સેબીએ BVG ઈન્ડિયા, ફિનકેર સ્મોલ ફાઈ. બેંકના IPO પેપર્સ પરત કર્યાં
માર્કેટ રેગ્યુસેટર સેબીએ બે કંપનીઓને આઈપીઓ માટે તેમણે સબમિટ કરેલાં પ્રિલિમનરી પેપર્સ પરત કર્યાં છે. જેમાં બીવીજી ઈન્ડિયા અને ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક ઈન્ડિયાનો સમાવેશ થાય છે. ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝ કંપની બીવીજી ઈન્ડિયાએ આઈપીઓ મારફતે નાણા ઊભા કરવા માટે સપ્ટેમ્બર 2021માં સેબી સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કર્યું હતું. કંપનીના પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 200 કરોડના મૂલ્યના ફ્રેશ ઈસ્યુ તથા પ્રમોટર્સ અને પ્રાઈવેટ ઈક્વિટી ગ્રૂપ 3આઈ તરફથી 71.96 લાખ શેર્સની ઓફર-ફોર-સેલનો સમાવેશ થતો હતો. જોકે સેબીએ કંપનીને તેના આઈપીઓ પેપર્સ પરત કર્યાં છે. સેબીની વેબસાઈટ પર એક અન્ય અપડેટમાં માર્કેટ વોચડોગે ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંકના ડ્રાફ્ટ પેપર્સ પરત કર્યાં છે. કંપનીએ ગયા વર્ષે ઓગસ્ટમાં સેબી સમક્ષ તેના પ્રિલિમનરી પેપર્સ રજૂ કર્યાં હતાં.
એપ્રિલથી જાન્યુઆરીમાં કૃષિ નિકાસમાં 10 ટકા વૃદ્ધિ નોંધાઈ
ગયા વર્ષે શરૂઆતી 10 મહિનામાં 19.75 અબજ ડોલર સામે ચાલુ વર્ષે 21.79 અબજ ડોલરની નિકાસ જોવા મળી
દેશમાંથી ચોખાની કુલ નિકાસ 16 ટકા વધી 8.98 અબજ ડોલરે જોવા મળી
દેશમાંથી કૃષિ નિકાસમાં મજબૂતી જળવાય રહી છે. ચાલુ નાણા વર્ષના એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 સુધીના દસ મહિના દરમિયાન એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી(એપેડા) હેઠળ કૃષિ નિકાસ 21.79 અબજ ડોલર પર જોવા મળી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 19.75 અબજ ડોલર પર હતી. આમ તે 10 ટકા વૃદ્ધિ દર દર્શાવે છે. એપેડાએ ચાલુ નાણા વર્ષ માટે 23.56 અબજ ડોલરનો નિકાસ ટાર્ગેટ નિર્ધારિત કર્યો હતો. જે પાર થઈ જાય તેવી શક્યતાં છે. તેમજ નિકાસ 26 અબજ ડોલરને સ્પર્શે એમ માનવામાં આવે છે.
સરકાર તરફથી બ્રોકન રાઈસ(ચોખાના ટુકડા) પર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં તેમજ સફેદ(રો) ચોખા પર 20 ટકા નિકાસ ડ્યુટી લાગુ પાડી હોવા છતાં નોન-બાસમતી રાઈસ કેટેગરીએ સારો દેખાવ દર્શાવ્યો છે. નોન-બાસમતી સેગમેન્ટે નિકાસમાં 3 ટકા વૃદ્ધિ સાતે કુલ 5.17 અબજ ડોલરની નિકાસ નોંધાવી છે. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 5.01 અબજ ડોલર પર હતી. વોલ્યુમ સંદર્ભમાં જોઈએ તો 4 ટકા ગ્રોથ જોવા મળ્યો છે અને તે 1.456 કરોડ ટન પર રહ્યું છે. જે ગયા વર્ષે 1.40 કરોડ ટન પર હતું. બાસમતી ચોખાની નિકાસમાં 41 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે શરૂઆતી 10-મહિનામાં 3.82 અબજ ડોલર(રૂ. 30514 કરોડ) પર રહી હતી. વોલ્યુમ સંદર્ભમાં જોઈએ તો ચોખાની નિકાસ 18 ટકા ઉછળી 36.6 લાખ ટન પર રહી હતી. દેશમાંથી ચોખાની કુલ નિકાસ 16 ટકા વધી 8.98 અબજ ડોલર(રૂ. 71,187 કરોડ) પર જોવા મળી હતી. એપેડા દેશમાંથી નિકાસ થતી ટોચની દસ પ્રોડક્ટ્સ પર ધ્યાન આપી રહી છે. જેમાં નોન-બાસમતી ચોખા, બાસમતી ચોખા, બોવાઈન મીટ, સેરેઅલ પ્રિપેરેશન્સ, અન્ય પ્રિપેરેશન્સ, મકાઈ, મગફળી, ગુઆર ગમ, કઠોળ અને પ્રોસેસ્ડ વેજીટેબલ્સનો સમાવેશ થાય છે. જ્યારે ટાર્ગેટને હાંસલ કરવા માટે તે દેશમાંથી કૃષિ નિકાસ માટેના ટોચના 10 સ્થળોમા બાંગ્લાદેશ, યૂએસઈ, યૂએસએ, સાઉદી અરેબિયા, ઈન્ડોનેશિયા, ઈરાન, વિયેટનામ, મલેશિયા, ચીન અને નેપાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફ્રેશ વેજિટેબલ્સની નિકાસ 11.5 ટકા વધી 75 કરોડ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 67.3 કરોડ ડોલર પર જોવા મળી હતી. ફ્રેશ ફ્રૂટ્સની નિકાસ પણ 3 ટકા વધી 53.2 કરોડ ડોલરે રહી હતી. જે ગયા વર્ષે 54.7 કરોડ ડોલરે હતી. કઠોળની નિકાસની વાત કરીએ તો 27.5 કરોડ ડોલર પરથી 73 ટકા ઉછળી 47.6 કરોડ ડોલર પર રહી હતી. પ્રોસેસ્ડ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સની નિકાસ 16.8 ટકા વધી 0.98 અબજ ડોલરની સરખામણીમાં 1.15 અબજ ડોલર પર જોવા મળી હતી. જ્યારે ડેરી પ્રોડક્ટ્સની નિકાસ ગયા વર્ષે 46.7 અબજ ડોલર પરથી 10 ટકા વધી 51.2 અબજ ડોલર પર રહી હતી. પૌલ્ટ્રી પ્રોડક્ટ્સની નિકાસમાં 91 ટકાની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 5.6 કરોડ ડોલર પરથી વધી 10.7 કરોડ ડોલર પર રહી હતી.
ડુંગળીના શીપમેન્ટ્સમાં 49 ટકાનો તીવ્ર ઉછાળો
એપ્રિલ 2022થી ડિસેમ્બર 2023 સુધીના નવ-મહિના દરમિયાન દેશમાંથી ડુંગળીના શીપમેન્ટ્સ 17.2 લાખ ટન પર જોવા મળ્યાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળમાની સરખામણીમાં 49 ટકા વૃદ્ધિ દર્શાવે છે. મૂલ્યની રીતે ડોલર સંદર્ભમાં તે 15 ટકા વૃદ્ધિ સાથે 39.4 કરોડ ડોલર પર જોવા મળ્યાં હતાં. દેશમાંથી ડુંગળીની નિકાસમાં તીવ્ર વૃદ્ધિ પાછળ દક્ષિણ-પૂર્વ એશિયા તથા પશ્ચિમ એશિયાઈ દેશો તરફથી ડુંગળીની ઊંચી માગ જવાબદાર હતી.
દેશમાં ડુંગળીના ઊંચા સપ્લાયને જોતાં 2022-23માં નિકાસ ગયા વર્ષના સ્તરને પાર કરી જશે એમ એપેડા માની રહી છે. ઉપરાંત ખરીદાર દેશો જેવાકે મલેશિયા, ઈન્ડોનેશિયા અને વિયેટનામ સહિતના દેશોની માગમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. હાલમાં ટ્રેડ તરફથી મળતાં પ્રતિભાવ જણાવે છે કે ભારતીય ડુંગળીની માગ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહી છે. 2021-22માં ભારતમાંથી ડુંગળીની નિકાસ 46 કરોડ ડોલર પર જોવા મળી હતી. જેમાં બાંગ્લાદેશ, મલેશિયા, યૂએઈ, શ્રી લંકા, નેપાળ, ઈન્ડોનેશિયા, કતાર, વિયેટનામ, ઓમાન, કૂવૈત, સિંગાપુર, સાઉદી અરેબિયા, બહેરિન, માલદિવ્સ અને મોરેશ્યસ મુખ્ય બજારો હતાં. ભારત વિશ્વમાં ડુંગળીનું 25 ટકા ઉત્પાદન ધરાવવા સાથે ત્રીજો સૌથી મોટો નિકાસકાર છે. બે ટોચના નિકાસકારોમાં નેધરલેન્ડ્સ અને મેક્સિકોનો સમાવેશ થાય છે.
ફેબ્રુઆરીમાં FMCG કંપનીઓએ ગ્રામીણ માર્કેટમાં રિવાઈવલ અનુભવ્યું
ઓગસ્ટ પછી પ્રથમવાર માસિક ધોરણે રૂરલ માર્કેટમાં 35 ટકાનો ગ્રોથ નોંધાયો
કન્ઝ્યૂમર ગુડ્ઝ કંપનીઓએ ફેબ્રુઆરીમાં ગ્રામીણ ભારતમાં નોંધપાત્ર માગનો અનુભવ કર્યો હતો. જેમાં અનેક કંપનીઓના વોલ્યુમ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. કોવિડ પછી સૌથી ખરાબ અસર દર્શાવી રહેલા ગ્રામીણ બજારોમાં લાંબા સમય પછી મજબૂતી પરત ફરતી જોવા મળી હોવાનું એક સર્વે જણાવે છે.
ફેબ્રુઆરીમાં ગ્રામીણ એફએમસીજી માર્કેટે વૃદ્ધિ દર બાબતમાં શહેરી વિસ્તારોને મોટા માર્જિનથી પાછળ રાખી દીધું હતું એમ એનાલિટીક્સ પ્લેટફોર્મનો ડેટા જણાવે છે. તાજો ડેટા છેલ્લાં પાંચ મહિનાઓના ટ્રેન્ડથી રિવર્સ ટ્રેન્ડ દર્શાવી રહ્યો છે. ફેબ્રુઆરીમાં માસિક ધોરણે ગ્રામીણ વેચાણ 35 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જ્યારે વાર્ષિક ધોરણે તેણે 12 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. જે છેલ્લાં ઘણા મહિનાઓ બાદ જોવા મળી હતી. ઓગસ્ટ 2022થી ગ્રામીણ બજાર સતત સુસ્ત જોવા મળતું હતું. ફેબ્રુઆરીમાં પેકેજ્ડ ફૂડ્સ જેવાકે બિસ્કિટ્સ અને ખાદ્ય તેલોના વેચાણમાં વાર્ષિક ધોરણે 4-6 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી એમ એક કંપની એક્ઝીક્યૂટીવ જણાવે છે. જ્યારે એપ્લાયન્સિઝ જેવી ડિસ્ક્રિશ્નરી આઈટમ્સના વેચાણમાં માસિક ધોરણે 4-5 ટકા વૃદ્ધિ જોવા મળી હોવાનું સર્વે સૂચવે છે. એન્ટ્રી-લેવલ રેફ્રિજરેટર્સનું વેચાણમાં ઘટાડો લગભગ અડધો થઈને 2-3 ટકા પર રહ્યો હતો. અગ્રણી બિસ્કીટ કંપની પાર્લેના અધિકારી જણાવે છે કે ગ્રામીણ ભારતમાં સેન્ટિમેન્ટ્સ બદલાય રહ્યું છે. સેલ્સ વોલ્યુમ પોઝીટીવ બની રહ્યાં છે. ખેડૂતોને સારી રવિ સિઝનની અપેક્ષા છે. તેમજ સરકાર તરફથી લઘુત્તમ ટેકાના ભાવમાં વૃદ્ધિને કારણે તેમની આવક સારી જળવાશે. મોટાભાગના સેગમેન્ટ્સમાં રૂરલ માગે છ ક્વાર્ટર્સ પછી વૃદ્ધિ દર્શાવી છે. ગયા ઓગસ્ટ મહિનાથી તેમાં સતત ઘટાડો જોવા મળતો હતો. કંપનીઓને અર્બન માર્કેટનો સપોર્ટ મળતો રહ્યો હતો. જોકે ફેબ્રુઆરીમાં પ્રથમવાર ગ્રામીણ બજારોએ રિવર્સલ દર્શાવ્યું છે અને કંપનીઓને આગામી ઉનાળામાં સારા દેખાવની આશા જણાય રહી છે. કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ ઉત્પાદકો પણ આગામી ઉનાળામાં ગ્રામીણ ભારતમાં એરકંડિશ્નર્સ સહિતની પ્રોડક્ટ્સની ઊંચી માગ જોવા મળે તેવો આશાવાદ સેવી રહ્યાં છે.
અદાણી એન્ટરપ્રાઈઝનો શેર ASM ફ્રેમવર્કમાંથી બહાર
દેશના સ્ટોક એક્સચેન્જિસે અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર્સને કહેવાતી શોર્ટ-ટર્મ એડિશ્નલ સર્વેલન્સ મેઝર્સ(એસટી-એએસએમ)માંથી બહાર કર્યો છે. આ નિર્ણય 8 માર્ચથી અમલી બનશે. જેને કારણએ એઈએલ શેર્સના ટ્રેડિંગમાં ઊંચા માર્જિનની જરૂરિયાત રહેશે નહિ. અગાઉ 24 જાન્યુઆરીએ હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી જૂથના શેર્સમાં ફરી વળેલી ભારે વેચવાલી પાછળ એઈએલ સહિત અદાણી શેર્સને એસટી-એએસએમ મિકેનીઝમ હેઠળ લાવવામાં આવ્યાં હતાં. જોકે છેલ્લાં સપ્તાહમાં અદાણી જૂથ શેર્સમાં ઘટાડો અટકી સ્થિરતા જોવા મળતાં એક્સચેન્જિસે તેમનો નિર્ણય પરત ખેંચ્યો છે.
રિલાયન્સ કેપિટલમાં 20 માર્ચે ઓક્શનનો બીજો રાઉન્ડ યોજાશે
નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)એ ગયા સપ્તાહે છૂટ આપ્યાં બાદ રિલાયન્સ કેપિટલના લેન્ડર્સ એક્સટેન્ડેડ ચેલેન્જ મિકેનીઝમમાં આગળ વધશે. આરકેપની કમિટિ ઓફ ક્રેડટર્સે(સીઓસી) 20 માર્ચે હરાજીનો બીજો રાઉન્ડ યોજવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. સીઓસીએ એક નોટિસમાં જણાવ્યું હતું કે ચેલેન્ડ મિકેનીઝમને જાળવી રાખતાં તેના ભાગરૂપે જ રેઝોલ્યુશન મેકેનિઝમ હેઠળ અરજી કરનારાઓ વચ્ચે 20 માર્ચે બીજો ઓક્શન રાઉન્ડ માટેનો પ્રસ્તાવ છે. એક્સટેન્ડેડ ચેલેન્જ મિકેનીઝમમાં ભાગ લેવા માટે લઘુત્તમ બીડિંગ માટે એનપીવી(નેટ પ્રેઝન્ટ વેલ્યૂ) રૂ. 9500 કરોડ નિર્ધારિત કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડ બાદ સેકન્ડ રાઉન્ડ માટે થ્રેસહોલ્ડને રૂ. 500 કરોડ વધારી રૂ. 10 હજાર કરોડ અને ત્રીજા રાઉન્ડ માટે રૂ. 250 કરોડ વધારી રૂ. 10250 કરોડ કરવામાં આવી છે. ત્યારબાદના તમામ રાઉન્ડ માટે થ્રેસહોલ્ડમાં રૂ. 250 કરોડના દરે વૃદ્ધિ કરવામાં આવશે. એક્સટેન્ડેડ ચેલેન્જ મિકેનીઝમ હેઠળ બીડીંગ માટે લઘુત્તમ અપફ્રન્ટ કેશ કોમ્પોનેન્ટ રૂ. 8000 કરોડ નિર્ધારિત કરવામાં આવ્યું છે.
UPI મારફતે દૈનિક અક અબજ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરી શકાશેઃ RBI
ડિજીટલ પેમેન્ટ અવેરનેસ વીકન ભાગરૂપ મિશનનો હેતુ દેશના દરેક નાગરિકને ડિજિટલ પેમેન્ટ્સ અપનાવવા તૈયાર કરવાનો છે
ડિજીટલ ટ્રાન્ઝેક્શન્સનું પ્રમાણ જાન્યુઆરી 2017માં 45 લાખ પરથી વધી જાન્યુઆરી 2023માં 804 કરોડ થયું હતું. જ્યારે મૂલ્ય સમાનગાળામાં રૂ. 1700 કરોડ પરથી વધી રૂ. 12.98 લાખ કરોડ પર પહોંચ્યું હતું
ભારતનું ફ્લેગશિપ ડિજિટલ પેમેન્ટ્સ પ્લેટફોર્મ યુનીફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(UPI) દિવસે એક અબજ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાની બેન્ડવિથ ધરાવે છે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશીંકાત દાસે ‘હર પેમેન્ટ ડિજીટલ’ મિશનને લોંચ કરતાં સોમવારે જણાવ્યું હતું. ડિજીટલ પેમેન્ટ અવેરનેસ વીકન ભાગરૂપ મિશનનો હેતુ દેશના દરેક નાગરિકને ડિજિટલ પેમેન્ટ્સ અપનાવવા તૈયાર કરવાનો છે.
દાસે જણાવ્યું હતું કે તેઓની અપેક્ષા છે કે ગયા મહિને સિંગાપુરની પેનાઉની જેમ વધુ દેશો તેમના પેમેન્ટ્સનું રિઅલ-ટાઈમ બેસીસ પર ભારત સાથે જોડાણ કરે. હાલમાં યૂપીઆઈ મારફતે દૈનિક 26 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થાય છે. સિસ્ટમ રોજના 100 કરોડ ટ્રાન્ઝેક્શન્સ કરવાની ક્ષમતા ધરાવે છે. આમ સિસ્ટમ નવા ગ્રાહકોને યુપીઆઈ પ્લેટફોર્મ હેઠળ સ્વીકારવા માટે તૈયાર છે એમ દાસે ઉમેર્યું હતું. 1 માર્ચે યૂપીઆઈ મારફતે 30 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયાં હતાં. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ત્રણ સમાંતર સિસ્ટમ્સથી યૂપીઆઈનું સંચાલન કરે છે. તેઓ એકબીજા માટે માત્ર ડિઝાસ્ટર રિકવરી ફેસિલિટીઝ તરીકે જ કામ નથી કરતાં પરંતુ એકબીજાને સમાંતર પણ કામ કરે છે એમ દાસે જણાવ્યું હતું. એક સિસ્ટમમાં કોઈ સમસ્યા હોય ત્યારે અન્ય સિસ્ટમ્સની કામગીરી ચાલુ હોય છે એમ તેમણે ઉમેર્યું હતું. એનપીસીઆઈના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે જો “થ્રી ઝીરો” અભિગમને અનુસરવામાં આવે તો આગામી ત્રણથી પાંચ વર્ષોમાં એક દિવસમાં ગ્રાહકને ઝીરો કોસ્ટ સાથે બિલિયન ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવા શક્ય છે. દેશમાં ડિજિટલ પેમેન્ટ્સ માટે એનપીસીઆઈ અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન છે. જે યૂપીઆઈનું સંચાલન કરે છે. જાન્યુઆરી 2023માં યૂપીઆઈએ 8 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કર્યાં હતાં. જે 2016માં લોંચિંગથી લઈ અત્યાર સુધીમાં સૌથી વધુ હતાં. ભારતમાં સૌથી લોકપ્રિય અને પસંદગીના પેમેન્ટ મોડ તરીકે યૂપીઆઈ ઊભરી આવ્યું છે. જેણે પર્સન ટુ પર્સન(પીટુપી) અને પર્સન ટુ મર્ચન્ટ(પી2એમ) ટ્રાન્ઝેક્શન્સમાં શરૂઆત કરી છે. તે દેશમાં કુલ ડિજિટલ પેમેન્ટ્સનો 75 ટકા હિસ્સો ધરાવે છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સનું વોલ્યુમ છેલ્લાં પાંચ વર્ષોમાં અનેકગણુ વધ્યું છે. જાન્યુઆરી 2017માં 45 લાખ પરથી વધી જાન્યુઆરી 2023માં તે 804 કરોડ થયું હતું. જ્યારે યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સનું મૂલ્ય સમાનગાળામાં રૂ. 1700 કરોડ પરથી વધી રૂ. 12.98 લાખ કરોડ પર પહોંચ્યું છે.
આરબીઆઈ યૂપીઆઈનું ક્રોસ-બોર્ડર લિંકેઝિસ જેવીકે યૂપીઆઈ-પેનાઉની જેમ આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ લિંકેઝીસ ક્યૂઆર કોડ-બેઝ્ડ અને યૂપીઆઈ-અનેબલ્ડ પી2એમ પેમેન્ટ્સ ઉપરાંતના છે. હાલમાં તે ભૂતાન, સિંગાપુર અને યૂએઈ ખાતે થઈ રહ્યાં છે. તાજેતરમાં જ તેને જી20 દેશોના મુલાકાતીઓને ભારતમાં બેંક એકાઉન્ટ વિના યૂપીઆઈ પર જવા માટે સક્ષમ બનાવવામાં આવ્યાં હતાં. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે અમે અમારી પેમેન્ટ સિસ્ટમ યૂપીઆઈને અન્ય દેશોની પેમેન્ટ સિસ્ટમ્સ સાથે જોડાણ પર કામ કરી રહ્યાં છીએ. અમે સિંગાપુરની પેમેન્ટ સિસ્ટમ સાથે જોડીને આની શરૂઆત કરી છે. આગામી મહિનાઓ અને વર્ષોમાં અમે અન્ય દેશો સાથે પણ આમ કરીશું તેની ખાતરી છે. તાજેતરના વર્ષોમાં ડિજિટલ પેમેન્ટનો ગ્રોથ અસાધારણ બની રહ્યો છે. આરબીઆઈ ડેટા મુજબ હાલમાં પ્રતિ દિવસ 36 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થાય છે. જે ફેબ્રુઆરી 2022માં પ્રતિ દિવસ 24 કરોડ પર હતાં. આમ વાર્ષિક ધોરણે તે 50 ટકા વૃદ્ધિ દર સૂચવે છે. છેલ્લાં પાંચ વર્ષોમાં તીવ્ર વૃદ્ધિ દર છતાં દેશમાં હજુ પણ વસ્તીનો નોંધપાત્ર વર્ગ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરી રહ્યો નથી. આરબીઆઈએ હાથ ધરેલા એક સર્વેમાં 92 હજાર પ્રતિભાવકોમાંથી 42 ટકાએ જણાવ્યં હતું કે તેઓ ડિજીટલ પેમેન્ટ્સનો ઉપયોગ કરે છે. જ્યારે 35 ટકાએ આ અંગે તેઓ જાગૃત હોવાનું જણાવ્યું હતું. જોકે 23 ટકાનું કહેવું હતું કે તેમને આ બાબતને લઈ ખબર નથી.
રોડ શો અગાઉ અદાણી જૂથે 90 કરોડ ડોલરનું પ્લેજ છૂટું કર્યું
જૂથે અગાઉના રાઉન્ડ સાથે મળી કુલ 2.02 અબજ ડોલર્સનું પ્રિપેમેન્ટ કર્યું
છેલ્લાં દોઢ મહિનામાં તીવ્ર મૂડી ધોવાણ દર્શાવનાર અદાણી જૂથે વિશ્વ બજારમાં રોડ શોની શરૂઆત અગાઉ શેર-સમર્થિત ફાઈનાન્સિંગના ભાગરૂપ રૂ. 7374 કરોડ(90.1 કરોડ ડોલર)ની આગોતરી ચૂકવણી કરી છે. તેણે વિવિધ વૈશ્વિક બેંક્સ તથા ભારતીય નાણાકિય સંસ્થાઓને આ નાણા ચૂકવ્યાં છે. કંપનીના પ્રમોટર્સની જૂથની લિસ્ટેડ કંપનીઓના શેર્સ પરનું લેવરેજ ઘટાડવા માટે પ્રતિબધ્ધતાના ભાગરૂપ આમ કરવામાં આવ્યું છે. પોર્ટ્સ-ટુ-પાવર કોન્ગ્લોમેરટ મંગળવારથી લંડન, દુબઈ અને કેટલાંક અન્ય શહેરોમાં રોડ શો શરૂ કરે તે પહેલાં તેણે આ ચૂકવણી કરી હતી. અદાણી જૂથે ગયા સપ્તાહે યુએસ સ્થિત જીક્યૂજી પાર્ટનર્સ પાસેથી રૂ. 15446 કરોડ મેળવ્યાં હતાં.
યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગના રિપોર્ટ પછી શેરબજાર માર્કેટ-કેપમાં 140 અબજ ડોલરનું ધોવાણ જોઈ ચૂકેલું અદાણી જૂથ તેના ક્રેડિટ પ્રોફાઈલને લઈ જોવા મળી રહેલી ચિંતાને હળવી કરવાના પ્રયાસો કરી રહ્યું છે. સોમવારે જૂથ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસમાં પ્રમોટરે 4 ટકા હિસ્સો અથવા 3.1 કરોડ શેર્સ છૂટાં કરાવ્યાં હતાં. જ્યારે અદાણી પોર્ટ્સમાં પ્રમોટરે 15.5 કરોડ શેર્સ અથવા 11.8 કરોડ શેર્સ છૂટાં કરાવ્યાં હતાં એમ જૂથે એક યાદીમાં જણાવ્યું હતું. અન્ય બે જૂથ કંપની અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનમાં પ્રમોટર્સે અનુક્રમે 1.2 ટકા અને 4.5 ટકા શેર્સ છૂટાં કરાવ્યાં હતાં. આવા જ એક પગલામાં જૂથે ફેબ્રુઆરીમાં 1.11 અબજનું વહેલું ચૂકવણું કર્યું હતું. આમ તાજેતરના પ્રિપેમેન્ટ સાથે જૂથે કુલ 2.02 અબજ ડોલરના શેર-બેક્ડ ફાઈનાન્સિંગનું વહેલું ચૂકવણું કર્યું છે. સપ્ટેમ્બર 2022માં અદાણી જૂથ કુલ 24.1 અબજ ડોલરનું નેટ ડેટ ધરાવતું હતું.
મેટા પ્લેટફોર્મ્સ ચાલુ સપ્તાહે હજારોની છટણી કરશે
તાજેતરનો જોબ કટ રાઉન્ડ ફાઈનાન્સિયલ ટાર્ગેટ્સને હાંસલ કરવાના ભાગરૂપ હોવાનું જણાવતાં વર્તુળો
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની માલિક કંપની મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક છટણીના નવા રાઉન્ડમાં ચાલુ સપ્તાહથી બજારો કર્મચારીઓને છૂટાં કરવાનું વિચારી રહી છે એમ આ બાબતથી જ્ઞાત વર્તુળો જણાવે છે. વિશ્વમાં સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ કંપની વધુ જોબ્સ નાબૂદ કરી રહી છે. અગાઉ નવેમ્બરમાં તે વર્કફોર્સમાં 13 ટકા ઘટાડો કરી ચૂકી છે. વધુ કાર્યદક્ષ ઓર્ગેનાઈઝેશન બનવાની પ્રક્રિયાના ભાગરૂપે તે આમ કરી રહી છે. તેના પ્રથમ રાઉન્ડના ઘટાડામાં મેટાએ 11 હજાર વર્કર્સને પાણીચું પકડાવ્યું હતું. જે અત્યાર સુધીની તેની સૌથી મોટી છટણી હતી. કંપની તેના ઓર્ગેનાઈઝેશનને ફ્લેટન કરવા પર પણ કાર્ય કરી રહી છે. મેનેજર્સને બાયઆઉટ પેકેજિસ આપી રહી છે. તેમજ તેને બિનઆવશ્યક જણાતી સમગ્ર ટીમ્સ પર કાપ મૂકી રહી હોવાનું બ્લૂમબર્ગે ફેબ્રુઆરીમાં નોંધ્યું હતું. આ પગલા અંગે આખરી નિર્ણય લેવાનું કામ ચાલુ છે અને તે હજારો કર્મચારીઓને અસર કરી શકે છે.
તાજેતરનો જોબ કટ રાઉન્ડ ફાઈનાન્સિયલ ટાર્ગેટ્સ ચલિત છે અને તે ‘ફ્લેટનીંગ’થી ભિન્ન છે એમ આ ઘટનાને આંતરિક બાબત ગણાવીને નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે. એડવર્ટાઈઝીંગ રેવન્યૂમાં મંદીનો સામનો કરી રહેલા તથા પોતાના ધ્યાનને મેટાવર્સ તરીકે ઓળખાતાં વર્ચ્યુલ-રિઆલિટી પ્લેટફોર્મ પર કેન્દ્રિત કરનાર મેટાએ તેના ડિરેક્ટર્સ અને વાઈસ પ્રેસિડેન્ટ્સને જેમને છૂટાં કરી શકાય તેવા કર્મચારીઓની યાદી તૈયાર કરવા જણાવ્યું હોવાનું પણ વર્તુળોનું કહેવું છે. જોકે મેટાના પ્રવક્તાએ સોમવારે આ અંગે કશું પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
વર્તુળના જણાવ્યા મુજબ નવા છટણી રાઉન્ડને આગામી સપ્તાહે આખરી ઓપ આપી શકાય છે. જેઓ આ યોજના તૈયાર કરી રહ્યાં છએ તેઓ કંપનીના સીઈઓ માર્ક ઝૂકેરબર્ગ સમક્ષ તેને તૈયાર કરીને મૂકે તેવી શક્યતાં છે. હાલમાં ઝૂકેરબર્ગ તેના ત્રીજા સંતાનને લઈને પેરન્ટલ રજા પર હોવાનું વર્તુળ જણાવે છે. નવેમ્બરમાં કંપનીએ કરેલી છટણી એક આશ્ચર્ય હતું. જોકે બીજા રાઉન્ડની છટણી મેટાના કર્મચારીઓ તરફથી અપેક્ષિત હતી. ઝૂકેરબર્ગે 2023ને મેટાના ‘યર ઓફ એફિશ્યન્સી’ તરીકે ગણાવ્યું હતું. કંપની ગયા સપ્તાહે પૂરા થયેલાં પર્ફોર્મન્સ રિવ્યૂઝ દરમિયાન કર્મચારીઓને આ થીમથી અવગત કરાવતી રહી હતી. કેલિફોર્નિયામાં મેનલો પાર્ક સ્થિત કર્મચારીઓમાં ઊંચી વ્યાકુળતા જોવા મળી રહી હતી. કેટલાંક કર્મચારીઓએ તો ચાલુ મહિને વિતરીત થનારું બોનસ તેમને મળશે કે કેમ તેને લઈ ચિંતા પણ વ્યક્ત કરી હતી એમ વર્તુળોનું કહેવું છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
CPSE: કેન્દ્રિય જાહેર સાહસો તરફથી સરકારને સતત બીજા વર્ષે રૂ. 50 હજાર કરોડથી વધુનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે. એનએચપીસી તરફથી રૂ. 998 કરોડની રકમ મેળવવા સાથે ચાલુ વર્ષે રૂ. 50 હજાર કરોડનો આંક પાર થયો હતો. સુધારેલા અંદાજમાં સરકારે 2022-23માં જાહેર સાહસો પાસેથી ડિવિડન્ડ પેટે રૂ. 43000નો ટાર્ગેટ બાંધ્યો હતો. જે બજેટમાં નિર્ધારિત રૂ. 40 હજાર કરોડની સરખામણીમાં રૂ. 3 હજાર કરોડ ઊંચો હતો. 2021-22માં કેન્દ્ર સરકારે સીપીએસઈ પાસેથી ડિવિડન્ડ પેટે રૂ. 59 હજાર કરોડ મેળવ્યાં હતાં. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 50,279 કરોડનું ડિવિડન્ડ મળી ચૂક્યું છે.
હીરો મોટોકોર્પઃ વિશ્વમાં સૌથી મોટી બાઈક ઉત્પાદકે કેલિફોર્નિયા સ્થિત ઝીરો મોટરસાઈકલ્સ સાથે પ્રિમિયમ ઈલેક્ટ્રીક મોટરસાઈકલ્સના કો-ડેવલપમેન્ટ માટે અગ્રીમેન્ટ કર્યો છે. આ ડીલ હેઠળ બંને કંપનીઓ એકબીજાની એક્સપર્ટીઝનો ઉપયોગ પાવરટ્રેઈન્સ અને ઈલેક્ટ્રીક મોટરસાઈકલ્સના ડેવલપમેન્ટમાં કરશે. અગાઉ સપ્ટેમ્બર 2022માં હીરો મોટોકોર્પે ઝીરો મોટરસાઈકલ્સમાં 6 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.
ટેલિકોમ ઓપરેટર્સઃ રિલાયન્સ જિઓએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સમાં ઈન્ટરબેન્ડ સ્પેક્ટ્રમ શેરિંગનો વિરોધ કર્યો છે. કંપનીનું કહેવું છે કે તે સ્પર્ધાત્મક્તા વિરોધી છે અને તેને કારણે દેશની તિજોરીને નુકસાન ઉઠાવવાનું બની શકે છે. બીજી બાજુ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ આ પગલાનું સમર્થન કર્યું છે. તેમના મતે આમ કરવાથી સ્પેક્ટ્રલ એફિશ્યન્સીમાં વૃદ્ધિ જોવા મળશે. કંપનીઓએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગના મુદ્દે કન્સલ્ટેશન પેપરના પ્રતિભાવમાં આમ જણાવ્યું હતું.
સન ફાર્માસ્યુટિકલઃ ટોચની ફાર્મા કંપનીએ યુએસ-સ્થિત કોન્સર્ટ ફાર્માસ્યુટિકલ્સની ખરીદીની કામગીરી પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે. કંપનીએ જાન્યુઆરીમાં 57.6 કરોડ ડોલરમાં કન્સર્ટની ખરીદી માટે સાઈન કરી હતી. કન્સર્ટ એક લેટ-સ્ટેજ ક્લિનિકલ બાયોફાર્માસ્યુટિકલ કંપની છે. જેની ખરીદી સન ફાર્માને યુએસ બજારમાં તેની હાજરી મજબૂત બનાવવામાં ઉપયોગી બનશે.
ઓએનજીસીઃ સરકારી જાહેર સાહસ ઓએનજીસી સાથે ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલએનર્જીએ ઓઈલ અને ગેસ એક્સપ્લોરેશન માટે કરાર કર્યો છે. બંને કંપનીઓ ભેગા મળી મહાનદી અને આંદામાન વિસ્તારમાં એક્સપ્લોરેશન હાથ ધરશે. અગાઉ એક્સોનમોબિલ અને શેવરોને પણ આ હેતુથી ઓએનજીસી સાથે હાથ મિલાવ્યાં છે. ઓએએનજીસીના ઉત્પાદનમાં છેલ્લાં વર્ષોમાં સતત ઘટાડાને જોતાં કંપનીએ તેનાથી ચઢિયાતી ટેક્નોલોજી ધરાવતી વિદેશી કંપનીઓ સાથે જોડાણનો માર્ગ અપનાવ્યો છે. કંપની તેમની નિપુણતાનો ઉપયોગ કરી કઠિન રિઝર્વોયરને ખોલવાનો હેતુ ધરાવે છે. જેથી ઉત્પાદન વધારી શકાય.
ઉડ્ડયન કંપનીઓઃ આગામી નાણા વર્ષથી સ્થાનિક ઉડ્ડયન કંપનીઓની ખોટમાં ઘટાડો થશે એમ રેટિંગ એજન્સી ઈકરા જણાવે છે. ડોમેસ્ટીક એર પેસેન્જર ટ્રાફિકમાં ઝડપી વૃદ્ધિને ટાંકીને તે આમ માની રહી છે. ચાલુ નાણાકિય વર્ષમાં ઉદ્યોગ રૂ. 11000 કરોડથી રૂ. 3000 કરોડ રહેવાનો અંદાજ છે. જ્યારે આગામી વર્ષે તે ઘટીને રૂ. 5000-7000 કરોડ રહેશે તેમ મનાય છે.
તાતા રિઅલ્ટીઃ તાતા જૂથની રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીના એમડી અને સીઈઓએ જણાવ્યું છે કે જમીનના ઊંચા ભાવોને કારણે રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટને જાળવી રાખવું કઠિન બની રહ્યું છે. જમીનના ભાવ ઊપરાંત કેપિટલ કોસ્ટ પણ વધી રહી છે. સાથે રેગ્યુલેટરી પડકારો પણ વધ્યાં છે. દેશના અગ્રણી શહેરોમાં કુલ પ્રોજેક્ટ કોસ્ટમાં 80-85 ટકા હિસ્સો જમીનનો હોય છે. જ્યારે પ્રતિષ્ઠિત બિલ્ડર્સ માટે કેપિટલ કોસ્ટ 8.5 ટકા આસપાસ જ્યારે અપ્રતિષ્ઠિત માટે 18-20 ટકા જેટલી ઊંચી હોય છે.