Market Summary 02/10/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

છેલ્લાં 10-વર્ષોમાં પ્રોપર્ટી રિટર્નમાં ટિયર-2 શહેરો ટોચ પર
મહાનગરોમાં એકમાત્ર બેંગલૂરું રિઅલ એસ્ટેટ રિટર્નમાં ત્રીજા ક્રમે
અમદાવાદે સરેરાશ 6.75 ટકા રિટર્ન સાથે છઠ્ઠો ક્રમ દર્શાવ્યો

છેલ્લાં 10-વર્ષોમાં દેશમાં રિઅલ એસ્ટેટ પ્રોપર્ટીમાં રિટર્નની બાબતમાં બીજી હરોળના શહેરો પ્રથમ ક્રમે જોવા મળી રહ્યાં છે. તેમણે રિઅલ્ટી રિટર્ન બાબતમાં મહાનગરોને પાછળ રાખી દીધાં છે. એકમાત્ર બેંગલૂરું રિઅલ્ટી રિટર્ન બાબતમાં ત્રીજા ક્રમ સાથે ટોચના ત્રણ શહેરોમાં સમાવેશ ધરાવે છે. જ્યારે મુંબઈ અને દિલ્હીનો સમાવેશ ટોચના પાંચમા પણ નથી જોવા મળતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના હાઉસ પ્રાઈસ ઈન્ડેક્ટ ડેટાનો અભ્યાસ કરીને હાથ ધરવામાં આવેલા એક રિસર્ચ મુજબ ઘણા ખરા ટોચના રિઅલ્ટી બજારોએ બેંક ફિક્સ ડિપોઝીટ્સની સમકક્ષ રિટર્ન આપ્યું છે. જે ઘણી સારી બાબત છે. જોકે, આમાં ઘણા બજારોમાં કોવિડ પછી રિઅલ્ટીમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે અને તેથી સરેરાશ રિટર્ન પણ ઊંચું જોવા મળી રહ્યું છે. જેમકે ગયા વર્ષે દિલ્હીએ 14.84 ટકાનું ઊંચું રિટર્ન દર્શાવ્યું હતું તેણે છેલ્લાં 10-વર્ષોમાં સરેરાશ 5.25 ટકાનું મંદ રિટર્ન નોંધાવ્યું હતું. અનેક ઉદ્યોગ વર્તુળોના મતે ભારતના મોટાભાગના બજારોમાં નેટ રેન્ટલ યિલ્ડ્સ 3 ટકા કે તેથી નીચી જોવા મળે છે. નેટ રેન્ટલ યિલ્ડ્સ એ મેન્ટેનન્સ ખર્ચ, ટેક્સિસ અને ઈન્ટરેસ્ટ પરની લોનને બાદ કરતાં મળતું વળતર સૂચવે છે. જે હાલના છેલ્લાં કેટલાંક સમયથી નેગેટિવ જોવા મળે છે. જેનું કારણ બેંક રેટ્સમાં વૃદ્ધિ અને પ્રોપર્ટીના ઊંચા ભાવ છે.
જો આરબીઆઈ ડેટાનો અભ્યાસ કરીએ તો 10-વર્ષોમાં કોચીએ 9.94 ટકાનું સરેરાશ વાર્ષિક રિટર્ન દર્શાવ્યું છે. જે બેંક એફડી કરતાં પણ નોંધપાત્ર ઊંચું છે. જ્યારપછીના ક્રમે લખનૌએ 9.11 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે બેંગલૂરુએ 8.98 ટકાનું અને કાનપુરે 7.99 ટકાનું સારુ કહી શકાય તેવું સરેરાશ રિટર્ન દર્શાવ્યું છે. મહાનગરોમાં સમાવેશ પામતાં ચેન્નાઈએ 7.53 ટકા સાથે પાંચમા ક્રમે રિટર્ન નોંધાવ્યું છે. જ્યારે અમદાવાદે 6.75 ટકાનું મધ્યસરનું રિટર્ન આપ્યું છે. મુંબઈ પણ 6.71 ટકા સાથે અમદાવાદની સમકક્ષ રિટર્ન દર્શાવી રહ્યું છે. જ્યારે દિલ્હી, કોલકોત્તા અને જયપુર પાંચ ટકા કે તેથી નીચું રિટર્ન સૂચવી રહ્યાં છે.

ટોચના શહેરોમાં 10-વર્ષોમાં પ્રોપર્ટી રિટર્ન
શહેર વળતર(ટકામાં)
કોચી 9.94
લખનૌ 9.11
બેંગલૂરુ 8.98
કાનપુર 7.99
ચેન્નાઈ 7.53
અમદાવાદ 6.75
મુંબઈ 6.71
દિલ્હી 5.25
કોલકોતા 5.99
જયપુર 2.87

રશિયન બેંક્સ ભારતમાં રોકાણ માટે FPI પાંખ બનાવશે
બીજા ક્રમની રશિયન બેંકે સેબી પાસેથી એફપીઆઈ લાયસન્સ માટે અરજી કરી
માર્ચથી અત્યાર સુધીમાં ત્રણ રશિયન નોન-બેંક એસેટ મેનેજર્સે સેબીમાં FPI તરીકે નોંધણી કરાવી

રશિયન ઓઈલ સાહસિકો, ફેમિલી ઈન્સ્ટીટ્યુશન્સ અને ટ્રેઝરીઝ તરફથી તેમના સરપ્લસ ફંડના સુરક્ષિત રોકાણ માટેની વધતી માગનો જોતાં કેટલીક મોટી રશિયન બેંક્સ ભારતીય શેરબજારો પર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPIs) તરીકે નોંધણી કરાવવા માટે આતુર જણાય છે. વર્તુળોના જણાવ્યા મુજબ રશિયાની બીજા ક્રમની બેંક VTBએ ભારતીય માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી એફપીઆઈ લાયસન્સ માટે અરજી કરી છે. ગયા માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ત્રણ રશિયન નોન-બેંક એસેટ મેનેજર્સે સેબીમાં FPI તરીકે નોંધણી કરાવી ચૂક્યાં છે.
જ્યારે પણ કોઈ મોટી બેંક એફપીઆઈ પાંખની સ્થાપના કરે છે ત્યારે તે અન્ય બેંક્સને પણ આ વિચાર માટે પ્રોત્સાહન આપે છે અને તેની ચકાસણી કરવા માટે પ્રેરતી હોય છે. ઉપરાંત બેંક તરફથી સ્પોન્સર્ડ ફંડ પાસે અન્યોની સરખામણીમાં પ્રાઈવેટ વેલ્થની વધુ પ્રાપ્તિ જોવા મળતી હોય છે એમ ઉદ્યોગ વર્તુળ જણાવે છે. વીટીબી રશિયન સરકારનો અંકુશ ધરાવે છે. કેમકે રશિયન સરકાર પાસે બેંકનો બહુમતી હિસ્સો રહેલો છે. ભારતમાં નવા એફપીઆઈ તરીકેની નોંધણી તથા વર્તમાન એફપીઆઈના રિન્યૂઅલ્સ માટેની અરજીઓને સેબી મંજૂરી આપતી હોય છે પરંતુ જ્યારે પણ અરજદાર એક વિદેશી બેંક હોય છે ત્યારે આરબીઆઈ તરફથી મંજૂરીની જરૂરિયાત રહેતી હોય છે. ભારતમાં હાજરી ધરાવતી અન્ય રશિયન બેંક્સમાં સ્બેર બેંક અને ગાઝપ્રોમ બેંકનો સમાવેશ થાય છે. વીટીબીની માલિક રશિયન સરકાર હોવાના કારણે બેંક કેટેગરી વન એફપીઆઈ તરીકે રજિસ્ટ્રેશન માટે યોગ્ય બને તેવી શક્યતાં છે. જે સરકાર અને સરકાર સંબંધી વિદેશી રોકાણકારોને આપવામાં આવતું હોય છે. જેમાં સોવરિન વેલ્થ ફંડ્સ મુખ્ય હોય છે. કેટેગરી વન એફપીઆઈ અન્ડરલાયર તરીકે ભારતીય સ્ટોક્સને રાખી ઓવરસીઝ ડેરિવેટીવ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરી શકે છે તેમજ તેને ઈસ્યુ પણ કરી શકે છે. તેઓ ડિરેવિટીવ્સમાં ઊંચી પોઝીશન લિમિટ્સ ધરાવતાં હોય છે તેમજ ઈન્ડિરેક્ટ ટ્રાન્સફર્સ વખતે તેમને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવેલી છે.
ભારતીય નિયમો મુજબ જે દેશની સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ(BIS)ની સભ્ય હોય તેવા દેશની કંપનીને એફપીઆઈ રજિસ્ટ્રેશનની મંજૂરી આપવામાં આવે છે. બેસેલ મુખ્યાલય ધરાવતી બીઆઈએસ સેન્ટ્રલ બેંક્સ માટે બેંક તરીકે કામ કરે છે. રશિયન ફેડરેશનની સેન્ટ્રલ બેંક બીઆઈએસના સભ્ય તરીકે ચાલુ છે. જોકે, યૂક્રેન વોર પછી તેમના માટે બીઆઈએસ સર્વિસિઝને સસ્પેન્ડ કરવામાં આવી છે.

રશિયન કંપનીઓની ગિફ્ટ સિટી ખાતે લેન્ડિંગ કંપની સ્થાપવાની વિચારણા
વર્તુળોનો જણાવ્યા મુજબ રશિયન પ્રાઈવેટ કેપિટલ ભારતમાં ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં રહેલી તકોને પણ ચકાસી રહી છે. જેમકે કેટલીક રશિયન કંપનીઓએ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ફાઈનાન્સિયલ માર્કેટ મધ્યસ્થીઓ તથા લેન્ડિંગ કંપનીઓ(એનબીએફસી) સ્થાપવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. રશિયન બેંક્સના વોસ્ત્રો એકાઉન્ટ્સમાં નોંધપાત્ર રકમ પડી રહી છે. જો નિયમો છૂટ આપે તો રશિયન એફપીઆઈ તેમને ભારતીય શેરબજારમાં રોકી શકે છે.

બજારમાં અફવાને વેરિફાઈ કરવા માટેની સમયમર્યાદાને સેબીએ ચાર મહિના માટે લંબાવી
આ નવા નિયમો મુજબ કંપનીઓએ માધ્યમોના કોઈપણ અહેવાલોને સાચા કે ખોટા ગણાવી સ્પષ્ટતા કરવાની રહેશે
શરૂઆતી તબક્કામાં આ નિયમ ટોચની 100 કંપનીઓને લાગુ પડશે જ્યારે પછી 250 લિસ્ટેડ કંપનીઓને લાગુ પડશે

સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ બજારમાં ચાલતી અફવાઓના વેરિફિકેશન(સત્યતાની ચકાસણી) માટેની ડેડલાઈનને 1 ફેબ્રુઆરી, 2024 સુધી લંબાવી છે. જ્યારે ટોચની 250 લિસ્ટેડ કંપનીઓ માટેની સમયમર્યાદાને 1 ઓગસ્ટ, 2024 સુધી લંબાવી છે.
ટોચની 100 કંપનીઓ માટે આ નિયમો અગાઉના નિર્ણય મુજબ 1 ઓક્ટોબર, 2023થી અમલી બનવાના હતાં. જ્યારે 250 લિસ્ટેડ કંપનીઓ માટે તે 1 એપ્રિલ, 2023થી લાગુ પડવાના હતાં. સેબીએ તેના લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ રેગ્યુલેશન્સ, 2015માં કરેલા સુધારાના ભાગરૂપે આ નવા નિયમો અસ્તિત્વમાં આવ્યાં છે. નવા નિયમો મુજબ કોર્પોરેટ્સ કંપનીઓએ અગ્રણી માધ્યમોમાં પ્રકાશિત થતાં અસામાન્ય પ્રકારના અહેવાલો કે જે કંપનીની કોઈ ભાવિ ઘટનાને લઈ મટિરિયલ ઈવેન્ટ રજૂ કરતાં હોય અથવા કોઈ ઈન્ફોર્મેશન દર્શાવતાં હોય તો તેને લઈ સત્યતાની ખાતરી આપવાની રહેશે. કંપનીઓએ આવા અહેવાલનું સમર્થન અથવા ઈન્કાર કરી રોકાણકારોને સ્પષ્ટતા પૂરી પાડવાની રહેશે. તેમણે આવા અહેવાલોના પ્રકાશનના 24 કલાકથી ઓછા સમયગાળામાં આમ કરવાનું રહેશે. જો માધ્યમના અહેવાલોની સાચા જણાવવામાં આવે તો કંપનીએ આવી ઘટના કયા તબક્કામાં છે તે જણાવવાનું રહેશે.
સિક્યૂરિટીઝ સંબંધી ફરિયાદોમાં સામાન્યરીતે અફવાઓ સામે ચૂપ રહેવાની પસંદગી પર કંપનીઓની તરફેણ થતી હોય છે એમ તાજેતરમાં વિનોદ કોઠારી કન્સલ્ટન્ટ્સની તાજી નોંધમાં જણાવાયું છે. જોકે, શેરબજારોએ હંમેશા જણાવ્યું છે કે કંપનીઓએ તેમને લગતાં પ્રગટ થયેલાં કોઈપણ મટિરિયલ ન્યૂઝને લઈ રોકાણકારોના હિતમાં તત્કાળ જાહેરનામુ બહાર પાડવાની ફરજ છે. આ અનિવાર્ય સિધ્ધાંતને ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જના મેન્યૂએલના 1981ના વર્ઝનમાં ઘડવામાં આવ્યો હતો. ત્યારથી આજ સુધી ન્યૂ યોર્ક શેરબજારની રૂલબુકમાં નિખાલસ અને સ્પષ્ટ પ્રતિભાવની જરૂરિયાત હાજર છે. આ પ્રકારનો નિયમ નાસ્ડેકની રૂલબુકમાં પણ સમાવિષ્ટ છે.

નિકાસ ડ્યુટી પછી પારબોઈલ્ડ ચોખાની રવાનગીમાં 80 ટકા ઘટાડો નોંધાયો
સરકારે ઓગસ્ટમાં પારબોઈલ્ડ ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યુટી લાગુ પાડી હતી
બાસમતીના શીપમેન્ટ્સમાં પણ મહિનામાં 30 ટકા ઘટાડો જોવા મળ્યો
જોકે, પ્રતિબંધો પછી બાસમતી ચોખા અને પારબોઈલ્ડ ચોખા પર મળતરમાં વૃદ્ધિ નોંધાઈ

સ્થાનિક બજારમાં ચોખાના ભાવ નિયંત્રણમાં જળવાય રહે તે માટે લીધેલા પગલાં સફળ સાબિત થઈ રહેલા જણાય છે. સરકારે પારબોઈન્ડ ચોખાની નિકાસ પર ઓગસ્ટમાં 20 ટકા નિકાસ ડ્યુટી લાગુ પાડ્યાં પછી કોમોડિટીના શીપમેન્ટમાં 80 ટકા ઘટાડો નોંધાયો છે. જ્યારે બાસમતી ચોખાની નિકાસમાં 30 ટકા ઘટાડો જોવા મળ્યો છે. સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે લઘુત્તમ નિકાસ ભાવ 1200 ડોલર પ્રતિ ટન નિર્ધારિત કર્યાં હતાં.
વિવિધ ટ્રેડ સંસ્થાઓ અને શીપર્સ તરફથી મેળવવામાં આવેલા ડેટા મુજબ 25 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરના સમયગાળામાં બાસમતી ચોખાની નિકાસ ચાલુ વર્ષે ઘટી 2,41,083 ટન જોવા મળી છે. જે 2022માં સમાનગાળામાં 3,42,605 ટન પર હતી. આ જ રીતે 20 ટકાની નિકાસ ડ્યુટી લાગુ પડ્યાં પછી પારબોઈલ્ડ ચોખાની નિકાસ 25 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર દરમિયાન માત્ર 2.04 લાખ ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 11.6 લાખ ટન પર જોવા મળી હતી. સરકારે પારબોઈલ્ડ રાઈસ પર 25 ઓગસ્ટથી અમલી બને તે રીતે ડ્યૂટી લાગુ પાડી હતી. સાથે બાસમતી ચોખાની નિકાસપર લઘુત્તમ નિકાસ ભાવ(MEP) પણ લાગુ પાડ્યો હતો. જોકે, ડેટા સૂચવે છે કે ગણતરીમાં લીધેલાં સમયગાળામાં બાસમતી અને પારબોઈલ્ડ ચોખા માટેના મળતરમાં વૃદ્ધિ નોંધાઈ છે. જેમકે બાસમતી ચોખા પર MEP લાગુ પાડ્યાં પછી પ્રતિ ટન વેચાણ ભાવ 1,238 ડોલર પ્રતિ ટન રહ્યો છે. જે 2022માં 1100 ડોલર પ્રતિ ટન પર જોવા મળતો હતો. સમાનગાળામાં પારબોઈલ્ડ ચોખા 488 ડોલર પ્રતિ ટન પર વેચાયા હતાં. જે 2022માં 370 ડોલરમાં વેચાયા હતાં. ચોખાના વૈશ્વિક ભાવો 700 ડોલર પ્રતિ ટનથી ઉપર ટ્રેડ થઈ રહ્યાં છે ત્યારે કેટલાંક નિકાસકારો તેમના વેચાણનું અન્ડરઈન્વોઈસિંગ એટલેકે નીચો ભાવ દર્શાવી રહ્યાં હોવાનું ટ્રેડર્સ જણાવે છે.
નાણા વર્ષ 2022-23માં ભારતમાંથી 1.78 કરોડ ટન નોન-બાસમતી ચોખાની નિકાસ થઈ હતી. જ્યારે બામસતી ચોખાની નિકાસ 46 લાખ ટન પર જોવા મળી હતી. નોન-બાસમતી ચોખાની નિકાસમાં પારબોઈલ્ડ ચોખાનો હિસ્સો 78-80 લાખ ટન જેટલો હતો. અલ નીનોની અસરને કારણે વૈશ્વિક સ્તરે ચોખાના ભાવમાં ઊંચી વૃદ્ધિ નોંધાઈ છે. વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં અગ્રણી એવા એશિયામાં સૌથી ખરાબ અસર પડી છે. જુલાઈ 2023માં ભારત સરકારે નોન-બાસમતી વ્હાઈટ રાઈસની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે દેશમાંથી ચોખાની કુલ નિકાસનો 25-30 ટકા હિસ્સો ધરાવે છે. જો જથ્થાની રીતે જોઈએ તો ભારતે 2022-23માં 65 લાખ ટન નોન-બામસતી ચોખાની નિકાસ કરી હતી. જે 2021-22માં 53 લાખ ટન પર હતી. ગયા વર્ષે પણ સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યુટી લાગુ પાડી હતી. જોકે, આંતરરાષ્ટ્રીય ભાવો ખૂબ ઊંચા હોવાના કારણે સરકારી પગલાંની ખાસ કોઈ અસર નહોતી જોવા મળી.

એપ્રિલથી સપ્ટેમ્બરનામાં પેસેન્જર વેહીકલ્સનું વેચાણ પ્રથમવાર 20 લાખને પાર
નાણા વર્ષના શરૂઆતી છ મહિનામાં મારુતિએ 10 લાખ યુનિટ્સ વેચાણનો આંક પાર કરી આગેવાની જાળવી
ગયા નાણા વર્ષે શરૂઆતી છ મહિનામાં 19.3 લાખ યુનિટ્સ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 20.73 લાખ યુનિટ્સનું વેચાણ

સ્થાનિક હોસલેસ પેસેન્જર વેહીકલ્સ માર્કેટમાં ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ઐતિહાસિક ઘટનામાં પ્રથમવાર પેસેન્જર વેહીકલ્સનું વેચાણ 20 લાખ યુનિટ્સને પાર કરી ગયું છે. કંપની તરફથી ડિલર્સને ડિસ્પેચિસમાં મારુતિએ આગેવાની લેતાં છ મહિનામાં 10 લાખ યુનિટ્સથી વધુનું વેચાણ દર્શાવ્યું હતું.
મારુતિના સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રે 20,72,957 યુનિટ્સનું વેચાણ નોંધાયું છે. જે દેશમાં નાણા વર્ષના આરંભિક છ મહિનામાં પ્રથમવાર 20 લાખથી ઊંચો આંકડા સૂચવે છે. ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં તે 7 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા નાણા વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 19.3 લાખ યુનિટ્સનું વેચાણ નોંધાયું હતું.
જો કેલેન્ડર વર્ષની વાત કરીએ તો જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં દેશમાં પેસેન્જર વેહીકલ્સનું વેચાણ 30 લાખનો આંક વટાવી ગયો છે. જે પણ કોઈ કેલેન્ડરના પ્રથમ નવ મહિનામાં જોવા મળેલું સૌથી ઊંચું વેચાણ છે. આનો અર્થ એ છે કે ચાલુ કેલેન્ડરમાં તેમજ નાણાકિય વર્ષમાં દેશમાં 40 લાખ યુનિટ્સથી વધુનું પેસેન્જર વેહીકલ્સ વેચાણની દિશામાં ઉદ્યોગ આગળ વધી રહ્યો છે. જે નવું સીમાચિહ્ન હશે. જો માસિલ વેચાણની વાત કરીએ તો મારુતિ સુઝુકીએ સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 1.63 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. જે સાથે તેણે 1,50,812 યુનિટ્સ પીવી વેચ્યાં હતાં. ગયા વર્ષે તેનું વેચાણ 1,48,380 યુનિટ્સ પર હતું. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કંપનીએ કુલ 10,50,085 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે કંપની માટે એક ઐતિહાસિક હતું. હ્યુન્ડાઈ મોટરે સપ્ટેમ્બરમાં 54,241 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 49,700 યુનિટ્સ પર જોવા મળતું હતું. યુટિલિટી વેહીકલ ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ વાર્ષિક 20 ટકાથી વધુ વૃદ્ધિ સાથે સપ્ટેમ્બરમાં 41,267 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 34,508 યુનિટ્સ પર હતું. કંપનીના ઓટોમોટીવ ડિવિઝનના પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ એસયૂવીની ડિમાન્ડ સતત ઊંચી જોવા મળી હતી. ટોયોટા કિર્લોસ્કરની વાત કરીએ તો કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 15,378 યુનિટ્સ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 22,168 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે 44 ટકાની વૃદ્ધિ સૂચવે છે. જોકે, કિઆ મોટર્સનું વાર્ષિક વેચાણ 23 ટકા ગગડી 20022 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જ્યારે નિસ્સાન ઈન્ડિયાનું વેચાણ પણ 23 ટકા ગગડી 2454 યુનિટ્સ જ્યારે ફોક્સવેગન ઈન્ડિયાનું વેચાણ 13 ટકા ગગડી 3568 યુનિટ્સ પર નોંધાયું હતું.
ઓટો કંપનીઓનો સપ્ટેમ્બરમાં દેખાવ
કંપની સપ્ટેમ્બર 2022 સપ્ટેમ્બર 2023 ફેરફાર(ટકામાં)
મારુતિ સુઝુકી 1,50,812 1,48,380 1.63
હ્યુન્ડાઈ ઈન્ડિયા 54,241 49,700 9.13
તાતા મોટર્સ 45,317 47,864 -5.00
એમએન્ડએમ 41,267 34,508 20.00
ટોયોટા કિર્લોસ્કર 22,168 15,378 44.20
કિઆ ઈન્ડિયા 20,022 25,857 -22.60
હોન્ડા કાર્સ 9861 8714 13.20
એમજી ઈન્ડિયા 5003 3808 31.40

સ્થાનિક ક્રૂડ ઉત્પાદનમાં નોંધાયેલી વૃદ્ધિ
દેશમાં ક્રૂડના ઉત્પાદનમાં ઓગસ્ટ દરમિયાન વાર્ષિક ધોરણે 2.1 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 25 લાખ ટન પર નોંધાયું હતું એમ ઓઈલ મંત્રાલયનો ડેટા સૂચવે છે. અગાઉ જૂન અને જુલાઈમાં પણ ક્રૂડ ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી હતી. જે અગાઉના મહિનાઓમાં ક્રૂડ ઉત્પાદન ઘટતું જોવા મળ્યું હતું. નિષ્ણાતોના જણાવ્યા મુજબ તાજેતરમાં ઉત્પાદનમાં વૃદ્ધિ પાછળ ઓઈલ એક્સપ્લોરર તરફથી નવા ઓઈલ બ્લોક્સનું ડેવલપમેન્ટ જવાબદાર છે. જેમાં ઓએજીસી અને વેદાંત નવા બ્લોક્સ બનાવી રહ્યાં છે. જોકે, દેશની જરૂરિયાતની સરખામણીમાં સ્થાનિક ક્રૂડ ઉત્પાદનનો હિસ્સો નાનો છે અને તેથી જ 85 ટકા ક્રૂડની આયાત કરવી પડે છે. સરકાર તરફથી પ્રયાસો છતાં ક્રૂડ ઉત્પાદનમાં કોઈ અસાધારણ વૃદ્ધિ હાંસલ કરી શકાય નથી.

સપ્ટેમ્બરમાં FPIની રૂ. 15 હજાર કરોડની ચોખ્ખી વેચવાલી
છ મહિના પછી વિદેશી સંસ્થાકિય રોકાણકારો નેટ સેલર બન્યાં
માર્ચથી ઓગસ્ટમાં તેમણે કુલ રૂ. 1.74 લાખ કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો

માર્ચ મહિનાથી ભારતીય શેરબજારમાં સતત ઈનફ્લો દર્શાવનાર વિદેશી સંસ્થાકિય રોકાણકારો(FPI)એ સપ્ટેમ્બરમાં નેટ આઉટફ્લો દર્શાવ્યો છે. ગયા મહિને તેમણે કુલરૂ. 14,767 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે. રૂપિયામાં ડોલર સામે ઘટાડો અને યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં સતત વૃદ્ધિ આ માટેના મુખ્ય કારણો છે. ઉપરાંત, છેલ્લાં બે મહિનામાં વૈશ્વિક ક્રૂડના ભાવમાં તીવ્ર વધારાને કારણે પણ વિદેશી રોકાણકારોનું સેન્ટીમેન્ટ ખરડાયું હોય તેમ જણાય છે.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે કેલેન્ડરના બાકીના મહિનાઓમાં એફપીઆઈ ફ્લોને લઈ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ભારતીય અર્થતંત્ર કેવો દેખાવ દર્શાવે છે તેના પર વિદેશી સંસ્થાકિય રોકાણકારોના ફ્લોનો આધાર છે. ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી શું નિર્ણય લે છે તે પણ મહત્વનું બની રહેશે. સપ્ટેમ્બર ક્વાર્ટર અર્નિંગ્સ પણ મહત્વના બની રહેશે. ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ્સના ડેટા મુજબ માર્ચથી લઈ ઓગસ્ટ સુધી એફપીઆઈ તરફથી પોઝીટીવ ફ્લો જળવાયેલો જોવા મળ્યો હતો. જેમાં તેમણે નોંધપાત્ર ખરીદી દર્શાવી હતી. છ મહિનામાં તેમણે રૂ. 1.74 લાખ કરોડ(20 અબજ ડોલરથી વધુ)નો ઈનફ્લો નોંધાવ્યો હતો. ઓગસ્ટમાં તેમની ખરીદી રૂ. 12,262 કરોડ પર ચાર મહિનાના તળિયા પર જોવાઈ હતી. એપ્રિલથી લઈ સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં બજારમાં બ્રોડ બેઝ રેલી સાથે મજબૂત સુધારો જોવા મળ્યો હતો. જેમાં લાર્જ-કેપ બેન્ચમાર્ક્સમાં 18 ટકા આસપાસ તો સ્મોલ-કેપ અને મીડ-કેપ બેન્ચમાર્ક્સમાં 30 ટકા સુધીનું રિટર્ન નોંધાયું હતું. જોકે, સપ્ટેમ્બરમાં માર્કેટ લગભગ ફ્લેટ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 20200ની ટોચ બનાવી નીચે 19600 આસપાસ બંધ રહ્યો હતો. સ્થાનિક ડેટ માર્કેટમાં એફપીઆઈએ રૂ. 938 કરોડની ખરીદી દર્શાવી હતી. જે સાથે ચાલુ વર્ષે ડેટ માર્કેટમાં તેમનું કુલ રોકાણ રૂ. 29000 કરોડે પહોંચ્યું છે. જ્યારે ઈક્વિટીમાં તેમનું નેટ રોકાણ રૂ. 1.2 લાખ કરોડ પર જોવા મળે છે. જો સેક્ટર્સની વાત કરીએ તો એફપીઆઈએ કેપિટલ ગુડ્ઝ અને પસંદગીના ફાઈનાન્સિયલ શેર્સમાં ખરીદી દર્શાવી હતી.

ગૂગલ ભારતમાં ક્રોમબૂક લેપટોપ્સનું ઉત્પાદન કરશે
કંપનીએ સ્થાનિક સ્તરે ક્રોમબૂક્સ બનાવવા માટે એચપી ઈન્ક સાથે ભાગીદારી કરી

આલ્ફાબેટ ઈન્કની માલિકીની ગુગલ તેના ક્રોમબૂક લેપટોપ્સનું ભારતમાં ઉત્પાદન કરશે. આ સાથે ભારત જેવા મહત્વના બજારમાં એસેમ્બલી લાઈનનું વિસ્તરણ કરનાર તે વધુ એક વૈશ્વિક કંપની બનશે. અગાઉ એપલ ભારતમાં તેના આઈફોનના ઉત્પાદનમાં વૃદ્ધિની યોજના જાહેર કરી ચૂકી છે.
ભારતમાં ક્રોમબુક્સનું ઉત્પાદન કરવા માટે ગૂગલ એચપી ઈન્ક.સાથે ભાગીદારી કરી રહી છે એમ આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ સોમવારે એક્સ પર જણાવ્યું હતું. આ પગલું ગૂગલને ભારતમાં સપ્લાયને વેગ આપવામાં સહાયરૂપ બનશે અને ડેટ ટેક્નોલોજિસ ઈન્ક. તથા આસુસટેક કોમ્પ્યુટર ઈન્ક. જેવા હરિફોની સામે અસરકારપણે સ્પર્ધા કરવામાં પણ ઉપયોગી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશમાં ટેક જાયન્ટ્સને પ્રોડક્શન બેઝ વધારવા માટે 2 અબજ ડોલરના ઈન્સેન્ટીવ યોજનાની આ એક વધુ સફળતા તરીકે જોવામાં આવે છે. યુએસ-ચીન વચ્ચે વધતાં તણાવો વચ્ચે ભારત તેનો ઈલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્ચરિંગ બેઝ વધારી રહ્યો છે. આ માટે સરકાર નાણાકિય રાહતો આપી રહી છે.
સ્થાનિક ઉત્પાદન ગૂગલને ભારતમાં સપ્લાય ચેઈનમાં સાતત્ય જાળવવામાં સહાયરૂપ બનશે તેમજ ભવિષ્યમાં આયાત નિયંત્રણ જેવા પગલાઓ સામે રક્ષણ આપશે. ક્રોમબુક્સ સામાન્યરીતે માર્કેટમાં નીચી પ્રાઈસ પર અને પાતળાં માર્જિન સાથે પ્રાપ્ય બનાવવામાં આવે છે. જે તેમને કોઈપણ પ્રકારના ડ્યુટીસંબંધી પગલાથી ખૂબ જ સંવેદનશીલ બનાવે છે. સરકારે લગભગ મહિના અગાઉ લેપટોપ્સ, ટેબલેટ્સ અને અન્ય આઈટી હાર્ડવેરની દેશમાં આયાત પર પ્રતિબંધ લાગુ પાડ્યાં હતાં. જોકે, પાછળથી દેશમાં સપ્લાયને લઈને ચિંતા ઊભી થતાં તેનો અમલ અટકાવ્યો હતો.
ક્રોમબુક્સનું ઉત્પાદન ચેન્નાઈ નજીક ફ્લેક લિ.ની સુવિધામાં કરવામાં આવશે. જ્યાં એચપી તેના લેપટોપ્સ અને ડેક્સટોપ્સનું 2020થી ઉત્પાદન કરી રહી છે. ક્રોમબૂકનું ઉત્પાદન 2 ઓક્ટોબરથી શરુ થયું હતું અને તે મુખ્યત્વે એજ્યૂકેશન સેક્ટરને ટાર્ગેટ કરી રહ્યું છે એમ એચપીએ જણાવ્યું હતું.

ગોલ્ડમાં ભારે વેચવાલી પાછળ સપ્તાહમાં 100 ડોલરનું ગાબડું
સોમવારે વૈશ્વિક બજારમાં ગોલ્ડ વાયદો વધુ 18 ડોલર ગગડી 1847 ડોલર પર ટ્રેડ થયો
યુએસ શટડાઉન ટળતાં ડોલર ઈન્ડેક્સ, બોન્ડ યિલ્ડ્સ ઉછળ્યાં
કોમેક્સ સિલ્વર વાયદો 2.6 ટકા ગગડી 21.733 ડોલર પર બોલાયો
કોપર, નેચરલ ગેસમાં પણ નરમાઈ જોવાઈ

ગોલ્ડના ભાવમાં સતત વેચવાલી જોવા મળી રહી છે. ગયા સપ્તાહે વૈશ્વિક બજારમાં 80 ડોલરના કડાકા પછી સોમવારે નવા સપ્તાહે ગોલ્ડમાં વધુ 18 ડોલર નીકળી ગયા હતા. તેણે સતત પાંચમા સત્રમાં ઘટાડો નોંધાવ્યો હતો. સપ્તાહની શરૂમાં કોમેક્સ ગોલ્ડ વાયદો 18 ડોલરના ઘટાડે 1847 ડોલર પર ટ્રેડ થયો હતો. જ્યારે આ લખાય છે ત્યારે સાંજના સમયે 1850 ડોલર આસપાસ અથડાઈ રહ્યો છે. યુએસ સરકારને શટ ડાઉન લાગે પડે તેના ગણતરીના કલાકો અગાઉ ઉકેલ આવતાં ડોલર ઈન્ડેક્સ અને ટ્રેઝરી યિલ્ડ્સ ઉછળતાં ગોલ્ડ ભોંય ભેંગુ થયું હતું. એમસીએક્સ ખાતે ગાંધી જયંતિને કારણે રજા હતી. જોકે, હાજર બજારમાં ભાવ રૂ. 500ના ઘટાડે રૂ. 59500ની આસપાસ બોલાતાં હતાં.
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ છ-મહિનાના તળિયા નજીક પહોંચી ગયાં છે. અગાઉ તે માર્ચમાં 1840 ડોલર આસપાસ જોવા મળ્યાં હતાં. યુએસ ટ્રેઝરી યિલ્ડ્સ તેમની છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં હોવા પાછળ ગોલ્ડમાં લેણ ફૂંકાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફેડનો હોકિશ ટોન જળવાય રહેતાં ગોલ્ડ ઈટીએફ્સ તરફથી પણ વેચવાલી નીકળી હોય તેમ જણાય છે. જ્યારે સેન્ટ્રલ બેંકર્સની ખરીદી પાંખી જોવા મળી રહી છે. જેને કારણે ગોલ્ડને સપોર્ટ નહિ મળતાં ભાવમાં ઝડપી ઘટાડો નોંધાયો છે એમ વર્તુળોનું કહેવું છે. ગયા સપ્તાહે યુએસ ખાતે પર્સનલ કન્ઝ્મ્પ્શન એક્સપેન્ડિયર(પીસીઈ) ઈન્ફ્લેશન ડેટા અપેક્ષાથી નીચો આવવા છતાં ગોલ્ડમાં વેચવાલી નીકળતાં રોકાણકારો ચિંતામાં જોવા મળી રહ્યાં છે. યુએસ ફેડ ઈન્ફ્લેશનના માપદંડ તરીકે કન્ઝ્યૂમર પ્રાઈસ ડેટા કરતાં પીસીઈને વધુ ભરોસાપાત્ર માની રહી છે. જોકે, ગયા સપ્તાહના પીસીઈ પછી અનેક અર્થશાસ્ત્રીઓ એવું કહી રહ્યાં છે કે ફેડ રેટ તેની ટોચ નજીક છે અને તેથી ગોલ્ડમાં ટૂંકમાં એક બાઉન્સ જોવા મળી શકે છે.
ન્યૂ યોર્ક ફેડ બેંકના પ્રેસિડેન્ટે સપ્તાહાંતે જણાવ્યું હતું કે ફેડ રેટે ક્યાં તો ટોપ બનાવી ચૂક્યાં છે અથવા તે ટોચની નજીક છે. તેમના મતે ઈન્ફ્લેશનનું દબાણ ઘટી રહ્યું છે. જોકે, આમ છતાં પીળી ધાતુમાં ઘટાડો અટક્યો નહોતો. ગયા કેલેન્ડરની જેમ જ ચાલુ કેલેન્ડરમાં પણ એપ્રિલ મહિના પછી ગોલ્ડે દિશા ગુમાવી છે અને તે ઘટાડા તરફી બની રહ્યું છે. ફેબ્રુઆરી 2022માં રશિયા-યૂક્રેન યુધ્ધ પછી ગોલ્ડ ઝડપી ઉછળી 2060 ડોલર પર ટ્રેડ થઈ નવેમ્બરમાં 1620 ડોલરના તળિયે જોવા મળ્યું હતું. જ્યાંથી ઝડપી બાઉન્સ દર્શાવી તે માર્ચમાં 2000 ડોલરની સપાટી પાર કરી ગયું હતું. જોકે, ત્યારપછી તે રેંજ બાઉન્ડ જળવાયું હતું. જ્યારે ગયા સપ્તાહે તેણે 1900 ડોલરનો મહત્વનો સપોર્ટ ગુમાવી બ્રેકડાઉન આપ્યું છે. ગોલ્ડની પાછળ ચાંદીમાં પણ ઝડપી ઘટાડો નોંધાયો છે. સોમવારે કોમેક્સ સિલ્વર વાયદો 2.6 ટકા ઘટાડા સાથે 22 ડોલર નીચે ઉતરી ગયો હતો. શુક્રવારે તે એમસીએક્સ ખાતે રૂ. 70 હજારના લેવલ નીચે ઉતરી ગયો હતો. મંગળવારે તેમાં વધુ રૂ. 1500 સુધીનો ઘટાડો અપેક્ષિત છે.

ગોલ્ડ હાલમાં ઓવરસોલ્ડ ઝોનમાં
એમસીએક્સ ખાતે રૂ. 56500-57000ની રેંજમાં ગોલ્ડને સપોર્ટ મળી શકે છે. જે વખતે ટ્રેડર્સ ખરીદીનું સાહસ કરી શકે છે. કેમકે ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ ટૂંકાગાળામાં ઓવરસોલ્ડ જોવા મળે છે. વર્તમાન સ્તરે એક બાઉન્સની શક્યતાં છે. ધાતુમાં 1900 ડોલર સુધીનો ઝડપી ઉછાળો સંભવ છે. જોકે તેને પાર કરવામાં કેટલોક સમય લાગશે તેમ એનાલિસ્ટ્સ માને છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

કોલ ઈન્ડિયાઃ દેશમાં સૌથી મોટા કોલ ઉત્પાદક પીએસયૂ સાહસે ચાલુ નાણા વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન કુલ 29.48 કરોડ ટન કોલ સપ્લાય કર્યો છે. જે વાર્ષિક ધોરણે 3.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. દેશમાં વીજળીની વિક્રમી માગને જોતાં કોલની માગમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીએ અગાઉ અંદાજેલી 29.3 કરોડ ટનની માગ સામે 18 લાખ ટન ઊંચી માગ જોવા મળી હતી. વાર્ષિક ધોરણે વોલ્યુમ 97 લાખ ટન વૃદ્ધિ સૂચવતું હતું.
આઈશર મોટર્સઃ કંપનીએ સપ્ટેમ્બરમાં 350 સીસીની ક્ષમતા સુધીના સેગમેન્ટમાં 70,345 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 74,206 યુનિટ્સના વેચાણની સરખામણીમાં 5 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની નિકાસમાં 49 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 8451 યુનિટ્સ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 4319 યુનિટ્સ પર જોવા મળી હતી.
હિંદુસ્તાન ઝીંકઃ વેદાંત જૂથની કંપનીએ જુલાઈથી સપ્ટેમ્બરના સમયગાળામાં મેટલ ઉત્પાદનમાં ઘટાડો નોઁધાવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 2.55 લાખ ટન સામે ચાલુ વર્ષે સમાનગાળામાં તેણે 2.52 લાખ ટનનું ઉત્પાદન નોંધાવ્યું છે. બીજા ક્વાર્ટરમાં કંપનીનું રિફાઈન્ડ મેટલ ઉત્પાદન પણ ગયા વર્ષની સરખામણીમાં 2 ટકા ઘટી 2.41 લાખ ટન પર રહ્યું હતું.
બીપીસીએલઃ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઘણા સમયગાળા પછી 40 હજાર ટન સલ્ફર ગેસોલીનની નિકાસ કરવા તૈયાર છે. તે ચાલુ મહિનાની આખરમાં કોચી ખાતેથી 10પીપીએમ સલ્ફર ગેસોલીનને રવાના કરે તેવી શક્યતાં છે. કંપનીએ આ માટે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો છે.
TCS: ટોચની આઈટી સર્વિસિઝ કંપની 11મી ઓક્ટોબરે સપ્ટેમ્બર ક્વાર્ટર માટેનું પરિણામ જાહેર કરશે. કંપની 19 ઓક્ટોબરે ઈન્ટરિમ ડિવિડન્ડ માટેની વિચારણા હાથ ધરશે. જે દિવસથી અથવા તેના અગાઉના દિવસથી ટીસીએસનો શેર એક્સ-ડિવિડન્ડ ટ્રેડ દર્શાવશે.
ઉનો મિંડાઃ ઓટો કોમ્પોનેન્ટ્સ ઉત્પાદક કંપનીના બોર્ડે મિંડા વેસ્ટપોર્ટ ટેક્નોલોજિસમાં કંપનીના હિસ્સાને 50 ટકા પરથી વધારી 76 ટકા કરવાની મંજૂરી આપી છે. કંપની તેના સંયુક્ત સાહસ પાર્ટનર વેસ્ટપોર્ટ ફ્યુઅલ સિસ્ટમ્સ ઈટાલિયા પાસેથી કંપનીમાં અધિક 26 ટકા હિસ્સાની ખરીદી કરશે.
એલઆઈસી હાઉસિંગઃ એલઆઈસીની સબસિડીયરી કંપનીએ મિડિયા કંપની ઝી લિ.ના પ્રમોટર સુભાષ ચંદ્રાની રૂ. 570 કરોડના મૂલ્યની પ્રોપર્ટીને જપ્ત કરી છે. સુભાષ ચંદ્ર રૂ. 570 કરોડના મૂલ્યની લોન ચૂકવણીમાં નિષ્ફળ જવાથી કંપનીએ આ પગલું ભર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage