Market Summary 04/12/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં ઉન્માદઃ લાર્જ-મીડ-સ્મોલ કેપ્સ બેન્ચમાર્ક્સ સર્વોચ્ચ સપાટીએ
નિફ્ટીએ 2 ટકા ઉછળી 20703 પર ટ્રેડ થયો
નિફ્ટી બેંક 3.6 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો
નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોએ નવી ટોચ દર્શાવી
બ્રોડ માર્કેટમાં ભારે લેવાલી જોવા મળી
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ઉછળી 12.99ના સ્તરે
ફાર્મા, મિડિયા સિવાય તમામ સેક્ટર્સમાં મજબૂતી
પીએસઈ, એનર્જી સૂચકાંકોમાં 3 ટકા સુધીનો ઉછાળો
જીએસએફસી, સાયન્ટ, એચપીસીએલ, સીઈએસસી નવી ટોચે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીઓમાં વિજયને પગલે શેરબજારમાં સોમવારે ઉન્માદનો માહોલ જોવા મળ્યો હતો. જેની પાછળ લાર્જ-કેપ્સ બેન્ચમાર્ક્સ 2 ટકાથી વધુ ઉછળી તેમની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 1384 પોઈન્ટ્સ ઉછળી 68865ની સપાટીએ જ્યારે નિફ્ટી 419 પોઈન્ટ્સ ઉછળી 20687 પોઈન્ટ્સ પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જોવા મળી હતી. જેને પગલે બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 4018 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2373 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1480 કાઉન્ટર્સ નેગેટીવ જોવા મળતાં હતાં. 436 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 134 કાઉન્ટર્સ તેમના 52-સપ્તાહના તળિયે બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ઉછળી 12.99ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે એશિયન બજારોમાં મહ્દઅંશે નરમાઈ વચ્ચે ભારતીય બજારમાં ગેપ-અપ ઓપનીંગ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 20268ના બંધ ભાવ સામે 20602ની ટોચ પર ખૂલી શરૂઆતી બે કલાક દરમિયાન કોન્સોલિડેટ થયો હતો. જોકે, ત્યારપછી તેણે ધીમો સુધારો જાળવ્યો હતો અને જોતજોતામાં તે 20703ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 117 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 20804ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 92 પોઈન્ટ્સના પ્રિમીયમમાં વૃદ્ધિ સૂચવે છે. આનો અર્થ એવો થાય છે કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે. જોકે, માર્કેટ ઓવરબોટ ઝોનમાં પ્રવેશ્યું છે અને તેથી તેમાં કરેક્શનની ઊંચી સંભાવના છે. મંગળવારે સવારે શોર્ટ કવરિંગના એક રાઉન્ડ પછી માર્કેટ કુલડાઉન થાય તેવી સંભાવના છે. આમ, ઊંચા ભાવે લેણમાં ચડી ના જવાય તેનો ખ્યાલ રાખવો. ઘટાડે 20200-20300ની રેંજમાં ખરીદી કરી શકાય.
સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં આઈશર મોટર્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, કોટક મહિન્દ્રા, ઓએનજીસી, લાર્સન, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા, એનટીપીસીનો સમાવેશ થતો હતો. જ્યારે એચડીએફસી લાઈફ, બ્રિટાનિયા, વિપ્રો, ટાઈટન કંપની અને સન ફાર્મામાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા અને મિડિયા સિવાય તમામ સેક્ટર મજબૂતી દર્શાવતાં હતાં. પ્રાઈવેટ તેમજ પીએસયૂ બેંક્સ પાછળ નિફ્ટી બેંક 3.6 ટકા ઉછળી તેની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. તે 46484ની સપાટી પર ટ્રેડ થઈ 46431 પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, કોટક મહિન્દ્રા, પીએનબી, ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ બરોડા, બંધન બેંક, ફેડરલ બેંક, એચડીએફસી બેંકમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ 3 ટકાથી વધુ ઉછળી ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એચપીસીએલ 9 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, ઓઈલ ઈન્ડિયા, બીપીસીએલ, ગેઈલ, આરઈસી, આઈઓસી, ભારત ઈલે., ઓએનજીસી, નાલ્કો, આઈઆરસીટીસીમાં મજબૂત સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ પણ 2.6 ટકા સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. તે 30 હજારની સપાટી કૂદાવી ગયો હતો. નિફ્ટી રિઅલ્ટી 2 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. જેના મજબૂત ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, સોભા, ઓબેરોય રિઅલ્ટી, હેમિસ્ફીઅર, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, બ્રિગેટ એન્ટરપ્રાઈઝનો સમાવેશ થાય છે. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ પણ 4 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં સેન્ટ્રલ બેંક, જેકે બેંક, યુનિયન બેંક, પીએનબી, યુકો બેંક, કેનેરા બેંક, એસબીઆઈ, આઈઓબી, પીએનબી, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન બેંકમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ અને નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એચપીસીએલ 9 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આઈશર મોટર્સ, અંબુજા સિમેન્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એસીસી, અદાણી પોર્ટ્સ, એબીબી ઈન્ડિયા, બીપીસીએલ, આઈસીઆઈસીઆઈ બેંક, ગેઈલ, આરઈસી, આઈઓસી, ભારત ઈલે., કેનેરા બેંક, કોટક મહિન્દ્રા, ઓએનજીસી, લાર્સન, પીએનબી, ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ બેંકમાં પણ મજબૂત સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ઝી એન્ટરટેઈનમેન્ટ, ડેલ્ટા કોર્પ, લ્યુપિન, ગ્લેનમાર્ક, ડો. લાલ પેથલેબ્સ, જિંદાલ સ્ટીલ, અબોટ ઈન્ડિયા, એલએન્ડટી ટેક્નોલોજી, એમસીએક્સ ઈન્ડિયા, એચડીએફસી લાઈફ, અશોક લેલેન્ડ, ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા, પેજ ઈન્ડસ્ટ્રીઝમાં નરમાઈ જોવા મળતી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં જીએસએફસી, સાયન્ટ, એચપીસીએલ, સીઈએસસી, આઈશર મોટર્સ, બજાજ હોલ્ડિંગ્સ, એનએલસી ઈન્ડિયા, પ્રેસ્ટીજ એસ્ટેટ, મેક્સ હેલ્થકેર, એબીબી ઈન્ડિયાનો સમાવેશ થતો હતો.

ગોલ્ડે ઈતિહાસમાં પ્રથમવાર 2100 ડોલરની સપાટી દર્શાવી
સ્થાનિક બજારમાં ખરીદીના અભાવ વચ્ચે રૂ. 65800ની ટોચ જોવા મળી
યુએસ ખાતે સોફ્ટ લેન્ડિંગની વધતી શક્યતાં પાછળ ગોલ્ડમાં તેજી
સોમવારે સવારે ગેપ-ડાઉન ઓપનીંગમાં કોમેક્સ સ્પોટ ગોલ્ડ 2148 ડોલર સુધી ઉછળ્યું
એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 63881ની ટોચ પર ટ્રેડ થયો
જોકે, બપોર પછી ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતાં ગોલ્ડમાં નરમાઈ જોવાઈ

વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવ સોમવારે સવારે ખૂલતામાં જ 2100 ડોલરની સપાટી પાર કરી ગયાં હતાં. છેલ્લાં ચાર વર્ષોમાં અડધો ડઝન પ્રયાસ પછી ગોલ્ડના ભાવ 2070 ડોલરની સર્વોચ્ચ સપાટી પાર કરવામાં સફળ રહ્યાં હતાં. સ્થાનિક કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 63881ની ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ થયો હતો. ચાલુ કેલેન્ડરમાં તે 10 ટકાથી વધુની મજબૂતી દર્શાવી રહ્યો છે.
ગયા સપ્તાહે વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડે 2072 ડોલરની સર્વોચ્ચ સપાટી પર બંધ દર્શાવ્યું હતું. યુએસ ફેડ ચેરમેન તરફથી ડોવિશ નિવેદન પાછળ ઈન્ટરેસ્ટ રેટમાં અપેક્ષા કરતાં વહેલા ઘટાડો જોવા મળે તેવી શક્યતાં પાછળ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી હતી. ફેડ ચેરમેન જેરોમ પોવેલના નિવેદન પછી યુએસ ખાતે સોફ્ટ લેન્ડિંગની શક્યતાં વધી છે. જેને કારણે ડોલર અને બોન્ડ યિલ્ડ્સમાં નરમાઈ જળવાય હતી. જોકે, સોમવારે બપોર પછી ડોલર ઈન્ડેક્સ ફરીથી મજબૂત બન્યો હતો. જેની પાછળ ગોલ્ડના ભાવ 2100 ડોલરની નીચે ઉતરી 2170 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. માર્કેટ, એનાલિસ્ટ્સના મતે ફેડ તરફથી 2024ના બીજા ક્વાર્ટરમાં રેટ ઘટાડાની શક્યતાં પ્રબળ બની રહી છે. તે માર્ચ મહિનામાં જ રેટમાં ઘટાડો દર્શાવી શકે છે. જેને હાલમાં ગોલ્ડ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. તેઓ ઉમેરે છે કે તાજેતરમાં યુએસ ખાતે મિશ્ર ડેટા જોવા મળ્યો છે. જે અર્થતંત્રમાં મજબૂતી સાથે ફુગાવો ધીમે-ધીમે ઘટી રહ્યો હોવાનું સૂચવે છે અને તેથી જ ફેડ તરફથી રેટ વૃદ્ધિની શક્યતાં લગભગ પૂરી થઈ છે. બીજી બાજુ, તેનું હોકિશ વલણ પણ દૂર થયું છે અને તે રેટ ઘટાડાતરફી માનસિક્તા બનાવી રહી છે.
છેલ્લાં બે સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં વૈશ્વિક બજારમાં 100 ડોલરથી વધુની વૃદ્ધિ નોંધાઈ હતી. અગાઉના સપ્તાહે ડોલર 2000 ડોલર પર ટકી રહેતાં એક મજબૂત બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. જેમાં ગયા સપ્તાહ આખરમાં ઓર મજબૂતી જોવા મળી હતી અને તે ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યું હતું. સોમવારે 2100 ડોલરની સપાટી પાર થવા સાથે ગોલ્ડ નવા ઝોનમાં પ્રવેશ્યું છે અને તે વધુ સુધારા માટે તૈયાર છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે વૈશ્વિક ગોલ્ડમાં નજીકમાં 2150 ડોલરનો ટાર્ગેટ છે. સોમવારે ફેક ટ્રેડમાં કોમેક્સ વાયદો આ સપાટીએથી પરત ફર્યો હતો. સ્પોટ ગોલ્ડે પણ 2148 ડોલરનું લેવલ બનાવ્યું હતું. આમ, નજીકમાં આ લેવલે અવરોધ જળવાશે. જોકે, ગોલ્ડમાં કોઈ મોટા ઘટાડાની શક્યતાં નથી અને તેથી ઘટાડે ખરીદી કરવાનો વ્યૂહ અપનાવવાનો રહેશે.
ગોલ્ડની સાથે સિલ્વરમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. કોમેક્સ સિલ્વર છેલ્લાં કેટલાંક સત્રોથી 25 ડોલરની સપાટી પર ટ્રેડ દર્શાવી રહી હતી. જે સોમવારે 26.30 ડોલરની ટોચ પર ટ્રેડ થઈ હતી. ચાલુ કેલેન્ડરમાં ગોલ્ડની સરખામણીમાં તે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહી છે. એકવાર 26 ડોલર પર ટકશે તો તે ઝડપથી 29-30 ડોલર સુધીનો ઉછાળો દર્શાવે તેવી શક્યતાં પણ જોવાઈ રહી છે. એમસીએક્સ ખાતે સોમવારે તે રૂ. 78100ની સપાટીએ ખૂલી નરમ ટ્રેડ દર્શાવતી હતી.

ચાલુ કેલેન્ડરમાં ગોલ્ડનો દેખાવ(ભાવ રૂ./ડોલરમાં)

કોમોડિટી 2022નો બંધ ભાવ વર્તમાન ભાવ ફેરફાર(ટકામાં)
કોમેક્સ ગોલ્ડ 1823 2075 13.82
કોમેક્સ સિલ્વર 23.95 25.17 5.09
MCX ગોલ્ડ 55178 63504 15.09
MCX સિલ્વર 69571 77615 11.56

નિફ્ટી કાઉન્ટર્સમાં ઓટો, અદાણી અને પ્રાઈવેટ બેંકિંગ શેર્સમાં મજબૂત લેવાલી
આઈશર મોટર્સનો શેર 7 ટકાથી વધુ ઉછળી વાર્ષિક ટોચે પહોંચ્યો
ઓએનજીસી અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરે નવી ટોચે દર્શાવી

કેન્દ્રમાં સતત ત્રીજીવાર એનડીએની સરકાર જળવાય રહેવાની શક્યતાં મજબૂત બનતાં શેરબજાર બેન્ચમાર્ક્સમાં 2 ટકાની વધુની મજબૂતી જોવા મળી હતી. જેમાં નિફ્ટીના 50માંથી પાંચ કાઉન્ટર્સને બાદ કરતાં 45 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બેન્ચમાર્કમાં ટોચનો સુધારો દર્શાવનારા કાઉન્ટર્સમાં ઓટો, અદાણી જૂથ કંપનીઓ તથા પ્રાઈવેટ બેંકિંગ કંપનીઓના શેર્સ મુખ્ય હતાં. પીએસયૂ અને કેપિટલ ગુડ કંપનીઓનો પણ તેમાં સમાવેશ થતો હતો.
સોમવારે બેન્ચમાર્ક નિફ્ટી 20687ની તેની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેને સપોર્ટ પૂરો પાડવામાં આઈશર મોટર્સ ટોચ પર હતી. કંપનીનો શેર 7.45 ટકા ઉછળી રૂ. 4180 પર બંધ રહ્યો હતો. જે તેની સર્વોચ્ચ સપાટી હતી. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.14 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ અદાણી જૂથની બે કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેર્સમાં અનુક્રમે 7 ટકા અને 6 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. તેમણે નિફ્ટીને નવી ટોચ પર લઈ જવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ઓઈલ માર્કેટિંગ સાહસ બીપીસીએલનો શેર 5.4 ટકા વૃદ્ધિ સાથે તેની વાર્ષિક ટોચ પર પહોંચ્યો હતો. પ્રાઈવેટ બેંક કાઉન્ટર્સમાં આઈસીઆઈસીઆઈ બેંકનો શેર 5 ટકા ઉછળ્યો હતો અને ફરી રૂ. 1000ની સપાટી નજીક પહોંચ્યો હતો. પીએસયૂ બેંક્સમાં એસબીઆઈનો શેર 4 ટકાથી વધુ ઉછળ્યો હતો અને રૂ. 596ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. પીએસયૂ ઓઈલ ઉત્પાદક ઓએનજીસીનો શેર વર્ષો પછી રૂ. 2000ની સપાટી પાર કરી ગયો હતો. જ્યારે એન્જીનીયરીંગ કંપની લાર્સન એન્ડ ટુબ્રોનો શેર 4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3300ની સપાટી કૂદાવી ગયો હતો. ખાનગી બેંકિંગ સેક્ટરમાંથી આવતાં કોટક બેંક અને ઈન્ડસઈન્ડ બેંકના શેર્સ પણ લગભગ 4-4 ટકા વૃદ્ધિ સાથે નિફ્ટીમાં ટોચના 10 મજબૂત કાઉન્ટર્સમાં સમાવેશ પામતાં હતાં. માર્કેટ એનાલિસ્ટ્સના મતે વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પછી કેન્દ્ર સરકારમાં મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજીવાર સત્તા જાળવી રાખે તેવી શક્યતાં વધી છે અને તેને કારણે લાર્જ-કેપ્સમાં ઊંચી ખરીદી નીકળી છે. તાજેતરના ચૂંટણી પરિણામો પછી વિદેશી રોકાણકારોમાં ભારતને લઈ વલણ બદલાશે અને તેઓ સ્થાનિક માર્કેટમાં નવા નાણા રોકવાનું પસંદ કરશે એમ તેઓ ઉમેરે છે.
નિફ્ટી શેર્સનો સોમવારે દેખાવ
સ્ક્રિપ્સ અગાઉનો બંધ ભાવ(રૂ.) સોમવારનો બંધ ભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
આઈશર મોટર 3891.2 4181 7.45
અદાણી એન્ટર. 2362.7 2523 6.78
અદાણી પોર્ટ્સ 827.8 878.7 6.15
BPCL 438 462.2 5.53
ICICI બેંક 946.7 991 4.68
SBIN 571.75 595.9 4.22
ONGC 194.55 202.45 4.06
લાર્સન એન્ડ ટુબ્રો 3190.65 3316.05 3.93
કોટક બેંક 1750.5 1819.2 3.92
ઈન્ડ્સઈન્ડ 1461.05 1515.55 3.73

ભાજપના મજબૂત દેખાવ પાછળ અદાણી શેર્સમાં 10 ટકા સુધી વૃદ્ધિ
અદાણી ગ્રીન એનર્જી 9.5 ઉછળી રૂ. 1100ની સપાટી કૂદાવી ગયો
ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર પણ સાત ટકા ઉછળ્યો

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય પાછળ અદાણી જૂથના શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. સોમવારે જૂથની લિસ્ટેડ કંપનીઓના શેર્સ 10 ટકા સુધીનો તીવ્ર ઉછાળો દર્શાવી રહ્યાં હતાં. ગયા સપ્તાહે પણ સુપ્રીમ કોર્ટ તરફથી હિંડેનબર્ગ રિપોર્ટ કેસમાં રાહત પાછળ જૂથ શેર્સમાં તેજી જોવા મળી હતી. જેને રાજ્ય વિધાનસભા ચૂંટણીઓના પરિણામોએ આગળ લંબાવી હતી.
ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળની અદાણી જૂથ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જીનો શેર 9.5 ટકા સાથે સૌથી વધુ વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીનો શેર શુક્રવારે રૂ. 1026.5ના બંધ સામે 9.5 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 1124ની સપાટી પર બંધ રહ્યો હતો. જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 6.8 ટકા મજબૂતી સાથે રૂ. 2500ની સપાટી પાર કરી રૂ. 2523 પર બંધ રહ્યો હતો. તે એક દિવસમાં રૂ. 167નો ઉછાળો દર્શાવતો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2.88 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જૂથની પોર્ટ કંપની અદાણી પોર્ટ્સનો શેર પણ 6 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 878.7ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે અદાણી એનર્જીનો શેર 5.9 ટકા મજબૂતી સાથે રૂ. 905ની સપાટી પર બંધ રહ્યો હતો. અદાણી પાવરનો શેર 5.5 ટકા મજબૂતી સાથે રૂ. 465 પર બંધ જોવા મળ્યો હતો. જ્યારે અદાણી ગેસ 4.4 ટકા ઉછળી રૂ. 732.3 પર બંધ રહ્યો હતો. અદાણી જૂથની સિમેન્ટ કંપનીઓના શેર્સમાં અંબુજા સિમેન્ટ્સ 7.36 ટકા ઉછળી રૂ. 474.55ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે એસીસીનો શેર 6.28 ટકા ઉછળી રૂ. 2019.50ની સપાટીએ બંધ રહ્યો હતો. જૂથે ખરીદેલી મિડિયા કંપની એનડીટીવીનો શેર 2.72 ટકા મજબૂતી સાથે રૂ. 225.05ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.
રવિવારે ત્રણ મહત્વના રાજ્યોમાં ભાજપના વિજય પાછળ શેરબજારમાં મજબૂતીની અપેક્ષા હતી જ. જેની પાછળ પ્રિ-ઓપનીંગમાં બેન્ચમાર્ક્સ મોટો સુધારો સૂચવી રહ્યાં હતાં. અદાણી જૂથ શેર્સ પણ માર્કેટના ઓપનીંગ અગાઉ ઊંચો સુધારો દર્શાવતાં હતાં. જેમાં અદાણી ગ્રીન એનર્જીનો શેર 13 ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. જ્યારે અદાણી એનર્જીનો શેર 13.4 ટકા, અદાણી પાવર 12.2 ટકા, અદાણી ટોટલ 10 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 8 ટકા મજબૂતી સાથે ઓપનીંગ દર્શાવી રહ્યાં હતાં. એનડીટીવીનો શેર પ્રિ-માર્કટમાં 8 ટકાથી વધુની વૃદ્ધિ સૂચવતો હતો. જોકે, બજાર ખૂલ્યાં પછી કેટલાંક કાઉન્ટર્સમાં ઊંચા સ્તરે આંશિક પ્રોફિટ બુકિંગ પાછળ તેઓ ઈન્ટ્રા-ડે ટોચ પરથી નીચે તરફ ગતિ દર્શાવતાં જોવા મળ્યાં હતાં. જોકે, તેમ છતાં અદાણી જૂથના શેર્સ માટે છેલ્લાં 11 મહિનાના શ્રેષ્ઠ દેખાવમાંનો એક દિવસ બની રહ્યો હતો. જે દરમિયાન જૂથના માર્કેટ-કેપિટલાઈઝેશનમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી.

અદાણી જૂથ શેર્સનો સોમવારનો દેખાવ
સ્ક્રિપ્સ અગાઉનો બંધ ભાવ(રૂ.) સોમવારે બંધ ભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
અદાણી ગ્રીન 1026.5 1124 9.5
અદાણી એન્ટર. 2362.7 2523 6.78
અદાણી પોર્ટ્સ 827.8 878.7 6.15
અદાણી એનર્જી 854.7 905 5.89
અદાણી પાવર 440.4 464.55 5.48
અદાણી ગેસ 701.45 732.3 4.4
અદાણી વિલ્મેર 340.25 345.25 1.47

ગ્રીન હાઈડ્રોજન, ઈલેક્ટ્રોલાઈઝર માટે RIL, અદાણી, લાર્સન સહિતની કંપનીઓ મેદાનમાં
સોલાર એનર્જી કોર્પોરેશને ફ્લોટ કરેલા ટેન્ડર્સમાં ડઝનેક કંપનીઓએ દર્શાવેલો રસ

કેન્દ્ર સરકારના ગ્રીન હાઈડ્રોજન અને ઈલેક્ટ્રોલાઈઝર મેન્યૂફેક્ચરિંગમ ટેના પ્રથમ ટેન્ડરમાં લગલગ ડઝન જેટલી કંપનીઓએ રસ દર્શાવ્યો હોવાનું જાણવા મળે છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, અદાણી ન્યૂ એનર્જી, જેએસડબલ્યુ એનર્જી જેવા નામોનો સમાવેશ થાય છે.
સરકારી એજન્સી સોલાર એનર્જી કોર્પોરેશન(એસઈએસઆઈ)એ તેના ફ્લેગશિપ સ્ટ્રેટેજિક ઈન્ટરવેન્શન્સ ફોર ગ્રીન હાઈડ્રોજન ટ્રાન્ઝીશન(SIGHT) પ્રોગ્રામ હેઠળ ટેન્ડર્સ ફ્લોટ કર્યાં છે. જેનો હેતુ હાઈડ્રોજનના ઉત્પાદન માટે ચાવીરૂપ કોમ્પોનેન્ટ ગ્રીન હાઈડ્રોજન અને ઈલેક્ટ્રોલાઈઝર્સની સ્થાપના કરવાનો છે. ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે કુલ 10 કંપનીઓ તરફથી ટેકનિકલ બીડ્સ મળ્યાં છે. જેમાં આરઆઈએલ, જાહેર ક્ષેત્રની ભેલ, ટોરેન્ટ પાવર, ગ્રીનકો ઝેરોક, જેએસડબલ્યુ નીઓ એનર્જી, સેમ્બકોર્પ ગ્રીન હાઈડ્રોજન ઈન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ તેમની સુવિધા ખાતેથી તેઓ કેટલો ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદિત કરવા માગે છે તેનો જથ્થો સબમિટ કર્યો છે. ટેન્ડરના બીજા રાઉન્ડમાં તેઓ કેન્દ્ર સરકારના SIGHT પ્રોગ્રામ હેઠળ ફાળવવામાં આવેલા ઈન્સેન્ટિવ્સમાંથી તેમને કેટલી રકમની જરૂરિયાત છે તે સબમિટ કરશે.
ઈલેક્ટ્રોલાઈઝર્સના ઉત્પાદન માટે સપોર્ટ કરતાં અન્ય ટેન્ડર માટે આંઠ પ્લેયર્સ તરફથી ટેકનિકલ બીડ્સ કરવામાં આવ્યાં છે. જેમાં RIL, એલએન્ડટી ઈલેક્ટ્રોલાઈઝર્સ, અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ, મેટ્રીક્સ ગેસ એન્ડ રિન્યૂએબલ્સ અને ન્યૂટેક કોન્ટ્રેક્ટ્સનો સમાવેશ થાય છે. કંપનીએ આ બીડીંગમાં ગ્રીન એનર્જી જનરેશનની ક્ષમતા દર્શાવી છે. બીજા રાઉન્ડમાં તેઓ સરકાર તરફથી જરૂરી ફાઈનાન્સિયલ ઈન્સેન્ટીવ માટે બીડીંગ કરશે. એસઈસીઆઈ ટેન્ડર્સમાં ભાગ લેનારી મોટાભાગની કંપનીઓ તેમના ગ્રીન હાઈડ્રોજન બિઝનેસ પ્લાન જાહેર કરી ચૂકી છે અને તેઓ આ ટેન્ડરને શરૂઆતી તબક્કા તરીકે ઉપયોગમાં લેશે. ઘણી કંપનીઓનું ધ્યાન ગ્રીન હાઈડ્રોજનની આજુબાજુ બેકવર્ડ અને ફોરવર્ડ સપ્લાય ચેઈન્સની સ્થાપના માટે રહેશે. જેમકે અદાણી એન્ટરપ્રાઈઝિસે સોલાર મોડ્યૂલ્સના ઉત્પાદનનો આરંભ કરી દીધો છે. જે તેના વ્યાપક ગ્રીન હાઈડ્રોજન વેલ્યૂ ચેઈન પ્લાન્સનો એક ભાગ છે. તેમાં ઈલેક્ટ્રોલાઈઝર ઉત્પાદન એકમનો સમાવેશ પણ થાય છે. જેએસડબલ્યુ એનર્જી માટે ગ્રીન હાઈડ્રોજન પ્લાન્સ તેની જૂથ કંપની જેએસડબલ્યુ સ્ટીલની ગ્રીન એનર્જીની જરૂરિયાત પૂરી કરશે. અદાણીએ પાછળથી તેના સિટી-ગેસ ડિસ્ટ્રીબ્યુશન સપ્લાયમાં ગ્રીન હાઈડ્રોજનના મિશ્રણની યોજના વ્યક્ત કરી છે. તેમજ તેના મુંદ્રા પાવર પ્લાન્ટ માટે આંશિકપણે ગ્રીન એમોનિયાના ઉપયોગ માટે પણ જણાવ્યું છે. એલએન્ડટી તેના ગ્રીન હાઈડ્રોજન માટે બે પાંખીયા વ્યૂહ સાથે આગળ વધી રહી છે. જેમાં તે તેના હઝીરા યુનિટ ખાતે ઈલેક્ટ્રોલાઈઝરનું એકલે હાથે ઉત્પાદન કરવા જઈ રહી છે. જ્યારે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન કરવા માટે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશ સાથે ભાગીદારી કરી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈલેક્ટ્રોલાઈઝર તથા ગ્રીન હાઈડ્રોજન માટે ઉત્પાદનનું આયોજન ધરાવે છે.

જાપાનનું TDK કોર્પોરેશન ભારતમાં Li-ion બેટરીનું ઉત્પાદન કરશે
કંપનીએ હરિયાણામાં જમીન ખરીદી, ફેકટરી પ્રત્યક્ષ 8-10 હજાર રોજગારી પેદા કરશે

એપલ ઈન્ક.નું વૈશ્વિક લિથિયમ આયોન બેટરી સેલ સપ્લાયર એવું જાપાનનું ટીડીકે કોર્પોરેશન ભારતમાં પ્રવેશવા તૈયાર છે. જાપાનનું અગ્રણી ઈલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ અને ડિવાઈઝ ઉત્પાદક ભારતમાં બેટરી સેલ્સ બનાવશે. તે ભારતમાં એસેમ્બલ્ડ આઈફોન્સને પાવર પૂરો પાડશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે.
આ સેલ્સ એપલના Li-ion બેટરી એસેમ્બલર સનવોડા ઈલેકટ્રોનિક્સને સપ્લાય કરવામાં આવશે. હાલમાં સનવોડા ભારતમાં કામ કરી રહી છે અને તે વિશ્વભરમાંથી સેલ્સની આયાત કરે છે. ટીડીકેએ 2005માં હોંગ કોંગ સ્થિત લિથિયમ આયોન બેટરી ઉત્પાદક એમ્પેરેક્સ ટેક્નોલોજીની ખરીદી કરી હતી. તેણે તાજેતરમાં હરિયાણા ખાતે 180 એકર જમીન ખરીદી છે. જ્યાં તે યુનિટની સ્થાપના કરશે. જ્યાં તે બેટરી ઉપરાંત અન્ય ઉત્પાદનો પણ બનાવશે. એપરલને સેલ્સના સપ્લાય માટે આગામી 12-18 મહિનામાં કમર્સિયલ ઉત્પાદનની શરૂઆત કરવામાં આવશે. વર્તુળોના મતે એપલ ઈન્ક. સાથેનો કોન્ટ્રેક્ટ 8000-10000 લોકોને સીધી રોજગારી પૂરી પાડશે. જ્યારે 25 હજાર જેટલી અપ્રત્યક્ષ રોજગારી પેદા કરશે. ફેક્ટરી આ પ્રકારની પ્રથમ હશે. જ્યાં વર્કર્સના ક્વાર્ટર્સ ફેક્ટરીના પ્રાંગણમાં જ સ્થિત હશે. એપલની આ એક લાંબા સમયની માગ હતી અને ચીનની મેગા ફેકટરીમાં આ એક કોમન પ્રેકટીસ છે. આમ કરવાથી બે લાભ થતાં હોય છે. એક તો ઊંચા સ્કેલને કારણે ઉત્પાદક્તા વધતી હોય છે. તેમજ ફેક્ટરીઝમાં વધુ મહિલાઓ રોજગાર મેળવવા સક્ષમ બનતી હોય છે. જોકે, આ અહેવાલ અંગે એપલ કે ટીડીકે કોર્પોરેશન તરફથી કોઈ પ્રતિભાવ આપવામાં આવ્ય નહોતો. હાલમાં એપલ તેના ફોન્સ માટે ચીનથી બેટરીની આયાત કરે છે. દેશમાં મોટાભાગના મોબાઈલ ડિવાઈસ ઉત્પાદકો પણ તેમના ફોન્સ માટે બેટરીની આયાત કરી રહ્યાં છે. ઉદ્યોગ અંદાજો મુજબ હેન્ડસેટ ઉત્પાદકો વાર્ષિક ધોરણે સેલ્સની આયાત પાછળ રૂ. 5500 કરોડનું વિદેશી હૂંડિયામણ ખર્ચી રહ્યાં છે. લીથિયમ આયોન બેટરીમાં 70 ટકા ખર્ચ સેલ્સનો હોય છે. જ્યારે આઈફોનના કુલ ખર્ચમાં બેટરી 4 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં સેલ્સની કિંમત જ 3 ટકા જેટલી હોય છે.

સેબીએ સત્યમના પ્રમોટર્સ પાસેથી રૂ. 1748 કરોડની માગણી કરી
પ્રમોટર્સે કુલ 15-વર્ષોનું મળીને રૂ. 1123 કરોડનું ઈન્ટરેસ્ટ ચૂકવવાનું રહેશે

માર્કેટ રેગ્યુલેટર સેબીએ સત્યમ કોમ્પ્યુટર્સ સર્વિસિઝને સંડોવતાં છેતરપિંડીના કિસ્સામાં 30 નવેમ્બરે એક અન્ય આદેશ પસાર કરી છ વ્યક્તિઓને રૂ. 624 કરોડના ગેરકાયદે લાભને પરત કરવા જણાવ્યું છે. સાથે આ રકમ પર વાર્ષિક 12 ટકા લેખે વ્યાજની ચૂકવણી માટે પણ જણાવ્યું છે. આ કંપનીઓએ કુલ મળી રૂ. 1747.5 કરોડની રકમ ચૂકવવાની રહેશે. સેબીએ આ માટે જાન્યુઆરી 2024ની સમયમર્યાદા નિર્ધારિત કરી છે. આ રકમમાં 15-વર્ષોનું મળી રૂ. 1123 કરોડની ઈન્ટરેસ્ટની રકમનો પણ સમાવેશ થાય છે.
સેબીના આદેશમાં નોંધવામાં આવેલા છ વ્યક્તિ કે કંપનીઓમાં બી રામલિંગા રાજુ(સત્યમના ભૂતપૂર્વ ચેરમેન), બી રામા રાજુ(ભૂતપૂર્વ એમડી), બી સૂર્યનારાયણ રાજુ(રામલિંગા રાજુનો ભાઈ), એસઆરએસઆર હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડ(સત્યમના પ્રમોટર્સે સ્થાપેલી કંપની), વી શ્રીનીવાસ(ભૂતપૂર્વ સીએફઓ) અને જી રામક્રિષ્ણા(ભૂતપૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ-ફાઈનાન્સ)નો સમાવેશ થાય છે. આ આદેશ 2 ફેબ્રુઆરી, 2023ના રોજ સિક્યૂરિટીઝ આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલ(SAT)ના આદેશને અનુસરે છે. અગાઉ પણ સેબીએ આ કેસમાં ઉચાપત સંબંધી આદેશ કરેલો હતો. જેને આરોપીઓએ સેટ અને સુપ્રીમ કોર્ટ સહિતની ઊંચી કોર્ટ્સમાં પડકાર્યો હતો.
સેબીના ઓર્ડરમાં નોંધ્યું હતું કે આરોપીઓએ ખોટી રીતે મેળવેલાં નાણાને પરત કરવાના રહેશે. તેમજ તેમણે 7 જાન્યુઆરી 2009થી પેમેન્ટની ચૂકવણીના દિવસ સુધી 12 ટકાનું સાદુ વ્યાજ ચૂકવવાનું રહેશે. 2 ફેબ્રુઆરી, 2023ના રોજ સેટના આદેશ મુજબ ગેરકાયદે લાભ વ્યક્તિઓએ પોતે ઉઠાવવાનો રહેશે એમ રેગ્યુલેટરના હોલ ટાઈમ મેમ્બર અનંત નારાયણ જીએ નોંધ્યું હતું. વ્યક્તિગત રીતે ગણતરી મુજબ બી રામલીંગા રાજુએ રૂ. 20.43 કરોડ, બી રામ રાજુએ રૂ. 20.43 કરોડ, બી સૂર્યનારાયણ રાજુએ રૂ. 51.44 કરોડ, એસઆરએસઆર હોલ્ડિંગે રૂ. 518.36 કરોડ, વી શ્રીનિવાસે રૂ. 9.58 કરોડ અને જી રામકૃષ્ણને રૂ. 3.83 કરોડ ચૂકરવાના રહેશે. આ રકમમાં વ્યાજની રકમનો સમાવેશ નથી થતો. સેબીએ તેમને 45 દિવસોની અંદર રકમ જમા કરાવવા માટે જણાવ્યું છે. સેબીના ઓર્ડર મુજબ બી રામલીંગા રાજુ અને બી રામ રાજુ 14 જુલાઈ, 2028 સુધી શેરબજારમાં કોઈપણ પ્રકારનો સોદો કરી શકશે નહિ.

માગના અભાવે કોટનમાં ખાંડીએ રૂ. 500 ગગડ્યાં
કોટનના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે નવા સપ્તાહે ભાવ ખાંડીએ રૂ. 500ના ઘટાડા સાથે ખૂલ્યાં હતાં અને રૂ. 55000-55200 પર બોલાતાં હતાં. ગયા સપ્તાહાંતે તે 55500-55700 પર જોવા મળી રહ્યાં હતાં. માર્કેટમાં નોંધપાત્ર આવકો વચ્ચે સ્પીનર્સ તરફથી પાંખી માગ પાછળ ભાવ ધીમે-ધીમે ઘસાઈ રહ્યાં છે એમ વર્તુળો જણાવે છે. હાલમાં ભાવ બે વર્ષના તળિયા પર જોવા મળી રહ્યાં છે. જેમાં હજુ રૂ. એકાદ હજાર ઘટાડાની શક્યતાં છે. જેનાથી વધુ ઘટાડો સંભવ નથી એમ વર્તુળોનું કહેવું છે. કેમકે, નીચા ભાવે નિકાસકારો તરફથી સપોર્ટ સંભવ છે. જોકે, ચાલુ વર્ષે ખાસ નિકાસ જોવા મળે તેવી શક્યતાં ઓછી છે. ટ્રેડ વર્તુળોના મતે નિકાસ ગયા વર્ષ કરતાં પણ નીચી જોવા મળી શકે છે. કેમકે વૈશ્વિક બજારમાં ભારતીય કોટનના ભાવ હજુ પણ સ્પર્ધાત્મક નથી.

કોર્પોરેટ હેડલાઈન્સ

કલ્પતરૂ પ્રોજેક્ટ્સઃ એન્જીનીયરીંગ કંપનીએ રૂ. 2263 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. જેમાં રૂ. 1564 કરોડના ટીએન્ડડી ઓર્ડરનો સમાવેશ થાય છે. તે ભારત તેમજ વિદેશી બજારમાંથી મળ્યાં છે. રૂ. 458 કરોડના વોટર બિઝનેસ અને રૂ. 241 કરોડના બીએન્ડએફ બિઝનેસનો સમાવેશ થાય છે. કંપનીએ નાણા વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં રૂ. 14,4441 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. જેમાં ભારત સહિત આંતરરાષ્ટ્રીય બિઝનેસનો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય હિસ્સો ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટાવર્સનો છે.
AICTPL: અદાણી જૂથની અદાણી ઈન્ટરનેશનલ કન્ટેનર પ્રાઈવેટ લિમિટેડ મહિને 3 લાખ કન્ટેનર્સથી વધુ કાર્ગો હેન્ડલ કરનાર પ્રથમ કંપની બની છે. નવેમ્બર, 2023માં તણે 97 વેસલ્સમાં 3,00,431 ટીઈયુ કાર્ગો હેન્ડલ કર્યો હતો એમ અદાણી પોર્ટે જણાવ્યું હતું. એઆઈસીટીપીએલ એ મુંદ્રા ખાતે એપીસેઝનું સંયુક્ત સાહસ ટર્મિનલ છે. એપીસેઝે નવેમ્બરમાં વાર્ષિક ધોરણે 3.6 કરોડ ટનનો કાર્ગો હેન્ડલ કર્યો હતો. જે વાર્ષિક ધોરણે 42 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
એલએન્ડટી ફાઇનાન્સઃ : ઇક્વિટી લિસ્ટેડ હોલ્ડિંગ કંપની એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે સોમવારે તેની પેટાકંપનીઓ એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ, એલએન્ડટી ઇન્ફ્રા ક્રેડિટ લિમિટેડ અને એલએન્ડટી મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટી લિમિટેડના પોતાનામાં સફળ મર્જરની જાહેરાત કરી હતી. એનબીએફસી એવી એલટીએફએચ અને એલએન્ડટી ફાઇનાન્સ બ્રાન્ડ હેઠળ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝની શ્રેણી ઓફર કરે છે. આ મર્જર સાથે, તમામ ધિરાણ વ્યવસાયો એક જ એન્ટિટી એટલે કે એલટીએફએચ હેઠળ રાખવામાં આવશે અને તે ઇક્વિટી લિસ્ટેડ ઓપરેટિંગ લેન્ડિંગ એન્ટિટી બનશે.
ઓએનજીસીઃ જાહેર ક્ષેત્રની ઓઈલ ઉત્પાદક કંપનીએ જણાવ્યું છે કે તે મે 2024માં કેજી બ્લોકમાંથી ઓઈલના કમર્સિયલ ઉત્પાદનની શરૂઆત કરશે. કંપની ક્રિષ્ણા ગોદાવરી બેસીનમાં ડીપસી પ્રોજેક્ટમાંથી લાંબા સમયથી ઉત્પાદન શરૂ કરવા માટે પ્રયાસશીલ છે. જોકે, તેમાં ખૂબ વિલંબ જોવા મળ્યો છે. આ માટે જીઓલોજી સંબંધી પડકારો કારણભૂત હોવાનું કંપનીનું જણાવી રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage