Market Summary 04/04/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ફેડ ચેરમેનની રેટ ઘટાડો નિશ્ચિત હોવાની ખાતરી પાછળ ભારતીય બજાર નવી ટોચે
બેન્ચમાર્ક નિફ્ટી 22500ના અવરોધને પાર કરવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.3 ટકા ગગડી 11.22ના સ્તરે બંધ
આઈટી, બેંકિંગ, ઓટોમાં મજબૂતી
પીએસયૂ બેંક્સ, એફએમસીજી, ફાર્મા, રિઅલ્ટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં સતત ચોથા દિવસે ખરીદી જળવાઈ
જ્યુબિલિઅન્ટ ફાર્મા, કેઈસી ઈન્ટર, ક્વેસ કોર્પ, ઈપ્કા લેબ્સ નવી ટોચે
ડાબર ઈન્ડિયા 52-સપ્તાહના તળિયે

ભારતીય શેરબજારે ગુરુવારે સર્વોચ્ચ સપાટી પર બંધ આપ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 351 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 74228ની સપાટીએ જ્યારે નિફ્ટી 80 પોઈન્ટ્સ મજબૂતી સાથે 22515ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સતત ચોથા દિવસે ખરીદી જળવાય હતી. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3947 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2451 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1397 કાઉન્ટર્સ નેગેટીવ જોવા મળ્યાં હતાં. 214 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 7 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.3 ટકા ગગડી 11.22ના સ્તરે બંધ રહ્યો હતો. આમ, માર્કેટમાં વોલેટિલિટીમાં નોંધપાત્ર ઘટાડાના સંકેતો મળે છે.
યુએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલે કેલેન્ડર 2024માં વ્યાજ દરમાં ઘટાડો નિશ્ચિત હોવાનું દોહરાવતાં યુએસ માર્કેટમાં મજબૂતી જોવા મળી હતી. જેની પાછળ એશિયામાં કોરિયા અને જાપાન પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં. જોકે, ચીન, હોંગ કોંગ અને તાઈવાનના બજારોમાં નરમાઈ જોવા મળી હતી. ભારતીય બજાર જોકે સર્વોચ્ચ સપાટી પર ખૂલી શરૂઆતી દોરમાં નીચે પટકાયાં પછી ફરી નવી ટોચ પર ટ્રેડ થયું હતું. બેન્ચમાર્ક નિફ્ટીએ ઈન્ટ્રા-ડે 22619ની ટોચ દર્શાવી હતી અને 22500 પર પ્રથમવાર બંધ આપ્યું હતું. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 123 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22638ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 113નું પ્રિમીયમ સૂચવતો હતો. આમ, લોંગ પોઝીશનમાં વૃદ્ધિનો સંકેત મળી રહ્યો છે. લોંગ ટ્રેડર્સ 22200ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે.
નિફ્ટીને ગુરુવારે સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં એચડીએફસી બેંક, આઈશર મોટર્સ, ટેક મહિન્દ્રા, ટાઈટન કંપની, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસ, એલટીઆઈમાઈન્ડટ્રી, ડિવિઝ લેબ્સ, મારુતિ સુઝુકી, કોટક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, એનટીપીસી, બજાજ ફિનસર્વ અને વિપ્રોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઓએનજીસી, શ્રીરામ ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, ભારતી એરટેલ, એસબીઆઈ, ગ્રાસિમ, પાવર ગ્રીડ, સિપ્લામાં નરમાઈ જોવા મળતી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો આઈટી, બેંકિંગ, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવતો હતો. જેના ઘટકોમાં કોફોર્જ, ટેક મહિન્દ્રા, પર્સિસ્ટન્ટ, ટીસીએસ, એલટીઆઈમાઈન્ડટ્રી, એલએન્ટી ટેક્નોલોજી, એમ્ફેસિસ, વિપ્રો, ઈન્ફોસિસમાં મજબૂતી જોવા મળતી હતી. પ્રાઈવેટ બેંકિંગમાં મજબૂતી પાછળ નિફટી બેંક એક ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં બંધન બેંક, એચડીએફસી બેંક, એયૂ સ્મોલ ફાઈ., આઈડીએફસી ફર્સ્ટ બેંક, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ, પીએસયૂ બેંક્સ, એફએમસીજી, ફાર્મા, રિઅલ્ટીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.7 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં પંજાબ એન્ડ સિંધ બેંક 1.8 ટકા, બેંક ઓફ બરોડા 2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ઈપ્કા લેબ્સ ચાર ટકાથી વધુ વૃદ્ધિ સાથે સુધારામાં ટોચ પર હતો. આ ઉપરાંત, બંધન બેંક, વેદાંત, યૂપીએલ, એચડીએફસી બેંક, સિટી યૂનિયન બેંક, કોફોર્જ, એયૂ સ્મોલ, મૂથૂત ફાઈનાન્સ, ટ્રેન્ટ, આઈશર મોટર્સ, ઈન્ડુસ ટાવર્સ, ટેક મહિન્દ્રા, ટાઈટન, એક્સાઈડ, એશિયન પેઈન્ટ્સ, મેક્સ ફાઈ., પર્સિસ્ટન્ટ, દિપક નાઈટ્રેટમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ડાબર ઈન્ડિયા, કોલગેટ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એચપીસીએલ, પેટ્રોનેટ એલએનજી, મેટ્રોપોલીસ, આઈઓસી, ઓએનજીસીમાં વેચવાલી નીકળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં જ્યુબિલિઅન્ટ ફાર્મા, કેઈસી ઈન્ટર, ક્વેસ કોર્પ, ઈપ્કા લેબ્સ, યૂનો મિન્ડા, એવેન્યૂ સુપરમાર્ટ, અદાણી પાવર, વેદાંતા, ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ, પીબી ફિનટેક, વર્ધમાન ટેક્સટાઈલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ડાબર ઈન્ડિયા 52-સપ્તાહના તળિયે ટ્રેડ થયો હતો.



કરન્સી ડેરિવેટીવ્સ સર્ક્યૂલરને લઈ RBIએ સ્પષ્ટતા કરી
હવેથી નિયમો 3 મેથી અમલમાં આવશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ ગુરુવારે એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટીવ્સ ફ્રેમવર્કને લઈ સેન્ટ્રલ બેંકના અભિગમમાં કોઈ ફેરફાર નહિ થયો હોવાની સ્પષ્ટતા કરી હતી. જોકે, સેન્ટ્રલ બેંકે એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટીવ કોન્ટ્રેક્ટ(ઈટીસીડી) રુલ્સના અમલ માટેની અગાઉની તારીખ 5 એપ્રિલને લંબાવી 3 મે કરી હતી. ઈટીસીડીમાં પાર્ટિસિપેટ કરતાં ટ્રેડર્સ તરફથી રજૂ કરવામાં આવેલી ચિંતા પાછળ તેણે આમ કર્યું હતું. આરબીઆઈએ તેની યાદીમાં જણાવ્યું હતું કે ઈટીસીડીને લઈને રેગ્યુલેટરી ફ્રેમવર્ક વર્ષોથી સ્થિર જળવાયું છે અને આરબીઆઈના પોલિસી અભિગમમાં કોઈ ફેરફાર નથી થયો.


IPO માટે NSE સેબીની મંજૂરીની રાહ જોઈ રહી છેઃ CEO
એનએસઈના સીઈઓના મતે એક્સચેન્જ આઈપીઓની તૈયારી શરૂ કરવામાં
નેશનલ સ્ટોક એક્સચેન્જ આઈપીઓ માટેની તૈયારી શરૂ કરવામાં છે. જોકે, આ માટે તે માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી લીલીઝંડીની રાહ જૂએ છે એમ એક્સચેન્જના એમડી અને સીઈઓ આશિષ ચૌહાણે જણાવ્યું છે.
ચૌહાણે જણાવ્યું હતું કે એકવાર સેબી એનએસઈની કામગીરીથી વધુ સંતુષ્ટ બનશે એટલે આઈપીઓ લાવવા ફરીથી અરજીની છૂટ આપશે. જ્યારે પણ સેબી અમારી કામગીરીથી વધુ કમ્ફર્ટેબલ બનશે ત્યારે અમને આઈપીઓ માટે અરજી કરવા જણાવશે એમ ચૌહાણે અગાઉ 2023માં પણ જણાવ્યું હતું. દેશમાં સૌથી મોટા સ્ટોક એક્સચેન્જનું લિસ્ટીંગ ઘણા વર્ષોથી વિલંબમાં પડ્યું છે. જે માટેનું મુખ્ય કારણ કોર્પોરેટ ગવર્નન્સ સંબંધી બાબતો છે. જેમાં તેના અગાઉના વડાની કો-લોકેશન કૌભાંડમાં ભૂમિકાને લઈ સવાલો પણ સામેલ છે. તેમજ છેલ્લાં વર્ષોમાં અનેકવાર ટેક્નોલોજીકલ નિષ્ફળતાઓનો સમાવેશ થાય છે. ડિસેમ્બર-2023માં સેબીએ એનએસઈને તેના ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા જણાવ્યું હતું. તેણે કોર્પોરેટ ગવર્નન્સ માળખામાં સુધારા માટે પણ કહ્યું હતું. તેમજ પેન્ડિંગ મુદ્દાઓના ઉકેલ માટે જણાવ્યું હતું. 2021માં સમગ્ર દિવસ માટે એનએસઈ ખાતે ટ્રેડિંગ બંધ રહ્યું હતું. જ્યારપછી એનએસઈની ઈમેજ ખાસ્સી ખરડાઈ હતી.


2023-24માં રૂ. એક લાખ કરોડથી વધુ માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓની સંખ્યા 80 પર પહોંચી
નાણા વર્ષ 2022-23માં એક લાખ કરોડથી ઊંચુ મૂલ્ય ધરાવતી કંપનીઓની સંખ્યા 48 પર હતી

દેશના શેરબજારોમાં મજબૂત તેજી સાથે રૂ. એક લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓની સંખ્યામાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. 31 માર્ચે પૂરા થયેલાં નાણા વર્ષ 2023-24માં રૂ. એક લાખ કરોડથી વધુ એમ-કેપ ધરાવતી કંપનીઓની સંખ્યા વધી 80 પર પહોંચી હતી. જે 2022-23ની આખરમાં 48 પર હતી. આમ એક જ વર્ષમાં આવી કંપનીઓની સંખ્યામાં 32ની વૃદ્ધિ જોવા મળી હતી.
અગાઉ 2021-22 અને 2022-23 દરમિયાન એક લાખ કરોડથી વધુની સંખ્યા ધરાવતી કંપનીઓની સંખ્યા લગભગ સ્થિર જોવા મળી હતી. નાણા વર્ષ 2020-21માં આ સંખ્યા 36 પર હતી. જે 2019-20માં જોવા મળતી 19ની સંખ્યા કરતાં ઊંચી હતી. 2023-24માં ઝાયડસ લાઈફસાઈન્સિઝ, ટીવીએસ મોટર, તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, કેનેરા બેંક, આઈઓબી, યુનિયન બેંક અને ઘણી કંપનીઓ રૂ. એક લાખ કરોડ માર્કેટ-કેપમાં પ્રવેશ્યાં હતાં. જ્યારે ઓછામાં ઓછી 10-કંપનીઓ એવી હતી કે જે રૂ. એક લાખ કરોડના માર્કેટ-કેપની નજીક પહોંચી હતી. જેમાં ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ, હેવેલ્સ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, શ્રી સિમેન્ટ, ડાબર ઈન્ડિયા, બજાજ હોલ્ડિંગ્સ, મેનકાઈન્ડ ફાર્મા, એપોલો હોસ્પિટલ અને ડિવિઝ લેબોરેટરીઝનો સમાવેશ થતો હતો. આ તમામ કંપનીઓ રૂ. 90 હજાર કરોડથી લઈ રૂ. 97 હજાર કરોડની રેંજમાં માર્કેટ-કેપ ધરાવતી હતી. 2023-24માં ભારતીય શેરબજારમાં બ્રોડ બેઝ્ડ તેજી જોવા મળી હતી. જેમાં નિફ્ટી મીડ અને નિફ્ટી સ્મોલ-કેપ સૂચકાંકોમાં 60 ટકા સુધીની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે બેન્ચમાર્ક નિફ્ટીએ 28 ટકાથી ઊંચું વળતર દર્શાવ્યું હતું.


વેદાંત જૂથ ડેટ સિક્યૂરિટીઝ મારફતે 30 કરોડ ડોલર ઊભા કરશે
જૂથે 2023-24માં નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે ત્રણવાર નાણા મેળવ્યાં હતાં
મેટલ્સથી લઈ ઓઈલ બિઝનેસમાં હાજરી ધરાવતાં વેદાંત જૂથે ડેટ સિક્યૂરિટીઝ મારફતે રૂ. 2500 કરોડ સુધીની રકમ ઊભી કરવાનો નિર્ણય લીધો છે. ગયા નાણા વર્ષ દરમિયાન જૂથે એનસીડી મારફતે ત્રણવાર નાણા ઊભા કર્યાં હતાં. કંપની નવા વર્ષે પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર એનસીડી ઈસ્યૂ કરશે. જોકે, આ નાણાનો ઉપયોગ શા માટે કરવામાં આવશે તેની વિગતો જૂથે આપી નથી.
2023-24માં વેદાંતે એનસીડી મારફતે રૂ. 3400 કરોડ ઊભા કર્યાં હતાં. 31 ડિસેમ્બર, 2023ના રોજ વેદાંતનું કુલ ઋણ રૂ. 62,493 કરોડ પર જોવા મળતું હતું. જે 31 ડિસે., 2023ના રોજ રૂ. 57,771 કરોડ પર હતું. કંપની પાસે ડિસેમ્બરની આખરમાં રૂ. 12,734 કરોડની કેશ જોવા મળતી હતી. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 16,702 કરોડ પર હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage