બુલ્સ પરત ફરતાં માર્કેટને આખરે સાંપડેલી રાહત
નોંધપાત્ર સમય બાદ ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
વોલેટિલિટી ઈન્ડેક્સ 12.18ની સપાટીએ ફ્લેટ જળવાયો
અદાણી જૂથ શેર્સમાં ત્રીજા દિવસે સાર્વત્રિક લેવાલી
મેટલ, બેંકિંગ, એનર્જી, રિઅલ્ટીમાં ભારે ખરીદી
ફિનોલેક્સ કેબલ્સ, ઈક્વિટાસ બેંક નવી ટોચે
સિપ્લા, ઈપ્કા લેબ્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝમાં નરમાઈ
ભારતીય શેરબજારમાં આખરે બુલ્સ પરત ફર્યાંનો સંકેત સાંપડ્યો હતો. સપ્તાહના આખરી સત્રમાં અવિરત ખરીદી પાછળ બેન્ચમાર્ક્સ છેલ્લાં ઘણા સત્રોમાં સૌથી સારો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીએસઈ સેન્સેસ 900 પોઈન્ટ્સ ઉછળી 59809ની સપાટીએ જ્યારે નિફ્ટી 272 પોઈન્ટ્સ ઉછાળા સાથે 17594ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 42 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 8 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સારી હતી. બીએસઈ ખાતે કુલ 3639 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2189 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. જયારે 1326 કાઉન્ટર્સે અગાઉના બંધની સરખામણીમાં નેગેટિવ બંધ આપ્યું હતું. 104 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 64 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.09 ટકાના સાધારણ ઘટાડા સાથે 12.18ની સપાટીએ સ્થિર જોવા મળ્યો હતો.
ગુરુવારે યુએસ બજાર ખાતે મજબૂતી પાછળ એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ દર્શાવતાં હતાં. જેની પાછળ ભારતીય બજારે પણ ગેપ-અપ ઓપનીંગ નોંધાવ્યં હતું અને દિવસ દરમિયાન સતત ખરીદી પાછળ સુધારો જાળવ્યો હતો. શુક્રવારે બેન્ચમાર્ક નિફ્ટી 17322ના અગાઉના બંધ સામે 17451ની સપાટી પર ખૂલી ઉપરમાં 17645ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી ત્યાંથી 50 પોઈન્ટ્સ નીચે બંધ રહ્યો હતો. આમ 17600 પર બંધ આપી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 66 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે બંધ જળવાયો હતો. જે અગાઉના સત્ર દરમિયાન જોવા મળતાં 66 પોઈન્ટ્સ પ્રિમીયમ જેટલું જ હતું. આમ બેન્ચમાર્કમાં કોઈ નવા લોંગના ઉમેરાની શક્યતાં નથી જણાય રહી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 17650નો અવરોધ રહેલો છે. જેની ઉપર 17700નું સ્તર મહત્વનું છે. જો બેન્ચમાર્ક આ સ્તર પાર કરશે તો ચોક્કસ વધુ સુધારો જોવા મળી શકે છે. તેઓ માર્કેટમાં હેજ પોઝીશન જાળવી રાખવા જણાવે છે. તેમના મતે બે બાજુની વધ-ઘટની સંભાવના જોતાં કોઈપણ દિશામાં પોઝીશન હેજિંગ સાથેની હોય તે જરૂરી છે. નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ 17 ટકા ઉછાળો દર્શાવતો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, ભારતી એરટેલ, એસબીઆઈ લાઈફ, રિલાયન્સ, આઈટીસી, તાતા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, તાતા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન કંપની, એચડીએફસી લાઈફ, હિંદાલ્કો, એમએન્ડએમ અને એચસીએલ ટેક્નોલોજીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ ટેક મહિન્દ્રા 2.2 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા, ડિવિઝ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ અને નેસ્લેમાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પીએસયૂ બેંક શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 5 ટકા ઉછળ્યો હતો. જેમાં યુનિયન બેંક 8 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત યૂકો બેંક, પંજાબ એન્ડ સિઁધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી, એસબીઆઈ, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, પીએનબી અને જેકે બેંકમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. મેટલ અને એનર્જી સેક્ટર્સમાં પણ ભારે ખરીદી જોવા મળી હતી. મેટલ ઈન્ડેક્સ 3.5 5 ટકા ઉછળ્યો હતો. મેટલ શેર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ ઉપરાંત વેદાંત, મોઈલ, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, સેઈલ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલમાં મજબૂતી જોવા મળી હતી. એનર્જી કાઉન્ટર્સમાં અદાણી ગ્રીન એનર્જી 5 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ગેઈલ, એનટીપીસી, તાતા પાવર, પાવર ગ્રીડ કોર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રો, આઈઓસી, ઓએનજીસી અને બીપીસીએલમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ સતત પાંચમા દિવસે સુધારાતરફી રહ્યો હતો અને 1.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 4 ટકા ઉછળ્યો હતો. ઉપરાંત ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફ, હેમિસ્ફિઅર, સોભા અને સનટેક રિઅલ્ટીમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.3 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં યુનાઈટેડ સ્પિરિટ્સ 3 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત આઈટીસી, ગોદરેજ કન્ઝ્યૂમર, પીએન્ડજી, વરુણ બેવરેજીસ, ડાબર ઈન્ડિયા, એચયૂએલ, ઈમામી, યુનાઈટેડ બ્રૂઅરીઝમાં મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝ સતત બીજા દિવસે 17 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત અંબુજા સિમેન્ટ્સ, વેદાંત, એસીસી, એસબીઆઈ, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી, ગોદરેજ પ્રોપર્ટીઝ, આરબીએલ બેંક, ભારતી એરટેલ, પાવર ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, પિરામલ એન્ટરપ્રાઈઝમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ શ્રી સિમેન્ટ્સ 3.5 ટકા ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, ઈન્ડુસ ટાવર્સ, આઈઈએક્સ, ડો. લાલ પેથલેબ્લ, બોશ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારત ફોર્જ, સિપ્લા, ભારત ઈલેક્ટ્રીકમાં ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક કે સર્વોચ્ચ સપાટી દર્શાવનાર કાઉન્ટર્સમાં ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈક્વિટાસ બેંક, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ વાર્ષિક ઘટાડો નોંધાવનારાઓમાં સિપ્લા, બેયર ક્રોપસાઈન્સ, ઈપ્કા લેબ, મૂથૂત ફાઈનાન્સ, મહિન્દ્રા લોજિસ્ટીક્સ, રિલેક્સો ફૂટવેર, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને એલેમ્બિક ફાર્મા મુખ્ય હતાં.
વેદાંતાની લોન માટે વિદેશી ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ સાથે મંત્રણા
કંપની બાર્ક્લેઝ, જેપી મોર્ગન અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પાસેથી એક અબજ ડોલરની લોન લઈ શકે છે
કોમોડિટીઝ બિઝનેસમાં સક્રિય વેદાંતા જૂથની અગ્રણી વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ સાથે મંત્રણા ચાલી રહી છે. જેમાં બાર્ક્લેઝ, જેપી મોર્ગન અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો સમાવેશ થાય છે. જૂથ એક અબજ ડોલર સુધીની લોન મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું હોવાનું બે જાણકાર વર્તુળોનું કહેવું છે.
ગયા મહિને વેદાંતાએ તેના કુલ ડેટમાં 2 અબજ ડોલરનો ઘટાડો નોંધાવ્યો હતો. આમ ચાલુ નાણા વર્ષે તેણે ડેટમાં મહત્વનો ઘટાડો કર્યો હતો. જૂથની લિક્વિડીટી તથા આગામી સમયગાળામાં ડેટની પુનઃચૂકવણીને લઈને તેની ક્ષમતા અંગે રોકાણકારોમાં જોવા મળી રહેલી ચિંતાને હળવી કરવા વેદાંત મેનેજમેન્ટ આગોતરા પગલાં ભરી રહ્યું છે. અદાણી જૂથના શેર્સમાં ઘટાડા બાદ વેદાંતને લઈને પણ ઈન્વેસ્ટર્સ થોડા ચિંતિત બન્યાં છે. લંડન સ્થિત વેદાંત રિસોર્સિસે ત્રણ વર્ષોમાં ચાર અબજ ડોલરના ડેટ ઘટાડાની યોજનામાંથી પચાસ ટકા ડેટ ઘટાડો હાંસલ કર્યો હોવાનું એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું. તે આગામી બે નાણાકિય વર્ષોમાં પણ તેના 7.7 અબજ ડોલરના નેટ ડેટમાં વધુ ઘટાડો જાળવી રાખશે એમ તેણે ઉમેર્યું હતું.
વૈશ્વિક સ્તરે ઝડપથી વધી રહેલા ઈન્ટરેસ્ટ રેટ્સને કારણે નીચું રેટિંગ ધરાવતાં વેદાંત જેવા બોરોઅર્સ પર દબાણ તીવ્ર બન્યું છે. ઉપરાંત વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની ચિંતાને કારણે પણ કોમોડિટીઝ કંપનીઓને લઈ વધુ ચિંતા જોવા મળી રહી છે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ગયા સપ્તાહે કંપનીનો ડેટ સ્કોર્સ દબાણ હેઠળ આવી શકે છે એમ જણાવી ચિંતા પેદા કરી હતી. તેણે જણાવ્યું હતું કે જો કંપની બે અબજ ડોલર ઊભા કરવામાં નિષ્ફળ જશે તેમજ તેના ઈન્ટરનેશનલ ઝીંક બિઝનેસને વેચવામાં અસમર્થ રહેશે તો તેના પર દબાણ વધી શકે છે.
આઈફોન ઉત્પાદક ફોક્સકોન 70 કરોડ ડોલરના ખર્ચે નવો પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતાં
બેંગલૂરુ નજીક સંભવિત પ્લાન્ટ એક લાખ લોકોને રોજગારી આપતો હશે
એપલ ઈન્કના ભાગીદાર ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપે ભારતમાં સ્થાનિક સ્તરે ઉત્પાદન વૃદ્ધિ માટે 70 કરોડ ડોલરના ખર્ચે નવો પ્લાન્ટ બનાવવા માટે વિચારી રહ્યું હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. જે વોશિંગ્ટન અને બૈજીંગ વચ્ચે વધી રહેલા તણાવને જોતાં ચીનની બહાર ઉત્પાદનને ખસેડવાની પ્રક્રિયા ઝડપી બની રહી હોવાનું સૂચવે છે.
પોતાના ફ્લેગશિપ યુનિટ હોન હાઈ પ્રિસિઝન ઈન્ડસ્ટ્રી માટે જાણીતી તાઈવાનીઝ કંપની બેંગલૂરું ખાતે એરપોર્ટ નજીક 300-એકરની સાઈટ પર આઈફોન પાર્ટ્સ બનાવવા માટેના પ્લાન્ટ માટે વિચારી રહી હોવાનું વર્તુળો નામ નહિ આપવાની શરતે જણાવે છે. આ ફેક્ટરી એપલના હેન્ડસેટ્સ પણ બનાવશે એમ વર્તુળો ઉમેરે છે. ઉપરાંત ફોક્સકોન આ સાઈટનો ઉપયોગ તેના પ્રમાણમાં હજુ નગણ્ય એવા ઈલેક્ટ્રિક વેહીકલ બિઝનેસ માટેના પાર્ટ્સ ઉત્પાદનમાં પણ કરી શકે તેવી સંભાવના છે. આ રોકાણ ફોક્સકોનના ભારતમાં કોઈ સિંગલ લોકેશન પરના સૌથી મોટો રોકાણોમાંનું એક હશે. જે સૂચવે છે કે વિશ્વમાં સૌથી મોટા કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સના ઉત્પાદક તરીકે ચીનનું સ્થાન ખતરામાં મૂકાઈ રહ્યું છે. એપલ અને અન્ય યુએસ બ્રાન્ડ્સ તેમના ચીન સ્થિત સપ્લાયરને ભારત અને વિયેટનામ જેવા વૈકલ્પિક લોકેશન્સને એક્સપ્લોર કરવા માટે આગ્રહ કરી રહ્યાં છે. મહામારી દરમિયાન ઝડપી બનેલી વૈશ્વિક સપ્લાય ચેઈન માટે આ એક પુનર્વિચાર છે. જ્યારે યુક્રેન ખાતેનું યુધ્ધ વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સની બનાવટને નવેસરથી આકાર આપી શકે છે. ભારતમાં નવી પ્રોડક્શન સાઈટ લગભગ એક લાખ લોકોને રોજગારી આપશે એમ જાણકારોનું કહેવું છે. કંપનીના ચીન ખાતે ઝેંગઝાઉ સિટી સ્થિત આઈફોન એસેમ્બલી કોમ્પ્લેક્સમાં 2 લાખ લોકોને રોજગારી મળી રહી છે. જોકે પીક પ્રોડક્શન સિઝન વખતે આ સંખ્યા આનાથી પણ વધી જાય છે. ત્રણેક મહિના અગાઉ વર્ષાંતે મળનારી રજા અગાઉ કોવિડ સંબંધી અડચણોને કારણે ઝેંગઝાઉ પ્લાન્ટમાં ઉત્પાદનમાં મોટો ઘટાડો નોઁધાયો હતો. જેણે એપલને ચીન પર આધારિત સપ્લાય ચેઈનના પુનઃ પરિક્ષણની ફરજ પાડી હતી. ફોક્સકોનનો નિર્ણય દર્શાવે છે કે સપ્લાયર્સ તેમની ક્ષમતાને અપેક્ષા કરતાં ઘણી વધારે ઝડપે ચીનની બહાર લઈ જઈ શકે છે. જોકે હજુ ફોક્સકોન ઈન્વેસ્ટમેન્ટ અને પ્રોજેક્ટ વિગતોને આખરી ઓપ આપવાની પ્રક્રિયામાં છે અને તેથી તેની યોજનામાં હજુ પણ ફેરફાર શક્ય છે એમ વર્તુળો જણાવે છે. એ બાબતની પણ સ્પષ્ટતા નથી કે પ્લાન્ટ નવી ક્ષમતા અથવા ઉત્પાદન ધરાવશે કે તે ફોક્સકોનની ચીન કે અન્ય સાઈટની સુવિધાઓને શિફ્ટ કરશે. એપલે આ અઁગે કોઈ ટિપ્પણી નહોતી કરી. જ્યારે હોન હાઈના ચેરમેને ચાલુ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજી હતી. કર્ણાટર સરકારે પણ કોઈ ટિપ્પણી નથી કરી. ભારતની મુલાકાતે આવેલા ફોસકોનના ચેરમેને તેલંગાણામાં નવા મેન્યૂફેક્ચરિંગ યુનિટ માટે પ્રતિબધ્ધતા દર્શાવી હતી.
ગૌતમ અદાણી અને રાજેશ અદાણીએ AELમાં 3.39 ટકા હિસ્સો ઘટાડો
અદાણી જૂથ ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભાઈ રાજેશ અદાણીએ જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝમાં તેમના હિસ્સાને 3.39 ટકા ઘટાડી 69.23 ટકા કર્યો છે. તેમણે અદાણી ટ્રાન્સમિશનમાં પણ હિસ્સો 2.55 ટકા ઘટાડી 71.65 ટકા કર્યો છે. અદાણી જૂથે યુએસ બૂટીક ઈન્વેસ્ટમેન્ટ કંપની જીક્યૂજી પાર્ટનર્સને ચાર અદાણી જૂથ કંપનીઓમાં ઈક્વિટી હિસ્સાનું રૂ. 15446 કરોડમાં વેચાણ કર્યાંના બીજા દિવસે આમ જોવા મળ્યું છે. જીક્યૂજી પાર્ટનર્સના રોકાણને કારણે અદાણી જૂથ શેર્સને લઈને ચિંતા હળવી બની હતી. જેની પાછળ શુક્રવારે પણ જૂથ કંપનીઓના શેર્સમાં તેજી ચાલુ રહી હતી.
એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે જૂથની ચાર કંપનીઓમાં કુલ 21 કરોડ શેર્સનું વેચાણ કર્યું હતું. તેમણે ગુરુવારે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સમાં આ વેચાણ હાથ ધર્યું હતું. જીક્યૂજી પાર્ટનર્સે અદાણી ટ્રાન્સમિશનના 2.84 કરોડ શેર્સ, અદાણી એન્ટરપ્રાઈઝના 3.87 કરોડ શેર્સ, અદાણી પોર્ટ્સના 8.86 કરોડ શેર્સ અને અદાણી ગ્રીનના 5.56 કરોડ શેર્સની ખરીદી કરી હતી. અદાણી ટ્રાન્સમિશનનો શેર રૂ. 668.4ના ભાવે, અદાણી એન્ટરપ્રાઈઝનો શેર રૂ. 1410.86ના ભાવે, અદાણી પોર્ટ્સનો શેર રૂ. 596.2ના ભાવે જ્યારે અદાણી ગ્રીન એનર્જીનો શેર રૂ. 504.60ના ભાવે ખરીદ્યાં હતાં.
અદાણી જૂથ આંધ્રમાં સિમેન્ટ પ્લાન્ટ્સ અને ડેટા સેન્ટર સ્થાપશે
જૂથ રાજ્યમાં 10 કરોડ ટનની કુલ ક્ષમતા ધરાવતાં સૌથી મોટા ખાનગી પોર્ટ્સ ક્રિષ્ણાપટ્ટનમ અને ગંગાવરમનું સંચાલન કરે છે
અદાણી જૂથ આંધ્ર પ્રદેશ ખાતે બે નવા સિમેન્ટ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ્સની સ્થાપના કરશે. આ ઉપરાંત રાજ્યમાં 5 હજાર મેગાવોટના રિન્યૂએબલ પાવર પ્રોજેક્ટ્સ અને ડેટા સેન્ટરની સ્થાપના કરશે એમ જૂથ ફાઉન્ડર ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીએ જણાવ્યું હતું. જૂથ આંધ્ર પ્રદેશ ખાતે તેની હાજરી બમણી કરવા ધારે છે એમ તેમણે ઉમેર્યં હતું.
એપલ્સ-ટૂ-એરપોર્ટ ગ્રૂપ રાજ્યમાં તેના ક્રિષ્ણાપટ્ટનમ અને ગંગાવરમ બંદરોની ક્ષમતા બમણી કરવાનું આયોજન ધરાવે છે એમ અદાણીએ આંધ્ર પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ ખાતે જણાવ્યું હતું. જોકે તેમણે કુલ રોકાણનો આંકડો નહોતો જણાવ્યો. જૂથ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ રૂ. 20 હજાર કરોડનું રોકાણ કરી ચૂક્યું છે. જ્યારે નવું રોકાણ આ ઉપરાંતનું હશે. જેને કારણે રાજ્યમાં 18 હજાર પ્રત્યક્ષ અને 54 હજાર પરોક્ષ જોબ ઊભી થશે. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના સીઈઓ કરણ અદાણીએ જણાવ્યું હતું કે જૂથ કડપ્પા અને નાડીકુડૂ ખાતે 1 કરોડ ટનની ક્ષમતા સાથેના સિમેન્ટ પ્લાન્ટ્સની સ્થાપના પણ કરશે. તેમજ વિશાખાપટ્ટનમ ખાતે 400 મેગાવોટની ક્ષમતા સાથેનું ડેટા સેન્ટર પણ સ્થાપશે. જાન્યુઆરી મહિનાની આખરમાં યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગ તરફથી પ્રગટ કરવામાં આવેલા રિસર્ચ રિપોર્ટ પાછળ જૂથની લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં તીવ્ર ઘટાડા બાદ અદાણી પરિવારના કોઈ સભ્ય પહેલીવાર જાહેરમાં જોવા મળ્યાં હતાં. હિંડેનબર્ગ રિપોર્ટ પાછળ અદાણી જૂથના માર્કેટ-કેપમાં 150 અબજ ડોલરનું ગાબડું પડ્યું હતું અને તે 100 અબજ ડોલરની નીચે ઉતરી ગયું હતું. ગયા મહિને લખનૌ ખાતે ઉત્તર પ્રદેશ સરકારે યોજેલી સમિટમાંથી સિનિયર અદાણીની ગેરહાજરી સૂચક હતી. અગાઉ ગૌતમ અદાણી યૂપી ઈન્વેસ્ટર સમિટમાં હાજરી આપી ચૂક્યાં છે. કરણ અદાણીએ જણાવ્યું હતું કે તેમનું જૂથ આંધ્રમાં બે સૌથી મોટા ખાનગી પોર્ટ્સનું સંચાલન કરે છે. જેની ક્ષમતા વાર્ષિક 10 કરોડ ટનની છે. જૂથ આગામી પાંચ વર્ષોમાં આ ક્ષમતા બમણી કરવાનું લક્ષ્ય ધરાવે છે એમ અદાણીએ ઉમેર્યં હતું. સાથે તે આ પોર્ટ્સને ઈન્ડસ્ટ્રીઅલ પોર્ટ સિટીઝમાં ટ્રાન્સફર કરવાનું લક્ષ્ય પણ ધરાવે છે. જૂથ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 15 હજાર મેગાવોટ રિન્યૂએબલ પાવર પ્રોજેક્ટ્સ પણ વિકસાવી રહ્યું છે.
અદાણી ફિક્સ્ડ-ઈન્કમ માટે લંડન, દુબઈ અને યુએસ ખાતે રોડ શો યોજશે
અદાણી જૂથના સીએફઓ 7 માર્ચથી 15 માર્ચ દરમિયાન રોડ શોની આગેવાની કરશે
અદાણી જૂથ ચાલુ મહિને લંડન, દુબઈ અને અમેરિકાના કેટલાંક શહેરોમાં ફિક્સ્ડ-ઈન્કમ માટે રોડ શોનું આયોજન કરશે એમ રોઈટર્સ પાસે પ્રાપ્ય ડોક્યૂમેન્ટ સૂચવે છે. કોંગ્લોમેરટ એવું અદાણી જૂથ યુએસ શોર્ટ-સેલરના રિપોર્ટ બાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં રોકાણકારોનો વિશ્વાસ પરત મેળવવા માટે પ્રયાસોના ભાગરૂપે આમ કરશે. અદાણી જૂથના સીએફઓ જુગશિંદર સિંઘ સહિત જૂથનું મેનેજમેન્ટ આ રોડ શોમાં જોડાશે. જેની આગેવાની સીએફઓ કરશે. આગામી 7 માર્ચથી 15 માર્ચ સુધીમાં રોડ શોનું આયોજન કરવામાં આવશે એમ ડોક્યૂમેન્ટ દર્શાવે છે.
સરકારે 2022-23 માટે 6.21 કરોડ ટન રાઈસ ખરીદીનો ટાર્ગેટ બાંધ્યો
કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના વર્ષ દરમિયાન ચોખાની ખરીદી માટે 6.21 કરોડ ટનનો ટાર્ગેટ બાંધ્યો છે. જે ગયા વર્ષે થયેલી વાસ્તવિક ખરીદીની સરખામણીમાં 45 લાખ ટન જેટલો વધારે છે. આ ઉપરાંત સરકાર 2023-24ના વર્ષમાં 3.415 કરોડ ટન ઘઉંની ખરીદી કરે તેવી અપેક્ષા પણ છે. જો 6.21 કરોડ ટનનો ટાર્ગેટ હાંસલ થશે તો તે અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી હશે. આ અગાઉ 2020-21માં સરકારે 6.025 કરોડ ટન ચોખાની ખરીદી કરી હતી એમ સરકારી વર્તુળો જણાવે છે.
ટોચની 100 લિસ્ટેડ કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સ સ્કોરમાં ઘટાડો
દેશમાં ટોચની સો લિસ્ટેડ કંપનીઓના કોર્પોરેટ ગવર્નન્સ સ્કોરમાં 2022માં ઘટાડો નોઁધાયો હોવાનું પ્રોક્સિ એડવાઈઝરી ફર્મે જણાવ્યું છે. તેના અભ્યાસ મુજબ બીએસઈ 100 કંપનીઓનો કોર્પોરેટ ગવર્નન્સ સ્કોર 2021માં 62ની સપાટીએ હતો. જે 2022માં સાધારણ ઘટી 61 પર જોવા મળ્યો હતો. પ્રોક્સિ એડવાઈઝરી ફર્મ શેરહોલ્ડર્સને રાઈટ્સ અને ઈક્વિટેબલ ટ્રીટમેન્ટ જેવી કેટેગરીને ગણનામાં લે છે. ઉપરાંત તે સ્ટેકહોલ્ડર્સની ભૂમિકા, ડિસ્ક્લોઝર્સ અને ટ્રાન્સપરન્સી, બોર્ડની જવાબદારી જેવી બાબતોને ગણનામાં લે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એક્સિસ બેંકઃ ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંકિંગ કંપની ચોથા ક્વાર્ટરના પરિણામોમાં રૂ. 6000 કરોડ સુધીની ખોટ દર્શાવી શકે છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. બેંક તાજેતરમાં સિટિ બેંક પાસેથી કરેલી રિટેલ બિઝનેસ ખરીદીના ભાગરૂપે વન-ટાઈમ અસાધારણ ખર્ચ પાછળ આ ખોટ નોંધાવી શકે છે. છેલ્લાં બે ક્વાર્ટર્સમાં બેંકે નફામાં મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી.
એમેઝોન પેઃ બેંકિંગ રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એમેઝોન પેને રૂ. 3.06 કરોડનો દંડ ફટકાર્યો છે. કંપની તરફથી કેટલાંક નિયમોનું પાલન નહિ કરવા બદલ તેના પર દંડ લાગુ પાડવામાં આવ્યો છે. આરબીઆઈના નિવેદન મુજબ એમેઝોન પે તરફથી માસ્ટર ડિરેક્શન્સ ઓફ પ્રિપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ(પીપીઆઈ)ની કેટલીક જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નહોતું.
પેટીએમઃ ફિનટેક કંપનીના કંપની સેક્રેટરી અને કોમ્પ્લાયન્સ ઓફિસર અમીત ખેરાએ તેમના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. કંપનીએ એક્સચેન્જ ફાઈલીંગમાં આ જાણકારી આપી હતી. કંપનીએ વચગાળાના કોમ્પ્લાયન્સ ઓફિસર તરીકે વૈકલ્પિક નિમણૂંક કરી હોવાનું જણાવ્યું છે.
એચડીએફસીઃ નેશનલ કંપનીઝ લો એપટેલ ટ્રિબ્યુનલે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત આઈએલએન્ડએફએસના મુખ્યાલયને બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટને વેચવા સામે સ્ટે આપવાની એચડીએફસીની માગણીને ફગાવી દીધી છે. એચડીએફસીએ આઈએલએન્ડએફએસને લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટીંગ ટ્રાન્ઝેક્શન તરીકે રૂ. 400 કરોડની લોન ફર કરી હતી.
સન ફાર્માઃ ટોચની ફાર્મા કંપનીએ કંપની ખાતે ઈન્ફોર્મેશન સિક્યૂરિટી ઈન્સિડેન્ટ નોંધ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે તેની અસર પામેલી આઈટી એસેટ્સને અલગ પાડી દેવામાં આવી છે. આ ઘટનાની કંપનીની કોર સિસ્ટમ્સ અને ઓપરેશન્સ પર કોઈ અસર નહોતી પડી. કંપની ઘટનાની તપાસ કરી રહી છે અને આમ ના બને તેને અટાવવાના પગલાં લઈ રહી છે એમ એક્સચેન્જ ફાઈલીંગમાં તેણે જણાવ્યું હતું.
ટીટાગઢ વેગન્સ/ભેલઃ રેલ્વે વેગન ઉત્પાદક કંપની ભેલની આગેવાનીના કોન્સોર્ટિયમ હેઠળ સેકન્ડ લોએસ્ટ બીડર એલ-2 તરીકે ઉભરી છે. કંપનીને વંદે ભારત ટ્રેઈનસેટ્સના ઉત્પાદન માટે ઓર્ડર મળી શકે છે.
અદાણી ગ્રીન એનર્જીઃ કંપનીના રાજસ્થાનમાં જેસલમેર સ્થિત વિન્ડ-સોલાર હાઈબ્રીડ પ્લાન્ટે કામગીરી શરૂ કરી દીધી છે. જેની ક્ષમતા 700 મેગાવોટની છે.
એમએન્ડએમ ફાઈનાન્સઃ મહિન્દ્રા જૂથની એનબીએફસી ફેબ્રુઆરીમાં રૂ. 4185 કરોડનું લોન વિતરણ કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 53 ટકા વૃદ્ધિ દર્શાવે છે. માસિક ધોરણે કંપનીની લોન બુકમાં 1.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
મોઈલઃ સરકારી ખનીજ ઉત્પાદકે ફેબ્રુઆરી મહિનામાં 1.31 લાખ ટન મેગેનીઝ ઓરનું ઉત્પાદન હાથ ધર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 10 ટકા વૃદ્ધિ દર્શાવે છે.