વૈશ્વિક સપોર્ટ પાછળ શેરબજારમાં તેજીની આગેકૂચ
સેન્સેક્સે 60 હજારની સપાટી કૂદાવી
નિફ્ટીએ 17700નો અવરોધ પાર કર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.6 ટકા વધુ 12.26ની સપાટીએ
પીએસઈ, એનર્જી, આઈટી, ઓટોમાં મજબૂતી
પીએસયૂ બેંક્સ, રિઅલ્ટીમાં નરમાઈ
અદાણી જૂથ શેર્સમાં મજબૂતી જળવાય
મહાનગર ગેસ, ગુજ. સ્ટેટ પેટ્રો નવી ટોચે
આરતી ડ્રગ્ઝ, બેયર ક્રોપ, ઈપ્કા નવા તળિયે
ગયા શુક્રવારે યુએસ શેરબજારોમાં મજબૂતી પાછળ નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી છે. એશિયન બજારોમાં ચીનને બાદ કરતાં સુધારો જળવાયો હતો. ભારતીય બજાર પણ સમગ્ર સત્ર દરમિયાન ગ્રીન ઝોનમાં ટ્રેડ થતું જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 415 પોઈન્ટ્સ ઉછળી 60224ની સપાટીએ જ્યારે નિફ્ટી 117 પોઈન્ટ્સ મજબૂતી સાથે 17711ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખરીદી જળવાતાં બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 38 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 12 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ ભાવથી નીચે જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ 3772 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2108 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1469 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 103 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. જ્યારે 94 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. બીજી બાજુ 277 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 185 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.66 ટકાના સુધારે 12.26ની સપાટીએ બંધ રહ્યો હતો.
સપ્તાહના પ્રથમ સત્રની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17594ના બંધ ભાવ સામે 17680ની સપાટી પર ખૂલી ઉપરમાં 17800ની ટોચ બનાવી 17672ના તળિયા પર ટ્રેડ થયા બાદ 17700 ઉપર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 69ના પ્રિમીયમ સાથે બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં 66ના પ્રિમીયમ સામે સાધારણ વૃદ્ધિ સૂચવે છે. આમ માર્કેટમાં કોઈ ખાસ લોંગ પોઝીશનનો ઉમેરો થયો હોય તેમ જણાતું નથી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 17700ના પ્રથમ અવરોધને પાર કરવામાં સફળ રહ્યો છે. જોકે 17770નો એક બીજો અવરોધ નજીકમાં જ રહેલો છે. જે પાર થાય તો બેન્ચમાર્ક ચાલુ સિરિઝમાં 18000-18100ની રેંજમાં જવાનો પ્રયાસ કરી શકે છે. જોકે આ માટે વૈશ્વિક બજારો તરફથી સપોર્ટ મળવો જરૂરી છે. નીચે 17200નો મજબૂત સપોર્ટ છે. જે તૂટશે તો માર્કેટમાં ઝડપી ઘટાડો જોવા મળી શકે છે. ટ્રેડર્સ 17300ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે એમ તેઓનું કહેવું છે. સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડવામાં અગ્રણી કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ મુખ્ય હતો. સતત પાંચમા સત્રમાં શેર નિફ્ટી કાઉન્ટર્સમાં સૌથી ઊંચો સુધઆરો દર્શાવતો હતો. જોકે તે રૂ. 2000ની સપાટી પર ટકી શક્યો નહોતો અને 5.5 ટકા સુધારા સાથે રૂ. 1983 પર બંધ રહ્યો હતો. કેટલાંક અન્ય નિફ્ટી કાઉન્ટર્સમાં તાતા મોટર્સ, ઓએનજીસી, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઈન્ફોસિસ, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, આઈશર મોટર્સ, એચડીએફસી અને બીપીસીએલનો સમાવેશ થાય છે. બીજી બાજુ બ્રિટાનિયા 2.10 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, લાર્સન, ઈન્ડસઈન્ડ બેંક અને બજાજ ઓટો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પીએસઈ, એનર્જી, આઈટી, ઓટોમોબાઈલ સેક્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે પીએસયૂ બેંક્સ અને રિઅલ્ટીમાં નરમાઈ રહી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.7 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જેમાં પાવર ફાઈનાન્સ કોર્પોરેશન 4.25 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ગેઈલ, આરઈસી, ઓએનજીસી, એનટીપીસી, ઓઈલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, નાલ્કો, આઈઓસી, બીપીસીએલ અને કોલ ઈન્ડિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 2 ટકા ઉછળ્યો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં અદાણી ગ્રીન 5 ટકાની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. આ ઉપરાંત પીએસયૂ એનર્જી શેર્સ, તાતા પાવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.22 ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં એમ્ફેસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, કોફોર્જ, ટીસીએસ, વિપ્રો સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં તાતા મોટર્સ 3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ઉપરાંત ટીવીએસ મોટરસ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, આઈશર મોટર્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ, બોશનો સમાવેશ થતો હતો. નિફ્ટી બેંક 0.25 ટકાના સાધારણ સુધારે બંધ રહ્યો હતો. જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 1.4 ટકા અને એક્સિસ બેંક 0.8 ટકા સુધારો દર્શાવતાં હતાં. જ્યારે પીએનબી, ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક નરમાઈ દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.23 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેમાં યૂકો બેંક, આઈઓબી, ઈન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક, પીએનનબી, બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુનિયન બેંક નરમાઈ દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં મહાનગર ગેસ 9 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝ, ફર્સ્ટસોર્સ, પાવર ફાઈનાન્સ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, મધરસન સુમી, ગેઈલ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, લૌરસ લેબ્સ, એમ્ફેસિસ, તાતા મોટર્સ, આરઈસી, બલરામપુર ચીની, બિરલા સોફ્ટમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ ઝી એન્ટરટેઈનમેન્ટ, બ્રિટાનિયા, દાલમિયા ભારત, અંબુજા સિમેન્ટ્સ, એસીસી, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એલએન્ડટી ટેક્નોલોજી ઘટવામાં ટોચ પર હતાં. 52-સપ્તાહની ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં મહાનગર ગેસ, જિંદાલ સ્ટેનસેલ સ્ટીલ, ગુજરાત સ્ટેટ પેટ્રો, પાવર ફાઈનાન્સ, સોનાટા, ગુજરાત પીપાવાવ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો. બીજી બાજુ વાર્ષિક તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં આરતી ડ્રગ્ઝ, રિલેક્સો ફૂટવેર, બેયર ક્રોપસાઈન્સ, ઈપ્કા લેબ્સ, સિપ્લા અને વી-માર્ટ રિટેલનો સમાવિષ્ટ હતાં.
ફેબ્રુઆરીમાં વાહનોનો વેચાણમાં 16 ટકા વૃદ્ધિ નોંધાઈઃ ફાડા
જોકે વાહનોનું વેચાણ હજુ પણ કોવિડ અગાઉના સ્તરની નીચે જોવા મળ્યું
ટુ-વ્હીલર્સનું વેચાણ કોવિડ પહેલાંના સ્તર કરતાં 14 ટકા નીચું
પેસેન્જર વેહીકલ્સનું વેચાણ કોવિડ અગાઉની સરખામણીમાં 16 ટકા ઊંચું
ફેબ્રુઆરી મહિનામાં ઓટોમોબાઈલના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 16 ટકા વૃદ્ધિ જોવા મળી હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન(ફાડા)નો ડેટા સૂચવે છે. વાહનોના વેચાણમાં વૃદ્ધિનું મુખ્ય ચાલકબળ લગ્નગાળો હોવાનું તેનું કહેવું છે. જોકે મહિના દરમિયાન વેચાણના આંકડા કોવિડ અગાઉના સમયગાળા કરતાં નીચા રહ્યાં હતાં. ફેબ્રુઆરી 2020માં રિટેલ વેહીકલ સેલ્સની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં વાહનોનું વેચાણ 8 ટકા નીચું જોવા મળ્યું હતું.
વાર્ષિક ધોરણે તમામ કેટેગરીઝના વાહનોમાં દ્વિઅંકી વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, પેસેન્જર વેહીલ, ટ્રેકટર અને કમર્સિયલ વેહીકલનો સમાવેશ થાય છે. કેટેગરી મુજબ વૃદ્ધિ દર જોઈએ તો ટુ-વ્હીલરમાં 15 ટકા, થ્રી-વ્હીલરમાં 81 ટકા, પેસેન્જર વેહીકલમાં 11 ટકા, ટ્રેકટરમાં 14 ટકા અને કમર્સિયલ વેહીકલમાં 17 ટકા વૃદ્ધિ દર નોંધાયો હતો. ટુ-વ્હીલર્સ ક્ષેત્રે વાર્ષિક 15 ટકા વૃદ્ધિ ભલે નોંધાઈ હોય પરંતુ ફેબ્રુઆરી 2019ની સરખામણીમાં તો તે 14 ટકા ઘટાડો દર્શાવતો હતો. વાહનોનું વેચાણ વધવા પાછળ લગ્નગાળાની સિઝન ઉપરાંત એપ્રિલથી અમલી બની રહેલા ઓનબોર્ડ ડાયગ્નોસ્ટીક્સ સંબંધી નિયમો જવાબદાર છે એમ ફાડા જણાવે છે. થ્રી-વ્હીલર સેગમેન્ટે વાર્ષિક 81 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે કોવિડ અગાઉના ફેબ્રુઆરી 2020ની સરખામણીમાં તે 3 ટકા વૃદ્ધિ દર્શાવતા હતાં. કેન્દ્ર અને રાજ્ય સરકારોની સબસિડી યોજનાઓને કારણે આ સેગમેન્ટ તીવ્ર વૃદ્ધિ નોંધાવી રહ્યું છે. ઉપરાંત આક્રમક ફાઈનાન્સ સ્કિમ્સને કારણે પણ થ્રી-વ્હીલર્સનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે એમ ફાડા જણાવે છે. પેસેન્જર વેહીલ સેગમેન્ટનું વેચાણ વાર્ષિક ધોરણે 11 ટકા અને ફેબ્રુઆરી 2020ની સરખામણીમાં 16 ટકા વૃદ્ધિ સૂચવે છે. જેની પાછળ નવા મોડેલ્સનું લોચિંગ, સુધરતી સપ્લાય ચેઈનની સ્થિતિ અને હેલ્ધી બુકિંગ-ટુ-કેન્સલેશન રેશિયો જવાબદાર છે. સાથે લગ્નની સિઝન તો મહત્વનો ભાગ ભજવ્યો જ છે. કમર્સિયલ વેહીકલ કેટેગરીએ વાર્ષિક 17 ટકા વૃદ્ધિ સાથે મજબૂત દેખાવ કર્યો છે. જોકે ફેબ્રુઆરી 2020ની સરખામણીમાં તે હજુ પણ 10 ટકા ઘટાડો સૂચવે છે. મહિના દરમિયાન વોક-ઈન-ઈન્કવાયરીઝમાં વૃદ્ધિ જોવા મળી હતી. ઓબીડી નિયમોમાં ફેરફારને કારણે માગ વધી હતી. સરકાર તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઊંચા ખર્ચને કારણે પણ સીવી કેટેગરીને લાભ મળ્યો હોવાનું ફાડા ઉમેરે છે. માર્ચ મહિનો તહેવારનો મહિનો હોવાથી વાહનોનું વેચાણ સારુ જોવા મળી શકે છે. માર્ચમાં હોળી, ઉગાડી, ગુડી પડવો અને નવરાત્રિ જેવા તહેવારો જોવા મળશે. સાથે વાહનોની ઉપલબ્ધતા પણ સારી છે. ટુ-વ્હીલર્સની વાત કરીએ તો હીરો મોટોકોર્પનો બજાર હિસ્સો ફેબ્રુઆરીમાં સાધારણ ઘટી 30.83 ટકા પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 31.55 ટકા પર હતો. બીજી બાજુ હોન્ડા મોટરસાઈકલ અને ટીવીએસ મોટરના હિસ્સામાં સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. થ્રી-વ્હીલર્સ સેગમેન્ટમાં બજાજનો હિસ્સો 35.27 ટકા પરથી સુધરી 37.9 ટકા પર રહ્યો હતો. જ્યારે કમર્સિયલ વેહીકલ્સમાં તાતા મોટર્સનો હિસ્સો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 38.32 ટકા પરથી સુધરી 42.13 ટકા પર રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 23.85 ટકા સાથે જ્યારે અશોક લેલેન્ડ 16.87 ટકા સાથે બજાર હિસ્સાની બાબતમાં ટોચના ત્રણ ખેલાડી બની રહ્યાં હતાં. પેસેન્જર વેહીકલ સેગમેન્ટમાં મારુતિનો હિસ્સો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 42.36 ટકા પરથી સાધારણ ઘટી 41.4 ટકા પર જોવા મળ્યો હતો.
વિદેશી ફંડ્સ કેપેક્સ આધારિત થીમ પર બુલીશ
એફઆઈઆઈની ફેબ્રુઆરીમાં આઈટી અને હેલ્થકેર સેગમેન્ટમાં પણ ખરીદી જોવાઈ
ફેબ્રુઆરીમાં ઓઈલ એન્ડ ગેસમાં રૂ. 4973 કરોડની વેચવાલી દર્શાવી
વિદેશી ફંડ મેનેજર્સે ફેબ્રુઆરીમાં બે મુખ્ય થીમ પર ખરીદી જાળવી હતી. જેમાં એકમાં સરકારના જંગી મૂડી ખર્ચનો લાભ મેળવનાર ઉદ્યોગોમાં તેણે ખરીદી કરી હતી. જ્યારે બીજું સર્વિસ સેક્ટર હતું. જ્યાં હાલમાં વેલ્યૂએશન સસ્તાં જોવા મળી રહ્યાં છે.
ફેબ્રુઆરીમાં એફઆઈઆઈ તરફથી જોવા મળેલો 80 ટકા ઈનફ્લો કેપિટલ ગુડ્ઝ, ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને હેલ્થકેર સેગમેન્ટમાં ગયો હતો. વિદેશી સંસ્થાઓએ ગયા મહિને રૂ. 2664 કરોડના મૂલ્યના કેપિટલ ગુડ્ઝ શેર્સ ખરીદ્યાં હતાં. તેમણે જાન્યુઆરીમાં આ સેગમેન્ટમાં રૂ. 86 કરોડની વેચવાલી નોંધાવી હતી. ગયા મહિને બીએસઈ સેન્સેક્સમાં 1.7 ટકા ઘટાડા સામે કેપિટલ ગુડ્ઝ ઈન્ડેક્સ 2 ટકા સુધર્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યાં બાદ કેપિટલ ગુડ્ઝ સેક્ટર રોકાણકારોના રડાર પર આવ્યું છે. જેનું મુખ્ય કારણ સરકાર તરફથી જંગી કેપેક્સ યોજના છે. ઉપરાંત પ્રોડક્ટ-લિંક્ડ ઈન્સેન્ટિવ યોજનાને કારણે પણ ખાનગી કેપેક્સ વધી રહ્યું છે. એફપીઆઈએ સર્વિસ સેક્ટરમાં રૂ. 1963 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. જ્યારે મીડ-કેપ આઈટી કાઉન્ટર્સમાં તેમણે રૂ. 1000 કરોડની ખરીદી કરી હતી. તેમણે જાન્યુઆરીમાં રૂ. 2133 કરોડના મૂલ્યના આઈટી શેર્સનું વેચાણ કર્યું હતું. હેલ્થકેર, ઓટોમોબાઈલ અને કન્સ્ટ્રક્શન સેગમેન્ટમાં પણ વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ચોખ્ખો ઈનફ્લો દર્શાવ્યો હતો. જોકે ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટમાં તેણે રૂ. 4973 કરોડની ઊંચી વેચવાલી દર્શાવી હતી. જ્યારે પાવર, મેટલ અને માઈનીંગમાં પણ તેમણે અનુક્રમે રૂ. 2,848 કરોડ અને રૂ. 2,642 કરોડની વેચવાલી દર્શાવી હતી. ફેબ્રુઆરીમાં એફઆઈઆઈએ રૂ. 5,543 કરોડનું ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી.
સેબીની મ્યુચ્યુલ ફંડ્સને વળતર બાબતે ખોટા વાયદાથી દૂર રહેવા તાકિદ
માર્કેટ રેગ્યુલેટરે એસેટ મેનેજર્સને એડવર્ટાઈઝમેન્ટ આચારસંહિતાનું પાલન કરવા પણ જણાવ્યું
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ રોકાણકારોને કોઈપણ પ્રકારના નિશ્ચિત વળતરની ખાતરી નહિ આપવા માટે મ્યુચ્યુલ ફંડ્સને તાકીદ કરી છે. સેબીએ 3 માર્ચે એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઓફ ઈન્ડિયા(એમ્ફી)ને એક પત્રમાં એડવર્ટાઈઝમેન્ટ સંબંધી આચારસંહિતાની યાદ અપાવની છે અને સેબી એમએફ રેગ્યુલેશન્સના ભાગરૂપે આ નિયમોને વળગી રહેવા માટે જણાવ્યું છે.
સેબીએ જણાવ્યું હતું કેટલાક મ્યુચ્યુલ ફંડ્સ તરફથી રોકાણકારોને જો તેઓ સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(એસઆઈપી) અને સિસ્ટમેટિક વિથ્ડ્રોઅલ પ્લાન(એસડબલ્યુપી)નું કોમ્બિનેશનલ બનાવે તો ચોક્કસ રિટર્નની ખાતરી પૂરી પાડતાં પેમ્ફલેટ્સ અને બ્રોશિયર્સનું વિચરણ કરવામાં આવ્યું હોવાનું રેગ્યુલેટરની જાણમાં આવ્યું છે. એસડબલ્યુપી એવી સુવિધા છે જેમાં રોકાણકાર દર મહિને ચોક્કસ રકમ ઉપાડી શકે છે. જ્યારે એસઆઈપી એવી સુવિધા છે જ્યાં રોકાણકારે દર મહિને ચોક્કસ નાણા રોકવાના રહે છે. મ્યુચ્યુલ ફંડ્સ કોઈપણ પ્રકારના રિટર્નની ખાતરી પૂરી પાડી શકતાં નથી ત્યારે એસડબલ્યુપી નિયમિત રિટર્ન્સ માટે લોકપ્રિય મિકેનીઝમ છે. ખાસ કરીને તે નિવૃત્ત માણસોમાં તાજેતરના વર્ષોમાં લોકપ્રિય બની છે. રિટર્ન્સની ખાતરી આપવી કે નિયમિત આવક રળવા માટેનો આ ચોક્કસ વિકલ્પ છે તેમ કહેવું એ અલગ બાબત છે. ત્યાં જ સમસ્યા ઊભી થાય છે. સેબીને એવા બ્રોશયર્સ પ્રાપ્ત થયાંનું જણાય છે જેમાં રોકાણકારોને એમ કહેવામાં આવ્યું હોય કે એસઆઈપી શરૂ કરો અને ત્યારબાદ ત્રણ વર્ષો પછી એસડબલ્યુપી શરૂ કરો તો ચોક્કસ વળતર મળશે તો તે એક જૂઠાણું છે. વાસ્તવમાં, જો સ્કીમની નેટ એસેટ વેલ્યૂ(એનએવી)માં સતત વૃદ્ધિ જોવા ના મળઈ તોએસડબ્યુપીમાં રોકાણકારની જ મૂડીમાંથી વળતર આપવામાં આવે છે. સેબીના એમએફ રેગ્યુલેશન્સ મુજબ કોઈપણ મ્યુચ્યુલ ફંડ રિટર્નની ખાતરી આપી શકે નહિ. કેમકે તમામ એમએફે નાણાનું ઈક્વિટી અને ડેટ માર્કેટ્સમાં જ રોકાણ કરવાનું હોય છે. જેમાં એનએવીનો આધાર માર્કેટ્સમાં વધ-ઘટ પર આધારિત હોય છે.
ઉત્પાદન અંદાજ મુજબ રહેશે તો વધુ સુગર નિકાસની શક્યતાં
જો દેશમાં ખાંડનું ઉત્પાદન અંદાજિત 3.36 કરોડ ટન પર પહોંચશે તો ભારત પાસે નિકાસ માટે 10 લાખ ટનનો અધિક જથ્થો પ્રાપ્ય હશે એમ ખાદ્ય મંત્રાલયના સિનિયર અધિકારીએ જણાવ્યું છે. વૈશ્વિક સ્તરે ખાંડનું ઉત્પાદન નીચું રહેવાની શક્યતાં વચ્ચે ભારતમાં હાલમાં ખાંડનું ઉત્પાદન 3.36 કરોડ ટનના કમ્ફર્ટેબલ સ્તરે જોવા મળે છે. ગયા વર્ષ 2021-22માં દેશમાં ખાંડનું ઉત્પાદન 3.59 કરોડ ટન પર રહ્યું હતું. આગામી મહિને દેશમાં ખાંડ ઉત્પાદનનો ચોક્કસ આંકડો પ્રાપ્ય બનશે અને ત્યારબાદ સરકાર નિકાસ માટે વધુ સુગર ક્વોટા અંગે નિર્ણય લેશે એમ તેમણે ઉમેર્યું હતું. ફેબ્રુઆરી સુધીમાં દેશમાં 24.7 લાખ ટન સુગર ઉત્પાદન થઈ ચૂક્યું હતું.
ભારતીય રિટેલ ઉદ્યોગ 2032 સુધીમાં 2 ટ્રિલિયન ડોલરે પહોંચશે
ભારતીય રિટેલ માર્કેટ વિશ્વમાં સૌથી ઝડપે વિકસ રહેલું માર્કેટ છે અને 2032 સુધીમાં તે 2 ટ્રિલીયન ડોલર પર પહોંચવવાની અપેક્ષા હોવાનું રિલાયન્સ રિટેલના ડિરેક્ટર સુબ્રમણ્યમ વીએ જણાવ્યું હતું. 2022માં ભારતનું રિટેલ માર્કેટ 844 અબજ ડોલર હોવાનો અંદાજ હતો. જેમાં અસંગઠિત રિટેલ માર્કેટનો હિસ્સો 87 ટકા જેટલો હતો એમ તેમણે ઉમેર્યું હતું. રિટેલ માર્કેટ વાર્ષિક 10 ટકાના સરેરાશ વૃદ્ધિ દર સાથે વધવાનો અંદાજ છે. જે વિશ્વમાં તેને સૌથી ઝડપથી વિકસતું બજાર બનાવે છે. અસંગઠિત માર્કેટ ખૂબ વિગઠિત હોવા સાથે તેમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીનો અભાવ જોવા મળે છે એમ સુબ્રમણ્યમે ઉમેર્યં હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
એસ્સાર ગ્રૂપઃ એસ્સાર ગ્રૂપ સ્ટીલ સેક્ટરમાં 8 અબજ ડોલરના રોકાણ સાથે ફરી પ્રવેશ કરશે. કંપનીએ આગામી ત્રણથી ચાર વર્ષોમાં 8 અબજ ડોલરના રોકાણ સાથે ત્રણ મેગા પ્રોજેક્ટ્સમાં તેની ફૂટપ્રિન્ટની જાહેરાત કરી છે. જેમાં એક પ્રોજેક્ટ સાઉદી અરેબિયામાં આવેલો હશે. જ્યારે અન્ય બે પ્રોજેક્ટ્સ યુએસએ અને ભારત સ્થિત હશે. જેમાં સાઉદી ખાતે સ્ટીલ પ્લાન્ટ જ્યારે ઓડિશા અને યુએસના મિનેસોટા ખાતે આયર્ન પેલેટ પ્લાન્ટનો સમાવેશ થાય છે.
સેઈલઃ પીએસયૂ સ્ટીલ ઉત્પાદકે સાલેમ સ્ટીલ પ્લાન્ટના ડિસઈન્વેસ્ટમેન્ટને ફેસિલિટેટ કરવાના ભાગરૂપે તેની પાસેની નોન-કોર લેન્ડ તમિલનાડુ સરકારને આપવા માટે સહમતિ દર્શાવી છે. જેના બદલામાં રાજ્ય સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં સહકાર આપશે. સેઈલ તેની પાસેની 1600 એકર જમીનને માર્કેટ રેટ પર વેચશે. જેના ભાગરૂપે તેને રૂ. 2000 કરોડ મળવાની શક્યતાં છે. કંપની પાસેની કુલ 3900 એકર જમીનમાંથી 1700 એકર ડિસઈન્વેસ્ટમેન્ટમાં જશે.
સીએએમએસઃ કમ્પ્યૂટર મેનેજમેન્ટ સર્વિસિઝે એઆઈ અને ડેટા સાયન્સ કંપની થીંક એનાલિટીક્સમાં બહુમતી હિસ્સો ખરીદવા કરાર કર્યાં છે. કંપની થીંક એનાલિટીક્સમાં 55.42 ટકા હિસ્સો ખરીદશે. આ ટ્રાન્ઝેક્શન 10 એપ્રિલ 2023 પહેલાં પૂરું થવાની અપેક્ષા છે. ત્યારબાદ કંપની સીએએમએસની સબસિડિયરી બની રહેશે.
મારુતિ સુઝુકીઃ ટોચની કાર ઉત્પાદકે જણાવ્યું છે કે સેમીકંડક્ટર્સની તંગી આગામી કેટલાંક ક્વાર્ટર્સ સુધી જળવાય રહેવાની શક્યતાં છે. જેને કારણે કેટલાંક મોડેલ્સના ઓર્ડર બેકલોગમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. કંપનીના પેન્ડિંગ બુકિંગ્સ 3.60 લાખ પર જોવા મળે છે. જેમાં અર્ટિગા 94 હજાર સાથે ટોચ પર છે. જ્યારે ગ્રાન્ડ વિટારા અને બ્રેઝા પણ અનુક્રમે 37 હજાર અને 61,500નો ઓર્ડર બેકલોગ જોઈ રહ્યાં છે.
તાતા મોટર્સઃ કંપનીની પ્રિમીયમ કાર ઉત્પાદક સબસિડિયરી જગુઆર લેન્ડ રોવરના યૂકે વેચાણમાં ઉછાળો જોવાયો છે. જેએલઆરે ફેબ્રુઆરીમાં કુલ 1670 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે વર્ષ અગાઉ સમાનગાળામાં કરેલા 1,253 યુનિટ્સની સરખામણીમાં 33 ટકા વૃદ્ધિ દર્શાવું હતું. અહેવાલ પાછળ તાતા મોટર્સનો શેર 3 ટકા ઉછળ્યો હતો.
જેટ એરવેઝઃ કંપનીની ખરીદી કરનાર જાલન-કાલરોક કોન્સોર્ટિયમ 200 વિમાનોનો ઓર્ડર આપવાની વિચારણા કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. એનસીએલએટીએ કંપનીની માલિકીને હસ્તાંતરણ કરવાની છૂટ આપતાં તેઓ નવા વિમાનો ખરીદશે.
જેએસપીએલઃ જિંદાલ સ્ટીલ એન્ડ પાવરે કમર્સિયલ કોલ માઈન ઓક્શન હેઠળ છત્તીસગઢ ખાતે ગારે પાલ્મા સેક્ટર-1(ઈસ્ટ) કોલ માઈન મેળવી છે.
એચએએલઃ પીએસયૂ એરોનોટિક્સ કંપનીએ ઈન્કમ ટેક્સ વિભાગ પાસેથી રિફંડ પેટે રૂ. 570 કરોડ મેળવ્યાં છે. જેમાં રૂ. 164 કરોડની વ્યાજની રકમનો સમાવેશ પણ થાય છે.
કન્સાઈ નેરોલેકઃ પેઈન્ટ કંપનીના બોર્ડે પોલિજેલ પાસેથી નેરોફિક્સમાં 40 ટકા હિસ્સાની ખરીદી માટે મંજૂરી આપી છે. આ હિસ્સો રૂ. 37 કરોડમાં ખરીદવામાં આવશે.