Market Summary 04/01/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં નીચા મથાળે સપોર્ટ મળતાં બાઉન્સ જોવાયો
બેન્ચમાર્ક નિફ્ટી 21600ની સપાટી ઉપર પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 5.5 ટકા ગગડી 13.33ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં પણ ભારે ખરીદી જળવાય
નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 7 ટકા ઉછળ્યો
બેંક, એફએમસીજી, પીએસઈ, એનર્જીમાં મજબૂતી
ગોદરેજ પ્રોપર્ટી, ડીએલએફ, ઈન્ડુસ ટાવર, હિંદ કોપર નવી ટોચે

વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં સતત બે સત્રોના ઘટાડા પછી બાઉન્સ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 491 પોઈન્ટ્સ ઉછળી 71488ની સપાટીએ જ્યારે નિફ્ટી 141 પોઈન્ટ્સ મજબૂતી સાથે 21659ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સતત ભારે ખરીદી જોવા મળી હતી. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ ખૂબ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3941 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2574 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1267 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 480 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 11 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.5 ટકા ગગડી 13.33ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય શેરબજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 21606ની સપાટીએ ખૂલી ઉપરમાં 21686ની ટોચ પર ટ્રેડ થયાં પછી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 150 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21809ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 78 પોઈન્ટ્સના પ્રિમિયમની સરખામણીમાં 72 પોઈન્ટ્સની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. આમ, નીચા મથાળે નોંધપાત્ર લોંગ પોઝીશનનો ઉમરો થયો હોવાનું જણાય છે. આમ, બુધવારના તળિયાના સ્ટોપલોસ સાથે બજારમાં નવી લોંગ પોઝીશન લઈ શકાય છે. જોકે, મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પ્રોફિટ બુકિંગનો વ્યૂહ અપનાવવાનો રહેશે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બજાજ ફાઈનાન્સ, તાતા કન્ઝ્યૂમર, એનટીપીસી, ઓએજીસી, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, બ્રિટાનિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, તાતા મોટર્સ, નેસ્લે, એચડીએફસી લાઈફ, ઈન્ફોસિસ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, સન ફાર્મા, એચડીએફસી બેંક, ટાઈટન કંપની, એસબીઆઈ લાઈફ, લાર્સન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંકમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, બીપીસીએલ, એલટીઆઈમાઈન્ડટ્રી, ડો. રેડ્ડીઝ લેબ્સ, એચસીએલ ટેક્નોલોજી, હીરો મોટોકોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, એમએન્ડએમ, તાતા સ્ટીલ, વિપ્રો, ટીસીએસમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 7 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. આ ઉપરાંત, બેંક, એફએમસીજી, પીએસઈ, એનર્જીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટીબેંક એક ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવતો હતો. જેના ઘટકોમાં એયૂ સ્મોલ ફાઈ. બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એચડીએફસી બેંક અને પીએનબીમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી પીએસઈ 1.6 ટકા ઉછળી પ્રથવાર 8000ની સપાટી કૂદાવી ગયો હતો. જેના ઘટકોમાં એનટીપીસી, કોન્કોર, પાવર ફાઈનાન્સ, ઓએનજીસી, આરઈસી, એનએમડીસી, એનએચપીસી, ભારત ઈલે., પાવર ગ્રીડ કોર્પોરેશન, હિંદુસ્તાન એરોનોટીક્સ, ગેઈલ, નાલ્કો, ભેલ, કોલ ઈન્ડિયામાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 1.2 ટકા સાથે નવી ટોચે પહોંચ્યો હતો. જેના ઘટકોમાં એનટીપીસી, તાતા પાવર, પાવર ગ્રીડ કોર્પોરેશન, ગેઈલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પોઝીટીવ ટ્રેડ સૂચવતાં હતાં. નિફ્ટી એફએમસીજી 0.9 ટકા ઉછાળે નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં તાતા કન્ઝ્યૂમર, યુનાઈટેડ બ્રૂઅરિઝ, ગોદરેજ કન્ઝ્યૂમર, ઈમામી, વરુણ બેવરેજિસ, ડાબર ઈન્ડિયા, બ્રિટાનિયા, મેરિકો, નેસ્લે, જ્યુબિલિઅન્ટ ફૂડ, યુનાઈટેડ સ્પિરિટ્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટ 6.7 ટકા ઉછળ્યો હતો અને 800ની સપાટી કૂદાવી ગયો હતો. જેના ઘટકોમાં સોભા, ગોદરેજ પ્રોપર્ટીઝ, હેમિસ્ફિઅર, સનટેક રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ડીએલએફ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સમાં 16 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
એનએસઈ ડેરિવેટીર્સ સેગમેન્ટની વાત કરીએ તો ગોદરેજ પ્રોપર્ટીઝ 8 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, ડીએલએફ, વોડાફોન આઈડિયા, ઓબેરોય રિઅલ્ટી, હિંદુસ્તાન કોપર, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડુસ ટાવર્સ, ઈન્ડિયા સિમેન્ટ્સ, તાતા કન્ઝ્યૂમર, યુનાઈટેડ બ્રૂઅરિઝ, કોન્કોર, એયૂ સ્મોલ ફાઈ., એસીસી, તાતા પાવર, એલએન્ડટી ફાઈનાન્સ, જીએમઆર એરપોર્ટ્સ, પાવર ફાઈનાન્સ, ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેંક, ગોદરેજ કન્ઝ્યૂમર, આરઈસી, મૂથૂત ફાઈનાન્સ, એનએમડીસી, શ્રીરામ ફાઈનાન્સ, વોલ્ટાસ, એચડીએફસી એએમસી, ડાબર ઈન્ડિયા, બંધન બેંક, અદાણી પોર્ટ્સમાં મજબૂત સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, પીવીઆર આઈનોક્સ, એપોલો ટાયર્સ, નવીન ફ્લોરિન, બીપીસીએલ, એલટીઆઈમાઈન્ડટ્રી, એચપીસીએલ, ડો.રેડ્ડીઝ લેબ્સ, એચસીએલ ટેક્નોલોજી, આરતી ઈન્ડસ્ટ્રીઝ, અતુલ, આઈઓસી, હીરો મોટોકોર્પમાં નરમાઈ જોવા મળી હતી. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં સોભા, સેન્ચ્યૂરી, ડીસીએમ શ્રીરામ, મેક્રોટેક ડેવલપર્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ટોરેન્ટ પાવર, કીસ્ટોન રિઅલ્ટી, બોમ્બે બર્માહ, મેક્સ હેલ્થકેર, ડીએલએફ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સ્વાન એનર્જી, હિંદ કોપર, ઈઆઈએચ, ઈન્ડસ ટાવર્સનો સમાવેશ થતો હતો.

ઈન્ડિયા રેટિંગ્સે GDP વૃદ્ધિ અંદાજને 6.2 ટકાથી વધારી 6.4 ટકા કર્યો
ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ એજન્સીએ નાણા વર્ષ 2023-24 માટેના જીડીપી વૃદ્ધિ દરના અંદાજને અગાઉના 6.2 ટકાથી વધારી 6.4 ટકા કર્યો છે. વૃદ્ધિ દરમાં સુધારા પાછળ વિવિધ પરિબળો કારણભૂત છે. જેમાં બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રના 7.6 ટકાના ઊંચા વૃદ્ધિ દરનો સમાવેશ થાય છે. ભારત સરકાર તરફથી ઊંચા મૂડી ખર્ચને કારણે અર્થતંત્રમાં મજબૂત માગ જળવાય રહી છે. ઊપરાંત, કોર્પોરેટ્સ તથા બેંકિંગ સેક્ટરની બેલેન્સશીટ્સ પણ ખૂબ મજબૂત જોવા મળી રહી છે. ક્ષમતા વપરાશ તેની ટોચ પર પહોંચવાથી કોર્પોરેટ્સ નવા મૂડી ખર્ચ કરવા આગળ વધી રહ્યાં છે. વૈશ્વિક અર્થતંત્રને લઈ ચિંતા વચ્ચે પણ દેશમાંથી સર્વિસની નિકાસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

સરકાર ડિવિડન્ડ પેટે ટાર્ગેટ કરતાં રૂ. 12 હજાર કરોડ વધુ મેળવશે
બજેટમાં નાણાપ્રધાને મૂકેલા રૂ. 43 હજાર કરોડના ટાર્ગેટ સામે રૂ. 55-60 હજાર કરોડ સુધી રકમ મળે તેવી શક્યતાં

કેન્દ્ર સરકાર ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ડિવિડન્ડની રકમ પેટે તેણે નક્કી કરેલા ટાર્ગેટ કરતાં ઓછામાં ઓછા રૂ. 12 હજાર કરોડ વધુ મેળવે તેવી શક્યતાં છે. જ્યારે ઊપર બાજુ તે રૂ. 17 હજાર કરોડ સુધીની વધુ રકમ મેળવી શકે છે. જે સરકારને ડિસઈન્વેસ્ટમેન્ટના તેના ટાર્ગેટમાં જોવા મળી રહેલી તીવ્ર અછતને આઁશિકપણે સરભર કરવામાં સહાયરૂપ બની શકે છે.
સરકાર તરફથી ડિવિડન્ડની રકમ રૂ. 55 હજાર કરોડથી રૂ. 60 હજાર કરોડ પર જઈ શકે છે એમ વર્તુળો જણાવે છે. જે સરકાર તરફથી બજેટમાં નક્કી કરાયેલા રૂ. 43 હજાર કરોડના ટાર્ગેટથી રૂ. 12 હજાર કરોડથી રૂ. 17 હજાર કરોડ સુધીની વૃદ્ધિ દર્શાવે છે. ગયા નાણા વર્ષ દરમિયાન સરકારે અત્યાર સુધીમાં ડિવિડન્ડ પેટે રૂ. 59500 કરોડની રકમ મેળવી હતી. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સરકારે રૂ. 43800 કરોડની રકમ મેળવી લીધી છે એમ સરકારી ડેટા સૂચવે છે. ડિવિડન્ડની ઊંચી રકમ સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટમાં જોવા મળી રહેલી મોટી ખાધને આંશિક રીતે સરભર કરવામાં સહાયરૂપ બનશે. સરકાર જાહેર સાહસોના શેર્સ વેચાણમાંથી રૂ. 30 હજાર કરોડથી વધુ રકમ ઊભી કરે તેવી શક્યતાં નહિવત છે. જે તેના ટાર્ગેટ કરતાં 40 ટકા નીચી રકમ હશે એમ વર્તુળોનું કહેવું છે. જોકે, સરકારને આને કારણે નાણાકિય ખાધના 5.9 ટકાના ટાર્ગેટને હાંસલ કરવામાં કોઈ સમસ્યા નડે તેવી શક્યતાં નથી. કેમકે સરકારની ટેક્સની આવક તેના અંદાજ કરતાં ઊંચી જળવાય છે એમ વર્તુળો ઉમેરે છે. સરકારના નાણા મંત્રાલયે જોકે, આ અંગે કોઈ સત્તાવાર પ્રતિભાવ નહોતો પાઠવ્યો. રેટિંગ એજન્સી ઈકરાના ઈકોનોમિક્સ અદિતી નાયરના મતે સરકારની ચોખ્ખી કરવેરાની આવક બજેટમાં નિર્ધારિત આવક કરતાં રૂ. 30-40 હજાર કરોડ ઊંચી જોવા મળે તેવી શક્યતાં છે. એપ્રિલથી નવેમ્બર સુધીના સમયગાળા માટે સરકારે નેટ ટેક્સ રેવન્યૂ પેટે કુલ રૂ. 14.36 લાખ કરોડની આવક મેળવી છે. જે વાર્ષિક ટાર્ગેટના 62 ટકા થવા જાય છે.

કેન્દ્ર સરકાર NLC અને મઝગાંવ ડોકમાં હિસ્સો વેચે તેવી શક્યતાં
સરકારે રૂ. 51 હજાર કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટ અંદાજ સામે હજુ માત્ર રૂ. 10 હજાર કરોડ મેળવ્યાં

કેન્દ્રિય નાણા મંત્રાલય ચાલુ નાણાકિય વર્ષની આખર પહેલા ત્રણ પીએસયૂ સાહસોમાં 10 ટકા સુધી હિસ્સાનું વેચાણ કરે તેવી શક્યતાં સરકારી અધિકારીઓ દર્શાવી રહ્યાં છે. આ બે સાહસોમાં એનએલસી(અગાઉની નેવિયેલી લિગ્નાઈટ કોર્પોરેશન), મઝગાંવ ડોક શીપબિલ્ડર્સ અને ઈન્ડિયન રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. સરકાર ચાલુ નાણા વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટના ટાર્ગેટને બને તેટલે અંશે પૂરો કરવા માટે આમ કરશે એમ તેઓ ઉમેરે છે.
નાણાપ્રધાને 2023-24 માટેના બજેટની રજૂઆત વખતે રૂ. 51000નો ડિસઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ રાખ્યો હતો. જેમાંથી હજુ સુધી માત્ર રૂ. 10052 કરોડની રકમ જ ઊભી થઈ શકી છે. આ ત્રણ કંપનીઓના શેર્સના વર્તમાન બજારભાવને આધારે તેમાં 10 ટકા હિસ્સા વેચાણ મહત્તમ રૂ. 21,200 કરોડની રકમ ઊભી કરી શકે છે. તાજેતરમાં ઉપરોક્ત ત્રણેય કંપનીઓના શેર્સમાં મજબૂત તેજી જોવા મળી છે. લિગ્નાઈટ અને કોલની ઉત્પાદક એનએલસીનો શેર રૂ. 32,585 કરોડનું માર્કેટ-કેપ ધરાવે છે. જેના શેરમાં છેલ્લાં ત્રણ મહિનામાં 80 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે મઝગાંવ ડોકનો શેર ત્રણ મહિનામાં આંઠ ટકા સુધર્યો છે અને તેનું માર્કેટ-કેપ રૂ. 46,351 કરોડ પર નોંધાયું હતું. આઈઆરએફસીનો શેર 36 ટકા ઉછળ્યો હતો. જેનું માર્કેટ-કેપ રૂ. 1,33,756 કરોડ પર જોવા મળ્યો હતો.
સરકાર જાન્યુઆરીથી માર્ચના સમય દરમિયાન ઓફર-ફોર-સેલ લાવી શકે છે. એનએલસી ઈન્ડિયામાં ઓએફએસની શક્યતાં છે. જ્યારે એમડીએલ અને આઈઆરએફસીમાં પણ ઓએફએસ સંભવ છે. ઓએફએસ મારફતે સરકાર આ પીએસયૂમાં 10 ટકાથી વધુ વેચાણ કરી શકે નહિ. તેમજ સરકારે માર્કેટ આ હિસ્સાને પચાવી શકે તે માટે કેટલાક અંતરે ઓએફએસ કરવાના રહેશે. જ્યારે કેટલોક હિસ્સો આગામી વર્ષે ડિસઈન્વેસ્ટમેન્ટ માટે રાખવામાં આવે તેવું બની શકે છે એમ અધિકારી ઉમેરે છે. જોકે, ચાલુ વર્ષે સરકાર રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ, નેશનલ ફર્ટિલાઈઝર્સ અને મદ્રાસ ફર્ટિલાઈઝર્સમાં નિર્ધારિત ઓએફએસ લાવી શકી નથી. રોકાણકારોના રસના અભાવે ચાલુ નાણા વર્ષમાં તે આ કંપનીઓના શેર્સ વેચી શકશે નહિ. નાણા મંત્રાલય રાષ્ટ્રીય કેમિકલ્સનો 10 ટકા જ્યારે એનએફએલનો 20 ટકા હિસ્સો વેચી રૂ. 1200 કરોડ મેળવવા ધારે છે.

ONDCએ ડિસેમ્બરમાં પ્રથમવાર 50 લાખ ટ્રાન્ઝેક્શન્સનો આંક પાર કર્યો
વર્ષ દરમિયાન ઓએનડીસી પર રિટેલ ઈ-કોમર્સ ખરીદી 1700 ગણી વધી
ફેશન્સ, કોસ્મેટીક્સ અને ઈલેક્ટ્રોનિક્સ કેટેગરીઝને કારણે માગમાં વૃદ્ધિ

સરકાર સમર્થિત ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ(ઓએનડીસી)એ ડિસેમ્બરમાં પ્રથમવાર 50 લાખ ટ્રાન્ઝેક્શન્સનો આંક પાર કર્યો છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. ડિસેમ્બરમાં ઓએનડીસી મારફતે થયેલા 55 લાખ ટ્રાન્ઝેક્શન્સમાં 21 લાખ રિટેલ કેટેગરીમાં જ્યારે 34 લાખ મોબિલિટી કેટેગરીમાં હતાં. રિટેલ સેગમેન્ટમાં ફૂડ ડિલિવરી અને ફેશન ખરીદી, બંનેનો હિસ્સો 33-33 ટકા જોવા મળતો હતો. જ્યારે બાકીના ટ્રાન્ઝેક્શન્સ નવી કેટેગરીઝ જેવીકે કોસ્મેટીક્સ અને ઈલેક્ટ્રોનિક્સમાં ફેલાયેલા જોવા મળતાં હતાં.
રિટેલ ખરીદીનો વર્તમાન હિસ્સો 2023ની શરૂમાં જોવા મળતાં ટ્રાન્ઝેક્શન્સ કરતાં બિલકુલ ભિન્ન હતો. ગયા વર્ષની શરૂમાં રિટેલ હિસ્સો માત્ર 5-10 ટકા પર હતો. જ્યારે મોબિલિટી કેટેગરી 90-95 ટકા હિસ્સા સાથે પ્રભુત્વ ધરાવતી હતી. ઓએનડીસીમાં રિટેલ ખરીદી 11-મહિનામાં 1700 ગણી ઉછળી હતી. તે જાન્યુઆરી 2023માં 1281 પરથી ડિસેમ્બરમાં 21 લાખ પર નોંધાઈ હતી. ઓએનડીસી રિટેલ, મોબિલિટી, એફએન્ડબી, ફાઈનાનસિયલ સર્વિસિઝ અને લોજિસ્ટીક્સ સેક્ટર્સ જેવી બાબતોને આવરી લે છે.

AMFIએ જીઓ ફાઈ.ને લાર્જ-કેપ્સમાં જ્યારે તાતા ટેક્નો.ને મીડ-કેપ્સમાં સમાવ્યાં
પીએસયૂ એનબીએફસી ઈરેડાને પણ મીડ-કેપ યાદીમાં સમાવી
ફેરફાર પાછળ જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝનો શેર 3 ટકા ઉછળ્યો

એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઓફ ઈન્ડિયા(એમ્ફી)એ ગુરુવારે કેલેન્ડર 2024ના પ્રથમ છ મહિના માટે નવા માર્કેટ કેટેગરાઈઝેશનની જાહેરાત કરી હતી. જેમાં લાર્જ-કેપ માટેની લઘુત્તમ રકમને રૂ. 49700 પરથી વધારી રૂ. 67000 કરવામાં આવી છે. જ્યારે મીડ-કેપ માટે કટ-ઓફને રૂ. 17400 કરોડથી વધારી રૂ. 22000 કરાઈ છે એમ નુવામા ઈન્સ્ટીટ્યુશ્નલ ઈક્વિટીઝે જણાવ્યું છે.
આ ફેરફારે જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝને સત્તાવાર રીતે લાર્જકેપ સ્ટોક બનાવ્યો છે. જ્યારે તાજેતરમાં લિસ્ટ થયેલી તાતા ટેક્નોલોજીસ, ઈરેડા અને જેએસડબલ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તેમના તાજેતરના ગેઈન્સ પછી મીડ-કેપ લિસ્ટમાં સમાવી છે. એમ્ફીએ માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે ટોચના 1-100 ક્રમમાં આવતી કંપનીઓને લાર્જ-કેપ બનાવી છે. જ્યારે 101-250માં આવતી કંપનીઓને મીડકેપ અને 251થી ઉપરના ક્રમે આવતી કંપનીઓને સ્મોલ-કેપ ગણાવી છે. આ ફેરફાર જુલાઈ 2024થી અમલી બનશે.
નૂવામાના રિસર્ચ હેડના જણાવ્યા મુજબ એમ્ફીના સ્ટોક કેટેગરાઈઝેશનની યાદીને મુખ્યત્વે એક્ટિવ ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ મેનેજર્સ સંદર્ભ તરીકે ગણનામાં લેતાં હોય છે. રિકેટેગરાઈઝેશનને કારણે સહાયતા મળે છે પરંતુ તેનાથી તાત્કાલિક કોઈ ફેરફાર જોવા નથી મળતો. શેર્સ જેમ ઊંચી કેટેગરી તરફ આગળ વધે છે તેમ તેની વિઝિબિલિટી વધે છે એમ તેઓ ઉમેરે છે. એમ્ફીના ફેરફારો પછી પીએફસી, આઈઆરએફસી, મેક્રોટેક ડેવલપર્સ, પોલીકેબ ઈન્ડિયા, આરઈસી, શ્રીરામ ફાઈનાન્સ, યુનિયન બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક પણ મીડ-કેપ્સમાંથી લાર્જકેપ્સ કેટેગરીમાં આગળ વધ્યાં હતાં. છેલ્લાં છ મહિનામાં આ કાઉન્ટર્સના ભાવમાં ઊંચી વૃદ્ધિ આ માટે મુખ્ય કારણ બની હતી. સ્મોલકેપમાંથી મીડ-કેપ્સમાં અપગ્રેડ થનારા કાઉન્ટર્સમાં મઝગાંવ ડોક, સુઝલોન એનર્જી, લોયડ્સ મેટલ્સ, એસજેવીએન, કલ્યાણ જ્વેલર્સ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, નિપ્પોન એસેટ મેનેજમેન્ટ, અજંતા ફાર્મા, નારાયણ હ્દયાલય અને ગ્લેનમાર્ક ફાર્માનો સમાવેશ થાય છે.
બીજી કેટલાંક શેર્સ લાર્જ-કેપ્સમાંથી મીડ-કેપ્સમાં ડાઉનગ્રેડ પણ થયાં હતાં. જેમાં યૂપીએલ, અદાણી વિલ્મેર, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, આઈઆરસીટીસી, બોશ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ્સ, સંવર્ધન મધરસન અને હીરો મોટોકોર્પનો સમાવેશ થાય છે. જ્યારે મીડ-કેપ્સમાંથી સ્મોલ-કેપ્સ બનેલાં શેર્સમાં રાજેશ એક્સપોર્ટ્સ, ફાઈઝર, આરતી ઈન્ડસ્ટ્રીઝ, વિનતી ઓર્ગેનિક્સ, ક્રોમ્પ્ટન ગ્રિવ્ઝ કન્ઝ્યૂમર, વ્હર્લપુલ ઈન્ડિયા, અતુલ, નવીન ફ્લોરિન, સુમીટોમો કેમિકલ્સ, લૌરસ લેબ્સ, આદિત્ય બિરલા ફેશન, ભારત ડાયનેમિક્સ, બાટા ઈન્ડિયા, કજરિયા સિરામિક્સ અને કોર્બોરેન્ડમ યુનિવર્સલનો સમાવેશ થાય છે.

ટોરેન્ટ પાવરે ગુજરાત સરકાર સાથે રૂ. 47350 કરોડના ચાર MOU કર્યાં

અમદાવાદ સ્થિત અગ્રણી કંપની ટોરેન્ટ પાવર લિમિટેડે ગુજરાત સરકાર સાથે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ હેઠળ ચાર નોન-બાઈન્ડિંગ મેમોરંડમ્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ(MOU) કર્યાં છે. આ એમઓયુ ટોરેન્ટ પાવર અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી(GEDA) વચ્ચે ગુરુવારે ગાંધીનગર ખાતે હાથ ધરવામાં આવ્યાં હતાં. ટોરેન્ટ પાવર એ ટોરેન્ટ જૂથની ઈન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી કંપની છે. આ ચાર એમઓયૂ હેઠળ ટોરેન્ટ પાવર કુલ રૂ. 47,350 કરોડનું રોકાણ કરવાનો પ્રસ્તાવ ધરાવે છે. આ રોકાણ રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને પાવર ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રોમાં કરવામાં આવશે. તે રાજ્યના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે તેવી અપેક્ષા છે. ઉપરાંત, તે રાજ્યમાં મોટાપાયે રોજગારીની તકોનું સર્જન કરશે એમ મનાય છે.

નવા કેલેન્ડરના ચાર સત્રોમાં રિઅલ્ટી શેર્સમાં 31 ટકા સુધી રિટર્ન

કેલેન્ડર 2024ની શરૂઆતમાં રિઅલ્ટી શેર્સમાં ભારે લેવાલી જોવા મળી છે. ટોચના રિઅલ્ટી શેર્સ 31 ટકા જેટલા ઉછળી ચૂક્યાં છે. જે સૂચવે છે કે રિઅલ્ટી સેક્ટર રોકાણકારો માટે હોટ ફેવરિટ બની ગયું છે. ગુરુવારે 2024ના ચોથા ટ્રેડિંગ સત્રમાં નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 6.76 ટકા ઉછળી 841.30ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે વ્યક્તિગત કાઉન્ટરમાં 16 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
છેલ્લાં ચાર સત્રોમાં ભારે ખરીદી દર્શાવનાર રિઅલ્ટી કાઉન્ટર્સ પર નજર નાખીએ તો સોભા લિમિટેડ 31 ટકાથી વધુનું વળતર દર્શાવી રહ્યો છે. કંપનીનો શેર 2023ની આખરમાં રૂ. 985.70ની સપાટીએ બંધ જોવા મળતો હતો. જે ગુરુવારે રૂ. 1296 પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત પૂણે સ્થિત કોલ્ટે પાટિલનો શેર પણ ચાર સત્રોમાં 16 ટકાનું તગડું રિટર્ન દર્શાવી રહ્યો છે. કંપનીનો શેર 2023ના રૂ. 488.60ના બંધ ભાવ પરથી ઊછળી ગુરુવારે રૂ. 567 પર ટ્રેડ દર્શાવતો હતો. આ ઉપરાંત, પૂર્વંકારાનો શેર 15 ટકા રિટર્ન સાથે ત્રીજા ક્રમે આવે છે. મજબૂત રિટર્ન દર્શાવનારા અન્ય કાઉન્ટર્સમાં પ્રેસ્ટીજ એસ્ટેટ(12 ટકા), ગોદરેજ પ્રોપર્ટીઝ(10 ટકા), ઈન્ડિયાબુલ રિઅલ્ટી(8 ટકા), હેમિસ્ફિઅર(8 ટકા), લોધા(7 ટકા)નો સમાવેશ થાય છે. કેટલીક ટોચની રિઅલ્ટી કંપનીઓ જેવીકે ડીએલએફ, ઓબેરોય રિઅલ્ટી જેવા કાઉન્ટર્સ પણ 3-6 ટકાની રેંજમાં સુધારો દર્શાવવા સાથે તેમની સર્વોચ્ચ ટોચ અથવા ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે 2023માં દેશમાં મકાનોના વિક્રમી વેચાણ પછી 2024માં પણ સેક્ટરનો દેખાવ મજબૂત જળવાય રહેવાની શક્યતાં છે. જેની પાછળ રિઅલ્ટી કંપનીઓની કામગીરી વધુ સુધારો દર્શાવશે. તેમજ આગામી વર્ષે આરબીઆઈ તરફથી રેટમાં ઘટાડા પાછળ પણ સેક્ટરને વેગ મળી શકે છે. જે કારણથી જ રિઅલ્ટી શેર્સમાં ભારે ખરીદી થઈ રહી છે. જોકે, એ વાત નોંધવી રહી કે તેમણે લાંબા સમય સુધી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું અને છેલ્લાં બે વર્ષોથી તેમાં ખરીદી જોવા મળી રહી છે.

ચાર સત્રોમાં રિઅલ્ટી શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ 31 ડિસે.નો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
સોભા 985.70 1296.00 31.48
કોલ્ટે પાટિલ 488.60 567.00 16.05
પૂર્વંકારા 186.90 215.00 15.03
પ્રેસ્ટીજ એસ્ટેટ 1178.90 1328.80 12.72
ગોદરેજ પ્રોપર્ટીઝ 2013.35 2215.00 10.02
ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 87.15 94.25 8.15
હેમિસ્ફિઅર 153.20 165.50 8.03
લોધા 1023.55 1100.00 7.47

કોર્પોરેટ હેડલાઈન્સ

સેઈલઃ કેન્દ્ર સરકારે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના તમિલનાડુ સ્થિત સાલેમ સ્ટીલ પ્લાન્ટના ડિસઈન્વેસ્ટમેન્ટની યોજનાને પડતી મૂકી છે. પ્લાન્ટ માટે બીડર્સના અભાવે તેણે આ યોજના ત્યજવી પડી છે. નાણા મંત્રાલયના નિવેદન મુજબ ઘણી કંપનીઓએ સેલમ સ્ટીલ પ્લાન્ટ માટે ઈઓઆઈ પાઠવ્યાં હતાં. જેમાંથી કેટલાંક બીડર્સ શોર્ટલિસ્ટ કરાયાં હતાં. જોકે, પાછળથી શોર્ટ-લિસ્ટેડ કંપનીઓએ આગળ રસ નહિ દર્શાવતાં ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રસ્તાવને પડતો મૂકાયો છે.
કોફી ડે એન્ટરપ્રાઈઝઃ કંપનીએ કુલ રૂ. 433.91 કરોડની નાદારી નોંધાવી છે. જેમાં મુદલ ઉપરાંત વ્યાજની રકમનો સમાવેશ થાય છે. કંપનીએ બેંક્સ, નાણાકિય સંસ્થાઓ પાસેથી લોન્સ તથા અનલિસ્ટેડ ડેટ સિક્યૂરિટીઝ પર નાણા ચૂકવવામાં નાદારી નોંધાવી છે. કંપનીએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યા મુજબ લિક્વિડીટીની તંગીને કારણે તે ડેટ ચૂકવી શકી નથી. કંપની 31 ડિસેમ્બરે રૂ. 183 કરોડની ચૂકવણીમાં નાદાર બની હતી.
આરઈસીઃ સરકારી સાહસે જાહેર ક્ષેત્રની ત્રીજા ક્રમની એવી બેંક ઓફ બરોડા સાથે એમઓયૂ કર્યાં છે. તેણે પાવર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટીક્સ પ્રોજેક્ટ્સને ફાઈનાન્સ માટે આ એમઓયૂ કર્યાં છે. આ જોડાણ મહત્વના સોશ્યો-ઈકોનોમિક પ્રોગ્રેસને હાંસલ કરવાના હેતુથી કરવામાં આવ્યું છે. બંને કંપનીઓ એમઓયૂ હેઠળ આગામી ત્રણ વર્ષોમાં ભિન્ન સરકારી પ્રોજેક્ટ્સ હેઠળ ફાઈનાન્સિંગ કરશે.
ડો. રેડ્ડીઝ લેબ્સઃ ટોચની ફાર્મા કંપનીએ મેનોલેબ્સનો બિઝનેસ ખરીદ્યો છે. જેના બ્રાન્ડેડ સપ્લિમેન્ટ્સ પોર્ટફોલિયોમાં સાત પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. તે મુખ્યત્વે હેલ્થ સપોર્ટ માટે તૈયાર કરવામાં આવી છે. કંપનીએ આ એક્વિઝિશન કેટલામાં કર્યું તેને લઈ કોઈ સ્પષ્ટતા નહોતી કરી.
એમઆરએફઃ ટાયર કંપનીએ તે ફર્સ્ટ એનર્જી 8 પ્રા. લિમિટેડમાં 27.2 ટકા હિસ્સો ખરીદશે એમ જણાવ્યું છે. આ હિસ્સો તે રૂ. 35.87 કરોડમાં ખરીદશે. ફર્સ્ટ એનર્જી તમિલનાડુમાં 47.4 મેગાવોટની ક્ષમતા સાથેના વિન્ડ પાવર પ્લાન્ટને તૈયાર કરી રહી છે. એમઆરએફે ફર્સ્ટ એનર્જી 8 સાથે કેપ્ટિલ પાવર પોલીસી હેઠળ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યો છે. અગાઉ, મે 2023માં એમઆરએફે ફર્સ્ટ એનર્જી 8 સાથે સોલાર પાવરની ખરીદીનો એગ્રીમેન્ટ કર્યો હતો.
અંબેર ગ્રૂપઃ બીટુબી ઈલેક્ટ્રોનિક મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રે સક્રિય અંબેર જૂથ એસ્સેન્ટ સર્કિટ્સ સાથે 60 ટકા હિસ્સાની ખરીદી માટે ડેફિનેટિવ એગ્રીમેન્ટમાં પ્રવેશ્યો છે. તેણે આઈએલજેઆઈએન ઈલેક્ટ્રોનિક્સ મારફતે આ ડિલ કર્યું છે. અંબેર ગ્રૂપના જણાવ્યા મુજબ આ ખરીદી રોકડમાં કરવામાં આવશે. જે બંને કંપનીઓ વચ્ચે પરસ્પર સહમતિથી નિર્ધારિત એન્ટરપ્રાઈઝ વેલ્યૂએશન પર થશે. કંપનીને આ એક્વિઝિશનથી પીસીબી એસેમ્બલીમાં લાભ મળશે.
કેર હેલ્થ ઈન્શ્યોરન્સઃ કેર હેલ્થ ઈન્શ્યોરન્સને જીએસટી સત્તાવાળાઓ તરફથી રૂ. 39.5 કરોડની જીએસટીની માગણી કરતી નોટિસ મળી છે. જેમાં ટેક્સની રકમ ઉપરાંત પેનલ્ટી અને વ્યાજની રકમનો સમાવેશ પણ થાય છે. નોટિસમાં રૂ. 35.92 કરોડની જીએસટીની રકમ અને રૂ. 3.59 કરોડના વ્યાજનો સમાવેશ થાય છે. ચંદિગઢ સ્થિત સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઈઝ કમિશ્નરેટની કચેરીએ આ નોટિસ પાઠવી છે.
વોડાફોન આઇડિયાઃ ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાના ચીફ રેગ્યુલેટરી ઓફિસર પી બાલાજીએ રાજીનામું આપ્યું છે. તેમનું રાજીનામું 10 જાન્યુઆરીથી અમલમાં આવશે એમ કંપનીએ એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage