Market Summary 03/01/2023

વૈશ્વિક સ્તરે પોઝીટીવ માહોલ પાછળ બીજા દિવસે સુધારો
નિફ્ટી 18200ને પાર કરવામાં સફળ
યુરોપ બજારોનું નવા વર્ષમાં પોઝીટીવ ઓપનીંગ
ચીન અને હોંગ કોંગ બજારો પણ મજબૂત
ઈન્ડિયા વિક્સ 2.11 ટકા ગગડી 14.38ની સપાટીએ
આઈટી, ફાર્મા અને બેંકિંગમાં સુધારો
એફએમસીજી, મેટલ, ઓટોમાં નરમાઈ
પીએફસી, આરઈસી, એક્સિસ બેંક નવી ટોચે
આવાસ ફાઈનાન્સિઅર વાર્ષિક તળિયા પર

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે મજબૂતી જોવા મળી હતી અને બેન્ચમાર્ક સૂચકાંક નિફ્ટી મહત્વનો અવરોધ પાર કરવામાં સફળ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં પોઝીટીવ અન્ડરટોન પાછળ સ્થાનિક બજારને સપોર્ટ સાંપડ્યો હતો. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 126.41 પોઈન્ટ્સ મજબૂતી સાથે 61,294.20ની સપાટીએ જ્યારે નિફ્ટી 35.10 પોઈન્ટ્સના સુધારે 18232.55ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50માંથી 27 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 23 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી પાછળ બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3665 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2065 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1487 નેગેટિવ જોવા મળ્યાં હતાં. 119 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 20 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.
મંગળવારે કેલેન્ડરના બીજા સત્ર દરમિયાન એશિયન બજારોમાં કોરિયા અને સિંગાપુરને બાદ કરતાં સુધારો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18197.45ના બંધ સામે 18163.20ની સપાટી પર ગેપ-અપ ઓપનીંગ બાદ સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. જે દરમિયાન એક તબક્કે 18150ના ઈન્ટ્રા-ડે લો પર ટ્રેડ થયો હતો. જ્યાંથી સુધરતો રહી 18252ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. બેન્ચમાર્કને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, એક્સિસ બેંક, ટાઈટન કંપની, ટીસીએસ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા અને ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થતો હતો. આ તમામ કાઉન્ટર્સ એકથી લઈ પાંચ ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે બીજી બાજુ હિંદાલ્કો, બ્રિટાનિયા, એમએન્ડએમ, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસિમ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તાતા સ્ટીલ ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 83 પોઈન્ટ્સનું પ્રિમીયમ દર્શાવી રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 18200નું સ્તર પાર કરતાં તેના માટે હવે 18450નો ટાર્ગેટ રહેલો છે. જે એક મહત્વનો અવરોધ બની શકે છે. આ સ્તર પાર થશે તો માર્કેટ ફરી એકવાર 18888ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શવાનો પ્રયાસ કરી શકે છે. માર્કેટને મુખ્ય સપોર્ટ બેંકિંગ, આઈટી અને ફાર્મા તરફથી સાંપડ્યો હતો. જ્યારે ઓટો, મેટલ અને એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી બેંક અડધો ટકો સુધરી 43425ની સપાટીએ બંધ રહ્યો હતો. જેમાં એક્સિસ બેંક 2.2 ટકા સુધારે નવી ટોચ બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, પીએનબી, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક, કોટક બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક પણ પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો જેમાં એમ્ફેસિસ 2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત કોફોર્જ, ટીસીએસ, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી, એચસીએલ ટેક પણ પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી ફાર્મા 0.72 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, આલ્કેમ લેબ., લ્યુપિન, ડિવિઝ લેબ્સ, સિપ્લા અને ડો.રેડ્ડીઝ લેબ્સ પોઝીટી જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ પણ પોઝીટીવ જોવા મળતો હતો. તેના મહત્વનો ઘટકોમાં પાવર ફાઈનાન્સ, આરઈસી 2-4 ટકા સુધારે વાર્ષિક ટોચ પર ટ્રેડ થયાં હતાં. જ્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ બીપીસીએલ, આઈઓસી પણ પોઝીટીવ જોવા મળતી હતી. ઉપરાંત કોન્કોર, આઈઆરસીટીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, ભેલ અને હિંદ પેટ્રોમાં પણ મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી મેટલમાં સોમવારે મજબૂત સુધારા બાદ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જેમાં હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, નાલ્કો અને તાતા સ્ટીલ સહિતના શેર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. એકમાત્ર હિંદુસ્તાન ઝીંક અને વેદાંતમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.42 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં ટીવીએસ મોટર 3 ટકા પટકાયો હતો. જ્યારે એમએન્ડએમ, અશોક લેલેન્ડ, ભારત ફોર્જ અને આઈશર મોટર્સ પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. બજાર ઓટો અને હીરો મોટોકોર્પ પોઝીટીવ જળવાયા હતાં. નિફ્ટી એફએમસીજીમાં બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, વરુણ બેવરેજીસ, બ્રિટાનિયા અને યુનાઈટેડ બ્રૂઅરિઝ ઘટવામાં ટોચ પર હતાં. માત્ર મેરિકો અને નેસ્લે પોઝીટીવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મિડિયા, નિફ્ટી એનર્જી, નિફ્ટી કોમોડિટિઝ પણ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એચડીએફસી લાઈફ અને પાવર ફાઈનાન્સમાં નોંધપાત્ર સુધારા ઉપરાંત મેક્સ ફાઈનાન્સિયલ, મેટ્રોપોલીસ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, આરબીએલ બેંક, હેવેલ્સ ઈન્ડિયા, મણ્ણાપુરમ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ, એસ્ટ્રાલ, એક્સિસ બેંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ એમએન્ડએમ ફાઈનાન્સિયલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, શ્રીરામ ફાઈનાન્સ, નવીન ફ્લોરિન, ઝી એન્ટરટેઈનમેન્ટમાં ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવતાં કેટલાંક કાઉન્ટર્સમાં સ્વાન એનર્જી, પાવર ફાઈનાન્સ, આરબીએલ બેંક, એક્સિસ બેંક, આરઈસી, સોલાર ઈન્ડ, જિંદાલ સ્ટીલ, કેનેરા બેંક, ફેડરલ બેંકનો સમાવેશ થાય છે. બીજી બાજુ આવાસ ફાઈનાન્સરે તેનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.

જીરુમાં જામતો સટ્ટોઃ ભાવ રૂ. 6100ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યાં
છેલ્લાં એકથી સવા મહિનામાં જીરુના ભાવમાં મણે રૂ. 1500ની તેજી થઈ
પૂરતાં સ્ટોક અને મધ્યમ માગ વચ્ચે સટ્ટાકિય લેવાલી પાછળ કોમોડિટીમાં તેજી
નવી સિઝનમાં ગુજરાતમાં વાવેતરમાં 10 ટકા ઘટાડા સામે રાજસ્થાનમાં વાવેતર 15 ટકા ઊંચું

છેલ્લાં ઘણા વર્ષોથી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવનાર મહત્વના મસાલા પાક જીરામાં બરાબરનો સટ્ટો જામ્યો હોવાનું વર્તુળો જણાવે છે. જેની પાછળ સૌથી મોટા બજાર ઊંઝા ખાતે જીરુંના ભાવ સોમવારે 20 કિગ્રાના રૂ. 6000-6100ની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યાં હતાં. ડિસેમ્બરની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં જીરુંના ભાવમાં રૂ. 1200-1500ની તેજી જોવા છે. ગયા મહિનાની શરુમાં તે રૂ. 4200-4500ની રેંજમાં જોવા મળી રહ્યાં હતાં. સોમવારે જીરામાં રૂ. 50-60ની વધુ મજબૂતી જોવા મળી હતી. એનસીડેક્સ ખાતે જીરું માર્ચ વાયદો 1.66 ટકા સુધારે રૂ. 34300 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે રૂ. 36220ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. એપ્રિલ વાયદો 4.16 ટકા ઉછળી રૂ. 33565ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જેણે ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 35565ની ટોચ બનાવી હતી.
ઊઁઝા ખાતે હાજર બજારમાં ભાવમાં રૂ. 50-60નો વધુ સુધારો જળવાયો હતો. ડિસેમ્બર મહિનામાં જીરામાં અવિરત સુધારો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ ચોક્કસ ગ્રૂપ તરફથી કોમોડિટીમાં થઈ રહેલો સટ્ટો કારણભૂત હોવાનું વેપારીઓ માને છે. તેમના મતે હાલમાં બજારમાં માલની કોઈ તંગી નથી. જૂના સ્ટોક પૂરતાં છે. સામે સ્થાનિક માગ પણ સાધારણ જોવા મળી રહી છે. તેમ છતાં કોમોડિટીમાં સટ્ટાકિય તેજી જોવા મળી રહી છે. છેલ્લાં ઘણા વર્ષોથી જીરું સટોડિયાઓના રડારથી દૂર જોવા મળ્યું હતું. જેને કારણે ખેડૂતોમાં પણ જીરું વાવેતરમાંથી ઉત્તરોત્તર રસ ઘટ્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષોમાં ઊભા પાક પર પ્રતિકૂળ અસરને કારણે ગુજરાતમાં જીરાના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ સિઝનમાં સોમવાર સુધીમાં જીરાનું વાવેતર 2.75 લાખ હેકટરમાં નોંધાયું હોવાનું સરકારી આંકડા સૂચવે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 3 લાખ હેકટર પર જોવા મળતું હતું. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 4.21 લાખ હેકટરમાં કોમોડિટીનું વાવેતર જોવા મળ્યું છે. જીરાનું મોટાભાગનું વાવેતર ડિસેમ્બર આખર સુધીમાં સંપન્ન થઈ જાય છે. જોકે 15 જાન્યુઆરી સુધી પાછોતરું વાવેતર જોવા મળે છે. આમ હજુ 10-15 હજાર હેકટર વાવેતર વિસ્તારના ઉમેરાની શક્યતાં વર્તુળો જોઈ રહ્યાં છે. આમ સરવાળે વાવેતર નીચું રહેશે તે નક્કી છે. જોકે બીજી બાજુ રાજસ્થાનમાં વાવેતરમાં 15 ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે. ચાલુ સિઝનમાં તે 5.9 લાખ હેકટર પર પહોંચી ગયું છે. આમ સરવાળે વાવેતરમાં ઘટાડો નથી અને તેથી પાકને લઈને કોઈ મોટી ચિંતા નથી એમ વર્તુળોનું કહેવું છે.
જો નિકાસ બજારની વાત કરીએ તો પણ ચિત્ર આકર્ષક નથી જળવાયું. એપ્રિલ-ઓક્ટોબર 2022માં દેશમાંથી જીરાની નિકાસ 19 ટકા ઘટાડા સાથે 1,22,015 ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,50,479 ટન પર હતી. ઓક્ટોબરમાં જ નિકાસમાં 31.27 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તે 12,427.86 ટન પર ગગડી હતી. જે અગાઉના વર્ષે સમાનગાળામાં 18082 ટન પર હતી. ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં જીરાના પાકની સ્થિતિ સારી છે. જો માવઠા જેવી સ્થિતિ નહિ ઉદભવે તો યિલ્ડ સારા જોવા મળી શકે છે. નવો પાક ફેબ્રુઆરીમાં બજારમાં પ્રવેશતો હોય છે.

શેરબજારમાં પાંખા રિટર્ન પાછળ કેશ વોલ્યુમમાં 18 ટકા ઘટાડો
2021માં દૈનિક સરેરાશ રૂ. 74949 કરોડ સામે 2022માં રૂ. 61392 કરોડના કામકાજ
જોકે ડેરિવેટિવ્સ સેગમેન્ટ વોલ્યુમ રૂ. 57.81 લાખ કરોડ પરથી ઉછળી રૂ. 125.61 લાખ કરોડ પર નોંધાયું
કેલેન્ડર 2022માં શેરબજારમાં કેશ સેગમેન્ટના કામકાજમાં 18 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણ માર્કેટમાં ઊંચી વધ-ઘટ સામે સામાન્ય વળતર હોવાનું વર્તુળો જણાવે છે. 2022માં એવરેજ ડેઈલી ટર્નઓવર વોલ્યુમ(એડીટીવી) રૂ. 61392 કરોડ પર જોવા મળ્યું હતું. જે 2021માં રૂ. 74949 કરોડ પર હતું. બીજી બાજુ એનએસઈ ખાતે ડેરિવેટિવ્સ સેગમેન્ટ વોલ્યુમ રૂ. 57.81 લાખ કરોડ પરથી ઉછળી રૂ. 125.61 લાખ કરોડ પર નોંધાયું હતું. આમ રિટેલનો નોઁધપાત્ર વર્ગ પણ ડેરિવેટિવ્સ સેગમેન્ટ તરફ વળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ કેલેન્ડર 2020 અને 2021માં કેશ સેગમેન્ટના વોલ્યુમમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. જેનું કારણ કોવિડ બાદ સતત દોઢ વર્ષો સુધી માર્કેટમાં જોવા મળેલી અસાધારણ તેજી હતું.
માર્કેટ નિરીક્ષકોના મતે માર્કેટમાં કેશ સેગમેન્ટમાં વોલ્યુમ ઘટવાનું મુખ્ય કારણ બીજી અને ત્રીજી હરોળના શેર્સનું અન્ડરપર્ફોર્મન્સ છે. 2022માં બેન્ચમાર્ક્સ 4 ટકાથી સહેજ વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે મીડ-કેપ ઈન્ડેક્સમાં 2 ટકાનો સુધારો નોંધાયો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2 ટકા ઘટાડો દર્શાવતો હતો. બેન્ચમાર્ક્સમાં 4 ટકાનો સુધારો પણ ખાસ આકર્ષક નહોતો. કેમકે તે પણ પસંદગીના કાઉન્ટર્સ પાછળ જોવા મળ્યો હતો. મોટાભાગના લાર્જ-કેપ્સ વાર્ષિક ધોરણે ફ્લેટિશ અથવા તો નેગેટિવ રિટર્ન સૂચવી રહ્યાં હતાં. જેમાં આઈટી કાઉન્ટર્સ મુખ્ય હતાં. માર્કેટમાં ઊંચી વોલેટિલિટીને કારણે ટ્રેડ્સને ક્યાંક લાભ થયો હોય તેમ બની શકે પરંતુ ઈન્વેસ્ટર્સને કોઈ લાભ નહોતો થયો એમ વર્તુળો ઉમેરે છે. આને કારણે તેમને ચર્નિંગની તકો પ્રાપ્ય બની નહોતી અને તેમણે 2021ની સરખામણીમાં ખૂબ નીચું કામકાજ દર્શાવ્યું હતું. આને કારણે માર્કેટમાં ડિલિવરીનો હિસ્સો પણ 2022માં નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યો હતો. માર્કેટમાં એક દિશામાં ટ્રેન્ડના અભાવને કારણે પણ ઈન્વેસ્ટર્સ મોટાભાગનો સમય બજારથી દૂર જ રહ્યાં હતાં. પ્રાઈમરી માર્કેટમાં પણ 2021ની સરખામણીમાં 50 ટકા રકમ પણ નહોતી ઊભી થઈ શકી. તેને કારણે પણ કેશ સેગમેન્ટની કામગીરી પર અસર પડી હતી. સામાન્યરીતે પ્રાઈમરી માર્કેટમાં મોટા કદના આઈપીઓ પાછળ લિસ્ટીંગ દિવસે કામકાજમાં ઊંચો ઉછાળો નોંધાતો હોય છે.

છેલ્લાં છ વર્ષોમાં કેશ સેગમેન્ટના કામકાજ(રૂ. કરોડમાં)
કેલેન્ડર સરેરાશ દૈનિક કેશ વોલ્યુમ
2017 31,636
2018 36,021
2019 36,952
2020 57,202
2021 74,949
2022 61,392

જાહેર સાહસોને MPSમાંથી મુક્તિ ચાલુ રહેશે
સરકારે જાહેર સાહસોને મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ(MPS)માંથી મુક્તિને જાળવી રાખી છે. એમપીએસ હેઠળ લિસ્ટેડ કંપનીઓએ 25 ટકાનું લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ જાળવવું જરૂરી હોય છે. સોમવારે રાતે એક જાહેરનામા મારફતે સરકારે પીએસયૂની એમપીએસમુક્તિને લંબાવી હતી. જાહેરનામા મુજબ એમપીએસ નિયમોમાંથી મુક્તિ ચોક્કસ સમયગાલા માટે માન્ય રહેશે. જે દરમિયાન માલિકીમાં ફેરફાર થશે તો પણ તે માન્ય ગણાશે. મૂડીબજાર રેગ્યૂલેટર સેબી છેલ્લાં ઘણા વર્ષોથી પીએસયૂ કંપનીઓને આ મુક્તિ આપી રહ્યો છે. જોકે સરકારી કંપનીના ખાનગીકરણ પછી પણ મુક્તિને લંબાવવાને કારણે સરકારી કંપનીઓથી રોકાણકારો દૂર થઈ શકે છે.

સરકારે પેટ્રોલિયમ પેદાશો પરનો વિન્ડફોલ ટેક્સ વધાર્યો
ભારત સરકારે પેટ્રોલિયમ, ક્રૂડ ઓઈલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ પરના વિન્ડફોલ ટેક્સમાં વૃદ્ધિ કરી છે. 2 જાન્યુઆરીના એક આદેશ મુજબ ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ રૂ. 1700(20.55 ડોલર) પ્રતિ ટન પરથી વધી રૂ. 2100(25.38 ડોલર) પ્રતિ ટન રહેશે. સરકારે ડિઝલ પરનો એક્સપોર્ટ ટેક્સ પણ પ્રતિ લિટર રૂ. 5 પરથી વધારી રૂ. 7.5 કર્યો છે. જ્યારે એટીએફ પરનો વિન્ડફોલ ટેક્સ રૂ. 1.5 પ્રતિ લિટરથી વધારી રૂ. 4.5 કર્યો છે. ભારત વિશ્વમાં સૌથી મોટો ક્રૂડ આયાતકાર છે અને તે પશ્ચિમી દેશો તરફથી મૂકવામાં આવેલી 60 ડોલર પ્રતિ બેરલની મહત્તમ મર્યાદાના ભાવે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી કરી રહ્યો છે. સૌપ્રથમ જુલાઈમાં ક્રૂડ ઓઈલ ઉત્પાદકો પર વિન્ડફોલ ટેક્સ લાગુ પાડવામાં આવ્યો હતો. સાથે પેટ્રોલ, ડિઝલ અને એટીએફની નિકાસ પર પણ ટેક્સ લાગુ પડાયો હતો. કેમકે વિદેશી બજારમાં સારા રિફાઈનીંગ માર્જિન્સને કારણે પ્રાઈવેટ રિફાઈનરીઝને ઊંચો લાભ મળી રહ્યો છે.

કોર્પોરેટ હેડલાઈન્સ
એસબીઆઈઃ દેશમાં સૌથી મોટા લેન્ડરના બોર્ડે નાણા વર્ષ 2022-23 દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ટર બોંડ મારફતે રૂ. 10 હજાર કરોડ ઊભા કરવા માટે મંજૂરી આપી દીધી છે. બેંક પબ્લિક ઈસ્યુ અથવા પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે માર્ચ 2023 સુધીમાં આ રકમ ઊભી કરશે એમ ફાઈલીંગમાં જણાવ્યું છે.
એનટીપીસીઃ પીએસયૂ પાવર ઉત્પાદકે ચાલુ નાણા વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન 29504 કરોડ યુનિટ્સ વીજળીનું ઉત્પાદન નોંધાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 11.6 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ 25,460 કરોડ યુનિટ્સનું ઉત્પાદન દર્શાવ્યું હતું. જે અગાઉના વર્ષની સરખામણીમાં 16.1 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. કંપનીએ પ્રથમ નવ મહિનામાં 73.7 ટકાનું પ્લાન્ટ લોડ ફેક્ટર દર્શાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 68.5 ટકા પર હતું.
ટોરેન્ટ જૂથઃ ટોરેન્ટ જૂથની ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સે રિલાયન્સ કેપિટલ માટે હિંદુજા ગ્રૂપ કંપની તરફથી કરવામાં આવેલી રિવાઈઝ્ડ ઓફરને નહિ સ્વીકારવા માટે એનસીએલટીમાં ધા નાખી હોવાનું વર્તુળો જણાવે છે. હિંદુજા જૂથે રિલાયન્સ કેપિટલ માટે યોજાયેલા ઓક્શનના પછીના દિવસે તેની રિવાઈઝ્ડ ઓફર મૂકી હતી. ઓક્શનના દિવસે ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સે રૂ. 8600 કરોડ આસપાસની સૌથી ઊંચી ઓફર મૂકી હતી.
એચડીએફસી બેંકઃ અગ્રણી પ્રાઈવેટ બેંક ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના નવા તબક્કામાં માઇક્રોસોફ્ટ સાથે કો-પાર્ટનરશીપ કરી રહી છે. સાથે એપ્લિકેશન પોર્ટફોલિયોમાં પરિવર્તન લાવી, ડેટા લેન્ડસ્કેપનું આધુનિકીકરણ કરવા સાથે માઇક્રોસોફ્ટ ક્લાઉડની મદદથી એન્ટરપ્રાઇઝને સલામત બનાવી રહી છે.
ટેલિકોમ ઈન્ફ્રા કંપનીઝઃ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર્સ કંપનીઓએ સરકાર સમક્ષ ઈનપુટ ટેક્સ ક્રેડિટના ભાગરૂપે રૂ. 18 હજાર કરોડને છૂટાં કરવા માટે જણાવ્યું છે. ટેક્સ ડિપાર્ટમેન્ટે 2018-19થી આ નાણા પકડી રાખ્યાં છે. કંપનીઓએ 5જી નેટવર્કના વિસ્તરણ માટે ખર્ચને પહોંચી વળવા તેમને આ નાણા ચૂકવવા જણાવ્યું છે.
સ્વિગીઃ ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ 2021-22માં રૂ. 3629 કરોડની ખોટ નોંધાવી છે. જે નાણા વર્ષ 2020-21માં તેણે દર્શાવેલી રૂ. 1617 કરોડની ખોટની સરખામણીમાં બમણી છે. ફૂડ ડિલિવરી કંપનીએ ગયા નાણા વર્ષમાં રૂ. 5705 કરોડની આવક સામે રૂ. 9574 કરોડનો ખર્ચ દર્શાવ્યો હતો. કંપનીની આવકમાં 60 ટકા હિસ્સો ફૂડ ડિલિવરી બિઝનેસનો હતો.
પીટીસી ઈન્ડિયાઃ પાવર ટ્રેડિંગ સોલ્યુશન્સ પ્રોવાઈડર પીટીસી ઈન્ડિયાએ નાણા વર્ષ 2021-22 માટે રૂ. 5.80 પ્રતિ શેરના ફાઈનલ ડિવિડન્ડને મંજૂરી આપી હતી. કંપનીએ અગાઉ રૂ. 2 પ્રતિ શેરનું ઈન્ટરિમ ડિવિડન્ડ આપ્યું હતું.
ઝી એન્ટરટેઈનમેન્ટઃ મિડિયા કંપની સામે ઈન્ડિયન પર્ફોર્મિંગ રાઈટ સોસાયટીએ ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્ટ્રપ્સી કોડની સેક્શન 9 હેઠળ પિટિશન ફાઈલ કરી છે. કંપનીના સોની સાથેના મર્જર અગાઉ એક પછી એક અવરોધો ઊભા થઈ રહ્યાં છે.
બેંકિંગ કંપનીઝઃ સાઉથ ઈન્ડિયન બેંકે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 70168 કરોડના એડવાન્સિસ દર્શાવ્યાં છે. જે ગયા વર્ષે સમાનગાળામાંરૂ. 59,226 કરોડ કરતાં 18 ટકા ઊંચા છે. જ્યારે સીએસબી બેંકે એડવાન્સિસમાં 26 ટકા વૃદ્ધિ નોંધાવી છે. જ્યારે ડિપોઝીટ્સમાં 19 ટકા વૃદ્ધિ દર્શાવી છે.
ઓયોઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઓયોની પેરન્ટ કંપની ઓરવેલ સ્ટેય્સને આઈપીઓ માટેના ડ્રાફ્ટ પેપર્સ પરત મોકલ્યાં છે. સેબીએ તેને તમામ લાગુ પડતી અપડેટ્સ સાથે નવેસરથી પેપર રજૂ કરવા જણાવ્યું છે.
ભારત ફોર્જઃ ઓટો કોમ્પોનેન્ટ્સ ઉત્પાદક ભારત ફોર્જની સ્ટેપ-ડાઉન સબસિડિયરી જેએસ ઓટો કાસ્ટ ફાઉન્ડ્રી ઈન્ડિયા તમિલનાડુમાં ઈરોડ સ્થિત સિપકોટ સેઝમાં ઈન્ડો શેલ માઉલ્ડની ખરીદી કરશે.
એચએફસીએલઃ કંપનીએ રિલાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસિઝ તરફથી રૂ. 95.38 કરોડના મૂલ્યના પર્ચેઝ ઓર્ડર્સ મેળવ્યાં છે.
એમએન્ડએમ ફાઈનાન્સિયલઃ એનબીએફસી કંપનીએ ડિસેમ્બરમાં કુલ રૂ. 4650 કરોડનું લોન ડિસ્બર્સલ્સ કર્યું છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 67 ટકા ઊંચું છે.
કોન્કોરઃ કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ડિસેમ્બરમાં 13.07 કરોડ ટનનો ફ્રેઈટ ટ્રાફિક દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 3 ટકા વૃદ્ધિ સૂચવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage