Market Summary 06/09/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ઈન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટ વચ્ચે બુલ્સે બાજી મારી
નિફ્ટી 19600ને પાર કરવામાં સફળ
એશિયન બજારોમાં નરમાઈને અવગણી
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.4 ટકા ગગડી 10.67ના સ્તરે
ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી
મેટલ, બેંકિંગ, આઈટી, રિઅલ્ટીમાં નરમાઈ
વોડાફોન, પેટ્રોનેટ એલએનજી, ત્રિવેણી એન્જી, કેસ્ટ્રોલ નવી ટોચે

વૈશ્વિક બજારોમાં સુસ્ત માહોલ વચ્ચે ભારતીય શેરબજારે સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ જાળવી હતી. ઈન્ટ્રા-ડે નોંધપાત્ર વધ-ઘટ પછી બુલ્સ મેદાનમાં પરત ફર્યાં હતાં અને જોતજોતામાં બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3791 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1955 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1682 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 287 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 13 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 13 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 7 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યા હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.4 ટકા ગગડી 10.67ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં પછી સ્થાનિક બજાર મોટાભાગના સમયગાળા દરમિયાન નેગેટિવ ઝોનમાં ટ્રેડ દર્શાવતું જોવા મળ્યું હતું. જોકે આખરી દોઢેક કલાકમાં તેજીવાળાઓએ ભારે ખરીદી કાઢતાં બેન્ચમાર્ક નિફ્ટી 19600ને પાર કરી ગયો હતો. જે એક મહત્વનો બ્રેકઆઉટ ગણી શકાય. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 64 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19665ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 75 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે ઘટાડો સૂચવે છે. એનો અર્થ એવો થાય છે કે માર્કેટમાં કોઈ લોંગ પોઝીશનનો ઉમેરો જોવા મળ્યો નથી. જે લાંબી તેજી નથી સૂચવતું. માર્કેટમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જાળવવું જરૂરી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 19600 ઉપર હવે 19800-20000ની રેંજમાં નિફ્ટી ટ્રેડ દર્શાવે તેવી શક્યતાં દર્શાવી રહ્યાં છે.
નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં તાતા કન્ઝ્યૂમર, ડિવિઝ લેબ્સ, ભારતી એરટેલ, સિપ્લા, એચડીએફસી બેંક, ટાઈટન કંપની, બ્રિટાનિયા, એચડીએફસી લાઈફ, એપોલો હોસ્પિટલ અને આઈટીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એક્સિસ બેંક, હિંદાલ્કો, તાતા સ્ટીલ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, જીઓ ફાઈનાન્સિયલ, ગ્રાસિમ, મારુતિ સુઝુકીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. જો સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મેટલ, બેંકિંગ, આઈટી, રિઅલ્ટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી એફએમસીજી 1 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં તાતા કન્ઝ્યૂમર, યુનાઈટેડ સ્પિરિટ્સ, મેરિકો, કોલગેટ, પીએન્ડજી, જ્યુબિલિઅન્ટ ફૂડ, ઈમામી, બ્રિટાનિયા, આઈટીસી અને એચયૂએલ જેવા કાઉન્ટર્સ મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.9 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં ટોરેન્ટ ફાર્મા, ડિવિઝ લેબ્સ, લ્યુપિન, સિપ્લા, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા, બાયોકોન, ઝાયડસ લાઈફ, આલ્કેમ લેબમાં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. બીજી બાજુ બેંક નિફ્ટી સતત બીજા દિવસે નરમ જોવા મળ્યો હતો. જેમાં પીએનબી, એક્સિસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ બેંક, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, બંધન બેંક નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ પણ 0.8 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેની પાછળ સેઈલ, હિંદાલ્કો, તાતા સ્ટીલ, મોઈલ, જિંદાલ સ્ટીલ, નાલ્કો, એનએમડીસી, હિંદુસ્તાન ઝીંક જેવા કાઉન્ટર્સમાં ઘટાડો જવાબદાર હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ એક ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જમાં ફિનિક્સ મિલ્સ, સોભા, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટર., ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો વોડાફોન આઈડિયા 8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. શેર લાંબા સમયગાળા પછી દ્વિઅંકી જોવા મળ્યો હતો. આ ઉપરાંત પેટ્રોનેટ એલએનજી, ઈન્ડુસ ટાવર્સ, મહાનગર ગેસ, સિન્જિન, તાતા કન્ઝ્યૂમર, વોલ્ટાસ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, એસ્કોર્ટ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ટોરેન્ટ ફાર્મા, ઈન્ડિયન હોટેલ્સ જેવા કાઉન્ટર્સ નોઁધપાત્ર સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ, હિંદ કોપર, ડિક્સોન ટેક્નોલોજી, મણ્ણાપુરમ ફિન, એબી કેપિટલ, પીએનબી, સેઈલ, આરઈસી, ભેલ, એમ્ફેસિસમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષઇક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં વોડાફોન, પેટ્રોનેટ એલએનજી, ત્રિવેણી એન્જી, કેસ્ટ્રોલનો સમાવેશ થતો હતો.

સુગર શોર્ટેજની ધારણા પાછળ શેર્સ 10 ટકા સુધી ઉછળ્યાં
વૈશ્વિક સ્તરે સતત છઠ્ઠા વર્ષે ખાંડની ખાધ જોવા મળે તેવી શક્યતાં

શેરબજારમાં સુગર શેર્સમાં બુધવારે ભારે લેવાલી નીકળી હતી. જેની પાછળ સુગર ઉત્પાદક કંપનીઓના શેર્સમાં 10 ટકા સુધીનો ઈન્ટ્રા-ડે સુધારો જોવા મળ્યો હતો. જ્યારે કામકાજની આખરમાં તેઓ 7-8 ટકા વૃદ્ધિ સાથે બંધ જોવા મળ્યાં હતાં. વિશ્વમાં ખાંડના ટોચના ઉત્પાદક એવા ભારતમાં ખાંડની તંગીની શક્યતાંએ કોમોડિટીના ભાવ છેલ્લાં કેટલાંક વર્ષોની ટોચ પર પહોંચતાં સુગર મિલ્સને લાભ થાય તેવી શક્યતાં જોવામાં આવી રહી છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત કંપની એવલીનના જણાવ્યા મુજબ વિશ્વમાં સતત છઠ્ઠાં વર્ષે ખાંડની ખાધ જોવા મળશે. કેમકે ભારતમાં પ્રતિકૂળ હવામાન પાછળ સુગર સપ્લાય પર અસર પડશે.
છેલ્લાં બે દિવસોથી સુગરને લઈને જોવા મળતી ચિંતા પાછળ બુધવારે રોકાણકારોએ ખાંડ શેર્સમાં ખરીદી કાઢી હતી. જેની પાછળ ટોચની કંપનીઓના શેર્સ 10 ટકા સુધી ઉછળ્યાં હતાં. જેમાં દાલમિયા ભારતનો શેર 8 ટકાથી વધુ ઉછળી ઈન્ટ્રા-ડે રૂ. 437.35ની ટોચ પર ટ્રેડ થઈ કામકાજની આખરમાં 6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 428 પર બંધ રહ્યો હતો. ગુરુવારની વૃદ્ધિ સાથે કંપનીનો શેર તેના 52-સપ્તાહના રૂ. 440.90ની ટોચ નજીક પહોંચી ગયો હતો. જાણીતી સુગર ઉત્પાદક ઈઆઈડી પેરીનો શેર 8 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 522.25ની સપાટીએ બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 524.95ની ટોચ બનાવી હતી. આ ઉપરાંત ઉત્તમ સુગરનો શેર 9.3 ટકા જેટલો ઉછળ્યો હતો. બલરામપુર ચીનીનો શેર 2.3 ટકા મજબૂતી દર્શાવતો હતો. જ્યારે બજાજ હિંદુસ્તાનનો શેર પણ 3 ટકા જેટલો મજબૂત જોવા મળતો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ સુગરના શેર્સમાં કોમોડિટીના ઉત્પાદનને લઈ ચિંતા પાછળ લેવાલી જોવા મળી છે. જે અલ્પજીવી સાબિત થવાની પૂરી સંભાવના છે. જેને જોતાં ઊંચા ભાવે સુગર શેર્સમાં ખરીદીથી દૂર રહેવાની સલાહ તેઓ આપે છે. ખાંડના નીચા ઉત્પાદનના કિસ્સામાં સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકશે તો કંપનીઓની આવક પણ અસર પડી શકે છે. કેમકે સ્થાનિક બજાર કરતાં વિદેશ બજારમાં તેઓ ઊંચું વળતર મેળવતી હોય છે. હજુ સુધી સરકાર તરફથી ઓક્ટોબરમં શરુ થનારી નવી સિઝનને લઈ આ પ્રકારની જાહેરાત કરાઈ નથી. જોકે, આમ થવાની શક્યતાં છે. જે સ્થિતિમાં સુગર શેર્સમાં ટૂંકાગાળા માટે તીવ્ર ઘટાડાની શક્યતાં પણ રહેલી છે. આમ હાલમાં સુગર શેર્સથી દૂર રહેવામાં શાણપણ હોવાનું તેઓ ઉમેરે છે.

જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ આજથી NSEમાંથી દૂર થશે
નિફ્ટી-50 ઉપરાંત નિફ્ટી-100, નિફ્ટી-200 અને નિફ્ટી-500 સહિતના સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવશે

રિલાયન્સ જૂથની પખવાડિયા અગાઉ ડિમર્જ થયેલી કંપની જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ(JFS)ને ગુરુવારથી એનએસઈના વિવિધ સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવશે. જેમાં નિફ્ટી-50 ઉપરાંત નિફ્ટી-100, નિફ્ટી-200 અને નિફ્ટી-500 સહિતના સૂચકાંકોનો સમાવેશ થાય છે. જેએફએસનું 21 ઓગસ્ટે શેરબજારમાં લિસ્ટીંગ થયું હતું. જ્યારપછી તેને 23 ઓગસ્ટે સૂચકાંકોમાંથી દૂર કરવાની યોજના હતી. જોકે, કંપનીના શેરના ભાવમાં શરૂઆતી ચાર સત્રોમાં સેલર સર્કિટ્સને કારણે આમ બની શક્યું નહોતું. બીએસઈએ 1 સપ્ટેમ્બરથી જીઓ ફાઈ.ને સેન્સેક્સમાંથી દૂર કરી હતી. જ્યારે એનએસઈ ગુરુવારથી આમ કરશે.
ઈન્ડેક્સ મેથોડોલોજી મુજબ જીઓ ફિને 4-5 સપ્ટેમ્બરના રોજ સતત બે સત્ર સુધી અપર કે લોઅર સર્કિટમાં બંધ દર્શાવ્યું નથી. જેને ધ્યાનમાં લેતાં એનએસઈની ઈન્ડેક્સ મેન્ટેનન્સ સબ કમિટી(ઈક્વિટી)એ તેને 7 સપ્ટેમ્બરથી અમલી બને તે રીતે વિવિધ સૂચકાંકોમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે એમ એક્સચેન્જે એક નિવેદનમાં જણાવ્યું હતું. જોકે, તેણે ઉમેર્યું હતું કે જો જીઓ 6 સપ્ટેમ્બરે પ્રાઈસ બેન્ડમાં બંધ રહેશે તો ઈન્ડેક્સમાંથી બાકાત કરવાનું શક્ય બનશે નહિ. બુધવારે કંપનીનો શેર 0.86 ટકા ઘટાડા સાથે રૂ. 252.85ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. આમ, એનએસઈ ગુરુવારે તેની યોજના મુજબ આગળ વધી શકશે.

ટ્વિટરની ખરીદીના મહિને જ મસ્કે સ્પેસએક્સ પાસેથી 1 અબજ ડોલર ઊછીના લીધાં
એલોન મસ્કે વ્યાજ સાથે લોન પરત કરી હતી પરંતુ લોન માટેનું કારણ નહોતું જણાવ્યું

સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે સોશ્યલ મિડિયા કંપની X(અગાઉ ટ્વિટર)ની ખરીદી માટે રોકેટ ઉત્પાદક પાસેથી 1 અબજ ડોલરનું ઉધાર લીધું હોવાનું વોલ સ્ટ્રીટ જર્નલનો અહેવાલ જણાવે છે. સ્પેસએક્સે ગયા ઓક્ટોબરમાં મસ્ક પાસે રહેલા કંપનીના કેટલાંક શેર્સના બદલામાં આ લોનને મંજૂર કરી હતી એમ રિપોર્ટ ઉમેરે છે. મસ્કે નવેમ્બરમાં સ્પેસએક્સને વ્યાજ સાથે આ લોન પરત પણ કરી હતી એમ રિપોર્ટનું કહેવું છે. જોકે, લોન માટેનું કારણ હજુ પણ નક્કી થઈ શક્યું નથી.
સ્પેસએક્સ તથા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X તરફથી આ અંગે તત્કાળ કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. ગયા વર્ષે મસ્કે ટ્વિટરની 44 અબજ ડોલરમાં ખરીદી કરી હતી અને તેને પ્રાઈવેટ કંપની બનાવી હતી. કંપનીના ટેકઓવર પછી તેણે ટોચના અધિકારીઓને દૂર કરી સોશ્યલ મિડિયાની માલિકી મેળવી હતી. પાછળથી મસ્કે પણ કંપનીના દૈનિક વહીવટથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. જોકે, ટ્વિટરની ખરીદી તથા ત્યારપછીની પ્રક્રિયા વખતે મસ્ક અનેક વિવાદોથી ઘેરાયેલા રહ્યાં હતાં. જેમાં તાજેતરનો ખૂલાસો એક વધુ ઉમેરો દર્શાવે છે.

કરોડપતિ ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સ હિતોની રક્ષા માટે માઈગ્રેશનના માર્ગે
વિવિધ દેશો તરફથી ક્રિપ્ટોકરન્સિઝમાં રોકાણ પર પ્રતિબંધ તથા ટેક્સની જોગવાઈઓ પાછળ વધતી ભીંસ
પ્રથમ ક્રમે સિંગાપુર પર પસંદગી ઉતારી રહેલા ક્રિપ્ટો રોકાણકારો
સ્વિટ્ઝર્લેન્ડ, યૂએઈ, હોંગ કોંગ, યુએસ, યૂકે, માલ્ટા, મલેશિયા જેવા દેશોનો ટોચના 10 ક્રિપ્ટો-ફ્રેન્ડલી દેશોમાં સમાવેશ

વિશ્વમાં ક્રિપ્ટોમાં ઊંચું રોકાણ ધરાવતાં 88,200 જેટલાં કરોડપતિઓ છે. જેમણે બિટકોઈન ઉપરાંત ભિન્ન ક્રિપ્ટોકરન્સીઝમાં તેમનું રોકાણ કર્યું છે. જોકે, હાલમાં તેઓ એક પ્રકારનો ડર અનુભવી રહ્યાં છે. વિવિધ સરકારો તરફથી ક્રિપ્ટો એસેટ્સમાં રોકાણ પર ટેક્સની જોગવાઈઓ સાથે ટ્રેડિંગ પ્રતિબંધ જેવી બાબતોને કારણે તેઓ સુરક્ષિત દેશોમાં સ્થળાંતર માટે વિચારી રહ્યાં છે એમ ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન સ્પેશ્યાલિસ્ટ્સ હેનલી એન્ડ પાર્ટનર્સે તૈયાર કરેલા ક્રિપ્ટો વેલ્થ રિપોર્ટમાં જણાવ્યું છે. હાલમાં ક્રિપ્ટો એસેટ્સની કુલ માર્કેટ વેલ્યૂ 1180 અબજ ડોલર(1.2 ટ્રિલિયન ડોલર) આસપાસ થાય છે. જ્યારે વિશ્વભરમાં 4.25 કરોડ વ્યક્તિગત રોકાણકારો ક્રિપ્ટોકરન્સિઝમાં રોકાણ ધરાવે છે.
હેનલી એન્ડ પાર્ટનર્સના સીઈઓના જણાવ્યા મુજબ ટ્રેડર્સ, માઈનર્સ, ઈન્વેસ્ટર્સ અને ક્રિપ્ટોપ્રેન્યોર્સ તેમના હિતોની સુરક્ષા માટે ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન સ્ટ્રેટેજિસ શોધી રહ્યાં છે. છેલ્લાં છ મહિનામાં તેમણે ક્રિપ્ટો કરોડપતિઓ પાસેથી અનેક ઈન્કવાયરીઝ મેળવી છે, જેમાં તેઓ તેમના દેશમાં ભવિષ્યમાં ક્રિપ્ટોના ટ્રેડિંગ કે ઉપયોગ પર પ્રતિબંધ જેવી ઘટનાઓ સામે તેમની સુરક્ષાના ઉપાયો શોધી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સુપર-રિચ લીગમાં 182 ક્રિપ્ટો સેન્ટી-મિલિયોનર્સ અથવા તો હાઈ-નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સનો સમાવેશ થાય છે. જેઓ 10 કરોડ ડોલરથી વધુનું ક્રિપ્ટો હોલ્ડિંગ્સ ધરાવે છે. જેમાંથી 78 પાસે બિટકોઈન્સ રહેલાં છે. જ્યારે વિશ્વમાં ટોચના 22 ક્રિપ્ટો બિલિયોનર્સમાંથી છ જણાનું ભાગ્ય બદલાય ચૂક્યું છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ જેફ ડી ઓપ્ડીકેના જણાવ્યા મુજબ ક્રિપ્ટો એ છેલ્લાં 30 વર્ષોનો સૌથી અનિવાર્ય ટ્રેડ અને ટેક્નોલોજી છે અને હાલમાં તે ખરીદવાની અદભૂત તક ઊભી થઈ છે. કેમકે હવે આ ભાવ ફરી જોવા મળે તેવી શક્યતાં ઓછી છે.
લગભગ 750થી વધુ ડેટા પોઈન્ટ્સને સમાવતો હેન્લીનો નવો ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ વિશ્વમાં ક્રિપ્ટો-ફ્રેન્ડલી ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન ડેસ્ટીનેશન્સ(દેશો)નું મૂલ્યાંકન અને રેટિંગ કરે છે. જેમાં સંબંધિત દેશો તરફથી ક્રિપ્ટોકરન્સિઝ અને બ્લોકચેઈન ટેક્નોલોજીના સ્વીકાર(એડોપ્શન) અને એકીકરણ(ઈન્ટિગ્રેશન)ને મુખ્ય ગણનામાં લેવામાં આવે છે. આ એનાલિસીસમાં સિંગાપુર 60માંથી 50.2ના સ્કોર અથવા 83.76 ટકા સાથે ટોચની પોઝીશન ધરાવે છે. જ્યારે સ્વિટ્ઝર્લેન્ડ 78.17 ટકા સાથે બીજા ક્રમે આવે છે. જ્યારપછીના ક્રમે યુએઈ(76.17 ટકા), હોંગ કોંગ(76 ટકા), યુનાઈટેડ સ્ટેટ્સ(73.83 ટકા), ઓસ્ટ્રેલિયા(71.83 ટકા) અને યુનાઈડેટ કિંગ્ડમ(71.17 ટકા) જેવા દેશોનો સમાવેશ થાય છે. આ તમામ દેશો ક્રિપ્ટો એડોપ્શનની બાબતમાં ફર્સ્ટ-ક્લાસ દેશો છે. જ્યારે ટોચના 10 દેશોમાં બાકી રહેલા દેશોમા કેનેડા(67.33 ટકા), માલ્ટા(64.83 ટકા) અને મલેશિયા(62.5 ટકા)નો સમાવેશ થાય છે.
હેન્લીના રિપોર્ટમાં નોંધ્યા મુજબ ક્રિપ્ટોકરન્સિઝ ઈન્વેસ્ટર્સ માટે સૌથી આકર્ષક સ્થળોમાં એવા દેશોનો સમાવેશ થાય છે, જેઓ ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ્સ મારફતે રેસિડેન્સિ(સ્થાયી નિવાસ) અને સિટિઝનશીપ(નાગરિક્તા) આપી રહ્યાં છે. જે તેમને નોંધપાત્ર રોકાણના આધારે ત્યાં રહેવાનો અધિકાર આપે છે. તેમજ નાગરિકત્વ પણ પૂરું પાડે છે. હાઈ નેટ-વર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સના પોર્ટફોલિયોમાં ક્રિપ્ટોકરન્સિઝનું મહત્વ પણ છેલ્લાં કેટલાંક સમયગાળામાં વધ્યું છે. જેનું મુખ્ય કારણ તેમના તરફથી વળતર અને ડાયવર્સિફિકેશનના નવા સ્રોતોની શોધ છે એમ રિપોર્ટ નોંધે છે.
ટોચના ક્રિપ્ટો હબ તરીકે સિંગાપુર ઊભર્યું છે. જેનું કારણ ઈનોવેટિવ ઈકોસિસ્ટમ અને સપોર્ટીવ કોમ્યુનિટી છે. સિંગાપુર ટોચના સ્તરે આવે છે કેમકે ત્યાં સરકાર પણ નેશનલ ક્રિપ્ટો સેક્ટરના મહત્તમ વિકાસ માટે બેંક્સ, બિઝનેસિસ અને જાહેર જનતા સાથે નજીકથી સહકાર ધરાવે છે. તેમજ સિટી કન્ટ્રીના ક્રિપ્ટો ટેક્સ પણ વ્યક્તિગત અને ઈન્વેસ્ટર્સને માટે લાભદાયી છે. કેમકે ત્યાં કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ પડતો નથી. સ્વિટ્ઝર્લેન્ડ 78.17 ટકા સાથે બીજા ક્રમે આવે છે. કેમકે તે ખૂબ સારી રીતે સ્થાપિત ક્રિપ્ટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. ઉપરાંત લિગલ ફ્રેમવર્ક અને પ્રાઈવેસી તથા સિક્યૂરિટી માટે પ્રતિષ્ઠિત પણ છે. ત્રીજા ક્રમે યુએઈ આવે છે. કેમકે ત્યાં મજબૂત ક્રિપ્ટો ઈકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. મધ્ય-પૂર્વનો દેશ રોકાણકારો માટે તરફેણદાયી ટેક્સ નીતિઓ ઓફર કરવા સાથે ઊંચા સ્તરની આર્થિક સ્થિરતા પણ પૂરી પાડી રહ્યો છે. જાહેર જનતા તરફથી સ્વીકારની વાત છે તો યૂએઈ અને સિંગાપુર ટોચના ક્રમે આવે છે. જે ત્યાંના લોકોની ક્રિપ્ટોકરન્સિઝને લઈ જાગૃતિ, રસ અને સક્રિયતા દર્શાવે છે. આ ઉપરાંત, યૂકે, યૂએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મોરેશ્યસ, હોંગ કોંગ સહિતના દેશો તેમની કુલ વસ્તીની સરખામણીમાં ક્રિપ્ટો યુઝર્સની બાબતમાં ટોચના 10 દેશોમાં સમાવેશ ધરાવે છે.

ચાલુ વર્ષાંત સુધી GIFT સિટીમાં સ્ટાર્ટઅપ લિસ્ટીંગ્સ થશે
નાણા મંત્રાલય તરફથી જરૂરી સુધારાઓનું જાહેરનામું બહાર પડ્યાં પછી લિસ્ટીંગ થઈ શકશે
ગાંધીનગર સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર ઓથોરિટી(IFSCA)ના ચેરમેન કે રાજારામણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષની આખર સુધીમાં આઈએફએસી એક્સચેન્જિસ ખાતે સ્ટાર્ટઅપ લિસ્ટીંગ્સની શરૂઆત થશે. આ માટે IFSCA ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે. જેથી સ્ટાર્ટઅપ્સનું સીધું લિસ્ટીંગ કરાવી શકાય. આ માટે જરૂરી સુધારાઓને લઈ ત્રણ મહિનામાં જાહેરનામું બહાર પાડવામાં આવશે એમ રાજારામણે ઉમેર્યું હતું.
ગિફ્ટ સિટી રેગ્યુલેટરે આ ઉપરાંત બેંકિંગ ક્ષેત્રે RTGS સમાન અલગ પેમેન્ટ્સ સિસ્ટમ રેગ્યુલેશન્સ માટે પણ તેઓ વિચારી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. IFSCA વડાના જણાવ્યા મુજબ આ નિયમો તત્કાળ સેટલમેન્ટ્સ અને રિઅલ-ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ્સની સુવિધા પૂરી પાડશે. આઈએફએસસી એક્સચેન્જિસ પર કંપનીઓના લિસ્ટીંગની સમયમર્યાદાને લઈ રાજારામણે જણાવ્યું હતું કે નાણા મંત્રાલય તરફથી સંબંધિત જાહેરનામાઓ અંગેની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. ગયા મહિને કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મળા સીતારામણે આઈએફએસસી ખાતે ઈન્ટરનેશનલ એક્સચેન્જિસ પર લિસ્ટેડ, અનલિસ્ટેડ તથા સ્ટાર્ટઅપ્સના સીધા લિસ્ટીંગ માટે સરકાર આયોજન કરી રહી હોવાનું જણાવ્યું હતું. જોકે, આ માટે તેમણે કોઈ સમયમર્યાદા પૂરી પાડી નહોતી. રાજારામણે જણાવ્યા મુજબ તેમણે એક કામકાજી જૂથની રચના કરી દીધી છે. જે સેબી અને આરબીઆઈ જેવા રેગ્યુલેટર્સ સાથે મળીને હાલમાં કામ કરી રહ્યું છે. તેમના મતે જરૂરી પ્રક્રિયા અને સુધારાઓ ત્રણેક મહિનામાં પૂરા થઈ જશે. જ્યારે ચાલુ વર્ષની આખર સુધીમાં ગિફ્ટ સિટી ખાતે લિસ્ટીંગ્સ શરૂ કરી શકાશે એમ તેઓ ઉમેરે છે. ગિફ્ટ સિટી રેગ્યુલેટર કિંમતી ધાતુઓના ટ્રેડિંગ સેગમેન્ટના વિસ્તરણ માટે પણ કામ કરી રહ્યો છે. હાલમાં IFSCA ખાતે બુલિયન ટ્રેડિંગ માટે ત્રણ વોલ્ટ્સ સક્રિય છે અને સરળ સેટલમેન્ટ્સ માટે તે ચેન્નાઈ ખાતે એક વધુ વોલ્ટ માટે વિચારી રહ્યું છે.

LICનો શેર ઊંચા વોલ્યુમ સાથે ઉછળી સાત-મહિનાની ટોચે
જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની એલઆઈસીનો શેર બુધવારે સાત-મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 17.90 અથવા 2.71 ટકા ઉછળી રૂ. 678ની સપાટીએ બંધ રહ્યો હતો. જે તેની સાત-મહિનાની ટોચ હતી. કાઉન્ટરમાં ઊંચા કામકાજ પાછળ ભાવમા સુધારો જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે બે સપ્તાહના દૈનિક સરેરાશ 79 હજાર શેર્સના કામકાજ સાથે 5.36 લાખ શેર્સનું વોલ્યુમ નોંધાયું હતું. એલઆઈસીનો શેર વાર્ષિક રૂ. 754.40ની ટોચ દર્શાવી રહ્યો છે. જ્યારે 52-સપ્તાહનું તળિયું રૂ. 530.20 પર જોવા મળે છે. મે 2022માં લિસ્ટીંગ પછી તે ઓફરભાવથી ઊપર ટ્રેડ થયો નથી.

હલ્દિરામ્સમાં 51 ટકા હિસ્સો ખરીદવા તાતા કન્ઝ્યૂમરની મંત્રણા
જોકે તાતા જૂથ ફરસાણ ઉત્પાદકના 10 અબજ ડોલરના વેલ્યૂએશનને લઈ કમ્ફર્ટેબલ નથી

તાતા જૂથના કન્ઝૂયમર એકમે દેશમાં જાણીતા ફરસાણ(સ્નેક) ઉત્પાદક હલ્દીરામ્સમાં ઓછામાં ઓછા 51 ટકા હિસ્સાની ખરીદી માટે મંત્રણા હાથ ધરી છે. જોકે, જાણકાર વર્તુળોનું એમ પણ કહેવું છે કે ફરસાણ ઉત્પાદકની 10-અબજ ડોલરના વેલ્યૂએશનની માગ સાથે તાતા જૂથ સહમત નથી. જો, આ ડીલ સફળ રહેશે તો ભારતીય કોંગ્લોમેરટ બહુરાષ્ટ્રીય પેપ્સી અને મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ સાથે સીધી સ્પર્ધામાં જોડાશે. હલ્દીરામ્સ પ્રાઈવેટ ઈક્વિટી કેપિટલ બેઈન કેપિટલ સાથે પણ 10 ટકા ઈક્વિટી હિસ્સાના વેચાણ માટે વાતચીત ચલાવી રહ્યું હોવાનું વર્તુળોનું કહેવું છે. તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ યુકે સ્થિત ચા કંપની ટેટલીની માલિકી પણ ધરાવે છે. ઉપરાંત ભારત માટે તે સ્ટારબક્સ સાથે ભાગીદારી ધરાવે છે. જોકે, હલ્દીરામ્સની વાર્ષિક 1.5 અબજ ડોલરની કમાણીને જોતાં કંપનીના 10 અબજ ડોલરના વેલ્યૂએશન સાથે તાતા જૂથ સહમત થઈ રહ્યું નથી. વર્તુળના મતે તાતા જૂથ હલ્દીરામ્સમાં 51 ટકાથી વધુ હિસ્સો ઈચ્છી રહ્યું છે અને તેમને કિંમત ઘણી ઊંચી જણાય રહી છે.

ડોલર સામે રૂપિયો 10 પૈસા ઘટી ઓલ-ટાઈમ લો નજીક પહોંચ્યો
વિદેશી રોકાણકારો તરફથી શેરબજારમાં વેચવાલીના કારણે જોવા મળતું દબાણ
બ્રેન્ટ ક્રૂડે 90 ડોલરની સપાટી પાર કરતાં પણ વધતી ચિંતા
યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં નરમાઈ જોવા મળી રહી છે. બુધવારે રૂપિયામાં 10-પૈસાના ઘટાડા સાથે ડોલરનો ભાવ છ મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં જોવા મળતી વૃદ્ધિને કારણે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 90 ડોલરની સપાટી પાર કરી ગયો છે. ભારત વિશ્વમાં બીજા ક્રમનો ક્રૂડ આયાતકાર જ્યારે ત્રીજા ક્રમનો ક્રૂડ વપરાશકાર દેશ છે.
બુધવારે રૂપિયો 10 પૈસા ગગડીને 83.14ની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉ તેણે ઓક્ટોબર 2022માં 83.29ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. વૈશ્વિક સ્તરે યુએસ ડોલરમાં મજબૂતી પાછળ પણ રૂપિયામાં સેન્ટીમેન્ટ ખરડાયું હતું. જ્યારે સ્થાનિક શેરબજારમાં છેલ્લાં કેટલાંક સત્રોથી વિદેશી રોકાણકારો તરફથી જોવા મળેલા સાધારણ આઉટફ્લોને કારણે પણ સ્થાનિક ચલણ પર દબાણ વધ્યું હતું. ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 83.08ની સપાટીએ ખૂલી 83.02થી 83.18ની રેંજમાં અથડાતો રહ્યો હતો. જ્યારે આખરે 10 પૈસાની નરમાઈ સાથે 83.14ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. મંગળવારે રૂપિયો 33 પૈસા ગગડી 83.04ના સ્તરે પટકાયો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 104.75ની તાજેતરની ટોચ નજીક ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ડોલરમાં વધુ મજબૂતીની શક્યતાં જોતાં રૂપિયામાં નરમાઈ જળવાય શકે છે તેમ ફોરેક્સ એનાલિસ્ટ્સ જણાવે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

REC: પીએસયૂ સાહસે ઓગસ્ટમાં છ બેંક્સના બનેલા કોન્સોર્ટિયમ પાસેથી 1.15 અબજ ડોલરની રકમ ઊભી કરી છે. તેણે બે તબક્કામાં આ નાણા મેળવ્યાં હતાં. આ લોનનો ઉપયોગ પાવર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજીસ્ટીક્સ સેક્ટરના પ્રોજેક્ટ્સને ફંડ માટે કરવામાં આવશે. કોન્સોર્ટિયમ બેંક્સમાં ગિફ્ટ સિટી સ્થિત બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક અને એસબીઆઈ લંડન બ્રાન્ચનો સમાવેશ થાય છે.
ઈન્ડ-સ્વિફ્ટ લેબઃ ફાર્મા કંપનીએ તેના એક્ટિવ ફાર્માસ્યુટીકલ ઈન્ગ્રેડીઅન્ટ્સ અને કોન્ટ્રેક્ટ રિસર્ચ એન્ડ મેન્યૂફેક્ચરિંગ સર્વિસિઝ બિઝનેસનું રૂ. 1650 કરોડમાં વેચાણ કર્યું છે. કંપનીએ ઈન્ડિયા રિસર્જન્સ ફંડને આ બિઝનેસ વેચ્યો છે. કંપનીએ એપીઆઈની બંને સુવિધાઓ વેચી છે. જે યુએસ, જાપાન, કોરિયા, બ્રાઝિલ, ઈયુ સહિત સ્થાનિક સપ્લાય ધરાવતો હતો.
TCS: ટોચની આઈટી સર્વિસિઝ કંપનીએ અન્ય જૂથ કંપની તાતા મોટર્સની સંપૂર્ણ માલિકીની કંપની જગુઆર લેન્ડ રોવર પાસેથી એક અબજ ડોલરનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે. તેણે ફ્યુચર-રેડી ડીજીટલ સર્વિસિઝ ડેવલપ કરવા માટે લક્ઝરી કાર ઉત્પાદક તરફથી આ કોન્ટ્રેક્ટ મેળવ્યો છે. કોન્ટ્રેક્ટ આગામી પાંચ વર્ષમાં પૂરો કરવાનો રહેશે. જે જેએલઆરને ડિજિટલ સર્વિસિઝના ટ્રાન્સફોર્મેશનમાં સહાયરૂપ બનશે.
રિલાયન્સ રિટેલઃ રિલાયન્સ જૂથની કંપનીએ આલિયા ભટ્ટની માલિકીની એડ-એ-મમ્મામાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે. બોલીવુડ એકટ્રેસ તરફથી 2020માં સ્થાપિત કંપની 2-12 વર્ષના બાળકો માટેની એપરલ બ્રાન્ડ છે. જે નેચરલ ફેબ્રિક્સ અને નેચર થીમ્સ પર ભાર મૂકે છે.
તાતા સ્ટીલઃ ટોચના પ્રાઈવેટ સ્ટીલ ઉત્પાદકે કાર્બન ઉત્પાદનમાં ઘટાડા માટે એબીબી ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે. જેમાં કંપની 2025 સુધીમાં ક્રૂડ સ્ટીલના પ્રતિ ટન ઉત્પાદન દરમિયાન બે ટનથી નીચા કાર્બન ડાયોક્સાઈડ ઉત્પાદનનો ટાર્ગેટ રાખી રહી છે. આ માટે બંને કંપનીઓ વચ્ચે સમજૂતી કરાર પર સાઈન કરવામાં આવી હતી.
એનબીસીસીઃ પીએસયૂ કન્સ્ટ્રક્શન કંપનીએ કેરળ સ્ટેટ હાઉસિંગ બોર્ડ પાસેથી રૂ. 2000 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
તાતા પાવરઃ તાતા પાવરની સબસિડિયરી તાતા પાવર રિન્યૂએબલ એનર્જી અન્ય તાતા જૂથ કંપની તાતા મોટર્સના પૂણે સ્થિત કમર્સિયલ વેહીકલ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે 12 મેગાવોટના ઓન-સાઈટ સોલાર પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં પ્રવેશી છે.
એનઆરબી બેરિંગ્સઃ એસેટ મેનેજર કંપની મિરાઈ એસેટે ઓટો એન્સિલિઅરી કંપનીમાં 31.94 લાખ શેર્સ અથવા 3.29 ટકા હિસ્સાની ખરીદી કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage