Market Summary 03/05/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજાર વિક્રમી ટોચેઃ સેન્સેક્સ 2507 પોઈન્ટ્સ ઉછળ્યો
નિફ્ટીએ 23200ની સપાટી કૂદાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 15 ટકા ગગડી 20.93ના સ્તરે બંધ
બેંક નિફ્ટી ચાર ટકા ઉછળી 50 હજારને પાર નીકળી ગયો
નિફ્ટી પીએસયૂ બેંક 8 ટકા ઉછળ્યો
રિઅલ્ટી ઈન્ડેક્સ 6 ટકા ઉછળ્યો
નિફ્ટી એનર્જી 7 ટકા ઉછળ્યો
નિફ્ટી પીએસઈ 8 ટકા ઉછળ્યો
અદાણી પાવર, ગેઈલ, પાવર ફાઈનાન્સ, આરઈસી, બેંક ઓફ બરોડા નવી ટોચે
ભારતીય શેરબજારમાં સોમવારે ભારે તેજી જોવા મળી હતી. ગયા સપ્તાહાંતે એક્ઝીટ પોલ્સમાં એનડીએના ભવ્ય વિજયની શક્યતાં પાછળ બેન્ચમાર્ક સેન્સેક્સ 2507 પોઈન્ટ્સ ઉછળી 76469ની સપાટીએ જ્યારે નિફ્ટી 733 પોઈન્ટ્સ ઉછળી 23264ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી નીકળી હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કકુલ 4115 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2351 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1615 નેગેટિવ જોવા મળતાં હતાં. 284 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 68 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 15 ટકા ગગડી 20.93ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે ચીન સિવાય એશિયન બજારોમાં પણ મજબૂતી જોવા મળતી હતી. જેની વચ્ચે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 22531ના બંધ સામે 800 પોઈન્ટ્સથી વધુના ઉછાળે 23338ની સપાટી પર ખૂલી ઈન્ટ્રા-ડે 23,339 પર ટ્રેડ થયા પછી 23200 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 184 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 23450ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ, ભારે શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું. એનાલિસ્ટ્સના મતે માર્કેટે નવો બ્રેકઆઉટ દર્શાવ્યો છે અને તેથી તે વધુ સુધારો દર્શાવી શકે છે. જો એનડીએ ગઠબંધન 380થી વધુ બેઠક મેળવશે તો બેન્ચમાર્ક એકવાર 24000 સુધીની મજબૂતી દર્શાવે તેવી શક્યતાં હોવાનું એનાલિસ્ટ્સ માની રહ્યાં છે.
સપ્તાહના પ્રથમ સત્રમાં નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં અદાણી પોર્ટ્સ, એનટીપીસી, એસબીઆઈ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ, શ્રીરામ ફાઈનાન્સ, લાર્સન, બીપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેકસિમેન્ટ, એક્સિસ બેંક, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેંક, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આઈશર મોટર્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, એચસીએલ ટેક, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, બ્રિટાનિયા, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઈન્ફોસિસમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો મોટાભાગના સૂચકાંકો તેમની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યાં હતાં. જેમાં બેંક નિફ્ટી ચાર ટકા ઉછળી 50 હજારને પાર નીકળી ગયો હતો. તે 1996 પોઈન્ટ્સ ઉછળી 50980ની સપાટીએ બંધ રહ્યો હતો. બેંક શેર્સમાં બેંક ઓફ બરોડા 12 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, એસબીઆઈ, પીએનબી, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંકમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક 8 ટકા ઉછળ્યો હતો. જ્યારે રિઅલ્ટી ઈન્ડેક્સ 6 ટકા ઉછળ્યો હતો. તથા નિફ્ટી એનર્જી 7 ટકા અને નિફ્ટી પીએસઈ 8 ટકા ઉછળ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ગેઈલ 13 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, આરઈસી, બેંક ઓફ બરોડા, અદાણી પોર્ટ્સ, કોન્કોર, એસબીઆઈ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, કેનેરા બેંક, ભારત ઈલે., આઈઓસી, એલઆઈસી હાઉસિંગ, એચપીસીએલ, શ્રીરામ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, પેટ્રોનેટ એલએનજી, ઓએનજીસીમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ઈપ્કા લેબ્સ, હેવેલ્સ ઈન્ડિયા, બોશ, આઈશર મોટર્સ, એયૂ સ્મોલ ફાઈ., મધરસન સુમી વગેરેમાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં અદાણી પાવર, ગેઈલ, પાવર ફાઈનાન્સ, આરઈસી, બેંક ઓફ બરોડા, અદાણી પોર્ટ્સ, કોન્કોર, એસબીઆઈ, એનટીપીસી, કેનેરા બેંક, એનસીસી, પાવર ગ્રીડ કોર્પોરેશનનો સમાવેશ થતો હતો.


સોમવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 12.5 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ
ચૂંટણીનાં પરિણામોના એક દિવસ પહેલાં સેન્સેક્સ લગભગ 2,700 પોઈન્ટ વધીને 76,738ની ઓલટાઈમ હાઈ પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટી પણ 23,338ની સર્વકાલીન ટોચે પહોંચી ગયો હતો. તેમાં 800થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજારમાં આવેલી આ તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં લગભગ 12 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. શુક્રવારે BSEનું માર્કેટ કેપ રૂ. 4,12,12,881 કરોડ હતું, જે આજે એટલે કે 3 જૂને વધીને રૂ. 4,23,71,233 કરોડ થયું છે.
છેલ્લાં 2 વર્ષમાં શેરબજારમાં એક દિવસનો આ સૌથી ઊંચો લાભ હતો. અગાઉ 30 ઓગસ્ટ, 2022ના રોજ સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો વધારો થયો હતો. સવારે 10 વાગ્યે સેન્સેક્સ 76.050 પર અને નિફ્ટી 23,200 પર ટ્રેડ કરી રહ્યો હતો.
અદાણી ગ્રુપના તમામ 10 શેરમાં તેજી
અદાણી ગ્રુપના તમામ 10 શેરમાં તેજી જોવા મળી રહી છે. અદાણી પાવરના શેરમાં સૌથી વધુ 16%થી વધુનો વધારો થયો છે. શુક્રવાર, 31 મેના રોજ પણ અદાણી ગ્રૂપના તમામ શેરમાં તેજી રહી હતી.
બેંક નિફ્ટી પહેલીવાર 51,000ને પાર
બેંક નિફ્ટી પ્રથમ વખત 51,000ને પાર કરી ગયો છે. તે આજે ટ્રેડિંગ દરમિયાન 51,106.15ની ઓલ ટાઇમ હાઈ અને 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી બનાવી હતી. હવે તે લગભગ 5% ના વધારા સાથે 51,050 ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.
રિલાયન્સનો શેર વિક્રમી ટોચે
RILએ રૂ. 3,025ની ઓલ ટાઇમ હાઈ બનાવી છે. આજે તેના શેરમાં 5% થી વધુનો વધારો થયો છે. આ વર્ષે રિલાયન્સના શેર 16 ટકાથી વધુ વધ્યા છે. આ વધારા સાથે રિલાયન્સનું માર્કેટ કેપ વધીને 20.42 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
SBIનું માર્કેટ કેપ રૂ. 8 લાખ કરોડને પાર
SBIના શેર રૂ.900ને પાર કરી ગયા છે. આજે તે 911.30 રૂપિયાની ઊંચી સપાટીએ ગયો હતો. આ સ્ટોક માટે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી છે. આ વધારા સાથે બેંકનું માર્કેટ કેપ 8 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.


મુકેશ અંબાણીને પાછળ રાખી ગૌતમ અદાણી ફરી એશિયાના સૌથી ધનિક અબજપતિ
અદાણી એશિયામાં પ્રથમ ક્રમે જ્યારે વિશ્વમાં 11મા ક્રમે
શેર્સમાં તેજીથી અદાણીની સંપત્તિ વધી, 9.10 લાખ કરોડની સંપત્તિ સાથે અંબાણી 12મા ક્રમે જોવા મળ્યાં હતાં.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી વાર એશિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં નંબર-1 પર આવી ગયા છે. તેમણે મુકેશ અંબાણીને પાછળ છોડ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના રિપોર્ટમાં ગૌતમ અદાણી રૂ. 9.26 લાખ કરોડથી વધુની સંપત્તિ સાથે એશિયાની પ્રથમ અને વિશ્વની 11મી સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. શુક્રવારે અદાણી ગ્રૂપના શેરમાં વધારો જોવા મળ્યો હતો. આ સાથે અદાણીની 10 લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપ રૂ. 18 લાખ કરોડને પાર કરી ગયું છે. હિન્ડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝમાં જે ઘટાડો થયો હતો તે પણ સુપ્રીમકોર્ટના નિર્ણય બાદ સંપૂર્ણપણે રિકવર થઈ ગયો છે.
પાંચ મહિના પછી અંબાણીને પાછળ છોડ્યા
2024માં અત્યાર સુધીમાં અદાણીની નેટવર્થ 2.23 લાખ કરોડ વધી છે જ્યારે અંબાણીની સંપત્તિમાં 1.05 લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ નોંધાઈ છે. જાન્યુઆરી 2024માં અદાણીએ લગભગ 12 મહિના પછી અંબાણીને પાછળ છોડી દીધા હતા. જોકે, પાછળથી અંબાણી ફરી આગળ થઇ ગયા હતા. હવે ફરી અદાણી આગળ વધી ગયા છે. સુપ્રીમકોર્ટે હિન્ડનબર્ગ રિપોર્ટના આરોપોની તપાસ કરવાના આદેશ આપ્યા પછી અદાણી માટે 2023 ખૂબ જ પડકારજનક રહ્યું હતું. જોકે, બાદમાં સુપ્રીમકોર્ટે સેબીને અદાણી ગ્રૂપની તપાસ પૂરી કરવા આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે વધુ તપાસની જરૂર નથી. અદાણી, હિન્ડનબર્ગ રિપોર્ટ પહેલાં વિશ્વની ત્રીજી સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા. બ્લૂમબર્ગના ઇન્ડેક્સમાં મુકેશ અંબાણી 9.10 લાખ કરોડની સંપત્તિ સાથે 12મા સ્થાને છે. જ્યારે બર્નાડ આર્નોલ્ટ 17.27 લાખ કરોડની સંપત્તિ સાથે ટોપ પર છે.
24 કલાકમાં સંપત્તિ રૂપિયા 45 હજાર કરોડ વધી…
અદાણી ગ્રૂપના શેરોમાં નોંધપાત્ર વધારો થવાથી અદાણી અંબાણી કરતાં આગળ વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તેમની નેટવર્થમાં 5.45 બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 45,000 કરોડનો વધારો થયો છે. શુક્રવારે શેરબજારમાં અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓના શેરમાં 14 ટકા સુધીની વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે સોમવારે અદાણી જૂથ શેર્સમાં 16 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage