બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ભારતીય શેરબજારે તેજીની આગેકૂચ સાથે નવી ટોચ દર્શાવી
એશિયન બજારોમાં ભારે વેચવાલી જોવા મળી
છ સત્રોમાં નિફ્ટીમાં પાંચ ટકાનો ઉછાળો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.5 ટકા વધી 13.45ના સ્તરે બંધ
મેટલ, એનર્જી, પીએસઈ સૂચકાંકોમાં ઊછાળો
આઈટી, રિઅલ્ટીમાં નરમાઈ
સીઈએસઈ, વેલસ્પન કોર્પ, પતંજલી ફૂડ્સ નવી ટોચે
વૈશ્વિક બજારોમાં તીવ્ર નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં આગેકૂચ જળવાય રહી હતી. સ્થાનિક બેન્ચમાર્ક્સ સતત છઠ્ઠા દિવસે પોઝીટીવ બંધ દર્શાવવા સાથે તેમની નવી ટોચ પર પહોંચ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 431.02 પોઈન્ટ્સ ઉછળી 69,296ની સપાટીએ જ્યારે નિફ્ટી 168 પોઈન્ટ્સ ઉછળી 20855ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે, ઊંચા મથાળે વેચવાલી નીકળી હતી. જેની પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3875 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2031 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1731 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 375 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.5 ટકા વધી 13.45ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે સપ્તાહના બીજા સત્રમાં એશિયન બજારોમાં 1-3 ટકા સુધીના તીવ્ર ઘટાડા વચ્ચે ભારતીય બજારે મજબૂતી સાથે કામગીરી શરૂ કરી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 20687ના અગાઉના બંધ સામે 20809ની સપાટીએ ખૂલી ઉપરમાં 20864ની ટોચ દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 98 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 20953ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 117ની સપાટીએ જોવા મળતું હતું. આમ, ઊંચા મથાળે કેટલીક લોંગ પોઝીશન લિક્વિડ થઈ હોવાના સંકેતો છે. જોકે, માર્કેટમાં કોઈ મોટા પ્રોફિટ બુકિંગના સંકેતો નથી. નબળા શોર્ટ કવર થઈ ચૂક્યાં હોય તેમ જણાય છે. ટેકનિકલી માર્કેટ ઓવરબોટ છે અને તેથી આગામી સત્રોમાં એક નાના ઘટાડાની શક્યતાં છે. જોકે, પેનિક સેલીંગના કોઈ સંજાગો નથી. માર્કેટમાં પસંદગીની ખરીદી જળવાયેલી રહેશે. 20200ના સ્ટોપલોસ સાથે ઘટાડે ખરીદી કરી શકાય. મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, બીપીસીએલ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એમએન્ડએમ, ટાઈટન કંપની, મારુતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ, ગ્રાસિમ, એચડીએફસી બેંકનો સમાવેશ થાય છે. બીજી બાજુ, એલટીઆઈમાઈન્ડટ્રી, એચસીએલ ટેક્નોલોજી, એચયૂએલ, ડિવિઝ લેબ્સ, આઈશર મોટર્સ, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, વિપ્રો, એપોલો હોસ્પિટલ, ઈન્ફોસિસમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો મેટલ, એનર્જી, પીએસઈ સૂચકાંકોમાં ઊછાળો જોવા મળ્યો હતો. જ્યારે આઈટી, રિઅલ્ટી, એફએમસીજી, મિડિયામાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઉછળી નવી ટોચ પર પહોંચ્યો હતો. જેની પાછળ અદાણી એન્ટરપ્રાઈઝમાં 17 ટકા ઉછાળો કારણભૂત હતો. આ ઉપરાંત હિંદુસ્તાન ઝીંક, સેઈલ, તાતા સ્ટીલ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ પણ 3.24 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જેના ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, બીપીસીએલ, આઈઓસી, એચપીસીએલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસઈ 1.5 ટકા મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, એનએચપીસી, બીપીસીએલ, સેઈલ, આઈઓસી, ભેલ, પાવર ફાઈનાન્સ, હિંદુસ્તાન એરોનોટિક્સ, એચપીસીએલ અને આરઈસીનો સમાવેશ થતો હતો. નિફ્ટી બેંક 0.50 ટકા મજબૂતી સાથે નવી ટોચે પહોંચવા સાથે 47 હજારની સપાટી પાર કરી ગયો હતો. તેના ઘટકોમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, બંધન બેંક, ફેડરલ બેંક, પીએનબી, એયૂ સ્મોલ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડામાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 0.6 ટકા સાથે નવી ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. જેના ઘટકોમાં સોના બીએલડબલ્યુ, એમઆરએફ, એમએન્ડએમ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, મારુતુ સુઝુકી, ભારત ફોર્જ, તાતા મોટર્સ મજબૂતી દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો અદાણી એન્ટરપ્રાઈઝ 17 ટકા સાથે સૌથી ઊંચો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, એસીસી, અંબુજા સિમેન્ટ્સ, એબીબી, પાવર ગ્રીડ કોર્પો, એનટીપીસી, આદિત્ય બિરલા ફેશન, એમસીએક્સ ઈન્ડિયા, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, આઈસીઆઈસીઆઈ પ્રૂડે., એમએન્ડએમ ફાઈ., ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, મૂથૂત ફાઈ., એલઆઈસી હાઉસિંગ, સન ટીવી, પેજ ઈન્ડસ્ટ્રીઝમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં સીઈએસઈ, વેલસ્પન કોર્પ, પતંજલી ફૂડ્સ, એબીબી ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પો, રેડિકો ખૈતાન, બ્લ્યૂ સ્ટાર, વેદાંત ફેશન્સ, જેકે સિમેન્ટનો સમાવેશ થતો હતો.
ડોલરમાં મજબૂતી પાછળ ગોલ્ડમાં ઊંચા મથાળે દબાણ
સપ્તાહની શરૂમાં 2100 ડોલરની સપાટી પાર કરી ગયેલું ગોલ્ડ ઊંચા મથાળે ટકી શક્યું નહોતું. વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ 2148 ડોલરની ટોચ બનાવી ઝડપથી ગગડ્યું હતું. મંગળવારે તે 2026 ડોલર પર રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવતું હતું. જ્યારે કોમેક્સ વાયદો 2044 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેણે સોમવારે 2051 ડોલરની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. ડોલર ઈન્ડેક્સમાં સોમવારે બપોર પછી મજબૂતી જોવા મળી હતી. જે મંગળવારે પણ જળવાય હતી. મંગળવારે તે 103.734ની સપાટી પર ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ દર્શાવી રહ્યો હતો. જોકે, યુએસ ટ્રેઝરી યિલ્ડ્સ નરમાઈ દર્શાવતાં હતાં. આમ, દરેક એસેટ ક્લાસિસમાં ઊંચી વધ-ઘટ જોવા મળી રહી છે. જોકે, ગોલ્ડમાં નીચા ભાવે ખરીદી માટેની તક રહેશે. હાલમાં તે 2000 ડોલરની નીચે ઉતરે તેવી શક્યતાં નથી. જ્યારે ઉપરમાં તે 2150 ડોલરને પાર કરે તેવી સંભાવના નીચી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. મંગળવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 77.92 ડોલર પ્રતિ બેરલ પર સાધારણ નેગેટિવ ટ્રેડ સૂચવતો હતો.
રિટેલ પાર્ટિસિપેશન વધતાં કેશ સેગમેન્ટ કામગીરી વિક્રમી સપાટીએ
ડિસેમ્બરના શરૂઆતી ત્રણ ટ્રેડિંગ સત્રોમાં સરેરાશ રૂ. 1.18 લાખ કરોડનું દૈનિક કેશ ટર્નઓવર નોંધાયું
નવેમ્બરના શરૂઆતી ત્રણ સત્રોમાં રૂ. 65,822 કરોડના ટર્નઓવર સામે 80 ટકા વૃદ્ધિ
ડિસેમ્બર મહિનાની શરૂઆતી ત્રણ સત્રોમાં શેરબજારોમાં કેશ સેગમેન્ટનું વોલ્યુમ તેની વિક્રમી સપાટીએ જોવા મળી રહ્યું છે. બીએસઈ અને એનએસઈ મળીને છેલ્લાં ત્રણ સત્રોમાં સરેરાશ રૂ. 1,17,947 કરોડનું ટર્નઓવર નોંધાયું છે. જે નવેમ્બરના શરૂઆતી ત્રણ સત્રોમાં જોવા મળતાં સરેરાશ રૂ. 65,822 કરોડના કામકાજ સામે 79 ટકા વૃદ્ધિ દર્શાવે છે. શેરબજારમાં તીવ્ર તેજી પાછળ રિટેલ તથા સંસ્થાકિય કામગીરી વધવાને કારણે કેશ સેગમેન્ટમાં વોલ્યુમ વધ્યાં છે.
માર્કેટ નિરીક્ષકોના મતે કેશ સેગમેન્ટમાં ઊંચી કામગીરી પાછળ કેટલીક મહત્વની બાબતો જવાબદાર છે. જેમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પછી બેન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલી તેજી મુખ્ય છે. બેન્ચમાર્કમાં તેજી લાર્જ-કેપ્સ પાછળ થતી હોય છે. જેઓ શેરબજાર માર્કેટ-કેપનો મોટો હિસ્સો ધરાવે છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં લાર્જ-કેપ્સમાં ખાસ વૃદ્ધિ નહોતી જોવા મળી. કેમકે નિફ્ટી કોન્સોલિડેશનમાં જોવા મળતો હતો. જેને કારણે લાર્જ-કેપ્સમાં પાર્ટિસિપેશન નીચું હતું. જ્યારે છેલ્લાં ત્રણ સત્રોમાં માર્કેટમાં 4 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો છે. જે લાર્જ-કેપ્સમાં પાર્ટિસિપેશન પાછળનો છે. ચૂંટણીઓમાં એનડીએની તરફેણમાં અસાધારણ પરિણામો પછી વિદેશી સંસ્થાઓએ લાર્જે-કેપ્સમાં લોંગ-ટર્મ માટે નાણા ઠાલવ્યાં હોવાના સંકેતો મળી રહ્યાં છે. તેમજ રિટેલ ટ્રેડર્સ પણ મીડ-કેપ્સમાંની સરખામણીમાં સુરક્ષિત એવા લાર્જ-કેપ્સમાં પરત ફર્યાં હોય તેમ જણાય છે.
એક અન્ય કારણ પ્રાઈમરી માર્કેટમાં વધેલી ઊંચી કામગીરી પાછળ પરત ફરેલા રિટેલ ટ્રેડર્સ છે. ગયા સપ્તાહે શેરબજારમાં પાંચ આઈપીઓ લિસ્ટ થયાં હતાં. જેમાંથી ચાર કંપનીઓએ બમ્પર લિસ્ટીંગ દર્શાવ્યાં હતાં. જે નાણા આઈપીઓમાંથી નીકળ્યાં પછી સેકન્ડરી માર્કેટમાં રહી ગયાં હોવાની પૂરી સંભાવના છે. જેને જોતાં વોલ્યુમ વધ્યાં છે. ગયા સપ્તાહે લિસ્ટ થયેલી કંપનીઓમાં તાતા ટેક્નોલોજીસનું માર્કેટ-કેપ રૂ. 50 હજાર કરોડ પર જોવા મળ્યું હતું. આમ, એક મોટા કાઉન્ટરના બજાર પ્રવેશને કારણે કેશ સેગમેન્ટમાં ઊંચી વૃદ્ધિ સ્વાભાવિક છે. અગાઉ 30 નવેમ્બરે કેશ સેગમેન્ટમાં રૂ. 1.76 લાખ કરોડનું વિક્રમી કેશ સેગમેન્ટ ટર્નઓવર નોંધાયું હતું. જોકે, તેમાં રૂ. 40-50 હજાર કરોડનું ટર્નઓવર એમએસસીઆઈ ઈન્ડેક્સના પુનર્ગઠનને કારણે હોવાનું વર્તુળો જણાવે છે. જ્યારે છેલ્લાં ત્રણ સત્રોમાં જોવા મળેલું કામકાજ સંપૂર્ણપણે ઓર્ગેનિક કામગીરી છે અને તેમાં કોઈ ખાસ પ્રસંગનો સમાવેશ નથી થતો.
કેશ ટર્નઓવર વધવાના કારણો
• આખરી ત્રણ સત્રોમાં લાર્જ-કેપ્સમાં ઊંચી વૃદ્ધિ
• ચૂંટણીના પરિણામો સારા આવતાં લોંગ-ટર્મ નાણાનો પ્રવેશ
• ગયા સપ્તાહે આઈપીઓ લિસ્ટીંગની આંશિક અસર
• એફઆઈઆઈનો પોઝીટીવ ફ્લો
સપ્તાહમાં 10 લાખ હેકટર વૃદ્ધિ સાથે રવિ વાવેતર 30 લાખ હેકટરે પહોંચ્યું
વિલંબ છતાં ગયા વર્ષે સમાનગાળાના 28.02 લાખ હેકટર વાવેતરને પાર કરી ગયેલું શિયાળુ વાવેતર
ઘઉંના વાવેતરમાં 2.93 લાખ અને ચણામાં 1.42 લાખ હેકટરની વાવેતર વૃદ્ધિ
જીરુંનું વાવેતર સપ્તાહમાં 1.31 લાખ હેકટર વધી 3.76 લાખ હેકટરે પહોંચ્યું
માવઠાંને કારણે જમીનમાં ભેજ પાછળ ખેડૂતોએ વાવેતરનો વિચાર બદલ્યો
વર્તમાન રવિ સિઝનની શરૂઆતથી નરમાઈ દર્શાવી રહેલા વાવેતરમાં ઓચિંતો વેગ જોવા મળ્યો છે. ગયા સપ્તાહમાં 9.74 લાખ હેકટરમાં વાવેતરના ઉમેરા સાથે શિયાળુ પાકોનું કુલ વાવેતર 29.96 લાખ હેકટર પર પહોંચી ગયું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 28.02 લાખ હેકટર પર જોવા મળતું હતું. અગાઉના સપ્તાહ આખરમાં ચાલુ સિઝનનું વાવેતર 5 લાખ હેકટર નીચું જોવા મળતું હતું. જોકે, ગયા સપ્તાહે માવઠાંને કારણે જમીનમાં ભેજ જમા થવાથી ખેડૂતોએ પાકનું વાવેતર કરવાનું મન બનાવ્યું હતું અને દાણા નાખ્યાં હતાં.
ટોચના રવિ પાકોની વાત કરીએ તો ગયા સપ્તાહે ચણાના વાવેતરમાં 1.42 લાખ હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 4.56 લાખ હેકટરપર પહોંચ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 5.08 લાખ હેકટર પર જોવા મળતું હતું. એક સપ્તાહ અગાઉ સુધી તે 1.5 લાખ હેકટરથી વધુનો ઘટાડો દર્શાવતું હતું. જોકે, રાજ્યમાં સરેરાશ 1-2 ઈંચ વરસાદ પાછળ ઘણે ઠેકાણે ભેજનું પ્રમાણ નોંધપાત્ર વધવાથી ચણાનું વાવેતર કરવાની અનૂકૂળતા ઊભી થઈ હતી. મુખ્ય રવિ પાક ઘઉંનું વાવેતર પણ સપ્તાહ દરમિયાન 2.93 લાખ હેકટર વૃદ્ધિ સાથે 6.88 લાખ હેકટર પર પહોંચ્યું હતું. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 6.86 લાખ હેકટરમાં જોવા મળતું હતું. છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં સરેરાશ 13.04 લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. આમ, હજુ પણ ઘઉંનું વાવેતર 56 ટકાના સ્તરે જ પહોંચ્યું છે અને આગામી બે સપ્તાહમાં તેમાં નોંધપાત્ર વૃદ્ધિની સંભાવના છે. ગયા સપ્તાહે રાયડાના વાવેતરમાં પણ 20 હજાર હેકટરની વૃદ્ધિ જોવા મળી હતી. વરસાદ પાછળ જીરુંના વાવેતરને વેગ મળ્યો હતો. એક સપ્તાહમાં મુખ્ય મસાલા પાકનું વાવેતર 1.31 લાખ હેકટર વધી 3.76 લાખ હેકટરે પહોંચ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.44 લાખ હેકટર પર જોવા મળતું હતું. આમ ચાલુ સિઝનમાં ગયા વર્ષની સરખામણીમાં અત્યાર સુધીમાં જીરુનું વાવેતર 2.32 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. ધાણાનું વાવેતર જોકે ગઈ સિઝન કરતાં અડધું જોવા મળે છે. તે અત્યાર સુધીમાં 98 હજાર હેકટરમાં સંપન્ન થયું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.76 લાખ હેકટરમાં નોંધાયું હતું. શાકભાજી પાકોનું વાવેતર પણ 54 ટકા વિસ્તારમાં સંપન્ન થયું છે. ગયા સપ્તાહ પછી તે 1.09 લાખ હેકટરમાં જોવા મળે છે. જે ગયા વર્ષે 98 હજાર હેકટરમાં નોંધાયું હતું. ઘાસચારાનું વાવેતર પણ 3.79 લાખ હેકટર સાથે ગઈ સિઝનના 3.59 લાખ હેકટરને પાર કરી ગયું છે. બટાટા જેવા મહત્વના ખાદ્ય પાકનું વાવેતર પણ એક લાખ હેકટરને પાર કરી 1.17 લાખ હેકટર પર પહોંચ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 98 હજાર હેકટર પર જોવા મળતું હતું. જોકે, ડુંગળીનું વાવેતર ગયા વર્ષના 47 હજાર હેકટર સામે 3 હજાર હેકટર નીચું 44 હજાર હેકટર પર નોંધાયું છે.
કૃષિ તજજ્ઞોના મતે ચાલુ સિઝનમાં વાવેતર એક મહિના જેટલું વિલંબમાં જોવા મળે છે. જોકે, હવામાન હજુ સુધી સારુ જળવાયું છે. માવઠા અગાઉ વાવેતર ઓછું હોવાથી પાકને ખાસ નુકસાન નથી થયું. જ્યારે જેઓએ જમીન ખાલી રાખી હતી. તેમને ભેજને કારણે લાભ થયો છે. જો, ડિસેમ્બર-જાન્યુઆરીમાં માફકસરની ઠંડી જળવાય તો રવિ સિઝન બમ્પર બની રહેવાની શક્યતાં છે. છેલ્લાં બે વર્ષોથી જાન્યુઆરીમાં માવઠાંને કારણે જીરાના પાકને નુકસાન જોવા મળ્યું છે. આ વખતે કમાસમી વરસાદ ના થાય તો જીરાના ખેડૂતોને સારી ઊપજ મળી શકે છે.
રવિ પાકોનું વાવેતર(એરિયા લાખ હેકટરમાં)
પાક 2022 2023
ઘઉં 6.87 6.88
ચણા 5.08 4.56
રાયડો 2.88 2.43
જીરું 1.44 3.76
ધાણા 1.76 0.98
ડુંગળી 0.47 0.44
બટાટા 1.06 1.17
શાકભાજી 0.98 1.09
ઘાસચારો 3.59 3.79
કુલ 28.02 29.96
બજાજ ગ્રૂપ રૂ. 10 લાખ કરોડ વેલ્યૂ ધરાવતું પાંચમું મોટું ગ્રૂપ બન્યું
જૂથ કંપનીઓમાં બજાજ ઓટોએ 2023માં 72 ટકાનું રિટર્ન દર્શાવ્યું
દેશમાં રૂ. 10 લાખ કરોડથી વધુનું મૂલ્ય ધરાવતાં જૂથોમાં હવે બજાજ ગ્રૂપનો ઉમેરો થયો છે. અગાઉ તાતા જૂથ, મુકેશ અંબાણી જૂથ, એચડીએફસી બેંક અને અદાણી જૂથનો સમાવેશ આ ગ્રૂપમાં થતો હતો.
બજાજ ગ્રૂપ કંપનીઓના શેર્સમાં બજાજા ઓટોએ કેલેન્ડર 2023માં સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવી છે. કંપનીનો શેર 72 ટકા જેટલો ઉછળ્યો છે. જૂથની અન્ય કંપનીઓ બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વ પણ અનુક્રમે 12 ટકા અને 9 ટકા જેટલાં ઉછળ્યાં છે. જ્યારે બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ તથા મહારાષ્ટ્ર સ્કૂટર્સમાં અનુક્રમે 36 ટકા અને 74 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. સ્વર્ગસ્થ રાહુલ બજાજ જૂથ સાથે જોડાયેલી તમામ પાંચ લિસ્ટેડ કંપનીઓએ ભિન્ન-ભિન્ન દેખાવ નોંધાવ્યો છે. બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સનું નેતૃત્વ સંજીવ બજાજ કરે છે. જ્યારે બજાજ ઓટોનું સુકાન રાજીવ બજાજના હાથમાં છે. મહારાષ્ટ્ર સ્કૂટર્સ એ બજાજ હોલ્ડિંહ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટની સબસિડિયરી છે. ચાલુ વર્ષે ટ્રાયમ્ફના લોંચ પછી બજાજ ઓટોએ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. જેની પાછળ કંપનીના શેર્સમાં તીવ્ર મજબૂતી જોવા મળી હતી. કંપનીના સીઈઓ રાજીવ બજાજે મહત્વાકાંક્ષી પ્લાન રજૂ કર્યો છે. તેઓ બજાજ ટ્રામ્ફ્સ માટે મહિને 10 હજાર યુનિટ્સ વેચાણનો લક્ષ્યાંક ધરાવે છે. તાજેતરમાં જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના એનબીએફસી સેગમેન્ટમાં પ્રવેશ પછી બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વના શેર્સમાં સામાન્ય રિટર્ન જોવા મળ્યું છે. દિગ્ગજો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળે તેવી શક્યતાં છે. જેને કારણે બજાજ ફાઈનાન્સની વૃદ્ધિ પર અસર પડી શકે છે એમ એનાલિસ્ટ્સ માને છે. જેને કારણે કંપનીની મધ્યમગાળા માટે નફાકારક્તા પર અસર સંભવ છે. ઉપરાંત, પ્રાઈવેટ બેંક્સ તરફથી બાય નાઉ, પે લેટર ફાઈનાન્સિંગને અપનાવવાથી પણ ટોચની એનબીએફસી પર અસર સંભવ છે.
વેદાંતા રિસોર્સિસ 1.2 અબજ ડોલરનું પ્રાઈવેટ ફંડિંગ મેળવે તેવી શક્યતાં
સર્બેરસ કેપિટલ 30 કરોડ ડોલરના ચેક સાથે ફંડિંગ રાઉન્ડની આગેવાની કરી રહી છે
અનિલ અગ્રવાલની વેદાંત રિસોર્સિઝ આગામી સપ્તાહે વૈશ્વિક પ્રાઈવેટ ક્રેડિટ ફંડ્સ સાથે 1.2 અબજ ડોલરનો લોન એગ્રીમેન્ટ સાઈન કરશે. કંપની 2024માં તથા 2025માં પાકી રહેલા 3.2 અબજ ડોલરના બોન્ડ્સનું આંશિક પેમેન્ટ મેળવવા માટે આમ કરશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે.
ફંડીંગના આ નવા રાઉન્ડનું નેતૃત્વ ન્યૂ યોર્ક સ્થિત સર્બેરસ કેપિટલ મેનેજમેન્ટ કરશે. જે 30 કરોડ ડોલર આસપાસની લોન પૂરી પાડશે. જ્યારપછીના ક્રમે એરેસ એસએસજી કેપિટલ મેનેજમેન્ટ, ડેવિડસન કેમ્પનેર કેપિટલ મેનેજમેન્ટ અને વર્ડે પાર્ટનર્સ તરફથી લોન પૂરી પડાશે એમ વર્તુળો જણાવે છે. જૂથ માટે નાદારી ટાળવા માટે આ ટ્રાન્ઝેક્શન ખૂબ મહત્વનું બની રહેશે. લોન વેદાંત રિસોર્સિસના શેર્સ સામે તથા અન્ય ગ્રૂપ કંપનીઓ તરફથી મળનારી રોયલ્ટી સામે પૂરી પાડવામાં આવશે. આ લોન માટે વાર્ષિક 18 ટકાનું વ્યાજ ચૂકવવામાં આવશે. જ્યારે લોનની મુદત 2 વર્ષની રહેશે. માઈનીંગ અને મેટલ્સ કોંગ્લોમેરટે જાન્યુઆરીમાં 13.875 ટકાના બોન્ડ્સનું રિપેમેન્ટ કરવાનું બને છે. જ્યારે ઓગસ્ટ 2024માં તેણે 6.125 ટકાના પેપર પેટે એક અબજ ડોલરનું પુનઃચૂકવણું કરવાનું બને છે. જ્યારે માર્ચ 2025માં 8.96 ટકાના બોન્ડ્સ પેટે 1.2 અબજ ડોલર પરત કરવાના બને છે. ડેવિડસન કેમ્પનેરના પ્રવક્તાએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે સર્બેરસ કેપિટલ, એરેસ એસએસજી અને વાર્ડે પાર્ટનર્સ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. જાણકાર વર્તુળોના મતે હાલમાં ચર્ચા-વિચારણા તેના આખરી તબક્કામાં ચાલી રહી છે અને આ અંગે આગામી સપ્તાહે એગ્રીમેન્ટ સાઈન થવાની શક્યતાં છે. જ્યારે ડિસ્બર્સમેન્ટ આગામી જાન્યુઆરી સુધીમાં કરવામાં આવશે. વેદાંતા જૂથને ડિસેમ્બર આખર સુધીમાં એક અબજ ડોલર ઊભા થવાની આશા છે. નવેમ્બરમાં વેદાંતના સીએફઓ અજય ગોએલે જણાવ્યું હતું કે આગામી છ મહિનામાં તેમને લગભગ એક અબજ ડોલર્સની જરૂરિયાત છે. તેમણે ડિસેમ્બર અગાઉ ફંડિંગ ક્લોઝ કરવામાં આવશે તેવી શક્યતાં વ્યક્ત કરી હતી. અનેક રેટિંગ એજન્સીઝે છેલ્લાં મહિનાઓમાં વેદાંત રિસોર્સિસના રેટિંગમાં ડાઉનગ્રેડ કર્યું હતું. જે ઊંચું ક્રેડિટ રિસ્ક દર્શાવે છે.
DFCની ક્લિનચીટ પાછળ અદાણી જૂથ શેર્સમાં 20 ટકા સુધીનો ઉછાળો
યુએસ એજન્સીએ હિંડેનબર્ગ રિપોર્ટને અપ્રસ્તુત ગણાવતાં અદાણી જૂથ શેર્સમાં મંગળવારે ભારે ખરીદી જોવાઈ
યુએસ સરકારની ડેવલપમેન્ટ એજન્સી ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પો(ડીએફસી)એ અદાણી જૂથ કંપનીને 55.3 કરોડ ડોલરની લોન આપતાં અગાઉ ડ્યૂ ડિલિજન્સ ઈન્વેસ્ટીગેશન હાથ ધર્યું હતું. જેમાં તેણે હિંડેનબર્ગના આક્ષેપોને અપ્રસ્તુત ગણાવ્યાં હતાં અને લોન આપવાનું નિર્ધારિત કર્યું હોવાનું જણાવ્યું હતું. આ અહેવાલ પાછળ અદાણી જૂથના શેર્સમાં મંગળવારે ભારે લેવાલી નીકળી હતી અને તેઓ 20 ટકાની અપર સર્કિટમાં બંધ સુધી ઉછળ્યાં હતાં.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ અદાણી જૂથને શ્રીલંકામાં કન્ટેનર ટર્મિનલ માટે 55.3 કરોડ ડોલરની લોન આપતાં પહેલા ડીએફસીએ ડ્યૂ ડિલિજન્સ તપાસ કરી હતી. જેમાં તેને કશું હાથ લાગ્યું નહોતું. યુએસ સરકારના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે અદાણી જૂથ સાથે કોર્પોરેટ ફ્રોડના હિંડેનબર્ગ રિસર્ચના આક્ષેપોમાં અમેરિકી સરકારને અસંગત જણાયાં હતાં. જ્યારપછી જ યુએસ સરકારની એજન્સીએ 55.3 કરોડ ડોલરની લોન મંજૂર કરી હતી. આ અહેવાલ પાછળ અદાણી જૂથના શેર્સમાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસમાં 20 ટકાની અપર સર્કિટ્સ જોવા મળી હતી. જ્યારે જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝમાં 16 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો અને તે રૂ. 2995ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. અદાણી પાવરનો શેર 17 ટકા ઉછળી રૂ. 545ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો. તે રૂ. 2 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝ પણ રૂ. 3 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. તે 52-સપ્તાહના તળિયેથી 175 ટકાનો તીવ્ર ઉછાળો સૂચવી રહ્યો છે. તે જાન્યુઆરીમાં હિંડેનબર્ગ રિપોર્ટ પ્રગટ થયાં પછી રૂ. 1000ની નીચે ઉતરી ગયો હતો. જ્યાંથી ઉછળી તાજેતરમાં રૂ. 3000ની નજીક પહોંચ્યો છે.
અદાણી ગ્રીન એનર્જીનો શેર 20 ટકા વૃદ્ધિ સાથે છેલ્લાં એક મહિનામાં 42 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. કંપનીએ સિનિયર ડેટ ફેસિલિટી મારફતે અધિક 1.36 અબજ ડોલરનું ફંડિંગ મેળવ્યું હોવાના અહેવાલ પાછળ કંપનીના શેરમાં મજબૂત મોમેન્ટમ જોવા મળતું હતું. આ ફંડિંગ પછી કંપનીનું કુલ કન્સ્ટ્રક્શન ફાઈનાન્સિંગ ફ્રેમવર્ક 3 અબજ ડોલર પર પહોંચ્યું છે. દેશમાં સૌથી મોટા ખાનગી સેક્ટર પોર્ટ અદાણી પોર્ટનો શેર પણ 15 ટકા ઉછળી રૂ. 1000ની સપાટી પાર કરી ગયો હતો. તેણે રૂ. 1023ની ઓલ-ટાઈમ હાઈ બનાવી હતી. તેણે પ્રથમવાર ચાર આંકડામાં ટ્રેડિંગ દર્શાવ્યું હતું. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2.2 લાખ કરોડ પર પહોંચ્યું હતું. ફેબ્રુઆરીમાં દર્શાવેલાં રૂ. 395.10ના તળિયેથી અદાણી પોર્ટ્સનો શેર 144 ટકા જેટલું રિટર્ન દર્શાવી રહ્યો છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 20 ટકાની અપર સર્કિટમાં બંધ રહેવા સાથે છેલ્લાં એક મહિનામાં 37 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવે છે. જ્યારે અદાણી ટોટલ ગેસનો શેર 20 ટકા ઉછળવા સાથે છેલ્લાં સપ્તાહમાં 40 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવે છે. અદાણી પોર્ટ્સ અને અદાણી પાવરના શેર્સ જાન્યુઆરીમાં હિંડેનબર્ગ રિપોર્ટ વખતના તેમના ભાવને પાર કરી નવી ટોચ પર પહોંચીગયાં છે. એફએમસીજી કંપની અદાણી વિલ્મેરનો શેર 10 ટકાની અપર સર્કિટમાં રૂ. 381ની સપાટીએ બંધ રહ્યો હતો. અદાણી જૂથની સિમેન્ટ કંપનીઓના શેર્સમાં પણ 8 ટકા સુધીનો ઉછાળો નોઁધાયો હતો. જેમાં અંબુજા સિમેન્ટ્સ 7 ટકા ઉછળ્યો હતો. જ્યારે એસીસીનો શેર 8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2100ની સપાટી પાર કરી ગયો હતો. જૂથની મિડિયા કંપની એનડીટીવીનો શેર 19 ટકા ઉછળી રૂ. 269ની સપાટી પર ટ્રેડ થયો હતો.
અદાણી શેર્સનો મંગળવારનો દેખાવ
સ્ક્રિપ્સ ઉછાળો(ટકામાં)
અદાણી ગ્રીન એનર્જી 20
અદાણી ટોટલ ગેસ 20
અદાણી એનર્જી સોલ્યુ. 20
અદાણી પાવર 17
અદાણી એન્ટરપ્રાઈઝ 16
અદાણી પોર્ટ્સ 15
અદાણી વિલ્મેર 10
એનડીટીવી 19
અંબુજા સિમેન્ટ્સ 7
એસીસી 8
અદાણી ગ્રીને 3 અબજ ડોલરનું કન્સ્ટ્રક્શન ક્રેડિટ ફ્રેમવર્ક પૂર્ણ કર્યું
કંપનીએ વૈશ્વિક બેંકર્સ પાસેથી 1.36 અબજ ડોલરની વધુ લોન મેળવી
ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) ટોચની આંતરરાષ્ટ્રીય બેંકોના કન્સોર્ટિયમ સમર્થિત કન્સ્ટ્રક્શન ક્રેડિટ ફ્રેમવર્કને 3 અબજ ડોલર સુધી લઈ જવામાં સફળ રહી છે. કંપનીએ તાજેતરમા વધુ 1.36 અબજ ડોલરના ફોલો-ઓન ફંડિંગની જાહેરાત કરી.છે. ગુજરાતના કચ્છ ખાતે આકાર લઇ રહેલા જગતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના વિકાસને સક્ષમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ગ્રીન લોન સુવિધા AGELના આગામી માઇલસ્ટોન ભંડોળ પ્રારંભિક તબક્કામાં ખાવડામાં 2,167 મેગાવોટ વિકસાવવા માટે એક નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. ખાવડા ખાતેનો વિશ્વનો સૌથી મોટો રીન્યુએબલ એનર્જી પાર્ક 2030 સુધીમાં 45 GW ઓપરેટિંગ રિન્યુએબલ ક્ષમતાના ટાર્ગેટ ધરાવે છે. આ માટે આઠ અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંકો સાથે ચોક્કસ કરારો કરવામાં આવ્યા છે. જેમાં -BNP પરિબાસ, કો ઓપરેટીવ રેબો બેંક. યુ.એ , ડીબીએસ બેંક લિમિટેડ,ઇન્ટેસા સાનપાઓલો S.p.A., MUFG બેંક લિ.,સોસાયટી જનરલ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને સુમિટોમો મિત્સુઇ બેંકીંગ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
DBS બેન્ક લિ., MUFG બેન્ક, લિ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને સુમિતોમો મિત્સુઇ બેન્કિંગ કોર્પોરેશન કો-ગ્રીન સ્ટ્રક્ચરિંગ બેન્ક તરીકે કામગીરી કરી હતી જ્યારે Cooperatieve Rabobank U.A. ડોક્યુમેન્ટેશન અને સ્ટ્રક્ચરિંગ બેંક તરીકે ભૂમિકા અદા કરી હતી. અને MUFG બેંક, લિ.એ ગેરંટી સ્ટ્રક્ચરિંગ બેંક તરીકે કામગીરી બજાવી હતી. બોરોઅર્સના કાઉન્સેલ તરીકે લેથમ એન્ડ વોકીન્સ એલએલપી અને સરાફ એન્ડ પાર્ટનર્સ હતા. લેન્ડર્સના કાઉન્સેલ તરીકે લિન્કીએટર્સ અને સિરીલ અમરચંદ મંગલદાસ હતા.
કોર્પોરેટ હેડલાઈન્સ
જેએસડબલ્યુ ઈન્ફ્રાઃ ઈન્ફ્રા કંપનીએ શાપુરજી પાલોનજી ગ્રૂપ પાસેથી પીએનપી મેરિટાઈમ સર્વિસિઝમાં 50 ટકાથી વધુ હિસ્સો ખરીદવા માટે એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. કંપની રૂ. 270 કરોડમાં આ હિસ્સો ખરીદશે. કંપની તેની સબસિડિયરી મારફતે આ પોર્ટ ખરીદશે. જે હાલમાં વાર્ષિક 50 લાખ ટનની ક્ષમતા ધરાવે છે. જેને વધારીને 1.9 કરોડ ટન સુધી કરી શકાય છે. આ ડીલ પીએનપી પોર્ટનું રૂ. 700 કરોડનું વેલ્યૂએશન આંકે છે.
રિન્યૂ એનર્જીઃ રિન્યૂ એનર્જી ગ્લોબલે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે 5.3 અબજ ડોલરના રોકાણ માટે સમજૂતી કરાર કર્યો છે. આ રોકાણ 2023થી 2028ના સમયગાળામાં હાથ ધરવામાં આવશે. આ રોકાણ એનર્જી પ્રોજેક્ટ્સમાં કરાશે. જેમાં મેન્યૂફેક્ચરિંગ, કાર્બન ઓફસેટ પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઈડ્રોજન જેવી બાબતોનો સમાવેશ થાય છે. કંપની હાલમાં 14 ગીગાવોટ ક્ષમતા સાથેનો ક્લિન એનર્જી પોર્ટફોલિયો ધરાવે છે.
એસબીઆઈઃ દેશમાં ટોચની લેન્ડરે એસબીઆઈ પેન્શન ફંડ્સમાં 20 ટકા હિસ્સો ખરીદવાનો ઈરાદો જાહેર કર્યો છે. બેંક પોતાની સબસિડિયરી એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ પાસેથી આ હિસ્સો ખરીદશે. આ ખરીદી માટેના પ્રસ્તાવને આરબીઆઈ તેમજ પીએફઆરડીએ તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. હાલમાં એસબીઆઈ પેન્શન ફંડ્સમાં એસબીઆઈ 60 ટકા હિસ્સો ધરાવે છે. જે નવી ખરીદી પછી 80 ટકા પર પહોંચશે.
અંબુજા સિમેન્ટ્સઃ અદાણી જૂથની અંબુજા સિમેન્ટે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના એક્વિઝીશનની કામગીરી પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે. તેણે રૂ. 5181 કરોડમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝને ખરીદી છે. જે અગાઉની અપેક્ષિત રૂ. 5000 કરોડના મૂલ્ય કરતાં ઊંચી રકમ છે. તેણે સાંઘીના પ્રમોટર્સ પાસેથી ઓફ-માર્કેટ ટ્રેડ મારફતે 54.51 ટકા હિસ્સો ખરીદ્યો છે. અંબુજા સિમેન્ટે સંપૂર્ણપણે આંતરિક સ્રોતો મારફતે આ ખરીદીની કામગીરી પૂર્ણ કરી છે.