Market Summary 03 August 2022

માર્કેટ સમરી

 

બુલ્સ-બેર્સની રસાકસી વચ્ચે બજાર પોઝીટીવ રહેવામાં સફળ

આખરી કલાકમાં ખરીદી પાછળ બેન્ચમાર્કમાં છઠ્ઠા દિવસે તેજી

IT દિગ્ગજોએ નિફ્ટીને સપોર્ટ પૂરો પાડ્યો

ઓટોમાં ઊંચા સ્તરે વેચવાલી જોવા મળી

નિફ્ટી કેશ સામે ફ્યુચર્સમાં 36 પોઈન્ટ્સનું પ્રિમીયમ

વોલેટિલિટી ઈન્ડેક્સમાં સાધારણ ઘટાડો

બ્રોડ માર્કેટમાં ઓવરબોટ કાઉન્ટર્સમાં પ્રોફિટ બુકિંગ

વૈશ્વિક સ્તરે માત્ર ચીનના બજારમાં નરમાઈ

અદાણી જૂથની ત્રણ કંપનીઓના શેર્સ નવી ઊંચાઈએ

 

શેરબજાર પર તેજીવાળાઓ થોડું પણ નમતું જોખવા તૈયાર નથી. બુધવારે દિવસના મોટાભાગે રેડ ઝોનમાં ટ્રેડિંગ દર્શાવનાર બજારમાં આખરી કલાકમાં ચીલ ઝડપરૂપી ખરીદી પાછળ માર્કેટ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 214 પોઈન્ટ્સ સુધારે 58351ની સપાટીએ જ્યારે નિફ્ટી 43 પોઈન્ટ્સ સુધરી 17388ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં માર્કેટ બ્રેડ્થ ન્યૂટ્રલ જોવા મળતી હતી. જેની પાછળ નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 25 પોઝીટીવ જ્યારે 25 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ પાછળ માર્કેટ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ બે દિવસની ઊંચી વૃદ્ધિ બાદ સાધારણ ઘટાડા સાથે 18.45ની સપાટી પર બંધ રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે તાઈવાન મુદ્દે યુએસ-ચીન વચ્ચે નવેસરથી ઊભા થયેલા તણાવ વચ્ચે ચીનને બાદ કરતાં એશિયન બજારોમાં સ્થિરતા જોવા મળી રહી હતી. ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 0.7 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જોકે અન્ય એશિયન બજારો પોઝીટીવ ઝોનમાં ટ્રેડ દર્શાવતાં હતાં. આમ ભારતીય બજાર પર કોઈ બાહ્ય દબાણ જોવા મળ્યું નહોતું. તેમ છતાં સ્થાનિક બેન્ચમાર્ક અગાઉના બંધ સ્તરે ફ્લેટ ઓપનીંગ બાદ શરૂઆતી બે કલાકમાં ઘસાતો જોવા મળ્યો હતો. જ્યાં તેજીવાળાઓ ફરી પ્રવેશ્યાં હતાં અને બજારમાં ધીમે-ધીમે સુધારો નોંધાયો હતો અને તે ફ્લેટ બન્યું હતું. જોકે ટ્રેડિંગ બંધ થતાં અગાઉના એક કલાકમાં ઝડપી લેવાલી જોવા મળી હતી અને નિફ્ટી બીજા દિવસે 17400ની સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે આ સ્તરને પાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે એકવાર માર્કેટ 17400નું સ્તર પાર થશે ત્યારબાદ 17700નો ટાર્ગેટ બની રહેશે. જોકે શુક્રવારે આરબીઆઈની રેટ સમીક્ષા પાછળ આગામી બે સત્રોમાં માર્કેટ ઊંચી વધ-ઘટ દર્શાવી શકે છે. માર્કેટ માટે 17 હજારનો મહત્વનો સાયકોલોજિકલ સપોર્ટ રહેશે. જેની નીચે સેન્ટિમેન્ટ ખરડાઈ શકે છે. જોકે તાજેતરના સત્રોમાં તેજીમાં તમામ સેક્ટર્સ તરફથી જોવા મળેલા યોગદાનને જોતાં પાર્ટિસિપન્ટ્સનો મોટેભાગે બુલીશ જોવા મળી રહ્યાં છે અને વધ-ઘટે સપ્ટેમ્બર સુધીમાં નિફ્ટી 18 હજારનું સ્તર દર્શાવે તેવો મત ધરાવે છે.

બુધવારે બજારને આઈટી કંપનીઓએ એકલેહાથે સપોર્ટ પૂરો પાડ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.35 ટકા સુધરી બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સ સહિત મીડ-કેપ્સ આઈટી કંપનીઓમાં પણ ખરીદી જોવા મળી હતી. જેમાં એલએન્ડટી ઈન્ફોટેક 2 ટકા, ટેક મહિન્દ્રા 2 ટકા, માઈન્ડટ્રી 1.5 ટકા, ઈન્ફોસિસ 1.5 ટકા, ટીસીએસ 1.5 ટકા અને કોફોર્જ 1.3 ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ ઈન્ડેક્સ પણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો હતો. જેમાં ચોલા ઈન્વેસ્ટમેન્ટ, પિરામલ એન્ટરપ્રાઈઝ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ તરફથી મુખ્ય યોગદાન જોવા મળ્યું હતું. ઓટો શેર્સમાં છેલ્લાં ચાર મહિનાના સુધારા બાદ પ્રોફિટ બુકિંગ સ્વાભાવિક હતું. જેને કારણે નિફ્ટી ઓટો 0.8 ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં મારુતિ સુઝુકી 2.4 ટકા, ટાટા મોટર્સ 1.8 ટકા, ટીવીએસ મોટર 1.2 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી ફાર્મામાં પણ સિપ્લા જેવા કાઉન્ટર્સને બાદ કરતાં દબાણ જોવા મળ્યું હતું અને તે 0.8 ટકા ઘટાડો સૂચવતો હતો. નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહેનારા ફાર્મા કાઉન્ટર્સમાં ઓરો ફાર્મા 3.2 ટકા, આલ્કેમ લેબ 2.7 ટકા, સન ફાર્મા 2.2 ટકા, લ્યુપિન 1.8 ટકા અને ઝાયડસ લાઈફ 1.1 ટકાનો સમાવેશ થાય છે. એફએમસીજી કાઉન્ટર્સ પણ થાક ખાઈ રહ્યાં હતાં. જેની પાછળ નિફ્ટી એફએમસીજી અડધો ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં યુનાઈટેડ બ્રૂઅરિઝ 1.9 ટકા, ડાબર ઈન્ડિયા 1.5 ટકા, યુનાઈટેડ સ્પિરિટ્સ 1.3 ટકા ઘટાડો સૂચવતો હતો. આઈટીસી અને એચયૂએલ પણ સાધારણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. બેંક નિફ્ટી સાધારણ રેડિશ સાથે ફ્લેટ જોવા મળ્યો હતો. જોકે તે 38 હજારનું સ્તર જાળવી શક્યો નહોતો. આઈસીઆઈસીઆઈ બેંક, બંધન બેંક અને એચડીએફસી બેંક પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે કોટક મહિન્દ્રા, ફેડરલ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક અને ઈન્ડ્સઈન્ડ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદી નીકળી હતી. જેમકે નિપ્પોન લાઈફ 4.22 ટકા સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત અતુલ 3 ટકા, પર્સિસ્ટન્ટ 2.7 ટકા, બિરલાસોફ્ટ 2.3 ટકા, ઈન્ડિયન હોટેલ્સ 2 ટકા અને ઈન્ટરગ્લોબ એવિએશન 1.7 ટકાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ઈન્ડુસ ટાવર્સમાં 6 ટકાનું ગાબડું પડ્યું હતું. આ ઉપરાંત બલરામપુર ચીની 5.2 ટકા, સિમેન્સ 4.5 ટકા, કોન્કોર 3.7 ટકા, ભારત ફોર્જ 3.3 ટકા અને વોડાફોન આઈડિયા 3.2 ટકાનો સમાવેશ થાય છે. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ નોંધપાત્ર નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે 3484 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1371 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1976 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. આમ મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં વેચવાલીનું દબાણ જળવાયું હતું. 107 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 23 કાઉન્ટર્સ તેમના 52-સપ્તાહના તળિયા પર જોવા મળ્યાં હતાં. 214 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 167 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સ દર્શાવી રહ્યાં હતાં.

 

 

 

 

ક્રેડિટ માગને પહોંચી વળવા માટે બોન્ડ્સ વેચી રહેલી બેંક્સ

એકબાજુ ડિપોઝીટ્સ ગ્રોથ નબળો છે જ્યારે ક્રેડિટમાં ઊંચો ઈન્ક્રિમેન્ટલ ગ્રોથ

 

લાંબા સમયગાળા બાદ જોવા મળી રહેલી ઊંચી ક્રેડિટ ડિમાન્ડને પહોંચી વળવા માટે બેંક્સે તેમના બોન્ડ્સ ઈન્વેસ્ટમન્ટને લિક્વિડેટ કરવાનું બની રહ્યું છે. કેમકે સિસ્ટમમાં પૂરતા પ્રમાણમાં નવી ડિપોઝિટ્સ ઊભી થઈ રહી નથી. બેંક્સ તરફથી બોન્ડ્સના વેચાણને કારણે લિક્વિડિટીમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે અને બોરોઈંગ કોસ્ટ વધુ મોંઘી બને તેવી શક્યતાં એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે.

છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ઈન્ક્રિમેન્ટલ ક્રેડિટ ગ્રોથ ઊંચો જોવા મળી રહ્યો છે. જ્યારે તેની સામે નવી ડિપોઝીટ્સ જોઈએ તેટલા પ્રમાણમાં બની રહી નથી. આને કારણે બેંક્સના સીડી રેશિયોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ગ્રાહકો તરફથી ક્રેડિટની માગને પહોંચી વળવા માટે બેંક્સ તેમના ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનું વેચાણ કરી રહી છે. જે વાસ્તવમાં સિસ્ટમમાં લિક્વિટી પર વધુ દબાણ ઊભું કરી રહી છે. નિષ્ણાતોના મતે પૂરતાં ડિપોઝીટ સર્જનના અભાવે બેંકિંગ કંપનીઓએ બોન્ડ્સ વેચાણમાંથી કેટલોક હિસ્સો આરબીઆઈ ગાઈડલાઈન્સના પાલન માટે બાજુમાં રાખવો પડી રહ્યો છે. જેથી ફાઈનાન્સિયલ સિસ્ટમ પર્યાપ્ત માત્રામાં જોખમમુક્ત છે તેની ખાતરી મળી રહે. કેટલીક બેંક્સ માત્ર આ સ્ટેચ્યૂટરી જરૂરિયાતો પૂરી કરવા માટે બોન્ડ્સનું વેચાણ કરી રહી છે.

જુલાઈના પ્રથમ બે સપ્તાહ દરમિયાન બેંક ક્રેડિટ માગમાં 15 ટકાનો મહામારી પછીનો સૌથી ઝડપી વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. જેની પાછળ 15 જુલાઈના રોજ ઈન્ક્રિમેન્ટલ ક્રેડિટ ડિપોઝીટ રેશિયો 113 ટકા પર પહોંચી ગયો હતો. ગયા મે મહિનાથી આ રેશિયો 100 ટકાના સ્તર આસપાસ જોવા મળતો હતો એમ આરબીઆઈનો તાજેતરનો ડેટા સૂચવે છે. તે આગામી સમયગાળામાં ઈન્ટરેસ્ટ રેટમાં વધુ વૃદ્ધિનો સંકેત આપી રહ્યાં છે. આરબીઆઈ ગવર્નરે પણ તાજેતરમાં એક સેમિનારમાં જણાવ્યું હતું કે જ્યારે પણ ક્રેડિટ ઓફટેક ઊંચું જોવા મળે ત્યારે લિક્વિડિટી ઓછી થતી જાય છે. આરબીઆઈ પોલિસી રેટ્સ વધારી રહી છે અને તેથી બેંકિંગ કંપનીઓએ પણ તેમની એસેટ્સ પર રેટ્સ(ઈન્ટરેસ્ટ રેટ્સ) વધારવા પડશે. અનેક બેંક્સે છેલ્લાં બે મહિનામાં તેમના લેન્ડિંગ રેટ્સ વધાર્યાં છે. જ્યારે લાયેબિલિટી બાજુએ ડિપોઝીટ્સ રેટ્સમાં પણ તેમણે વૃદ્ધિ શરૂ કરી દીધી છે. આરબીઆઈના ડેટા મુજબ પોલિસી રેપો રેટમાં 90 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ બાદ બેંક્સે મેમાં ટર્મ ડિપોઝીટ્સ રેટમાં સરેરાશ 4 બેસીસ પોઈન્ટ્સનો જ્યારે જૂનમાં 6 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી હતી. દાસે ઉમેર્યું હતું કે ડિપોઝીટ્સ રેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થતાં થોડો સમય લાગશે. જોકે તેમ કર્યાં વિના બેંક્સ પાસે છૂટકો નથી.

અર્થશાસ્ત્રીઓના મતે સિસ્ટમમાંથી લિક્વિડીટી ઓછી થઈ રહી હોવાના કારણે ક્રેડિટ માગ ઊંચી જોવા મળી રહી છે. ચાલુ પખવાડિયામાં સિસ્ટમ લિક્વિડિટી સરપ્લસ રૂ. 1.3 લાખ કરોડ પર હતી. જે ગયા પખવાડિયે રૂ. 2.7 લાખ કરોડ પર હતી. પીએસયૂ બેંકના અર્થશાસ્ત્રી જણાવે છે કે લિક્વિડિટી ઝડપથી સૂકાવાનું એક કારણ ઝડપી ક્રેડિટી એક્રિશન છે. જે સિસ્ટમમાંથી નાણાને બહાર કરી રહ્યું છે.

 

કેશ ક્રન્ચ

  • મહામારી બાદ જુલાઈમાં 14 ટકાની સૌથી ઊંચી ક્રેડિટ વૃદ્ધિ નોંધાઈ
  • ઈન્ક્રિમેન્ટલ ક્રેડિટ-ડિપોઝીટ રેશિયો 15 જુલાઈએ 113 ટકાની લાંબા સમયની ટોચ પર જોવાયો
  • નવી ડિપોઝીટ્સમાં નીચી વૃદ્ધિને કારણે પર્યાપ્ત લિક્વિડિટી જાળવવા એસેટ્સનું વેચાણ
  • બેંક્સ તરફથી ડિપોઝીટ રેટ્સમાં નજીવી વૃદ્ધિને કારણે પણ ડિપોઝીટર્સમાં ઉત્સાહનો અભાવ

 

 

 

 

ઓક્ટોબરથી રૂ. 10 કરોડથી વધુ ટર્નઓવર પર GST ઈ-ઈન્વોઈસિંગ ફરજિયાત

સરકારે જીએસટી માટે ઈ-ઈન્વોઈસિંગ માટેની ફરજિયાત લઘુત્તમ મર્યાદાને રૂ. 20 કરોડ પરથી ઘટાડી રૂ. 10 કરી છે. આ નવી મર્યાદા એક ઓક્ટોબરથી લાગુ પડશે. આમ કરવાથી ઈ-ઈન્વોઈસિંગના દાયરામાં મોટી વૃદ્ધિ જોવા મળશે. સરકારના પગલાનો હેતુ ટ્રાન્ઝેક્શન્સ વોલ્યુમના ડિજિટાઈઝેશનને વધારવાનો, સેલ્સ રિપોર્ટિંગમાં પારદર્શક્તા લાવવાનો તથા ભૂલો અને ગોટાળાને અટકાવવાનો છે. સાથે ઓટોમેટિંગ ડેટા એન્ટ્રી વર્ક અને કોમ્પ્લાયન્સમાં સુધારા માટે પણ આમ કરવામાં આવી રહ્યું છે. વર્તુળોના જણાવ્યા મુજબ સરકાર ભવિષ્યમાં ઈ-ઈન્વોઈસિંગ માટેની લઘુત્તમ જરૂરિયાતને ઘટાડી રૂ. 5 કરોડ પણ કરશે. જેથી રેવન્યૂ લીકેજ ખાળી શકાય અને કોમ્પ્લાયન્સને સરળ બનાવી શકાય.

RBIનો ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝન ઈન્ડેક્સ 56.4 પર પહોંચ્યો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બનાવેલો ઈન્ડિયા ફાઈનાન્સિયલ ઈન્ક્લૂઝન ઈન્ડેક્સ માર્ચ 2022માં 2.5 ટકાના ઉમેરા સાથે 56.4 પર જોવા મળ્યો હતો. જે માર્ચ 2021માં 53.9 પર હતો. તમામ સબ-સૂચકાંકોમાં વૃદ્ધિ પાછળ ઈન્ક્લૂઝન ઈન્ડેક્સમાં સુધારો નોંધાયો હતો. આરબીઆઈએ દેશમાં ફાઈનાન્સિયલ ઈન્ક્લૂઝનનો કયાસ મેળવવા માટે સરકાર સહિતના ભાગીદારો સાથે મળી એફઆઈ-ઈન્ડેક્સની રચના કરી હતી. માર્ચ 2017ની આખરમાં પૂરા થયેલાં વર્ષ દરમિયાન એફઆઈ-ઈન્ડેક્સ 43.4 પર રહ્યો હતો. ઈન્ડેક્સને કોઈ બેઝ યર વિના ઘડવામાં આવ્યો છે. આરબીઆઈના મતે ઈન્ડેક્સમાં બેંકિંગ, ઈન્વેસ્ટમેન્ટ્સ, ઈન્શ્યોરન્સ, પોસ્ટલ અને પેન્શન સેક્ટર્સનો સમાવેશ થાય છે.

 

 

ક્રૂડ, ગોલ્ડમાં સાધારણ નરમાઈ, રૂપિયો 68 પૈસા તૂટ્યો

કોમોડિટી અને કરન્સી માર્કેટ્સમાં બુધવારે સાધારણ નરમાઈ જોવા મળી હતી. વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવ 100 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યાં હતાં જ્યારે કોમેક્સ સ્પોટ ગોલ્ડ 1770 ડોલર આસપાસ ટ્રેડિંગ દર્શાવતું હતું. સ્થાનિક કરન્સી રૂપિયામાં પાંચ દિવસનો સુધારો અટક્યો હતો અને તે 68 પૈસાના તીવ્ર ઘટાડે બંધ રહ્યો હતો.

વૈશ્વિક ગોલ્ડની વાત કરીએ તો તેણે છેલ્લાં નવ સત્રોથી જોવા મળતાં સુધારામાં વિરામ દર્શાવ્યો હતો. કોમેક્સ સ્પોટ ગોલ્ડ 1780 ડોલરની ટોચ દર્શાવી 1760-1770 ડોલરની રેંજમાં ટ્રેડ દર્શાવતું હતું. રૂપિયામાં નરમાઈને કારણે સ્થાનિક બજારમાં એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 140ના સુધારે રૂ. 51450 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉ નવ સત્રોમાં વૈશ્વિક બજારમાં ગોલ્ડ 100 ડોલર જેટલું ઉછળી મંગળવારે 1780 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થયું હતું.  જે ચાર મહિનામાં ગોલ્ડના ભાવમાં સૌથી ઝડપી સુધારો છે. બુધવારે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ વચ્ચે ગોલ્ડ ફ્લેટ ટ્રેડ સૂચવતું હતું. છ કરન્સિઝ સામેનો ડોલર ઈન્ડેક્સ 106ની આસપાસ અથડાઈ રહ્યો છે. ક્રૂડ પણ અનિર્ણાયક ચાલ દર્શાવી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની નીચે જઈ પરત ફરી જાય છે. બુધવારે આ લખાય છે ત્યારે તે 99 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. દરમિયાનમાં મંગળવારે 53 પૈસા ઉછળી 78.53ની એક મહિનાની ટોચ પર બંધ રહેલો રૂપિયો ગેપ-ડાઉન ઓપનીંગ બાદ 68 પૈસા ગગડી 79.21ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારે તે 78.70ના સ્તરે નરમાઈ સાથે ખૂલી વધુ ગગડ્યો હતો. મેક્રો ઈકોનોમિક ડેટા અપેક્ષા કરતાં નબળો આવતાં રૂપિયામાં પાંચ દિવસના સુધારા પર બ્રેક લાગી હતી.

 

 

કોર્પોરેટ હેડલાઈન્સ

 

બ્રિગેડ એન્ટરપ્રાઈઝઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 88 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 40 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 382.8 કરોડ સામે લગભગ 125 ટકા વધી રૂ. 903 કરોડ રહી હતી.

એસસીઆઈઃ સીસીઆઈએ રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડના સાન્મિયા-એસસીઆઈ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં 50.1 ટકા ઈક્વિટી શેર કેપિટલ ખરીદીને મંજૂરી આપી છે.

બોશ ઈન્ડિયાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 334 કરોડનો નફો દર્શાવ્યો છે. રૂ. 307 કરોડની અપેક્ષા સામે 28 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરની સરખામણીમાં 45 ટકા ઉછળી રૂ. 354 કરોડ રહી હતી.

દિપક નાઈટ્રેટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 235 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે રૂ. 22 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1526 કરોડ સામે 35 ટકા વધી રૂ. 2060 કરોડ રહી હતી.

થર્મેક્સઃ એન્જીનીયરીંગ કંપનીએ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 24.5 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 30.52 કરોડની સરખામણીમાં 20 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 710 કરોડ સામે 33.45 ટકા વધી રૂ. 947 કરોડ રહી હતી.

કેર રેટિંગ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 13.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11 કરોડની સરખામણીમાં 25 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 49.2 કરોડ સામે 11 ટકા વધી રૂ. 49.2 કરોડ રહી હતી.

શીલા ફોમઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 42.1 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 24.8 કરોડની સરખામણીમાં 70 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 551.3 કરોડ સામે 32.3 ટકા વધી રૂ. 729.1 કરોડ રહી હતી.

ઝી મિડિયાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 8.2 કરોડનો નફો દર્શાવ્યો છેજે ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 9 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 170 કરોડ સામે 22 ટકા વધી રૂ. 207 કરોડ રહી હતી.

જીપીટી ઈન્ફ્રાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 7.9 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5 કરોડની સરખામણીમાં 76 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 122 કરોડ સામે 54.1 ટકા વધી રૂ. 188 કરોડ રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage