Market Summary 03/10/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

યુએસ બોન્ડ યિલ્ડ્સમાં તેજી પાછળ ઈક્વિટીઝમાં નરમાઈ
નિફ્ટી ફરી 19600ની નીચે ઉતરી ગયો
હોંગ કોંગ માર્કેટમાં 3 ટકાનો ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા વધી 11.78ના સ્તરે
મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જળવાય
પીએસયૂ બેંક્સ, રિઅલ્ટી, મિડિયામાં મજબૂતી
ઓટો, ફાર્મા, એફએમસીજી, પ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈ
પીએનબી હાઉસિંગ, યુનિયન બેંક, સુઝલોન એનર્જી, ઝોમેટો નવી ટોચે
અદાણી ટોટલ ગેસ નવા તળિયે

યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં અવિરત તેજી પાછળ વૈશ્વિક શેરબજારો પર દબાણ જોવા મળી રહ્યું છે. જેને પગલે ભારતીય બેન્ચમાર્ક્સમાં અડધા ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 316 પોઈન્ટ્સ ઘટી 65512ની સપાટીએ જ્યારે નિફ્ટી 110 પોઈન્ટ્સ ઘટાડે 19529ની સપાટીએ બંધ રહ્યાં હતાં. જોકે, મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી પાછળ મજબૂતી જોવા મળી હતી. જેની પાછળ સમગ્રતયા માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. બીએસઈ ખાતે કુલ 3956 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1907 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1860 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 262 કાઉન્ટર્સ તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 39 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 15 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 9 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.
મંગળવારે એશિયાઈ બજારોમાં નરમાઈ પાછળ સ્થાનિક બેન્ચમાર્ક નિફ્ટીએ પણ ગેપ-ડાઉન કામગીરી શરૂ કરી હતી. અગાઉના 19638ના બંધ સામે તે 19622 પર ખૂલી લગભગ તેને જ ટોચ તરીકે જાળવી નીચામાં 19480ની સપાટી દર્શાવી 19500નું લેવલ જાળવી શક્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 34 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19563ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 76 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોઁધપાત્ર ઘટાડો સૂચવે છે. આનો અર્થ એ થાય છે કે માર્કેટમાં લોંગ પોઝીશન હળવી થઈ રહી છે. જે બજારમાં સાવચેતીનો સંકેત છે. ટેકનિકલી માર્કેટમાં નવી લોંગ માટે 19800નું લેવલ પાર થાય તેની રાહ જોવી જરૂરી છે. જ્યારે 19400ની સપાટી તૂટશે તો માર્કેટમાં ઝડપી ઘટાડો શક્ય છે. આમ, હાલમાં બજારમાં બાજુ પર ઊભા રહેવામા શાણપણ છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બજાજ ફાઈનાન્સ, લાર્સન, ટાઈટન કંપની, બજાજ ફિનસર્વ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, એચસીએલ ટેક્નોલોજી, એશિયન પેઈન્ટ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઓએનજીસીમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આઈશર મોટર્સ, હિંદાલ્કો, મારુતિ સુઝુકી, ડો. રેડ્ડીઝ લેબ્સ, એનટીપીસી, તાતા મોટર્સ, બીપીસીએલ, યૂપીએલ, સન ફાર્મા, હીરો મોટોકોર્પમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક્સ, રિઅલ્ટી, મિડિયામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે ઓટો, ફાર્મા, એફએમસીજી, પ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.4 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જેના ઘટકોમાં યુનિયન બેંક, ઈન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પીએનબી, આઈઓબી, પંજાબ એન્ડ સિંધ, બેંક ઓફ ઈન્ડિયા, યૂકો બેંક, સેન્ટ્રલબેંકમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ પણ અડધો ટકો પોઝીટીવ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ડીએલએફ, ફિનિક્સ મિલ્સમાં સુધારો નોંધાયો હતો. બીજી બાજુ નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ લગભગ એક ટકા જેટલો ગગડ્યો હતો. જેના ઘટકોમાં ટોરેન્ટ ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, આલ્કેમ લેબ, ઝાયડસ લેબ, ઓરોબિંદો ફાર્મામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી એનર્જી પણ 1.3 ટકા જેટલું ધોવાણ દર્શાવતો હતો. જેના કાઉન્ટર્સમાં ઓએનજીસી, એનટીપીસી, બીપીસીએલ, અદાણી ગ્રીન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, ગેઈલ, એચપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સમાં મહાનગર ગેસ 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત પીએનબી, વેદાંત, આઈઆરસીટીસી, વોડાફોન આઈડિયા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, બિરલાસોફ્ટ, એલઆઈસી હાઉસિંગ, ફેડરલ બેંક, કેનેરા બેંક, બજાજ ફાઈનાન્સ, અંબુજા સિમેન્ટ્સમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, એમસીએક્સ ઈન્ડિયા, ડેલ્ટા કોર્પ, ઓએનજીસી, સિમેન્સ, આઈશર મોટર્સ, હિંદાલ્કો, ટોરેન્ટ ફાર્મા, મારુતિ સુઝુકી, સેઈલ, ડો. રેડ્ડીઝ લેબ્સ અને એસ્કોર્ટ્સ કુબોટામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં પીએનબી હાઉસિંગ, યુનિયન બેંક, સુઝલોન એનર્જી, ઝોમેટો, સીએસબી બેંક, ગ્લોબલ હેલ્થનો સમાવેશ થતો હતો. જ્યારે અદાણી ટોટલ ગેસ નવા તળિયે ટ્રેડ થયો હતો.

ગોદરેજ ગ્રૂપનો 21 અબજ ડોલરનો બિઝનેસ ટૂંકમાં જ બે ભાગમાં વહેંચાશે
જૂથના રૂ. 1.76 લાખ કરોડના બિઝનેસને વિભાગ્યા પછી બ્રાન્ડ નામનો ઉપયોગ કોણ કરશે તેને લઈ ચર્ચા-વિચારણા

દેશમાં જૂના ઔદ્યોગિક જૂથમાંનું એક અને રૂ. 1.76 લાખ કરોડનો બિઝનેસ ધરાવતું ગોદરેજ જૂથ તેના વિવિધ બિઝનેસિસને બે ભાગમાં વહેંચવા માટેના આખરી તબક્કાની મંત્રણામાં પહોંચી ચૂક્યું હોવાનું વર્તુળો જણાવે છે. કોંગ્લોમેરટ હોમ એપ્લાયન્સિઝ, સિક્યૂરિટી સોલ્યુશન્સ, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ, રિઅલ એસ્ટેટ અને કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ જેવા ભિન્ન બિઝનેસમાં હાજરી ધરાવે છે.
ગોદરેજ પરિવાર બે ભાગોમાં વહેંચાયેલો છે. જેમાં અદી ગોદરેજ અને તેમના ભાઈ નાદિરની આગેવાની હેઠળની ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએટ્સ એક ભાગ છે. જ્યારે ગોદરેજ એન્ડ બોયસ મેન્યૂફેક્ચરિંગ કંપની બીજો ભાગ છે. જેની આગેવાની પિતરાઈ જમશેદ ગોદરેજ અને સ્મિથા ગોદરેજ ક્રિષ્ણા પાસે છે. હાલમાં ફેમિલી કાઉન્સિલ બે મહત્વના મુદ્દાઓને લઈ ચર્ચા-વિચારણા ચલાવી રહી છે. જેમાં વિભાજન પછી ગોદરેજ બ્રાન્ડ કોણ વાપરશે તે મુખ્ય મુદ્દો છે. જ્યારે બીજી મહત્વની બાબત જીએન્ડબીની વર્તમાન લેન્ડ બેંક વેલ્યૂ છે. ટોચના ઈન્વેસ્ટમેન્ટ બેંકર નિમેષ કંપાણી અને કોર્પોરેટ લોયર ઝીયા મોદી હાલમાં જમશેદ ગોદરેજના સલાહકાર છે. જ્યારે ઉદય કોટક અને સિરિલ શ્રોફની લીગલ કંપની સિરિલ અમરચંદ મંગલદાસ અદી ગોદરેજ બાજુએથી ચર્ચા કરી રહ્યાં છે. વર્તુળોના જણાવ્યા મુજબ અદી ગોદરેજના પુત્ર અને ગોદરેજ પ્રોપર્ટીઝના ચેરમેન પિરોજશા ગોદરેજ પણ આ ચર્ચામાં પ્રત્યક્ષ સંડોવણી ધરાવે છે.
ગોદરેજ પરિવારમાં પાંચ શાખાઓ જોવા મળી રહી છે. જેમાં અદી ગોદરેજ, નાદિર ગોદરેજ(અદીનો ભાઈ), જમશેદ ગોદરેજ, સ્મિતા ક્રિષ્ણા(જમશેદની બહેન) અને રિશાદ ગોદરેજ(અદી, નાદિર, જમશેજનો પિતરાઈ), દરેક જીએનબીમાં 15.3 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે પિરોજશા ગોદરેજ ફાઉન્ડેશન 23 ટકા હિસ્સો ધરાવે છે. ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ હોલ્ડિંગ કંપની છે અને તે કન્ઝ્યૂમર ગુડ્ઝ, એગ્રીકલ્ચર, રિઅલ એસ્ટેટ, કેમિકલ્સ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં વ્યાપક હિતો ધરાવે છે. તે આ તમામ બિઝનેસિસ માટે ઈન્ક્યૂબેટર તરીકેની કામગીરી પણ સંભાળે છે. ગોદરેજ એગ્રોવેટમાં તે 64.89 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે ગોદરેજ કન્ઝ્યૂમરમાં 23.74 ટકા હિસ્સો અને ગોદરેજ પ્રોપર્ટીઝમાં 47.34 ટકા હિસ્સો ધરાવે છે. જૂથની પાંચ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. જેમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રોવેટ અને એઝટેક લાઈફસાઈન્સિઝનો સમાવેશ થાય છે. આ પાંચ કંપનીઓ મળી રૂ. 1.76 લાખ કરોડનું માર્કેટ-કેપિટલાઈઝેશન ધરાવે છે. નાણા વર્ષ 2022-23માં તેમની કુલ આવક રૂ. 42,172 કરોડ જ્યારે નફો રૂ. 4065 કરોડ જોવા મળતો હતો.
ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝનું પ્રમોટર હોલ્ડિંગ પરિવારના 28 સભ્યોમાં વિભાજિત છે. જેમાં રિશદ નવરોજી 12.65 ટકા હિસ્સો ધરાવે છે. જમશેદ નવરાજી ગોદરેજ અને નાયરિકા હોલ્કર અનુક્રમે 9.34 ટકા અને 8.01 ટકા હિસ્સો ધરાવે છે.

મહત્વના મુદ્દાઓ
• વર્તુળોના મતે જૂથ તેના બિઝનેસને વહેંચવા માટેની મંત્રણાના આખરી તબક્કામાં પહોંચી ચૂક્યું છે
• ગોદરેજ પરિવારના બે જૂથોમાં અદી ગોદરેજ અને તેમના ભાઈ નાદિરની આગેવાની હેઠળની ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએટ્સ અને અન્ય પાંખ ગોદરેજ એન્ડ બોયસ મેન્યૂફેક્ચરિંગ કંપનીનો સમાવેશ થાય છે. જેની આગેવાની પિતરાઈ જમશેદ ગોદરેજ અને સ્મિથા ગોજરેજ ક્રિષ્ણા પાસે છે.
• ફેમિલી કાઉન્સિલ હાલમાં ગોદરેજ બ્રાન્ડ કોણ વાપરશે અને જીએન્ડબીની વર્તમાન લેન્ડ બેંક વેલ્યૂને લઈ ચર્ચા કરી રહી છે.

ગોલ્ડમાં અવિરત વેચવાલી પાછળ ભાવ આઁઠ-મહિનાના તળિયે
વૈશ્વિક બજારમાં ગોલ્ડ વાયદો 1831 ડોલર પર ચાલુ કેલેન્ડરના તળિયે
એમસીએક્સ ખાતે ગોલ્ડ રૂ. 56200ની નજીક ગગડ્યો
એમસીએક્સ ચાંદીમાં રૂ. 3000થી વધુનો કડાકા સાથે ભાવ વર્ષના તળિયે
ડોલર ઈન્ડેક્સ 106.90ની 11-મહિનાની ટોચે ટ્રેડ થયો
યુએસ 30-વર્ષોના બોન્ડ યિલ્ડ 18-વર્ષોની નવી ટોચે પહોંચ્યાં
ક્રૂડ, કોપર, ઝીંકમાં પણ વેચવાલીનું દબાણ

ગોલ્ડમાં વેચવાલી અટકી રહી નથી. છેલ્લાં છ ટ્રેડિંગ સત્રોમાં વિશ્વ બજારમાં ગોલ્ડના ભાવમાંથી 120 ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ભારતીય બજારમાં 10 ગ્રામે રૂ. 3200થી વધુનો કડાકો જોવા મળ્યો છે. મંગળવારે કોમેક્સ ગોલ્ડ વાયદો વધુ 15 ડોલર ગગડી 1831 ડોલરની નીચે ટ્રેડ થયો હતો. જે ચાલુ કેલેન્ડરમાં સૌથી નીચું સ્તર હતું. આમ સોનુ વિશ્વ બજારમાં આઁઠ-મહિનાના તળિયે પટકાયું છે. ભારતીય બજારમાં એમસીએક્સ ખાતે તે રૂ. 56200ના છ-મહિનાથી વધુના તળિયે જોવા મળ્યું હતું. મંગળવારે એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. 900 અથવા 1.5 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જ્યારે એમસીએક્સ સિલ્વર વાયદો 4 ટકા અથવા રૂ. 3200ના કડાકા સાથે રૂ. 65700ના વર્ષના તળિયે ટ્રેડ થયો હતો.
ડોલર ઈન્ડેક્સમાં ભારે તેજી પાછળ બુલિયન સહિત કોમોડિટીઝના ભાવ તૂટ્યાં હતાં. જેમાં ક્રૂડ, ગેસ અને બેઝ મેટલ્સનો સમાવેશ થતો હતો. મંગળવારે ડોલર ઈન્ડેક્સ 106.919ની 11-મહિનાની ટોચે ટ્રેડ થયો હતો. છેલ્લાં બે મહિનામાં તે પાંચ ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે. ડોલર પાછળ યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં ઓર મજબૂતી જોવા મળી હતી અને 30-વર્ષો માટેના બેન્ચમાર્ક યિલ્ડ્સ 4.825ની 18-વર્ષોની ટોચ પર ટ્રેડ થયાં હતાં. એનાલિસ્ટ્સના મતે બોન્ડ યિલ્ડ્સમાં વૃદ્ધિને કારણે ઈક્વિટીઝ અને બુલિયન પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. જે નજીકના સમયમાં હળવુ થવાની શક્યતાં નથી. છેલ્લાં એક સપ્તાહમાં ગોલ્ડમાં જોવા મળેલી વેચવાલીએ રોકાણકારોને આંચકો આપ્યો છે. મોટાભાગનો એનાલિસ્ટ્સ વર્ગ માનતો હતો કે વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1900 ડોલરની સપાટી નીચે નહિ જાય. જોકે, તેણે ગયા શુક્રવારે મહત્વનું બ્રેકડાઉન આપ્યું હતું. જેને જોતાં હાલમાં તે મંદીમાં સરી પડ્યું છે. નજીકના સમયગાળામાં તે ઓવરસોલ્ડ ઝોનમાં જોવા મળે છે. જોકે, હજુ બાઉન્સનો એક સંકેત પણ જોવા મળ્યો નથી.
કોમેક્સ સ્પોટ ગોલ્ડના ભાવ 1815 ડોલરની સપાટીએ પહોંચી ગયા હતા. આમ તેના માટે 1800 ડોલરની સપાટી જાળવવી મહત્વની બની છે એમ વર્તુળોનું કહેવું છે. ડોલર ઈન્ડેક્સમાં તેજી જોતાં ગોલ્ડના ભાવમાં વધુ ઘટાડાની શક્યતાંનો કોઈ ઈન્કાર કરી રહ્યું નથી. એનાલિસ્ટ્સના મતે ડોલર ઈન્ડેક્સમાં 109 ડોલરનો પ્રથમ ટાર્ગેટ છે. જો આમ થશે તો સ્પોટ ગોલ્ડ 1800 ડોલરની સપાટી નિશ્ચિત રીતે તોડશે એમ માનવામાં આવે છે. માર્કેટ નિરીક્ષકોને આશ્ચર્ય એ બાબતનું છે કે ગોલ્ડમાં સેફ હેવન બાઈંગ જોવા મળી રહ્યું નથી. વૈશ્વિક અર્થતંત્રને લઈને અનિશ્ચિતતા તેમજ ફુગાવો નોંધપાત્ર ઊંચા સ્તરે જળવાયેલો છે તથા જીઓપોલિટીકલ જોખમો પણ જ્યાંના ત્યાં છે તેમ છતાં ગોલ્ડ ઊંધા માથે પટકાયું છે.

વેદાંતનો માર્ચ સુધીમાં સ્ટીલ એસેટનું વેચાણ પૂરું કરવાનો ટાર્ગેટ
કંપનીના ચેરમેનના મતે સ્ટીલ અને આર્યન બિઝનેસનું વેચાણ ડેટ ઘટાડવામાં સહાયરૂપ બનશે

વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલે તેની સ્ટીલ એસેટ્સના વેચાણ માટે માર્ચ 2024ની સમયમર્યાદા નિર્ધારણ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. કંપનીએ તેના બિઝનેસને છ અલગ કંપનીઓમાં વિભાજિત કરવાની જાહેરાત કર્યાં પછી અગ્રવાલે આમ કહ્યું છે. તેમના મતે કંપનીના સ્ટીલ અને આયર્ન બિઝનેસનું વેચાણ ડેટ ઘટાડવામાં સહાયરૂપ બનશે. તેમણે ઉમેર્યું હતું કે તમામ નાણા ડેટની પરત ચૂકવણી માટે લગાડવામાં આવ્યાં છે. કંપનીએ જાન્યુઆરી 2024થી ડેટની પરત ચૂકવણી કરવાની થશે.
કંપનીના વાર્ષિક ઓપરેટિંગ પ્રોફિટમાં 4 ટકા હિસ્સો ધરાવતાં સ્ટીલ બિઝનેસમાં સ્થાનિક આયર્ન ઓર બિઝનેસનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમાં લાયબેરિયા એસેટ્સ અને ઈએસએલ સ્ટીલનો સમાવેશ પણ થાય છે. અગ્રવાલના જણાવ્યા મુજબ ડેટની પુનઃચૂકવણી વખતે રિફાઈનાન્સિંગ અને રિપેમેન્ટ, બંને ઓપ્શન્સ ખૂલ્લાં છે. કંપનીએ ગયા સપ્તાહે વેલ્યૂ અનલોકિંગના ભાગરૂપે તેના બિઝનેસને છ લિસ્ટેડ કંપનીઓમાં વિભાગવાની યોજના જાહેર કરી હતી. જેથી વેલ્યૂ અનલોકિંગ સાથે બિગ ટિકિટ ઈન્વેસ્ટમેન્ટ આકર્ષી શકાય.

રિલાયન્સ જીઓ ઈન્ફોકોમે 2 અબજ ડોલરની વિદેશી લોન મેળવી
કંપની નાણાનો ઉપયોગ નોકિયા પાસેથી 5જી ગિઅરની ખરીદી માટે કરશે

બિલિયોનર મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેલિકોમ યુનિટ જીઓ ઈન્ફોકોમે 2023-24માં દેશની સૌથી મોટી ઓફશોર લોન પેટે રૂ. 16,640 કરોડ ઊભા કર્યાં છે. કંપની આ નાણાનો ઉપયોગ નોકિયા પાસેથી 5જી ગિયરની ખરીદીમાં કરશે. ફિનલેન્ડની ક્રેડિટ એક્સપોર્ટ એજન્સી ફિનવેરાએ જીઓના 5જી ગિયર સપ્લાયર નોકિયાને સમાન રકમનું ઈન્શ્યોરન્સ કવર પણ પૂરું પાડ્યું છે. જે ટેલિકોમ કંપનીના વૈશ્વિક લેન્ડર્સને ભાવિ જોખમો સામે સુરક્ષા પૂરી પાડશે.
આ રકમને કારણે જીઓના 5જી ગિયર ફંડિગ ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા છે. જે લેન્ડર અને સપ્લાયરને વધુ રાહત પૂરી પાડશે એમ વર્તુળો જણાવે છે. આ ડીલમાં એચએસબીસીએ લીડ એરેન્જર તરીકે ભૂમિકા ભજવી હતી. જેને લઈને બે મહિનાથી ચર્ચા-વિચારણા ચાલી રહી હતી. લોનની રકમ 1.5-2 અબજ ડોલરની છે અને તે એવી રીતે સ્ટ્રક્ચર કરવામાં આવી છે કે જેથી લોનની મુદતના આધારે ઈન્ટરેસ્ટ રેટ લાગુ પડશે એમ વર્તુળો ઉમેરે છે.

વિશ્વ બેંકે ભારત માટે ઈન્ફ્લેશન અંદાજ વધારી 5.9 ટકા કર્યો
જોકે, બેંકે જીડીપી વૃદ્ધિ દરનો ટાર્ગેટ અગાઉના 6.3 ટકા પર જાળવી રાખ્યો

વર્લ્ડ બેંકે મંગળવારે ભારતના નાણા વર્ષ 2023-24 માટેના ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ(GDP) અંદાજને 6.3 ટકા જાળવ્યો હતો. ઓક્ટોબરમાં ભારત માટેના ડેવલપમેન્ટ અપડેટમાં સંસ્થાએ અગાઉના ગ્રોથ અંદાજને જાળવી રાખ્યો હતો. જોકે, અગાઉ એપ્રિલમાં તેણે 6.6 ટકાનો ટાર્ગેટ મૂક્યો હતો. જેને પાછળથી ઘટાડ્યો હતો.
વિશ્વ બેંકના મતે 2024-25 માટેનો જીડીપી વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે 2025-26 માટેનો વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ છે. જોકે, બેંકે ભારત માટે ઈનફ્લેશનના અંદાજમાં ઉમેરો કર્યો છે. અગાઉ તેણે એપ્રિલમાં 2023-34 માટે ઈન્ફ્લેશન 5.2 ટકા પર રહેશે તેમ અંદાજ્યું હતું. જોકે હવે તેને વધારી 5.9 ટકા કર્યો છે. જ્યારે 2024-25 માટે ફુગાવાનો અંદાજ 4.7 ટકા નિર્ધારિત કર્યો છે. તેમજ 2025-26 માટેનો અંદાજ 4.1 ટકા કર્યો છે. બેંકના જણાવ્યા મુજબ તાજેતરમાં ફુગાવામાં જોવા મળેલી વૃદ્ધિ પ્રતિકૂળ આબોહવાને કારણે છે. જોકે, આગળ જતાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડા પાછળ તે હળવું બનશે. જુલાઈમાં દેશનું રિટેલ ઈન્ફ્લેશન 7.8 ટકા પર જોવા મળ્યું હતું. જેનું મુખ્ય કારણ ઘઉં અને ચોખાના ભાવમાં વૃદ્ધિ ઉપરાંત ટામેટાના ભાવમાં જોવા મળેલો અસાધારણ ઉછાળો હતો. જૂનમાં 4.87 ટકાની સરખામણીમાં તેમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો. જોકે, ઓગસ્ટમાં રિટેલ ઈન્ફ્લેશન ઘટી 6.83 ટકા પર જોવા મળ્યું હતું. તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 4-6 ટકાના કમ્ફર્ટ લેવલથી ઘણું ઊંચું છે. વિશ્વ બેંકના મતે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા છતાં ભારતીય અર્થતંત્ર મજબૂતી દર્શાવે તેવી ધારણા છે. દેશમાં સર્વિસ સેક્ટર 7.4 ટકાનો મજબૂત ગ્રોથ દર્શાવે તેવી આગાહી છે. જ્યારે ઈન્વેસ્ટમેન્ટ ગ્રોથ 8.9 ટકા પર મજબૂત જળવાયેલો રહેવાની અપેક્ષા છે.

અદાણી પોર્ટનું કાર્ગો વોલ્યુમ 20.26 કરોડ ટનની વિક્રમી સપાટીએ પહોંચ્યું
એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિનામાં પ્રથમવાર 20 કરોડ ટનના સીમાચિહ્નને પાર કર્યું

અદાણી જૂથની પોર્ટ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોને ચાલુ નાણા વર્ષના પ્રથમ છ મહિનામાં વિક્રમી કાર્ગો વોલ્યુમ નોંધાવ્યું છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કંપનીએ 20.26 કરોડ ટનનું કુલ કાર્ગો વોલ્યુમ હાંસલ કર્યું છે. તેણે પ્રથમવાર 20 કરોડ ટનના સીમાચિહ્નને પાર કર્યું છે. કંપનીએ ત્રણેય કાર્ગો સેગમેન્ટમાં વૃદ્ધિ દર્શાવી છે.
જેમાં ડ્રાય બલ્કમાં 32 ટકા જ્યારે કન્ટેનર્સમાં 20 ટકા અને લિક્વિડ એન્ડ ગેસમાં 21 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. અદાણી પોર્ટ્સે એક્સચેન્જ ફાઈલીંગમાં નોંધ્યું હતું કે સપ્ટેમ્બરમાં તમામ મહત્વના પોર્ટ્સ મળીને વાર્ષિક ધોરણે 26 ટકા વૃદ્ધિ સાથે 3.28 કરોડ ટનનું વિક્રમી વોલ્યુમ નોંધાવ્યું હતું. અદાણી પોર્ટના કન્ટેનર કાર્ગો બિઝનેસમાં વાર્ષિક 18 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 7.48 કરોડ ટન પર નોંધાયો હતો. જ્યારે ડ્રાય બલ્ક કાર્ગોએ 10 ટકા વૃદ્ધિ સાથે 10.63 કરોડ કાર્ગો હેન્ડલ કર્યો હતો. લોજિસ્ટીક્સ બિઝનેસે ઊંચો વૃદ્ધિ દર જાળવી રાખ્યો હતો. તેણે શરૂઆતી છ મહિનામાં 2,79,177 ટીઈયુનું વિક્રમી વોલ્યુમ નોંધાવ્યું હતું અને જ્યારે જીપીડબલ્યુઆઈએસ વોલ્યુમ વાર્ષિક ધોરણે 42 ટકા ઉછળી 89.2 લાખ ટન પર રહ્યાં હતાં. ઓગસ્ટમાં એપીસેઝનું કુલ વોલ્યુમ વાર્ષિક ધોરણે 17 ટકા વધી 3.42 કરોડ ટન પર રહ્યું હતું. અદાણી પોર્ટ્સ પશ્ચિમ કાંઠા પર છ બંદરો ધરાવે છે. જેમાં મુદ્રા, દહેજ, ટુના અને હજિરાનો સમાવેશ થાય છે. જ્યારે ગોઆ ખાતે માર્માગોઆ અને મહારાષ્ટ્રમાં દિઘી પોર્ટનો સમાવેશ થાય છે. પૂર્વ કાંઠા પર કંપની પાંચ પોર્ટ્સ ધરાવે છે. જેમાં ઓડિશા ખાતે ધામરા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ અને ક્રિષ્ણા પટ્ટનન અને તમિલનાડુમાં કટ્ટુપલ્લી અને એન્નોરનો સમાવેશ થાય છે.

RBIની MPC વધુ એકવાર રેટ સ્થિર જાળવી રાખે તેવી શક્યતાં
નિષ્ણાતોના મતે બેંક લિક્વિડીટીની સ્થિતિ ટાઈટ જાળવી રાખશે
સેન્ટ્રલ બેંક મે 2022થી અત્યાર સુધીમાં રેપો રેટમાં 250 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી ચૂકી છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી(એમપીસી) તેની ચાલુ સપ્તાહે મળનારી બેઠકમાં સતત ચોથીવાર રેટને સ્થિર જાળવી રાખે તેવું મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યાં છે. તેમના મતે આરબીઆઈ રેપો રેટને 6.5 ટકા પર જાળવી રાખવા સાથે ખૂબ જ સાવચેતી દર્શાવશે અને બજારમાં લિક્વિડીટીની સ્થિતિ ટાઈટ જાળવી રાખશે.
સેન્ટ્રલ બેંકે મે 2022થી રેપો રેટમાં વૃદ્ધિ શરૂ કરી હતી અને તેમાં 250 બેસીસ પોઈન્ટ્સનો વધારો કર્યો હતો. છેલ્લે તેણે ફેબ્રુઆરી 2023માં રેટને 25 બેસીસ પોઈન્ટ્સ વધારી 6.25 ટકાથી 6.5 ટકા કર્યો હતો. જોકે, ત્યારપછીની ત્રણ મોનેટરી પોલિસી સમીક્ષામાં તેણે કોઈ રેટ વૃદ્ધિ દર્શાવી નથી અને રેપો રેટને સ્થિર જાળવી રાખ્યો છે. અર્થશાસ્ત્રીઓના મતે આરબીઆઈ રેટને ભલે સ્થિર જાળવી રાખે પરંતુ ચાલુ ચોમાસામાં ખરિફ પાકને લઈને ચિંતા વચ્ચે તે લિક્વિડીટીને અંકુશમાં રાખશે. જો તેને બજારમાં લિક્વિડિટી વધતી જણાશે તો તે માટેના ઉપાયો પણ હાથ ધરી શકે છે.
એક ટોચની એનબીએફસીના વાઈસ ચેરમેનના મતે છેલ્લે મળેલી એમપીસીની બેઠક પછી ચોમાસાની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો અને વરસાદની ખાધ લોંગ-ટર્મ એવરેજથી નજીવો ઘટાડો સૂચવી રહી છે. જોકે, તેમ છતાં ખરીફ પાકને લઈ ચિંતા ઊભી છે. જેની વચ્ચે આરબીઆઈ રેપો રેટ સ્થિર જાળવે તો પણ બજારમાં લિક્વિડીટીની સખતાઈમાં કોઈ ઘટાડો નહિ કરે. તે બજાર પર સતત ચાંપતી નજર જાળવશે અને જરૂર પડ્યે વધારાની લિક્વિડીટને શોષવાના ઉપાયો અજમાવશે. આરબીઆઈ એમપીસીની બેઠક 4થી 6 ઓક્ટોબરના રોજ મળનાર છે.

ઓક્ટોબરે છેલ્લાં 10-વર્ષોમાં સૌથી ઊંચું રિટર્ન દર્શાવ્યું
2013થી 2022 સુધીમાં ઓક્ટોબરનું સરેરાશ 2.93 ટકા સાથે સર્વોચ્ચ રિટર્ન
10-વર્ષોમાંથી 9 વર્ષોમાં ઓક્ટોબરે પોઝીટીવ રિટર્ન આપ્યું

છેલ્લાં બે સપ્તાહથી માર્કેટમાં ઊંચી વોલેટિલિટીએ રોકાણકારોને ઓક્ટોબરમાં બજારનો દેખાવ કેવો રહેશે તેને લઈને થોડી ચિંતિત બનાવ્યાં છે. સામાન્યરીતે ઓક્ટોબરને મંદીનો મહિનો ગણવામાં આવ્યો હતો અને તેથી તેને લઈને રોકાણકારો સચેત પણ જોવા મળતાં હોય છે. જોકે, છેલ્લાં 10-વર્ષોની વાત કરીએ તો ઓક્ટોબરે અસાધારણ રિટર્ન દર્શાવ્યું છે. એટલું જ નહિ પરંતુ કેલેન્ડર દરમિયાન માસિક સરેરાશ રિટર્ન દર્શાવવામાં તે ટોચ પર જોવા મળ્યો છે.
કેલેન્ડર 2013થી 2022 સુધીના 10-વર્ષોમાં ઓક્ટોબરમાં નિફ્ટીએ 2.93 ટકાનું સરેરાશ રિટર્ન નોંધાવ્યું છે. જે સમાનગાળામાં કોઈપણ મહિનાની સરખામણીમાં સૌથી ઊંચું છે. બીજા ક્રમે જુલાઈએ સરેરાશ 2.86 ટકા રિટર્ન દર્શાવ્યું છે. આ જ ઓક્ટોબરે 1995થી 2010 સુધીના સમયગાળામાં મોટેભાગે નેગેટિવ રિટર્ન આપ્યું હતું. આમ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓક્ટોબર માર્કેટ માટે ખૂબ પોઝીટીવ પુરવાર થયો છે. ગણતરીમાં લીધેલાં 10 વર્ષોમાંથી નવ દરમિયાન તેણે પોઝીટીવ રિટર્ન નોંધાવ્યું હતું. જેમાં 2013માં 9.83 ટકા સાથે તેણે શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો હતો. જ્યારે ગયા કેલેન્ડર 2022માં પણ તેણે 5.37 ટકાનું રિટર્ન આપ્યું હતું. અગાઉ 2017માં તેણે 5.59 ટકાનો મજબૂત દેખાવ કર્યો હતો. એકમાત્ર 2018માં તેણે 4.98 ટકાનું નેગેટિવ રિટર્ન દર્શાવ્યું હતું. કેલેન્ડર 2008માં લેહમાન બ્રધર્સના પતન પછીની મંદીમાં ઓક્ટોબરે 28 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારથી ઓક્ટોબરને લઈને રોકાણકારોમાં એક પ્રકારની સાવચેતી પ્રવર્તતી હોય છે. જોકે, છેલ્લાં વર્ષોમાં સતત સારો દેખાવ જોતાં ચાલુ ઓક્ટોબર પણ સમાન ચાલ જાળવી શકે તેવી આશા પ્રવર્તી રહી છે.
એચડીએફસી સિક્યૂરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ્ વિનય રાજાણીના જણાવ્યા મુજબ માર્કેટમાં છેલ્લાં કેટલાંક સત્રોમાં દબાણ જોવા મળ્યું છે પરંતુ તે એક પ્રકારનું શિફ્ટીંગ સૂચવે છે. એટલેકે નાણા કેટલાંક કાઉન્ટર્સમાંથી બહાર નીકળી અન્યત્ર પ્રવેશી રહ્યાં છે અને પેનિક જેવા સંકેતો મળી રહ્યાં નથી. જેને જોતાં આ વખતે પણ ઓક્ટોબર મહિનો પોઝીટીવ દેખાવ જાળવી શકે છે. અલબત્ત, લાર્જ-કેપ્સ થોડા સાઈડલાઈન રહે અને મીડ-કેપ્સ ફરી આઉટપર્ફોર્મન્સ દર્શાવી શકે છે. છેલ્લાં કેટલાંક સત્રોથી નિફ્ટી પર દબાણ વચ્ચે બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સ ખરીદી દર્શાવી રહ્યાં છે. જે માર્કેટમાં પોઝીશન ધરાવતાં ટ્રેડર્સ માટે એક મોટી રાહતનું કારણ છે.

ઓક્ટોબર મહિનામાં માર્કેટનું રિટર્ન
કેલેન્ડર વર્ષ રિટર્ન(ટકામાં)
2022 5.37
2021 0.30
2022 3.51
2019 3.51
2018 -4.98
2017 5.59
2016 0.17
2015 1.47
2014 4.49
2013 9.83

કોર્પોરેટ હેડલાઈન્સ
IOC: સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઉત્તરપૂર્વ ભારતમાં રૂ. 2600 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ યુનિટ્સની સ્થાપના કરશે એમ કંપનીના ઈડીએ જણાવ્યું હતું. કંપનીના બોર્ડે આ માટે મંજૂરી આપી દીધી છે. આ માટે કંપની મેઘાલયા, મિઝોરમ અને મણિપુર સરકારો સાથે વાતચીત ચલાવી રહી છે. કંપની ત્રિપુરા ખાતે રૂ. 656 કરોડના ખર્ચે પ્રોજેક્ટ સ્થાપી રહી છે.
ડીએલએફઃ રિઅલ્ટી અગ્રણીએ ગુરુગ્રામ ખાતે રૂ. 1700 કરોડના ખર્ચે નવો શોપીંગ મોલ સ્થાપવાનું નક્કી કર્યું છે. આ મોલ 25 લાખ ચોરસ ફીટનો હશે. હાલમાં કંપની નવ રિટેલ પ્રોપર્ટીઝ સાથે કુલ 42 લાખ ચોરસ ફિટ સ્પેસ ધરાવે છે. જે મુખ્યત્વે દિલ્હી-એનસીઆર સ્થિત છે.
એનએમડીસીઃ સરકારી ખનીજ કંપનીએ સપ્ટેમ્બરમાં આયર્ન ઓરમાં 10 ટકા ઉત્પાદન વૃદ્ધિ દર્શાવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીનું આયર્ન ઓર ઉત્પાદન 27.3 લાખ ટન પર રહ્યું હતું. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 3 કરોડ ટન પર જોવા મળ્યું હતું. એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં કંપનીનું ઉત્પાદન વધી 1.956 કરોડ ટન પર નોંધાયું હતું.
NTPC: પીએસયૂ વીજ ઉત્પાદકે ચાલુ નાણા વર્ષના પ્રથમ છ મહિનામાં કોલ ઉત્પાદનમાં 83 ટકા વૃદ્ધિ દર્શાવી છે. કંપનીએ એપ્રિલથી સપ્ટેમ્બરમાં 1.605 કરોડ ટન કોલ ઉત્પાદન નોંધાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 87.6 કરોડ ટનની સરખામણીમાં તીવ્ર વૃદ્ધિ સૂચવે છે. કંપનીનું કોલ ડિસ્પેચ પણ છ મહિનામાં 94 ટકા ઉછળી 1.72 કરોડ ટન પર નોંધાયું હતું.
એનસીસીઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ રૂ. 4206 કરોડના મૂલ્યના ત્રણ નવા પ્રોજેક્ટ્સ મેળવ્યાં છે. જેમાં રૂ. 819 કરોડનો કોન્ટ્રેક્ટ વોટર ડિવિઝન સંબંધિત છે. જ્યારે રૂ. 173 કરોડનો કોન્ટ્રેક્ટ ઈલેક્ટ્રિક ડિવિઝન સંબંધી જ્યારે રૂ. 3214 કરોડનો કોન્ટ્રેક્ટ ટ્રાન્સપોર્ટેશન ડિવિઝન સંબંધી છે. કંપનીના જે કુમાર સાથેના સંયુક્ત સાહસ સાથેના કુલ રૂ. 6301 કરોડની ઓર્ડરમાં આ નવા ઓર્ડરનો સમાવેશ થાય છે.
એલઆઈસી હાઉસિંગઃ એલઆઈસીની સબસિડીયરી કંપનીએ મિડિયા કંપની ઝી લિ.ના પ્રમોટર સુભાષ ચંદ્રાની રૂ. 570 કરોડના મૂલ્યની પ્રોપર્ટીને જપ્ત કરી છે. સુભાષ ચંદ્ર રૂ. 570 કરોડના મૂલ્યની લોન ચૂકવણીમાં નિષ્ફળ જવાથી કંપનીએ આ પગલું ભર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage