Market Summary 05/10/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

બોન્ડ યિલ્ડ્સ ઓસરતાં શેરબજારોને રાહત
નિફ્ટી 19500 પર પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 10.94ના સ્તરે
આઈટી, ઓટો, બેંકિંગમાં મજબૂતી
મેટલ, ફાર્મા, એફએમસીજીમાં નરમાઈ
સુઝલોન, ઝોમેટો, ગોદરેજ ઈન્ડ. નવી ટોચે
નવીન ફ્લોરિન, અદાણી ટોટલ નવા તળિયે

યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં ઘટાડા પાછળ શેરબજારોને રાહત મળી હતી. જેની પાછળ સ્થાનિક બજારે સતત બે સત્રની નરમાઈ પછી પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 406 પોઈન્ટ્સ મજબૂતી સાથે 65632ની સપાટીએ જ્યારે નિફ્ટી 110 પોઈન્ટ્સ ઉછળી 19546ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી પરત ફરતાં બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3785 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2278 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1384 નેગેટિવ જોવા મળ્યાં હતાં. 226 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 26 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતુ. 18 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ગગડી 10.94ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે એશિયન બજારોમાં સાર્વત્રિક મજબૂતી વચ્ચે ભારતીય બજારે કામગીરીની શરૂઆત પોઝીટીવ દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19436ના બંધ ભાવ સામે 19522ની સપાટીએ ખૂલી ઉપરમાં 19577 પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 19 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 42 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. જે બાબત માર્કેટમાં લોંગ પોઝીશન ઊંચા મથાળે લિક્વિડ થઈ રહ્યાંનો સંકેત છે. આમ, નવી ખરીદીમાં સાવધાની રાખવી જરૂરી છે. જોકે, 19400ના સ્ટોપલોસ સાથે જૂની લોંગ પોઝીશન જાળવી શકાય છે. વૈશ્વિક બજારોમાં કોઈપણ પોઝીટીવ ટ્રિગર નિફ્ટીમાં 200-300 પોઈન્ટ્સનો ઝડપી ઉછાળો લાવી શકે છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટક કાઉન્ટર્સમાં લાર્સન, બજાજ ઓટો, ટાઈટન કંપની, ટીસીએસ, ઈન્ફોસિસ, આઈશર મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઈન્ટ્સ, એમએન્ડએમ, એસબીઆઈ, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, બીપીસીએલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ પાવર ગ્રીડ કોર્પોરેશન, હિંદાલ્કો, એનટીપીસી, સિપ્લા, સન ફાર્મા, એચસીએલ ટેક્નોલોજી, ઓએનજીસી, ગ્રાસિમમાં નરમાઈ જોવા મળી હતી.
જો સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો આઈટી, ઓટો, બેંકિંગમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મેટલ, ફાર્મા, એફએમસીજીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી, એમ્ફેસિસ, ટીસીએસ, કોફોર્જ, ઈન્ફોસિસ, પર્સિસ્ટન્ટ અને એલટીઆઈમાઈન્ડટ્રીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો 0.85 ટકા સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો, આઈશર મોટર્સ, એમએન્ડએમ, બોશ, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, ભારત ફોર્જ સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી મિડીયા ઈન્ડેક્સ 1.6 ટકા ઉછળ્યો હતો. જેના કાઉન્ટર્સમાં નેટવર્ક 18, સન ટીવી નેટવર્ક, ટીવી18 બ્રોડકાસ્ટમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી બેંક 0.6 ટકા સુધારો સૂચવતો હતો. જેના કાઉન્ટર્સમાં એયૂ સ્મોલ ફાઈ., આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક, કોટક બેંક અને એચડીએફસી બેંક પોઝીટીવ જોવા મળ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો બિરલાસોફ્ટ, સન ટીવી નેટવર્ક, ઈન્ટરગ્લોબ એવિએશન, ઈન્ફો એજ, મેક્સ ફાઈનાન્સિયલ, આઈઈએક્સ, ઈન્ડિયન હોટેલ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, મેરિકો, નવીન ફ્લોરિન, પીએનબી, આરબીએલ બેંક, ઓબેરોય રિઅલ્ટી, વોડાફોન આઈડિયા, દાલમિયા ભારત, ઈન્ડુસ ટાવર્સ, ગ્લેનમાર્ક, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, ગોદરેજ કન્ઝ્યૂમર, પોલીકેબમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક અને સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં સુઝલોન, ઝોમેટો, ગોદરેજ ઈન્ડ., ઝોમેટો, સન ટીવી નેટવર્ક, પીસીબીએલ, શેલે હોટેલ્સ, લાર્સન, કોરોમંડલમ ઈન્ટરનેશનલનો સમાવેશ થતો હતો. જ્યારે નવીન ફ્લોરિન, અદાણી ટોટલે નવા તળિયા દર્શાવ્યાં હતાં.

ત્રણમાંથી એક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર રજિસ્ટ્રેશન નથી ધરાવતોઃ સેબી
દેશમાં 10 લાખ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સંભાવના હોવાનો સેબીનો અંદાજ

દેશમાં ત્રણ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સમાંથી એકથી વધુ સેબીમાં નોંધણી ધરાવતો નહિ હોવાનું સેબી ચેરમેન માધવી પુરી બૂચે જણાવ્યું છે. આ એડવાઈઝર્સ ઈક્વિટી અને ડેટ ટ્રાન્ઝેક્શન્સને લઈ નાના રોકાણકારોને સલાહ પૂરી પાડી રહ્યાં છે. રોકાણકારોનો મોટો વર્ગ આ કામગીરી સેબી પાસે રજિસ્ટ્રેશન વિના જ કરી રહ્યો છે.
મુંબઈ ખાતે બુધવારે યોજાયેલી એક ઈવેન્ટમાં બોલતાં સેબી ચેરમેને જણાવ્યું હતું કે હજુ પણ 35 ટકા એડવાઈઝર્સ રજિસ્ટર્ડ નથી. તેમણે ઉમેર્યું હતું કે રોકાણકારોને રિસર્ચ અને એડવાઈઝ પૂરી પાડી રહેલા અનેક લોકોએ તેમને પોતાને નોંધણી કરાવવાની પાયાના નિયમનું પાલન નહિ કરવાનું ટાળ્યું છે અને તેથી રેગ્યુલેટર પાવરલેસ છે. ભારતીય માર્કેટ રેગ્યુલેટરના પ્રથમ મહિલા ચેરમેન બુચ તરફથી આ પ્રકારની ટિપ્પણી કરવાનું કારણ દેશમાં ઝડપથી વિકસી રહેલો ઈક્વિટી કલ્ટ છે. દેશમાં રિટેલ ઈન્વેસ્ટર્સ બેઝમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે અને શેરબજારમાં તેમનું પાર્ટિસિપેશન વધી રહ્યું છે. ભારતીય શેરબજારે સતત ત્રીજા વર્ષે તેના એશિયાઈ હરિફોને દેખાવમાં પાછળ રાખી દીધું છે. બૂચે જણાવ્યં હતું કે અમને સારા માણસોની જરૂર છે. જેઓ બજારમાં થઈ રહેલી ગેરરિતીઓ અંગે અમને જણાવે. ભારત દસ લાખ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ માટેની સંભાવના ધરાવે છે પરંતુ ઉદ્યોગ વર્તુળોએ રેગ્યુલેટર્સને તેમના પ્રતિભાવ અને સૂચનો પૂરા પાડવાની જરૂર છે એમ બૂચે ઉમેર્યું હતું.
સેબીએ ડઝન જેટલાં રેગ્યુલેશન્સને સરળ બનાવવા અને તેમના પાલન માટેના ખર્ચમાં ઘટાડો કરવા માટે સૂચનો મંગાવ્યા છે. આમાંના કેટલાંક નિયમો મ્યુચ્યુલ ફંડ્સ, પોર્ટફોલિયો મેનેજર્સ, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ સંબંધી છે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતને આધારે સેબીએ વિવિધ સેબી નિયમોના સરળીકરણ માટે વર્કિંગ ગ્રૂપ્સ રચ્યાં છે. હાલમાં સેબીની સ્ટેન્ડિંગ એડવાઈઝરી કમિટી હેઠળ 16 જેટલા વર્કિંગ ગ્રૂપ્સ બનાવાયા છે. જેઓ કોમ્પ્લાયન્સ માટેની જરૂરિયાતોની સમીક્ષા કરી રહ્યાં છે. રેગ્યુલેટરે આગામી 6 નવેમ્બર સુધીમાં તમામ ભાગીદારોને સૂચનો પહોંચાડવા જણાવ્યું છે.

ક્રિકેટ વર્લ્ડ કપથી ભારતીય અર્થતંત્રને 2.4 અબજ ડોલરનો લાભ થઈ શકે
બેંક ઓફ બરોડાના રિપોર્ટ મુજબ સ્થાનિક ઉપરાંત વિશ્વભરમાંથી અનેક મુલાકાતીઓ દેશમાં આવશે
વિશ્વ કપ અને તહેવારોની સિઝન સાથે હોવાથી રિટેલ સેક્ટરને પણ નોંધપાત્ર લાભ થશે
ગુરુવારથી શરૂ થયેલા ક્રિકેટ વિશ્વ કપને કારણે ભારતીય અર્થતંત્રને રૂ. 20 હજાર કરોડ(2.4 અબજ ડોલર)નો લાભ થઈ શકે છે એમ બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રીઓનો અંદાજ જણાવે છે. ગુરુવારે શરૂ થયેલી ચાર-વર્ષીય ટુર્નામેન્ટ નવેમ્બરના મધ્ય સુધી ચાલશે. જે દરમિયાન સ્થાનિક સ્તરેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની પણ મોટી સંખ્યા જોવા મળશે. દેશના જે 10 શહેરોમાં ક્રિકેટ મેચો રમાશે તેમને આ પ્રવાસીઓને કારણે લાભ થશે. તેમજ હોસ્પિટાલિટી સેક્ટર્સને મોટો લાભ મળશે એમ બેંકના અર્થશાસ્ત્રીઓ જ્હાનવી પ્રભાકર અને અદિતી ગુપ્તાએ તેમની નોંધમાં જણાવ્યું છે.
ભારત 2011 પછી પ્રથમવાર આ ઈવેન્ટ યોજી રહ્યું છે. મહત્વની વાત એ છે કે ચાલુ વર્ષે વિશ્વ કપ ક્રિકેટ સાથે તહેવારોની સિઝન પણ શરૂ થઈ રહી છે. જેને કારણે એક સેન્ટીમેન્ટલ પર્ચેઝ જોવા મળશે. જે રિટેલ સેક્ટર માટે લાભદાયી બની રહેશે એમ તેઓ ઉમેરે છે. અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ ટેલિવિઝન અને સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ્સ પર કુલ વ્યૂઅરશીપ 2019માં જોવા મળેલી 55.2 કરોડ કરતાં ઘણી ઊંચી હશે. જે કન્ઝર્વેટીવ બેસીસ પર પણ ટીવી રાઈટ્સ અને સ્પોન્સરશીપ રેવન્યૂ પેટે રૂ. 10,500 કરોડથી રૂ 12000 કરોડની આવક ઊભી કરશે.
જોકે, ક્રિકેટ વિશ્વ કપને કારણે કેટલાંક ક્ષેત્રોમાં મોંઘવારી પણ જોવા મળશે. જેમકે એરલાઈન ટિકિટ્સ, હોટેલના ભાડાંમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. ઉપરાંત મેચ રમાવાની છે તેવા 10 શહેરોમાં અનૌપચારિક ક્ષેત્રોમાં સર્વિસ ચાર્જિસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી શકે છે. સમગ્રતયા ઈન્ફ્લેશનમાં આના કારણે ઓક્ટોબર અને નવેમ્બરમાં 0.15 ટકાથી 0.25 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે એમ તેઓ ઉમેરે છે. આ ટુર્નામેન્ટને કારણે સરકારની ટેક્સની આવકમાં વૃદ્ધિ થશે. તેને ટિકિટના વેચાણ પર ટેક્સનો લાભ મળશે. ઉપરાંત હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ ડિલિવરી પર જીએસટીનો લાભ મળશે. જે સરકારને એક વધારાની આવક પૂરી પાડશે એમ અર્થશાસ્ત્રીઓ ઉમેરે છે.

દેશમાં પાંચ કમર્સિયલ બેંક પાસે ડિપોઝીટ્સનો 50 ટકા હિસ્સો
ટોચની 10 બેંક્સ પાસે કુલ ડિપોઝીટ્સના 75 ટકા હિસ્સો રહેલો છે
ડિપોઝીટ્સની રીતે ટોચની 10 બેંક્સમાં સાત સરકારી બેંકનો સમાવેશ
ડિપોઝીટનારૂ. 100માં રૂ. 62 સરકારી બેંક્સ પાસે જ્યારે રૂ. 32 પ્રાઈવેટ બેંક્સ ધરાવે છે.

દેશમાં ટોચની પાંચ કમર્સિયલ બેંક્સ કુલ બેંક ડિપોઝીટ્સનો 50 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે ટોચની 10 બેંક્સ પાસે કુલ ડિપોઝીટ્સના 75 ટકા હિસ્સો જોવા મળે છે. ટોચની 10 બેંક્સમાં સાત સરકારી બેંક્સ છે.
બેંકબાઝારે હાથ ધરેલા એક રિસર્ચ મુજબ ભારતમાં વાણિજ્યિક બેંકમાં ડિપોઝીટ કરવામાં આવેલા દરેક રૂ. 100માં રૂ. 62 જેટલો હિસ્સો સરકારી બેંક્સ પાસે રહેલો છે. જ્યારે રૂ. 32 જેટલો હિસ્સો પ્રાઈવેટ બેંક્સ ધરાવે છે. જ્યારે માત્ર રૂ. 5 જેટલો હિસ્સો વિદેશી બેંક્સ પાસે જોવા મળે છે. જ્યારે રૂ. 1 જેટલો નાનો હિસ્સો સ્મોલ ફાઈનાન્સ બેંક્સ અને પેમેન્ટ બેંક્સ પાસે રહેલો છે.
મોટી વાણિજ્યિક બેંક્સની સરખામણીમાં સ્મોલ ફાઈનાન્સ બેંક્સ તરફથી ઊંચા વ્યાજ દરો ઓફર થઈ રહ્યાં હોવા છતાં તેઓ બેંક્સમાં કુલ સેવિંગ્ઝનો 0.8 ટકા હિસ્સો જ ધરાવે છે. આ માટેનું કારણ નાણાની સુરક્ષા સંબંધી ડર હોય શકે છે. દેશમાં હજુ પણ સ્મોલ ફાઈનાન્સ બેંક્સ પ્રમાણમાં નવી બેંક્સ છે. જેમની ઓળખ બેંકિંગ ગ્રાહકો સૂધી પૂરતા પ્રમાણમાં પહોંચી નથી. જોકે, સ્મોલ ફાઈનાન્સ બેંક્સ પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું રેગ્યુલેશન ધરાવે છે. તેમજ તેઓ પીએસયૂ તથા પ્રાઈવેટ બેંક્સની માફક જ શેડ્યૂલ્ડ બેંક્સની કેટેગરીમાં આવે છે. એસએફબીમાં રહેલી ડિપોઝીટ્સ પણ ડિપોઝીટ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામ હેઠળ રૂ. 5 લાખ સુધીનો વીમા ધરાવે છે. જોકે, તેમાં મુદલ અને વ્યાજની રકમ, બંનેનો સમાવેશ થાય છે.
દેશમાં સૌથી પસંદગીની બેંક તરીકે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આવે છે. દેશમાં કુલ કમર્સિયલ બેંક્સ ડિપોઝીટનો તે 24 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જ્યારે બીજા ક્રમે પ્રાઈવેટ સેક્ટરની એચડીએફસી બેંક આવે છે. જેની પાસે કુલ ડિપોઝીટ્સનો 9 ટકા હિસ્સો રહેલો છે. ભારતીયો વિવિધ કારણસર સરકારી બેંક્સ પસંદગી ઉતારી રહ્યાં છે. જેમાં પ્રથમ કારણ જાહેર ક્ષેત્રની બેંક્સનું વિશાળ નેટવર્ક છે. ભારતમાં કુલ 19000થી વધુ પિન કોડ્સ છે. આરબીઆઈના તાજા રિપોર્ટ મુજબ 12 પીએસયૂ બેંક્સ તેમની શાખાઓ સહિત 65 હજાર ઓફિસિસ ધરાવે છે. જે પ્રતિ પિન કોડ કરતાં ઊંચો આંકડો છે. જેની સરખામણીમાં 21 પ્રાઈવેટ સેક્ટર બેંક્સ 42 હજાર ઓફિસિસ ધરાવે છે. રાષ્ટ્રીયકૃત બેંક્સની શહેરી વિસ્તારોની બહાર વ્યાપક હાજરી તેમને અન્યોની સરખામણીમાં વ્યાપક આધાર પૂરો પાડે છે. જેને કારણે લોકો સેવિંગ્ઝ એકાઉન્ટ ખોલાવવા માટે પીએસયૂ બેંક્સને પસંદ કરે છે. તેમજ અન્ય બેંકિંગ સેવાઓ જેવીકે લોન લેવી કે ઈન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ માટે તેમનો ઉપયોગ કરે છે. ઉપરાંત નેશનલાઈઝ્ડ બેંક્સ પ્રાઈવેટ બેંક્સ કરતાં ઘણી જૂની છે અને તેથી ગ્રાહકો સાથે મજબૂત સંબંધ ધરાવે છે. દેશમાં પ્રાઈવેટ બેંક્સને 1990ના મધ્યાંતરમાં મંજૂરી મળવાની શરૂ થઈ હતી. જોકે, તેમણે પીએસયૂ બેંક્સની સરખામણીમાં ઝડપી વૃદ્ધિ દર્શાવી છે અને હાલમાં પણ તેઓ પીએસયૂ બેંક્સ પાસેથી હિસ્સો છીનવી રહી છે. તેઓ ડિજિટાઈઝેશન અને હાઈ-ક્વોલિટી કસ્ટમર સર્વિસની બાબતમાં પીએસયૂ બેંક્સ કરતાં આગળ છે.
દેશમાં ડિપોઝીટ્સ બાબતમાં ટોચની સાત બેંક્સ
બેંકનું નામ કુલ ડિપોઝીટ્સની ટકાવારી ડિપોઝીટ્સની રકમ(રૂ. લાખ કરોડમાં)
એસબીઆઈ 23.58 રૂ. 40.5
એચડીએફસી બેંક 9.07 રૂ. 15.6
પંજાબ નેશનલ બેંક 6.67 રૂ. 11.5
કેનેરા બેંક 6.32 રૂ. 10.9
આઈસીઆઈસીઆઈ બેંક 6.20 રૂ. 10.6
બેંક ઓફ બરોડા 6.09 રૂ. 10.5
એક્સિસ બેંક 4.78 રૂ. 8.2

તાતા જૂથની તાતા પ્લેના હિસ્સા માટે ટેમાસેક સાથે વાતચીત

તાતા જૂથ તેના એન્ટરટેઈનમેન્ટ કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ તાતા પ્લેના હિસ્સાના બાય બેક માટે તેમાસેક હોલ્ડિંગ્સ સાથે આખરી તબક્કાની વાતચીત ચલાવી રહ્યું હોવાનું વર્તુળો જણાવે છે. તેમના મતે તાતા જૂથ 1 અબજ ડોલરમાં આ હિસ્સો પરત ખરીદવા ઈચ્છે છે.
ભારતીય કોંગ્લોમેરટ અને સિંગાપુર સરકારી ઈન્વેસ્ટમેન્ટ કંપની તાતા પ્લે લિમિટેડના લગભગ 20 ટકા હિસ્સાને લઈને લગભગ આખરી તબક્કાની મંત્રણામાં પહોંચ્યો છે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળોનુ કહેવું છે. તાતા પ્લેમાં હિસ્સો પરત ખરીદવાનું કારણ તાતા જૂથની પ્લેટફોર્મ પર પોતાની પકડ મજબૂત કરવાનું છે. હાલમાં જૂથના તાતા ઓપોર્ચ્યુનિટિસ ફંડ પાસે કંપનીનો હિસ્સો રહેલો છે એમ વર્તુળો જણાવે છે. ચર્ચા-વિચારણા ચાલી રહી છે. જોકે તેમાસેક અને તાતા પ્લે આ ડીલમાં આગળ વધશે તેને લઈ કોઈ નિશ્ચિતતા નથી એમ પણ તેમનું કહેવું છે. તાતા જૂથના પ્રતિનિધિ તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી. જ્યારે ટેમાસેકના પ્રવક્તાએ કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. અગાઉ જુલાઈમાં પણ તાતા જૂથ કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મમાં 20 ટકા હિસ્સા માટે ટેમાસેકને બાય બેક ઓફર કરવા વિચારી રહ્યું હોવાના અહેવાલ હતાં. સેબી તરફથી મંજૂરી મળી ગઈ હોવા છતાં કોંગ્લોમેરટ તાતા પ્લે માટે સંભવિત આઈપીઓને પાછો ઠેલી રહ્યો છે એમ જાણકારો જણાવે છે. તાતા પ્લે એ તાતા જૂથ અને વોલ્ટ ડિઝનીની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચૂકી ફોક્સ ઈન્ક. વચ્ચેનું સંયુક્ત સાહસ છે. જેમાં તાતા પ્લે સેટ-ટોપ બોક્સ મારફતે ટેલિવિઝન પૂરું પાડે છે. તેમજ તેની એપ મારફતે ઓવર-ધ-ટોપ વિડિયો સ્ટ્રીમીંગ પૂરું પાડે છે. કંપની ભારતભરમાં 2.3 કરોડ જોડાણ સાથે મજબૂત હાજરી ધરાવે છે.

એપ્રિલથી સપ્ટે.માં QIP ઈસ્યુમાં પાંચ ગણી વૃદ્ધિ નોંધાઈ
ગયા નાણા વર્ષે પ્રથમ છ મહિનામાં રૂ. 4022 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં QIP મારફતે રૂ. 18,443 કરોડ એકત્ર કરાયાં

ભારતીય કોર્પોરેટ કંપનીઓ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્ન્લ પ્લેસમેન્ટ(QIP) મારફતે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં જંગી રકમ એકત્ર કરી છે. પ્રાઈમ ડેટાબેઝના ડેટા મુજબ ચાલુ નાણા વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં ક્યૂઆઈપી ઈસ્યુ મારફતે કોર્પોરેટ જગતે રૂ. 18,443 કરોડ ઊભા કર્યાં છે. જે રકમ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. રૂ. 4022 કરોડ પર હતી.
ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરમાં સૌથી મોટો ક્યૂઆઈપી ઈસ્યુ પીએસૂય બેંક યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ કર્યો હતો. કંપનીએ બજારમાંથી રૂ. 5000 કરોડ ઊભા કર્યાં હતાં. જોકે, ક્યૂઆઈપી મારફતે ફંડ ઊભૂં કરવામાં ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને પાવર જનરેશન કંપનીઓ ટોચ પર જોવા મળી હતી. તેમણે ક્યૂઆઈપી મારફતે ઊભી કરવામાં આવેલી રકમનો 70 ટકા હિસ્સો(રૂ. 12,890 કરોડ) મેળવ્યાં હતાં. આ ઉપરાંત બ્રૂકફિલ્ડ ઈન્ડિયા રિઅલ એસ્ટેટ ટ્રસ્ટે રૂ. 2305 કરોડનો ક્યૂઆઈપી કર્યો હતો. નાણા વર્ષના પ્રથમ છ મહિનામાં ઈક્વિટી ઈસ્યુ મારફતે કુલ રૂ. 73,747 કરોડ ઊભા કરવામાં આવ્યાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળામાં 69 ટકા પર હતાં. જેમાં ફ્રેશ કેપિટલ મારફતે રૂ. 41,485 કરોડ મેળવાયા હતાં. જે 56 ટકા જેટલી રકમ સૂચવે છે. ગયા વર્ષે ફ્રેશ ઈક્વિટી મારફતે 35 ટકા રકમ ઊભી કરવામાં આવી હતી. આમ, ચાલુ વર્ષે કેપિટલ ફોર્મેશન ઊંચું જોવા મળી રહ્યું છે. આઈપીઓ મારફતે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં રૂ. 29032 કરોડ મેળવવામાં આવ્યાં હતાં. જેમાંથી રૂ. 12,979 કરોડ ફ્રેશ ઈક્વિટી મારફતે મેળવવામાં આવ્યાં હતાં.

પ્રિમીયમ ઘરોનું વેચાણ પ્રથમવાર એફોર્ડેબલ ઘરોના વેચાણથી આગળ નીકળી ગયું
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રિમીયમ હોમ્સના કુલ વેચાણમાં 36 ટકા હિસ્સા સાથે વાર્ષિક 12 ટકા વૃદ્ધિ નોંધાઈ

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશમાં પ્રથમવાર અફોર્ડેબલ હોમની સરખામણીમાં પ્રિમીયમ હોમ્સનું વેચાણ ઊંચું જોવા મળ્યું છે. એક રિપોર્ટ મુજબ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન રૂ. 1 કરોડથી વધુનું મૂલ્ય ધરાવતાં પ્રિમીયમ હોમ્સનું વેચાણે રૂ. 50 લાખની નીચે ગણાતાં અફોર્ડેબલ હોમ્સને પાછળ રાખી દીધું હતું. સપ્ટેમ્બરમાં ભારતમાં કુલ 82,612 હોમ યુનિટ્સનું વેચાણ થયું હતું. જે વાર્ષિક ધોરણે 12 ટકા વૃદ્ધિ સૂચવતું હતું. ગયા વર્ષે સમાનગાળામાં 73,691 યુનિટ્સનું વેચાણ નોંધાયું હતું.
રિપોર્ટ મુજબ રૂ. 50 લાખથી રૂ. 1 કરોડનું મૂલ્ય ધરાવતાં ઘરોનું સૌથી ઊંચું વેચાણ જોવા મળ્યું હતું. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 29,827 યુનિટ્સ વેચાણ સાથે તેઓ 36 ટકા બજાર હિસ્સો સૂચવતાં હતાં. વાર્ષિક ધોરણે પ્રિમીયમ યુનિટ્સના વેચાણમાં 14 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. પ્રિમીયમ કેટેગરીના વેચાણમાં 6879 યુનિટ્સ સાથે બેંગલૂરું પ્રથમ હતું. જ્યારે બીજા ક્રમે 6086 યુનિટ્સ સાથે પૂણે જોવા મળતું હતું. જ્યારે 5360 યુનિટ્સ સાથે મુંબઈ ત્રીજા ક્રમે હતું. આ ત્રણેય શહેરોએ પ્રિમીયમ કેટેગરીના વેચાણનો 60 ટકા હિસ્સો દર્શાવ્યો હતો. ત્રિમાસિક ધોરણે રૂ. 1 કરોડથી વધુનું મૂલ્ય ધરાવતાં પ્રિમીયમ ઘરોના વેચાણમાં 39 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 35 ટકા હિસ્સા સાથે 28,642 યુનિટ્સ પર નોંધાયું હતું. જે જૂન ક્વાર્ટરમાં 20,501 યુનિટ્સ પર જોવા મળતું હતું. પ્રદેશવાર જોઈએ તો નેશનલ કેપિટલ રિજિઅન(એનસીઆર)એ આ કેટેગરીમાં સૌથી ઊંચું વેચાણ દર્શાવ્યું હતું. આનાથી ઊલટું રૂ. 50 લાખથી નીચેનું મૂલ્ય ધરાવતાં અફોર્ડેબલ મકાનોનું વેચાણ 9930 યુનિટ્સ પર રહ્યું હતું. વાર્ષિક ધોરણે અફોર્ડેબલ સેગમેન્ટનો માર્કેટ હિસ્સો 36 ટકા પરથી ઘટી 29 ટકા પર જોવા મળ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં 10,198 યુનિટ્સ અફોર્ડેબલ હોમ્સનું વેચાણ નોંધાયું હતું.

ઓગસ્ટમાં વૈશ્વિક સ્ટીલ ઉત્પાદનમાં 2.2 ટકા વૃદ્ધિ
વૈશ્વિક સ્તરે સ્ટીલ ઉત્પાદનમાં ઓગસ્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં 14.95 કરોડ ટન સામે ચાલુ વર્ષે સમાનગાળામાં સ્ટીલ ઉત્પાદન 15.26 કરોડ ટન પર નોંધાયું હતું. જાન્યુઆરીથી ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઉત્પાદન 125.64 કરોડ ટન પર રહ્યું હતું. જે વાર્ષિક ધોરણે 0.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના ડેટા મુજબ ઓગસ્ટમાં ચીનનું ઉત્પાદન 3.2 ટકા વધી 8.64 કરોડ ટને જોવા મળ્યું હતું. જ્યારે ભારતમાં ઉત્પાદન વાર્ષિક ધોરણે 17.4 ટકા વધી 1.19 કરોડ ટને નોંધાયું હતું. જાન્યુઆરીથી ઓગસ્ટમાં ભારતમાં સ્ટીલ ઉત્પાદન 10.5 ટકા વૃદ્ધિ સાથે 9.22 કરોડ ટન પર જ્યારે ચીનમાં સમાનગાળામાં 2.6 ટકા વૃદ્ધિ સાથે 71.29 કરોડ ટન પર જોવા મળ્યું હતું.

હેડલબર્ગ સિમેન્ટને ખરીદવા અલ્ટ્રાટેક-અદાણી જૂથ સ્પર્ધામાં ઉતરે તેવી શક્યતાં
જર્મન પેરન્ટ હેડલબર્ગ મટિરિયલ્સ તેની ભારતીય કંપનીને વેચવાના પ્રયાસ કરી રહી છે

દેશમાં સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક અલ્ટ્રાટેક સિમેન્ટ અને બીજા ક્રમના સિમેન્ટ ઉત્પાદક અદાણી જૂથ હેડલબર્ગ સિમેન્ટની ખરીદી માટેની સ્પર્ધામાં જોડાય તેવી શક્યતાં વર્તુળો જણાવી રહ્યાં છે. અગાઉ પાર્થ જિંદાલની આગેવાની હેઠળની જિંદાલ સિમેન્ટે હેડલબર્ગની ખરીદી માટે ઈરાદો જાહેર કર્યો છે. જર્મન પેરન્ટ હેડલબર્ગ મટિરિયલ્સે તેની ભારતીય કંપનીને વેચવા કાઢી છે.
હેડલબર્ગ સિમેન્ટ દેશના વિવિધ રાજ્યોમાં ઉત્પાદન સુવિધા ધરાવે છે. જેની કુલ ક્ષમતા 1.34 કરોડ ટન જેટલી છે. તે મધ્ય પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, સોલાપુર, તમિલનાડુ અને કેરળમાં ડાયવર્સિફાઈડ હાજરી ધરાવે છે. જેએસડબલ્યુ સિમેન્ટે વૈશ્વિક બિલ્ડીંગ મટિરિયલ્સ કંપની હેડલબર્ગની ભારતીય કંપની માટે મંત્રણા શરૂ કરી છે છતાં હેડલબર્ગની ઈન્ડિયા એક્ઝિટ સ્ટ્રેટેજી સંપૂર્ણકક્ષાની બિડીંગ પ્રોસેસ ધરાવતી હશે એમ વર્તુળોનું કહેવું છે. આ ઉપરાંત હેડલબર્ગની ભારતીય પેટાકંપની શેરબજારમાં લિસ્ટીંગ ધરાવે છે અને તેથી તેણે માર્કેટ રેગ્યુલેટર સેબીએ નિર્ધારિત કરેલી પ્રક્રિયાને અનુસરવું અનિવાર્ય બની જાય છે. વિદેશી માલિકી ધરાવતી સિમેન્ટ કંપનીઓ ભારતમાં કામગીરી કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. તેમજ તેમને ડિકાર્બનાઈઝેશન પ્રોજેક્ટ્સ પાછળ મોટી રકમ ખર્ચ કરવી પડી શકે તેમ છે. આ સ્થિતિમાં તેઓ ભારતમાંથી એક્ઝિટ લેવાનું પસંદ કરી રહી છે. બીજી બાજુ, સ્થાનિક ટોચના પ્લેયર્સ તેમનો બજાર હિસ્સો વધારવા માટે એક્વિઝિશન કરી રહ્યાં છે. જે સિમેન્ટ ઉદ્યોગ ક્ષેત્રે કોન્સોલિડેશનને વેગ આપી રહ્યું છે. કુમાર મંગલમ બિરલા જૂથની અલ્ટ્રાટેક તેની વર્તમાન ક્ષમતાને 13.8 કરોડ ટન પરથી વધારી 20 ટન લઈ જવા માટેનું આયોજન કરી રહી છે. બીજી બાજુ, ગૌતમ અદાણીની આગેવાની હેઠળ અદાણી જૂથ પણ એક્વિઝીશનમાં આગળ વધી રહ્યું છે. ગયા વર્ષે સ્વિસ કંપની હોલ્સિમ પાસેથી અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની ખરીદી પછી તાજેતરમાં અંબુજા સિમેન્ટે સાંઘી સિમેન્ટની ખરીદીની જાહેરાત કરી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

લાર્સન એન્ડ ટુબ્રોઃ ઈપીસી કંપનીની ઓર્ડરબુકમાં ઝડપી વૃધ્ધિ જોવા મળી રહી છે. કંપનીએ વિવિધ બિઝનેસ યુનિટ્સ હેઠળ નવા ઓર્ડર્સ મેળવ્યાંનું જણાવ્યું છે. જેમાં તેના બિલ્ડીંગ્સ એન્ડ ફેક્ટરિઝ બિઝનેસે કેટલાંક મોટા પ્રોજેક્ટ્સ મેળવ્યાં છે. જેમાં બેંગલૂરૂ ખાતે રેસિડેન્શિયલ ટાઉનશીપ બાંધવાનો પ્રોજેક્ટ સમાવિષ્ટ છે. કંપનીએ હૈદરાબાદ ખાતે કમર્સિયલ ટાવર્સ બાંધવા માટે પણ મોટો ઓર્ડર મેળવ્યો છે.
ટીસીએસઃ ટોચની આઈટી સર્વિસિઝ કંપનીએ બ્રિટીશ રિટેલ જાયન્ટ એસ્ડા પાસેથી બહુવર્ષીય ભાગીદારીમાં પ્રવેશ કર્યો છે. આ ભાગીદારી રિટેલરની આઈટી સિસ્ટમ્સના ટ્રાન્સફોર્મેશન માટેની છે. જેમાં ટીસીએસ એઆઈ અને ડેટાનો ઉપયોગ કરી ઈનોવેટિવ ટેક્નોલોજી સોલ્યુશન્સ પૂરા પાડશે.
બજાજ ફાઈનાન્સઃ દેશમાં સૌથી મોટી એનબીએફસી ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ પ્લેસમેન્ટ્સ તથા પ્રેફરન્શિયલ ઈસ્યુ મારફતે રૂ. 10 હજાર કરોડ ઊભા કરશે. આમાં રૂ. 8800 કરોડ ક્યૂઆઈપી મારફતે જ્યારે રૂ. 1200 કરોડ પ્રેફરન્શિયલ શેર્સ મારફતે મેળવાશે. કંપની આ માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગમાં મંજૂરી મેળવશે.
વરેનિયમ ક્લાઉડઃ કંપનીએ રાઈટ્સ ઈશ્યૂ મારફતે રૂ. 49.46 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી છે. કંપનીએ ઈસ્યુની લોટ સાઈઝ 1000 શેર્સથી ઘટાડી 100 શેર્સની કરી છે. કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ 28મી સપ્ટેમ્બરે ખૂલશે. જેમાં રૂ. 123 પ્રતિ શેરના ભાવે ઓફર કરાશે. ઇશ્યૂની રકમનો ઉપયોગ વિસ્તરણમાં કરાશે.
એસબીઆઈઃ સરકારે એસબીઆઈના ચેરમેન દિનેશ ખારાની મુદતને ઓગસ્ટ 2024 સુધી લંબાવી છે. ખારાની 7 ઓક્ટોબર 2020ના રોજ એસબીઆઈ ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. નિયમો મુજબ એસબીઆઈ ચેરમેન 63 વર્ષ સુધી એસબીઆઈના ચેરમેનની કામગીરી સંભાળી શકે છે.
ભેલઃ પીએસયૂ કેપિટલ ગુડ્ઝ કંપનીએ ભારત સરકારે રૂ. 88 કરોડના આખરી ડિવિડન્ડની ચૂકવણી કરી છે. કંપનીમાં ભારત સરકાર 63.17 ટકાનો ઈક્વિટી હિસ્સો ધરાવે છે. કંપનીએ નાણા વર્ષ 2022-23 માટે તેના શેરધારકોને કુલ રૂ. 139 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું છે.
શોભા ગ્રુપઃ રિઅલટી કંપનીના સ્થાપક પીએનસી મેનન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે રૂ. 1000 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં એમઓયૂ સાઈન કર્યાં હતાં. જેના ભાગરૂપે આગામી પાંચ વર્ષના સમયગાળામાં રૂ.1000 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે.
ફ્યુચર કન્ઝયૂમરઃ કંપની સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 369.59 કરોડની લોનની પુનઃચૂકવણીમાં નાદાર બની છે. જેમાં કંપનીએ બેંક્સ અને એનબીએફસીને રૂ. 266.80 કરોડનું ડેટ પરત ચૂકવવાનું હતું. જ્યારે એનસીડી અને એનસીઆરપીએસ પેટે રૂ. 201.32 કરોડ ચૂકવવાના થતાં હતાં.
હિંદાલ્કોઃ આદિત્ય બિરલા જૂથ કંપનીએ લોંગ-ટર્મ માટે બોક્સાઈટ ઓરના સપ્લાય માટે ઓડિશા માઈનીંગ કોર્પોરેશન સાથે કરાર સાઈન કર્યો છે. કંપની ઓડિશાના રાયગઢ ખાતે તેની પ્રસ્તાવિત 20 લાખ ટનની એલ્યુમિના રિફાઈનગી માટે બોસ્કાઈટ ઓર નિશ્ચિત કરવા માગે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage