વૈશ્વિક સ્તરે વેચવાલી વચ્ચે સ્થાનિક શેરબજારમાં વધુ એક ટોચ
હોંગ કોંગ માર્કેટમાં 3 ટકા ઘટાડો, યુરોપમાં 2 ટકા નરમાઈ
નિફ્ટી 19500 પર જઈ પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.34 ટકા ગગડી 11.84ના સ્તરે
એનર્જી, ઓટો, ફાર્મા, મેટલ, રિઅલ્ટીમાં મજબૂતી
એફએમજીસી, આઈટીમાં નરમાઈ
સિએટ, એસજેવીએન, એમએન્ડએમ નવી ટોચે
આરતી ઈન્ડ નવા તળિયે
વૈશ્વિક બજારોમાં વેચવાલીના તીવ્ર દબાણ વચ્ચે ભારતીય શેરબજારમાં તેજીનો ક્રમ જળવાય રહ્યો હતો. બંને બેન્ચમાર્ક્સ તેમની નવી ટોચ પર બંધ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 339.60 પોઈન્ટ્સ ઉછળી 65,785.64ની સપાટીએ જ્યારે નિફ્ટી 98.80 પોઈન્ટ્સ મજબૂતી સાથે 19,497.30ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં લાર્જ-કેપ્સમાં નવી ખરીદી પાછળ બ્રેડ્થ મજબૂત હતી. નિફ્ટીના 50-કાઉન્ટર્સમાંથી 35 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 15 કાઉન્ટર્સ નરમ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદી જણાતી હતી. બીએસઈ ખાતે કુલ 3546 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2049 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1401 નેગેટિવ જોવા મળતાં હતાં. 232 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 22 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 12 કાઉન્ટર્સે અપર સર્કિટ્સ જ્યારે 3 કાઉન્ટર્સે લોઅર સર્કિટ્સ બનાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.34 ટકા ગગડી 11.84ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે બેન્ચમાર્કે નિફ્ટી ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. તે અગાઉના 19398.50ના બંધ સામે 19385.70ની સપાટી પર ખૂલી નીચે 19373.00 પર ટ્રેડ થઈ ઉપરમાં 19512.20ની સપાટી દર્શાવી અડધા ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 37 પોઈન્ટ્સ પ્રિમિયમ સાથે 19534 પર બંધ જોવા મળતો હતો. જે અગાઉના સત્રના 78 પોઈન્ટ્સના પ્રિમીયમમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. આનો સીધો અર્થ એ થાય છે કે ઊંચા મથાળે લોંગ ટ્રેડર્સે પ્રોફિટ બુકિંગ કર્યું છે. નિફ્ટી તેની વચગાળાની ટોચ નજીક હોવાનો એક સંકેત ગણી શકાય. ટેકનિકલી પણ 19400-19600ની રેંજમાં ટોચ બનવાની શક્યતાં જણાય છે. ટ્રેડર્સે પ્રોફિટ બુક કરતાં રહેવું જોઈએ. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં એમએન્ડએમ, એપોલો હોસ્પિટલ, પાવર ગ્રીડ કોર્પો., તાતા મોટર્સ, રિલાયન્સ ઈન્ડ., બીપીસીએલ, એનટીપીસી, ઓએનજીસી, બ્રિટાનિયા, એક્સિસ બેંક, કોલ ઈન્ડિયા, હિંદાલ્કો અને સિપ્લા મુખ્ય હતાં. બીજી બાજુ આઈશર મોટર્સ, એચડીએફસી લાઈફ, મારુતિ સુઝુકી, એચસીએલ ટેક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, ગ્રાસિમમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સિસ જોઈએ તો એનર્જી, ઓટો, ફાર્મા, મેટલ, રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 2 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવતો હતો. જેમાં એચપીસીએસ, પાવર ગ્રીડ, તાતા પાવર, આઈઓસી, ગેઈલ, રિલાયન્સ ઈન્ડ., બીપીસીએલ, એનટીપીસી, ઓએનજીસીનું યોગદાન મુખ્ય હતું. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ પણ 2.25 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સનટેક રિઅલ્ટી, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટીઝમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા પણ પોણો ટકા મજબૂતી સાથે નવી ટોચ પર પહોંચ્યો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા, સિપ્લા, ડો. રેડિઝ લેબ્સ, લ્યુપિન, બાયોકોન, ટોરેન્ટ ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. એફએમજીસી, આઈટીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો એમસીએક્સ ઈન્ડિયા 7.22 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એમએન્ડએમ, હિંદુસ્તાન કોપર, સન ટીવી નેટવર્ક, ઓરોબિંદો ફાર્મા, એપોલો હોસ્પિટલ, એચપીસીએસ, લૌરસ લેબ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, આઈશર મોટર્સ, મેરિકો, આરબીએલ બેંક, એચડીએફસી લાઈફ, જિંદાલ સ્ટીલ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, શ્રીરામ ફાઈનાન્સ, ગોદરેજ કન્ઝ્યૂમર, એચડીએફસી એએમસી, એસ્ટ્રાલ લિ.માં નરમાઈ જોવા મળી હતી. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં સિએટ, એસજેવીએન, એમએન્ડએમનો સમાવેશ થતો હતો. જ્યારે આરતી ઈન્ડસ્ટ્રીઝે નવું તળિયું બનાવ્યું હતું.
બીએસઈ ટેન્ડર રૂટ મારફતે રૂ. 375 કરોડનું બાયબેક કરશે
દેશમાં સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ બીએસઈના બોર્ડે રૂ. 375 કરોડના બાયબેકને મંજૂરી આપી છે. જે ટેન્ડર રૂટ મારફતે હાથ ધરવામાં આવશે. બાયબેક રૂ. 816 પ્રતિ શેરના ભાવે હાથ ધરાશે. જે ગુરુવારના રૂ. 705.50ના બંધ ભાવ સામે 17 ટકા પ્રિમીયમ સૂચવે છે. ગુરુવારે શેર 3.7 ટકા વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. એક્સચેન્જ કુલ 45,93,137 શેર્સ અથવા તો 3.9 ટકા હિસ્સો પરત ખરીદશે. જેમાં રિટેલ ક્વોટામાંથી 6,88,971 શેર્સ ખરીદાશે. બાયબેકની યોગ્યતા માટે રેકર્ડ ડેટ હવે જાહેર કરાશે.
કેલેન્ડરમાં અત્યાર સુધી પ્રમોટર્સ, PE ઈન્વેસ્ટર્સે 10 અબજ ડોલરના શેર્સ ઠાલવ્યાં
માર્કેટમાં ઊંચા વેલ્યૂએશન્સને ધ્યાનમાં રાખી પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ તરફથી મોટાપાયે પ્રોફિટ બુકિંગ
ભારતીય શેરબજારમાં ઊંચા વેલ્યૂએશને કંપનીઓના પ્રમોટર્સ, પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ તથા સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટર્સને તેમનું રોકાણ હળવું કરવા માટે પ્રેર્યાં છે. કેલેન્ડર 2023માં અત્યાર સુધીમાં આ રોકાણકાર વર્ગ તરફથી 10 અબજ ડોલરના મૂલ્યના શેર્સ બ્લોક ડીલ્સ મારફતે બજારમાં ઠાલવવામાં આવ્યાં છે. માત્ર જૂન મહિનામાં જ આ પ્રકારના 4.7 અબજ ડોલરના ટ્રાન્ઝેક્શન્સ હાથ ધરવામાં આવ્યાં છે. કેલેન્ડર 2022માં સમગ્ર વર્ષ દરમિયાન 14 અબજ ડોલર્સના બ્લોક ડિલ્સ હાથ ધરાયાં હતાં. આમ ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં મોટી સંખ્યામાં ડિલ્સ જોવા મળ્યાં છે.
ફંડ્સ રોકાણકારો માટે બ્લોક ડિલ્સ એક્ઝિટ માટેની સૌથી મોટી તક બની રહેતી હોય છે. જ્યારે ઈન્સ્ટીટ્યુશન્સ માટે તે ખરીદીની તક ગણાય છે. જોકે, ચાલુ વર્ષે બ્લોક ડિલ્સનું પ્રમાણ અસાધારણ સ્તરે જોવા મળી રહ્યું છે. માર્ચ મહિનામાં પણ 1.8 અબજ ડોલરના મૂલ્યના બ્લોક ડિલ્સ નોંધાયા હતા એમ પ્રાઈમ ડેટાબેઝનો અભ્યાસ જણાવે છે. ચાલુ વર્ષે કેટલાંક મોટા બ્લોક ડીલ્સમાં અદાણી એન્ટરપ્રાઝિસ તરફથી 1.6 ટકા હિસ્સાના રૂ. 4140 કરોડમાં વેચાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટીડી પાવર(રૂ. 840 કરોડ), ઈઝી ટ્રિપ(રૂ. 667 કરોડ), સ્ટર્લિંગ એન્ડ વિલ્સન(રૂ. 103 કરોડ) વગેરે ડિલ્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓમાં પ્રમોટર્સે તેમનો હિસ્સો વેચ્યો હતો. જ્યારે પીઈ કંપનીઓ તરફથી લેન્ડમાર્ક કાર્સ, ડેલ્હીવેરી, શ્રીરામ ફાઈનાન્સ, કલ્યાણ જ્વેલર્સ અને કોટક મહિન્દ્રા બેંકમાં તેમના હિસ્સાનું વેચાણ કરવામાં આવ્યું હતું.
સરકારના TCSને TDS સાથે જોડવાના પ્રયાસો
કરદાતાના કેશફ્લો પર નેગેટિવ અસરને ખાળવા માટે ટીડીએસ દાતાના પેમેન્ટ્સ સાથે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સને જોડવાનો વિચાર
આવકના સ્રોતમાંથી ટીડીએસ ધરાવતાં વ્યક્તિએ કરેલાં પેમેન્ટ્સ માટે સરકાર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સને જોડવા માટેનો પ્રયાસ કરી રહી છે. વ્યક્તિગત કરદાતાના કેશ ફ્લો પર અસરને ખાળવામાં સહાયતા માટે આ પગલું ભરાઈ રહ્યું છે એમ સિનિયર અધિકારી જણાવે છે.
આમ ત્યારે થવા જઈ રહ્યું છે જ્યારે સરકારે 1 જુલાઈથી કેટલાંક આંતરરાષ્ટ્રીય ખર્ચ પર 20 ટકા ટેક્સ કલેક્શન એટ સોર્સ(ટીસીએસ) લાગુ પાડ્યો છે. સામાન્યરીતે ટીસીએસ એ ગુડ્ઝ અથવા સર્વિસના વેચાણકર્તાએ વેચાણ સમયે એકત્ર કરેલો ટેક્સ છે. જ્યારે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ(ટીડીએસ)એ સરકાર તરફથી વસૂલાય છે. સરકારે રૂ. 7 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન્સ સુધી ટીસીએસમાંથી મુક્તિ આપી નાના કરદાતાઓને રાહત પૂરી પાડી છે. આમ મોટાભાગના ટ્રાન્ઝેક્શન્સ 20 ટકા ટીસીએસના દાયરામાં નહિ આવે એમ ચીફ ઈકોનોમિક એડવાઈઝર વી અનંત નાગેશ્વરન જણાવે છે. સરકારના નિર્ણયનો બચાવ કરતાં તે ઉમેરે છે કે ટીસીએસને વ્યક્તિના ટીડીએસ સાથે જોડવાનો પ્રયાસ પણ ચાલી રહ્યો છે જેથી ટીસીએસનું પેમેન્ટ થયું હોય તો નીચો ટીડીએસ જોવા મળશે. આમ કરવાનો હેતુ કરદાતાના કેશ ફ્લો પર કોઈ અસર ના પડે તેનો છે. આ પગલું ટીડીએસ ઉપરાંત ટીસીએસને લઈને ચિંતા અથવા અકળામણ અનુભવી રહેલાં લોકોને મોટી રાહત આપશે એમ સીઆઈઈની એક ઈવેન્ટમાં બોલતાં નાગેશ્વરને જણાવ્યું હતું.
સાત વર્ષોમાં ‘સુપર રિચ’ ભારતીય પરિવારોની સંખ્યા 91 લાખ પર પહોંચશે
નોટ-ફોર પ્રોફિટ થીંક-ટેંક પ્રાઈસના રિસર્ચ મુજબ શહેરી વિસ્તારોના સુપર-રિચ કરતાં ગ્રામીણ સુપર-રિચમાં ઝડપી વૃદ્ધિ
નાણા વર્ષ 2030-31 સુધીમાં દેશમાં સુપર રિચ પરિવારોની સંખ્યા પાંચ ગણી વધી 91 લાખ પર પહોંચવાની અપેક્ષા છે. જ્યારે 2046-47 સુધીમાં તે 3.27 કરોડ પર પહોંચશે એમ નોટ-ફોર પ્રોફિટ થીંક-ટેંક પિપલ રિસર્ચ ઓન ઈન્ડિયાઝ કન્ઝ્યૂમર ઈકોનોમી(પ્રાઈસ) જણાવે છે.
વાર્ષિક ધોરણે રૂ. 2 કરોડ(2.7 લાખ યુએસ ડોલર)થી વધુની કમાણી કરતાં પરિવારને ‘સુપર રિચ’ પરિવાર કહેવામાં આવે છે. 1994-95માં આવા પરિવારોની સંખ્યા 98 હજાર પર હતી. જે 2020-21માં વધી 18 લાખ પર પહોંચી છે. વાર્ષિક ધોરણે રૂ. 30 લાખથી વધુની કમાણી કરતાં અને ‘રિચ’ તરીકે ઓળખાતાં પરિવારોની સંખ્યા 2026-47 સુધીમાં વધી 43.7 કરોડ થવાની શક્યતાં છે. જે 2020-21માં 5.6 કરોડ પર હતી. રિસર્ચ રિપોર્ટ પ્રાઈસ તરફથી દેશના 25 રાજ્યોમાં 40 હજાર પરિવારોના સર્વે પરથી તૈયાર કરાયો છે. પ્રાઈસના જણાવ્યા મુજબ 2020-21માં પૂરાં થતાં પાંચ વર્ષોમાં સુપર રિચ(રૂ. 2 કરોડથી વધુની આવક) કેટેગરીએ સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવી હતી.
રિપોર્ટ નોંધે છે કે 2015-16માં 10.6 લાખ પરિવારો પરથી સુપર રિચ પરિવારોની સંખ્યા 2020-21માં વધી 18.1 લાખ પર પહોંચી હતી. જે વાર્ષિક ધોરણે 11.3 ટકા વૃદ્ધિ સૂચવે છે. 2030-31 સુધીમાં સુપર રિચ પરિવારોની સંખ્યા વધુ ઝડપથી વધી 91 લાખ પર પહોંચવાની અપેક્ષા છે. મુંબઈ અને દિલ્હી ‘રિચ’ પરિવારોની મોટી સંખ્યા દર્શાવે છે ત્યારે સુરત, બેંગલૂરૂ, અમદાવાદ અને પૂણે ખાતે રિચ પરિવારોની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ રહી છે. સુરત અને નાગપુરે ઊંચી આવક ધરાવતાં સેગમેન્ટમાં સૌથી ઊંચી વૃદ્ઘિ દર્શાવી છે. મહારાષ્ટ્ર સૌથી વધુ ‘સુપર રિચ’ પરિવારો ધરાવે છે. રૂ. 30 લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતાં પરિવારોની સંખ્યા 2015-16માં 70 લાખ પરથી વધી 2020-21માં 5.6 કરોડ પર જોવા મળી હતી. 2030-31માં તે 3.5 કરોડ પર પહોંચશે.
ગ્રામીણ વિસ્તારોમાં સુપર રિચે 2015-2021 વચ્ચે 14.2 ટકાના દરે વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે શહેરી વિસ્તારોમાં તે 10.6 ટકાના દરે વધ્યાં હતાં. આ જ રીતે રિચ પરિવારોની બાબતમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં 12 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે શહેરી વિસ્તારોમાં 9.4 ટકા વૃદ્ધિ દર્શાવી હતી.
દેશમાં મહારાષ્ટ્ર 6.48 લાખ સુપર રિચ પરિવારો સાથે ટોચ પર છે. જ્યારે દિલ્હી 1.81 લાખ પરિવારો સાથે બીજા ક્રમે અને ગુજરાત 1.41 પરિવારો સાથે ત્રીજા ક્રમે જોવા મળે છે. તમિલનાડુ 1.37 લાખ પરિવારો અને પંજાબ 1.01 લાખ સુપર રિચ પરિવારો ધરાવે છે. બીજી બાજુ બિહાર, યુપી, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને ઓડિશા માત્ર 11 ટકા સુપર રિચ સાથે સૌથી નીચા ક્રમે આવે છે. દેશમાં 70 ટકા રિચ પરિવારો(રૂ. 30 લાખથી વધુની આવક) મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, દિલ્હી, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં જોવા મળે છે. રિપોર્ટ મુજબ 2047 સુધીમાં દેશમાં 166 કરોડ લોકોની વસ્તીમાંથી 102 કરોડ લોકો મીડલ ક્લાસ હશે. પ્રાઈસ મુજબ 2020-21માં રૂ. 1.09 લાખથી રૂ. 6.46 લાખ સુધીની આવક ધરાવનારને મીડલ-ક્લાસ ગણવામાં આવ્યાં હતાં.
હાઈલાઈટ્સ
• સુપર રિચ પરિવારોમાં મહારાષ્ટ્ર 6.48 લાખ પરિવારો સાથે ટોચ પર
• દિલ્હી અને ગુજરાતમાં અનુક્રમે 1.81 લાખ અને 1.41 લાખ સુપર રિચ પરિવારો
• બિહાર, યુપી, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને ઓડિશા માત્ર 11 ટકા સુપર રિચ સાથે તળિયા પર
• દેશમાં 70 ટકા રિચ પરિવારો મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, દિલ્હી, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં.
• 2047 સુધીમાં દેશમાં 166 કરોડ લોકોની વસ્તીમાંથી 102 કરોડ લોકો મીડલ ક્લાસ હશે
રિલાયન્સ જીઓ નોકિયા પાસેથી 1.7 અબજ ડોલરના 5G ઈક્વિપમેન્ટ ખરીદશે
દેશમાં ટોચની ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જીઓ 5જી નેટવર્ક માટે જરૂરી ઈક્વિપમેન્ટ ખરીદવા માટે નોકિયા સાથે મોટું ડિલ કરવા જઈ રહી છે. વર્તુળોના જણાવ્યા મુજબ કંપનીના અધિકારીઓ અને બેંકર્સ આ માટે નોકિયાના મુખ્યાલય હેલસિન્કી ખાતે ગુરુવારે આ ડિલ સાઈન કરે તેવી શક્યતાં હતી.
રિલાયન્સ જીઓએ અગાઉ સ્વિડનની એરિક્સન પાસેથી 2.1 અબજ ડોલરના 5જી ઈક્વિપમેન્ટની ખરીદી કરી હતી. જે ઉપરાંત તે નોકિયા પાસેથી નવી ખરીદી કરશે. આ ખરીદી જીઓની દેશભરમાં 5જી સર્વિસિઝને ચાલુ વર્ષ આખર સુધીમાં શરૂ કરવાના ભાગરૂપ છે એમ વર્તુળો જણાવે છે. વૈશ્વિક બેંક્સ એચએસબીસી, જેપી મોર્ગન અને સિટીગ્રૂપ સહિતની અન્ય બેંક્સ નોકિયા પાસેથી 5જી ઈક્વિપમેન્ટ ખરીદી માટે ફંડ પૂરું પાડશે. નોકિયા અને એરિક્સન પાસેથી કુલ ખરીદી પેટે લગભગ 4 અબજ ડોલરની કુલ લોન્સ કંપનીએ લીધી છે. લેન્ડર્સને વધારાની ખાતરી પૂરી પાડવા માટે ફિન્નવેરા આ લોન માટે ગેરંટી પૂરી પાડશે. આ પ્રકારની ગેરંટી બોરોઅર માટે ફંડીંગ ખર્ચમાં ઘટાડો કરતી હોય છે. હાલમાં જીઓ દેશમાં એકમાત્ર ટેલિકોમ ઓપરેટર છે જે ઊંચી કાર્યદક્ષતા દર્શાવતાં 700 એમએચઝેડ બેન્ડ ધરાવે છે. ઉપરાંત, રિલાયન્સ જીઓએ સ્ટેન્ડઅલોન મોડ પસંદ કર્યો છે અને તેથી તે વર્તમાન 4જી નેટવર્ક પર આધારિત નથી. કંપની દેશભરમાં 5જી નેટવર્ક જોડાણ પૂરું પાડવાનો ટાર્ગેટ ધરાવે છે.
સેબીએ NSE પાસેથી TAP પ્લેટફોર્મના દૂરૂપયોગ માટે સ્પષ્ટતા માગી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ પાસેથી કેટલાંક ટ્રેડર્સ દ્વારા તેના ટ્રેડિંગ એક્સેસ પોઈન્ટ(TAP) સોફ્ટવેરના કહેવાતાં દૂરૂપયોગને લઈને સ્પષ્ટતા માગી છે. 2013માં તેના કેટલાંક હાઈ-ફ્રિકવન્સી ટ્રેડર્સ તરફથી અન્યોને બાજુમાં રાખી ચૂપચાપ હજારો ઓર્ડર્સ એક્ઝિક્યૂટ કર્યાનું કહેવાય છે. આ દૂરૂપયોગનો ખ્યાલ ચાર વર્ષ પછી ઈન્કમ ટેક્સ સત્તાવાળાઓ તરફથી કો-લોકેશન સ્કેન્ડલની તપાસ દરમિયાન આવ્યો હતો. કો-લોકેશન કેસમાં એનએસઈના ભૂતપૂર્વ વડા ચિત્રા રામક્રિષ્ણ અને રવિ નારાયણમાં સંડોવાયેલાં છે.
NSE TAPને સ્ટોક એક્સચેન્જમાં બ્રોકર તરફથી મોકલવામાં આવતાં ઓર્ડર્સની સંખ્યા મોનીટર કરવા માટે 2008માં રજૂ કરવામાં આવ્યું હતું. આમ કરીને એનએસઈનો હેતુ તેમને ટ્રાન્ઝેક્શન ફી ચાર્જ કરવાનો હતો. NSE TAP અનેક સર્વર્સમાંથી ઓર્ડર્સનો ડેટા એ સ્ટોક એક્સચેન્જને મોકલે છે. ટ્રેડર્સે સિસ્ટમને બાયપાસ કરવા માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે. તેમજ તેમણે કેટલાંક ટ્રાન્ઝેક્શન્સ માટે ફી પણ નહોચી ચૂકવી. આઈટી સત્તાવાળાઓને 2017માં દરોડા દરમિયાન આ ગેરરિતીનો ખ્યાલ આવ્યો હતો. 2021માં એનએસઈએ કેરળ હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અરવિંદ સાવંતની આ બાબતે તપાસ માટે નિમણૂંક કરી હતી. ગયા વર્ષે જાન્યુઆરીમાં એનએસઈએ આ મુદ્દાના સમાધાન માટે સેબીમાં અરજી કરી હતી. એપ્રિલ, 2022માં સેબીએ હજુ તપાસ બાકી હોવાનું જણાવી અરજી પરત કરી હતી.
જૂનમાં રિટેલ ઓટો સેલ્સમાં વાર્ષિક 10 ટકા વૃદ્ધિ નોંધાઈઃ ફાડા
સતત બીજા મહિને વાહનોના છૂટક વેચાણમાં દ્વિઅંકી વૃદ્ધિ જોવા મળી
ઓટોમોબાઈલ્સના રિટેલ વેચાણમાં ઊંચી વૃદ્ધિનો ક્રમ જળવાયો છે. જૂનમાં વાર્ષિક ધોરણે 10 ટકા વેચાણ વૃદ્ધિ નોંધાઈ હતી. તમામ વેહીકલ્સ કેટેગરીમાં પોઝીટીવ ગ્રોથ જોવા મળ્યો હતો એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ્સ ડિલર્સ એસોસિએશન(ફાડા)નો ડેટા જણાવે છે. થ્રી-વ્હીલર્સે 75 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે સૌથી ઊંચો દર નોંધાવ્યો હતો. જ્યારે ટુ-વ્હીલર્સમાં 7 ટકા, પેસેન્જર વેહીકલ્સમાં 5 ટકા, ટ્રેકટર્સમાં 41 ટકા અને કમર્સિયલ વેહીકલ્સમાં 0.5 ટકા વેચાણ વૃદ્ધિ નોંધાઈ હતી. જૂનમાં 10 ટકા વૃદ્ધિ છતાં ઓટોમોબાઈલના રિટેલ વેચાણમાં માસિક ધોરણે 8 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
પેસેન્જર વેહીકલ્સ સેક્ટરની વાત કરીએ તો તે ઈન્વેન્ટરીનું દબાણ અનુભવી રહ્યું છે. જેનું કારણ ડિમાન્ડ-સપ્લાય વચ્ચે સંતુલનનો અભાવ છે. જેને કારણે નફાકારક્તા પર અસર પડી છે. જોકે, આગામી ફેસ્ટીવ સિઝનમાં માગ ઊંચી રહેવાની ધારણા છે. ઓગસ્ટ મહિનાની આખરમાં સારા વેચાણનો આશાવાદ છે એમ ફાડા જણાવે છે. પેસેન્જર વેહીકલ સેગમેન્ટમાં મારુતિ સુઝુકી 41.09 ટકા સાથે સૌથી ઊંચો માર્કેટ હિસ્સો દર્શાવે છે. જ્યાર પછીના ક્રમે હ્યુન્દાઈ મોટર 14.59 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે તાતા મોટર્સ 13.47 ટકા સાથે ત્રીજો ક્રમ સૂચવે છે. મે મહિના દરમિયાન પણ વાર્ષિક ધોરણે 10 ટકા વૃદ્ઘિ દર જોવા મળ્યો હતો. જેમાં 79 ટકા વૃદ્ધિ સાથે થ્રી-વ્હીલર્સ ટોચ પર હતો. જ્યારે પેસેન્જર વેહીકલ સેગમેન્ટ 4 ટકા વૃદ્ધિ દર દર્શાવતું હતું.
જૂનમાં કોવિડ અગાઉના લેવલની સરખામણીમાં 3 ટકાના સાધારણ ઘટાડા છતાં સમગ્રતયા રિટેલ વેચાણના આંકડામાં સુધારો જોવા મળે છે. જોકે, ટુ-વ્હીલર્સનું વેચાણ 14 ટકા ઘટાડો સૂચવે છે. પ્રથમ વખત કમર્સિયસ વેહીકલ સેગમેન્ટ કોવિડની અસરમાંથી મુક્ત બન્યું છે અને જૂન 2019ની સરખામણીમાં 1.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ફાડાએ જોકે અનિયમિત ચોમાસાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને તેની ઓટો વેચાણ પર પ્રતિકૂળ અસરની શક્યતાં દર્શાવી છે. જોકે, સારા ચોમાસા પાછળ ગ્રામીણ માગમાં રિવાઈવલની અપેક્ષા પણ છે.
પેસેન્જર વેહીકલ્સના વેચાણમાં જૂન દરમિયાન વિવિધ પરિબળોએ ભાગ ભજવ્યો હતો. જેમાં નવા મોડેલ્સના લોંચિંગ અને ગ્રામીણ માગમાં સંભવિત વૃદ્ધિ પાછળ ડિલર્સ પર ઈન્વેન્ટરીનું દબાણ જોવા મળ્યું હતું. જેને કારણે તેમની પ્રોફિટિબિલિટી પર અસર પડી હતી. ટુ-વ્હીલર્સ સેગમેન્ટ સતત સપ્લાય પડકારો અને આર્થિક દબાણોનો સામનો કરી રહ્યું છે. સરકાર તરફથી ફેમ સબસિડિઝમાં ઘટાડાને કારણે ઈવીના વેચાણ પર અસર પડે તેવી સંભાવના છે. થ્રી-વ્હીલર્સના બજારમાં ઊંચી વૃદ્ધિની શક્યતાં છે.
જૂન મહિનામાં વાહનોનું વેચાણ
કેટેગરી જૂન 2023 જૂન 2022 વૃદ્ધિ(ટકામાં
ટુ-વ્હીલર્સ 13,10,186 12,27,149 6.77%
પર્સનલ વેહીકલ્સ(કાર્સ) 2,95,299 2,81,811 4.79%
થ્રી-વ્હીલર્સ 86,511 49,299 75.48%
ઈ-રિક્શા 39,042 24,257 60.95%
થ્રીવ્હીલર્સ(પેસેન્જર)) 36,180 16,373 120.97%
ટ્રેકટર્સ 98,660 69,952 41.04%
કમર્સિયલ વેહીકલ્સ 73,212 72,894 0.44%
Total 18,63,868 17,01,105 9.57%
સ્રોત: FADA Research
અદાણી ગ્રીન એનર્જી QIP મારફતે રૂ. 12,300 કરોડ ઊભા કરશે
અદાણી જૂથ કંપની અદાણી ગ્રીન એનર્જીના બોર્ડે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ પ્લેસમેન્ટ રૂટ મારફતે રૂ. 12,300 કરોડ ઊભા કરવા માટેના પ્રસ્તાવને ગુરુવારે મંજૂરી આપી હતી. જેની પાછળ કંપનીના શેરમાં 1.5 ટકા મજબૂતી જોવા મળી હતી. અગાઉ અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી ટ્રાન્સમિશનના બોર્ડ રૂ. 21000 કરોડ ઊભા કરવા માટે મંજૂરી આપી ચૂક્યાં છે. ફંડનો ઉપયોગ ડેટને હળવું કરવામાં અને તે રીતે રોકાણકારોનો વિશ્વાસ પરત મેળવવામાં થશે. કંપની વધારાના ઈન્સ્ટીટ્યૂશ્નલ ઈન્વેસ્ટર્સને આકર્ષવાનો ઈરાદો ધરાવે છે. તેમજ તેની કામગીરીને લઈને રિસર્ચ એનાલિસ્ટ કવરેજમાં વૃદ્ધિ થાય તેમ ઈચ્છે છે.
TCS AI સ્કિલમાં વૃદ્ધિ માટે 25000 એન્જિનીયર્સને તાલીમ આપશે
આઈટી સર્વિસિઝ અગ્રણી ટીસીએસે માઈક્રોસોફ્ટની એઝ્યોર ઓપનએઆઈના પર 25000 એન્જીનીયર્સને તાલીમ આપી તેની એક્સપર્ટિઝનો સ્કેલ વધારવાની જાહેરાત કરી માઈક્રોસોફ્ટ સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત બનાવાની જાહેરાત કરી છે. આઈટી સર્વિસિઝ જાયન્ટ માઈક્રોસોફ્ટ ક્લાઉડપર તેની નવી જનરેટીવ એઆઈ એન્ટરપ્રાઈઝ અડોપ્શન ઓફરિંગ લોંચ કરવાનું પણ વિચારી રહી છે. હાલમાં ટીસીએસ 50 હજારથી વધુ એઆઈની તાલીમ ધરાવતાં કર્મચારીઓ ધરાવે છે. વધુમાં ટીસીએસ માઈક્રોસોફ્ટની એઆઈ કાઉન્સિલની સભ્ય છે. તેણે ડેટા અને એઆઈમાં પાર્ટનર ડેઝિગ્નેશન પણ મેળવ્યું છે. તેમજ એઝ્યોર પર એઆઈ અને મશીન લર્નિંગ માટે માઈક્રોસોફ્ટ સ્પેશ્યાલાઈઝેશન્સ પણ મેળવ્યું છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઝી એન્ટરટેઈનમેન્ટઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ઝી-સોની મર્જર મુદ્દે સુનાવણી આગામી સપ્તાહ પર મોકૂફ રાખી હતી. હવે તે 10 જુલાઈએ સુનાવણી હાથ ધરશે. ગુરુવારે ઝી તરફથી જણાવાયું હતું કે કંપનીના એમડી પુનિત ગોએન્કા કંપની નથી. સેબીએ જૂનમાં ઝીના ચેરમેન સુભાષ ચંદ્ર અને એમડી અને સીઈઓ પુનિત ગોએન્કા પર કોઈપણ લિસ્ટેડ કંપનીમાં મેનેજરનો હોદ્દો ધારણ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
જેએસડબલ્યુ સ્ટીલઃ પ્રાઈવેટ સ્ટીલ ઉત્પાદકે જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 11 ટકા ઉત્પાદન વૃદ્ધિ સાથે 64.3 લાખ ટન સ્ટીલ ઉત્પાદન કર્યું હતું. ગયા વર્ષે સમાનગાળામાં તે 57.7 લાખ ટન પર હતું. જોકે ત્રિમાસિક ધોરણે સ્ટીલના ઉત્પાદનમાં 2 ટકા ઘટાડો નોંધાયો હતો. માર્ચ ક્વાર્ટરમાં સ્ટીલ ઉત્પાદન 65.8 લાખ ટન પર જોવા મળ્યું હતું.
પાવર ફાઈનાન્સ કોર્પોરેશનઃ પીએસયૂ ફાઈનાન્સરે અન્ય પીએસયૂ કંપની એચપીસીએલને તેની બાડમેર સ્થિત રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ માટે રૂ. 9187 કરોડનું ફાઈનાન્સ પૂરું પાડ્યું છે. કંપનીએ રૂ. 48625 કરોડની કોન્સોર્ટિયમની ગોઠવણ હેઠળ એચપીસીએલ સાથે લોન એગ્રીમેન્ટ પર સાઈન કરી હતી.
તાતા સ્ટીલઃ તાતા જૂથની સ્ટીલ કંપનીએ અસ્વીકાર્ય કામગીરી માટે કંપનીના 38 કર્મચારીઓને નોકરીમાંથી છૂટાં કર્યાં છે. જેમાં ત્રણ કર્મચારીઓને જાતીય સતામણી માટે દૂર કરાયાં છે. અગાઉ જૂથની આઈટી સર્વિસિઝ કંપનીમાં રૂ. 100 કરોડના કૌભાંડ બદલ કેટલાંક કર્મચારીઓને દૂર કરાયાં હતાં. તાતા જૂથ ચેરમેને જણાવ્યું હતું કે ગયા વર્ષે તેમણે 875 ફરિયાદો મેળવી હતી.
ડીસીબીઃ ખાનગી સેક્ટરની બેંકમાં તાતા એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને આરબીઆઈ તરફથી 7.5 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદવા માટેની મંજૂરી મળી છે. આરબીઆઈએ તાતા એએમસીને તેનો હિસ્સો 7.5 ટકાથી વધી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ જણાવ્યું છે. બેંક રેગ્યૂલેટની મંજૂરી 5 જુલાઈ, 2023થી એક વર્ષ માટે માન્ય રહેશે. ગુરુવારે બેંક શેર 6 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો.
પૂર્વંકારાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં બમણી વૃદ્ધિ સાથે રૂ. 1126 કરોડનું સેલ્સ બુકિંગ્સ નોંધાવ્યું છે. ઊંચી હાઉસિંગ માગ અને વધુ સારા ભાવોને કારણે આમ બન્યું છે. વોલ્યુમ સંદર્ભમાં કંપનીનું સેલ્સ બુકિંગ્સ 97 ટકા વૃદ્ધિ સાતે 13.6 લાખ ચો. ફીટ રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળમાં 6.9 લાખ ચો. ફીટ પર હતું. કંપનીનું રિઅલાઈઝેશન ગયા વર્ષે રૂ. 7436 પ્રતિ ચો.ફૂટ પરથી વધી ચાલુ વર્ષે રૂ. 8,277 પ્રતિ ચો.ફૂટ રહ્યું હતું.
આઈઓસીઃ પીએસયૂ રિફાઈનર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનું બોર્ડ 7 જુલાઈએ રાઈટ્સ ઈશ્યૂ મારફતે નાણા ઊભા કરવાની વિચારણા કરવા માટે મળશે. કંપની તેના વિવિધ પ્રોજેક્ટ્સ માટે ફંડ એકત્ર કરવા રાઈટ્સ ઈશ્યૂ માટે વિચારી રહી છે. અગાઉ બીપીસીએલના બોર્ડે રૂ. 18000 કરોડના રાઈટ્સ ઈશ્યૂને મંજૂરી આપી હતી.