Market Summary 06/12/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

સેન્સેક્સ સાતમા સત્રમાં તેજી સાથે 70 હજારના ઉંબરે
બુધવારે ઈન્ટ્રા-ડે ટ્રેડમાં બેન્ચમાર્ક 70 હજારની સપાટીથી માત્ર 255 પોઈન્ટ્સ છેટે જોવા મળ્યો
નિફ્ટી પણ ઈન્ટ્રા-ડે 21 હજારના લેન્ડમાર્કથી 39 પોઈન્ટ્સ છેટે ટ્રેડ થયો
એનર્જી, એફએમસીજી, પીએસઈ, પીએસયૂ બેંક, બેંક નિફ્ટી, ઓટો સૂચકાંકો પણ નવી ટોચે
ઈન્વેસ્ટર્સની વેલ્થ રૂ. 2.39 લાખ કરોડ વધી રૂ. 348.85 લાખ કરોડે પહોંચી

શેરબજારનો બરાબર તેજીનો રંગ લાગ્યો છે. જેની પાછળ બુધવારે સતત સાતમા સત્રમાં ભારતીય બેન્ચમાર્ક્સ સુધારાની ચાલ જાળવી રાખવા સાથે વિક્રમી ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બંને બેન્ચમાર્ક્સ તેમના મહત્વના સીમાચિન્હોથી નજીવા અંતરે ટ્રેડ થયાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ 358 પોઈન્ટ્સ મજબૂતી સાથે 69,654ની સપાટીએ જ્યારે નિફ્ટી 83 પોઈન્ટ્સ સુધરી 20938ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યાં હતાં. ઈન્ટ્રા-ડે ધોરણે સેન્સેક્સ 70 હજારની સપાટીથી માત્ર 255 પોઈન્ટ્સ છેટે જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ઈન્ટ્રા-ડે 21 હજારના લેન્ડમાર્કથી 39 પોઈન્ટ્સ છેટે ટ્રેડ દર્શાવતો હતો. જો તેજીનું મોમેન્ટમ આઁઠમા સત્રમાં પણ ચાલુ રહેશે તો બંને બેન્ચમાર્ક ગુરુવારે મહત્વના સીમાસ્થંભો દર્શાવશે તેમ જણાય છે.
ગયા રવિવારે જાહેર થયેલાં વિધાનસભા ચૂંટણીઓના પરિણામોની અસર બજાર પર અલ્પજીવી નહિ નીવડતાં સતત ત્રીજા સત્રમાં પણ જળવાય હતી. સ્થાનિક તેમજ વૈશ્વિક રોકાણકારો તરફથી બ્લ્યૂ-ચિપ્સમાં નવો ફ્લો પ્રવેશતાં બેન્ચમાર્ક્સ દૈનિક ધોરણે નવી ટોચ દર્શાવી રહ્યાં છે. જે બાબત શેરબજારમાં ટેકનિકલ એનાલિસ્ટ્સ માટે અચરજનું કારણ બની છે. મહત્વના ટેકનિકલ માપદંડો બજાર ઓવરબોટ હોવાના સંકેતો આપી રહ્યાં હોવા છતાં હજુ સુધી વેચવાલીના કોઈ સંકેતો સાંપડી રહ્યાં નથી. માર્કેટ નિરીક્ષકો આ માટે બજારમાં પ્રવેશી રહેલાં નવા રોકાણ પ્રવાહનું કારણ આપી રહ્યાં છે. તેમના મતે કેલેન્ડર 2022માં કોન્સોલિડેશનમાં જોવા મળ્યાં પછી વર્તમાન કેલેન્ડરમાં ભારતીય બજાર વૈશ્વિક સ્તરે મજબૂતી દર્શાવી રહેલું એકમાત્ર મહત્વનું ઈમર્જિંગ બજાર બની રહ્યું છે. વર્તમાન નાણા વર્ષની શરૂઆતથી જ તે પોઝીટીવ જળવાયું છે. તેણે સપ્ટેમ્બર મધ્યમાં ટોચ બનાવી એક નાનું કરેક્શન દર્શાવ્યું હતું. જોકે, બે છેલ્લાં સપ્તાહથી તે નવા ઝોનમાં પ્રવેશ્યું છે અને બહુવિધ પોઝીટીવ પરિબળોના સપોર્ટ પાછળ નવી ટોચ દર્શાવવાનો ક્રમ નિરંતર જાળવી રહ્યું છે.
બુધવારે મોટાભાગના સેક્ટરલ સૂચકાંકોએ તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જેમાં એનર્જી, એફએમસીજી, પીએસઈ, પીએસયૂ બેંક, બેંક નિફ્ટી, ઓટો સૂચકાંકોનો સમાવેશ થતો હતો. નિફ્ટીના 50માંથી 14 જેટલા કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બ્રોડ માર્કેટમાં 374 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી બનાવી હતી. બુધવારે રોકાણકારોની વેલ્થ રૂ. 2.39 લાખ કરોડ વધી રૂ. 348.85 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી હતી. જે સાથે ભારતીય શેરબજારના માર્કેટ-કેપ અને જીડીપીના કદ વચ્ચેનો ગેપ વધ્યો હતો. ગયા સપ્તાહે માર્કેટ-કેપ 4 ટ્રિલીયન ડોલરને પાર કરી ગયું હતું. જ્યારે ભારતીય જીડીપીએ આ સપાટી પાર કરવાની હજુ બાકી છે.
બુધવારના સુધારા સાથે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી કેલેન્ડર 2023માં લગભગ 16 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો હતો. જે તમામ ઈમર્જિંગ માર્કેટ્સમાં સૌથી ઊંચું છે. સેન્સેક્સ પણ 15 ટકાનું વળતર દર્શાવતો હતો. ભારત ઉપરાંત નોંધપાત્ર રટર્ન દર્શાવી રહેલા બજારોમાં ફ્રાન્સ, યુએસ, જર્મનીનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ભારતનું કટ્ટર હરિફ ચીનનો શેરબજાર બેન્ચમાર્ક શાંઘાઈ કંપોઝીટ 4 ટકાનો ઘટાડો સૂચવે છે. જ્યારે હોંગ કોંગ શેરબજારનો હેંગ સેંગ 17 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યો છે.

કેલેન્ડર 2023માં ટોચના બેન્ચમાર્ક્સનો દેખાવ
બેન્ચમાર્ક વૃદ્ધિ(ટકામાં)
નિફ્ટી 15.6%
બીએસઈ સેન્સેક્સ 14.5%
કેક 40 14.5%
ડાઉ જોન્સ 9.0%
શાંઘાઈ કંપોઝીટ -3.9%
હેંગ સેંગ -16.8%

સતત સાતમા સત્રમાં ભારતીય શેરબજારની આગેકૂચ
સેન્સેક્સ 70 હજારની વધુ નજીક સરક્યો
નિફ્ટીએ 20900ની સપાટી પાર કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા વધી 13.74ના સ્તરે બંધ
એફએમજીસી, આઈટી, એનર્જી, પીએસઈમાં મજબૂતી
બેંકિંગ, રિઅલ્ટી, ફાર્મામાં નરમાઈ
રાષ્ટ્રીય કેમિકલ, કોચીન શીપયાર્ડ, જ્યોતિ લેબ્સ નવી ટોચે
વિનતી ઓર્ગેનિક્સ નવા તળિયે

શેરબજારમાં તેજીવાળાઓની મજબૂત પકડ જળવાયેલી છે. બુધવારે સતત સાતમા સત્રમાં ભારતીય શેરબજારે નવી ટોચ દર્શાવી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 358 પોઈન્ટ્સ મજબૂતી સાથે 69,654ની સપાટીએ જ્યારે નિફ્ટી 83 પોઈન્ટ્સ સુધરી 20938ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જોવા મળી હતી. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ નોંધાઈ હતી. બીએસઈ ખાતે કુલ 3895 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1930 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1824 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 374 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 33 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા વધી 13.74ના સ્તરે બંધ જોવા મળ્યો હતો.
બુધવારે ભારતીય બજારે મજબૂત ગેપ-અપ ઓપનીંગ પછી રેંજ બાઉન્ડ ટ્રેડિંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 20855ના બંધ સામે 20951 પર ખૂલી ઈન્ટ્રા-ડે 20962ની સપાટી પર ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 103 પ્રિમીયમ સાથે 20938ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 98 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સાધારણ વૃદ્ધિ સૂચવે છે. આનો અર્થ એવો થાય છે કે બજારમાં લોંગ પોઝીશન હજુ પણ અકબંધ છે. માર્કેટ ઓવરબોટ ઝોનમાં હોવા છતાં કરેક્શન માટે તૈયાર નથી જણાતું. નવી પોઝીશન લેવી જોખમી છે. જોકે, બીજી બાજુ શોર્ટમાં ઉતાવળ કરનારાઓ પણ ફસાય શકે છે. તેજીવાળાઓના પ્રોફિટ બુકિંગ પાછળ જ માર્કેટ ઘટાડો દર્શાવે તેવી શક્યતાં છે. હાલમાં, 20500ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી રખાય. નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી, આઈટીસી, લાર્સન, ટીસીએસ, તાતા મોટર્સ, નેસ્લે, ઈન્ફોસિસ, યૂપીએલ, બ્રિટાનિયા, બજાજ ફાઈનાન્સ, એમએન્ડએમ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચસીએલ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈશર મોટર્સ, સિપ્લા, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોલ ઈન્ડિયામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એફએમજીસી, આઈટી, એનર્જી, પીએસઈ સેક્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી. ઉપરોક્ત તમામ સેક્ટરલ સૂચકાંકો તેમની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યાં હતાં. બીજી બાજુ, બેંકિંગ, રિઅલ્ટી, ફાર્મામાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી એફએમસીજી 1 ટકાથી વધુ મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈટીસી, નેસ્લે, બ્રિટાનિયા, વરુણ બેવરેજિસ, કોલગેટ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, મેરિકોમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.5 ટકા ઉછળ્યો હતો અને 32 હજારનું લેવલ પાર કરી ગયો હતો. જેના ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી વધુ 16 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત તાતા પાવર, આઈઓસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચપીસીએલમાં પણ મજબૂત તેજી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ 0.8 ટકા મજબૂતી સાથે 7300ની સપાટી પાર કરી ગયો હતો. જેના ઘટકોમાં હિંદુસ્તાન એરોનોટીક્સ, સેઈલ, આઈઆરસીટીસી, નાલ્કો, ભારત ઈલે. એનએચપીસી, આરઈસી, આઈઓસી, ભેલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચપીસીએલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી પણ 1.7 ટકા મજબૂતી સાથે 33 હજારની સપાટી પાર કરી વાર્ષિક ટોચ નજીક પહોંચ્યો હતો. તેના ઘટકોમાં એલએન્ડટી ટેક્નોલોજી, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, એમ્ફેસિસ, કોફોર્જ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીમાં મજબૂતી જોવા મળી હતી. પીએસયૂ બેંક નિફ્ટી 0.6 ટકા પોઝીટીવ બંધ આપવા સાથે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જેના ઘટકોમાં બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, ઈન્ડિયન બેંક, આઈઓબી, પંજાબ એન્ડ સિંધ બેંક, જેકે બેંક, કેનેરા બેંકનો સમાવેશ થાય છે. જોકે, નિફ્ટી બેંક 0.4 ટકા નરમાઈ દર્શાવતો હતો. જેમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ફેડરલ બેંક, બંધન બેંક, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો ચંબલ ફર્ટિલાઈઝર 7 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હિંદુસ્તાન એરોનોટીક્સ, તાતા પાવર, ઈન્ડિયામાર્ટ, એલએન્ડટી ટેક્નોલોજી, સેઈલ, વિપ્રો, આઈઆરસીટીસી, નાલ્કો, તાતા કેમિકલ્સ, વેદાંત, એલટીઆઈમાઈન્ડટ્રી, ભારત ઈલે., આઈઈએક્સ, આરબીએલ બેંક, ઝી એન્ટર., બિરલા સોફ્ટ, પેટ્રોનેટ એલએનજીમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, બલરામપુર ચીની, કેન ફિન હોમ્સ, એસીસી, અદાણી એન્ટરપ્રાઈઝ, એબીબી ઈન્ડિયા, આઈશર મોટર્સ, એયૂ સ્મોલ ફાઈ., સિન્જિન ઈન્ટરનેશનલ, ઈપ્કા લેબ્સ, સિપ્લામાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં
રાષ્ટ્રીય કેમિકલ, કોચીન શીપયાર્ડ, જ્યોતિ લેબ્સ, નેટવર્ક 18, ટીવી18 બ્રોડકાસ્ટ, ચંબલ ફર્ટિલાઈઝર, શ્યામ મેટાલિક્સ, ગુજરાત પીપાવાવ, તાતા પાવર, અદાણી પાવર, ગરવારે ટેકનિક, એલએન્ડટી ટેક્નોલોજી, ભારત ડાયનેમિક્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, વિનતી ઓર્ગેનિક્સ નવા તળિયે ટ્રેડ થયો હતો.

અદાણી ગ્રીન એનર્જી સોલાર પીવી ડેવલપર રેંકિંગમાં વિશ્વમાં બીજા ક્રમે
વૈશ્વિક સ્તરે લાર્જ-સ્કેલ પર સોલર પીવી ડેવલપર રેન્કિંગમાં એક માત્ર એશિયન કંપની

ભારતની સૌથી મોટી અને વિશ્વના અગ્રણી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઈડર અદાણી ગ્રીન એનર્જી (AGEL) તાજેતરમાં મેરકોમ કેપિટલ ગ્રૂપના જાહેર થયેલા વાર્ષિક ગ્લોબલ રિપોર્ટમાં બીજા સૌથી મોટા વૈશ્વિક સોલર પીવી વિકાસકાર તરીકે નોંધપાત્ર સ્થાન હાંસલ કર્યું છે. રિપોર્ટ મુજબ, રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં અદાણી ગ્રીન એનર્જી તેના શ્રેષ્ઠ યોગદાનને કારણે આ સ્થાન મેળવી શકી છે. 18.1 GW ની પ્રભાવશાળી કુલ સૌર ક્ષમતા સાથે હાલ કાર્યરત, નિર્માણાધીન અને પુરસ્કૃત (PPA-કોન્ટ્રાક્ટેડ) પ્રોજેક્ટ્સનો સમાવેશ કરીને તેણે વૈશ્વિક સૌર ઉર્જા ક્ષેત્રમાં પોતાની નોંધપાત્ર સ્થિતિને મજબૂત કરી છે.ફ્રાન્સ સ્થિત ટોટલ એનર્જી 41.3 ગીગાવોટની કુલ ક્ષમતા સાથે ટોચ પર જોવા મળે છે
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી એનર્જીએ હાંસલ કરેલી આ રેન્ક માટે ગૌરવ વ્યકત કરતા જણાવ્યું હતું કે, “અમે મોટા પાયે રિન્યુએબલ ક્ષેત્ર સાથે સંલગ્ન સંપૂર્ણ સ્વદેશી સંકલિત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ અને ગ્રીન હાઇડ્રોજન સોલ્યુશન્સ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ. પોર્ટફોલિયો સ્તરે, અદાણી પોતાની ઉર્જા સંક્રમણ પહેલ પર ૨૦૩૦ સુધીમાં $75 બિલિયનનું કુલ રોકાણ કરી આ સમયગાળા અર્થાત ૨૦૩૦ સુધીમાં 45 GW રિન્યુએબલ એનર્જી પેદા કરવાની ક્ષમતા ધરાવવાના અમારા વિઝનને આગળ વધારશે અને ડીકાર્બોનાઇઝેશનના ભારતના ગ્લાઈડ પાથમાં AGEL દ્વારા આપવામાં આવેલા મહત્ત્વના યોગદાનના સથવારે તેની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે. સ્વચ્છ ઉર્જા સંચાર અને સંશોધન માટેના પ્રતિષ્ઠિત મેરકોમ કેપિટલ સમૂહની પ્રખ્યાત ફર્મે જુલાઈ 2022 થી જૂન 2023 સુધીના સંકલિત ડેટાના આધારે વૈશ્વિક મોટા પાયે ટોચના દસ અગ્રણી સોલર પીવી ડેવલપર્સની રૂપરેખા આપતા તેના અહેવાલ જાહેર કર્યો છે. જેમાં 1 મેગાવોટથી વધુના પ્રોજેક્ટ્સનો ડેટા શામેલ છે. ઉપરાંત કામકાજની ક્ષમતા, બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) સાથેના પ્રોજેક્ટ્સને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટના સમયગાળા દરમિયાન ટોચના 10 વિકાસકારોએ 145 ગીગાવોટ ક્ષમતાના કાર્યરત, નિર્માણાધિન અને પાવર પરચેઝ એગ્રીમેન્ટપુરસ્કૃત સોલાર પ્રોજેક્ટ્સના યોગદાનના હિસ્સાની વિગતો આપી હતી. જેમાં 49.5 ગીગાવોટ પ્રોજેક્ટ કાર્યરત હતા, 29.1 મેગાવોટ બાંધકામ હેઠળ હતા અને PPA હેઠળ કરારબધ્ધ 66.2 ગીગાવોટ પાઇપલાઇનમાં હતા.

તહેવારોની માગ પાછળ કાર્સ, ટુ-વ્હીલર્સનું વિક્રમી વેચાણ જોવા મળ્યું
નવેમ્બરમાં દેશમાં 29 લાખ વાહનોનું સર્વોચ્ચ સેલ્સ નોંધાયું
અગાઉ માર્ચ-2020માં 26 લાખ વેહીકલ્સનું સૌથી ઊંચું વેચાણ જોવા મળ્યું હતું

નવેમ્બર મહિનામાં દેશમાં વાહનોનું વિક્રમી વેચાણ નોંધાયું છે. ગયા મહિને કુલ 29 લાખ યુનિટ્સ વાહનો વેચાયાં હતાં. જેણે માર્ચ 2020માં બનેલા 26 લાખ વાહનોના વેચાણના વિક્રમને પાછળ રાખ્યો હતો. નવેમ્બર 2022માં જોવા મળેલા 24.09 લાખ વાહનોની સરખામણીમાં ચાલુ વર્ષે વેચાણમાં 18 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
ગયા મહિન તહેવારોની સિઝનને કારણે વાહનોનું ઊંચું વેચાણ નોંધાયું હતું એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન(ફાડા)નો ડેટા જણાવે છે. તહેવારો ઉપરાંત દેશમાં લગભગ 38 લાખ જેટલા લગ્નોને કારણે પણ વાહનોની ખરીદી ઊંચી જોવા મળી હતી. નવેમ્બર 2023 ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને પેસેન્જર વેહીકલ કેટેગરીઝે વાર્ષિક ધોરણે અનુક્રમે 21 ટકા, 23 ટકા અને 17 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી હતી. બીજી બાજુ ટ્રેકટર અને કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ અનુક્રમે 21 ટકા અને 2 ટકા ઘટાડો સૂચવતું હતું. નવેમ્બરમાં ટુ-વ્હીલર્સનું તથા પેસેન્જર વેહીકલનું વેચાણ વિક્રમી સપાટીએ જોવા મળ્યું હતું. નવેમ્બરમાં કુલ 22.47 લાખ ટુ-વ્હીલર્સનું વેચાણ થયું હતું. જે માર્ચ 2020માં અગાઉના 20.7 લાખના વિક્રમથી નોંધપાત્ર ઊંચું હતું. મહામારી પછી ત્રણ વર્ષોથી વધુ સમય દરમિયાન ટુ-વ્હીલર્સનું વેચાણ નીચું જોવા મળતું હતું. ગયા મહિને 3.6 લાખ પેસેન્જર વેહીકલ્સનું વેચાણ થયું હતું. જે ઓક્ટોબર 2022ના 3.57 લાખ વાહનોના વેચાણ કરતાં 3 લાખ યુનિટ્સની વૃદ્ધિ દર્શાવતું હતું. પીવી કેટગરીનું વેચાણ ઓક્ટોબર 2022ની અગાઉની ટોચની સરખામણીમાં 4000 યુનિટ્સ જેટલું ઊંચું રહ્યું હતું.
ફાડાના પ્રેસિડેન્ટ મનિષ રાજ સિંઘાનિયાના જણાવ્યા મુજબ નવેમ્બરમાં વિક્રમી વેચાણ નોંધાયું હતું અને અમારા મતે મોમેન્ટમ જળવાય રહેશે. જોકે, પેસેન્જર વેહીકલ ઈન્વેન્ટરી ચિંતાનો વિષય છે એમ તેઓ જણાવે છે. ઓક્ટોબરમાં 63-66 દિવસના ઊંચા ઈન્વેન્ટરી રેટને સ્પર્શ્યાં પછી સ્ટોક સાધારણ ઘટી 61-64 દિવસો પર જોવા મળ્યો છે. સ્ટોક્સમાં માત્ર બે દિવસ માટે જ ઘટાડો જોવા મળ્યો હતો. અમે સિઆમને ઈન્વેન્ટરી કરેક્શન માટે જણાવ્યું છે એમ તેઓ ઉમેરે છે. ઓક્ટોબરથી નવેમ્બરના બે મહિનામાં હોલસેલમાં માત્ર 56 હજાર યુનિટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે રિટેલમાં 6700 યુનિટ્સની વૃદ્ધિ નોંધાઈ હતી એમ તેઓ સિઆમનો ડેટા આપી જણાવે છે.
નવેમ્બરમાં ટુ-વ્હીલરનું વેચાણ ઐતિહાસિક ટોચ પર હતું. જેનું કારણ દિવાળીના તહેવારો અને ગ્રામીણ માગમાં રિકવરી હતું. ઉપરાંત નવા પ્રોડક્ટ લોંચ અને વધુ સારા સપ્લાયને કારણે ટુ-વ્હીલર માર્કેટને સહાયતા મળી હતી. ઈલેક્ટ્રીક વેહીકલનું વેચાણ પણ પ્રોસ્તાહક જોવા મળ્યું હતું. જોકે, કમર્સિયલ વેહીકલ કેટેગરીમાં કેટલાંક પડકારો જોવા મળ્યાં હતાં. નબળા માર્કેટ સેન્ટીમેન્ટની પાછળ આમ બન્યું હતું. સિઝનલ મંદી, કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન વગેરેને કારણે ટ્રાન્સપોર્ટની માગ પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ઉપરાંત, માર્કેટમાં લિક્વિડીટીની સમસ્યા પણ જોવા મળી હતી. તેમજ ડિલિવરીઝમાં વિલંબ જેવી બાબતો પણ નડી હતી. જેને કારણે તહેવારોની સિઝનમાં કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ ઘટ્યું હતું. ટુ-વ્હીલર્સ ઉત્પાદકોમાં હીરો મોટોકોર્પે 26 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે હોન્ડા મોટરસાઈકલે 11 ટકા અને ટીવીએસ મોટરે 34 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. પીવી ઉત્પાદકોમાં મારુતિ સુઝુકીએ 20 ટકા વેચાણ વૃદ્ધિ, જ્યારે હ્યુન્ડાઈએ 8 ટકા અને તાતા મોટર્સે 30 ટકા વેચાણ વૃદ્ધિ નોંધાવી હતી.

NSE ઇમર્જ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ-કેપ રૂ. એક લાખ કરોડને પાર

ટોચના એવા નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ. એક લાખ કરોડને પાર કરી ગયું છે. કેલેન્ડર 2012માં શરૂઆત થઈ ત્યારથી, એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર દેશના નાના અને મધ્યમ ઉદ્યોગો લિસ્ટ થતાં રહ્યાં છે. અત્યાર સુધીમાં 397 કંપનીઓ તરફથી પ્લેટફોર્મ પર રૂ. 7,800 કરોડ કરતાં વધુ ફંડ ઊભું કરવામાં આવ્યું છે.
કેલેન્ડર 2027માં નિફ્ટી એસએમઈ ઇમર્જ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં હાલમાં 19 ક્ષેત્રોની 166 કંપનીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 138 કંપનીઓ એનએસઈ ઈમર્જ પરથી એનએસઈ મેઈનબોર્ડ પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત થઈ છે. એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને જણાવ્યા મુજબ “એનએસઈ ઇમર્જ લિસ્ટેડ કંપનીઓ એક લાખ કરોડની માર્કેટ કેપિટલાઇઝેશનો આંક પાર કરે તે ભારતીય એમએસએમઈની છુપાયેલી સંભાવનાઓ દર્શાવે છે જે આપણા દેશના આર્થિક વિકાસનું પ્રેરક બળ છે. અમે ભારતીય એમએસએમઈને એનએસઈ ઇમર્જ મારફતે મૂડી એકત્ર કરવાના વૈકલ્પિક સ્ત્રોતને અપનાવવા જણાવીએ છીએ.

બેંકોની ફિક્સ ડિપોઝીટ્સમાં મહાનગરોનો 60 ટકાથી ઊંચો હિસ્સો
કુલ ડિપોઝીટ્સમાં 80 ટકા ડિપોઝીટ્સ રૂ. 15 લાખ-1 કરોડની રેંજમાં જોવા મળે છે
કુલ ડિપોઝીટ્સનો 50 ટકા હિસ્સો 7-8 ટકા રેટના બકેટમાં આવે છે

દેશની બેંકોમાં જમા ફિક્સ ડિપોઝીટ્સના 80 ટકા જેટલી ટર્મ ડિપોઝીટ્સ રૂ. 15 લાખથી રૂ. 1 કરોડની રેંજમાં જોવા મળે છે. તેમજ તે મુખ્યત્વે એક વર્ષથી લઈને ત્રણ વર્ષ માટેની પાકતી મુદત ધરાવે છે એમ કોટક ઈન્સ્ટીટ્યુશ્નલ ઈક્વિટીઝનો એક અભ્યાસ સૂચવે છે.
હાલમાં કુલ ડિપોઝીટ્સના ઓછામાં ઓછા 50 ટકા ડિપોઝીટ્સ 7-8 ટકાના ઈન્ટરેસ્ટ રેટ બકેટમાં આવે છે. એટલેકે બેંકમાં પડેલી ડિપોઝીટ્સ પર ગ્રાહક 7 ટકાથી લઈ 8 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ રળી રહ્યાં છે. જે 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં 10 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવે છે. આમ, ડિપોઝીટ્સ રેટ્સમાં હજુ પણ જોઈએ તેટલી વૃદ્ધિ નથી નોંધાઈ એ આરબીઆઈનું નિરીક્ષણ યોગ્ય જણાય છે. કોટક ખાતે સીએફએ એમબી મહેશના જણાવ્યા મુજબ રિ-પ્રાઈસિંગ સાઈકલ હજુ સંપૂર્ણપણે પૂરી નથી થઈ. તેમના મતે આગામી બે ક્વાર્ટર્સમાં ડિપોઝીટ રેટ્સ તેમની ટોચ બનાવી લે તેવી શક્યતાં છે. ત્રિમાસિક ધોરણે જોઈએ તો કુલ ટર્મ ડિપોઝીટ્સમાં વ્યક્તિગત હિસ્સો સાધારણ ઘટાડો દર્શાવે છે. તે કુલ ડિપોઝીટ્સના 50 ટકા પર જોવા મળે છે.
બેંકના બચતકારો તેમની ટર્મ ડિપોઝીટ્સની મુદત એકથી ત્રણ વર્ષ માટે રાખવા પર પસંદગી ઉતારી રહ્યાં છે. આ માટેના કારણોમાં વિવિધ મુદત માટેની એફડી પર જોવા મળી રહેલો વ્યાજ દરનો તફાવત મુખ્ય પરિબળ હોય તેમ જણાય છે. આ કારણે જ રોકાણકાર લોંગ-ટર્મ ડિપોઝીટ્સ પસંદ કરી રહ્યો છે. બેંકર્સ પણ આ બકેટ માટે વધુ કમ્ફર્ટેબલ જોવા મળી રહ્યાં છે. કેમકે ઈબીએલઆર-લિંક્ડ લોન્સની રજૂઆત પછી લોન યિલ્ડ્સમાં ટુકડાં જોવા મળી રહ્યાં છે એમ અભ્યાસ સૂચવે છે. કોટક ઈન્સ્ટીટ્યુશન્નલ ઈક્વિટીઝના સીએફએ આશ્લેષ સોન્જેના જણાવ્યા મુજબ વર્તમાન ટર્મ ડિપોઝીટ રેટ્સ અને બેંક્સ તરફથી ઓફર કરવામાં આવી રહેલા હેડલાઈન રેટ્સને જોઈએ તો આપણે રેટમાં ટોચની નજીક પહોંચી રહ્યાં છીએ. હજુ ટોચ બની નથી પરંતુ આગામી એક-બે ક્વાર્ટર્સમાં ટોચ બની જશે તેમ જણાય છે.
અભ્યાસના એક અન્ય તારણમાં વ્યક્તિગત ટર્મ ડિપોઝીટ્સનો 45 ટકા હિસ્સો મેટ્રોપોલીટન માર્કેટ્સમાંથી જોવા મળે છે. જ્યારે નોન-ઈન્ડિવિડ્યુઅલ ડિપોઝીટ્સનો 75 ટકા હિસ્સો મેટ્રોપોલીટન માર્કેટ્સમાંથી આવે છે. કુલ ટર્મ ડિપોઝીટ્સનો 60 ટકા હિસ્સો મેટ્રોપોલીટન માર્કેટ્સમાંથી આવે છે. જ્યારે 20 ટકા હિસ્સો અર્બન માર્કેટ્સમાંથી આવે છે. આમ, ડિપોઝીટ્સમાં મહાનગરોનો હિસ્સો ઊંચો છે. જ્યારે ત્રીજી શ્રેણીના શહેરોનો હિસ્સો નીચો છે. વ્યક્તિગત ડિપોઝીટ્સનો ઓછામાં ઓછો 70 ટકા હિસ્સો રૂ. 15 લાખથી નીચી ડિપોઝીટ્સનો છે. જ્યારે નોન-ઈન્ડિવિડ્યૂઅલ ડિપોઝીટ સેગમેન્ટમાં 85 ટકા હિસ્સો રૂ. 10 લાખની ડિપોઝીટ્સથી ઊંચો જોવા મળે છે.
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ત્રિમાસિક રિપોર્ટ મુજબ જાહેર ક્ષેત્રની બેંક્સ કુલ ટર્મ ડિપોઝીટ્સનો 60 ટકા હિસ્સો ધરાવે છે. જોકે માર્ચ ક્વાર્ટરથી અત્યાર સુધીમાં તેમણે 2 ટકા હિસ્સો ગુમાવ્યો છે. જેનો મોટો લાભ પ્રાઈવેટ બેંક્સને મળ્યો છે. પ્રાઈવેટ બેંક્સની વાત કરીએ તો તેઓ મેટ્રોપોલીટન માર્કેટ્સમાં પીએસયૂ બેંક્સ કરતાં ડિપોઝીટ્સનું ઊંચું પ્રમાણ ધરાવે છે. જેનું મહત્વનું કારણ હાઈ-ટિકિટ નોન-ઈન્ડિવિડ્યુઅલ ટર્મ ડિપોઝીટ્સ હોય શકે છે. તાજેતરમાં બેંકબઝારના એક સર્વેમાં ભારતીયોમાં લોકપ્રિય રોકાણ સાધનોમાં મ્યુચ્યુલ ફંડ્સ અને ફિક્સ્ડ ડિપોઝીટ્સ સૌથી લોકપ્રિય જોવા મળ્યાં હતાં. લોકોની સેવિંગ પેટર્નનો અભ્યાસ સૂચવતો હતો કે 54 ટકા લોકો મ્યુચ્યુલ ફંડ્સમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જ્યારે 53 ટકા લોકો ફિક્સ્ડ ડિપોઝીટ સ્કિમ્સમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જોકે, 77 ટકા લોકો હજુ પણ તેમના નાણાને સેવિંગ્ઝ એકાઉન્ટ્સમાં જાળવવાનું પસંદ કરે છે.

હાઈલાઈટ્સ
• કુલ ટર્મ ડિપોઝીટ્સમાં ઈન્ડિવિડ્યૂઅલ ડિપોઝીટ્સનો હિસ્સો 50 ટકા.
• કુલ ટર્મ ડિપોઝીટ્સનો 60 ટકા હિસ્સો મેટ્રોપોલીટન માર્કેટ્સમાંથી આવે છે
• ઈન્ડિવિડ્યૂઅલ ટર્મ ડિપોઝીટ્સનો 45 ટકા હિસ્સો મેટ્રોપોલીટન માર્કેટ્સમાંથી આવે છે
• નોન-ઈન્ડિવિડ્યુઅલ ડિપોઝીટ્સનો 75 ટકા હિસ્સો મેટ્રોપોલીટન માર્કેટ્સમાંથી આવે છે
• ઈન્ડિવિડ્યૂઅલ ટર્મ ડિપોઝીટ્સનો 70 ટકા હિસ્સો રૂ. 15 લાખથી નીચી ડિપોઝીટ્સ દર્શાવે છે
• નોન-ઈન્ડિવિડ્યૂઅલ ડિપોઝીટ સેગમેન્ટમાં 85 ટકા હિસ્સો રૂ. 10 લાખની ડિપોઝીટ્સથી ઊંચો
• જાહેર ક્ષેત્રની બેંક્સ કુલ ટર્મ ડિપોઝીટ્સનો 60 ટકા હિસ્સો ધરાવે છે.

સુઝુકી મોટર ગુજરાતે 30 લાખ યુનિટ્સ ઉત્પાદનનું સીમાચિહ્ન હાંસલ કર્યું
નાણા વર્ષ 2022-23માં કંપનીએ કુલ ઉત્પાદનના 50 ટકાથી વધુ યુનિટ્સની નિકાસ કરી
કંપની આગામી વર્ષે પ્રથમ ઈવી એસયૂવી લોંચ કરશે

મારુતિ સુઝુકીના યુનિટ સુઝુકી મોટર ગુજરાત(એસએમજી)એ ચાલુ સપ્તાહની શરૂમાં 30 લાખ યુનિટ્સ ઉત્પાદનનું મહત્વનું સીમાચહ્ન હાંસલ કર્યું હતું. કંપની તેના ઉત્પાદનનો નોંધપાત્ર હિસ્સો નિકાસ કરી રહી છે. ગયા નાણા વર્ષ 2022-23માં કંપનીએ તેના ઉત્પાદનના 50 ટકાથી વધુ યુનિટ્સ એક્સપોર્ટ કર્યાં હતાં. કંપની મુખ્યત્વે બાલેનો, સ્વિફ્ટ, ડિઝાયર અને ફ્રોન્ક્સનું ઉત્પાદન ધરાવે છે.
એમએસજીએ ફેબ્રુઆરી 2017માં તેનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જેમાં પ્રથમ 10 લાખ યુનિટ્સનું ઉત્પાદન 45 મહિનામાં હાંસલ કર્યું હતું. જ્યારે બીજા 10 લાખનું ઉત્પાદન 25 મહિનામાં જ્યારે ત્રીજા 10 લાખનું ઉત્પાદન 17 મહિનામાં નોંધાવ્યું હતું. કંપનીનો બીજો પ્લાન્ટ ઓક્ટોબર 2020માં કાર્યાન્વિત થયો હતો. જ્યારે ત્રીજો પ્લાન્ટ પાછળથી સક્રિય બન્યો હતો. જે સાથે હાલમાં તેની કુલ ક્ષમતા 7.5 લાખ યુનિટ્સની છે. જે સુઝુકી કોર્પોરેશનના વૈશ્વિક સ્તરે જોવા મળતાં કુલ 35 લાખ યુનિટ્સના વાર્ષિક ઉત્પાદનના 20 ટકાથી વધુ થવા જાય છે. 2022-23માં કંપનીએ તેના ઉત્પાદનના 50 ટકાથી વધુની નિકાસ કરી હતી. તે લેટીન અમેરિકા, આફ્રિકા, મધ્ય-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ સહિત 90 દેશોમાં કાર્સની નિકાસ કરે છે. તાજેતરમાં મારુતિ સુઝુકીએ રિલેટીવ પાર્ટી ટ્રાન્ઝેક્શન મારફતે એમએસજીને પેરન્ટ કંપની પાસેથી મારુતિમાં ઈન્ટિગ્રેટ કરી છે. મારુતિ સુઝુકીના કુલ ટર્નઓવરમાં એમએસજીનો હિસ્સો 30-40 ટકા જેટલો જોવા મળે છે.
મારુતિ સુઝુકી તેના પ્રથમ ઈવીને આગામી નાણા વર્ષે એસએમજી પ્લાન્ટમાંથી લોંચ કરશે. પ્રથમ ઈવી હાઈ સ્પેસિફિકેશન એસયૂવી હશે. જે 550 કિમીની રેંજ અને 60 કેવી વોટ અવર બેટરી ધરાવતી હશે. 2032 સુધીમાં કંપની પાંચથી છ ઈવી મોડલ્સ લોંચ કરશે. કંપનીએ આ માટે ગુજરાત સરકાર સાથે રૂ. 10500 કરોડના એમઓયૂ કર્યાં હતાં. જે હાલમાં પાઈપલાઈનમાં છે. એસએમજી 3200 કર્મચારીઓને પ્રત્યક્ષ રોજગાર પૂરો પાડી રહી છે. જ્યારે મોટી સંખ્યામાં અપ્રત્યક્ષ રોજગારી આપી રહી છે.

બ્રેન્ટ ક્રૂડ ઓઈલ વાયદો 77 ડોલરની નીચે ઉતરી ગયો
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત નરમાઈ જોવા મળી રહી છે. એશિયન બજારોમાં માટે મહત્વનો બ્રેન્ટ ક્રૂડ ઓઈલ વાયદો બુધવારે એક ટકા નરમાઈ સાથે 77 ડોલર નીચે બે-મહિનાના તળિયા પર જોવા મળ્યો હતો. ઓપેક ઉપરાંત અન્ય ઉત્પાદક દેશો તરફથી જાન્યુઆરી 2024થી સ્વૈચ્છિકપણે અમલી બનનારા ઉત્પાદન કાપને બજારે ગંભીરતાથી નહિ લેતાં ક્રૂડના ભાવમાં ઘટાડો અટકી શક્યો નથી. ચીન ખાતેથી આર્થિક ડેટા મજબૂત આવવા છતાં ક્રૂડના ભાવ ઘટાડાતરફી ટ્રેન્ડ જળવાય રહ્યો છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે જો 75 ડોલરની સપાટી તૂટશે તો બ્રેન્ટ ક્રૂડ વાયદો 70 ડોલર સુધી ગગડી શકે છે. જે છેલ્લાં બે વર્ષનું લો લેવલ હશે. રશિયા-યૂક્રેન યુધ્ધની શરૂઆત પછી બ્રેન્ટ ક્રૂડ વાયદો 70 ડોલર નીચે જોવા મળ્યો નથી. વૈશ્વિક ડોલરમાં મજબૂતી પાછળ પણ ક્રૂડમાં નરમાઈ જોવા મળી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

હિમાદ્રી કેમિકલઃ સ્પેશ્યાલિટી કેમિકલ કંપની લિથિયમ-આયોન બેટરી કોમ્પોનેન્ટ્સ ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે રૂ. 4800 કરોડનું રોકાણ કરશે. કંપની 2 લાખ ટન લિથિયમ આયોન ફોસ્ફેટ કેથોડ એક્ટિવ મટિરિયલના ઉત્પાદનનો હેતુ ધરાવે છે. જે 100 ગીગાવોટ અવર લિથિયમ-બેટરી ઉત્પાદિત કરી શકશે. કંપનીને પાંચથી છ વર્ષોમાં આટલું રોકાણ કરશે. જેમાં પ્રથમ તબક્કામાં ઓડિસ્સામાં રૂ. 1125 કરોડ રોકશે. જે 40 હજાર ટનની ક્ષમતા ધરાવતો હશે.
સન ફાર્માઃ ટોચની ફાર્મા કંપનીની સબસિડિયરી ક્લિનિકલ-સ્ટેડ બાયોફાર્માસ્યુટીકલ કંપની એક્લેરિસ થેરાપ્યુટીક્સ ઈન્ક જોડે લાયસન્સિંગ એગ્રીમેન્ટમાં પ્રવેશી છે. જેમાં રેગ્યુલેટરી એન્ડ કમર્સિયલ માઈલસ્ટોન્સ અને રોયલ્ટીઝના 1.5 કરોડ ડોલર એટલેકે રૂ. 125 કરોડના અપફ્રન્ટ પેમેન્ટનો સમાવેશ થાય છે. એક્લેરિસ થેરાપ્યુટીક્સ ઈમ્યુનો-ઈન્ફ્લેમેટરી ડિસિઝિસ માટે નોવેલ ડ્રગ ડેવલપમેન્ટ પર ફોકસ કરી રહી છે.
લ્યુપિનઃ ફાર્મા કંપનીએ તેના જેનેરિક વેલેનીસ્લીન ટેબલેટ્સ માટે યુએસ હેલ્થ રેગ્યુલેટર એફડીએ તરફતી મંજૂરી મેળવી છે. આ મંજૂરી 0.5 એમજી અને 1 એમજી સ્ટ્રેન્થ ધરાવતી વેરેનીસ્લીન માટે એબ્રિવિએટેડ ન્યૂ ડ્રગ એપ્લિકેશન માટે મળી છે એમ રેગ્યુલેટરી ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું હતું. આ દવા ચેન્ટીક્સ ટેબ્લેટ્સની જેનેરિક સમકક્ષ છે. જેનું ઉત્પાદન ભારતમાં લ્યુપિનની પિથમપુર સુવિધામાં કરવામાં આવશે.
ડો. રેડ્ડીઝ લેબ્સઃ ફાર્મા કંપની અને કોયા થેરાપ્યુટીક્સે એમીઓટ્રોફિક લેટરલ ક્લેરોસિસ(એએલએસ)ની સારવાર માટે ઈન્વેસ્ટીગેશ્નલ કોમ્બિનેશનલ થેરાપી કોયા 302ના ડેવલપમેન્ટ અને કોમર્સિયલાઈઝેશન માટે ડેવલપમેન્ટ અને લાયસન્સ એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે. એગ્રીમેન્ટ હેઠળ કોયાએ ડો. રેડ્ડીઝને કોયા 302ના કમર્સિયલાઈઝેશન માટે એક્સક્લૂઝિવ લાયસન્સ આપ્યું છે.
બાઈજુસઃ મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી એડટેક કંપનીના પ્રમોટર્સે ફંડ્સ ઊભું કરવા માટે તેમના તથા પરિવારના સભ્યોના મકાનો અને ઓફિસ પ્લેજ કરવાં પડ્યાં છે એમ વર્તુળો જણાવે છે. કંપનીની માલિક થીંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડની વાર્ષિક સાધારણ સભાનું 20 ડિસેમ્બરે આયોજન કરવામાં આવ્યું છે. જે વિડિયો કોન્ફરન્સથી યોજવામાં આવશે. એજીએમમાં કંપની તેના માર્ચ 2022ની આખરમાં પૂરા થયેલાં વર્ષના પરિણામો પાસ કરાવાનો ઠરાવ કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage