Market Summary 06/05/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


શેરબજારમાં રેંજ બાઉન્ડ ટ્રેડઃ ઊંચા મથાળે થાક ખાતું બજાર
નિફ્ટી 22400નો મહત્વનો સપોર્ટ જાળવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 14 ટકા ઉછળી 16.60ના સ્તરે બંધ
આઈટી, એફએમજીસી, ફાર્મા, રિઅલ્ટીમાં તેજી
એનર્જી, મેટલ, મિડિયા, બેંકિંગમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ
ગોદરેજ પ્રોપર્ટી, એબીબી, સિમેન્સ, દિપક નાઈટ્રેટ નવી ટોચે
ઝી એન્ટર. નવા તળિયે
શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત ફ્લેટ જોવા મળી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ ગ્રીન બંધ દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી નેગેટિવ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવ્યાં પછી સેન્સેક્સ 17 પોઈન્ટ્સ સુધારા સાથે 73896ની સપાટીએ જ્યારે નિફ્ટી 33 પોઈન્ટ્સ ઘટાડે 22443ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં નરમાઈ જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ નેગેટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 4093 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2726 નેગેટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1207 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 242 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 26 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.
સોમવારે એશિયન બજારોમાં મહદઅઁશે પોઝીટીવ ટ્રેન્ડ પાછળ ભારતીય બજારે પણ ગેપઅપ ઓપનીંગ નોંધાવ્યું હતું. જોકે, વેચવાલીના દબાણમાં બેન્ચમાર્ક નેગેટિવ ઝોનમાં ચાલ્યો ગયો હતો અને ત્યારપછી નાની રેંજમાં અથડાયો હતો. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે 22589ની ટોચ જ્યારે 22409નું તળિયું દર્શાવ્યું હતું. બેન્ચમાર્કને 22400નો મહત્વનો સપોર્ટ હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. તેમના મતે આ લેવલના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. જો આ લેવલ તૂટશે તો માર્કેટમાં વધુ ઘટાડો સંભવ છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બ્રિટાનિયા, કોટક મહિન્દ્રા બેંક, ટીસીએસ, એચયૂએલ, એમએન્ડએમ, સન ફાર્મા, એલટીઆઈમાઈન્ડટ્રી, ટેક મહિન્દરા, ઈન્ડસઈન્ડ બેંક, એચસીએલ ટેક, એપોલો હોસ્પિટલ, જેએસડબલ્યુ સ્ટીલ, ઈન્ફોસિસ, તાતા સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટાઈટન કંપની, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, એસબીઆઈ, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, એચડીએફસી લાઈફ, શ્રીરામ ફાઈનાન્સ, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પો., હિંદાલ્કો અને ગ્રાસિમમાં વેચવાલી જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો નિફ્ટી રિઅલ્ટી 2.8 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેમાં ગોદરેજ પ્રોપર્ટીઝ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, સોભા, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, ડીએલએફમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી એમએફસીજી પણ 0.7 ટકા મજબૂતી સૂચવતો હતો. જેમાં બ્રિટાનિયા અને એચયૂએલનું યોગદાન મુખ્ય હતું. આ ઉપરાંત, નિફ્ટી આઈટી પણ લગભગ એક ટકા સુધારો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી ફાર્મા 0.4 ટકા પોઝીટીવ બંધ રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ગોદરેજ પ્રોપર્ટીઝ, બ્રિટાનિયા, કોટક મહિન્દ્રા બેંક, આલ્કેમ લેબ, દિપક નાઈટ્રેટ, એબીબી ઈન્ડિયા, સિમેન્સ, મેરિકો, ઝાયડસ લાઈફ, ગુજરાત ગેસ, જ્યુબિલિઅન્ટ ફૂડ, કોલગેટ, ટીસીએસ, એસ્ટ્રાલ, એચયૂએલ, લ્યુપિનમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, પાવર ફાઈનાન્સ, આરઈસી, ટાઈટન કંપની, પીએનબી, કેનેરા બેંક, ભેલ, ઝી એન્ટર., અદાણી એન્ટર., એપોલો ટાયર્સ, આરબીએલ બેંક, એચપીસીએલ, બેંક ઓફ બરોડા, બીપીસીએલ, એલઆઈસી હાઉસિંગ, વોડાફોન આઈડિયા, સેઈલ, વોલ્ટાસ, કોલ ઈન્ડિયા, ગેઈલમાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ગોદરેજ પ્રોપર્ટીઝ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, રેન્બો ચાઈલ્ડ, પ્રેસ્ટીજ એસ્ટેટ, સુપ્રીમ ઈન્ડ., આશાહી ઈન્ડિયા, સ્ટર્લિંગ વિલ્સન, દિપક નાઈટ્રેટ, એબીબી ઈન્ડિયા, પિરામલ ફાર્મા, સીડીએસએલ, સિમેન્સ, જિંદાલ સો, ફોર્ટિસ હેલ્થકેર, યુનાઈટેડ સ્પિરિટ્સનો સમાવેશ થતો હતો. જ્યારે ઝી એન્ટર. વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
ચૂંટણીને લઈ વોલેટિલિટીની સંભાવના પાછળ ઈન્ડિયા VIX ઉછળીને 16.5 પર પહોંચ્યો
લેવરેજ્ડ પોઝીશન્સમાં સાવચેતી દાખવવાનું સૂચન
ચૂંટણીના ત્રીજા તબક્કાના આગલા દિવસે ભારતીય શેરબજારમાં વોલેટિલિટીના માપદંડ સમાન ઈન્ડિયા વિક્સ સોમવારે 15 ટકા ઉછળી 16.58ની સપાટીએ ટ્રેડ થયો હતો. જેને લઈ એનાલિસ્ટ્સે લેવરેજ્ડ પોઝીશન્સને લઈ સાવચેતી દાખવવા ચેતવણી આપી હતી. અગાઉ 23 એપ્રિલે 9.85ના પાંચ-મહિનાના તળિયા પર પહોંચેલા વિક્સમાં તીવ્ર બાઉન્સ નોંધાયો છે. સામાન્ય રીતે લોકસભા ચૂંટણી અગાઉ વિક્સમાં વૃદ્ધિ જોવા મળતી હોય છે.
નિષ્ણાતોના મતે પેનિકની શક્યતાં નથી પરંતુ લેવરેજ્ડ પોઝીશનમાં ઘટાડો કરવો જરૂરી છે. તેમજ ફસાઈ ના જવાય તે માટે હેજિંગનો ઉપયોગ કરવો જરૂરી છે. વિક્સમાં વધુ વૃદ્ધિ ટૂંકાગાળામાં માર્કેટમાં નરમાઈનું કારણ બની શકે છે એમ ટેકનિકલ એનાલિસ્ટ જણાવે છે. ઊંચો વિક્સ બ્રોડ ઈન્ડેક્સમાં નરમાઈનો સંકેત છે એમ તેઓ જણાવે છે. ઓપ્શન ડેટા પુટ ઓપ્શનમાં વૃદ્ધિ સૂચવે છે. નિફ્ટી 50ના કોલમાં સૌથી ઊંચું ઓપન ઈન્ટરેસ્ટ જોવા મળે છે. જે કોલ રાઈટિંગ દર્શાવે છે. આમ, ટેકનિકલ સેટ-અપ નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગની સ્થિતિ સૂચવે છે.


ઈન્ડિયન બેંકનો માર્ચ ક્વાર્ટર નફો 55 ટકા ઉછળી રૂ. 2247 કરોડ પર નોંધાયો
કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમમાં 9 ટકા વૃદ્ધિ જોવા મળી

જાહેર ક્ષેત્રની ઈન્ડિયન બેંકે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 2247 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1447 કરોડ પર જોવા મળતો હતો. આમ, નફામાં વાર્ષિક 55 ટકાનો ઉછાળો નોંધાયો છે. બેંકની કુલ આવક વધીને રૂ. 16887 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14,238 કરોડ પર નોંધાઈ હતી.
બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 9 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6015 કરોડ પર નોંધાઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5508 કરોડ પર હતી. સમગ્ર નાણા વર્ષ 2023-24 માટે કંપનીનો નેટ પ્રોફિટ 53 ટકા ઉછળી રૂ. 8063 કરોડ રહ્યો હતો. જે અગાઉના વર્ષે રૂ. 5282 કરોડ પર હતો. કંપનીની કુલ આવક પણ અગાઉના વર્ષના રૂ. 52085 કરોડ પરથી વધી રૂ. 63,482 કરોડ પર રહી હતી. સોમવારે ઈન્ડિયન બેંકનો શેર 1.44 ટકા ઘટાડે રૂ. 536 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.


મેરિકોનો નફો 5 ટકા વધી રૂ. 318 કરોડ પર જોવા મળ્યો
કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 6.5નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું
એફએમસીજી કંપની મેરિકો લિમિટેડે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 318 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 302 કરોડના નફા સામે 5.3 ટકા વૃદ્ધિ સૂચવે છે. ત્રિમાસિક ધોરણે જોઈએ તો કંપનીનો નફો 16 ટકા ઘટાડો સૂચવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 383 કરોડનો નફો દર્શાવ્યો હતો. 
કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ 1.7 ટકા વધી રૂ. 2278 કરોડ પર જોવા મળી હતી. જે વાર્ષિક ધોરણે રૂ. 2240 કરોડ પર નોંધાઈ હતી. ત્રિમાસિક ધોરણે આવક 5.9 ટકા ઘટાડો દર્શાવતી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં આવક રૂ. 2422 કરોડ પર જોવા મળી હતી. કંપનીનો એબિટા માર્ચ ક્વાર્ટરમાં રૂ. 442 કરોડ પર રહ્યો હતો. જે 12.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે એબિટા માર્જિન 190 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 19.4 ટકા પર જોવા મળ્યાં હતાં.
સમગ્ર નાણાકિય વર્ષ માટે કંપનીએ રૂ. 1502 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો હતો. જે અગાઉના વર્ષના રૂ. 1322 કરોડના નફા સામે 13.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ જોકે, અગાઉના વર્ષની રૂ. 9764 કરોડ સામે એક ટકા ઘટી રૂ. 9653 કરોડ પર રહી હતી.
કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 6.5ના ઈન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. અગાઉ ઓક્ટોબર, 2023માં પણ રૂ. 3 પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. સોમવારે કંપનીનો શેર 2.93 ટકા મજબૂતી સાથે રૂ. 532ની સપાટીએ બંધ રહ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage