Market Summary 03/01/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક બજારો પાછળ સતત બીજા સત્રમાં વેચવાલી
નિફ્ટીએ 21600ની સપાટી ગુમાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.4 ટકા ગગડી 14.09ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં જોકે મજબૂતી અકબંધ
પીએસયૂ બેંક્સ, ફાર્મા, રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી
આઈટી, મેટલ, ઓટોમાં નરમાઈ
બાયોકોન, બંધન બેંક, કેનેરા બેંક, એચપીસીએલ નવી ટોચે

શેરબજારમાં સતત બીજા દિવસે પ્રોફિટ બુકિંગ પાછળ વેચવાલી જોવા મળી હતી. જેમાં બીએસઈ સેન્સેક્સ 536 પોઈન્ટ્સ ગગડી 71,357ની સપાટીએ જ્યારે નિફ્ટી 148 પોઈન્ટ્સ ગગડી 21,517ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદી જળવાઈ રહેવાથી બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3945 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2137 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1706 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 390 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 23 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.4 ટકા ગગડી 14.09ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે એશિયન બજારોમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. જેમાં સાઉથ કોરિયાનો કોસ્પી 2.5 ટકા જેટલો તૂટ્યો હતો. ચીન સિવાય તમામ એશિયન બજારો નરમાઈ દર્શાવતાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટી સાધારણ ગેપ-ડાઉન સાથે ખૂલ્યાં પછી સમગ્ર દિવસ દરમિયાન સતત ઘટતો રહ્યો હતો. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે 21500નું તળિયું દર્શાવ્યું હતું અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 78 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21595ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 108 પોઈન્ટ્સના પ્રિમીયમમાં 30 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવતો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં સતત બીજા સત્રમાં ઘટાડો જળવાયો હતો. જે નવી ખરીદીમાં સાવચેતીનો સંકેત છે. નિફ્ટી 21500ના સપોર્ટને જાળવી શક્યો છે. જો આ સપાટી તૂટશે તો તે 21100 સુધીનો વધુ ઘટાડો દર્શાવી શકે છે. માર્કેટમાં પ્રોફિટ મળે ત્યાં એક્ઝિટ લેવી હિતાવહ ગણાશે. નિફ્ટીને બુધવારે સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં બજાજ ઓટો ટોચ પર હતો. શેર 5 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝ, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, આઈટીસી, સિપ્લા, ભારતી એરટેલ, બીપીસીએલ, એસબીઆઈ, ઓએનજીસી, એક્સિસ બેંક, એપોલો હોસ્પિટલ, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સ, લાર્સન, એનટીપીસી, કોટક મહિન્દ્રા બેંકમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ટીસીએસ, હીરો મોટોકોર્પ, નેસ્લે, એચસીએલ ટેક્નોલોજી, કોલ ઈન્ડિયા, એચડીએફસી બેંક, ગ્રાસિમ, એચડીએફસી લાઈફ, યૂપીએલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક્સ, ફાર્મા, રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી જળવાય રહી હતી. જ્યારે આઈટી, મેટલ, ઓટોમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.2 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, યૂકો બેંક, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેંક, ઈંડિયન બેંક, આઈઓબી, બેંક ઓફ બરોડા, એસબીઆઈમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 0.61 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં બાયોકોન, સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબ, લ્યુપિન, સન ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, ડિવિઝ લેબ્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી 1.23 ટકા ઉછળી નવી ટોચે બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં સોભા ડેવલપર્સ 11 ટકા ઉછળ્યો હતો આ ઉપરાંત પ્રેસ્ટીજ એસ્ટેટ, ફિનિક્સ મિલ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિઅલ્ટી, ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટમાં પણ મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી પીએસઈ પણ 0.2 ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં એચપીસીએલ, હિંદુસ્તાન એરોનોટીક્સ, આઈઓસી, આઈઆરસીટીસી, બીપીસીએલ, આરઈસી, પાવર ફાઈનાન્સ, ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, કોન્કોર, ભારત ઈલે., એનટીપીસીમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ નિફ્ટી આઈટીમાં 2.5 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જેમાં એમ્ફેસિસ 3.5 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, કોફોર્જ, એલએન્ડટી ટેક્નોલોજી, પર્સિસ્ટન્ટમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મેટલ 1.8 ટકા ઘટાડા સાથે ઊંધા માથે પટકાયો હતો. જેના ઘટકોમાં નાલ્કો 7 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલ, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, જિંદાલ સ્ટીલ, એનએમસીડીમાં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો બાયોકોન 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, બજાજ ઓટો, બંધન બેંક, કેનેરા બેંક, એચપીસીએલ, મણ્ણાપુરમ ફાઈ., ઈન્ડિયન હોટેલ્સ, શ્રીરામ ફાઈનાન્સ, જીએમઆર એરપોર્ટ્સ, હિંદુસ્તાન એરોનોટીક્સ, પીવીઆર આઈનોક્સ, ઈન્ડુસ ટાવર્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, એલએન્ડટી ફાઈનાન્સ, વેદાંતમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, નાલ્કો 7 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, હિંદાલ્કો, ભેલ, જેએસડબલ્યુ સ્ટીલ, એમ્ફેસિસ, સેઈલ, તાતા સ્ટીલ, એલટીઆઈમાઈન્ડટ્રી, મધરસન સુમી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ઈન્ફોસિસ, વિપ્રો, ઓરેકલ ફાઈનાન્સ., ટેક મહિન્દ્રા હિરો મોટોકોર્પ, નેસ્લેમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં સન ફાર્મા એડવાન્સ, સોભા, એનબીસીસી, બાયોકોન, બજાજ ઓટો, પ્રેસ્ટીજ એસ્ટેટ, શ્યામ મેટાલિક્સ, જેબી કેમિકલ્સ, એન્જીનીયર્સ ઈન્ડિયા, એચએફસીએલ, એફડીસી, કેનેરા બેંક, ઈન્ડિયન હોટેલ્સનો સમાવેશ થાય છે.

નાણા મંત્રાલયનો યુરિયા આયાત બિલમાં 33 ટકા ઘટાડાનો લક્ષ્યાંક
સ્થાનિક સ્તરે યુરિયા ઉત્પાદનની ક્ષમતા વધારવા પરાંત વૈકલ્પિક ખાતરો જેવા ઉપાયો હાથ ધરાશે

કેન્દ્રિય નાણા મંત્રાલય આગામી નાણા વર્ષ દરમિયાન યુરિયાના આયાત બિલમાં નોંધપાત્ર ઘટાડો કરવાની અપેક્ષા રાખે છે. તે નેનો યુરિયા, યુરિયા ગોલ્ડ વગેરેનો વપરાશ વધારી યુરિયાની આયાત પાછળના ખર્ચને 2024-25ના બજેટમાં ઘટાડી રૂ. 21000 કરોડ પર લઈ જવા પ્રયાસ કરી રહી હોવાનું સરકારી વર્તુળો જણાવે છે. ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન યુરિયા આયાત બિલ રૂ. 31000 કરોડ પર પહોંચે તેવી શક્યતાં છે.
અધિકારીના જણાવ્યા મુજબ આગામી વર્ષે યુરિયા આયાત બિલ નીચું હશે. ચાલુ વર્ષે સરકારે યુરિયાની આયાત પાછળ રૂ. 31000 કરોડ ખર્ચવા પડશે. માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ(એમડીએ) અને નેનો યુરિયાને આ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. યુરિયાના કિસ્સામાં નેનો યુરિયા અને ઓર્ગેનિક ફર્ટિલાઈઝર્સ જેવા વિકલ્વો રહેલાં છે. આમ, 2024-25માં નાણા મંત્રાલય યુરિયાની આયાત માટે 20000-21000 કરોડની ફાળવણી કરે તેવી શક્યતાં છે. દેશમાં ખાતરના કુલ વપરાશમાં યુરિયાનો હિસ્સો 55-60 ટકા જેટલો છે. તે આયાત મારફતે તેમજ સ્થાનિક સ્તરે ઉત્પાદનથી મેળવવામાં આવે છે. યુરિયા સબસિડી સ્કિમ ખેડૂતોને ખાતરની પ્રાપ્તિની ખાતરી પૂરી પાડે છે. તે રૂ. 2200 પ્રતિ બેગના ખર્ચ સામે ખેડૂતને રૂ. 242માં ખાતર ઉપલબ્ધ બનાવે છે. કેન્દ્રિય કેબિનેટે 28 જૂને, 2023ના રોજ ખેડૂતોના ભલા માટે ઘણી સ્કિમ્સને મંજૂરી આપી હતી. જેમાં જમીનની ઉત્પાદક્તાને પુનર્જિવિત કરવા જેવા ઉપાયોનો સમાવેશ થતો હતો. જેમાં વૈકલ્પિક ખાતરોના વપરાશને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. જે ઓર્ગેનિક વેસ્ટમાંથી ખૂટતાં પોષક દ્રવ્યો પૂરાં પાડે છે.

અદાણી ટોટલ ગેસે ડીકાર્બોનાઇઝેશન માટે શિગને સાથે એમઓયુ કર્યાં

સસ્ટેનેબિલિટી અને પર્યાવરણીય જવાબદારીના પાલનની દીશામાં આગળ વધતા અદાણી ટોટલ ગેસે ઓટોમોટિવ, લોકોમોટિવ અને સ્થિર એન્જિન એપ્લિકેશન્સ માટે સોલ્યુશન્સ પૂરા પાડતી શિગન ક્વોન્ટમ ટેકનોલોજીસ લિ.એ એમઓયુ સાઈન કર્યાં છે. જેનો ઉદ્દેશ CNG અને LNG જેવા સ્વચ્છઇંધણ તરફ વાળવા માટે સક્ષમ બને તેવી એક ઇકોસિસ્ટમનું નિર્માણ કરીને સપ્લાય ચેઇનને ડીકાર્બોનાઇઝ કરવાનો કરશે. આ એમઓયુ અંતર્ગત અદાણી ટોટલ ગેસ અને શિગન સહયોગ કરવાના વિવિધ ક્ષેત્રોની ચકાસણી કરશે. ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ(OEM) અને ત્યારબાદ બજાર આ બંને સહયોગીઓનું પ્રાથમિક લક્ષ્ય અદાણી ગ્રૂપની કંપનીઓ દ્વારા સિમેન્ટ, બંદરો અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં તૈનાત કરાયેલા ફ્લીટ ઓપરેટરો સહિતના લોકો માટે ટકાઉ ઉકેલો દ્વારા પરિવહન અને ખાણ એપ્લિકેશન્સ માટે કુદરતી ગેસ અપનાવવા ઉપર રહેશે. આ સહયોગીઓ એલએનજી રેટ્રોફિટમેન્ટ સોલ્યુશન સ્થિર એન્જિન, લોકોમોટીવ એન્જિન અને દરિયાઈ સાધનો જેવી વિવિધ એપ્લિકેશનોનું પણ અન્વેષણ કરશે. CNG/LNG-આધારિત રેટ્રોફિટમેન્ટ સોલ્યુશન્સ વિકસાવવા ઉપરાંત આ ભાગીદારો છેવાડાના ડિલિવરી પ્લેયર્સ માટે ઇ-મોબિલિટી આધારિત સોલ્યુશન્સ વિકસાવવાની શોધ કરશે અને આંતરિક કમ્બશન એન્જિન (ICE) વાહનો માટે ઇંધણ તરીકે ગ્રીન હાઇડ્રોજનના કિસ્સાઓનો ઉપયોગ કરશે. આ સહયોગથી પર્યાવરણ અને વ્યાપક બિઝનેસ સમુદાય પર સકારાત્મક અસર પડશે એવો અદાણી ટોટલ ગેસ અને અને શિગનને વિશ્વાસ છે. બંને પક્ષોને ઓપરેશનલ કાર્યક્ષમતા સાથે બાંધછોડ કર્યા વિના આ સમજૂતિ સ્થિરતાના તેમના પ્રયત્નોને પ્રાથમિકતા આપવા સક્ષમ બનાવશે.

અગ્રણી પોર્ટ્સ ખાતે કાર્ગો હેન્ડલીંગ 6 ટકા વધી 50 કરોડ ટને
દેશના ટોચના બંદરો ખાતે નાણા વર્ષના એપ્રિલથી નવેમ્બરના શરૂઆતી આઁઠ મહિનાઓમાં કાર્ગો સંચાલન 6 ટકા વધી 50 કરોડ ટનનો આંક પાર કરી ગયો હતો. ઉપરાંત, આ બંદરો ખાતે ટર્નએરાઉન્ડ ટાઈમ 6 ટકા સુધરી 48.46 કલાક પર રહ્યો હતો. જે અગાઉ 55.62 કલાક પર જોવા મળતો હતો. આમ તે ઘટીને માત્ર 2 દિવસ પર પહોંચ્યો હતો. આ જ રીતે બર્થ ખાતે આઈડલીંગ પણ ઘટીને 16 ટકા નજીક જોવા મળ્યું હતું. જે 24 ટકા ઘટાડો સૂચવે છે. દેશના ટોચના બંદરોમાં કોલકોત્તા, પારાદિપ, વિશાખાપટ્ટનમ, ચેન્નાઈ, તુતિકોરિન, મુંબઈ પોર્ટ, જેએનપીટી અને ગુજરાતના કંડલા પોર્ટનો સમાવેશ થાય છે. આ પોર્ટ્સ ખાતે ઈનલેન્ડ વોટરવે માર્ગે માલસામાનની મૂવમેન્ટ પણ 8 ટકા વધી 8.467 કરોડ ટન પર નોંધાઈ હતી.

FCIએ 10.2 કરોડ ઘઉં-ચોખાની ખરીદી પાછળ રૂ. 2.19 લાખ કરોડ ખર્ચ્યાં

સરકારી અનાજ ખરીદી સંસ્થા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એફસીઆઈ)એ કેલેન્ડર 2023માં ચોખા અને ઘઉંની ખરીદી પાછળ કુલ રૂ. 2.19 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો. જેમાં તેણે 7.656 લાખ ટન ડાંગર અને 2.62 કરોડ ટન ઘઉંની ખરીદી કરી હતી. એજન્સીએ રૂ. 2,19,140 કરોડની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરાવી હોવાનું જણાવ્યું હતું.
એફસીઆઈ તરફથી હાથ ધરવામાં આવેલા કેટલાંક નવા પ્રયાસો અંગે જણાવતાં કોર્પો.ના ચેરમેન અને એમડીએ જણાવ્યું હતું કે તેમણે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ગ્રેઈન એનલાઈઝરને દાખલ કર્યું હતું. જેને કારણે અનાજની ગુણવત્તાના મૂલ્યાંકનમાં પારદર્શકતા અને કાર્યદક્ષતામાં વૃદ્ધિ થશે. આ સુધારો 2021-22માં દાખવ કરવામાં આવેલા કેમિકલ આધારિત સોલ્યુશન માટે પૂરક બની રહેશે. કેમિકલ બેઝ્ડ સોલ્યુશન રજૂ કર્યાં પછી રિસાઈકલ થયેલાં 1.4 લાખ ટન ચોખાને પકડવામાં આવ્યાં હતાં અને તેની ખરીદી અટકાવી શકાય હતી. એફસીઆઈએ તમામ સ્વરૂપમાં સાઈન્ટિફિક ઓપન સ્ટોરેજને દૂર કર્યાં છે અને 1 કરોડ ટનના આધુનિક સાઈલો સ્ટોરેજનો ઉમેરો કર્યો છે. હાલમાં તે 7.62 કરોડ ટનની સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે. હાલમાં સમગ્ર જથ્થાને કવર્ડ સાઈન્ટિફિક ગોડાઉન્સમાં જ સંગ્રહવામાં આવે છે. દેશના તમામ ખૂણામાં અનાજની જરૂરિયાતને પૂરી પાડવા માટે એફસીઆઈએ સરેરાશ 1200 કિમિના અંતરે 450.83 લાખ ટનનું પરિવહન કર્યું છે.

બજાજ ઓટોના શેરમાં બાયબેકના અહેવાલ પાછળ તેજી
કંપનીનું બોર્ડ આગામી સોમવારે બાયબેકની શક્યતાં માટે વિચારણા કરશે
બુધવારે બજાજ ઓટોનો શેર 5 ટકા ઉછળી બીએસઈ ખાતે રૂ. 6989.40ની ઓલ-ટાઈમ હાઈ પર બંધ

ટુ-વ્હીલર સેગમેન્ટમાં ટોચની કંપની બજાજ ઓટોમાં મેનેજમેન્ટ તરફથી શેર બાયબેકને લઈ વિચારણાના અહેવાલ પાછળ બુધવારે મજબૂતી જોવા મળી હતી. કંપનીનો શેર બીએસઈ ખાતે 4.91 ટકા ઉછળી રૂ. 6989.40ની સર્વોચ્ચ સપાટે બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે બજાજ ઓટોનો શેર રૂ. 7060ની સપાટી પર ટ્રેડ થયો હતો. બુધવારે શેરબજારમાં નરમાઈ વચ્ચે કંપનીનો શેર મજબૂતી દર્શાવતો હતો.
અગાઉ કંપનીના શેરે 29 ડિસેમ્બરે રૂ. 6832.75ની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. જેને પણ બુધવારે પાછળ રાખી દીધી હતી. છેલ્લાં એક વર્ષમાં કંપનીનો શેર 96 ટકા જેટલો ઉછળ્યો છે. જ્યારે બેન્ચમાર્ક સેન્સેક્સમાં 17 ટકા વૃદ્ધિ જોવા મળે છે. આમ, કાઉન્ટરે ઊંચું આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. બજાજ ઓટોએ એક્સચેન્જ ફાઈલીંગમાં જણઆવ્યું હતું કે કંપનીના બોર્ડ ડિરેક્ટર્સ આગામી સોમવારે 8 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીના ફૂલ્લી પેઈડ-અપ ઈક્વિટી શેર્સના બાયબેકના પ્રસ્તાવ માટે વિચારણા કરશે તેમજ મંજૂરી આપશે. અગાઉ નાણા વર્ષ 2021-22માં કંપનીના બોર્ડે 64.1 લાખ શેર્સની પરત ખરીદી કરી હતી. તેમણે કુલ રૂ. 2500 કરોડનું બાયબેક હાથ ધર્યું હતું. બોર્ડ તરફથી મંજૂરીને આધારે 27 જૂન, 2022ના રોજ બેઠક મળી હી. જ્યારપછી રૂ. 4600 પ્રતિ શેરના ભાવે સ્ટોક એક્સચેન્જ મારફતે ઓપન માર્કેટ રૂટથી બાયબેક હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં અનેક લાર્જ-કેપ્સ તરફથી બાયબેક હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આઈટી કંપનીઓ ટોચ પર છે. બાયબેકમાં કંપની પોતાના જ શેર્સ પરત ખરીદતી હોય છે. કંપની તેની પાસે રહેલા સરપ્લસ નાણાનો ઉપયોગ બાયબેક માટે કરતી હોય છે. જે મારફતે તે શેરધારકોમાં આ નાણાનું વિતરણ કરે છે. સામાન્યરીતે શેરધારક પાસે રહેલા હિસ્સાના પ્રમાણમાં બાયબેક હાથ ધરવામાં આવતું હોય છે. જે સમગ્રતયા શેરધારકના રોકાણમાં વૃદ્ધિ આણે છે.

2023માં IPO મારફતે ફંડ્સ એકત્રીકરણમાં 17 ટકા ઘટાડો નોંધાયો
જો 2022માં LICના મેગા આઈપીઓનો બાકાત રાખીએ તો 28 ટકા ઊંચું ફંડ મેળવાયું
વર્ષ દરમિયાન 40 કંપનીઓએ લિસ્ટીંગ પર 10 ટકાથી વધુનું વળતર આપ્યું
તાતા ટેક્નોલોજિસ 163 ટકા સાથે ટોચનું લિસ્ટીંગ બની રહ્યું

વિતેલા કેલેન્ડર 2023માં આઈપીઓ મારફતે એકત્ર કરવામાં આવેલી રકમમાં વાર્ષિક ધોરણે 17 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. કેલેન્ડર 2022માં રૂ. 59,302 કરોડની સરખામણીમાં ગયા વર્ષે આઈપીઓ મારફતે રૂ. 49,434 કરોડની રકમ ઊભી કરવામાં આવી હતી. 2023માં કુલ 40 કંપનીઓ મેઈન બોર્ડ પર લિસ્ટ થઈ હતી. 2022માં માર્કેટમાં પ્રવેશેલાં એલઆઈસીના મેગા આઈપીઓને ગણનામાં ના લઈએ તો 2023માં આઈપીઓ મારફતે વાર્ષિક ધોરણે 28 ટકા ઊંચી રકમ એકત્ર કરવામાં આવી હતી. સમગ્રતયા જોઈએ તો 2023માં પબ્લિક ઈક્વિટી ફંડરેઈઝીંગ મારફતે કુલ રૂ. 1,44,283 કરોડની રકમ ઊભી કરવામાં આવી હતી. જ્યારે 2022માં તે રૂ. 90,886 કરોડ પર હતી.
2023માં સૌથી મોટો આઈપીઓ મેનકાઈન્ડ ફાર્માનો હતો. જેણે રૂ. 4326 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. જ્યારપછીના ક્રમે તાતા ટેક્નોલોજી(રૂ. 3043 કરોડ) અને જેએસડબલ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર(રૂ. 2800 કરોડ)નો સમાવેશ થાય છે. બીજી બાજુ સૌથી નાના ઓઈપીઓ ઉદયશિવકુમાર ઈન્ફ્રાનો હતો. જેણે માત્ર રૂ. 66 કરોડ જ એકત્ર કર્યાં હતાં. આ ઉપરાંત પ્લાઝા વાયર્સે પણ આઈપીઓ મારફતે રૂ. 71 કરોડ જ મેળવ્યાં હતાં. જેને કારણે 2021માં રૂ. 1884 કરોડની સરેરાશ આઈપીઓની સાઈઝ 2023માં માત્ર રૂ. 867 કરોડ પર જોવા મળી હતી. 2022માં તે રૂ. 1483 કરોડ પર હતી. આમ, છેલ્લાં બે વર્ષોમાં આઈપીઓનું સરેરાશ કદ ઘટતું જોવા મળ્યું છે. ગયા કેલેન્ડરમાં મોટાભાગના આઈપીઓ વર્ષના આખરી ચાર મહિનાઓ દરમિયાન માર્કેટમાં પ્રવેશ્યાં હતાં. સમગ્ર વર્ષના કુલ 57 આઈપીઓમાંથી 40 આઈપીઓ આખરી ચાર મહિનાઓમાં જોવા મળ્યાં હતાં. જેમાં સપ્ટેમ્બરમાં 14 આઈપીઓ, ડિસેમ્બરમાં 11 આઈપીઓ, નવેમ્બરમાં 8 આઈપીઓ અને ઓગસ્ટમાં 7 આઈપીઓનો સમાવેશ થાય છે.
પ્રાઈમ ડેટાબેઝ ગ્રૂપના એમડી પ્રણવ હલ્દિયાના મતે 2023માં ભિન્ન ક્ષેત્રોની કંપનીઓએ ફંડ માટે પ્રાઈમરી બજારમાં પ્રવેશ કર્યો હતો. જોકે, અર્થતંત્ર માટે મહત્વના એવા બીએફએસઆઈ સેગમેન્ટની કંપનીઓનું પ્રમાણ નીચું જોવા મળ્યું હતું. કુલ આઈપીઓમાંથી તેમણે રૂ. 6190 કરોડ(13 ટકા)ની રકમ ઊભી કરી હતી. 2022માં બીએફએસઆઈ સેક્ટરની કંપનીઓએ કુલ આઈપીઓના 46 ટકા ભંડોળ મેળવ્યું હતું. 2023માં ન્યૂ એજ ટેક્નોલોજી કંપનીઝનું પ્રમાણ પણ નીચું હતું. તેમણે કુલ રકમના માત્ર 2 ટકા ફંડ મેળવ્યું હતું. આ કંપનીઓમાં યાત્રા અને મામાઅર્થનો સમાવેશ થતો હતો.
વર્ષ દરમિયાન આઈપીઓને જાહેર જનતા તરફથી ઊંચો પ્રતિભાવ સાંપડ્યો હતો. 41 આઈપીઓ 10 ગણાથી વધુ છલકાયાં હતાં. જેમાંથી 16 આઈપીઓ તો 50 ગણાથી વધુ ભરાયાં હતાં. જ્યારે ત્રણ આઈપીઓ માત્ર ત્રણ ગણાથી વધુ છલકાયાં હતાં. સાત આઈપીઓ માત્ર એક ગણાથી ત્રણ ગણી રેંજમાં ભરાયા હતાં. 2022ની સરખામણીમાં રિટેલ પાર્ટિસિપેશનમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. 2022માં કુલ રિટેલ અરજીઓ 5.66 લાખ પર જોવા મળી હતી. જે 2023માં વધી 13.21 લાખ પર નોંધાઈ હતી. તાતા ટેક્નોલોજિસે 52.11 લાખ અરજીઓ સાથે સૌથી ઊંચી એપ્લિકેશન્સ દર્શાવી હતી. જ્યારપછી ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝે 41.30 લાખ અને આઈનોક્સ ઈન્ડિયાએ 37.34 લાખ અરજીઓ નોઁધાવી હતી.
રિટેલ રોકાણકારોએ કુલ રૂ. 1,49,988 કરોડના શેર્સ માટે અરજી કરી હતી. જે કુલ આઈપીઓ મોબિલાઈઝેશનની સરખામણીમં 203 ટકા ઊંચી હતી. જે રોકાણકારોનો ઊંચો ઉત્સાહ દર્શાવે છે. જોકે, રિટેલ રોકાણકારોને કુલ ફાળવણી માત્ર રૂ. 13,749 કરોડ પર જોવા મળ્યું હતું. જે કુલ આઈપીઓ મોબિલાઈઝેશનના 28 ટકા હતું. આઈપીઓમાં સરેરાશ લિસ્ટીંગ લાભ વધી 29 ટકા પર જોવા મળ્યો હતો. જે 2022માં માત્ર 11 ટકા પર હતો. કુલ 57 આઈપીઓમાંથી 40 કંપનીઓએ 10 ટકાથી ઊંચો લિસ્ટીંગ ગેઈન આપ્યો હતો. તાતા ટેક્નોલોજિસ 163 ટકા સાથે ટોચ પર હતો. જ્યારપછી આઈડિયાફોર્જ 93 ટકા, ઉત્કર્ષ સ્મોલ ફિન બેંક 92 ટકા સાથે રિટર્ન આપવામાં ટોચ પર હતાં.

રવિ સિઝન વાવેતર આખરે ગઈ સિઝનથી આગળ નીકળી ગયું
અત્યાર સુધીમાં રાજ્યમાં 44.69 લાખ હેકટર સાથે 97 ટકા વિસ્તારમાં શિયાળુ પાકોની વાવણી થઈ
ઘઉંના વાવેતરમાં 52 હજાર હેકટર જ્યારે ચણાના વાવેતરમાં 66 હજાર હેકટરનો ઘટાડો
જીરુંના વાવેતરમાં 2.78 લાખ હેકટરની તીવ્ર વૃદ્ધિ સાથે 5.53 લાખ હેકટરમાં વાવણી
અજમો, બટાટા જેવા પાકોનું પણ ઊંચું વાવેતર

રવિ સિઝન પૂરી થવાના આરે છે ત્યારે વાવેતર ગઇ સિઝનના સમાનગાળાના વાવેતરને પાર કરી ગયું છે. સોમવાર સુધીમાં ગુજરાતમાં શિયાળુ પાકોનું વાવેતર 44.69 લાખ હેકટરમાં પહોંચી ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 43.87 લાખ હેકટરની સરખામણીમાં 82 હજાર હેકટરની વૃદ્ધિ સૂચવે છે. જ્યારે છેલ્લી ત્રણ રવિ સિઝનમાં જોવા મળેલાં સરેરાશ 46.11 લાખ હેકટરના વાવેતરના 97 ટકા જેટલું થાય છે.
રાજ્યમાં મહત્વના રવિ પાકોમાં ઘઉં અને ચણાના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે બીજી બાજુ, જીરું, અજમો, શેરડી જેવા પાકોના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જેમકે જીરુંનું વાવેતર 5.53 લાખ હેકટરમાં સંપન્ન થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર 2.75 લાખ હેકટરમાં જ જોવા મળતું હતું. આમ વાવેતરમાં વાર્ષિક ધોરણે 2.78 લાખ હેકટરની તીવ્ર વૃદ્ધિ જોવા મળે છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં જોવા મળતાં 3.51 લાખ હેકટરની સરખામણીમાં ચાલુ સિઝનમાં 58 ટકા ઊંચું વાવેતર નોંધાયું છે. જીરું ઉપરાંત અજમાનું વાવેતર પણ 203 ટકા વૃદ્ધિ સાથે 1.31 લાખ હેકટરમાં જોવા મળે છે. જે ગિ સિઝનમાં માત્ર 51 હજાર હેકટરમાં જ નોંધાયું હતું. પરચૂરણ પાકોમાં બટાટાનું વાવેતર 1.34 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 1.30 લાખ હેકટરમાં જોવા મળતું હતું. શાકભાજી પાકોની વાત કરીએ તો વાવેતર 1.88 લાખ હેકટર સાથે 93 ટકા વિસ્તારમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળાના 1.9 લાખ હેકટરમાં સાધારણ ઘટાડો સૂચવે છે. શિયાળુ ઘાસચારા પાકોનું વાવેતર પણ ગઈ સિઝનના 5.91 લાખ હેકટરની સામે 11 હજાર હેકટરના ઘટાડે 5.80 લાખ હેકટરમાં જોવા મળે છે.
જો મુખ્ય રવિ પાકોની વાત કરીએ તો ઘઉંનું વાવેતર હજુ પણ ગઈ સિઝનની સરખામણીમાં નીચું જોવા મળે છે. તેમજ તે છેલ્લાં ત્રણ વર્ષોની સરેરાશની પણ નીચું નોંધાયું છે. સોમવારે સુધીમાં ઘઉંનું વાવેતર 12.20 લાખ હેકટરમાં સંપન્ન થયું છે. જે ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 12.72 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આમ તે 52 હજાર હેકટરનો ઘટાડો સૂચવે છે. જયારે છેલ્લાં ત્રણ વર્ષોમાં 13.04 લાખ હેકટરની સામે 84 હજાર હેકટરનો ઘટાડો દર્શાવે છે. શિયાળુ વાવેતરમાં બીજા ક્રમે આવતાં ચણાનું વાવેતર પણ ચાલુ સિઝનમાં માત્ર 6.24 લાખ હેકટરમાં નોંધાયું છે. જે ગયા વર્ષે જોવા મળતાં 7.58 લાખ હેકટરની સામે 66 હજારનો ઘટાડો સૂચવે છે. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષોની 8.95 લાખ હેકટરની સરેરાશ સામે અઢી લાખ હેકટરથી ઊંચો ઘટાડો દર્શાવે છે.
કૃષિ નિષ્ણાતોના મતે ચાલુ સિઝનમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીના ભાવે ખેડૂતો વાવેતર કરી શક્યાં નથી. પાછોતરા વરસાદને અભાવે જમીનમાં ભેજ પણ ઓછો હતો. નવેમ્બરમાં જોવા મળેલા કમોસમી વરસાદને કારણે વાવેતરમાં પાછળથી વેગ આવ્યો હતો અને શરૂઆતી સપ્તાહોમાં જોવા મળતો મોટો ઘટાડો પૂરાઈ ગયો હતો. તેમજ, જીરાના વાવેતરમાં વૃદ્ધિ પાછળ સમગ્રતયા રવિ વાવેતર ગઈ સિઝન કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે. હજુ પણ 15 જાન્યુઆરી સુધીના સમય દરમિયાન વાવેતરમાં વધુ લાખ-દોઢ લાખ હેકટર વાવેતર વૃદ્ધિની શક્યતાં જોવાઈ રહી છે. જેને જોતાં વાવેતર લગભગ 100 ટકા વિસ્તાર દર્શાવી શકે છે.

રવિ વાવેતરનું ચિત્ર(લાખ હેકટરમાં)
પાક 2022માં વાવેતર 2023માં વાવેતર
ઘઉં 12.72 12.20
ચણા 7.58 6.24
જીરું 2.75 5.53
રાયડો 3.05 2.75
ધાણા 2.22 1.25
બટાટા 1.30 1.34
શાકભાજી 1.90 1.88
ઘાસચારો 5.91 5.80
કુલ 43.87 44.69

વેદાંતાના 97 ટકાથી વધુ બોન્ડહોલ્ડર્સે રિસ્ટ્રક્ચરિંગ પ્લાન માટે સહમતિ આપી

વેદાંતા રિસોર્સિઝ લિમિટેડના 97 ટકાથી વધુ બોન્ડહોલ્ડર્સે આગામી ત્રણ વર્ષોમાં મેચ્યોર થતાં કંપનીના 3.2 અબજ ડોલરના મૂલ્યના બોર્ડના રિસ્ટ્રક્ચરિંગને મંજૂરી આપી હોવાનું કંપનીએ જણાવ્યું હતું. આ સાથે માઈનીંગ કોંગ્લોમેરટે રિસ્ટ્રક્ચરિંગ પ્લાન માટે બોન્ડધારકો પાસેથી જરૂરી બે તૃતિયાંશ બહુમતી મેળવી લીધી છે.
કંપનીના બોન્ડધારકોએ 2 જાન્યુઆરી સુધીમાં કંપનીના 3.2 અબજ ડોલરના આઉટસ્ટેન્ડિંગ બોન્ડ્સની પુનઃચૂકવણીની તારીખોને લંબાવવાના પ્લાનને મંજૂરી આપવાની થતી હતી. આ માટે દરેક ફોર સિરિઝ બોન્ડ્સને લઈને 4 જાન્યુઆરે મિટિંગ યોજાશે. જેમાં કંપની દરેક સિરિઝના બોન્ડ્સને લઈને એક્સ્ટ્રાઓર્ડિનરી રેઝોલ્યુશન પસાર કરવા અંગે જાહેરાત કરશે એમ વેદાંત રિસોર્સિસે બુધવારે જણાવ્યું હતું.
અગાઉ 14 ડિસેમ્બરે વેદાંત જૂથની હોલ્ડિંગ કંપનીએ પ્રાઈવેટ ક્રેડિટ લેન્ડર્સ તરફથે 1.25 બજ ડોલરનું ફંડ મેળવ્યું હતું. આ ફંડનો હેતુ ડેટ રિફાઈનાન્સિંગ અ નવી ક્રેડિટ સુવિધાનો હતો. કંપનીએ જણાવ્યું હતું કે આ ફંડ લાંબાગાળા માટે સસ્ટેનેબલ કેપિટલ સ્ટ્રક્ચર ઊભું કરવામાં સહાયરૂપ બનશે. તેમજ તે વૈશ્વિક નાણાકિય બજારોમાં મૂડી ઊભી કરવા માટેની કંપનીની ક્ષમતા દર્શાવે છે. વેદાંત રિસોર્સિસે જણાવ્યું હતું કે તેણે પ્રતિષ્ઠિત નાણાકિય સંસ્થાઓ પાસેથી લોન મેળવી હતી. જોકે, તેણે લેન્ડર્સના નામ જાહેર નથી કર્યાં

અદાણી પોર્ટ્સની NCD મારફતે રૂ. 5K કરોડ ઊભા કરવાને મંજૂરી
કંપનીના બોર્ડે સીએમડી ગૌતમ અદાણીને એક્ઝીક્યૂટીવ ચેરમેન તરીકે પુનઃનિયુક્ત કર્યાં
અગાઉ કંપનીના સીઈઓ કરણ અદાણીની એમડી તરીકે નિમણૂંક જ્યારે અશ્ચની ગુપ્તાને નવા સીઈઓ બનાવાયા

અદાણી પોર્ટ્સ એન્ડ સેઝે 3 જાન્યુઆરીએ તેના બોર્ડ ડિરેક્ટર્સની બેઠકમાં નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ(એનસીડી) મારફતે રૂ. 5000 કરોડ ઊભા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કંપનીએ રૂ. 1000ની ફેસ વેલ્યૂના સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ અને રિડિમેબલ એનસીડી મારફતે એકથી વધુ તબક્કામાં રૂ. 5000 કરોડ ઊભા કરશે એમ જણાવ્યું હતું. ઈસ્યુના હેતુ માટે કંપનીના બોર્ડે કંપનીની ફાઈનાન્સ કમિટીને તમામ સત્તાઓ આપી હોવાનું નોંધ્યું હતું. આ અહેવાલ પાછળ અદાણી પોર્ટનો શેર ગુરુવારે 1.39 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1093.50ની સપાટીએ બંધ રહ્યો હતો.
અદાણી જૂથની પોર્ટ્સ અને લોજિસ્ટીક્સ પાંખના બોર્ડની 3 જાન્યુઆરીએ બેઠક યોજાઈ હતી. જેમાં કંપનીના ચેરમેન અને એમડી ગૌતમ અદાણીને એક્ઝિક્યૂટીવ ચેરમેન તરીકે પુનઃનિયુક્ત કર્યાં હતાં. જ્યારે અગાઉ કંપનીના સીઈઓ તરીકે કામગીરી બજાવતાં કરણ અદાણીની એમડી તરીકે નિમણૂંક જ્યારે અશ્ચની ગુપ્તાને નવા સીઈઓ બનાવાયા હતાં. કંપનીએ એક્સચેન્જિસને રેગ્યુલેટરી ફાઈલીંગમાં આ બાબતોની જાણ કરી હતી. ગૌતમ અદાણી 4 જાન્યુઆરીથી કંપનીના એક્ઝીક્યૂટીવ ચેરમેનનો હવાલો સંભાળશે. તેમની મુદત 30 જૂન, 2027 સુધી રહેશે. હાલમાં, હોલ-ટાઈમ ડિરેક્ટર અને સીઈઓ કરણ અદાણી 4 જાન્યુઆરીથી કંપનીના એમડી બનશે. તેઓ 23 મે, 2027 સુધી કારભાર જાળવી રાખશે. જ્યારે અશ્વની ગુપ્તા 4 જાન્યુઆરીથી સીઈઓ તરીકેની કામગીરી સંભાળશે. તેઓ ત્રણ વર્ષની મુદત માટે આ કામગીરી સંભાળશે.

કોર્પોરેટ હેડલાઈન્સ

એસબીઆઈઃ દેશમાં ટોચના લેન્ડરે સ્થાનિક ઈએસજી ફાઈનાન્સિંગ માર્કેટ માટે એક અબજ ડોલર ઊભા કર્યાં હોવાનું જણાવ્યું હતું. તેણે આ માટે 75 કરોડ ડોલરના બેઝ સાથે 25 કરોડ ડોલરના ગ્રીન શૂ ઓપ્શન સાથેના ઈસ્યૂને પૂર્ણ કર્યો હતો. તેણે સિન્ડેકેટેડ લોન મારફતે આ નાણા ઊભા કર્યાં હોવાનું ફાઈલીંગમાં જણાવ્યું હતું. લોન બુક 2 જાન્યુઆરીએ બંધ થઈ હતી.
હોન્ડા મોટરસાઇકલઃ કંપનીએ ડિસેમ્બર 2023માં 3,17,123 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. તેમાં સ્થાનિક સ્તરે 2,86,101 યુનિટનું વેચાણ તથા 31,022 યુનિટની નિકાસ સામેલ છે. ડિસેમ્બર મહિના માટે ઘરેલુ વેચાણમાં વાર્ષિક 23 ટકાની વૃદ્ધિ જ્યારે કે નિકાસમાં 82 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીએ સમગ્ર 2023માં કુલ 43,84,559 યુનિટનું વેચાણ કર્યું હતું.
પીએફસીઃ પીએસયૂ સાહસે ગુજરાત સરકાર સાથે રૂ. 25000 કરોડના પાવર પ્રોજેક્ટ્સ માટે એમઓયૂ સાઈન કર્યાં છે. કંપનીએ રાજ્યના વીજ જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે સર્વગ્રાહી ફાઈનાન્સિયલ બેકિંગ માટે આ એમઓયૂ કર્યાં છે. જેમાં લોંગ-ટર્મ ડેટ અને ક્રિટિકલ ફંડિંગ જરૂરિયાતોનો સમાવેશ થાય છે. આ સહયોગને કારણે રાજ્યમાં 10 હજાર રોજગારીની તકો ઊભી થશે.
ફેડરલ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં 18 ટકા લોન વૃદ્ધિ નોંધાવી છે. તેણે ઓક્ટોબરથી ડિસેમ્બર, 2023 સુધીમાં રૂ. 2.02 લાખ કરોડની લોન ચૂકવી હતી. જે ગયા વર્ષની આખરમાં રૂ. 1.71 લાખ કરોડ પર જોવા મળતી હતી. બેંકે રિટેલ ક્રેડિટમાં 20 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે હોલસેલ ક્રેડિટમાં 17 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. બેંકનો રિટેલ-ટુ-હોલસેલ રેશિયો 55:45 જોવા મળ્યો હતો.
વીએસટી ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીમાં બે રોકાણકારોએ તેમનો હિસ્સો વેચ્યો છે. તેમણે કુલ 2.9 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. જેમાં એચડીએફસી મ્યુચ્યુલ ફંડે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન મારફતે કંપનીના 2 લાખ શેર્સ વેચ્યાં હતાં. જ્યારે ડીએસપી એમએફે કંપનીના 2.5 લાખ શેર્સનું વેચાણ કર્યું હતું. તેમણે રૂ. 3390-3390.13 પ્રતિ શેરના ભાવે શેર્સ વેચ્યાં હતાં. જેમાંથી કુલ રૂ. 152.55 કરોડ મેળવ્યાં હતાં.
હિંદુસ્તાન ઝીંકઃ કંપનીએ ડિસેમ્બરમાં માઈન્ડ મેટલ આઉટપુટમાં 7 ટકા વૃદ્ધિ દર્શાવી છે. તેણે માઈન્ડ મેટલ ગ્રેડ્સ અને ઓરના ઉત્પાદનમાં વૃદ્ધિ સાથે કુલ કુલ 2.72 લાખ ટન ઉત્પાદન નોંધાવ્યું હતું. ત્રીજા ક્વાર્ટરમાં કનપીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 1 ટકો વધી 2.59 લાખ ટન પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 2.57 લાખ ટન પર હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage