Market Summary 05/09/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

બુલ્સના મજબૂત મનોબળ પાછળ શેરબજારમાં પોઝીટીવ શરૂઆત
નિફ્ટીએ 19500ની સપાટી પાર કરી
એશિયન બજારોમાં પણ મજબૂતી
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 10.96ના સ્તરે
મેટલ ઈન્ડેક્સે પ્રથમવાર 7 હજારની સપાટી દર્શાવી
આઈટી અને જાહેર સાહસોમાં ખરીદી જારી
આઈઆરએફસી, રેલ વિકાસ, નઝારા નવી ટોચે

શેરબજારમાં તેજીવાળાઓના મક્કમ મનોબળ પાછળ નવા સપ્તાહની શરૂઆત સારી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 241 પોઈન્ટ્સ ઉછળી 65528ની સપાટીએ જ્યારે નિફ્ટી 94 પોઈન્ટ્સ મજબૂતી સાથે 19529ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ઊંચી ખરીદી જળવાતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3941 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2305 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1439 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 402 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 29 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે ટ્રેડ થયાં હતાં. 7 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ દર્શાવતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.6 ટકા ગગડી 10.96ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે એશિયન બજારોમાં મજબૂતી પાછળ ભારતીય બજારની શરૂઆત ગેપ-અપ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી ગયા સપ્તાહના 19435ના બંધ સામે 19525 પર ખૂલી ઉપરમાં 19545 પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 85 પોઈન્ટ્સ પ્રિમીયમમાં 19614ની સપાટીએ બંધ જોવા મળતો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 85 પોઈન્ટ્સ પ્રિમીયમ જેટલું જ હતું. આમ માર્કેટમાં લોંગ કે શોર્ટ પોઝીશનમાં ખાસ ઉમેરો જોવા મળ્યો નહોતો. જે સૂચવે છે કે માર્કેટ હજુ પણ રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી શકે છે. અલબત્ત, નિફ્ટીએ 19500ની સપાટી પાર કરતાં માર્કેટમાં શોર્ટ કવરિંગની શક્યતાં ઊંચી છે. જે સ્થિતિમાં બેન્ચમાર્ક સુધારો જાળવી શકે છે. તેજીવાળાઓ નિફ્ટીમાં નવી ટોચની અપેક્ષા રાખી રહ્યાં છે. જોકે, માર્કેટમાં ઊંચી સપાટીએ ડિસ્ટ્રીબ્યુશનની શક્યતાં પણ જોવાઈ રહી છે. આમ, ટ્રેડર્સે હળવી પોઝીશન જાળવવી જરૂરી છે. સોમવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં કોલ ઈન્ડિયા, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, અલ્ટ્રાટેક સિમેન્ટ, તાતા સ્ટીલ, હિંદાલ્કો, ટેક મહિન્દ્રા, એનટીપીસી, ગ્રાસિમ, ઈન્ફોસિસ, ડો.રેડ્ડીઝ લેબ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એમએન્ડએમ, એક્સિસ બેંક, નેસ્લે, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, ટાઈટન કંપની, સિપ્લા, કોટક મહિન્દ્રા, તાતા મોટર્સ નરમાઈ સૂચવતાં હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, આઈટી, પીએસઈમાં નોઁધપાત્ર ખરીદી જોવા મળી હતી. જ્યારે એકમાત્ર એફએમસીજી સેક્ટર નરમાઈ દર્શાવતું હતું. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.3 ટકા ઉછળી પ્રથમવાર સાત હજારની સપાટી પાર કરી ગયું હતું. જેના ઘટકોમાં નાલ્કો, સેઈલ, એનએમડીસી, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, હિંદાલ્કો, વેંદાંત, હિંદુસ્તાન ઝીંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ 52-સપ્તાહની ટોચ પર ટ્રેડ થયો હતો. જેને સપોર્ટ આપવામાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટીસીએસ વગેરે મુખ્ય હતાં. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ પણ 1.9 ટકા ઉછળ નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં 6 ટકા સુધીનો ઉછાળો જોવા મળતો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ પણ એક ટકાથી વધુ મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, હેમિસ્ફિઅર, ડીએલએફ, સનટેક રિઅલ્ટી મજબૂતી સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક્સ પણ 2.4 ટકા ઉછળ્યો હતો. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેંક, આઈઓબી, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક, પીએનબીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. એકમાત્ર નિફ્ટી એફએમસીજી નરમાઈ દર્શાવતો હતો. જેની પાછળ ઈમામી, નેસ્લે, આઈટીસી, એચયૂએલમાં ઘટાડો કારણભૂત હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો દાલમિયા ભારત 6.5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત શ્રી સિમેન્ટ્સ, નાલ્કો, સેઈલ, એનએમડીસી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, આઈડીએફસી, મધરસન સુમી, વિપ્રો, આઈઈએક્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, રામ્કો સિમેન્ટ્સ, તાતા સ્ટીલ, એબી કેપિટલ, એલઆઈસી હાઉસિંગ ફાઈ.માં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, એસ્કોર્ટ્સ કુબોટા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ્સ, બિરલાસોફ્ટ, બાટા ઈન્ડિયા, સન ટીવી નેટવર્ક, બર્ગર પેઈન્ટ્સ, મેક્સ ફાઈ.માં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક 52-સપ્તાહની ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એમએમટીસી, આઈઆરએફસી, રેલ વિકાસ, નઝારા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ત્રિવેણી એન્જીનીયરીંગ, આઈટીઆઈ, એનબીસીસી, સેઈલ, બ્રિગેડ એન્ટર.નો સમાવેશ થતો હતો.

સેબીએ AIFsને ગવર્નન્સ કોડ ઘડવા માટે તાકીદ કરી
અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ ઉદ્યોગના પદાધિકારીઓની બેઠકમાં સેબીએ ‘બેડ એક્ટર્સ’ને શિસ્તમાં રાખવા જણાવ્યું

માર્કેટ રેગ્યુલેટર સેબીએ દેશમાં સૌથી ઝડપે વૃદ્ધિ પામી રહેલા એસેટ ક્લાસ અલ્ટનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ(AIFs)ને ગવર્નન્સ કોડ્સ ઘડવા માટે જણાવ્યું છે. એઆઈઆફ ઉદ્યોગના સિનિયર અધિકારીઓ સાથે તાજેતરમાં મળેલી બેઠકમાં સેબી તરફથી સ્પષ્ટપણે આ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગને હાલમાં જોવા મળી રહેલાં ‘બેડ એક્ટર્સ’ને શિસ્તમાં રાખવા પણ જણાવાયું હતું.
ભારતીય પ્રાઈવેટ ઈક્વિટી ગૃહો, વેન્ચર કેપિટલ અને એંજલ ફંડ્સ તરફથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં ધનવાનો તરફથી મોટાપાયે નાણા ઊભા કરવામાં આવ્યાં છે. અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સની એસેટ છેલ્લાં જૂજ વર્ષોમાં બમણાથી પણ વધુ વધી છે અને તે હજુ પણ ઊંચા દરે વૃદ્ધિ દર્શાવી રહી છે. અનેક ફંડ્સ તરફથી વિરોધ વચ્ચે માર્કેટ રેગ્યુલેટર સેબી નવા નિયમો લાવી રહી છે. તાજેતરમાં જ યુએસ રેગ્યુલેટરે કેટલાંક રોકાણકારોની તરફેણ કરતાં ખાનગી ડિલ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને યુએસ સ્થિત પીઈ ફંડ્સ તરફથી પોઝીટીવલી નહોતો લેવાયો અને તેમણે એસઈસી સામે ફરિયાદ કરી હતી. જોકે ભારત સ્થિત એક મોટા ફંડના સીઈઓના કહેવા મુજબ સેબી યોગ્ય માર્ગે છે. જોકે, તેમના મતે રૂ. 1 કરોડનું લઘુત્તમ રોકાણ ધરાવતાં એઆઈએફ ઈન્વેસ્ટરને નિયમનકાર તરફથી સુરક્ષાની જરૂર નથી. ખાસ કરીને સેબી મ્યુચ્યુલ ફંડ ક્ષેત્રે રિટેલ ઈન્વેસ્ટર્સને આપે છે તે પ્રકારની સુરક્ષા એઆઈએફ રોકાણકારને આપવાની જરૂર નથી તેમ તેઓ ઉમેરે છે. આમ તેણે ફંડ્સને તેણે અનલિસ્ટેડ કંપનીમાં કેટલું રોકાણ કરવું અથવા તો ફંડની લાઈફ પૂરી થતી હોય અને ઈન્વેસ્ટમેન્ટ્સની એક્ઝિટ શક્ય ના હોય ત્યારે ફંડે શું કરવું તે જણાવવાની જરૂર નથી. કેમકે એઆઈએફ રોકાણકારો મેચ્યોર રોકાણકારો છે અને તેઓ જોખમોથી વાકેફ છે એમ તેમનું કહેવું છે. જોકે, સ્થાનિક સંસ્થા ઈન્ડિયન વેન્ચર એન્ડ અલ્ટરનેટ કેપિટલ એસોસિએશન(IVCA)ના મોટા ભાગના ફંડ્સ એ વાતે સહમત છે કે આઈવીસીએએ સેબીના નિયમોને ટ્વિસ્ટ કરતાં અને તેનું આક્રમક અર્થઘટન કરતાં સભ્ય ફંડ્સને અંકુશમાં રાખવા બદલાવ લાવવાની જરૂર છે. જો ઉદ્યોગ યોગ્ય રીતે કામગીરી દર્શાવશે તો રેગ્યુલેટર પણ કોમ્પ્લાયન્સનું ભારણ ઓછું કરવા વિચારી શકે છે એમ જાણકાર વર્તુળનું કહેવું છે.

ઓગસ્ટમાં નબળા વરસાદની વધુ પડતી ચિંતા બનજરૂરીઃ CEA
ચીફ ઈકોનોમિક એડવાઈઝરના મતે વરસાદ પર વધુ પડતા અવલંબનમાંથી દેશ બહાર આવી ચૂક્યો છે

ગયા ઓગસ્ટમાં છેલ્લી એક સદીના સૌથી નબળા વરસાદને લઈને આર્થિક વૃદ્ધિમાં ઘટાડાને લઈ વધુ પડતી ચિંતા કરવાની જરૂર નથી એમ નાણા મંત્રાલયના ટોચના સલાહકારે જણાવ્યું છે. તેમના મતે અર્થતંત્ર વરસાદ પર ઊંચી નિર્ભરતાના દોરમાંથી ઘણું આગળ નીકળી ગયું છે. ઓગસ્ટમાં નીચો વરસાદ ચિંતાનો વિષય છે પરંતુ દેશમાં ખાદ્યાન્નનો પૂરતો જથ્થો પ્રાપ્ય છે એમ સરકારના ચીફ ઈકોનોમિક એડવાઈઝર વી અનંતા નાગેશ્વરને જણાવ્યું હતું.
2016માં ‘કેન ઈન્ડિયા ગ્રો? ચેલેન્જિસ, ઓપોર્ચ્યુનિટીઝ, એન્ડ ધ વે ફોરવર્ડ” શીર્ષક હેઠળ પુસ્તક પ્રકાશિત કરનાર નાગેશ્વરને જણાવ્યા મુજબ સિંચાઈ ક્ષેત્રે આપણે કરેલી પ્રગતિને જોઈએ તો ચોમાસા પર અતિ નિર્ભરતાવાળા સમયમાંથી આપણે બહાર આવી ચૂક્યાં છીએ. આપણે વરસાદને લઈને વધુ પડતી ચિંતા કરવાની જરૂર નથી. કેટલાંક પ્રદેશોમાં વાવેતર નીચું છે પરંતુ જળાશયોનું લેવલ્સ ઘણું સારુ છે અને તે વરસાદની અછતને પૂરી કરી શકે તેમ છે એમ તેમણે ઉમેર્યું હતું. ઉપરાંત સપ્ટેમ્બરમાં સારો વરસાદ પણ તંગીને સરભર કરવામાં સહાયરૂપ બની શકે છે. દેશમાં અલ નીનોની અસરે ઓગસ્ટમાં અપૂરતાં વરસાદને કારણે ખાદ્યાન્નના ઉત્પાદનને લઈ ચિંતા ઊભી થઈ છે. જેને કારણે સરકારે દેશમાંથી અનાજની નિકાસ પર પ્રતિબંધો પણ લાગુ પાડ્યાં છે. જેથી સ્થાનિક બજારમાં ભાવને અંકુશમાં રાખી શકાય. જોકે, અગાઉ જૂલીઅસ બેઅર ખાતે ચીફ ઈન્વેસ્ટમેનટ ઓફિસર રહી ચૂકેલા નાગેશ્વરનની અપેક્ષા મુજબ આગામી મહિનાઓમાં ખરિફ પાક બજારમાં આવવાથી તથા કઠોળની ઊંચી આયાત પાછળ ભાવમાં ઘટાડો જોવાશે. ખાદ્ય પદાર્થો અને બળતણના ભાવ આધારિત કોર ઈન્ફ્લેશન પણ ઘટતું જોવાશે એમ તેઓ ઉમેરે છે. ભારત ચાલુ નાણા વર્ષના બીજા ક્વાર્ટરથી મજબૂત દેખાવ દર્શાવશે એમ તેઓ જણાવે છે. ગયા સપ્તાહે જૂન મહિના માટે રજૂ થયેલો જીડીપી વૃદ્ધિનો ડેટા ચાર ક્વાર્ટર્સમાં સૌથી ઊંચો હતો. સરકાર તરફથી જંગી ખર્ચને કારણે રિઅલ એસ્ટેટ સેક્ટર અને બાંધકામ કામગીરીમાં સહાયતા મળી રહી છે એમ નાગેશ્વરને ઉમેર્યું હતું. અર્થતંત્રમાં વપરાશ પણ મજબૂત જોવા મળી રહ્યો હોવાનું તેમણે નોંધ્યું હતું. ક્રૂડને લઈને ચિંતા થઈ રહી છે કે કેમ તે અંગેના જવાબમાં નાગેશ્વરને જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલી મંદીની અસર ક્રૂડના ભાવ પર પડી શકે છે. ખાસ કરીને ચીન ખાતે જોવા મળતી આર્થિક મંદી ક્રૂડને નીચા સ્તરે જાળવી રાખે છે. ઓગસ્ટમાં ક્રૂડ ઓઈલ બાસ્કેટનો સરેરાશ ભાવ 86.43 ડોલર પ્રતિ બેરલ જોવા મળ્યો હતો. જે નવ મહિનાની સૌથી ઊંચી સપાટી હતી.

રિલાયન્સ જીઓ 5જી પ્લાનના ફંડિંગ માટે 2 અબજ ડોલરની ઓફશોર લોન્સ મેળવશે
કંપની બીએનપી પારિબા સહિતના લેન્ડર્સ પાસેથી લોન મેળવશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ પાંખ જીઓ ઈન્ફોકોમ વિદેશમાંથી 2 અબજ ડોલર સુધીની લોન મેળવવા માટે મંત્રણા ચલાવી રહી હોવાનું જાણવા મળે છે. આ માટે બીએનપી પારિબા સક્રિય લીડ મેનેજર તરીકે પ્રયાસ કરી રહી છે. કંપની તેના 5જી પ્લાન માટે આ ભંડોળ મેળવવા ઈચ્છે છે. જેમાં એરિક્સન પાસેથી 5જી નેટવર્ક ગિઅર મેળવવાની સમાવેશ થાય છે એમ રિપોર્ટ જણાવે છે.
બીએનપી પારિબા નવ મહિનાથી વધુ સમયગાળા માટે 1.9 અબજ ડોલરથી 2 અબજ ડોલર સુધીની લોન પૂરી પાડશે. જે દરમિયાન મુકેશ અંબાણીની આગેવાની હેઠળની ટેલિકોમ કંપની એરિસ્કન, બીએનપી અને અન્ય બેંક્સને નાણા પરત કરશે એમ જાણકાર વર્તુળો જણાવે છે. રિપોર્ટમાં જોકે, જીઓ તરફથી એરિક્સન, બીએનપી અને અન્ય બેંક્સને વ્યક્તિગત ધોરણે કેટલાં નાણા પરત કરવામાં આવશે તેની માહિતી નથી આપવામાં આવી. તેમજ બીએનપી કોન્સોર્ટિયમ વતી કામ કરશે કે નહિ તેની સ્પષ્ટતા પણ નથી કરાઈ. ફંડ રેઈઝીંગ ડિસ્કાઉન્ટેડ પ્રોસેસ મારફતે હાથ ધરાશે અને વ્યાજ દર નવ-મહિનાના સમયગાળા પછી નિર્ધારિત થશે એમ રિપોર્ટ સૂચવે છે. બીએનપી પારિબા કે જીઓ ઈન્ફોકોમ તરફથી આ અંગે કોઈ પ્રતિભાવ સાંપડ્યો નહોતો. ગયા વર્ષે સ્વિડીશ ટેલિકોમ્યુનિકેશન્સ કંપની એરિક્સને જણાવ્યું હતું કે ભારતમાં જીઓના 5જી રોલઆઉટમાં 5જી રેડિયો એક્સેસ નેટવર્ક(RAN) પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સની સ્થાપના કરવામાં આવશે. જીઓએ સ્વિડિશ એક્સપોર્ટ ક્રેડિટ એજન્સી EKN સાથે 5જી પ્લાનના ઈક્વિપમેન્ટ અને સર્વિસિઝ માટે 2.2 અબજ ડોલરના ફંડીંગ માટે જોડાણ કર્યું છે એમ ભારતીય કોંગ્લોમેરટે તેના તાજા વાર્ષિક અહેવાલમાં નોંધ્યું હતું. જીઓ 5જી રોલઆઉટને ફાઈનાન્સમા સહાયતા માટે લોનને લઈ વાતચીત ચલાવી રહી છે. જેમાં નોકિયા સાથે 1.7 અબજ ડોલરનું ડીલ સાઈન કર્યાંના અહેવાલ પણ છે.

અદાણી પોર્ટે ઓગસ્ટમાં વિક્રમી કાર્ગોનું સંચાલન કર્યું
મુંદ્રા પોર્ટે અત્યાર સુધીમાં સૌથી ઊંચું 15.32 MMT કાર્ગો વોલ્યુમ નોંધાવ્યું

અદાણી જૂથની ફ્લેગશિપ કંપની મુંદ્રા પોર્ટે ઓગસ્ટમાં માસિક ધોરણે અત્યાર સુધીના સૌથી વધુ કાર્ગોનું સંચાલન કર્યું હતું. તેણે ગયા મહિને કુલ 1.532 કરોડ ટન કાર્ગો વોલ્યુમ નોંધાવ્યું હતું. આ ઉપરાંત તેણે સમાનગાળામાં 1776 ટ્રેન્સનું સંચાલન કર્યું હતું. જેમાં 1532 કન્ટેનર ટ્રેન્સનો સમાવેશ થતો હતો એમ કંપનીએ ફાઈલીંગમાં જણાવ્યું હતું.
કંપનીના જણાવ્યા મુજબ જૂથના ફ્લેગશિપ પોર્ટ મુંદ્રાએ માસિક ધોરણે 1.532 કરોડનું સૌથી ઊંચું માસિક કાર્ગો વોલ્યુમ હેન્ડલ કર્યું હતું. તેમજ તેણે 1776 ટ્રેન્સ સાથે સૌથી વધુ ટ્રેન્સ પણ હેન્ડલ કરી હતી. જેમાં 1532 કન્ટેનર ટ્રેન્સનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે મુંદ્રા પોર્ટે હાંસલ કરેલી વોલ્યુમ સંબંધી સિધ્ધીઓમાં આ ઉપરાંત પણ અન્ય બાબતોનો સમાવેશ થાય છે. જેમાં ચાલુ વર્ષે જુલાઈમાં મુંદ્રા પોર્ટે 5300 ટ્વેન્ટી-ફૂટ ઈક્વિવેલન્ટ્સ(TEUs)થી વધુ હેન્ડલીંગ કર્યું હતું. જે સાથે સાથે પોર્ટ ખાતે બિપરજોય ચક્રવાત અગાઉના 4900 TEUsનું લેવલ પાર થયું હતું. ચક્રવાતને કારણે પોર્ટ ખાતે કામગીરી પર અસર પડી હતી. જોકે, બિપરજોય વાવાઝોડા છતાં મુંદ્રા પોર્ટે પ્રથમ ક્વાર્ટરમાં કન્ટેનર હેન્ડલીંગમાં વાર્ષિક ધોરણે 4.4 ટકાની વૃદ્ધિ જાળવી રાખી હતી. નવૂ બર્થ ત્રીજા ક્વાર્ટરમાં કાર્યાન્વિત થશે. જે 8 લાખ TEUની ક્ષમતા ધરાવતું હશે. ચાલુ વર્ષે મે મહિનામાં અદાણી જૂથની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોને 2022-23 માટે 120.51 એમએમટીનો વિક્રમી કાર્ગો હેન્ડલ કર્યો હતો. તેણે અગાઉના 98.61 એમએમટીના વિક્રમને પાર કર્યો હતો. અદાણી જૂથની એપીસેઝ મુંદ્રા પોર્ટનું સંચાલન કરે છે. ભારતમાં મુંદ્રા સૌથી મોટું કન્ટેનર હેન્ડલીંગ પોર્ટ છે. જેણે 2022-23માં 66 લાખ ટીઈયુથી વધુ હેન્ડલીંગ કર્યું હતું. જે તેને ઉત્તર અને મધ્ય ભારત માટે ઈન્ટિગ્રાલ ગેટવે બનાવે છે. કંપનીના જણાવ્યા મુજબ એપીસેઝે લોજિસ્ટીક્સ બિઝનેસમાં નોંધપાત્ર ગ્રોથ દર્શાવ્યો છે. વાર્ષિક ધોરણે લોજિસ્ટીક્સ બિઝનેસ 24 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યો છે.

જીઓ ફાઈનાન્સિયલના શેર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો
રિલાયન્સ જૂથની જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝનો શેર સતત પાંચમા સત્રમાં સુધારા સાથે તેની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો હતો. સોમવારે કંપનીનો શેર ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 266.95ની ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ 3.4 ટકા મજબૂતી સાથે રૂ. 253.45ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.61 લાખ કરોડ પર જોવા મળતું હતું. કંપનીના શેરમાં છેલ્લાં પાંચ સત્રોથી તેજી જોવા મળી હતી. ગયા સપ્તાહે રૂ. 202.80નું તળિયું બનાવી તે એક દિશામાં ટ્રેડ દર્શાવતો રહ્યો છે. શેરને 1 સપ્ટેમ્બરના રોજ સેન્સેક્સમાંથી દૂર કરવામાં આવ્યો હતો. સોમવારે કાઉન્ટર્સમાં નવ કરોડ શેર્સથી વધુનું કામકાજ જોવા મળ્યું હતું. કંપનીનું લિસ્ટીંગ 21 ઓગસ્ટના રોજ થયું હતું.

ઓગસ્ટમાં EV ટુ-વ્હીલર્સના વેચાણમાં માસિક ધોરણે વૃદ્ધિ નોંધાઈ
ટીવીએસનો માર્કેટ શેર વધ્યો જ્યારે ઓલાના માર્કેટ શેરમાં ઘટાડો

ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સના વેચાણમાં ઓગસ્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. જૂનમાં 45000 યુનિટ્સની સામે ઓગસ્ટમાં 54,498 યુનિટ્સ ઈવીનું વેચાણ નોંધાયું હતું. જૂનમાં સરકાર તરફથી સબસિડીમાં કાપને કારણે ઈવીના વેચાણ પર અસર પડી હતી. વાહન વેબસાઈટના ડેટા મુજબ જુલાઈની સરખામણીમાં પણ ઓગસ્ટમાં વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી.
ઓટો ઈન્ડસ્ટ્રી બોડીના અધિકારીના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં ઈવી ટુ-વ્હીલર સેગમેન્ટમાં રિવાઈવલ જોવા મળ્યું હતું. જે સૂચવે છે કે સબસિડીઝ વિના ભારતીય ઈવી ટુ-વ્હીલર માર્કેટ મેચ્યોર થઈ રહ્યું છે. જોકે, આગામી સમયગાળામાં અફોર્ડેબલ ઈવી મોટાભાગના ખેલાડીઓ માટે મુખ્ય ચાલકબળ બની રહેશે. ઓગસ્ટમાં ટીવીએસ મોટર્સના વેચાણમાં સૌથી વધુ 40 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીના અફોર્ડેબલ આઈક્યૂબના 14,584 યુનિટ્સ વેચાણ સાથે 1.5 લાખ યુનિટ્સનું વેચાણ પાર થયું હતું. કંપનીનો બજાર હિસ્સો પણ અગાઉના મહિનના 19.6 ટકા પરથી ઉછળી 25 ટકા પર પહોંચ્યો હતો. માર્કેટ લીડર ઓલા ઈલેક્ટ્રીકનો હિસ્સો 10 ટકા ગગડી 17,389 યુનિટ્ પર જોવા મળ્યો હતો. આગામી સમયગાળામાં તહેવારોને જોતાં ઈવી ઉત્પાદકો ઉત્સાહમાં જોવા મળી રહ્યાં છે. તેમના મતે ઈવીનું વેચાણ ઊંચો વૃદ્ધિ દર જાળવી રાખશે. ઓક્ટોબર 2022માં વીડા સ્કૂટર સાથે બજારમાં પ્રવેશેલી હીરો મોટોકોર્પે ઓગસ્ટમાં 901 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે જુલાઈની સરખામણીમાં 9 ટકા ઘટાડો સૂચવે છે. વિવિધ કંપનીઓ તરફથી અફોર્ડેબલ રેંજના લોંચિંગ સાથે ઈવી માર્કેટ ધીમે-ધીમે મેચ્યોર બની રહ્યું છે એમ એક અન્ય કંપનીના અધિકારી જણાવે છે. આગામી સમયગાળામાં ઈવી સેગમેન્ટમાં સ્પર્ધા વધુ તીવ્ર બને તેવી શક્યતાં છે. ઈવી ઉત્પાદકો તરફથી ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા મળી શકે છે.

નવા નિયમોને કારણે કમર્સિયલ વેહીકલ્સના ભાવમાં 10-12 ટકા વૃદ્ધિની સંભાવના
ઈકરાના રિપોર્ટ મુજબ બહુવિધ ધારાધોરણોના અમલથી ભારતીય ઓટો ઉદ્યોગ વૈશ્વિક સ્તરનો બનશે

પ્રસ્તાવિત બહુવિધ રેગ્યુલેટરી સ્પેસિફિકેશન્સના અમલીકરણથી કમર્સિયલ વેહીકલના ભાવોમાં 10-12 ટકા વૃદ્ધિની સંભાવના હોવાનું રેટિંગ એજન્સી ઈકરાનું કહેવું છે. ભારતીય કમર્સિયલ વેહીકલ ઉદ્યોગ પર એક રિપોર્ટમાં ઈકરાએ જણાવ્યું છે કે સ્થાનિક ઓટોમોટીવ ઉદ્યોગ ઝડપી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં સરકાર તરફથી એમિશન નિયમો, સેફ્ટી સિસ્ટમ્સ અને અન્ય ધારા-ધોરણોના અમલીકરણ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે દેશને વિશ્વના અન્ય મોટા ઓટોમોટીવ માર્કેટ્સની સમકક્ષ લાવી દેશે.
રિપોર્ટમાં નોંધ્યા મુજબ ભારતીય ઓટોમોટીવ ઉદ્યોગમાં પણ કમર્સિયલ વેહીકલ સેક્ટર ફોકસમાં છે. કેમકે દેશમાં વાહનોને કારણે થતાં ઉત્સર્જનમાં તેનો હિસ્સો સૌથી ઊંચો છે. ડ્રાઈવરના કમ્ફર્ટ અને સેફ્ટી માટેના ધારાધોરણો ફરજિયાત બનાવવાથી ડ્રાઈવીંગ કંડિશનમાં અને રોડ સેફ્ટીમાં મોટાપાયે સુધારો થશે એમ રિપોર્ટનું કહેવું છે. ઈકરાના મતે તાજેતરના સમયગાળામાં બહુવિધ નિયમનકારી દરમિયાનગીરીઓ જોવા મળી છે. જેમાં ઉદ્યોગ ટૂંકાગાળામાં કડક એમિશન સ્ટાન્ડર્ડ્ઝ અપનાવી રહી છે. તેમજ તે એડવાન્સ્ડ બ્રેકિંગ સિસ્ટમ્સ(એબીએસ), સ્પીડ લિમિટીંગ ડિવાઈસિઝ(એસએલડી) અને કેબિન્સમાં બ્લોઅર્સ સહિતના ડ્રાઈવર સેફ્ટી અને કમ્ફર્ટ માટેના પગલાઓ પણ લઈ રહી છે. જોકે, આ બહુવિધ પ્રસ્તાવિત ફેરફારને કારણે વાહનોના સંભવિત ભાવોમાં 10-12 ટકા વૃદ્ધિની શક્યતાં ઈકરાને જણાઈ રહી છે. સરકાર તરફથી 1 જાન્યુઆરી, 2025થી ડ્રાઈવર કેબિન્સમાં ફરજિયાત એર-કંડીશ્નર્સ ફિટ કરાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય સ્ટાન્ડર્ડ્ઝ જેવાકે બ્લાઈન્ડ સ્પોટ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ, એડવાન્સ્ડ ઈમર્જન્સી બ્રેકિંગ સિસ્ટમ્સ, રોલ ઓવર પ્રોટેક્શન સિસ્ટમ્સ, ડ્રાઈવર એલર્ટ સિસ્ટમ્સ વગેરેને લાગુ પાડવાના પ્રસ્તાવોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાંક અન્ય નિયમોમાં ચોક્કસ સેગમેન્ટ્સ જેવાકે સ્કૂલ બસ અને ઈન્ટર-સિટી બસમાં 1 ઓક્ટોબર, 2023થી ફરજિયાત ફાયર ડિટેક્શન, અલાર્મ અને સપ્રેશન સિસ્ટમન્સના ફિટીંગનો પણ સમાવેશ થાય છે એમ ઈકરા નોંધે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદકે ઓગસ્ટમાં 5.23 કરોડ ટનનું કોલ ઉત્પાદન નોંધાવ્યું છે. જે ગયા ઓગસ્ટમાં જોવા મળતાં 4.62 કરોડ ટનના કોલ ઉત્પાદન સામે 13.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપની ખાતેથી કોલનો ઉપાડ પણ વાર્ષિક 15.3 ટકા વૃદ્ધિ સાથે 5.9 કરોડ ટન પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 5.12 કરોડ ટન પર હતો.
ઈન્ડિગોઃ એરલાઈન કંપનીના બોર્ડે એરબસ પાસેથી 10 વધુ A320નીઓ વિમાન ખરીદવા માટે મંજૂરી આપી છે. કંપનીએ 2019માં કરેલા વિમાન માટેના ઓર્ડરમાં સુધારો કર્યો છે. અગાઉ 2019માં તેણે 300 A320નીઓ વિમાનોની ખરીદી માટે ઓર્ડર આપ્યો હતો. જે 2030 સુધીમાં ડિલિવર થવાનો હતો. જેને સુધારીને કંપનીના બોર્ડે સોમવારે 310 વિમાનોનો કર્યો હતો.
ITC: એફએમસીજી કંપનીએ ફૂડ મેન્યૂફેક્ચરિંગ અને પેકેજીંગ પ્લાન્ટ્સમાં રૂ. 1500 કરોડના રોકાણનો નિર્ણય લીધો છે. કંપની મધ્ય પ્રદેશમાં 57 એકર્સ જમીનમાં બે પ્રોજેક્ટ્સ સ્થાપશે. જે એગ્રીકલ્ચર અને મેન્યૂફેક્ચરિંગને વેગ આપશે. ફૂડ પ્લાન્ટમાં કંપની આટા, બિસ્કીટ્સ, નૂડલ્સ સહિતની એફએમસીજી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે.
તાતા સ્ટીલઃ પ્રાઈવેટ સ્ટીલ ઉત્પાદક યૂકે સરકાર તરફથી 50 કરોડ પાઉન્ડ મેળવવાની નજીક છે. કંપની તેના સાઉથ વેલ્સ સ્થિત પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટના ભવિષ્યની સુરક્ષા માટે સરકાર સમર્થિત ફંડ મેળવશે. કંપની સરકાર સાથે ગ્રીન ટ્રાન્ઝિશન સહિતના મુદ્દે લાંબા સમયથી ચર્ચા-વિચારણા કરી રહી છે.
એનએમડીસીઃ પીએસયૂ માઈનીંગ કંપનીએ ઓગસ્ટ મહિનામાં 34.1 લાખ ટનનું ઉત્પાદન નોંધાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 24.8 લાખ ટન ઉત્પાદનની સરખામણીમાં 37.5 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનું વેચાણ ગયા વર્ષે ઓગસ્ટમાં 28.3 લાખ ટન સામે 25 ટકા વૃદ્ધિ સાથે 35.4 લાખ ટન પર જોવા મળ્યું હતું.
હિંદાલ્કોઃ આદિત્ય બિરલા જૂથની કંપનીએ સેવન રિન્યૂએબલ પાવર પ્રાઈવેટ લિમિટેડ સાથે કંપનીમાં 26 ટકા હિસ્સાની ખરીદી માટે શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage