બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં બુલ્સની મજબૂત વાપસી પાછળ તેજી
સેન્સેક્સ ફરી 64 હજાર પર પરત ફર્યો
નિફ્ટી 19100ની સપાટી પાર કરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 8 ટકા ગગડી 11.07ના સ્તરે
પીએસઈ, મેટલ, એનર્જી, બેંકિંગમાં મજબૂતી
આરઈસી, પીએફસી, સોનાટા, ઓબેરોય નવી ટોચે
હિકલ, સુમીટોમો નવા તળિયે
યુએસ ફેડ તરફથી હોકિશ વલણ નરમ પડતાં શેરબજારોમાં તેજી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 489 પોઈન્ટ્સ ઉછળી 64081ની સપાટીએ જ્યારે નિફ્ટી 144 પોઈન્ટ્સ ઉછળી 19133ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટીએ 19 હજાર અને 19100ની સપાટી એક સાથે કૂદાવી હતી. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3791 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2269 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1387 કાઉન્ટર્સ નેગેટીવ જોવા મળતાં હતાં. 170 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ બનાવી હતી. જ્યારે 30 કાઉન્ટર્સે વાર્ષિક તળિયાં પર ટ્રેડ નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 8 ટકા ગગડી 11.07ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે રાતે ફેડે રેટ સ્થિર રાખતાં એશિયન બજારોમાં સેન્ટીમેન્ટ પોઝીટીવ જોવા મળ્યું હતું. ચીન સિવાય તમામ બજારો 1-2 ટકા આસપાસ મજબૂત ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેની પાછળ ભારતીય બજારમાં ગેપ-ડાઉન ઓપનીંગ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 18989ના અગાઉના બંધ સામે 19120ની સપાટીએ ખૂલી ઉપરમાં 19175ની ટોચ બનાવી ઈન્ટ્રા-ડે પોઝીટીવ ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 116 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19249ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 65 પોઈન્ટ્સના પ્રિમિયમમાં 51 પોઈન્ટસનો ઉમેરો દર્શાવે છે. જેનો અર્થ એ થાય છે કે લોંગ પોઝીશનમાં નોંધપાત્ર ઉમેરો થયો છે. જે આગામી સત્રોમાં બજારમાં મજબૂતી જાળવી શકે છે. નિફ્ટી બે સપ્તાહની ટોચ પર બંધ જોવા મળ્યો છે. નજીકમાં તેને 19300નો અવરોધ છે. જે પાર થશે તો ફરીવાર 19500ની સપાટી જોવા મળી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 19800ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવા માટે જણાવે છે. નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં બ્રિટાનિયા, હિંદાલ્કો, ઈન્ડસઈન્ડ બેંક, એપોલો હોસ્પિટલ, આઈશર મોટર્સ, યૂપીએલ, ગ્રાસિમ, સન ફાર્મા, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ઈન્ફોસિસ, એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, ડો. રેડ્ડીઝ લેબ્સ, એચડીએફસી લાઈફ, અદાણી એન્ટરપ્રાઈઝિસમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો તમામ ક્ષેત્રીય સૂચકાંકો પોઝીટીવ જોવા મળતાં હતાં. જેમાં પીએસઈ, મેટલ, એનર્જી, બેંકિંગમાં એક ટકાથી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.9 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આરઈસી 7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, પાવર ફાઈનાન્સ, ભેલ, એનએમડીસી, ગેઈલ, આઈઓસી, સેઈલ, એનએચપીસી, હિંદુસ્તાન એરોનોટીક્સ, નાલ્કો, ભારત ઈલે., એચપીસીએલ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક 1.5 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, યુનિયન બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, પીએનબી, આઈઓબી, પંજાબ એન્ડ સિંધ બેંકમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ડેલ્ટા કોર્પ 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત વોડાફોન આઈડિયા, આરઈસી, પાવર ફાઈનાન્સ, ભેલ, ઈન્ડસ ટાવર્સ, ઈન્ડિયા સિમેન્ટ્સ, એનએમડીસી, ઓબેરોય રિઅલ્ટી, ગેઈલ, હિંદ કોપર, ડો. લાલ પેથલેબ્સ, તાતા પાવરમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, એલઆઈસી હાઉસિંગ, હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, બાલક્રિષ્ણા ઈન્ડ, મેક્સ ફાઈનાન્સિયલ, બજાજ ઓટો, ઓરોબિંદો ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં આરઈસી, પીએફસી, સોનાટા, ઓબેરોય રિઅલ્ટી, ગ્લોબલ હેલ્થ, ઈન્ડસઈન્ડ બેંકમાં નવી ટોચ જોવા મળી હતી. બીજી બાજુ, હિકલ, સુમીટોમો નવા તળિયે જોવા મળ્યાં હતાં.
ફેડનો ટોન બદલાતાં શેરબજારો, ગોલ્ડમાં મજબૂતીઃ ડોલર-બોન્ડ યિલ્ડમાં નરમાઈ
જાપાનીઝ યેન, ભારતીય રૂપિયો, કોરિયન વોન, સિંગાપુર ડોલરમાં સુધારો
ગોલ્ડ 9 ડોલર મજબૂતી સાથે 1996 ડોલર પર ટ્રેડ થયું
બિટકોઈન 17-મહિનાની ટોચ પર ટ્રેડ થયો
ફેડ ચેરમેન જેરોમ પોવેલે બુધવારે મોડી રાતે ઈન્ટરેસ્ટ રેટને સ્થિર જાળવી રાખી તેમાં મોટાભાગની વૃદ્ધિ થઈ ચૂકી છે અને તેને કારણે અર્થતંત્રમાં ફુગાવાના દબાણમાં ઘટાડાના શરૂઆતી સંકેતો મળી રહ્યાં હોવાનું જણાવવા સાથે ડોવિશ ટોન દર્શાવતાં શેરબજારો, ગોલ્ડ અને ઈમર્જિગ માર્કેટ્સ ચલણોમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ ડોલર ઈન્ડેક્સ અને યુએસ બોન્ડ યિલ્ડ્સમાં વેચવાલી નીકળી હતી.
પોવલે જણાવ્યું હતું કે ઈન્ફ્લેશનમાં 2 ટકાનો ટાર્ગેટ હાંસલ કરતાં હજુ ઘણી વાર લાગશે. જોકે, મોટાભાગની રેટ વૃદ્ધિ થઈ ચૂકી છે. તેમણે બેન્ચમાર્ક રેટ 5.25-5.50 પર જાળવી રાખ્યાં હતાં. ઈન્ફલેશનમાં રાહતના સંકેતો તરીકે તેમણે વેતન વૃદ્ધિનો ગ્રોથ ધીમો પડ્યો હોવાનું, જોબ્સ સપ્લાય ઘટી રહ્યો હોવા જેવી બાબતો નોંધી હતી. જોકે, સાથે રેટ કટ માટેની કોઈ શક્યતાં હાલમાં નહિ હોવાનું જણાવ્યું હતું. યુએસ બોન્ડ યિલ્ડ્સમાં તીવ્ર વૃદ્ધિ પણ ફેડને વધુ રેટ વૃદ્ધિ માટે અટકાવવાનું એક મહત્વનુ કારણ હતું.
પોવેલે જણાવ્યું હતું કે જો જરૂર જણાશે તો ભવિષ્યમાં રેટ વૃદ્ધિ કરશે. જોકે, તેમણે આ અંગે કોઈ સમયમર્યાદા નહોતી આપી. તેમણે લેબર માર્કેટ, આર્થિક વૃદ્ધિ દર અને નાણાકિય સ્થિતિને રેટને લઈ ભાવિ સમીક્ષા માટે મહત્વના પરિબળો ગણાવ્યાં હતાં. આમાં લેબર માર્કેટ કુલ ડાઉન થઈ રહ્યાંના શરૂઆતી સંકેતો મળી રહ્યાં છે. જ્યારે આર્થિક ડેટા મજબૂત આવી રહ્યો હોવાથી ફેડને ઊંચા રેટને લઈ ખાસ ચિંતા નથી. પોવેલની ટિપ્પણી પછી વિશ્વભરના શેરબજારો અને ગોલ્ડને રાહત મળી હતી. જ્યારે ડોલર સામે ઈમર્જિંગ માર્કેટ ચલણોમાં મજબૂતી જોવા મળી હતી. ડોલર ઈન્ડેક્સ 106.87ની ટોચ બનાવી 106.002 પર પટકાયો હતો. યુએસ 10-વર્ષના બોન્ડ યિલ્ડ્સ 1.7 ટકા નરમાઈ દર્શાવતાં હતાં અને 4.70 પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. બીજી બાજુ, ગોલ્ડ 9 ડોલર મજબૂતી સાથે 1996 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું. ચાંદી પણ 1.9 ટકા ઉછાળો નોંધાવતી હતી. જ્યારે બિટકોઈનમાં 1000 ડોલરનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 35475 ડોલર પર ટ્રેડ થતો હતો.
એશિયન ચલણોમાં મજબૂતી
એશિયન ચલણોમાં ગુરુવારે તેજી જોવા મળી હતી. યુએસ ડોલર સામે ઓસ્ટ્રેલિયન ડોલર 0.7 ટકા સુધારો સૂચવતો હતો. જાપાનીઝ યેન પણ 0.5 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. તે એક વર્ષના તળિયેથી બાઉન્સ દર્શાવતો હતો. જોકે, તે હજુ પણ ડોલર સામે 150ની સપાટી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. પોવેલનું નિવેદન ડોવિશ જણાતાં સિંગાપુર ડોલર, હોંગ કોંગ ડોલર, કોરિયન વોન, મલેશિયન રિંગીટમાં પણ મજબૂતી જોવા મળી હતી. એનાલિસ્ટસના મતે ફેડ 2024ની મધ્યમાં રેટ કટ માટે વિચારે તેવી શક્યતાં પાછળ ડોલર ઈન્ડેક્સ નરમ જોવા મળતો હતો. ભારતીય રૂપિયો પણ ડોલર સામે 9 પૈસા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
એશિયન શેરબજારોમાં 2.5 ટકા સુધીનો ઉછાળો
ફેડ તરફથી રેટ વૃદ્ધિની શક્યતાં દૂર થતાં ચીન સિવાય તમામ એશિયન બજારોમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં તાઈવાનનો બેન્ચમાર્ક 2.23 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. તે ઉપરાંત કોરિયન બેન્ચમાર્ક 1.81 ટકાની વૃદ્ધિ દર્શાવતો હતો. જાપાન, હોંગ કોંગ, ઈન્ડોનેશિયા, મલેશિયા સહિતના બજારો એક ટકાથી ઊંચી વૃદ્ધિ દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બેન્ચમાર્ક્સ પણ 0.77 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. યુએસ ટ્રેઝરી યિલ્ડમાં ઘટાડા પાછળ ઈક્વિટીઝને લઈ સેન્ટીમેન્ટ પોઝીટીવ બન્યું હોવાથી ખરીદી નીકળી હતી. એનાલિસ્ટ્સના મતે ફેડ રેટ સ્થિર રહેશે તો ઈમર્જિંગ બજારોમાં વિદેશી રોકાણકારો તરફથી લિક્વિડિટી વધશે અને તેની પાછળ શેરબજારોમાં મજબૂતી જળવાશે. એશિયન બજારોમાં ટેક્નોલોજી શેર્સમાં ખાસ મજબૂતી જોવા મળી હતી.
બિટકોઈન 17-મહિનાની ટોચે પહોંચ્યો
ફેડ ચેરમેન જેરોમ પોવેલ પહેલાં કરતાં ઓછાં હોકિશ જણાતાં બિટકોઈનમાં ભારે તેજી જોવા મળી હતી. ગુરુવારે તે 1000 ડોલરથી વધુ ઉછાળા સાથે 35 હજારની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. તેમજ 17-મહિનાની નવી ટોચે પહોંચ્યો હતો. એશિયામાં ટ્રેડ દરમિયાન તે 35808 ડોલર પર જોવા મળ્યો હતો. જે મે, 2022 પછીની સૌથી ઊંચી સપાટી હતી. ઈથેરિયમ પણ 3 ટકા મજબૂતી સાથે 1899.19 ડોલરની ત્રણ મહિનાની ટોચ પર જોવા મળી રહ્યો હતો.
ગોલ્ડમાં મજબૂત અન્ડરટોન
ડોલર સાથે વ્યસ્ત સંબંધ ધરાવતાં ગોલ્ડમાં ફેડ ચેરમેનની ટિપ્પણી પછી અન્ડરટોન મજબૂત બન્યો હતો. કોમેક્સ ગોલ્ડ વાયદો 9 ડોલર મજબૂતી સાથે 1996 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, તે બે સત્રોથી 2000 ડોલરની નીચે ટ્રેડ દર્શાવી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સ નરમ હોવાથી ગોલ્ડમાં મજબૂતી ટકવાની શક્યતાં છે. એનાલિસ્ટ્સ 2020 ડોલરનો અવરોધ જોઈ રહ્યાં છે. જે પાર થશે તો ગોલ્ડ 2050 ડોલર સુધીની તેજી દર્શાવી શકે છે. ભારતીય બજારમાં દિવાળી સુધીમાં હાજર બજારમાં ગોલ્ડના ભાવ રૂ. 64000ની સપાટી નોંધાવી શકે છે.
ઝૂરિક ઈન્શ્યોરન્સ કોટક જનરલ ઈન્શ્યોરન્સમાં 51 ટકા હિસ્સો ખરીદશે
સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત કંપની રૂ. 4051માં ખાનગી જનરલ ઈન્શ્યોરન્સ પ્લેયરમાં ભાગીદાર બનશે
સ્વિટ્ઝર્લેન્ડની ઝૂરિક ઈન્શ્યોરન્સ કંપની કોટક જનરલ ઈન્શ્યોરન્સમાં 51 ટકા હિસ્સાની રૂ. 4051 કરોડમાં ખરીદી કરશે એમ પેરન્ટ કંપની કોટક મહિન્દ્રા બેંકે જણાવ્યું હતું. આંઠ વર્ષ જૂની કોટક જનરલમાં સ્વીસ ઈન્શ્યોરરનું રોકાણ ફ્રેશ ગ્રોથ કેપિટલ અને શેર ખરીદીના સ્વરૂપમાં હશે એમ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવાયું હતું.
ફાઈલીંગમાં જણાવ્યા મુજબ કંપની તરફથી 19 ટકાનું ફોલો-અપ બાઈંગ પણ જોવા મળશે. જે શરૂઆતી ખરીદીના ત્રણ વર્ષોની અંદર કરવામાં આવશે. નોન-લાઈફ માર્કેટમાં કોટક જનરલ ઈન્શ્યોરન્સનો માર્કેટ હિસ્સો પ્રિમીયમના સંદર્ભમાં સપ્ટેમ્બરમાં 0.52 ટકા જેટલો હતો. 2022-23માં તેનું ગ્રોસ રિટન પ્રિમિયમ રૂ. 1148.30 કરોડ હતું. જ્યારે પોસ્ટ-મની વેલ્યૂએશન પર કંપનીની શેર સેલ વેલ્યૂ રૂ. 7943 કરોડ પર હતી. ઝૂરિકના એશિયા પેસિફિક વિસ્તારના ચીફ એક્ઝિક્યૂટીવના જણાવ્યા મુજબ ભારત વિશ્વમાં ખૂબ જ શક્યતાંઓ ધરાવતાં મહત્વના બજારોમાંનું એક છે અને અમે અદભૂત ભાગીદાર સાથે નોંધપાત્ર કમિટમેન્ટ કરવા જઈ રહ્યાં છીએ. તેમના મતે કોટક મહિન્દ્રા જૂથની ફિઝિકલ અને ડિજીટલ ડિસ્ટ્રીબ્યુશન મજબૂતી અને ઝૂરિકની બીટુસી અને બીટુબી ફોર્મેટ્સમાં ડિજીટલ એસેટ્સમાં વૈશ્વિક ક્ષમતાઓ કંપની માટે લાભદાયી બની રહેશે. સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં ઈન્શ્યોરન્સ કંપનીની ખોટ ઘટી રૂ. 7 કરોડ રહી હતી. જે વર્ષ અગાઉ રૂ. 17 કરોડ પર હતી. જ્યારે તેની રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 379 કરોડ પર હતી.
NSE ખાતે 6-15 વાગે મૂહૂર્ત ટ્રેડિંગ શરૂ થશે
નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 12 નવેમ્બરે દિવાળીના દિવસે સાંજે નવા સંવતની પૂર્વ સંધ્યાએ મૂહૂર્ત ટ્રેડિંગ યોજાશે. એક્સચેન્જની યાદીમાં જણાવ્યા મુજબ મૂહૂર્ત ટ્રેડિંગ સાંજે 6-15 વાગે શરૂ થશે અને 7-15 વાગે પૂરું થશે. મૂહૂર્ત ટ્રેડિંગને શુકનવંતુ માનવામાં આવે છે અને રોકાણકારો ટોકન ખરીદી કરતાં હોય છે. સાંજે 6થી 6-08 વચ્ચે પ્રિ-ઓપનીંગ સત્ર જોવાશે. જ્યારે 6-15થી નોર્મસ સત્રની શરૂઆત થશે. બ્લોક ડીલ વિન્ડો 5-45થી ઓપન થશે. ભારતીય શેરબજારમાં બીએસઈ ખાતે 1957થી મૂહૂર્ત ટ્રેડિંગ યોજાય છે. જ્યારે એનએસઈ ખાતે 1992થી મૂહૂર્ત ટ્રેડિંગ શરૂ થયું હતું. 2018થી મૂહૂર્ત ટ્રેડિંગના દિવસે શેરબજાર પોઝીટીવ બંધ જોવા મળે છે. 2022માં મૂહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ 0.88 ટકા રિટર્ન દર્શાવતો હતો. જ્યારે 2021માં તે 0.49 ટકા અને 2020માં 0.45 ટકા પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો.
સ્મોલ અને મિડિયમ કંપનીઓ તરફથી શેરબજારમાં વિક્રમી લિસ્ટીંગ
2023માં કુલ 184 કંપનીઓએ એસએમઈ પ્લેટફોર્મ્સ પર લિસ્ટીગ નોંધાવ્યું
શેરબજારમાં સ્મોલ એન્ડ મિડિયમ(SME) સાઈઝ કંપનીઓ તરફથી ચાલુ વર્ષે લિસ્ટીંગ માટે ધસારો જોવા મળી રહ્યો છે. 2023માં અત્યાર સુધીમાં દેશના બે એસએમઈ પ્લેટફોર્મ્સ પર કુલ 184 કંપનીઓ લિસ્ટ થઈ ચૂકી છે. જે વાર્ષિક ધોરણે નવો વિક્રમ છે. ભારતીય એસએમઈ પ્લેટફોર્મ્સ ચાલુ કેલેન્ડરમાં વિશ્વમાં સૌથી વ્યસ્ત જોવા મળ્યાં છે.
માર્કેટ રિસર્ચ કંપનીએ તૈયાર કરેલા ડેટા મુજબ ઓક્ટોબરમાં ભારતમાં 30 કંપનીઓએ લિસ્ટીંગ કરાવ્યું હતું. જે યુએસ, ચીન અને હોંગ કોંગની સરખામણીમાં ઊંચું હતું. મેઈન પ્લેટફોર્મ પર પણ જુલાઈથી ઓક્ટોબર સુધીમાં બે ડઝનથી વધુ કંપનીઓ બજારમાં પ્રવેશી હતી. જોકે, તેમણે ઊભી કરેલી રકમ 2022ની સરખામણીમાં નીચી હતી. ઈવી ગ્લોબલની ભારત સ્થિત સભ્ય એસ આર બાટલીબોય એન્ડ એસોસિએટ્સના જણાવ્યા મુજબ ભારતમાં સામાન્ય સભાની ચૂંટણી અગાઉ પ્રાઈમરી માર્કેટ્સમાં તેજી જોવા મળતી હોય છે. આગામી વર્ષે 2024માં દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. દેશમાં આઈપીઓની સંખ્યા વિક્રમી જોવા મળી છે પરંતુ વાર્ષિક ધોરણે પ્રાઈમરી માર્કેટમાંથી ઊભી કરવામાં આવેલી રકમ 15 ટકા ઘટાડા સાથે 4.9 અબજ ડોલર પર જોવા મળી રહી છે. માર્કેટમાં લિસ્ટ થનારી કેટલીક કંપનીઓએ પ્રથમ દિવસના ટ્રેડિંગમાં 100 ટકાથી વધુ રિટર્ન આપ્યું હતું. જ્યારે એસએમઈ આઈપીઓના ભરણામાં 300-900 ગણા ભરાયેલા જોવા મળ્યાં હતાં. જોકે, બીજી બાજુ કેટલીક કંપનીઓએ ઊંચા ભરણા ભરાવા છતાં ફ્લેટ લિસ્ટીંગ દર્શાવ્યું હતું.
ઊંચા વ્યાજ દરો, જીઓ-પોલિટીકલ તણાવો વચ્ચે M&A કામગીરીમાં ઘટાડો
વૈશ્વિક સ્તરે ચાલુ વર્ષે માત્ર પાંચ મેગા ડિલ્સ જોવા મળ્યાં
ઓગસ્ટ 2023ની આખર સુધીમાં 1.18 ડોલર ટ્રિલીયનના 21,500 એમએન્ડએ ડિલ્સની જાહેરાત
વધતાં ઈન્ટરેસ્ટ રેટ, જીઓ-પોલિટિકલ ચિંતાઓ અને આર્થિક મંદીના ડર પાછળ 2023માં અત્યાર સુધી મર્જર્સ એન્ડ એક્વિઝીશન્સની કામગીરીમાં ઘટાડો જોવા મળ્યો છે એમ બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રૂપનો રિપોર્ટ જણાવે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2021 અને 2022માં એમએન્ડએ કામગીરીમાં તેજી જોવા મળી હતી. જોકે 2022ના પ્રથમ છ મહિના દરમિયાન ડિલમેકિંગ મંદ જોવા મળ્યું હતું અને 2023ના પ્રથમ આંઠ મહિનામાં પણ તે નરમ રહ્યું હતું.
ઓગસ્ટ 2023ની આખર સુધીમાં કુલ 21,500 એમએન્ડએ ડિલ્સની જાહેરાત થઈ ચૂકી હતી. જેનું કુલ મૂલ્ય 1.18 ટ્રિલિયન ડોલર જેટલું થતું હતું. જે 2022ની સરખામણીમાં ડિલ્સની સંખ્યામાં 14 ટકા ઘટાડો સૂચવે છે. જ્યારે ગયા વર્ષની કુલ ડિલ વેલ્યૂની સામે 41 ટકા ઘટાડો દર્શાવે છે. મહામારી પાછળ 2020માં ડિલ્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જોકે, 2021માં અસાધારણ રીતે ડિલ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. 2020ની સરખામણીમાં 2021માં એમએન્ડએ વોલ્યુમ 28 ટકા ઉછળી 41000 ડિલ્સ પર પહોંચ્યું હતું. જ્યારે 2019ની સરખામણીમાં તે 18 ટકા ઊંચું હતું. જોકે, 2022માં વોલ્યુમ 9 ટકા ગગડી 37 હજાર ડિલ્સ પર નોંધાયું હતું. જે વેલ્યુ સંદર્ભમાં 38 ટકા ગગડી 2.7 ટ્રિલીયન ડોલર પર જોવા મળ્યું હતું. 2021માં તે 4.3 ટ્રિલિયન ડોલર પર જોવા મળ્યું હતું. બીસીજીના રિપોર્ટ મુજબ ગ્લોબલ એમએન્ડએ રિપોર્ટ 2024માં એમએન્ડએ ડિલ્સમાં ફરીથી વૃદ્ધિ માટેનો આશાવાદ પ્રવર્તી રહ્યો છે. રિપોર્ટ મુજબ ભારત, તાઈવાન, ઈટાલી અને રોમાનિયા જેવા માર્કેટ્સ થોડા વધુ મજબૂત જોવા મળી રહ્યાં છે. જ્યારે યુએસ, કેનેડા, ફ્રાન્સ અને જર્મનીમાં ડિલ્સને લઈ ગંભીર અસર પ્રવર્તી રહી છે.
ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં 17 મેગાડિલ્સ જોવા મળ્યાં છે. જે સંખ્યા 2022માં સમાનગાળામાં 27 પર જોવા મળતાં હતાં. જ્યારે સમગ્ર 2022માં 33 મેગાડિલ્સ શક્ય બન્યાં હતાં. 2021માં તે આંકડો 50 પર નોંધાયો હતો. માર્ચમાં ફાઈઝર તરફથી સિજેનના 43.8 અબજ ડોલરમાં ખરીદી સૌથી મોટું ડિલ હતું. એપ્રિલમાં ગ્લેનકોરે ટેક રિસોર્સિઝની 31.4 અબજ ડોલરમાં કરેલી ખરીદી બીજું મેગા ડીલ હતું. સપ્ટેમ્બરમાં સિસ્કો સિસ્ટમ્સ તરફી પ્લંકની 28.1 અબજ ડોલરમાં ખરીદી ત્રીજું મોટું ડીલ હતું.
અદાણી પાવરનો નેટ પ્રોફિટ 800 ટકા ઉછળી રૂ. 6594 કરોડ પર રહ્યો
કંપનીએ રૂ. 1945 કરોડની અન્ય આવક દર્શાવી
અદાણી જૂથની પાવર કંપની અદાણી પાવરે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 6594 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 696 કરોડના નફાની સરખામણીમાં 848 ટકાનો તીવ્ર ઉછાળો સૂચવે છે. કંપનીના નફામાં રૂ. 1371 કરોડની ટેક્સ ક્રેડિટના વન ટાઈમ લાભનો સમાવેશ થાય છે.
કંપનીની કામકાજી આવક રૂ. 12990.58 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7043.77 કરોડની સરખામણીમાં 84.42 ટકા પર જોવા મળે છે. કંપનીના જણાવ્યા મુજબ નફામાં ડોમેસ્ટીક કોલ શોર્ટફોલના ભાગરૂપે અગાઉના સમયગાળાની આઈટમ્સના રૂ. 1125 કરોડની વન-ટાઈમ રકમનો સમાવેશ થતો હતો. કંપનીના જણાવ્યા મુજબ આવકમાં ઊંચી વૃદ્ધિનું કારણ ઊંચું વેચાણ વોલ્યુમ્સ હતું. જેમાં ગોડ્ડા પાવર પ્લાન્ટના ઊંચા યોગદાન અને ઊંચું મર્ચન્ટ વેચાણ હતું. આયાતી કોલના નીચા ભાવને કારણે પણ પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ આધારિત કોલ-બેઝ્ડ પ્લાન્ટમાંથી ઊંચા પાવર વેચાણે પણ સહાયતા કરી હતી. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1945 કરોડની અન્ય આવક પણ નોંધાવી હતી. જેમાં રૂ. 1656 કરોડની કેરિંગ કોસ્ટ અને લેટ પેમેન્ટ સરચાર્જનો સમાવેશ થતો હતો. અદાણી પાવર અને તેની સબસિડિયરીઝે બીજા ક્વાર્ટરમાં 58.3 ટકાનું સરેરાશ પ્લાન્ટ લોડ ફેક્ટર હાંસલ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 39.2 ટકા પર હતું. કંપનીનું પાવર વેચાણ વોલ્યુમ 19.1 બિલિયન યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 11 બીયુ પર હતું. ગુરૂવારે અદાણી પાવરનો શેર 2.12 ટકા પર ઉછળી રૂ. 372.75ની સપાટીએ બંધ રહ્યો હતો.
BOEએ બેન્ચમાર્ક રેટને 5.25 ટકા પર સ્થિર જાળવ્યાં
જોકે, રેટમાં નજીકના સમયમાં ઘટાડાનો ઈન્કાર
બેંક ઓફ ઈન્ગ્લેન્ડે ગુરુવારે તેની રેટ સમીક્ષામાં વ્યાજ દર સ્થિર જાળવી રાખ્યાં હતાં. તેણે અગાઉ સપ્ટેમ્બરમાં પણ રેટને સ્થિર જાળવ્યાં હતાં. સતત 14-વાર રેટમાં વૃદ્ધિ પછી છેલ્લી બે રેટ સમીક્ષામાં તે આમ કરી રહી છે. અગાઉ બુધવારે યુએસ ફેડે રેટ સ્થિર જાળવ્યાં હતાં. જેનું બીઓઈએ અનુસરણ કર્યું હતું.
જોકે, યૂકે ખાતે વર્તમાન બેન્ચમાર્ક રેટ 15-વર્ષોની ટોચ પર જોવા મળે છે. હાલમાં જી-7 દેશોમાં યુકે સૌથી ઊંચું ઈન્ફ્લેશન દર્શાવી રહ્યું છે અને તેથી જ બીઓઈ રેટ વૃદ્ધિમાં પણ અન્ય યુરોપિયન હરિફો કરતાં વધુ આક્રમક બની રહી છે. બીઓઈ ગવર્નર અન્ડ્રૂ બેઈલીના જણાવ્યા મતે રેટમાં ઘટાડાની વાત કરવું હજુ ખૂબ વહેલું ગણાશે. બેંકના આંઠમાંથી પાંચ સભ્યોએ રેટ વૃદ્ધિમાં વિરામ માટે વોટિંગ કર્યું હતું. જેમાં ગવર્નરનો પણ સમાવેશ થતો હતો. જ્યારે ત્રણ સભ્યોએ રેટ વધારી 5.5 ટકા કરવાની તરફેણ કરી હતી. બેઈલીએ નોંધ્યું હતું કે અમે ઈન્ફ્લેશન પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ અને જો રેટમાં વધુ વૃદ્ધિની જરૂર પડશે તો અમે તેમ કરીશું.
GIC, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સમાં 10 ટકા હિસ્સા વેચાણની વિચારણા
સરકાર ઓગસ્ટ 2024 સુધીમાં ઓફર-ફોર-સેલ મારફતે હિસ્સો વેચી શકે છે
કેન્દ્ર સરકાર તેના લિસ્ટેડ સરકારી સાહસો જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(GIC) અને ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં ઓછામાં ઓછા 10 ટકા હિસ્સાનું વેચાણ કરવા માટે વિચારી રહી હોવાનું સિનિયર ગવર્મેન્ટ અધિકારીઓ જણાવે છે. હાલમાં સરકાર જીઆઈસીમાં 85.78 ટકા હિસ્સો અને ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સમાં 85.44 ટકા હિસ્સો ધરાવે છે. અધિકારીના મતે સરકાર બંને કંપનીઓમાં ઓગસ્ટ, 2024 સુધીમાં ઓફર-ફોર-સેલ માટે પ્રયાસ કરી રહી છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઉપરોક્ત બંને કંપનીઓને લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ માટેની જોગવાઈમાંથી ઓગસ્ટ, 2024 સુધી મુક્તિ આપી હતી. સેબીના નિયમ મુજબ જાહેર લિસ્ટીંગ ધરાવતી કંપનીએ લઘુત્તમ 25 ટકા હિસ્સો પબ્લિકને વેચવો ફરજિયાત છે. જે કંપનીઓ લિસ્ટીંગ પછી આમ કરવામાં નિષ્ફળ જાય તેમનું લિસ્ટીંગ રદ થઈ શકે છે. અધિકારીઓના મતે હાલમાં પબ્લિક ઈન્શ્યોરન્સ કંપનીઓમાં રોકાણકારોને રસ નથી. જો સરકાર નિષ્ફળ જશે તો આર્થિક બાબતોનો વિભાગ તેમના એક્ઝેમ્પ્શનને લંબાવી શકે છે એમ વર્તુળોનું કહેવું છે.
UAEની ભારતમાં 50 અબજ ડોલર સુધીના રોકાણ માટે વિચારણા
યુનાઈટેડ આરબ અમિરાત ભારતમાં 50 અબજ ડોલર સુધીના રોકાણ માટે વિચારણા કરી રહ્યું છે. ખાડી દેશ તેના બીજા સૌથી મોટા ટ્રેડિંગ ભાગીદાર અને વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્ર પર દાવ લગાવવાના ભાગરૂપે આમ વિચારી રહ્યો છે. વર્તુળોના મતે યુએઈ તરફથી પ્રસ્તાવિત રોકાણની જાહેરાત આગામી વર્ષની શરૂઆતમાં કરવામાં આવે તેવી શક્યતાં છે. જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યૂએઈ પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયગની બેઠક પછી આ રોકાણની વિચારણા થઈ રહી છે.
બંને દેશ છેલ્લાં એક દાયકામાં મજબૂત સંબંધો ઈચ્છી રહ્યાં છે અને તેમની વચ્ચે નોન-ઓઈલ દ્વિપક્ષીય ટ્રેડને 100 અબજ ડોલરની ઉપર લઈ જવાનો ટાર્ગેટ ધરાવે છે. મોદીએ 2014માં ભારતના વડાપ્રધાન તરીકે પદગ્રહણ કર્યાં પછી તાજેતરમાં અબુ ધાબીન પાંચમીવાર મુલાકાત લીધી હતી. તેમન પહેલાં ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ યુએઈની 1981માં મુલાકાત લીધી હતી. બંને દેશો વચ્ચે હાલમાં મહત્વના ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લઈ ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત જાહેર ક્ષેત્રની એસેટ્સને લઈ ચર્ચા થઈ રહી છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલાં જ રોકાણને લઈ જાહેરાત થઈ શકે છે એમ વર્તુળોનું કહેવું છે. યૂએઈ ખાતેથી થનારા રોકાણમાં સોવરિન ફંડ્સ જેવાકે અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, મુબાદલા ઈન્વેસ્ટમેન્ટ કો. અને એડીક્યૂનો સમાવેશ થતો હોવાનું તેઓ જણાવે છે. જોકે, મોટાભાગના રોકાણને લઈને કોઈ સ્પષ્ટ સમયમર્યાદાની શક્યતાંનો વર્તુળો ઈન્કાર કરી રહ્યાં છે. હજુ સુધી રોકાણના કદ કે તેની જાહેરાતના સમયને લઈ કોઈ આખરી નિર્ણય નહિ લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે. રોકાણના ભાગરૂપે શેખ તહનૂન બિન ઝાયેદ અલ નેહયાનની આગેવાની હેઠળની કંપનીઓએ ભારતમાં અબજો ડોલરના રોકાણ માટે શરૂઆતી તબક્કાની વાતચીત કરી હોવાનું પણ વર્તુળોનું કહેવું છે. શેખ તહેનૂન યૂએઈ પ્રમુખના ભાઈ છે અને ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કોના ચેરમેન છે. જેમણે ગયા મહિને ભારતીય કોંગ્લોમેરટ અદાણી જૂથની ફ્લેગશિપ કંપનીમાં 5 ટકા હિસ્સાને ડિસ્ક્લોઝ કર્યો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
લાર્સન એન્ડ ટુબ્રોઃ ટોચની ઈપીસી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3223 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 3048 કરોડના નફાની સરખામણીમાં 45 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક પણ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 42,763 કરોડ પરથી 19 ટકા વધી રૂ. 51,024 કરોડ પર જોવા મળી હતી. કંપનીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મજબૂત એક્ઝિક્યૂશન પાછળ ઊંચો વૃદ્ધિ દર નોંધાયો હતો.
ડાબરઃ એફએમસીજી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 507.04 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 490.86 કરોડના નફાની સરખામણીમાં 5 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2986.49 કરોડની સામે રૂ. 3203.84 કરોડ પર રહી હતી. કંપનીનો ખર્ચ રૂ. 2669.43 કરોડ પર રહ્યો હતો. કંપનીનો શેર 2 ટકા વૃદ્ધિ સાથે ટ્રેડ થતો જોવાયો હતો.
તાતા સ્ટીલઃ તાતા સ્ટીલ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 6511 કરોડની કોન્સોલિડેટેડ ખોટ નોંધાવી હતી. કંપનીએ તેના યૂકે સ્થિત ઓપરેશન્સના રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે આ ખોટ દર્શાવી હતી. ઉપરાંત, કંપનીનું વેચાણ નીચું રહેવાથી પણ કામગીરી પર અસર પડી હતી. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 59878 કરોડન સરખામણીમાં 7 ટકા ઘટાડે રૂ. 55682 કરોડ પર રહી હતી. કંપનીનો શેર ઘટાડો દર્શાવતો હતો.
ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનઃ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 67 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 57.4 કરોડના નફા સામે 16.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક વાર્ષિક 6.2 ટકા વધી રૂ. 912 કરોડ રહી હતી. જ્યારે તેનો એબિટા ગયા વર્ષે રૂ. 236 કરોડ સામે વધી રૂ. 258.6 કરોડ પર રહ્યો હતો. કંપનીનું એબિટા માર્જિન 11.6 ટકાથી વધી 11.9 ટકા રહ્યું હતું.
લિંકન ફાર્માસ્યુટિકલ્સઃ ફાર્મા કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 27.65 કરોડનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 23.71 કરોડની સરખામણીમાં 16.62 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની કામકાજી આવક ગયા વર્ષની રૂ. 146.30 કરોડ પરથી વધી રૂ. 164.68 કરોડ પર રહી હતી. જ્યારે એબિટા રૂ. 34.59 કરોડ પરથી વધી રૂ. 39.84 કરોડ જોવા મળ્યો હતો. કંપનીએ પ્રતિ શેર રૂ. 1.5ના ડિવિડન્ડને મંજૂરી આપી હતી.
મેનકાઈન્ડ ફાર્માઃ કંપનીએ સપ્ટમેબર ક્વાર્ટરમાં રૂ. 511 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 506.5 કરોડના અંદાજની સરખામણીમાં ઊંચો છે. કંપનીની રેવન્યૂ પણ એનાલિસ્ટ્સના રૂ. 2699 કરોડના અંદાજની સરખામણીમાં રૂ. 2708 કરોડ પર ઊંચી જોવા મળી હતી.
એમઆરપીએલઃ પીએસયૂ રિફાઈનરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1052 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1779 કરોડની ખોટ નોંધાવી હતી. જેની સરખામણીમાં ચાલુ વર્ષે નફામાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 28453 કરોડ સામે ચાલુ વર્ષે નોંધપાત્ર ઘટાડા સાથે રૂ. 22843 કરોડ પર જોવા મળી હતી.