બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
NDAને પાતળી સરસાઈ પાછળ સેન્સેક્સમાં 4390નો ઘટાડો, નિફ્ટીએ 22000 તોડ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 28 ટકા ઉછળી 26.74ના સ્તરે બંધ
નિફ્ટી બેંક 8 ટકા તૂટ્યો
નિફ્ટી પીએસઈ 16 ટકા પટકાયો
નિફ્ટી પીએસયૂ બેંક 15 ટકા ગગડ્યો
નિફ્ટી મેટલમાં 11 ટકા ઘટાડો
નિફ્ટી એનર્જી 12 ટકા પટકાયો
બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી, 10 શેર્સમાં વૃદ્ધિમાં ઘટાડા સામે એકમાં ઘટાડો
મેરિકો, બ્રિટાનિયા, હીરો મોટોકોર્પ, બ્લ્યૂ સ્ટાર નવી ટોચે
ઈન્ડિયા સિમેન્ટ્સ, ઝી એન્ટર., બંધન બેંક વર્ષના તળિયે
લોકસભાચૂંટણીના પરિણામો અપેક્ષા કરતાં નબળાં આવતાં શેરબજારમાં મહામારી પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 4390 પોઈન્ટ્સ ગગડી 72079ની સપાટીએ જ્યારે નિફ્ટી 1379 પોઈન્ટ્સ તૂટી 21885ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ અનેક મહિનાઓના તળિયા પર જોવા મળી હતી. બીએસઈ ખાતે ટ્રેડેડ 3934 કાઉન્ટર્સમાંથી 3349 કાઉન્ટર્સ નેગેટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 488 કાઉન્ટર્સ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીજી બાજુ, 139 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ પર ટ્રેડ થયાં હતાં. જ્યારે 292 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયા પર ટ્રેડ બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 28 ટકા ઉછળી 26.74ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે સવારે પરિણામોની ગણતરી શરૂ થઈ હતી. જોકે, શરૂઆતી ટ્રેન્ડ એક્ઝિટ પોલ્સમાં એનડીએને દર્શાવવામાં આવેલી બેઠકોની સરખામણીમાં નબળો જણાતાં માર્કેટે નેગેટીવ ઓપનીંગ સાથે શરૂઆત દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 23264 પોઈન્ટ્સના બંધ સામે 23180ની સપાટી પર ખૂલ્યાં પછી ઈન્ટ્રા-ડે 21281ના તળિયા પર ટ્રેડ થયો હતો. જ્યાંથી સાધારણ બાઉન્સ સાથે બંધ રહ્યો હતો. કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે તે શક્યતાં હજુ જીવંત હોવાથી માર્કેટમાં ઘટાડો અટક્યો હતો. જોકે, એનડીએની 300થી નીચી બેઠકના કિસ્સામાં માર્કેટમાં આગળ પર ઘસારો આગળ વધી શકે છે. જેમાં પીએસયૂ કાઉન્ટર્સ સૌથી વધુ ઘટાડો દર્શાવી શકે છે.
નિફ્ટીને મંગળવારે સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં હિંદુસ્તાન યુનિલીવર ટોચ પર હતો. આ ઉપરાંત, નેસ્લે, બ્રિટાનિયા, હીરો મોટોકોર્પ, તાતા કન્ઝ્યૂમર, સિપ્લા, ટીસીએસ, ડિવીઝ લેબ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ઓએનજીસી, એનટીપીસી, એસબીઆઈ, કોલ ઈન્ડિયા, બીપીસીએલ, લાર્સન, પાવર ગ્રીડ કોર્પોરેશન, શ્રીરામ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્કિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો નિફ્ટી બેંક 8 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, નિફ્ટી પીએસઈ 16 ટકા પટકાયો હતો. જ્યારે નિફ્ટી પીએસયૂ બેંક 15 ટકા ગગડ્યો હતો. નિફ્ટી મેટલમાં 11 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી એનર્જી 12 ટકા પટકાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગેમન્ટની વાત કરીએ તો ડાબર ઈન્ડિયા 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, એચયૂએલ, કોલગેટ, મેરિકો, ગોદરેજ કન્ઝ્યૂમર, નેસ્લે, બ્રિટાનિયા, હીરો મોટોકોર્પ, સન ટીવી નેટવર્ક, યુનાઈટેડ બ્રૂઅરિઝ, પિડિલાઈટ ઈન્ડ.માં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, આરઈસી 25 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, પાવર ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ, ભેલ, સેઈલ, ભારત ઈલે., હિંદ કોપર, અદાણી એન્ટરપ્રાઈઝિસ, કોન્કોરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. તમામ કાઉન્ટર્સ 20 ટકાથી વધુ તૂટ્યાં હતાં.
વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં મેરિકો, બ્રિટાનિયા, હીરો મોટોકોર્પ, બ્લ્યૂ સ્ટારનો સમાવેશ થતો હતો. જ્યારે ઈન્ડિયા સિમેન્ટ્સ, ઝી એન્ટર., બંધન બેંક વર્ષના તળિયે બંધ થયાં હતાં.
અદાણી જૂથ કંપનીઓના શેર્સમાં 21 ટકા સુધીનો તીવ્ર ઘટાડો
લોકસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમત ના મળતાં અદાણી જૂથના શેર્સમાં ભારે વેચવાલી નીકળી હતી. જૂથ કંપનીઓમાં અદાણી પોર્ટ્સનો શેર 21 ટકા ગગડી રૂ. 1249ની સપાટીએ બંધ રહ્યો હતો. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 19 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત, અદાણી પાવર 17 ટકા ગગડી રૂ. 722.95ની સપાટીએ બંધ રહ્યો હતો. અદાણી ગ્રીન એનર્જી 19 ટકા ગગડી રૂ. 1646 પર બંધ રહ્યો હતો. અદાણી એનર્જી પણ 20 ટકા ગગડી રૂ. 977.60ની સપાટીએ બંધ રહ્યો હતો. અદાણી વિલ્મેર 10 ટકા ગગડી રૂ. 331.45ની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવાર અગાઉ બે સત્રોમાં રૂ. 4 લાખ કરોડની માર્કેટ-વૃદ્ધિ દર્શાવનાર અદાણી જૂથ શેર્સે તમામ વૃદ્ધિને એક દિવસમાં ગુમાવી હતી.
મંગળવારે 848 શેર્સમાં લોઅર સર્કિટ્સ લાગી
ભેલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, અદાણી પોર્ટ્સ, આરઈસી, પાવર ફાઈનાન્સ કોર્પો.માં સર્કિટ ફિલ્ટર લાગ્યાં
મંગળવારે અપેક્ષાથી નબળા લોકસભા પરિણામો પાછળ શેરબજારમાં બ્લ્ડબાથ જોવા મળ્યો હતો. જેમાં 848 કાઉન્ટર્સમાં લોઅર સર્કિટ્સ લાગુ પડી હતી. જેમાં નોંધપાત્ર સંખ્યામાં જાહેર સાહસોનો સમાવેશ થતો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે સેન્સેક્સ 6100 પોઈન્ટ્સ તૂટ્યો હતો. ઈન્ટ્રા-ડે દરમિયાન સેન્સેક્સ 70,234.43ની સપાટીએ ટ્રેડ થયો હતો.
પરિણામના દિવસે બપોરે 12-30 સુધીમાં 848 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ જોવા મળતાં હતાં. જેમાં ભેલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, અદાણી પોર્ટ્સ, આરઈસી, પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનો સમાવેશ થતો હતો. ઉપરોક્ત, તમામ કાઉન્ટર્સ એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં સમાવિષ્ટ હતાં અને તેઓ ઈન્ટ્રા-ડે 25 ટકા જેટલાં તૂટ્યાં હતાં.
કેશ સેગમેન્ટમાં સૌથી વધુ ઘટાડો દર્શાવનારા કાઉન્ટર્સમાં ઈન્ડિયન બેંક, કાયનેસ ટેક્નોલોજી ઈન્ડિયા, કેપેસિટી ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ, ડીબી રિઅલ્ટી, વૈભવ ગ્લોબલમાં 20 ટકાની લોઅર સર્કિટ જોવા મળતી હતી. આ ઉપરાંત, હિંદુસ્તાન ઝીંક, ભારત બીજલી, ભારત ડાયનિક્સ, કોચીન શીપયાર્ડ, ડીડેવ પ્લાસ્ટીક્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈનોક્સ વિન્ડ, ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ, પ્રવેગ, એલીકોન એન્જીનીયરીંગ, એસએમએલ ઈસુઝુ, એનબીસીસી, કિસ્ટોન રિઅલ્ટર્સ, આઈએફસીઆઈ, ગોદરેજ પ્રોપર્ટીઝનો સમાવેશ થતો હતો.
Market Summary 04/06/2024
June 04, 2024