Market Summary 06/11/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

તેજીની હેટ્રીક સાથે શેરબજારમાં તહેવારોનું શુભ આગમન
બેન્ચમાર્ક નિફ્ટી 19400ની સપાટી કૂદાવી ગયો
કોરિયન બેન્ચમાર્ક કોસ્પીમાં 6 ટકાનો તીવ્ર ઉછાળો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા વધી 11.10ના સ્તરે
નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ નવી ટોચે
પીએસઈ, મેટલ, એનર્જી, ફાર્મામાં મજબૂતી
નિફ્ટી પીએસયૂ બેંકમાં નરમાઈ
અંબેર એન્ટર., ઝોમેટો, સુઝલોન, ક્રિસિલ નવી ટોચે

દિવાળીના તહેવારોની શેરબજારમાં શુભ શરુઆત જોવા મળી રહી છે. ગયા સપ્તાહના આખરી બે સત્રોમાં મજબૂતી દર્શાવ્યાં પછી નવા સપ્તાહના પ્રથમ સત્રમાં એક ટકા વૃદ્ધિ સાથે ભારતીય બજારમાં તેજીની હેટ્રીક જોવા મળી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 595 પોઈન્ટ્સ મજબૂતી સાથે 64958ની સપાટીએ જ્યારે નિફ્ટી 181 પોઈન્ટ્સ મજબૂતી સાથે 19412ની સપાટીએ બંધ રહ્યાં હતાં. જ્યારે બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3964 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2452 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 2452 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 253 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 37 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા વધી 11.10ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે વૈશ્વિક બજારોમાં મજબૂતી પાછળ ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી50 અગાઉના 19231ના બંધ સામે 19346ની સપાટી પર ખૂલી ઉપરમાં 19423 પર ટ્રેડ થઈ તેની નજીક બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 72 પોઈન્ટ્સના પ્રિમીયમે 19484ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 65 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સાત પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવે છે. જે લોંગ પોઝીશનમાં વૃદ્ધિ સૂચવે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 19500-19600ની રેંજમાં એક અવરોધ સંભવ છે. બેન્ચમાર્ક 19840ના તાજેતરના તળિયેથી ઝડપી સુધર્યો છે એટલે તે કોન્સોલિડેશનમાં જોવા મળે તેવી ઊંચી શક્યતાં છે. જે ટ્રેડર્સે નીચા ભાવે ખરીદી કરી હોય તેઓએ પ્રોફિટ બુક કરવામાં બીજીવાર વિચારવુ જોઈએ નહિ. સપ્તાહના પ્રથમ સત્રમાં નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, લાર્સન, એક્સિસ બેંક, બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બ્રિટાનિયા, બજાજ ફિનસર્વ, તાતા સ્ટીલ, ઓએજીસી, એશિયન પેઈન્ટ્સ, કોલ ઈન્ડિયા, ડો. રેડ્ડીઝ લેબ્સ, હિંદાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, બીપીસીએલ અને એમએન્ડએમનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એસબીઆઈ, એચયેલ, ટાઈટન કંપની, તાતા મોટર્સ, સિપ્લ, એચડીએફસી લાઈફમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટીના 50માંથી 44 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ સિવાય તમામ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ વધુ 1.2 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, સોભા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ફિનિક્સ મિલ્સ, ઓબેરોય રિઅલ્ટી, સનટેક રિઅલ્ટી, હેમિસ્ફિઅરમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.4 ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં જિંદા સ્ટીલ, સેઈલ, નાલ્કો, મોઈલ, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, એનએમડીસીમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી એનર્જી 1.4 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈઓસી, અદાણી ગ્રીન, તાતા પાવર, પાવર ગ્રીડ કોર્પો, એચપીસીએલ, ઓએનજીસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્માએ 1.3 ટકા મજબૂતી સાથે ફરી 15 હજારની સપાટી પાર કરી હતી. જેના ઘટકોમાં ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિન, સન ફાર્મા, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્માનો સમાવેશ થતો હતો. બીજી બાજુ નિફ્ટી પીએસયૂ બેંકમાં એક ટકાથી વધુની નરમાઈ જોવા મળી હતી. જેમાં બેંક ઓફ બરોડા 4 ટકા ઘટ્યો હતો. આ ઉપરાંત પંજાબ એન્ડ સિઁધ બેંક, ઈન્ડિયન બેંક, જેકે બેંક, કેનેરા બેંક, એસબીઆઈ, યુનિયન બેંકમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો આરતી ઈન્ડસ્ટ્રીઝ 11 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, જેકે સિમેન્ટ, મેટ્રોપોલીસ, દિપક નાઈટ્રેટ, ડિવિઝ લેબ્સ, આઈઈએક્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ફોર્જ, જિંદાલ સ્ટીલ, અતુલ, એસઆરએફ, પેટ્રોનેટ એલએનજી, ઈન્ડિયા સિમેન્ટ્સ, આઈઓસી, કોન્કોર, સિન્જિન ઈન્ટરનેશનલ, બર્ગર પેઈન્ટ્સ, નવીન ફ્લોરિનમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, બેંક ઓફ બરોડા, ઝી એન્ટરટેઈનમેન્ટ, ઈન્ડુસ ટાવર્સ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, વોડાફોન, એબી કેપિટલ, સીજી કન્ઝ્યૂમર, શ્રીરામ ફાઈનાન્સ, બાટા ઈન્ડિયા, વોલ્ટાસમાં મજબૂતી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, અંબેર એન્ટરપ્રાઈઝ, ઝોમેટો, કલ્યાણ જ્વેલર, સુઝલોન એનર્જી, ક્રિસિલ, સીડીએસએલ, નિપ્પોન, સોભા, ગોદરેજ પ્રોપર્ટીઝ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ અને ફિનિક્સ મિલ્સનો સમાવેશ થતો હતો.

સાઉથ કોરિયા ફરી શોર્ટ-સેલીંગ પર પ્રતિબંધ મૂક્યો
સ્થાનિક રેગ્યુલેટરના નિર્ણય પાછળ કોસ્પી ઈન્ડેક્સ 6 ટકા ઉછળ્યો

મહત્વના ઈમર્જિંગ માર્કેટ્સ સાઉથ કોરિયાએ સોમવારથી શેરબજારમાં શોર્ટ-સેલીંગ પર પ્રતિબંધ લાગુ પાડ્યો હતો. જેને ઓછામાં ઓછા આગામી જૂન મહિના સુધી લંબાવ્યો હતો. આમ કરવાનો હેતુ રિટેલ અને સંસ્થાકિય રોકાણકારો માટે લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઊભું કરવાનું હોવાનું સ્થાનિક ફાઈનાન્સિયલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
અગાઉ કોસ્પી200 અને કોસ્ડેક150 સૂચકાંકોમાં સમાવિષ્ટ શેર્સ પરથી મે 2021માં શોર્ટ સેલીંગ પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો. જોકે, હવે તે બ્રોડ રેંજના શેરબજાર પર લાગુ પડશે. શોર્ટ-સેલીંગ એ એક પ્રકારની ટ્રેડિંગ સ્ટ્રેટેજી છે. જેમાં મંદડિયાઓ ઉછીના લીધેલાં શેર્સનું ઊંચા ભાવે વેચાણ કરી પાછળથી નીચામાં તેની પરત ખરીદી કરી નફો રળતાં હોય છે. આમ કરવા પાછળનું કારણ સંસ્થાકિય અને રિટેલ રોકાણકારો વચ્ચે માનવામાં આવતું અસંતુલન છે. કોરિયાના માર્કેટ રેગ્યુલેટર ફાઈનાન્સિયલ સર્વિસિઝ કમિશન(એફએસસી)ના ચેરમેન કિમ જો-હ્યુંગના મતે મોટાભાગની વિદેશી ઈન્વેસ્ટમેન્ટ બેંક્સ અયોગ્ય(અનફેર) ટ્રેડમાં સક્રિય છે અને તેથી વર્તમાન માર્કેટ અનિશ્ચિતતાઓ વચ્ચે ફેર ટ્રેડિંગ ડિસિપ્લીન જાળવી રાખવી અશક્ય છે. એફસીએસ આગામી જૂનમાં માર્કેટની સ્થિતિનું ફરીથી મૂલ્યાંકન કરશે. જે વખતે પ્રતિબંધને દૂર કરવો કે નહિ તે અંગે વિચારશે. આ ઉપરાંત, એફએસસી ફોરેન ઈન્વેસ્ટમેન્ટ બેંક્સ તરફથી શોર્ટ-સેલીંગની કામગીરીને લઈને તપાસ માટે ટીમ પણ તૈયાર કરશે. ખાસ કરીને તે નેક્ડ શોર્ટ-સેલીંગ પર ફોકસ કરશે. જે સાઉથ કોરિયામાં પ્રતિબંધિત છે. ફાઈનાન્સિયલ સુપરવાઈઝરી સર્વિસે તાજેતરમાં એક સંકેતમાં હોંગ કોંગ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ બેંક્સ પર દંડનો સંકેત આપ્યો હતો. જેમણે અનુક્રમે 40 અબજ વોન(2.958 કરોડ યુએસ ડોલર) અને 16 અબજ વોનના નેકેડ શોર્ટ-સેલીંગ ટ્રાન્ઝેક્શન્સ હાથ ધર્યાં હતાં.

બાઈજુસની યુએસ યુનિટ એપિકના વેચાણ માટે વાતચીત
એડટેક જાયન્ટ 50 કરોડ ડોલરમાં ખરીદેલા બિઝનેસને 40 કરોડ ડોલરમાં વેચશે

મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલો એડટેક પ્રોવાઈડર બાઈજુસ તેના યુએસ-સ્થિત કિડ્સ ડિજિટલ રિડિંગ પ્લેટફોર્મ એપિકને 40 કરોડ ડોલરમાં વેચવાની આખરી તબક્કાની વાતચીતમાં હોવાનું વર્તુળો જણાવે છે. કંપની તેના નાણાકિય દબાણને હળવું કરવા ફંડ ઊભું કરવા માટે જોફ્રે કેપિટલ લિમિટેડ સાથે આ મંત્રણા ચલાવી રહી છે.
એપિક ક્રિએશન્સ ઈન્કનું સંભવિત વેચાણ બાઈજુસને તેની 1.2 અબજ ડોલરની ટર્મ લોનની ચૂકવણીમાં સહાયતા કરશે એમ જાણકારોનું કહેવું છે. બીજી બાજુ, ડાઉલીંગો ઈન્કે પણ પ્લેટફોર્મની ખરીદી માટે રસ દર્શાવ્યો હોવાનું જાણકાર વર્તુળો ઉમેરે છે. બાઈજુસ અને તેના ક્રેડિટર્સ વચ્ચે એડટેક સ્ટાર્ટઅપે લીધેલી ટર્મ લોનના ઈન્ટરેસ્ટ પેમેન્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ નાણાની સહાય વડે બાઈજુસે મહામારી વખતે વૈશ્વિક બજારમાં એક્વિઝીશન્સ કર્યાં હતાં. સ્ટાર્ટઅપે તેના લેન્ડર્સને એસેટ વેચાણ માટફતે સમગ્ર 1.2 અબજ ડોલરની લોન ચૂકવી દેવાની ઓફર કરી આશ્ચર્ય સર્જ્યું હતું એમ સપ્ટેમ્બરમાં બ્લૂમબર્ગે નોંધ્યું હતું. એપિકના વેચાણની પ્રક્રિયા મોએલીસ એન્ડ કું. હાથ ધરી રહી છે. તેમજ આ ડીલ ચાલુ મહિનામાં જ ફાઈનલ થવાની શક્યતાં છે એમ જાણકારો ઉમેરે છે. જોકે, હજુ આખરી નિર્ણય નથી લેવામાં આવ્યો અને બાઈજુસ આ એસેટ્સને લાંબો સમય જાળવી પણ શકે છે.
ભારતની ટોચની એડટેક કંપનીએ 2021માં 50 કરોડ ડોલરમાં એપિકની ખરીદી કરી હતી. એક દાયકા અગાઉ શરૂ થયેલી યુએસ કંપની તેના ઓનલાઈન પ્લેટફોર્મ પર 40 હજારથી વધુ બુક્સનું કલેક્શન ઓફર કરે છે એમ તેની વેબસાઈટ જણાવે છે. બાઈજુસ હાલમાં ખોટને ઘટાડીને ખર્ચ બચાવવાનો પ્રયાસ કરી રહી છે. કેમકે મહામારીના સમયગાળા દરમિયાન જોવા ઓનલાઈન લર્નિંગની ઊંચી માગ હાલમાં ઓસરી રહી છે. એક સમયે 22 અબજ ડોલરનું વેલ્યૂએશન ધરાવતી બાઈજુસના વેલ્યૂએશન્સમાં પાછળથી તેના રોકાણકારોએ મોટો ઘટાડો દર્શાવ્યો હતો.

સેબીની ઈક્વિટી ટ્રેડ્સના ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ માટે વિચારણા
જાન્યુઆરીથી માર્કેટ રેગ્યુલેટરી T+1 સેટલમેન્ટ અમલમાં મુક્યું હતું
હવે આગામી ઓક્ટોબરથી તે તત્કાળ સેટલમેન્ટ માટે વિચારી રહી છે

દેશના માર્કેટ રેગ્યુલેટર સેબીએ સોમવારે જણાવ્યું હતું કે તે કોઈપણ પ્રકારના અવરોધ વિના સમાન દિવસે ઈક્વિટી ટ્રેડન્સના સેટલમેન્ટની છૂટ આપવા માટે વિચારી રહી છે. જો માર્કેટ પાર્ટિસિપન્ટ્સને આ માટે ગંભીર વિરોધ હોય તો તે જણાવવા સેબીએ કહ્યું હતું. જેથી તે આમ કરવાનો વિચારી અટકાવી શકે છે.
વિદેશી રોકાણકારો સેબીની તત્કાળ(ઈન્સ્ટન્ટ) સેટલમેન્ટ માટેની વિચારણાને અટકાવી રહ્યાં છે. તેમને ડર છે કે બે સેટલમેન્ટ સાઈકલ્સને કારણે સિસ્ટમ વહેંચાઈ જશે અને તેને કારણે ટ્રેડિંગના ખર્ચમાં વૃદ્ધિ થશે. ભારતીય શેરબજારો ગયા જાન્યુઆરીથી T+1 સેટલમેન્ટ સિસ્ટમમાં પ્રવેશ્યાં હતાં. જ્યારપછી સેબી આગામી ઓક્ટોબરથી ઈન્સ્ટન્ટ સેટલમન્ટના વિકલ્પ પર વિચારણા ચલાવી રહી છે. સેબીના હોલ-ટાઈમ મેમ્બર અનંત નારાયણને જણાવ્યં હતું કે રેગ્યુલેટરને આ પગલાંથી લિક્વિડિટીમાં ભાગ ના પડી જાય તેની ચિંતા છે. જો કોઈ ગંભીર વાંધા-વિરોધ હોય તો અમે તે તરફ આગળ નહિ વધીએ પરંતુ હાલમાં અમે કોઈપણ અવરોધ વિના ઈન્સ્ટન્ટ સેટલમેન્ટને લઈ શક્યતાં ચકાસી રહ્યાં છીએ એમ નારાયણે મુંબઈ ખાતે નેટવર્ક ફોરમ એશિયા ખાતે જણાવ્યું હતું. જે વિદેશ રોકાણકારો અને કસ્ટોડિયન બેંક્સનું ફોરમ છે. સેબીના મતે ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ પ્લાનને કારણે ભારતીય રિટેલ ઈન્વેસ્ટર્સને લાભ થશે. તે ફ્રેગમેન્ટેશનના જોખમ પર કામ કરી રહી હોવાનું રોઈટર્સનું કહેવું છે. નારાયણે ઉમેર્યું હતું કે સેબીએ રેગ્યુલેટરના ભૂતપૂર્વ હોલ-ટાઈમ ડિરેક્ટરની ચેરમેનશીપ હેઠળ વિદેશી ફંડ્સ માટે રેગ્યુલેશન્સને તથા રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક કામકાજી જૂથની રચના કરી છે.

ફિચે ભારતના GDP ગ્રોથને સુધારી 6.2 ટકા કર્યો
રેટિંગ એજન્સીએ અગાઉ મધ્યમગાળા માટે 5.5 ટકા વૃદ્ધિ દરની આગાહી કરી હતી

રેટિંગ એજન્સી ફિચે સોમવારે મધ્યમગાળા માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરના અંદાજને 50 બેસીસ પોઈન્ટ્સ સુધારી 6.2 ટકા કર્યો હતો. અગાઉ તેણે 5.5 ટકા વૃદ્ધિ દરની આગાહી કરી હતી. ફીચે 10 ઈમર્જિંગ અર્થતંત્રોના 4.3 ટકાના વૃદ્ધિ દરના અંદાજને ઘટાડી 4 ટકા પર લાવવા માટે ચીન પર આક્ષેપ કર્યો હતો.
એજન્સીએ તેના ‘ઈમર્જિંગ-માર્કેટ પોટેન્શ્યલ ગ્રોથ વિકન્સ એઝ ચાઈના સ્લોઝ’ શીર્ષક હેઠળના રિપોર્ટમાં નોંધ્યું હતું કે આ ઘટાડો મુખ્યત્વે ચીનની સપ્લાય-સાઈડ વૃદ્ધિ શક્યતાંઓના અંદાજમાં 0.7 ટકાના મોટા ઘટાડાને કારણે છે. મધ્યમ-ગાળા માટે ચીનના વૃદ્ધિ દરની આગાહીને 5.3 ટકા પરથી ઘટાડી 4.6 ટકા કરવામાં આવી છે. ફિચે જોકે ઉમેર્યું હતું કે તેણે ભારત અને મેક્સિકોના વૃદ્ધિના અંદાજોમાં મોટી વૃદ્ધિ કરી હતી. ભારતનો અંદાજ 5.5 ટકા પરથી સુધારી 6.2 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે મેક્સિકો માટે તેને 1.4 ટકા પરથી સુધારી 2 ટકા કરાયો છે. નાણા વર્ષ 2023-24 માટે ભારત 6.3 ટકાનો વૃદ્ધિ દર દર્શાવશે તેમ ફિચ માની રહી છે. રશિયા માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 1.6 ટકાથી ઘટાડી 0.8 ટકા કરાયો છે. જ્યારે સાઉથ કોરિયા માટે તેને 2.3 ટકાથી ઘટાડી 2.1 ટકા અને સાઉથ આફ્રિકા માટે 1.2 ટકા પરથી ઘટાડી એક ટકા કરવામાં આવ્યો છે. એજન્સીના મતે તાજેતરના અંદાજો બ્રાઝિલ અને પોલેન્ડને બાદ કરતાં તમામ ટોચના 10 ઈમર્જિંગ અર્થતંત્રો માટે મહામારી અગાઉના તેમના અંદાજો કરતાં નીચા છે. જે વણસતાં ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સ અને મહામારીની અસર સૂચવે છે.

ઓક્ટોબરમાં વાહનોનો રિટેલ વેચાણમાં 8 ટકા ઘટાડો નોઁધાયો
નવરાત્રિમાં વેચાણ 18 ટકા વધ્યું, જોકે, શ્રાધ્ધમાં વેચાણમાં 8 ટકા ઘટાડો

દેશમાં ઓક્ટોબરમાં ઓટોમોબાઈલના રિટેલ વેચાણમાં વાર્ષિક 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ટુ-વ્હીલર્સનું વેચાણ 13 ટકા જ્યારે પેસેન્જર વેહીકલ્સમાં 1.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ઓક્ટોબરને બે ભાગમાં વહેંચીએ તો નવરાત્રિ(15-24 ઓક્ટોબર) દરમિયાન વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં સ્કૂટરનું વેચાણ 18 ટકા વૃદ્ધિ સાથે વિક્રમી સ્તરે નોંધાયું હતું.
ગયા મહિને કુલ 21.17 લાખ વાહનોનું વેચાણ થયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 22.95 લાખ યુનિટ્સ પર હતું એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન(ફાડા)નો ડેટા સૂચવે છે. બીજી બાજુ, થ્રી-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક ધોરણે 46 ટકા વૃદ્ધિ સૂચવતું હતું. જ્યારે કમર્સિયલ વાહનોનું વેચાણ 10.2 ટકા અને ટ્રેકટર્સનું વેચાણ 6.2 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. ફાડાના પ્રમુખ રાજ સિંઘાનિયાના જણાવ્યા મુજબ મહિનાની શરૂઆત શ્રાધ્ધ સાથે થઈ હતી. જે સમય 14 ઓક્ટોબર સુધી ચાલ્યું હતું. જો માસિક ધોરણે સરખામણી કરીએ તો વાહનોના રિટેલ વેચાણમાં 13 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જેમાં તમામ કેટેગરીઝ સુધારો દર્શાવે છે. ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વેહીકલ્સ, ટ્રેકટર્સ અને કમર્સિયલ વેહીકલ્સના વેચાણમાં અનુક્રમે 15 ટકા, 2 ટકા, 7 ટકા, 15 ટકા અને 10 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જે ઓટોમોબાઈલ ક્ષેત્રે મજબૂત મોમેન્ટમ સૂચવે છે.
મહિનના બીજા પખવાડિયામાં નવરાત્રિ પાછળ વેચાણમાં સુધારો જોવા મળ્યો હતો અને વાર્ષિક ધોરણે તે 18 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. તેમજ નવરાત્રિ 2017ના આંકડાને પાર કરી ગયું હતું. ટ્રેકટર્સમાં 8 ટકા ઘટાડા સિવાય સાર્વત્રિક મજબૂતી જોવા મળી હતી. ટુ-વ્હીલર્સનું વેચાણ 22 ટકા, થ્રી-વ્હીલર્સનું વેચાણ 43 ટકા અને કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ 7 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. નવરાત્રિના સમયગાળા સહિત સમગ્ર ઓક્ટોબરમાં ટુ-વ્હીલર્સના વેચાણમાં પોઝીટીવ ટ્રેન્ડ્સ જોવા મળ્યો હતો. ગ્રામીણ માગ પણ મજબૂત જોવા મળી હતી. જોકે, ટુ-વ્હીલર્સ સેગમેન્ટમાં હીરો મોટોકોર્પ, હોન્ડ મોટરસાઈકલ અને ટીવીએસ મોટર જેવા ટોચના ખેલાડીઓના વેચાણમાં વાર્ષિક 26 ટકા, 10 ટકા અને 5.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે થ્રી-વ્હીલર્સનું વેચાણ 1,04,711 યુનિટ્સ સાથે વિક્રમી ટોચ પર જોવા મળ્યું હતું. સપ્ટેમ્બરમાં તેણે પ્રથમવાર એક લાખની સપાટી પાર કરી હતી. પેસેન્જર વેહીકલ્સની વાત કરીએ તો મારુતિ સુઝુકીનું વેચાણ 3 ટકા, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું વેચાણ 2 ટકા અને તાતા મોટર્સનું વેચાણ 3 ટકા ઘટાડો સૂચવતું હતું.

અદાણી વિલ્મારમાંથી એક્ઝિટ માટે અદાણી જૂથની વિચારણા
સંયુક્ત સાહસમાં અદાણી જૂથ તેની પાસેના 43.97 ટકા હિસ્સાને 2.5-3 અબજ ડોલરમાં વેચે તેવી શક્યતાં

ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી જૂથ તેના ભાગીદારી હેઠળના એફએમસીજી સાહસ અદાણી વિલ્મેરમાંનો 43.97 ટકા હિસ્સો વેચવા માટેની વાતચીત ચલાવી રહ્યું છે એમ વર્તુળો જણાવે છે. આ ડીલ એકાદ મહિનામાં જ ફાઈનલ થશે એમ પણ તેઓનું કહેવું છે. અદાણી વિલ્મેર ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલ સહિતની ખાદ્યાન્ન પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોંગ્લોમેરટર તેની પાસેનો હિસ્સાનું વેચાણ કરી 2.5-3 અબજ ડોલરની રકમ ઊભી કરે તેવી અપેક્ષા છે. એક્ટિઝ પછી કોંગ્લોમેરટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા તેના મુખ્ય બિઝનેસ વિસ્તારો પર ફોકસ કરી શકશે એમ જાણકારોનું કહેવું છે.
રિપોર્ટના જણાવ્યા મુજબ હિંડેનબર્ગ રિપોર્ટ પ્રકાશિત થયાં પછી કંપની નોન-કોર બિઝનેસમાંથી હિસ્સો વેચી રહી છે. કંપનીએ કેટલુંક ડાયવર્સિફિકેશન પણ પાછળ ઠેલ્યું હતું. અદાણી વિલ્મેરે છેલ્લાં બે ક્વાર્ટર્સ દરમિયાન ચોખ્ખી ખોટ દર્શાવી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેણે રૂ. 130.73 કરોડની ખોટ નોંધાવી હતી. કૂકીંગ ઓઈલ બિઝનેસમાં નફાકારક્તા પર તીવ્ર અસર પાછળ આમ બન્યું હતું. નાણા વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 12,331.20 કરોડ પર રહી હતી. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 14,209.20 કરોડ પર જોવા મળતી હતી. અદાણી વિલ્મેરનો કુલ ખર્ચ રૂ. 12,439.45 કરોડ પર જળવાયો હતો. જે ગયા વર્ષે સમાનગાળા દરમિયાન રૂ. 14,149.62 કરોડ પર નોંધાયો હતો. વોલ્યુમ સંદર્ભમાં કંપનીનું વેચાણ 11 ટકા વધી 14.6 લાખ ટન રહ્યું હતું. કંપનીના એમડી અને સીઈઓ અંગ્શુ મલિકના જણાવ્યા મુજબ કંપનીની નફાકારક્તા પર પ્રતિકૂળ અસર પડી છે પરંતુ તે ટૂંક સમયમાં જ રિવર્સ થવાની શક્યતાં છે. કંપનીના ખાદ્ય તેલ માર્જિન પર પડેલી અસરને ફૂડ અને એફએમસીજી બિઝનેસમાં સારા માર્જિન્સ પાછળ કેટલેક અંશે સરભર કરવામાં રાહત મળી હતી. અદાણી વિલ્મેરનો શેર સોમવારે સવારના ભાગમાં રૂ. 317.65ની સપાટીએ ફ્લેટ ટ્રેડિંગ દર્શાવતો હતો.

સંવત 2079માં પ્રાઈમરી માર્કેટ રોકાણકારોને 300 ટકા સુધીનું તીવ્ર રિટર્ન
ગઈ દિવાળી પછીના કાયનેસ ટેક્નોલોજીનો શેર 297 ટકા વળતર સાથે યાદીમાં ટોચ પર
ક્વોલિટી કંપનીઓના માર્કેટ પ્રવેશને કારણે નેગેટિવ રિટર્ન નીચાં જોવા મળ્યાં
ગઈ દિવાળી પછી મેઈન બોર્ડ પર પ્રવેશેલી 56માંથી 48 કંપનીઓ ઓફરભાવથી ઉપર ટ્રેડ કરી રહી છે

ગઈ દિવાળીથી અત્યાર સુધીમાં મેઈન બોર્ડ પર લિસ્ટ થયેલી કંપનીઓએ રોકાણકારોને બમ્પર રિટર્નની નવાજ્યાં છે. જેમાં 297 ટકા રિટર્ન સાથે કાયનેસ ટેક્નોલોજીનો શેર ટોચ પર જોવા મળે છે. દિવાળીથી અત્યાર સુધીમાં કુલ 56 કંપનીઓ લિસ્ટ થઈ ચૂકી છે. જેમાંથી 48 પોઝીટીવ રિટર્ન્સ દર્શાવી રહી છે. જે સૂચવે છે કે પ્રાયમરી માર્કેટ રોકાણકારો માટે વિક્રમ સંવત 2079 ખૂબ જ લાભદાયી બની રહ્યું છે.
સપ્તાહ પછી પૂરા થવા જઈ રહેલા સંવતમાં મેઈન બોર્ડ પર કંપનીઓએ કુલ રૂ. 47,890 કરોડ એકત્ર કર્યાં હતાં એમ પ્રાઈમ ડેટાબેઝનો ડેટા જણાવે છે. શેરબજાર પર લિસ્ટેડ થનારી 56 કંપનીઓમાંથી સાત કંપનીઓએ 100 ટકાથી વધુ રિટર્ન્સ આપ્યું હતું. જ્યારે નવ કંપનીઓએ 50-100 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે 26 કંપનીઓએ 10-49 ટકાનું રિટર્ન નોંધાવ્યું હતું. સંવતની શરૂમાં આઈપીઓ માર્કેટની શરૂઆત સારી રહી હતી. જોકે, જાન્યુઆરી 2023 પછી માર્કેટમાં નરમાઈ જોવા મળી હતી અને કેટલોક સમય માટે પ્રાઈમરી માર્કેટ સુસ્ત બની રહ્યું હતું. જોકે, માર્ચ આખર પછી સેકન્ડરી માર્કેટમાં તેજીનું આગમન થયું હતું. જેની પાછળ આઈપીઓમાં ફરી રિવાઈવલ જોવા મળ્યું હતું. સંવત દરમિયાન બજારમાં પ્રવેશેલાં કુલ 56 આઈપીઓમાંથી 38 તો માર્ચ મહિના પછી જ માર્કેટમાં પ્રવેશ્યાં હતાં. એચડીએફસી સિક્યૂરિટીઝના દિપક જસાણીના મતે સંવત 2078ની સરખામણીમાં સંવત 2079નો દેખાવ ઘણો સારો રહ્યો હતો. જેની પાછળ સેકન્ડરી માર્કેટનો સપોર્ટ મુખ્ય કારણ હતું. 2021ની સરખામણીમાં ચાલુ વર્ષે મોટાભાગના આઈપીઓ ઓફર વાજબી ભાવે કરવામાં આવી હતી અને તેથી રોકાણકારો માટે લિસ્ટીંગ માટે પ્રમોટર્સે થોડું માર્જિન રાખ્યું હતું.
દિવાળી પછી શરૂઆતમાં જ નવેમ્બર 2022માં લિસ્ટ થયેલી કાયનેસ ટેક્નોલોજી 56 લિસ્ટીંગમાંથી ટોચનો પર્ફોર્મર બની રહ્યો હતો. જ્યારપછીના ક્રમે ઈલેક્ટ્રોનિક્સ માર્ટ, પ્લાઝા વાયર્સ, સાયન્ટ ડીએલએમ, ગ્લોબલસ હેલ્થ, સેન્કો ગોલ્ડ અને ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે કાયનેસ ટેક્નોલોજીનું લિસ્ટીંગ 17 ટકા પ્રિમીયમ સાથે થયું હતું. જે હાલમાં ઓફર પ્રાઈસથી 296 ટકા પ્રિમીયમે ટ્રે થઈ રહ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ માર્ટ અને પ્લાઝા વાયર અનુક્રમે 43 ટકા અને 48 ટકાનો લિસ્ટીંગ લાભ દર્શાવતાં હતાં. તેઓ હાલમાં અનુક્રમે 198 ટકા અને 191 ટકા પ્રિમીયમ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. આમ લિસ્ટીંગ પછી પણ તેમણે સુધારો જાળવી રાખ્યો છે. જે કંપનીઓની મજબૂત કામગીરી સૂચવે છે.
જોકે, બીજી બાજુ કેટલીક નિરાશા પણ સાંપડી છે. જેમાં એલીન ઈલેક્ટ્રોનિક્સે સૌથી ખરાબ દેખાવ દર્શાવ્યો છે. ઓફર ભાવથી સાત ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયેલો શેર હાલમાં તેના ઈસ્યુ પ્રાઈસથી 34 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. આ ઉપરાંત અપડેટર સર્વિસિઝ પણ 15 ટકા નીચો જોવા મળે છે. ટ્રેક્સન ટેક્લોનોજીસ 13 ટકા, આઈઆરએમ એનર્જી 12 ટકા અને યાત્રા ઓનલાઈન 10 ટકા ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યાં છે.

દિવાળી પછીના ટોપ IPO પર્ફોર્મર્સ
સ્ક્રિપ્સ ઓફરભાવથી રિટર્ન(ટકામાં)
કાયનેસ ટેક્નોલોજી 297
ઈલેક્ટ્રોનિક્સ માર્ટ 198
પ્લાઝા વાયર્સ 191
સાયન્ટ ડીએલએમ 139
ગ્લોબલ હેલ્થ 138
સેન્કો ગોલ્ડ 110
ઉત્કર્ષ સ્મોલ ફાઈ. બેંક 100
વિષ્ણુ પ્રકાશ 88
ડિવ્ગી ટોર્ક 77
ફ્યુઝન માઈક્રો 63

અદાણી એનર્જીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 284 કરોડનો નફો દર્શાવ્યો
કંપનીનો એબિટા વાર્ષિક 10 ટકા ઉછળી રૂ. 1368 કરોડ પર રહ્યો

અદાણી જૂથની અદાણી એનર્જી સોલ્યુશન્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 284 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 194 કરોડના નફા સામે 46 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો એબિટા 10 ટકા વધી રૂ. 1368 કરોડ પર રહ્યો હતો. જ્યારે કંપનીની આવક 13 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3421 કરોડ પર જોવા મળી હતી. કંપની મજબૂત બિઝનેસ મોડેલ ધરાવે છે અને તેની પાસે ટ્રાન્સમિશન બિઝનેસમાં રૂ. 15 હજાર કરોડની ઓર્ડર પાઈપલાઈન છે. જ્યારે સ્માર્ટ મીટરીંગ બિઝનેસમાં તે રૂ. 23 હજાર કરોડની ઓર્ડર પાઈપલાઈન ધરાવે છે.
સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન કંપનીએ વારોરા કર્નૂલ અને કરૂર ટ્રાન્સમિશન લાઈન્સને કાર્યાન્વિત કરી હતી. કંપની પાસે 99.68 ટકા સાથે મજબૂત ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રાપ્ય છે. કંપનીએ તેના ઓપરેશ્નલ નેટવર્કમાં 219 સીકેએમએસનો ઉમેરો કર્યો હતો. જે સાથે કુલ નેટવર્ક કદ 19,862 સીકેએમએસ પર પહોંચ્યું હતું. કંપનીના ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસની માગ વાર્ષિક ધોરણે 9.56 ટકા વધી 244.6 કરોડ યુનિટ્સ પર જોવા મળી હતી. તેણે 99.9 ટકાની સપ્લાય રિલાયેબિલિટી જાળવી હતી. કંપનીએ 5.81 ટકાનું ડિસ્ટ્રીબ્યુશન નુકસાન નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 6 ટકા પર હતું. કુલ કલેક્શનમાં ઈ-પેમેન્ટ 79.2 ટકા પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે 74.9 ટકા પર હતું. કંપનીએ મહારાષ્ટ્ર, એપી અને બિહારમાં કુલ 1.476 સ્માર્ટ મીટર્સ માટે ચાર સ્માર્ટ મીટરીંગ પ્રોજેક્ટસ માટે LOA મેળવ્યું હતું. જેની કોન્ટ્રેક્ટ વેલ્યૂ રૂ. 17400 કરોડ થાય છે. હાલમાં સ્માર્ટ મીટરીંગ માટે બાંધકામ હેઠળ કુલ પાઈપલાઈન 1.94 સ્માર્ટ મીટર્સ છે. આ આંઠ પ્રોજેક્ટ્સનું મૂલ્ય રૂ. 23200 કરોડ થવા જાય છે. એઈએલ દેશમાં પ્રથમ ક્રમની યુટિલિટી કંપની છે. જે ગ્રાહકોને સ્પર્ધાત્મક દરે રિન્યૂએબલ એનર્જી પૂરી પાડે છે. કંપનીના કુલ એનર્જિ મિક્સમાં રિન્યૂએબલ પાવરનો હિસ્સો વધીને 38 ટકા પર પહોંચ્યો હતો.

તાજેતરનો માર્કેટ સુધારો માત્ર બેર માર્કેટ રેલીઃ મોર્ગન સ્ટેનલી
હાલમાં શેરબજારને ટેકનિકલ કે ફંડામેન્ટલ સપોર્ટ નહિ હોવાનો મોર્ગનના માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ માઈકલ વિલ્સનનો મત

એસએન્ડપી 500 ઈન્ડેક્સ માટે શ્રેષ્ઠ બની રહેલું વિતેલું સપ્તાહ મંદીના બજારમાં જોવા મળતી તેજી હોવાનું મોર્ગન સ્ટેનલીના ટોચની રેંક ધરાવતાં સ્ટ્રેટેજીસ્ટ માઈકલ વિલ્સનનું કહેવું છે. તેમના મતે હાલમાં બજારને ટેકનિકલ અને ફંડામેન્ટલ સપોર્ટ જણાતો નથી. મંદ અર્નિંગ્સ આઉટલૂક, નબળા મેક્રો ડેટા અને વણસતાં જતાં એનાલિસ્ટ્સના અભિપ્રાયોને જોતાં બજારને લઈ અમે વર્ષની આખરમાં જોવા મળતી તેજીને લઈ ખાસ ઉત્તેજિત નથી એમ વિલ્સને સોમવારે રજૂ કરેલી રિસર્ચ નોટમાં નોંધ્યું હતું.
ગયા સપ્તાહે ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સેન્ટ્રલ બેંક તરફથી મોટાભાગનું ટાઈટનીંગ પુરું થઈ ચૂક્યું હોવાનો સંકેત આપ્યાં પછી શેરબજારમાં સેન્ટીમેન્ટ તેજીતરફી બન્યું હતું. રોકાણકારો સોફ્ટ લેન્ડિંગને લઈ આશાવાદી બન્યાં હતાં. જેની પાછળ એસએન્ડપી 500 અને નાસ્ડેક 100 સૂચકોમાંમાં 6 ટકા આસપાસનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે 10-વર્ષ માટેના ટ્રેઝરી યિલ્ડ્સ તેની ટોચ પરથી ગગડ્યાં હતાં. જોકે, હજુ પણ લાંબા સમય સુધી ઊંચા ઈન્ટરેસ્ટ રેટ્સને લઈ ચિંતા ઊભી છે. કંપનીઓ તરફથી આર્થિક મંદીને લઈ ચિંતા રજૂ કરાઈ રહી છે. જેને જોતાં વિલ્સને ચાલુ વર્ષ માટે ઈક્વિટીઝને લઈ મંદીનો વ્યૂ જાળવ્યો છે. ટ્રેઝરી યિલ્ડ્સમાં ઘટાડો અપેક્ષા કરતાં નીચા કૂપન ઈસ્યુઅન્સ ગાઈડન્સ અને નબળા આર્થિક ડેટા પાછળ હતો. તે આગામી વર્ષે શરૂઆતમાં ફેડ તરફથી રેટમાં ઘટાડાની અપેક્ષા પાછળ ઈક્વિટીઝમાં તેજીના અર્થઘટનને આભારી હતી એમ વિલ્સને નોંધ્યું છે. જેમને તાજેતરમાં ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર સર્વેમાં શ્રેષ્ઠ પોર્ટફોલિયો સ્ટ્રેટેજીસ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

જેકે સિમેન્ટઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 178.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 112.4 કરોડના નફાની સરખામણીમાં 58.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2233.8 કરોડ સામે 23.2 ટકા વધી રૂ. 2752.8 કરોડ પર જોવા મળી હતી.
ગોદરેજ એગ્રોઃ એગ્રો કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 103.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 70 કરોડના નફાની સરખામણીમાં 49.9 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2445.3 કરોડ સામે 5.1 ટકા વધી રૂ. 2570.9 કરોડ પર જોવા મળી હતી.
જેએસડબલ્યુ ઈન્ફ્રાઃ ઈન્ફ્રા કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 254.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 135 કરોડના નફાની સરખામણીમાં 89 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 662 કરોડ સામે 28.1 ટકા વધી રૂ. 848.3 કરોડ પર જોવા મળી હતી.
એપિગ્રાલ લિમિટેડઃ ઈન્ટિગ્રેટેડ કેમિકલ ઉત્પાદકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 478 કરોડની આવક દર્શાવી છે. જે જૂન ક્વાર્ટરમાં રૂ. 455 કરોડ પર જોવા મળતી હતી. જ્યારે નેટ પ્રોફિટ જૂન ક્વાર્ટરમાં રૂ. 32 કરોડ સામે રૂ. 38 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીએ વાર્ષિક ધોરણે વોલ્યુમમાં 21 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 12 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જેમાં ડેરિવેટીવ્સ અને સ્પેશ્યાલિટી સેગમેન્ટનો નોંધપાત્ર હિસ્સો હતો. જ્યારે ક્લોર-આલ્કલી બિઝનેસમાં આંશિક વૃદ્ધિ જોવા મળી હતી.
ઈઆઈએચઃ હોટેલ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 93.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 25 કરોડના નફાની સરખામણીમાં 375 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 354.5 કરોડ સામે 22 ટકા વધી રૂ. 431.3 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage