બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સ અડગ રહેતાં સપ્તાહની પોઝીટીવ સમાપ્તિ
નિફ્ટીએ 19600ની સપાટી પારી કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 10.30ના સ્તરે
નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો
આઈટી, ઓટો, ફાર્મા, મેટલમાં મજબૂતી
ગોદરેજ ઈન્ડ., મહિન્દ્રા હોલિડે, ડીએલએફ નવી ટોચે
વૈશ્વિક બજારોમાં મજબૂતી જળવાય રહેતાં સ્થાનિક બજારમાં સતત બીજા સત્રમાં પોઝીટીવ મોમેન્ટમ જોવા મળ્યું હતું અને બેન્ચમાર્ક્સ અડધા ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 364 પોઈન્ટ્સ ઉછળી 65996ની સપાટીએ જ્યારે નિફ્ટી 108 પોઈન્ટ્સ મજબૂતી સાથે 19654ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં બીજા દિવસે ખરીદી જળવાય હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. બીએસઈ ખાતે કુલ 3800 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2312 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1334 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 260 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 23 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 11 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 7 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 10.30ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું અને ત્યારપછી તે નવી ટોચ દર્શાવતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તે 19676ની ટોચ દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 34 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19688ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં પ્રિમીયમ જેટલું જ હતું. આમ માર્કેટમાં ખાસ કોઈ લોંગ બિલ્ડઅપના સંકેતો નથી. જે સાવચેતી જાળવવા સૂચવે છે. જોકે, નિફ્ટી 19600ની સપાટી પર બંધ આપી શક્યો હતો. નજીકમાં તેને 19700નો અવરોધ નડી શકે છે. જેને જોતાં ઊંચામાં ખરીદી ટાળવી જોઈએ. ટેકનિકલ એનાલિસ્ટ્સ પણ ઊંચામાં નવી ખરીદીને બદલે હળવા થવાનું સૂચન કરી રહ્યાં છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપની, ઈન્ડસઈન્ડ બેંક, તાતા કન્ઝ્યૂમર, આઈટીસી, યૂપીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી લાઈફ, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એચયૂએલ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, લાર્સન, નેસ્લેમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આરબીઆઈએ રેપો રેટને 6.5 ટકા પર સ્થિર જાળવતાં નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો હતો. જ્યારે તે ઉપરાંત આઈટી, ઓટો, ફાર્મા, મેટલ સહિતના ક્ષેત્રોમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ડીએલએફ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ, સનટેક રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટ, ફિનિક્સ મિલ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.7 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એમ્ફેસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, વિપ્રો, એચસીએલ ટેકમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.71 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબ, સન ફાર્મા, લ્યુપિનમાં સુધારો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો બજાજ ફિનસર્વ 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ગોદરેજ પ્રોપર્ટીઝ, એમસીએક્સ ઈન્ડિયા, એલએન્ડટી ફાઈનાન્સ, ડીએલએફ, બજાજ ફાઈનાન્સ, જીએમઆર એરપોર્ટ્સ, એબી કેપિટલ, સિટી યુનિયન બેંક, એચડીએફસી એએમસીમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, વોડાફોન આઈડિયા, દાલમિયા ભારત, એસ્કોર્ટ્સ કુબોટા, ઈન્ડુ ટાવર્સ, મેરિકો, હેવેલ્સ ઈન્ડિયા, એચયૂએલ, તાતા કોમ્યુનિકેશન્સ, ડાબર ઈન્ડિયામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. કેટલાંક વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ગોદરેજ ઈન્ડ., મહિન્દ્રા હોલિડે, ડીએલએફ, બજાજ ફાઈનાન્સ, સોલાર ઈન્ડ., શેલે હોટલ્સનો સમાવેશ થતો હતો.
TCSનું બોર્ડ 11 ઓક્ટોબરે શેર બાયબેકની વિચારણા કરશે
જોકે કંપની કેટલા મૂલ્યનું બાયબેક કરશે તે નથી જણાવ્યું
અગાઉ કંપનીએ રૂ. 16000 કરોડના શેર્સ બાય બેક કર્યાં હતાં
આઈટી સર્વિસિઝ કંપની તાતા કન્સલ્ટન્સિએ શુક્રવારે જણાવ્યું હતું કે કંપનીનું બોર્ડ આગામી સપ્તાહે બીજા ક્વાર્ટરના નાણાકિય પરિણામોની મંજૂરી વખતે શેર બાયબેકને લઈને વિચારણા પણ કરશે. એક રેગ્યુલેટરી ફાઈલીંગમાં કંપનીએ નોંધ્યું હતુંકે સેબી રેગ્યુલેશન્સ, 2015ના રેગ્યુલેશન 29(1)(બી) હેઠળ બોર્ડ ડિરેક્ટર્સ કંપનીના શેર બાયબેક માટેના પ્રસ્તાવ પર વિચારણા કરશે. આ વિચારણા સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોની સમીક્ષા સાથે 11 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.
દેશની સૌથી મોટી આઈટી સર્વિસિઝ કંપનીએ જોકે બાયબેકનું કદ કેટલું રહેશે તેની જાહેરાત નહોતી કરી. અગાઉ કંપનીએ રૂ. 16000 કરોડના મૂલ્યના શેર્સનું બાય બેક કર્યું હતું. એકબાજુ આઈટી કંપનીઓ રેવન્યૂ ગ્રોથને તંદુરસ્ત જાળવવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે ટીસીએસ જેવી દિગ્ગજ કંપની તરફથી આ જાહેરાત જોવા મળી છે. તાજેતરમાં એક નોંધમાં જેપી મોર્ગનના એનાલિસ્ટ્સે નોંધ્યું હતું કે ભારતીય કંપનીઓ માટે ચાલુ વર્ષ નબળુ જોવા મળશે. તેમના મતે માગમાં કોઈ અર્થસભર સુધારાના અભાવે તેઓ આઈટી કંપની માટે નેગેટિવ છે. મોટાભાગની આઈટી કંપનીઓ ઈન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો અને એચસીએલ ટેક્નોલોજી અગાઉ ચેતવણી આપતાં જણાવી ચૂકી છે કે તેમના મોટાભાગના ગ્રાહકો આઈટી ખર્ચમાં ઘટાડો કરી રહ્યાં છે. તેમજ આઈટી ખર્ચમાં વિલંબ કરી રહ્યાં છે. જ્યારે કેટલાંક કિસ્સામાં તેઓ કોન્ટ્રેક્ટ્સ રદ કરી રહ્યાં છે. જોકે, છેલ્લાં ત્રણ મહિના દરમિયાન નિફ્ટી આઈટી ઈન્ડેક્સે નિફ્ટી 50ની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. શુક્રવારે ટીસીએસનો શેર 0.87 ટકા મજબૂતી સાથે બીએસઈ ખાતે રૂ. 3620.20ના ભાવે બંધ રહ્યો હતો.
રૂ. 2000ની 87 ટકા નોટ્સ બેંક ડિપોઝીટ્સમાં ફેરવાઈ
હજુ પણ રૂ. 12 હજાર કરોડની નોટ્સ પરત થવાની બાકી
આરબીઆઈએ બેંક્સને પર્સનલ લોન્સ પર ખાસ નજર રાખવા જણાવ્યું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે તેના તરફથી પરત ખેંચવામાં આવેલી રૂ. 2000ના ડિનોમિનેશન ધરાવતી 87 ટકા નોટ્સ બેંક્સમાં ડિપોઝીટ્સ તરીકે પરત આવી ચૂકી છે. જ્યારે બાકીની નોટ્ વિવિધ કાઉન્ટર્સમાં એક્સચેન્જ થઈ છે. જોકે, 19 મે, 2023ના રોજ રૂ. 3.56 લાખ કરોડ(રૂ. 2000ની નોટ્સ)ના મૂલ્યની કુલ નોટ્સમાંથી હજુ પણ રૂ. 12 હજાર કરોડની નોટ્સ સિસ્ટમમાં પરત ફરી નથી.
ગયા શનિવારે આરબીઆઈએ જણાવ્યું હતું કે તેણે 29 સપ્ટેમ્બર સુધીમાં રૂ. 3.42 લાખ કરોડની નોટ્સ પરત મેળવી છે. જ્યારે રૂ. 14 હજાર કરોડની નોટ્સ પરત આવવાની બાકી છે. જ્યારપછી મધ્યસ્થ બેંકે નોટ્સને પરત કરવાની ડેડલાઈનને 7 ઓક્ટોબર સુધી એક સપ્તાહ માટે લંબાવી હતી. દાસે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક ભારપૂર્વક તેના હેડલાઈન ઈન્ફ્લેશનને 4 ટકા પર લાવવા માગે છે. જોકે, હજુ પણ ભાવમાં વૃદ્ધિમાં ઘટાડો જોવા નથી મળી રહ્યો અને તેથી મોનેટરી પોલિસી સક્રિયપણે ઈન્ફ્લેશનને અંકુશમાં રાખવાનું જાળવી રાખશે. સરકારના બેંકર તરીકે આરબીઆઈને સરકારના ફાઈનાન્સિસને લઈને કોઈ ચિંતા નહિ હોવાનું દાસે ઉમેર્યું હતું.
ડેપ્યૂટી ગવર્નર જે સ્વામિનાથને જણાવ્યું હતું કે કુલ 13-14 ટકાના ક્રેડિટ ગ્રોથ સામે પર્સનલ લોન્સમાં ઊંચી 33 ટકાની વૃદ્ધિએ જોતાં આરબીઆઈએ બેંક્સને સિસ્ટમમાં જોખમ વધે નહિ તે માટે તાકિદ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે બેંક્સને ક્યાઁથી મુશ્કેલી ઊભી થવાની છે તે સમજીને યોગ્ય પગલાં ભરવા માટે જણાવાયું છે. આરબીઆઈ ગવર્નરના મતે અનઓડિટેડ પરિણામો મુજબ જૂન ક્વાર્ટરમાં સમગ્રતયા ગ્રોસ એનપીએમાં સુધારો નોંધાયો હતો.
RBIએ પીએમ વિશ્વકર્માનો PIDF સ્કિમ હેઠળ સમાવેશ કર્યો
PIDF સ્કીમને વધુ બે વર્ષ માટે 31 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશીકાંત દાસે શુક્રવારે જણાવ્યું હતું કે તેમણે પીએમ વિશ્વકર્માને પેમેન્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ(PIDF) હેઠળ સમાવેશ કરવાનો તથા સ્કિમને વધુ બે વર્ષના સમયગાળા માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.
તેણે PIDF સ્કીમને વધુ બે વર્ષ માટે લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલેકે 31 ડિસેમ્બર, 2025 સુધી તેને લંબાવવામાં આવશે એમ ગવર્નરે જણાવ્યું હતું. જાન્યુઆરી 2021થી કાર્યરત PIDF સ્કિમનો હેતુ ટિયર-3થી લઈ ટિયર-6 કેન્દ્રોમાં, ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં અને જમ્મુ-કાશ્મીર અને લદાખ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફિઝિકલ પોઈન્ટ ઓફ સેલ(POS), ક્વિક રિસ્પોન્સ(QR) કોર્ડ જેવા પેમેન્ટ એસેપ્ટન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે ઈન્સેન્ટિવ્સ પૂરા પાડવાનો હતો. શરૂઆતી યોજના મુજબ PIDFનો સમયગાળો ડિસેમ્બર 2023 સુધી ત્રણ વર્ષ માટે નિર્ધારિત કરવામાં આવ્યો હતો. ગવર્નરના જણાવ્યા મુજબ ટિયર-1 અને ટિયર-2 કેન્દ્રોમાં પીએમ સ્વનિધિ સ્કિમના લાભાન્વિતોને પણ ઓગસ્ટ 2021માં PIDF સ્કિમ હેઠળ સમાવવામાં આવ્યા હતાં. ઓગસ્ટ, 2023ની આખરમાં આ સ્કિમ હેઠળ નવા 2.66 કરોડ ટચ પોઈન્ટ્સની સ્થાપના કરવામાં આવી હતી. હવે PIDF સ્કિમને વધુ બે વર્ષ માટે લંબાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, તમામ કેન્દ્રોમાં પીએમ વિશ્વકર્મા સ્કિમના લાભાન્વિતોને પણ તેમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ગયા મહિને પીએમ વિશ્વકર્મા યોજના રજૂ કરી હતી. જે હેઠળ કારીગરોને 5 ટકાના પોસાય તેવા રેટ પર રૂ. 3 લાખ સુધીની કોલેટર-ફ્રી લોન્સ પૂરી પાડવામાં આવે છે. આ સ્કિમમાં 18 ક્ષેત્રોના કારીગરોનો સમાવેશ થાય છે. જેમાં સુથાર, સોની, કુંભાર, સ્થાપત્ય કળા કારીગર, વાળંદ સહિતનો સમાવેશ થાય છે.
અર્બન કો.-ઓપ. માટે ગોલ્ડ લોન મર્યાદા રૂ. 4 લાખ કરાઈ
આરબીઆઈની એમપીસીએ શુક્રવારે નાના બોરોઅર્સની ફંડીંગ જરૂરિયાતને ધ્યાનમાં રાખી લિમિટ વધારી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી(એપીસી)એ બૂલેટ પેમેન્ટ સ્કીમ હેઠળ અર્બન કો-ઓપરેટીવ બેંક્સ માટે ગોલ્ડ લોન્સની મર્યાદાને રૂ. 2 લાખ પરથી બમણી બનાવી રૂ. 4 લાખની કરી હતી. આપબીઆઈ ગવર્નર શશીકાંત દાસે પોલિસી નિર્ણયની જાહેર કરવા સાથે આ જાહેરાત કરી હતી. આ પગલાને કારણે નાના અને સીમાંત બોરોઅર્સને ફંડીંગની જરૂરિયાત પૂરી કરવામાં સહાયતા મળશે. જોકે, આ છૂટ માત્ર એવી બેંક્સ માટે જ છે કે જેઓ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ(પીએસએલ) હેઠળ માર્ચ 2023માં સમગ્રતયા ટાર્ગેટ અને સબ-ટાર્ગેટ્સને પૂરો કર્યો હતો.
અગાઉ આરબીઆઈએ 2007માં બૂલેટ રિપેમેન્ટ હેઠળ રૂ. 1 લાખ સુધીની ગોલ્ડ લોન્સની મંજૂરી આપી હતી. જેને 2014માં વધારી રૂ. 2 લાખ કરવામાં આવી હતી. જેમાં 12 મહિનામાં રિપેમેન્ટ કરવાનું રહેતું હતું. અર્બન કોઓપરેટીવ બેંક્સ બુલેટ રિપેમેન્ટ અને ઈએમઆઈ હેઠળ ગોલ્ડ લોન્સને 12 મહિના માટે લંબાવી શકે છે. બૂલેટ પેમેન્ટ એ બાકી નીકળતી સમગ્ર લોન માટે એકસાથે કરવામાં આવતાં લમસમ પેમેન્ટ છે. લોનની મુદત પૂરી થવા વખતે બૂલેટ પેમેન્ટ્સ એક ખૂબ સામાન્ય ઘટના છે. કેટલાંક બૂલેટ પેમેન્ટ્સ કંપની તરફથી જાળવવામાં આવતી કેશની સરખામણીમાં મોટા હોય છે. એમપીસીએ શુક્રવારે ગોલ્ડ લોન્સની મર્યાદામાં વૃદ્ધિ કરતાં રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી. જેની પાછળ મણ્ણાપુરમ ફાઈનાન્સ અને મૂથૂત ફાઈનાન્સના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી અને તેઓ
રેપો રેટમાં સ્થિરતાથી તહેવારોમાં ઘર ખરીદારોને રાહત
મકાનો ઉપરાંત પર્સનલ વેહીકલ્સ ખરીદારોનો ઉત્સાહ પણ જળવાયેલો રહેશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એમપીસીએ શુક્રવારે રેપો રેટ સ્થિર જાળવી તહેવારોની સિઝનમાં ઘર અથવા કાર ખરીદવા ઈચ્છનારાઓને મોટી રાહત પૂરી પાડી હતી. આરબીઆઈની એમપીસીએ સતત ચોથી રેટ સમીક્ષામાં રેપો રેટ 6.5 ટકા પર સ્થિર જાળવી રાખ્યો હતો.
ઊંચા ફૂડ ઈન્ફ્લેશન અને વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વચ્ચે આરબીઆઈએ અપેક્ષા મુજબ જ મહત્વના પોલિસી રેટ્સને સ્થિર જાળવ્યો હતો. ફેબ્રુઆરી 2023થી આરબીઆઈએ રેપો રેટ સ્થિર જાળવી રાખ્યો છે. આરબીઆઈના મત મુજબ વિકસિત દેશોમાં રેટ્સ તેની ટોચ નજીક પહોંચી ચૂક્યાં છે. રેટમાં ફેરફાર નહિ કરી આરબીઆઈએ હોમ બાયર્સને માટે એક પ્રકારે તહેવારો માટે ગિફ્ટ આપી હતી. અગ્રણી રિઅલ્ટી કન્સલ્ટન્ટ એનારોક જૂથના જણાવ્યા મુજબ જો વર્તમાન ટ્રેન્ડને જોઈએ તો સમગ્રતયા કન્ઝ્યૂમર માર્કેટ તેજીમાં જોવા મળી રહ્યું છે. તમામ સેક્ટર્સમા માગ ઊંચી જળવાય છે. જેમાં ખાસ કરીને ઓટોમોબાઈલ અને હાઉસિંગ માર્કેટ્સ મુખ્ય છે. જે દેશના અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે. જેને જોતાં રેટને સ્થિર જાળવી રાખવાથી તહેવારોની સિઝનમાં મોટો લાભ થશે. રેટમાં સ્થિરતા રેસિડેન્શિયલ માર્કેટને માટે વિશેષ મહત્વની બની રહેશે. એનારોકના રિસર્ચ મુજબ ટોચના સાત શહેરોમાં સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન મકાનોનું વિક્રમી વેચાણ જોવા મળ્યું હતું. 2022ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 88,230 યુનિટ્સ સામે 2023માં 1,20,280 યુનિટ્સનું વેચાણ નોંધાયું હતું. જે વાર્ષિક ધોરણે 36 ટકા વૃદ્ધિ સૂચવે છે.
બીજી બાજુ ઓટોમોબાઈલ સેક્ટરમાં પ્રાઈવેટ વેહીકલ સેગમેન્ટ પણ વિક્રમી વેચાણ દર્શાવી રહ્યું છે. જે બંનના વેચાણમાં ઈન્ટરેસ્ટ રેટ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આરબીઆઈએ રેટને સ્થિર રાખતાં જેઓ ફેસ્ટીવ ક્વાર્ટરમાં મકાન ખરીદવા ઈચ્છે છે તેમના પર કોઈ વધારાનો બોજ પડશે નહિ અને મકાનોના વેચાણમાં મોમેન્ટમ જળવાય શકે છે.
RBI રેગ્યુલેટેર કંપનીઓ માટે SROની માન્યતા માટે રૂપરેખા રજૂ કરશે
રેગ્યુલેટેડ એન્ટીટીઝ માટે આંતરિક ઓમ્બુડ્સમેન મિકેનીઝમ માટેના નિયમોને આરબીઆઈ વધુ સરળ બનાવશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની રેગ્યુલેટેડ કંપનીઓ માટે સેલ્ફ-રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન્સ(SRO)ની માન્યતા માટે રૂપરેખા રજૂ કરશે. તેમજ રેગ્યુલેટેડ એન્ટીટીઝ માટે આંતરિક ઓમ્બુડ્સમેન મિકેનીઝમ માટેના નિયમોને આરબીઆઈ વધુ સરળ બનાવશે. જેમ કરી ગવર્નન્સને મજબૂત બનાવવા સાથે ગ્રાહકોનું રક્ષણ કરશે.
રેગ્યુલેટર તેના સભ્યોમાં કોમ્પ્લાયન્સ કલ્ચરને મજબૂત બનાવવા માટે તથા પોલિસી ઘડવા એક કન્સલ્ટેટીવ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સેલ્ફ-રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન્સની માન્યતા માટે એક ઓમ્નીબસ ફ્રેમવર્ક રજૂ કરશે એમ આરબીઆઈએ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી પોલિસીઝ પર એક નિવેદનમાં જણાવ્યું હતું. શરૂઆતમાં આરબીઆઈ ભાગીદારોની ટિપ્પણી માટે ઓમ્નિબસ ફ્રેમવર્કનો ડ્રાફ્ટ રજૂ કરશે. એસઆરઓ ફ્રેમવર્ક વ્યાપક હેતુઓ, કામગીરીઓ, યોગ્યતાના માપદંડ અને ગવર્નન્સ માટેના ધારા-ધોરણો રજૂ કરતો હશે એમ આરબીઆઈએ તેની મોનેટરી પોલિસી સમીક્ષા નિવેદનમાં નોંધ્યું હતું. એસઆરઓ માટે ફ્રેમવર્ક કોઈપણ સેક્ટર માટે કોમન રહેશે. આરબીઆઈ પાછળથી સેક્ટર માટે ચોક્કસ વધારાની શરતો રજૂ કરી શકે છે. ગ્રાહકોની ફરિયાદ નિવારણ યંત્રણામાં સુધારણા માટે આરબીઆઈએ જણાવ્યું હતું કે રેગ્યુલેટેડ એન્ટીટીઝ માટે ઈન્ટરનલ ઓમ્બુડ્સમેન ફ્રેમવર્કની માર્ગદર્શિકાઓ પણ સમાન ડિઝાઈન ફિચર્સ ધરાવતી હશે. આરબીઆઈએ પસંદગીની વાણિજ્યિક બેંક્સ માટે 2015માં ઓમ્બુડ્સમેન મિકેનીઝમ રજૂ કર્યું હતું. જેનો હેતુ ગ્રાહકોની ફરિયાદોના કાર્યદક્ષ અને યોગ્ય ઉકેલની ખાતરીનો હતો.
બીએસઈ બેઝ મેટલ્સ અને એનર્જી ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ શરૂ કરશે
એક્સચેન્જ 9 ઓક્ટોબરથી કોમોડિટીઝ ફ્યુચર્સમાં ટ્રેડિંગ આરંભશે
મુંબઇ શેરબજારે કિંમતી ધાતુઓ અને એનર્જી (WTI ક્રૂડ ઓઇલ અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલ) કોન્ટ્રેક્ટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત બેઝ મેટલ્સ જેવીકે કોપર, ઝિંક, એલ્યુમિનિયમ માટેના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ પણ શરૂ કરશે. એક્સચેન્જ આગામી 9 ઓક્ટોબરથી આ કોન્ટ્રેક્ટ્સ લોંચ કરસે. આ માટે બીએસઈને માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી મંજૂરી પણ મળી ચૂકી છે.
BSEને 100 દિવસો પહેલાં લોન્ચ કરાયેલા સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ માટે ટ્રેડર્સ તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટ લોન્ચ થયા બાદ 300થી વધુ સભ્યોએ ટ્રાન્ઝેક્શન્શ કર્યા છે. આ કોમોડિટી કોન્ટ્રાક્ટ્સ માર્કેટ પાર્ટિસિપન્ટ્સ ખાસ કરીને કોર્પોરેટ, વેલ્યુ ચેઈન પાર્ટિસિપન્ટ્સ અને વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સને વોલેટિલિટી સામે હેજીંગ મેનેજ કરવાની સુવિધા પૂરી પાડશે.
સ્ટ્રીમીંગ બિઝનેસ વેચવા વોલ્ટ ડિઝનીની અદાણી, સન ટીવી સાથે વાતચીત
યુએસ એન્ટરટેઈનમેન્ટ જાયન્ટની બિઝનેસને એક સાથે અથવા ટુકડાઓમાં વેચવાની પણ તૈયારી
વોલ્ટ ડિઝની તેના ભારતીય સ્ટ્રીમીંગ અને ટેલિવિઝન બિઝનેસને સંભવિત ખરીદારને વેચવા માટે વિવિધ લોકો સાથે મંત્રણા ચલાવી રહી છે. જેમાં બિલિયોનર ગૌતમ અદાણી અને કલાનિધિ મારનનો સમાવેશ થાય છે એમ બ્લૂમબર્ગનો રિપોર્ટ જણાવે છે. યુએસ એન્ટરટેઈનમેન્ટ જાયન્ટના અધિકારીઓએ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ્સને પણ તેની એસેટ્સ વેચવા માટેનો પ્રયાસ કર્યો હોવાનું રિપોર્ટ જણાવે છે. કંપની તેની ભારતીય કામગીરીને વેચવા માટે વિવિધ વિકલ્પો વિચારી રહી છે. તે તેના સમગ્ર બિઝનેસના એક સાથે અથવા વિવિધ હિસ્સામાં વેચવા માટે પણ પ્રયાસ કરી રહી છે. જેમાં સ્પોર્ટ્સ રાઈટ્સ અને પ્રાદેશિક સ્ટ્રીમીંગ સર્વિસ ડિઝની હોટસ્ટારનો સમાવેશ થાય છે એમ રિપોર્ટ નોંધે છે.
અગાઉ કંપની એસેટ વેચાણ માટે બિલિયોનર મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે વાતચીત હાથ ધરી ચૂકી છે એમ રિપોર્ટે નોઁધ્યું હતું. ડિઝની તેના ભારતીય બિઝનેસ માટે વ્યૂહાત્મક વિકલ્પો વિચારી રહી છે. જેમાં સમગ્ર બિઝનેસને વેચી દેવો અથવા સંયુક્ત સાહસની રચના કરવી. અગાઉ જુલાઈમાં કંપની આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વાયાકોમ18 મિડિયા સામે સ્ટ્રીમીંગ રાઈટ્સ મેળવવામાં હારી જતાં તેણે બિઝનેસના વેચાણની પ્રક્રિયા શરૂ કરી હતી. વાયાકોમ એ રિલાયન્સ, પેરામાઉન્ટ ગ્લોબલ અને ઉદય શંકરની ઈન્વેસ્ટમેન્ટ કંપની બોધી ટ્રી સિસ્ટમ્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. જો મારનની બ્રોડકાસ્ટીંગ કંપની સન ટિવી નેટવર્ક વોલ્ટ ડિઝનીનો બિઝનેસ ખરીદશે તો તેમના માટે તે મિડિયા બિઝનેસમાં એક ઉમેરો હશે. જ્યારે અદાણી ગ્રૂપ માટે તે તેમની નવી ખરીદી એનડીટીવીના વિસ્તરણમાં સહાયરૂપ બની રહેશે. જોકે, મંત્રણા હજુ ખૂબ પ્રાથમિક તબક્કામાં જોવા મળી રહી છે અને કોઈપણ ડીલ ના થાય તેવું પણ બની શકે છે એમ રિપોર્ટમાં જણાવાયું છે. ડિઝની હાલમાં રિલાયન્સની પ્લેબુકનો ઉપયોગ કરી ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપનું ફ્રી સ્ટ્રીમીંગ કરી રહી છે. કંપની તેના કેટલાક સબક્રાઈબર્સને પરત મેળવવા માટે આવક ગુમાવવી પડે તો પણ ભલે એમ માનીને આમ કરી રહી છે.
ભારતીય કંપનીઓ તરફથી બીજા ક્વાર્ટરમાં ECB ફ્લો ધીમો પડ્યો
જૂન ક્વાર્ટરમાં વિક્રમી ઈસીબી સામે જૂલાઈ-ઓગસ્ટમાં ખૂબ નીચું ઋણ મેળવ્યું
પ્રથમ ક્વાર્ટરમાં વિક્રમ રચ્યાં પછી ભારતીય કંપનીઓ તરફથી એક્સટર્નલ કોમર્સિયલ બોરાઈંગ બીજા ક્વાર્ટરમાં ધીમું પડ્યું હોવાનું આરબીઆઈ ડેટા સૂચવે છે. ભારતીય કંપનીઓએ જુલાઈમાં 2.6 અબજ ડોલરનું બાહ્ય દેવું મેળવ્યું હતું. જ્યારે ઓગસ્ટમાં તે રકમ 2.8 અબજ ડોલર પર રહી હતી. ભારતીય કંપનીઓ તરફથી મેમાં 7.5 અબજ ડોલર અને જૂનમાં 7.9 અબજ ડોલરના ઈસીબીની સરખામણીમાં આ રકમ ઘણી નીચી જોવા મળી રહી છે. નાણા વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓએ વિદેશી બજારમાંથી 21 અબજ ડોલરનું વિક્રમી ઋણ મેળવ્યું હતું.
માર્કેટ નિષ્ણાતો ઈસીબી ફ્લો ધીમો પડવા પાછળ વિવિધ કારણોને જવાબદાર ગણાવી રહ્યાં છે. જેમાં એક તો વૈશ્વિક બજારમાં ઈન્ટરેસ્ટ રેટ્સમાં વૃદ્ધિ મુખ્ય બાબત છે. જેને કારણે સ્થાનિક લોન્સ સામે ઈસીબી વધુ મોંઘું બન્યું હતું. બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે પણ ઈસીબીમાં ઘટાડો નોંધાયો હતો. ઈસીબીમાં ઘટાડાનું એક અન્ય કારણ પ્રાઈવેટ કેપિટલ ખર્ચમાં ઘટાડો હતું. સામાન્યરીતે ખાનગી કંપનીઓ તેમના લાંબાગાળાના પ્રોજેક્ટ્સ જેવાકે વિસ્તરણ અને આધુનિકીકરણ માટે ફંડ જરૂરિયાત પૂરી કરવા ઈસીબી ઊભું કરે છે. તાજેતરના રિપોર્ટમાં બેંક ઓફ બરોડા અને સીએમઆઈઈએ નોંધ્યું છે કે 2023-24ના બીજા ક્વાર્ટરમાં નવા પ્રોજેક્ટની જાહેરાતોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે રૂ. 1.2 લાખ કરોડ પર રહી હતી. જે જૂન 2004 પછીની સૌથી નીચી છે. રેટીંગ એજન્સી ક્રિસિલના જણાવ્યા મુજબ સરકારી ખર્ચમાં વૃદ્ધિ થઈ રહી છે પરંતુ ખાનગી કેપેક્સ વધી રહ્યું નથી. ક્રિસિલના મતે હવે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે સ્થાનિક અર્થતંત્રમાં કેપેક્સ સાઈકલ શરૂ થવાનો સમય આવી ચૂક્યો છે. તેના મતે ક્ષમતાના વપરાશમાં વૃદ્ધિ, કંપનીઓના બેલેન્સ શીટ્સમાં નીચું દેવું અને વધતી માગ જોતાં કંપનીઓએ કેપેક્સ કરવું પડશે.
લીલાવતી ફાઉન્ડેશન ગિફ્ટ સિટીમાં હોસ્પિટલ બનાવશે
મુંબઈ સ્થિત લીલાવતી ફાઉન્ડેશન ગાંધીનરમાં ગિફ્ટ સિટી ખાતે ૩૦૦ બેડની મલ્ટિ-સ્પેશિયાલિટી ચેરિટેબલ હોસ્પિટલનું નિર્માણ કરશે. આ પ્રોજેક્ટને માત્ર હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ અને કંપનીઓ પાસેથી મળતા સખાવતી દાન દ્વારા જ ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટના માનદ સલાહકાર તરીકે કિશોર મહેતા સેવા આપશે. જેઓએ મુંબઈની પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલનું નિર્માણ કર્યું છે અને તેઓ લીલાવતી કિર્તીલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. ગિફ્ટ સિટી હોસ્પિટલમાં ટ્રસ્ટીઓના કોઈ આર્થિક હિતો નહિ હોય અને તે માત્ર સામાજિક પરોપકારનું કાર્ય બની રહેશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ટીસીએસઃ આઈટી સર્વિસ અગ્રણીએ યુએસના જ્યોર્જિયા સ્ટેટના ડિપાર્ટમેન્ટ ઓફ લેબર્સ પાસેથી ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડર સ્ટેટ લેબર ડિપાર્ટમેન્ટની આઈટી સિસ્ટમ્સના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટેનો છે. ટીસીએસ 1980ના પ્લેટફોર્મને ક્લાઉડ-બેઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ ઈન્શ્યોરન્સ સિસ્ટમ સાથે રિપ્લેસ કરશે. જે ક્લેમ પ્રક્રિયાને સ્ટ્રીમલાઈન કરશે.
વેદાંત રિસોર્સિઝઃ વેદાંત જૂથની કંપનીએ રોકાણકારોને જણાવ્યું છે કે તેઓ ડોલર બોન્ડ્સની પુનઃચૂકવણીમાં વિલંબ માટેના પ્રસ્તાવમાં સુધારા માટે તૈયાર છે. અગાઉ કંપનીએ આનાકાની કરી હવે તૈયારી દર્શાવી છે. કેટલાંક બોન્ડહોલ્ડર્સે કંપની પાસે તેણે ઓફર કરેલી કેશ કરતાં વધુ અપફ્રન્ટ કેશની માગણી કરી છે. હાલમાં ચર્ચા ચાલી રહી છે અને આખરી નિર્ણય નથી લેવાયો.
તાતા મોટર્સઃ કંપનીના વૈશ્વિક બિઝનેસે સારો દેખાવ દર્શાવ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તાતા મોટર્સનો ગ્લોબલ હોસસેલ બિઝનેસમાં 7 ટકા વૃદ્ધિ જોવા મળી છે. કંપનીએ કુલ 3,42,376 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા 3,22,159 યુનિટ્સની સરખામણીમાં 6.3 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આમાં જેએલઆરે 96,817 યુનિટ્સનું યોગદાન આપ્યું છે.
એચડીએફસી બેંકઃ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ અભીક બરુઆએ આરબીઆઈની મોનેટરી પોલિસીમાં ઓપન માર્કેટ ઓપરેશનના દ્વાર ખુલવાથી 10-યર યિલ્ડ વધવાની સંભાવના દર્શાવી છે. જે યુએસના યિલ્ડમાં વૃદ્ધિ પાછળ નજીકના ભવિષ્યમાં દબાણ કરવાનું જાળવશે. સપ્ટેમ્બર મહિનામાં ફુગાવો 5.3 ટકા રહેશે એમ તેઓ માને છે.
એપીએમ ટર્મિનલ્સ પીપાવાવઃ ટોચના પોર્ટ ઓપરેટરે અમદાવાદ કસ્ટમ બ્રોકર્સ એસોસિએશન, શિપિંગ લાઇન્સ અને સીએફએસના સભ્યોની પોર્ટ મુલાકાત યોજી હતી. જેમાં પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાગૃતતા વધારવા સાથે જેટીથી યાર્ડ અને યાર્ડથી ગેટ સુધીની વિવિધ પ્રક્રિયાઓ દર્શાવવામાં આવી હતી.
કેઈર્ન ઈન્ડિયાઃ સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલે કંપની પર સેબી તરફથી લાગુ પાડવામાં આવેલી રૂ. 5.25 કરોડની પેનલ્ટીને બાજુ પર રાખી છે. સેબીએ કંપની પર 2014માં શેર બાય બેક અંગે ગેરમાર્ગે દોરતી જાહેરાતને ધ્યાનમાં રાખી કેઈર્ન ઈન્ડિયા પર પેનલ્ટી લાગુ પાડી હતી. પાછળથી કેઈર્નનું વેદાંતામાં 2017માં મર્જર કરવામાં આવ્યું હતું.
ઈન્ડિગોઃ એરલાઈન કંપનીએ ક્રૂડના ભાવમાં વૃદ્ધિ પાછળ એવિએશન ટર્બાઈન ફ્યુઅલના વધેલા ભાવને જોતાં શુક્રવારથી ફ્યુઅલ ચાર્જ લાગુ પાડ્યો છે. જે સેક્ટર વાર લાગુ પડશે અને ડિસ્ટન્સને આધારે નિર્ધારિત કરાશે. તે રૂ. 300થી રૂ. 1000ની રેંજમાં લાગુ પડશે. ક્રૂડમાં ઉછાળા પાછળ એટીએફના ભાવમાં મહિને 5.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
ગો ફર્સ્ટઃ નેશનલ કંપની લો એપટેલ ટ્રિબ્યૂનલે નાદારીના આરે આવીને ઊભેલી એરલાઈન કંપની ગો ફર્સ્ટના એરક્રાફ્ટ લિઝર બ્લ્યૂસ્કાઈ 19 લિઝીંગ કંપનીને તેણે લીઝ કરેલા વિમાનોના ઈન્સ્પેક્શન માટે મંજૂરી આપી છે. બ્લ્યૂસ્કાઈ એ ગો ફર્સ્ટનો ત્રીજો લીઝર છે જેને વિમાનો ઈન્સ્પેક્ટ કરવાની મંજૂરી મળી છે.