
May 02, 2024