RBIના આશ્ચર્ય પાછળ શેરબજારને રાહત સાંપડી
જોકે નિફ્ટી 17600 પર ટકવામાં નિષ્ફળ
વોલેટિલિટી ઈન્ડેસ 5 ટકા ગગડી 11.78ના સ્તરે
એશિયન બજારોમાં ચીન-હોંગ કોંગ સિવાય નરમાઈ
ઓટો, ફાર્મા, રિઅલ્ટી, એનર્જીમાં મજબૂતી
નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો
આઈટી, એફએમસીજીમાં નરમાઈ
ચોલા ઈન્વેસ્ટમેન્ટ, આઈજીએલ, જેબીએમ ઓટો નવી ટોચે
ઓરિએન્ટ ઈલેક્ટ્રીક, શીપીંગ કોર્પો નવા તળિયે
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્ટરેસ્ટ રેટ વૃદ્ધિમાં ‘પોઝ’ દર્શાવતાં શેરબજારને રાહત સાંપડી હતી અને સતત બીજા દિવસે તેણે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જે સાથે નવા નાણા વર્ષના ચારમાંથી ત્રીજા સત્રમાં તેણે સુધારો નોંધાવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 144 પોઈન્ટ્સ સુધરી 59833ની સપાટીએ જ્યારે નિફ્ટી 42 પોઈન્ટ્સ સુધારે 17599ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખરીદી જળવાય રહેતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. જેમાં નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 30 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં સુધારો દર્શાવતાં હતાં. જ્યારે 20 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3636 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2365 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 20 કાઉન્ટર્સ નેગેટિવ રહ્યાં હતાં. 102 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવ્યું હતું. જ્યારે 36 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ઘટી 11.78ના સ્તરે બંધ રહ્યો હતો.
માત્ર ત્રણ સત્રના સપ્તાહના આખરી સત્રમાં ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, આરબીઆઈએ ચાલુ કેલેન્ડરની બીજી મોનેટરી સમીક્ષા દરમિયાન રેટને સ્થિર જાળવી રાખી સરપ્રાઈઝ આપી હતી. જેની પાછળ બજારને રાહત મળી હતી અને રેટ સેન્સિટીવ સેક્ટર્સમાં ખરીદી પાછળ મજબૂતી જોવા મળી હતી. જોકે, માર્કેટમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગનું દબાણ જોવા મળતું હતું અને બપોરે એક તબક્કે તે ફરી રેડ ઝોનમાં પરત ફર્યું હતું. જોકે, કામકાજની આખરમાં પા ટકા સુધારા સાથે બંધ આપવામાં સફળ રહ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 61 પોઈન્ટ્સના પ્રિમીયમે 17651ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 78 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. જેનો અર્થ ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડ થઈ છે. આગામી સત્રોમાં માર્કેટમાં વધુ નરમાઈની શક્યતાં સૂચવે છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, બજાજ ફાઈનાન્સ, તાતા મોટર્સ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક, એમએન્ડએમ, એચડીએફસી લાઈફ અને બીપીસીએલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એચસીએલ ટેક, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા, ટાઈટન કંપની અને વિપ્રોમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો, ફાર્મા, રિઅલ્ટી, એનર્જીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, એફએમસીજી નરમાઈ દર્શાવતાં હતાં. આરબીઆઈએ રેટ સ્થિર જાળવતાં નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 6.5 ટકા સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત ડીએલએફ, ઓબેરોય રિઅલ્ટી, હેમિસ્ફીઅર, સનટેક રિઅલ્ટી, સોભા અને ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ એક ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં તાતા મોટર્સ 2.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એમએન્ડએમ, અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, ટીવીએસ મોટર પણ મજબૂતી દર્શાવતાં હતાં. જોકે બોશ, અમરરાજા બેટરીઝ અને હીરો મોટોકોર્પ નેગેટિવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ પોણો ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા 2.6 ટકા સુધારા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત બાયોકોન, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, લ્યુપિન પણ મજબૂતી દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં આઈઈએકક્સ 11 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ચોલા ઈન્વેસ્ટમેન્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, એસ્ટ્રાલ, આદિત્ય બિરલા ફેશન, ડીએલએફ, આઈજીએલ, કેન ફિન હોમ્સ અને ઓબેરોય રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, વેદાંત એક્સ ડિવિડન્ડ બનતાં 5 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત ડાબર ઈન્ડિયા, પેજ ઈન્ડસ્ટ્રીઝ, બાટા ઈન્ડિયા, કોફોર્જ, બોશ, એચસીએલ ટેક્નોલોજીમાં પણ નરમાઈ જોવા મળી હતી. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ચોલા ઈન્વેસ્ટમેન્ટ, અનુપમ રસાયણ, આઈજીએલ, જેબીએમ ઓટો, ફિનોલેક્સ કેબલ્સ, સોનાટા, એનસીસી અને લિંડે ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. જ્યારે 52-સપ્તાહનું તળિયું દર્શાવનારાઓમાં ઓરિએન્ટ ઈલેક્ટ્રીક, શીપીંગ કોર્પોરેશન, વી-માર્ટ રિટેલ અને આદિત્ય બિરલા ફેશનનો સમાવેશ થતો હતો.
2022-23માં 12-વર્ષનો સૌથી ઊંચો ક્રેડિટ ગ્રોથ જોવા મળ્યો
ગયા નાણા વર્ષ દરમિયાન વાર્ષિક 15 ટકા ક્રેડિટ વૃદ્ધિ નોંધાઈ
2011-12 પછી ગયા વર્ષે સૌથી ઊંચો ક્રેડિટ ગ્રોથ જોવા મળ્યો હતો
ગયા નાણા વર્ષ 2022-23માં વાર્ષિક 15 ટકાના દરે ક્રેડિટ વૃદ્ધિ જોવા મળી હતી. જે 2021-22માં 9.6 ટકા પર હતી એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા જણાવે છે. નાણા વર્ષ 2011-12 પછી ગયા વર્ષે સૌથી ઊંચો ક્રેડિટ ગ્રોથ જોવા મળ્યો હતો એમ કેન્દ્રિય બેંકનો ડેટા સૂચવે છે.
અગાઉ 2011-12માં ક્રેડિટ ગ્રોથ 19.3 ટકા પર નોંધાયો હતો. જ્યારબાદ મોટેભાગે એક-અંકી ક્રેડિટ વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. કોવિડના સમયગાળા દરમિયાન તે દાયકાના તળિયા પર નોંધાયો હતો. જોકે, પછીના સમયગાળામાં તેમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં બેઝ ઈફેક્ટ પણ એક કારણ હતી. 2022-23માં ડિપોઝીટ્સમાં 9.58 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે અગાઉના નાણા વર્ષ દરમિયાન 8.9 ટકા પર જોવા મળી હતી. આરબીઆઈ ડેટા સૂચવે છે કે ગયા વર્ષે ક્રેડિટ વિતરણની સરખામણીમાં બેંક્સ તરફથી ડિપોઝીટ મોબિલાઈઝેશનનું પ્રમાણ ઘણું નીચું જોવા મળ્યું હતું. 2022-23માં બેંકોએ ડિપોઝીટ્સ મારફતે રૂ. 15.78 લાખ કરોડ ઊભાં કર્યાં હતાં. જે 2021-22માં જોવા મળેલી રૂ. 13.51 લાખ કરોડની ડિપોઝીટ્સની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. જોકે વર્ષ દરમિયાન ક્રેડિટ વધીને રૂ. 17.83 લાખ કરોડ પર જોવા મળી હતી. જે 2021-22માં રૂ. 10.43 લાખ કરોડની સરખામણીમાં તીવ્ર ઉછાળો દર્શાવે છે. બેંકર્સના જણાવ્યા મુજબ સમગ્ર 2022-23 દરમિયાન ક્રેડિટ ઓફટેક મજબૂત જળવાય રહી હતી. જોકે, સેન્ટ્રલ બેંકર્સ તરફથી વિશ્વભરમાં મોનેટરી ટાઈટનીંગને કારણે વધારાના લિક્વિડિટી સ્રોત મેળવવામાં પરેશાનીનો સામનો કરવાનો બન્યો હતો. આરબીઆઈના શેડ્યૂલ્ડ બેંક્સ માટેના સ્ટેટમેન્ટ પરથી જોઈએ તો દેશમાં 24 માર્ચ 2023ની આખરમાં આઉટસ્ટેન્ડિંગ ક્રેડિટ રૂ. 136.75 લાખ કરોડ હતી. જે 25 માર્ચ 2022ની આરમાં રૂ. 118.91 લાખ કરોડ પર હતી. આમ ક્રેડિટમાં રૂ. 17 લાખ કરોડથી વધુની નેટ વૃદ્ધિ નોંધાઈ હતી. બેંક્સે ઊંચી ક્રેડિટ માગને પહોંચી વળવા માટે ડિપોઝીટ્સ પર રેટને લઈ સ્પર્ધાનો સામનો કરવાનો બન્યો હતો. જેમકે એક-વર્ષ માટે ટર્મ ડિપોઝીટ્સ પરનો રેટ માર્ચ 2022માં 5-5.6 ટકાની રેંજથી વધી માર્ચ 2023ની આખરમાં 6-7.25 ટકા પર જોવા મળ્યો હતો. જે એકથી સવા ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જોકે સેવિંગ્ઝ ડિપોઝીટ રેટમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો અને તે માર્ચ 2020 અને માર્ચ 2023 વચ્ચે 2.7-3 ટકાની રેંજમાં જળવાયો હતો. નાણા વર્ષ દરમિયાન રિઝર્વ બેંકે રેપો રેટમાં 2.5 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જે છેલ્લાં દસ વર્ષોથી વધુ સમયગાળામાં સૌથી ઝડપી વૃદ્ધિ હતી.
શાપુરજી પાલોનજી જૂથ તાતા સન્સનો હિસ્સો પ્લેજ કરી 1.75 અબજ ડોલર ઊભા કરશે
તાતા સન્સમાં સૌથી મોટા સિંગલ શેરધારક એવા શાપુરજી પાલોનજી(એસપી) જૂથે તેની પાસે પડેલા પ્લેજ વિનાના હિસ્સાને પ્લેજ કરી 1.75 અબજ ડોલર ઊભા કરવા માટે મંત્રણા હાથ ધરી હોવાનું વર્તુળો જણાવે છે. આ નાણાનો ઉપયોગ જૂથ તેની ડેટ જવાબદારીઓને હળવી કરવા માટે તથા તેની કાર્યરત કંપનીઓમાં નવા રોકાણ માટે કરશે એમ જાણકારોનું કહેવું છે.
જૂથ અત્યાર સુધીમાં તાતા સન્સમાં તેની પાસે રહેલા 18.37 ટકા હિસ્સામાંથી 9 ટકા હિસ્સાને પ્લેજ કરી ચૂક્યું છે. નવા પ્લેજ પછી જૂથ તેની પાસે રહેલા સમગ્ર હિસ્સાનું પ્લેજિંગ ધરાવશે. જૂથ પાસેના તાતા સન્સના હિસ્સાનું વર્તમાન વેલ્યૂએશન રૂ. 94 હજાર કરોડ જેટલુ થાય છે. જૂથ બે વિદેશી બેંક્સ સહિત કેટલાંક ઓવરસિઝ હેજ અને ક્રેડિટ ફંડ્સ પાસે તાતા સન્સના હિસ્સાને પ્લેજ કરશે. મિસ્ત્રી પરિવારની કંપની સાયરસ ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લિ.(સીઆઈપીએલ) તરફથી ઝીરો-કૂપન પેમેન્ટ-ઈન-કાઈન્ડ(પીઆઈકે) લોન ઊભી કરવામાં આવશે અને તેનું અગાઉની નિર્ધારિત મૂલ્ય પર પાકતી મુદતે રિપેમેન્ટ કરવામાં આવશે. મેચ્યોરિટી સમયગાળો લગભગ ત્રણ વર્ષનો રહેશે. જાણકાર વર્તુળના કહ્યાં મુજબ આ માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને ડોઈશે બેંકની નિમણૂંક કરી છે. જ્યારે અન્ય લેન્ડર્સ પણ ટ્રાન્ઝેક્શનમાં ભાગ લેવા માટે ચર્ચા-વિચારણામાં છે. જેમાં વિદેશી હેજ ફંડ્સ તથા ક્રેડિટ ફંડ્સનો સમાવેશ થાય છે.
સરકારની મર્યાદિત પ્રમાણમાં બટર, ઘી આયાત કરવાની વિચારણા
આયાત માટે કોઈ સબસિડી નહિ અપાય તેમજ સ્થાનિક પેદાશની નીચા ભાવે વેચાણ નહિ કરવામાં આવે
કેન્દ્ર સરકાર દેશમાં મર્યાદિત પ્રમાણમાં કેટલીક ડેરી પ્રોડક્ટ્સની આયાત માટે વિચારી રહી છે. જેમાં બટર અને ઘીનો સમાવેશ થાય છે. દેશમાં સ્થાનિક સપ્લાયની સ્થિતિમાં સુધારા માટે સરકાર કોઈપણ પ્રકારની સબસિડી આપ્યાં વિના આમ કરવા વિચારી રહી છે. દેશમાં દૂધની માગમાં 8-10 ટકા વૃદ્ધિ સામે ઉત્પાદનમાં સ્થિરતાની ધારણા પાછળ આ વિચારણા ચાલી રહી છે.
કેન્દ્રિય પશુ સંવર્ધન અને ડેરી સચિવ રાજેશ કુમાર સિંઘે જણાવ્યં હતું કે સરકાર બટર અને ઘી જેવા ડેરી પેદાશોની આયાત માટે દરમિયાનગીરી કરી શકે છે. જોકે, આ અંગે આખરી નિર્ણય લેતાં અગાઉ તે દક્ષિણના રાજ્યોમાં દૂધના જથ્થાને સ્થિતિને લઈ મૂલ્યાંકન કરશે અને પછી જ કોઈ નિર્ણય લેશે. જોકે, વર્તુળોના જણાવ્યા મુજબ ચાલુ ઉનાળા દરમિયાન સપ્લાયમાં સુધારણા માટે આમ વિચારાઈ રહ્યું છે અને સરકારે આયાત માટે લગભગ મન બનાવી લીધું છે. ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ આયાતમાં કોઈ સબસિડી આપવામાં નહિ આવે તેમજ આયાતી પ્રોડક્ટ્સના વેચાણ ભાવ સ્થાનિક પેદાશ કરતાં નીચા નહિ હોય. સરકારી એજન્સી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(એનડીડીબી) તરફથી તેની આયાત કરવામાં આવશે અને સહકારી સંસ્થાઓ તરફથી તેનું વેચાણ કરાશે. અગાઉ ભારતે 2011માં ડેરી પ્રોડક્ટ્સની આયાત કરી હતી. 2021-22માં દેશમાં દૂધનું ઉત્પાદન 6.25 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું અ 22.1 કરોડ ટન પર જોવા મળ્યું હતું. જે અગાઉના વર્ષે 20.8 કરોડ ટન પર હતું. જોકે 2022-23માં દૂધનું ઉત્પાદન સ્થિર રહ્યું હતું અથવા તો 1-2 ટકા જેટલું વધ્યું હતું. જેની સામે મહામારી પછી દેશમાં દૂધની માગ 8-10 ટકાના દરે વધતી જોવા મળી છે. દેશમાં દૂધની કુલ ખરીદીમાં 30 ટકા હિસ્સો સહકારી ડેરી ક્ષેત્રનો રહેલો છે. જેમણે પ્રોસેસિંગ 1-2 ટકા વૃદ્ધિ નોંધાવી છે. જ્યારે ખાનગી અને અસંગઠિત ડેરી કંપનીઓએ પ્રોસેસિંગમાં સ્થિરતા અનુભવી છે.
ઓક્ટોબર-માર્ચમાં ખાંડ ઉત્પાદનમાં 3 ટકા ઘટાડો
દેશમાં વર્તમાન સિઝનમાં સુગર ઉત્પાદનમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર 2022થી શરુ થયેલાં સુગર વર્ષના પ્રથમ છ મહિનામાં ખાંડનું ઉત્પાદન 29.96 લાખ ટન પર જોવા મળ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 30.99 લાખ ટન પર હતું એમ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન(ઈસ્મા) જણાવે છે. જો એક અન્ય સંસ્થા નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેક્ટરીઝના મતે ઓક્ટોબર-માર્ચના છ મહિનામાં ખાંડનું ઉત્પાદન 4 ટકા ગગડી 29.87 લાખ ટન પર રહ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 31.12 લાખ ટન પર હતું. બંને ઉદ્યોગ સંસ્થાઓના મતે 337-338 મિલ્સે હાલમાં તેમની ઉત્પાદન કામગીરી બંધ કરી છે. જ્યારે 194 ફેક્ટરીઝ હજુ પણ કાર્યરત છે. ગયા વર્ષે સમાનગાળામાં 366 મિલ્સ કાર્યરત હતી. ચાલુ વર્ષે દેશમાં સુગર ઉત્પાદન 3.4 કરોડ ટન રહેવાનો અંદાજ ઈસ્મા મૂકી રહી છે.
લેબ-ગ્રોન ડાયમંડની નિકાસમાં 51 ટકા વૃદ્ધિ નોંધાઈ
દેશમાંથી લેબ ગ્રોન ડાયમંડ(LGD)ની નિકાસમાં કેલેન્ડર 2022માં 51 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. 2021માં 117.87 કરોડ ડોલરની સામે 2022માં એલજીડીની નિકાસ 178 કરોડ ડોલર પર રહી હતી. 2019 અને 2022માં ભારતમાંથી એલજીડીની નિકાસ અનુક્રમે 44.55 કરોડ ડોલર અને 53.23 કરોડ ડોલર પર જોવા મળી હતી. એલજીડી એ નેચરલ ડાયમંડ્સ સામે એક સસ્તો વિકલ્પ પૂરો પાડે છે. તે નેચરલ ડાયમંડને સમાન કેમિકલ અને ઓપ્ટીકલ પ્રોપર્ટીઝ ધરાવે છે. એલજીડીના ઊંચા ઉત્પાદન પાછળ ખર્ચમાં ઘટાડો થાય છે અને ભારતીય ડાયમંડ માર્કેટના વિસ્તરણ માટે તે જરૂરી છે.
પાકને લઈ ચિંતા પાછળ જીરાંના ભાવ ફરી રૂ. 37000 પર પહોંચ્યાં
એનસીડેક્સ ખાતે મે ડિલિવરી વાયદો ગુરુવારે રૂ. 37400ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો
મસાલા પાક જીરાનાં ભાવમાં કેટલાંક સમય પૂરતાં વિરામ પછી ફરીથી ભાવમાં તેજી જોવા મળી છે. દેશમાં જીરું ઉત્પાદન કરતાં બે મોટા પ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના કેટલાં વિસ્તારોમા કમોસમી વરસાદને લઈ પાકને લઈ નવેસરથી ચિંતા ઊભી થઈ છે. જેની પાછળ ભાવ બે મહિના બનેલી રૂ. 36000 પ્રતિ ક્વિન્ટલની ટોચ નજીક પહોંચ્યાં છે.
રાજસ્થાનમાં જીરું પકવતાં વિસ્તારો જેવાકે અલવર, જેસલમેર, બિકાનેર, જયપુર, ભિલવારા અને બારમેડ જિલ્લાઓમાં ફરીથી કમોસમી વરસાદ નોંધાયો છે. જેને કારણે પાકની સ્થિતિને લઈ ચિંતા ઊભી થઈ છે. નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ(એનસીડેક્સ) ખાતે એપ્રિલ ડિલીવરી જીરા ફ્યુચર્સનો ભાવ ગુરુવારે રૂ. 37000ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારે મે ડિલિવરી કોન્ટ્રેક્ટ રૂ. 37400ની ટોચ પર જોવા મળ્યો હતો. બંને ફ્યુચર્સ 1.5 ટકાથી વધુ મજબૂતી દર્શાવતાં હતાં. ડિસેમ્બર 2022માં રૂ. 25085ના ભાવની સરખામણીમાં વર્તમાન ભાવ 49 ટકા મજબૂતી દર્શાવી રહ્યાં છે. એશિયામાં જીરાંના સૌથી મોટા પીઠા ઊંઝા ખાતે હાલમાં નવા પાકની 22-25 હજાર બેગ્સની આવક જોવા મળે છે. ભાવમાં મજબૂતી પાછળ જે ખેડૂતોએ વહેલો પાક લઈ લીધો છે તેમને સારો લાભ મળી રહ્યો છે. ઊંઝા સ્થિત વેપારીઓના મતે માવઠાંને કારણે જીરાંના પાકને 15 ટકા જેટલું નુકસાન થયાંનો અંદાજ છે. જેમાં મોટાભાગનું નુકસાન રાજસ્થાનમાં થયું છે. કેમકે ત્યાં વાવેતર મોડું થવાના કારણે પાક ખેતરમાં ઊભો હતો. જ્યારે ગુજરાતમાં મોટાભાગના વાવેતર વિસ્તારોમાં પાક લેવાઈ ચૂક્યો હતો. જોકે રાજ્યમાં પાકની ક્વોલિટીમાં બગાડ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને ઉતારા પણ ઓછા બેઠાં છે. જીરાના પાક માટે ભેજવાળું અથવાતો વાદળછાયું વાતાવરણ પ્રતિકૂળ બનતું હોય છે. જેને કારણે દાણાનો રંગ કાળો પડી જાય છે. જે પાકમાં બગાડ સૂચવે છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સે ગયા ફેબ્રુઆરીમાં 2022-23 માટે 3.84 લાખ ટન(69.96 લાખ ગુણી) પાકનો અંદાજ મૂક્યો હતો. જે ગયા વર્ષે 3.01 લાખ ટનની સરખામણીમાં 28 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સંસ્થાએ ગુજરાત અને રાજસ્થાનમાં વાવેતરમાં 13 ટકા વૃદ્ધિ ગણનામાં લીધી હતી. જ્યારે ગયા વર્ષની સરખામણીમાં યિલ્ડ 13.2 ટકા વધુ રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
હિંદાલ્કોઃ આદિત્ય બિરલા જૂથ કંપનીએ વૈશ્વિક આર્થિક પરિબળોને જોતાં તેના મૂડી ખર્ચ પ્લાનમાં ઘટાડો કર્યો છે. કંપનીના વિદેશી એકમના કેશ ફ્લો અને માર્જિન પર અસરની સંભાવના પાછળ હવે તે યુએસ સ્થિત સબસિડિયરી નોવેલીસમાં 3.3 અબજ ડોલરના પ્રોજેક્ટ્સને પ્રાથમિક્તા આપશે. કંપની તબક્કાવાર રીતે આ હાથ ધરશે.
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જિનીયરીંગ કંપનીએ પશ્ચિમ એશિયામાં રૂ. 7000 કરોડના મૂલ્યના બહુવિધ કોન્ટ્રેક્ટ્સ મેળવ્યાં છે. જેમાં વિવિધ નવી ઓફશોર ફેસિલિટીઝના એન્જીનીયરીંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ઈન્ટિગ્રેશન તથા વર્તમાન ઈન્સ્ટોલેશન્સના ઈન્ટિગ્રેશનનો સમાવેશ થાય છે એમ કંપનીએ જણાવ્યું છે.
ઈક્વિટાસ એસએફબીઃ સ્મોલ ફાઈનાન્સ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5917 કરોડનું લોન વિતરણ કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 80 ટકા અને ત્રિમાસિક ધોરણે 23 ટકા ઊંચું હતું. બેંકની ડિપોઝીટ્સ વાર્ષિક 34 ટકા વધી રૂ. 25381 કરોડ પર જોવા મળી હતી.
તાતા સ્ટીલઃ કંપનીએ 2022-23માં ભારત ખાતે 1.99 કરોડ ટન સાથે વિક્રમી ક્રૂડ સ્ટીલ ઉત્પાદન દર્શાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 3 ટકા વૃદ્ધિ સૂચવે છે. માર્ચ ક્વાર્ટરમાં તેણે 51.5 લાખ ટન ઉત્પાદન દર્શાવ્યું હતું. જે અગાઉના વર્ષે 49 લાખ ટન ઉત્પાદનની સરખામણીમાં 5.1 ટકા વાર્ષિક વૃદ્ધિ સૂચવે છે.
એલઆઈસીઃ દેશમાં સૌથી મોટી જીવન વીમા કંપની નાણા વર્ષ 2023-24માં ઈક્વિટીમાં રૂ. 3 લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની યોજના ધરાવે છે. જે ગયા વર્ષની સરખામણીમાં વાર્ષિક 30 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. એલઆઈસી દેશના શેરબજારમાં સૌથી ઊંચું રોકાણ ધરાવે છે. જ્યારે તે સૌથી મોટી ડીઆઈઆઈ છે.
જેએસડબલ્યુ ગ્રૂપઃ જૂથના એમડી અને ગ્રૂપ સીએફઓ સેશાગીરી રાવે રાજીનામું આપ્યું છે. તેઓ કોંગ્લોમેરટ સાથે 25 વર્ષથી વધુ સમયથી સેવામાં જોડાયેલા હતાં. તેમણે 1997માં સીએફઓ તરીકે કામગીરી શરૂ કરી હતી. પાછળથી એમડી બન્યાં હતાં.
તાતા મોટર્સઃ સેમીકંડક્ટર્સના સપ્લાયમાં રાહત પાછળ તાતા મોટર્સની જેએલઆરના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. લક્ઝરી કાર ઉત્પાદકે માર્ચ ક્વાર્ટરમાં 1,02,889 યુનિટ્સનું રિટેલ વેચાણ દર્શાવ્યું હતું. જે ગયા વાર્ષિક ધોરણે 30 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે ત્રિમાસિક ધોરણે 21 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું હોલસેલ વોલ્યુમ વાર્ષિક ધોરણે 24 ટકા વધી 94,649 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જ્યારે ત્રિમાસિક ધોરણે 19 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
આરવીએનએલઃ રેલ્વે કંપની ઉત્તર-મધ્ય રેલ્વેના રૂ. 121 કરોડના મૂલ્યના પ્રોજેક્ટ માટે સૌથી નીચા બીડર તરીકે ઉભરી આવી છે.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસિઝ કંપનીએ કન્ટેન્ટ, એન્ટરપ્રાઈઝ અને પ્રોડક્ટ્સ એપ્લિશન્સને લઈ ઈન્ફો સર્વિસિઝ પૂરી પાડવા માટે લેક્સિસનેક્સિસ સાથે જોડાણ કર્યું છે.
એવન્યૂ સુપરમાર્ટ્સઃ ડી-માર્ટ રિટેલ સ્ટોર્સની માલિકક કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં કામગીરીમાંથી રૂ. 10,337.12 કરોડની સ્ટેન્ડઅલોન રેવન્યૂ નોંધાવી છે. જે વાર્ષિક ધોરણે 20 ટકા વૃદ્ધિ દર્શાવે છે.