ફેડ બેઠક પૂર્વે શેરબજારમાં સાવચેતીનો માહોલ
વૈશ્વિક બજારો સાથે સ્થાનિક બજારમાં પણ નરમાઈ
વોલેટીલિટી ઈન્ડેક્સ 0.5 ટકા નરમાઈ સાથે 11.84ના સ્તરે
એફએમસીજી, રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી
આઈટી, મેટલ, બેંકિંગમાં નરમાઈ
એન્જીનીયર્સ ઈન્ડિયા, રેઈલ વિકાસ, ઈન્ટરગ્લોબ નવી ટોચે
ગ્લેક્સોસ્મિથલાઈન 52-સપ્તાહના તળિયે
યુએસ ફેડ તરફથી બુધવારે સાંજે રેટ સંબંધી નીતિની જાહેરાત અગાઉ વૈશ્વિક શેરબજારોમાં સાવચેતી જોવા મળી રહી હતી. મંગળવારે યુએસ બજારોમાં વેચવાલી નીકળી હતી. જેની પાછળ એશિયન બજારો પણ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. ભારતીય બજારે તેમને અનુસરતાં તેજીનો ક્રમ તોડ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 161.41 પોઈન્ટ્સના ઘટાડે 61,193.30ની સપાટીએ જ્યારે નિફ્ટી 58 પોઈન્ટ્સ નરમાઈ સાથે 18090ની સપાટીએ બંધ રહ્યાં હતાં. જોકે, બ્રોડ માર્કેટમાં ખરીદી જળવાય હતી અને બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3629 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2179 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1314 નેગેટિવ જોવા મળતાં હતાં. 122 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 26 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 14 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 3 કાઉન્ટર સેલર સર્કિટમાં જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.5 ટકા નરમાઈ સાથે 11.84ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે નિફ્ટીએ નરમાઈ સાથે કામકાજની શરૂઆત કરી હતી. બેન્ચમાર્ક અગાઉના 18148ના બંધ સામે 18114ની સપાટીએ ગેપ ડાઉન ખૂલ્યાં પછી વધી 18116 પર ટ્રેડ થઈ નીચામાં 18042ની સપાટીએ ટ્રેડ થયો હતો. સમગ્ર દિવસ દરમિયાન તે નેગેટિવ ઝોનમાં જ ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 57 પોઈન્ટ્સ પ્રિમીયમે 18147ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના દિવસની સરખામણી જેટલું જ હતું. આમ, માર્કેટમાં ક્યાંય નવી લોંગ-શોર્ટ પોઝીશનની શક્યતાં નથી. જે સૂચવે છે કે આગામી સત્રોમાં બજારમાં કોઈ મોટી વધ-ઘટની શક્યતાં નથી. બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં હિંદુસ્તાન યુનિલીવર્સ, એશિયન પેઈન્ટ્સ, તાતા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, નેસ્લે, એપોલો હોસ્પિટલ, કોટક મહિન્દ્રા અને ડિવિઝ લેબ્સનો સમાવેશ થતો હતો. જ્યારે ઘટાડો દર્શાવનાર કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, યૂપીએલ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એફએમસીજી, રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, મેટલ, બેંકિંગમાં નરમાઈ જોવા મળી હતી. એફએમસીજી ઈન્ડેક્સ 0.8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં ગોદરેજ કન્ઝ્યૂમર, એચયૂએલ, વરુણ બેવરેજીસ, યુનાઈટેડ સ્પિરિટ્સ, આઈટીસી, નેસ્લે, કોલગેટ, મેરિકો, બ્રિટાનિયા અને પીએન્ડજીનો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ પણ 0.3 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ભેલ 6 ટકા ઉછળ્યો હતો. જ્યારે એનએચપીસી 2.6 ટકા, હિંદુસ્તાન એરોનોટિક્સ 2.3 ટકા, ભારત ઈલેક્ટ્રોનિક્સ 2 ટકા, એચપીસીએલ 1.5 ટકા, આઈઓસી 0.7 ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1 ટકા ડાઉન હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી 2.2 ટકા, ટેક મહિન્દ્રા 1.3 ટકા, ટીસીએસ 1.3 ટકા, વિપ્રો 0.9 ટકા અને એચસીએલ ટેક્નોલોજી 0.9 ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.61 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 3.3 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ગેઈલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બીપીસીએલમાં પણ નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં ભેલ, એમઆરએફ, ઈન્ટરગ્લોબ એવિએશન, લૌરસ લેબ્સ, દિપક નાઈટ્રેટ, એપોલો ટાયર્સ, હિંદુસ્તાન એસોનોટિક્સ, તાતા કેમિકલ્સ, ઈન્ડિયન હોટેલ્સ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, ભારત ઈલેક્ટ્રીક, ઈન્ડિયામાર્ટ, પિડિલાઈટ, એચપીસીએલ અને એચયૂએલ સુધરવામાં ટોચ પર હતાં. બીજી બાજુ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ઈન્ડસ ટાવર્સ, અંબુજા સિમેન્ટ્સ, બોશ, એલએન્ડટી ટેક્નોલોજી, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ્સ, મેટ્રોપોલીસ, ઓએનજીસી, બેંક ઓફ બરોડા ઘટાડો દર્શાવવામાં અગ્રણી હતાં. એન્જીનીયર્સ ઈન્ડિયા, રેઈલ વિકાસ, ઈન્ટરગ્લોબ એવિએશને નવી ટોચ દર્શાવી હતી. જ્યારે ફાર્મા કંપની ગ્લેક્સોસ્મિથલાઈનનો શેર 52-સપ્તાહના તળિયે ટ્રેડ થયો હતો.
ગો ફર્સ્ટ પાછળ બેંકિંગ શેર્સમાં ગભરાટ પાછળ વેચવાલી
બુધવારથી ત્રણ દિવસ ગો ફર્સ્ટ એયરલાઈનની ઉડાનો બંધ રહેશે
એનસીએલટી સમક્ષ વોલ્યુન્ટરી નાદારી નોંધાવનાર ગો ફર્સ્ટ એરલાઈન દેશની અનેક બેંક્સ પાસેથી મોટું બોરોઈંગ ધરાવે છે. જેમાં બેંક ઓફ બરોડા, આઈડીબીઆઈ બેંક, એક્સિસ બેંક, ડોઈશે બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. એરલાઈન પાસેથી બેંકિંગ કંપનીઓએ રૂ. 6521 કરોડથી વધુની રકમ વસૂલવાની રહે છે. જેને કારણે બેંકિંગ શેર્સને લઈ ફરી ચિંતા ઊભી થઈ હતી અને તેઓ 5 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
બુધવારે મોટાભાગના બેંક શેર્સે કામકાજની શરુઆત નરમાઈ સાથે કરી હતી. જેમાં પીએસયૂ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો શેર 5 ટકાથી વધુ ઘટાડો સૂચવતો હતો. આ સિવાય બેંક ઓફ બરોડાનો શેર 4 ટકા ઘટાડો સૂચવી રહ્યો હતો. જ્યારે આડીબીઆઈ અને એક્સિસ બેંકના શેર્સ પણ અનુક્રમે 1-2 ટકા નરમાઈ દર્શાવતાં હાતં. જોકે, એક વાત એ પણ નોંધવી રહી કે મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી ગો ફર્સ્ટે હજુ સુધી કોઈપણ બેંકને પેમેંટમાં નાદારી નોંધાવી નથી. કામકાજની આખરમાં બેંક નિફ્ટી સાધારણ નરમાઈ સાથે બંધ દર્શાવતો હતો. જ્યારે બેંક ઓફ બરોડા 2 ટકા ઘટાડે જ્યારે એક્સિસ બેંક સવા ટકા નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો શેર જોકે 5.2 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે આઈડીબીઆઈનો બેંક 2 ટકા નરમાઈ દર્શાવતો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે ગો ફર્સ્ટે સ્વૈચ્છિક નાદારી નોંધાવતાં તેની ખરીદી માટે કોણ આગળ આવે છે તે જોવાનું રહેશે. કેમકે સામાન્યરીતે લેન્ડર્સ તરફથી આમ કરવામાં આવે છે ત્યારે રેઝોલ્યુશન પ્રક્રિયા ઝડપી રહેતી હોય છે. આ કિસ્સામાં હજુ સુધી લેન્ડર્સ તરફથી એનસીએલટીનો સંપર્ક સાધવામાં આવ્યો નથી.
શા માટે નાદારી?
ગો ફર્સ્ટ એરલાઈનના કહેવા મુજબ પ્રૈટ એંડ વ્હીટની(પીએન્ડડબલ્યુ) પાસેથી એન્જિન પૂરા નહિ પાડવામાં આવતાં કંપનીએ તેના મોટાભાગના વિમાનોને જમીન પર ઊભા કરવા પડ્યાં હતાં. જેને કારણે કંપનીને બિઝનેસમાં અડચણ ઊભી થઈ હતી. સાથે હવાઈ મુસાફરીનો ખર્ચ બમણો થવાને કારણે કંપનીએ રૂ. 10800 કરોડની ખોટનો સામનો કરવાનો બન્યો હતો. અત્યાર સુધી કંપનીના પ્રમોટર્સે રૂ. 6500 કરોડની મૂડી ઠાલવી છે. એપ્રિલ 2023માં જ કંપનીના પ્રમોટર્સે રૂ. 290 કરોડની રકમનું રોકાણ કર્યું હતું. ગો ફર્સ્ટે 3,4 અને 5 તારીખે તેની ઉડાનો રદ કરી છે. તેણે પ્રવાસીઓને તેમના નાણા પરત આપવાનો વાયદો કર્યો છે. દેશના અગ્રણી શહેરોમાં ગો ફર્સ્ટના કાઉન્ટર્સ ખાલી જોવા મળતાં હતાં અને પ્રવાસીઓને ખૂબ હાલાકીનો સામનો કરવાનો બન્યો હતો.
FCIની ચોખાની ખરીદી 5 કરોડ ટન પર પહોંચી
ગયા વર્ષે એપ્રિલ આખર સુધીમાં 5.03 કરોડની ખરીદી સામે ચાલુ સિઝનમાં 4.998 કરોડ ટનની ખરીદી
સરકારી એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ચાલુ ચોખા વર્ષ(ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023) દરમિયાન 4.998 કરોડ ટનની ખરીદી કરી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી 5.03 કરોડ ટનની સરખામણીમાં સાધારણ નીચી જોવા મળે છે. જોકે ખરીદી પર્યાપ્ત છે અને ઘઉંની ખરીદી ટાર્ગેટ કરતાં ઘટશે તો જરૂર પડ્યે સરકારને રેશન શોપ્સને અધિક ફાળવણીમાં સહાયતા મળશે એમ વર્તુળો જણાવે છે.
ખરિફ માર્કેટિંગ સિઝનની શરૂઆત સાથે જ ઓક્ટોબરથી ચોખાની ખરીદી શરૂ થાય છે. જેમાં ચાલુ સિઝનમાં ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન 4.941 કરોડ ટન ચોખાની ખરીદી જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 4.973 કરોડ ટન પર હતી. એપ્રિલમાં કાપણી થયેલા રવિ ચોખાની આવકો કેટલાંક રાજ્યોમાં શરૂ થઈ ચૂકી છે. જેની પણ 5.7 લાખ ટનની ખરી થઈ છે. જે ગયા વર્ષે માત્ર 30 હજાર ટન પર જ જોવા મળતી હતી. તમિલનાડુમાંથી 2.3 લાખ ટનની સૌથી ઊંચી રવિ ખરીદી જોવા મળી છે. જ્યાર પછીના ક્રમે આંધ્ર પ્રદેશમાંથી 1.8 લાખ ટનની ખરીદી નોંધાઈ છે. સરકારે 2022-23 વર્ષ માટે 6.217 કરોડ ટન ચોખાની ખરીદીનો ટાર્ગેટ બાંધ્યો હતો. જેમાં 5.156 કરોડ ટન ખરિફ ચોખાની ખરીદી જ્યારે 1.062 ટન રવિ ચોખાની ખરીદીનો સમાવેશ થાય છે. 2021-22માં ચોખાની કુલ ખરીદી 5.759 કરોડ ટન પર રહી હતી.
બીજી બાજુ, સરકારી સંસ્થાઓએ એપ્રિલના પ્રથમ મહિનામાં જ કુલ 2.229 કરોડ ટન ઘઊંની ખરીદી કરી લીધી છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 38.3 ટકા જેટલી ઊંચી છે. જોકે ટોચના ત્રણ રાજ્યો પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશને બાદ કરતાં અન્ય રાજ્યોમાંથી 54.5 કરોડ ટનના ટાર્ગેટ સામે માત્ર 4.4 ટકા જથ્થો જ ખરીદી શકાયો છે. જોકે, સરકારી વર્તુળો જણાવે છે કે આ રાજ્યોમાં જોવા મળતી ખાધને અન્ય રાજ્યોમાં ખરીદી મારફતે પૂરવામાં આવશે અને તેથી સમગ્રતયા ખરીદીનો ટાર્ગેટ હાંસલ કરાશે.
યુએસ સ્થિત ત્રણ બેંક્સની નિષ્ફળતામાં KPMG કોમન પરિબળ
ઓડિટર તરીકે કેપીએમજીએ AVB, સિગ્નેચર બેંક કે ફર્સ્ટ રિપબ્લિક બેંકની તંદુરસ્તી અંગે સાચી વાતો ટાળી હતી
છેલ્લાં બે મહિના દરમિયાન યુએસ ખાતે નિષ્ફળ ગયેલી ત્રણ રિટેલ બેંક્સમાં એક કોમન પરિબળે કોઈ હોય તો તે KPMG છે. નાદાર બનનારી ત્રણેય બેંક્સ સિલિકોન વેલી બેંક, સિગ્નેચર બેંક અને ફર્સ્ટ રિપબ્લિક બેંકને ગયા ફેબ્રુઆરી આખરમાં જ ઓડીટર તરીકે કેપીએમજીએ તેમની તંદુરસ્તીને લઈને મંજૂરીની મહોર મારી હતી.
યુકેના ફાઈનાન્સિયલ ટાઈમ્સે ગયા બુધવારે તેના એક અહેવાલમાં નોઁધ્યું હતું કે યુએસની બેંકિંગ સિસ્ટમમાં એસેટ્સના એક મોટા હિસ્સાનું ઓડિટીંગ કેપીએમજી ધરાવે છે. જે અન્ય કોઈ પણ ઓડિટર કરતાં ઘણો મોટો હિસ્સો છે. વેલ્સ ફાર્ગો, સિટીગ્રૂપ, બેંક ઓફ ન્યૂ યોર્ક મેલોન અને અન્ય ત્રણ ડઝન લિસ્ટેડ બેંક્સ ઉપરાંત કેપીએમજી ફેડરલ રિઝર્વનું પણ ઓડિટ કરે છે એમ રિપોર્ટ નોંધે છે. કેપીએમજીએ તેના ઓડિટને સાઈન કર્યાં પછીના 14 દિવસમાં સિલિકોન વેલી બેંક નાદાર બની હતી. જ્યારે સિગ્નેચર બેંક માત્ર 11 દિવસમાં નિષ્ફળ ગઈ હતી. સિલિકોન વેલી બેંકની પેરન્ટ કંપની એસવીબી ફાઈનાન્સિયલ ગ્રૂપના ઓડિટ રિપોર્ટને કેપીએમજીએ 24 ફેબ્રુઆરીએ સાઈન કર્યો હતો. જ્યારે 10 માર્ચે તો રેગ્યુલેટર્સ બેંકને જપ્ત કરી હતી. બેંકમાં ડિપોઝીટર્સ તરફથી ઉપાડમાં તીવ્ર ઉછાળાને કારણે કેશ ખૂટી જતાં સમગ્ર ઘટના બહાર આવી હતી. એપ્રિલમાં સિલિકોન વેલી બેંકના ઓડિટક તરીકે કેપીએજી સામે ફરિયાદ થઈ હતી. સાથે અન્ડરરાઈટર એવા ગોલ્ડમેન સાચ ગ્રૂપ ઈન્ક, બેંક ઓફ અમેરિકા કોર્પ અને મોર્ગન સ્ટેનલી એન્ડ કંપની સામે પણ કહેવાતાં ખોટા સ્ટેટમેન્ટ્સને લઈને ફરિયાદ દાખલ કરાઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કેપીએમજીનો ઓડિટ રિપોર્ટ બેંકની કામગીરી જાળવી રાખવાની ક્ષમતાને લઈને કોઈ શંકા દર્શાવતો નહોતો. સિગ્નેચરે ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રી પર લગાવેલા મોટા બેટને કારણે ડિપોઝીટ્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ક્રિપ્ટોમાં મંદીને કારણે તેમાં રિવર્સલ જોવા મળ્યું હતું. તેની મોટાભાગની ડિપોઝીટ્સ ઈન્શ્યોરન્સ ધરાવતી નહોતી. જે સૂચવતી હતી કે કોઈપણ મુશ્કેલીના સમયમાં ગ્રાહકો ડિપોઝીટ્સ માટે દોટ મૂકી શકે છે. સોમવારે, જેપીમોર્ગન ચેસ એન્ડ કંપનીએ યુએસ ફેડરલ ડિપોઝીટ ઈન્શ્યોરન્સ કોર્પ સાથે ફર્સ્ટ રિપબ્લિકની એસેટ્સની ખરીદી માટે ડિલ સાઈન કર્યું હતું. ગયા મહિને શેરધારકોએ ફર્સ્ટ રિપબ્લિક બેંક સામે ફરિયાદ કરી હતી. જેમાં ઓડિટર કેપીએમજી સામે બેંકની બેલેન્સ શીટ અને લિક્વિડીટીને લીને ખોટું અર્થઘટન રજૂ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો.
રશિયા હવે પલ્વેરાઈઝ્ડ કોલનું સૌથી મોટું સપ્લાયર બન્યું
ભારતને ક્રૂડ પછી રશિયા હવે ભારતીય સ્ટીલ કંપનીઓને પલ્વેરાઈઝ્ડ કોલના સૌથી મોટા સપ્લાયર તરીકે ઊભર્યું છે. તેણે આ બાબતમાં ઓસ્ટ્રેલિયાને પાછળ રાખી દીધું છે. જાન્યુઆરીને બાદ કરતાં સપ્ટેમ્બર 2022થી જ રશિયન સપ્લાયર્સ તરફથી ઊંચા શીપમેન્ટ જોવા મળ્યાં છે. યુરોપિયન માર્કેટ્સ તરફથી રશિયા પર પ્રતિબંધો તથા ભારતીય સ્ટીલ કંપનીઓ તરફથી સસ્તાં વિકલ્પની શોધને કારણે આમ બન્યું છે. સપ્ટેમ્બર 2022થી ફેબ્રુઆરી 2023 સુધીમાં રશિયાએ ભારતમાં 36 લાખ ટન પીસીઆઈ સપ્લાય કર્યો છે. જે સમાનગાળામાં ઓસ્ટ્રેલિયા તરફથી જોવા મળેલાં 30 લાખ ટન સપ્લાયની સરખામણીમાં 20 ટકા વધુ છે. ફર્નેસને બ્લાસ્ટ કરવા માટે પલ્વેરાઈઝ્ડ કોલ એક મહત્વનું ફ્યુઅલ બની રહે છે. ફેબ્રુઆરી 2023માં રશિયન પીસીઆઈ શિપમેન્ટ 7.5 લાખ ટન પર જોવા મળ્યું હતું. જે ઓસ્ટ્રેલિયાથી જોવા મળેલા 5.8 લાખ ટનના સપ્લાયની સરખામણીમાં 31 ટકા ઊંચું હતું.
ખાડી દેશોને ભારતમાં 12.1 બેરલ્સ પ્રતિ દિવસ ક્રૂડ નિકાસનું નુકસાન
નાણા વર્ષ 2022-23 દરમિયાન મધ્ય-પૂર્વ સ્થિત ખાડી દેશોને ભારતમાં ક્રૂડ નિકાસમાં મોટું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. રશિયા તરફથી સસ્તાં ક્રૂડનો સપ્લાય વધતાં ઈરાક, સાઉદી અરેબિયા, કૂવૈત, યૂએઈ અને ઓમાન ખાતેથી ક્રૂડની ખરીદીમાં ઘટાડો નોંધાયો હતો. એક અભ્યાસ મુજબ ખાડી દેશો ખાતેથી ભારતમાં નિકાસ પર 2022-23માં પ્રતિ દિવસ 12.1 લાખ બેરલ્સનું નુકસાન જોવા મળ્યું હતું. એપ્રિલ 2022માં ખાડી દેશો ભારતની ક્રૂડ આયાતમાં 69 ટકા હિસ્સો ધરાવતાં હતાં. જે એપ્રિલ 2023માં ઘટી 44 ટકા પર રહ્યો હતો. આમ વાર્ષિક ધોરણે 25 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. એનાલિસ્ટ્સના મતે રશિયા ભારતના પરંપરાગત સપ્લાયર્સને સાથે તીવ્ર સ્પર્ધા કરી રહ્યું છે. તેમના મતે ખાડી દેશો મળીને હજુ પણ ભારત ખાતે રશિયાથી વધુ ક્રૂડ સપ્લાય ધરાવે છે. જોકે, તેમના અને રશિયન સપ્લાય વચ્ચેનો ગાળો ઘણો સંકડાયો છે.
ACC-અંબુજાની ખરીદી માટે લીધેલી લોનના રિપેમેન્ટ માટે અદાણીએ વધુ મુદત મળી
2024ના બદલે હવે જૂથે 2025-26માં લોનની પરત ચૂકવણી કરવાની રહેશે
અદાણી જૂથને એસીસી અને અંબુજા સિમેન્ટ્સની ખરીદી માટે તેમણે લીધેલી લોનની પરત ચૂકવણી માટે 12-18 મહિનાનો વધુ સમય મળ્યો હોવાનું જાણવા મળે છે. હોલ્સિમ જૂથ પાસેથી બંને સિમેન્ટ કંપનીઓની ખરીદી માટે ગયા વર્ષે અદાણીએ 6.5 અબજ ડોલરની લોન મેળવી હતી.
અદાણી જૂથે ગયા ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 14 વૈશ્વિક બેંક્સ પાસેથી 5.25 અબજ ડોલર મેળવ્યાં હતાં. જેનો ઉપયોગ કરી તેમણે સિમેન્ટ કંપનીઓમાં હિસ્સાની ખરીદી શક્ય બનાવી હતી. આમાંથી લગભગ 4 અબજ ડોલર જેટલો લોનનો મોટો હિસ્સો 18-24 મહિનાઓમાં 2024માં રિપેમેન્ટ કરવાનો રહેતો હતો. જોકે, વર્તુળોના જણાવ્યા મુજબ રિપેમેન્ટ્સ હવે 2025-26માં કરવાનું રહેશે. જૂથે બ્રીજ લોન તરીકે ટૂંકા ગાળા માટે લીધેલી 1.45 અબજ ડોલરની લોનને ત્રણ તબક્કામાં પરત કરી દીધી છે. તેણે 75 કરોડ ડોલર, 50 કરોડ ડોલર અને તાજેતરમાં વધુ 20 કરોડ ડોલર ચૂકવીને આ લોન પરત કરી છે. અદાણી જૂથ તરફથી જોકે આ મુદ્દે કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નહોતો. બ્રીજ લોનનું સમયથી વહેલું પેમેન્ટ કરીને અદાણી જૂથે મહત્વનો વ્યૂહ અપનાવ્યો હતો. આમ કરી તેણે લેન્ડર્સનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો એમ વર્તુળોનુ કહેવું છે. વર્તુળોના જણાવ્યા મતે લોનની પરત ચૂકવણીમાં એક્સટેન્શન મેળવ્યાં છતાં જૂથ લોનની વહેલી ચૂકવણી માટે પ્રયાસ કરશે. પેમેન્ટની આંશિક ચૂકવણી ઈન્ટરનલ એક્રૂઅલ્સ મારફતે કરવામાં આવશે. તેમજ તે યોગ્ય સમયે વ્યૂહાત્મક રોકાણકારને લાવીને ફંડ ઊભું કરવાનો પ્રયાસ પણ કરશે. જૂથ આંતરિક સ્રોતો વડે સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણને પણ ફંડ કરવાનું આયોજન ધરાવે છે. 2022-23ની આખરમાં બંને સિમેન્ટ કંપનીઓ પાસે રૂ. 11,530 કરોડની કેશ અને તેને સમકક્ષ ફંડ હતું. જે ડિસેમ્બર આખરમાં જોવા મળતાં રૂ. 9454 કરોડમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવતું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
તાતા સ્ટીલઃ તાતા જૂથ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1566.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 873 કરોડના અંદાજની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો જોવા મળ્યો હતો. જોકે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 9835 કરોડની સરખામણીમાં 84 ટકા જેટલો ઘટાડો દર્શાવતો હતો. કંપનીની આવક માર્ચ ક્વાર્ટરમાં રૂ. 62961 કરોડ પર રહી હતી. કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 3.6નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
પંજાબ એન્ડ સિઁધ બેંકઃ પીએસયૂ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 373 કરોડનો નેટ પ્રોફિટ નોઁધાવ્યો છે. બેંકની કુલ આવક અગાઉના વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2,652 કરોડ સામે 32 ટકા વધી રૂ. 2,652 કરોડ પર રહી હતી. સમગ્ર 2022-23 માટે બેંકનો નેટ પ્રોફિટ રૂ. 1,039 કરોડ પરથી 26.4 ટકા વધી રૂ. 1,313 કરોડ પર રહ્યો હતો. બેંકે પ્રતિ શેર રૂ. 0.48નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
હોમ ફર્સ્ટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 64 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 60 કરોડની સરખામણીમાં 7 ટકા ઊંચો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 85.1 કરોડની સરખામણીમાં 31.4 ટકા વધી રૂ. 111.8 કરોડ પર જોવા મળી હતી.
સાસ્કેન કોમ્યુનિકેશનઃ કંપનીએ ક્વાર્ટરમાં રૂ. 17.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 31 કરોડના પ્રોફિટની સરખામણીમાં 45.4 ટકા ઊંચો હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 123 કરોડની સરખામણીમાં 16.2 ટકા ઘટી રૂ. 103 કરોડ પર જોવા મળી હતી.
ડીસીએમ શ્રીરામઃ કંપનીએ ક્વાર્ટરમાં રૂ. 186.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 401 કરોડના પ્રોફિટની સરખામણીમાં 53.5 ટકા ઊંચો હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2873.3 કરોડની સરખામણીમાં 1 ટકો ઘટી રૂ. 2848.7 કરોડ પર જોવા મળી હતી.
કેઈઆઈઃ કંપનીએ ક્વાર્ટરમાં રૂ. 138 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 116 કરોડના પ્રોફિટની સરખામણીમાં 19.1 ટકા ઊંચો હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1791.1 કરોડની સરખામણીમાં 9.1 ટકો ઘટી રૂ. 1954.5 કરોડ પર જોવા મળી હતી.
ઓટો કંપનીઝઃ એપ્રિલમાં ટીવીએસ મોટરે 3.06 લાખ યુનિટ્સનું વેચાણ કર્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 2.99 લાખ યુનિટ્સની સરખામણીમાં 4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આઈશર મોટર્સે ગયા વર્ષે એપ્રિલમાં 61,155 યુનિટ્સની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 18 ટકા વૃદ્ધિ સાથે 73,136 યુનિટ્સનું વેચાણ કર્યું છે. એસએમએલ ઈસુઝુએ ગયા વર્ષે 1044 યુનિટ્સની સરખામણીમાં 38 ટકા વૃદ્ધિ સાથે 1,437 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું.
સેટીનઃ કંપનીએ ક્વાર્ટરમાં રૂ. 98.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 57 કરોડના પ્રોફિટની સરખામણીમાં 73.3 ટકા ઊંચો હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 363.5 કરોડની સરખામણીમાં 20.3 ટકા વધી રૂ. 437.3 કરોડ પર જોવા મળી હતી.
એવિએશન કંપનીઝઃ દિલ્હી ખાતે જેટ ફ્યુઅલ એટીએફના ભાવમાં વધુ ઘટાડો નોંધાયો છે. તે રૂ. 98,349.95 પ્રતિ કિલોલીટર પરથી ગગડી રૂ. 95,935.34 પ્રતિ કિલોલીટર પર જોવા મળ્યાં હતાં. ઈન્ડિગો એવિએશનનો શેર બુધવારે તેની વાર્ષિક ટોચ પર ટ્રેડ થયો હતો.
સ્પંદના સ્ફૂર્તિઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 105.5 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 28.4 કરોડ પર હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષની રૂ. 179 કરોડની સરખામણીમાં 95.1 ટકા વધી રૂ. 349.2 કરોડ પર જોવા મળી હતી.
સિગ્નિટીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 49.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 46.5 કરોડના પ્રોફિટની સરખામણીમાં 8 ટકા ઊંચો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 428 કરોડની સરખામણીમાં 0.7 ટકા વધી રૂ. 425 કરોડ પર જોવા મળી હતી.