બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં બીજા દિવસે બાઉન્સઃ સેન્સેક્સ 75000- નિફ્ટી 22800ને પાર કરી ગયાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 11 ટકા ગગડી 16.80ના સ્તરે બંધ
નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો
પીએસઈ, મેટલ, એનર્જી, રિઅલ્ટી, મિડિયામાં મોટો ઉછાળો
પ્રાઈવેટ બેંક, એફએમસીજી, ફાર્મામાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં ભારે ખરીદી
યુનો મિંડા, બાયોકોન, મિંડા કોર્પ, એનસીસી, એક્સાઈડ ઈન્ડ. નવી ટોચે
શેરબજારમાં સતત બીજા સત્રમાં બાઉન્સ જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 692 પોઈન્ટ્સ ઉછળી 75074ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફઅટી 201 પોઈન્ટ્સની વૃદ્ધિ સાથે 22821ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ ભારે ખરીદી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. બીએસઈ ખાતે કુલ 3945 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 3009 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 834 કાઉન્ટર્સે નેગેટીવ બંધ દર્શાવ્યું હતું. કુલ 131 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 40 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 11 ટકા ગગડી 16.80ના સ્તરે બંધ રહ્યો હતો.
એનડીએની એનડીએ ગઠબંધનના બે મુખ્ય સહયોગીઓએ નવી સરકાર બનાવવા માટે ભાજપ સાથે જોડાણ કરવાનું વચન આપ્યું હોવાથી બજારે ચૂંટણીના દિવસે થયેલા નુકસાનના લગભગ 70 ટકા રિકવરી દર્શાવી છે. રોકાણકારોમાં પરિણામોને દિવસે સ્થિર સરકારને લઈ ઊભી થયેલી ચિંતા ઘણી ખરી દૂર થઈ છે.
વૈશ્વિક બજારોમાં તેજી પાછળ ગુરુવારે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવતું હતું. ઈન્ટ્રા-ડે બે બાજુની વધ-ઘટ વચ્ચે તેણે સતત પોઝીટીવ ઝોનમાં ટ્રેડ દર્શાવ્યો હતો. નિફ્ટીએ 22,910ની ટોચ બનાવી હતી. જ્યારે 22800ની ઉપર બંધ આપ્યું હતું. નિફ્ટી ફ્યુચર 112 પોઈન્ટ્સના પ્રિમીયમમાં બંધ રહ્યો હતો. જે શોર્ટ કવરિંગ સૂચવે છે. ટ્રેડર્સ 22500ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે.
નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં ગુરુવારે એચસીએલ ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ, શ્રીરામ ફાઈનાન્સ, એસબીઆઈ, આઈશર મોટર્સ, ઈન્ફોસિસ, કોલ ઈન્ડિયા, એનટીપીસી, એલટીઆઈમાઈન્ડટ્રી, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ટીસીએસ, લાર્સન, વિપ્રો, ભારતી એરટેલ, ઓએનજીસી, તાતા સ્ટીલ, મારુતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હિંદાલ્કો, હીરો મોટોકોર્પ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, એમએન્ડએમ, સિપ્લા, ઈન્ડસઈન્ડ બેંક, ડિવિઝ લેબ્સ, એક્સિસ બેંક, સન ફાર્મા, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યૂમરમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો નિફ્ટી પીએસઈ, નિફ્ટી મેટલ, નિફ્ટી પીએસયૂ બેંક, નિફ્ટી એનર્જી, રિઅલ્ટી, મિડિયામાં 3-5 ટકા ઉછાળો નોંધાયો હતો. જ્યારે પ્રાઈવેટ બેંક, એફએમસીજી, ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો બાયોકોન, ભેલ, એક્સાઈડ ઈન્ડ., હિંદુસ્તાન એરોનોટીક્સ, આરઈસી, ગેઈલ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, એબી કેપિટલ, કોન્કોર, આઈઆરસીટીસી, ઓરેકલ ફાઈ., આદિત્ય બિરલા ફાઈનાન્સ, પાવર ફાઈનાન્સ, મણ્ણાપુરમ ફાઈ., ઈન્ડિયા સિમેન્ટ્સ, ભારત ઈલે., હિંદ કોપરમાં ભારે ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, સન ટીવી નેટવર્ક, હિંદાલ્કો, પિડિલાઈટ ઈન્ડ, હીરો મોટોકોર્પ, એચયૂએલ, એશિયન પેઈન્ટ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર, અબોટ ઈન્ડિયા, જ્યુબિલિઅન્ટ ફૂડમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં યૂનો મિંડા, એજિસ લોજિસ્ટીક્સ, ઝેનસાર ટેક, બાયોકોન, મિંડા કોર્પ, ફિનોલેક્સ કેબલ્સ, એનસીસી, એક્સાઈડ ઈન્ડ., પ્રેસ્ટીજ એસ્ટેટ, હેપ્પી ફોર્જિંગ્સ, એકિસ લાઈફ, આદિત્ય બિરલા ફાઈનાન્સ, અમરરાજા બેટરીઝનો સમાવેશ થતો હતો.
ITC શેરધારકોએ હોટલ બિઝનેસને ડિમર્જર કરવા માટે આપેલી મંજૂરી
99.6 ટકા શેરધારકોએ હોટલ બિઝનેસને અલગ કરવા આપેલી મંજૂરી
સિગારેટ અગ્રણી આઈટીસીના શેરધારકોએ કંપનીના હોટેલ્સ બિઝનેસને અલગ કરવા માટે મંજૂરી આપી હતી. 99.6 ટકા શેરધારકોની ભારે બહુમતીથી આમ બન્યું હતું. હોટેલ બિઝનેસના પ્રસ્તાવને માન્યતા માટે 67 ટકા સમર્થનની જરૂર હતી. આ અહેવાલ પછી આઈટીસીનો શેર 1.2 ટકા ઉછળી બંધ રહ્યો હતો.
આઈટીસી હોટેલ્સ એક સ્વતંત્ર કંપની તરીકે અસ્તિત્વમાં આવશે અને તે તાતાની માલિકીની ઈન્ડિયન હોટેલ્સ જેવા હરિફ સાથે સીધી સ્પર્ધામાં આવશે. તાતા જૂથ તાજ હોટેલ્સ જેવી બ્રાન્ડ મેનેજ કરે છે. જ્યારે ઈઆઈએચ હોટેલ્સ ઓબેરોય બ્રાન્ડ ઓફ હોટેલ્સ મેનેજ કરે છે.
આઈટીસીની 2023-24ની કુલ આવકમાં હોટેલ્સ બિઝનેસનું યોગદાન 4 ટકા જેટલું હતું. જ્યારે તેના કન્ઝ્યૂમર સ્ટેપલ્સ બિઝનેસનું યોગદાન 71 ટકા પર હતું.
વિપ્રોને યૂએસ કોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર તરફથી 50 કરોડ ડોલરનો કોન્ટ્રેક્ટ
દેશમાં ત્રીજા ક્રમની આઈટી સર્વિસ કંપની વિપ્રોને યુએસની ટોચની કોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર તરફથી 50 કરોડ ડોલરનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. જે પાંચ વર્ષોમાં પૂર્ણ કરવાનો રહેશે. આઈટી કંપનીએ એક્સચેન્જને જણાવ્યું હતું કે કોન્ટ્રેક્ટ હેઠળ તેણે કેટલીક પ્રોડક્ટ્સ અને ઈન્ડસ્ટ્રી સ્પેસિફિક સર્વિસિઝ માટે મેનેજ્ડ સર્વિસિઝ પૂરી પાડવાની રહેશે. ગુરુવારે આ અહેવાલ પાછળ વિપ્રોનો શેર 2 ટકા મજબૂતી સાથે રૂ. 461.6ની સપાટીએ બંધ રહ્યો હતો.
ઝી બોર્ડે રૂ. 2000 કરોડ ઊભા કરવા માટે આપેલી મંજૂરી
કંપનીના શેરનો ભાવ 5 ટકા ઉછળ્યો
મિડિયા કંપની ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસના બોર્ડે ગુરુવારે રૂ. 2000 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપી હતી. કંપની શેર્સ અથવા અન્ય સિક્યૂરિટીઝ ઈસ્યુ કરીને આ રકમ ઊભી કરશે. કંપની તરફથી ફંડ ઊભું કરવાની મંજૂરી પછી ઝી એન્ટર.નો શેર 5 ટકા ઉછળ્યો હતો અને બીએસઈ ખાતે રૂ. 153.75ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. ચાલુ મહિને કંપનીના શેરમાં 12.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
RBI ઈન્ટરેસ્ટ રેટને સ્થિર જાળવી રાખે તેવી શક્યતાં
એનડીએને પાતળી બહુમતી મળતાં હાલમાં રેટ કટની નીચી સંભાવના
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની શુક્રવારે યોજાનારી મોનેટરી પોલિસી સમીક્ષા વખતે ઈન્ટરેસ્ટ રેટને સ્થિર જાળવી રાખે તેવી શક્યતાં છે. લોકસભામાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપે સ્પષ્ટ બહુમતી ગુમાવતાં આમ બની શકે છે.
આરબીઆઈ છેલ્લી આઁઠ બેઠકથી વ્યાજ દરને 6.5 ટકા પર સ્થિર જાળવી રહી છે. જે આગામી સમયગાળામાં પણ આ જ સપાટીએ રહેશે એમ બ્લૂમબર્ગનો 34 અર્થશાસ્ત્રીઓનો સર્વે જણાવે છે. અર્થશાસ્ત્રીઓ ચાલુ વર્ષની આખરમાં રેટ કટની શક્યતાં જોઈ રહ્યાં છે. જોકે, તેમના મતે જ્યાં સુધી યુએસ ફેડ રેટ કટ તરફ નહિ વળે ત્યાં સુધી આરબીઆઈ રેટમાં ઘટાડો કરવાની પહેલ નહિ કરે.
Market Summary 06/06/2024
June 06, 2024