Market Summary 07/04/2023

નિફ્ટી-50 કંપનીઓ વેચાણ-નફામાં દ્વિઅંકી વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં
ચોથા ક્વાર્ટરની પરિણામ સિઝનમાં ઓટો, બીએફએસઆઈ કંપનીઓ વૃદ્ધિના ચાલક બળ બની રહેશે

માર્ચ ક્વાર્ટરની પરિણામ સિઝન શરૂ થવામાં છે ત્યારે નિફ્ટી-50 કંપનીઓ મળીને તેમના વેચાણ અને ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે દ્વિઅંકી ગ્રોથ નોંધાવે તેવી અપેક્ષા છે. તેમની નફાકરક્તા લગભગ સ્થિર રહે તેવી શક્યતાં છે. જો વિવિધ સેક્ટર્સના દેખાવની વાત કરીએ તો ઓટોમોબાઈલ અને બેંકિંગ, ફાનાન્સિયલ સર્વિસિસ એન્ડ ઈન્શ્યોરન્સ(બીએફએસઆઈ) સેક્ટરની પસંદગીની કંપનીઓ સારો દેખાવ દર્શાવી શકે છે. આ ઉપરાંત એફએમસીજી અને હેલ્થકેર કંપનીઓ પણ ઊંચો વૃદ્ધિ દર નોંધાવી શકે છે. નિફ્ટી કંપનીઓની રેવન્યૂ 13.3 ટકા વૃદ્ધિ દર હાંસલ કરે તેવી અપેક્ષા છે. વર્તમાન ક્વાર્ટર કંપનીઓ તરફથી દ્વિ-અંકી વૃદ્ધિ દર્શાવતું નવમુ ક્વાર્ટર બની રહેશે, જોકે ગ્રોથની ઝડપ તમામ ક્વાર્ટર્સમાં નીચી જોવા મળશે. નિફ્ટી કંપનીઓનો પ્રોફિટ ગયા ક્વાર્ટરમાં એક-અંકી વૃદ્ધિ બાદ ચાલુ ક્વાર્ટરમાં 14.1 ટકા વૃદ્ધિ દર દર્શાવે તેવી શક્યતાં જોવામાં આવી રહી છે.
અગ્રણી બ્રોકરેજના ઈક્વિટી સ્ટ્રેટેજી હેડના જણાવ્યા મુજબ માર્ચ ક્વાર્ટર માટે કોર્પોરેટ અર્નિંગ્સ ગ્રોથ તંદુરસ્ત જળવાય રહેવાની અપેક્ષા છે. જેની આગેવાની બીએફએસઆઈ સેક્ટર લેશે. તેમના મતે નિફ્ટી-50 કંપનીઓની વાર્ષિક ધોરણે અર્નિંગ્સ વૃદ્ધિમાં પાંચ કંપનીઓનું યોગદાન 82 ટકા જેટલું ઊંચું જોવા મળી શકે છે. જેમાં બેંકિંગ, ઓટોમોબાઈલ અને ઓઈલ માર્કેટિંગ કંપનીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે સમાનગાળામાં ઊંચા બેઝને કારણે માર્ચ 2023 ક્વાર્ટરમાં વૃદ્ધિ દર ધીમો જોવા મળશે. જોકે સમગ્રતયા, નિફ્ટી કંપનીઓના ચોખ્ખા નફામાં વાર્ષિક 10 ટકા અને ત્રિમાસિક ધોરણે 8 ટકા વૃદ્ધિ જોવા મળી શકે છે એમ તેઓ ઉમેરે છે. માર્ચ 2022 ક્વાર્ટરમાં નિફ્ટી-50 કંપનીઓનો કુલ રેવન્યૂ ગ્રોથ 22.9 ટકા અને નેટ પ્રોફિટ ગ્રોથ 24.5 ટકા જોવા મળ્યો હતો.
માર્ચ 2023 ક્વાર્ટર માટે નિફ્ટી કંપનીઓના ઓપરેટિંગ માર્જિન ત્રિમાસિક ધોરણે 19.4 ટકા પર સ્થિર જોવા મળે તેવી શક્યતાં છે. જોકે, વાર્ષિક ધોરણે તેમાં 20 બેસીસ પોઈન્ટ્સના ઘટાડાની અપેક્ષા રાખવામાં આવે છે. પસંદગીની ઓટોમોબાઈલ અને બીએફએસઆઈ કંપનીઓ માર્જિનમાં સુધારાને સહાય કરે તેમ માનવામાં આવે છે. 2023-24 માટે નિફ્ટી કંપનીઓના અર્નિંગ્સમાં 15 ટકા ગ્રોથની અપેક્ષા છે. જે 2022-23માં 12 ટકાની અપેક્ષા કરતાં ઊંચો છે. ઓટોમોબાઈલ સેક્ટર મજબૂત વોલ્યુમ ગ્રોથ પાછળ દ્વિઅંકી અર્નિંગ્સ ગ્રોથ દર્શાવે તેવી શક્યતાં છે. વેહીકલ્સના ભાવમાં વૃદ્ધિ પણ આ માટે મહત્વનું પરિબળ બનશે. માર્ચ ક્વાર્ટરમાં ટુ-વ્હીલર્સની માગમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે મારુતિ સુઝુકીએ 5.2 લાખ યુનિટ્સનું સૌથી ઊંચું ત્રિમાસિક વેચાણ નોંધાવ્યું હતું. એનાલિસ્ટ્સના મતે નજીકના સમયગાળામાં ઈક્વિટી માર્કેટ રેંજ બાઉન્ડ રહેવાની શક્યતાં છે.
સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ, હાઉસિંગ અને વેહીકલ્સની ક્રેડિટ માગમાં વૃદ્ધિ પાછળ બીએફએસઆઈ સેગમેન્ટ સારો દેખાવ જાળવે તેવી શક્યતાં છે. સમગ્રતયા ક્રેડિટ ગ્રોથ દ્વિ-અંકી જળવાય રહેવાની શક્યતાં છે. બેંક્સ તરફથી લોન્સના રિપ્રાઈસિંગ પાછળ નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં સુધારાની શક્યતાં છે. સાથે ક્રેડિટ ક્વોલિટીમાં સુધારો એક અન્ય લાભ બની રહેશે. મોટાભાગની નિફ્ટી-50 બેંક્સ અને એનબીએફસી કંપનીઓ નેટ પ્રોફિટમાં દ્વિ-અંકી વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે.

પાંચ સત્રોની તેજીમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. 10.43 લાખ કરોડનો ઉછાળો
બીએસઈનું માર્કેટ-કેપ 29 માર્ચથી 6 એપ્રિલ સુધીમાં ઉછળી રૂ. 262.37 લાખ કરોડ પર નોંધાયું

શેરબજારમાં પ્રમાણમાં ટૂંકા એવા ચાલુ સપ્તાહે પોઝીટીવ ટોન જળવાયેલો જોવા મળ્યો હતો. 29 માર્ચથી 6 એપ્રિલ દરમિયાનના પાંચ સત્રોમાં માર્કેટમાં તેજી પાછળ રોકાણકારોની વેલ્થમાં રૂ. 10.43 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ હતી. બીએસઈ ખાતે માર્કેટ-કેપ વધી રૂ. 262.37 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. ગયા સપ્તાહે રામનવમીની રજા પછી ચાલુ સપ્તાહે પણ મહાવીર જયંતિ અને ગુડ ફ્રાઈડે નિમિત્તે માર્કેટમાં રજા જોવા હતી. જોકે પાંચ-સત્રોમાં બીએસઈ સેન્સેક્સ 2219.25 પોઈન્ટ્સ અથવા 3.85 ટકા સુધર્યો હતો. જે નવા કેલેન્ડરમાં તેનો સૌથી મોટો સુધારો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી પોઝીટીવ ફંડ ફ્લો અને વૈશ્વિક શેરબજારોમાં સુધારા પાછળ સ્થાનિક બજારમાં મજબૂતી જોવા મળી હતી. સતત બીજા સપ્તાહે ભારતીય બજારમાં સુધારો જળવાયો હતો. નોંધપાત્ર સમયથી અન્ડરપર્ફોર્મન્સ પછી માર્કેટમાં બાઉન્સ ટક્યો હતો. માર્કેટમાં વેલ્યૂએશન કમ્ફર્ટેબલ બનતાં લોંગ-ટર્મ રોકાણકારોની ખરીદી નીકળી હોવાનું પણ બજાર વર્તુળો જણાવી રહ્યાં છે. ગુરુવારે આરબીઆઈ તરફથી રેટને સ્થિર જાળવી રાખી પોઝીટીવ સરપ્રાઈઝ આપવામાં આવી હતી. જેણે પણ બજારને રાહત આપી હતી એમ એનાલિસ્ટ માને છે. જોકે, આરબીઆઈ તરફથી રેટમાં સ્થિરતાને એ વિરામ ગણાવાયો હતો અને ભવિષ્યમાં ઈન્ફ્લેશનનો ડેટા જોઈને તે રેટમાં ફેરફાર કરી શકે છે. એક ફંડ મેનેજરના જણાવ્યા મુજબ ઈક્વિટી માર્કેટ્સ એક નોંધપાત્ર કોન્સોલિડેશનમાં જળવાયું છે. ઈન્ટરેસ્ટ રેટની ટોચ બનવામાં હોવાથી બજારમાં તેજીના નવા તબક્કાની શરૂઆત થઈ શકે છે.

સેબીએ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા નિયમો ઘડ્યાં
બજાર એનાલિસ્ટસ કે ઈન્વેસ્ટમેન્ટ એડવાઝર જાહેરાતમાં ‘બેસ્ટ’, ‘નંબર.1’, ‘ટોપ’ સહિતના શબ્દોનો ઉપયોગ નહિ કરે શકે

માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ અને એનાલિસ્ટ્સ પર ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી અટકાવવા માટે કેટલાંક નિયમો ઘડી કાઢ્યાં છે. જે તેમને રોકાણ માટે લલચાવતી તથ્યથી વિપરીત જાહેરાતોથી દૂર રાખશે. સેબીના નવા સર્ક્યુલર મુજબ માર્કેટ એનાલિસ્ટ્સ હવેથી ‘બેસ્ટ’, ‘નંબર.1’, ‘ટોપ’ સહિતના શબ્દોનો ઉપયોગ નહિ કરી શકશે નહિ.
આ ઉપરાંત ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ અને રિસર્ચ એનાલિસ્ટ્સને કોઈપણ એડવર્ટાઈઝમેન્ટ માટે તેને જાહેરમાં રજૂ કરતાં અગાઉ સેબીની માન્યતા ધરાવતાં સુપરવાઈઝરી બોર્ડ તરફથી આગોતરી મંજૂરી મેળવવાની રહેશે. સેબી તરફથી આમ કરવા પાછળ સોશ્યલ મિડિયામાં કેટલીક કંપનીઓ તરફથી ખોટી રીતે કરવામાં આવી રહેલા દાવાઓ પાછળ જોવા મળતી સંખ્યાબંધ ફરિયાદો જવાબદાર હોવાનું વર્તુળો જણાવે છે. આવી કંપનીઓ રોકાણકારોને ખોટી રીતે ઊંચા રિટર્નની ખાતરી આપી ફસાવતી હોવાના કિસ્સાઓ પણ જોવા મળ્યાં છે. માર્કેટ વોચડોગે શું કરવું અને શું ના કરવાની એક લાંબી યાદી સાથે એડિશ્નલ કોમ્પ્લાયન્સ જરૂરિયાતો પણ જાહેર કરી છે. જેમાં એડવર્ટાઈઝમેન્ટની કોપીને પાંચ વર્ષ સુધી જાળવી રાખવાનો પણ સમાવેશ થાય છે. તેમજ જાહેરાતમાં ભૂતકાળના દેખાવનો ઉલ્લેખ કરવાથી દૂર રહેવાની બાબત સામેલ છે. રજિસ્ટર્ડ કંપનીઓને ગેમ્સ, લીગ્સ, સ્પર્ધા અથવા ગિફ્ટ, મેડવ્સ અથવા પ્રાઈઝ મની ધરાવતી સ્કિમ્સમાં નહિ સંડોવાવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. રોકાણકારોના નાણાની સુરક્ષા માટે કોઈપણ પ્રકારની ધારણાઓ કે અંદાજોથી દૂર રહેવાનું સૂચન પણ કરાયું છે. આ ઉપરાંત માર્કેટ એનાલિસ્ટ્સને લંબાણપૂર્વક કે વધુ પડતી ટેકનિકલ ટર્મિનોલોજી અથવા જટિલ ભાષાનો ઉપયોગ કરવાથી દૂર રહેવા જણાવાયું છે. આમ કરીને રોકાણકારોમાં જ્ઞાનના તથા અનુભવના અભાવનું શોષણ કરી શકાય છે એમ સેબીનું માનવું છે. રેગ્યુલેટરે અન્યોને નીચા દેખાડતી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ટિપ્પણીથી પણ દૂર રહેવા જણાવ્યું છે.

શેરબજારમાં ડિલિવરી બેઝ વોલ્યુમ વધીને 28-મહિનાની ટોચે પહોંચ્યું
ઊંચા માર્જિનની અસરે માર્ચમાં એનએસઈ અને બીએસઈ ડિલિવરી વોલ્યુમ 48.6 ટકા પર નોંધાયું
દેશના બે શેરબજારો એનએસઈ અને બીએસઈ ખાતે મંથલી ડિલિવરી વોલ્યુમમાં વૃદ્ધિ જોવા મળી છે. માર્ચ 2023માં બંને પ્લેટફોર્મ્સ ખાતે ડિલિવરી વોલ્યુમ વધીને 48.6 ટકા પર પહોંચ્યું હતું. જે છેલ્લાં 28-મહિનામાં સૌથી ઊંચું હતું.
શેરબજારમાં લોંગ-ટર્મ ડિલિવરી વોલ્યુમ 41.2 ટકા પર જોવા મળે છે. ઊંચા ડિલિવરી વોલ્યુમનો અર્થ લોંગ-ટર્મ ઈન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ એમ માનવામાં આવે છે. એક્સચેન્જિસ તરફથી નિયમોને વધુ સખત બનાવી ઊઁચા માર્જિન લાગુ પાડવામાં આવતાં આમ બન્યું હોવાનું માર્કેટ નિરીક્ષકોનું કહેવું છે. છેલ્લાં 10-વર્ષોની વાત કરીએ તો માત્ર 19-મહિનાઓ દરમિયાન જ ડિલીવરીની ટકાવારી 48 ટકાથી ઊંચી જોવા મળી છે. જેમાં મે 2015 દરમિયાન 55 ટકા સાથે સૌથી ઊંચી ડિલિવરી નોંધાઈ હતી. ડિલીવરીનું ઊંચું હોવું એ બજારમાં ખરીદારનો રસ સૂચવે છે. ઊંચી ડિલીવરીનો અર્થ ટૂંકાગાળાથી દૂર રોકાણકાર ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટીથી બજારમાં પ્રવેશ્યો છે એમ મનાય છે. ડિસેમ્બર 2022માં ડિલીવરી વોલ્યુમ માત્ર 33 ટકા પર જોવા મળ્યાં હતાં. જ્યારબાદ ડિલિવરી બેઝ વોલ્યુમમાં વૃદ્ધિ થતી રહી છે. ડિસેમ્બર 2022 અને માર્ચ 2023 દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટી-50માં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
બીજી બાજુ, સમાનગાળામાં એક્સચેન્જિસ પર ટ્રેડ્સની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. એનએસઈ ખાતે માર્ચ દરમિયાન 37.7 કરોડ ટ્રેડ્સ નોંધાયો હતો. જે નવ-મહિનાના તળિયા પર હતાં. છેલ્લાં એક વર્ષની સરેરાશ જોઈએ તો એનએસઈ ખાતે 39.9 કરોડ ટ્રેડ્સ નોંધાયા હતાં. સરેરાશ ટ્રેડ સાઈઝની વાત કરીએ તો તેમાં પણ ઘટાડો નોંધાયો હતો અને નવેમ્બર 2021માં રૂ. 38895 કરોડની ટોચ પરથી ઘટી રૂ. 27,280 કરોડ પર રહી હતી. જે એક્સચેન્જિસ ખાતે નીચી ટ્રેડિંગ કામગીરી સૂચવે છે. એક્સચેન્જિસ તરફથી માર્જિનમાં વૃદ્ધિને કારણે સ્પેક્યુલેટીવ ટ્રેડિંગ પર અસર પડી છે. ડિલીવરીઝ બાજુએ વાત કરીએ તો લોંગ ઈન્ડેક્સ કોન્ટ્રેક્ટ્સ પર નોન-ઈન્સ્ટિટ્યુશ્નલ ઓપન ઈન્ટરેસ્ટ્સ 37 ટકા ગગડી 2.6 લાખ કોન્ટ્રેક્ટસ પર જોવા મળ્યું હતું. જે સૂચવે છે કે રોકાણકારોમાં બજારમાંથી રિટર્ન સંબંધી અપેક્ષામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેથી કેટલોક વર્ગ માર્કેટને બાજુમાં રહીને જોવાનું પસંદ કરી રહ્યો છે. જેની સીધી અસર માર્કેટમાં લિક્વિડીટી પર પડી રહી છે. કદાચ તે જ કારણથી ડિલિવરી બેઝ વોલ્યુમમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

માર્ચ ક્વાર્ટરમાં રૂ. 12.3 લાખ કરોડ સાથે નવા પ્રોજેક્ટ્સમાં વિક્રમી વૃદ્ધિ
મોટા ઓર્ડર્સ પાછળ નવા પ્રોજેક્ટ્સના મૂલ્યમાં 42.6 ટકા વૃદ્ધિ નોંધાઈ

કેટલાંક ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઊંચા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સને કારણે 2022-23ના આખરી એવા માર્ચ ક્વાર્ટરમાં નવા પ્રોજેક્ટ્સમાં વિક્રમી ઉછાળો નોંધાયો હતો. 31 માર્ચે પૂરાં થતાં ક્વાર્ટર દરમિયાન નવા પ્રોજેક્ટ્સની સંખ્યા ઉછળીને રૂ. 12.3 લાખ રોડ પર પહોંચી હતી. જે છેલ્લાં બે ક્વાર્ટર્સમાં જોવા મળતી સંયુક્ત રકમ કરતાં પણ વધુ હતી એમ સેન્ટર ફોર મોનીટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના કેપિટલ એક્સપેન્ડિચર ડેટા સૂચવે છે.
ગયા ક્વાર્ટર દરમિયાન વાર્ષિક ધોરણે નવા પ્રોજેક્ટ્સની સંખ્યા વાર્ષિક ધોરણે 42.6 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જે 2021-22ના સમાનગાળામાં રૂ. 8.64 લાખ કરોડ પર જોવા મળી હતી. જ્યારે ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરની વાત કરીએ તો રૂ. 6.9 લાખ કરોડના નવા પ્રોજેક્ટ્સ સામે તે 78 ટકાની ઊંચી વૃદ્ધિ સૂચવતી હતી. માર્ચ ક્વાર્ટરમાં તીવ્ર વૃદ્ધિનું કારણ કેટલાંક ક્ષેત્રોમાં લાર્જ ઓર્ડર્સનું કારણભૂત હોવું માનવામાં આવે છે. વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિમાં ઘટાડાની આશંકા વચ્ચે પ્રાઈવેટ સેક્ટર તરફથી કેપેક્સને લઈ વધુ સાવચેત અભિગમ દાખવવામાં આવી રહ્યો હોવા છતાં નવા પ્રોજેક્ટ્સ મૂલ્યમાં વૃદ્ધિ થોડું આશ્ચર્ય સર્જી રહી છે. નવા પ્રોજેક્ટ્સમાં સરકારી રોડ પ્રોજેક્ટ્સ તથા ફેક્ટરીની સ્થાપના કરી રહેલી કંપનીઓનો સમાવેશ થાય છે. તેમજ ક્ષમતા વિસ્તરણ કરી રહેલી કંપનીનો પણ તેમાં સમાવેશ થાય છે. જેને કારણે પ્રોજેક્ટ મૂલ્ય ઉછળ્યું છે.
ટોચની પીએસયૂ બેંક સાથે જોડાયેલા અર્થશાસ્ત્રીના મતે માર્ચ ક્વાર્ટરમાં નવા પ્રોજેક્ટ્સના આંકડાએ અગાઉ 2009માં જોવા મળેલા વિક્રમી રૂ. 10 લાખ કરોડના આંકને પાર કર્યો છે. ટ્રાન્સપોર્ટ સેક્ટર તરફથી રૂ. 7.5 લાખ કરોડના ઓર્ડર પાછળ આમ નોંધાયું છે એમ તેઓ ઉમેરે છે. દેશના સર્વિસ સેક્ટરમાં સતત 20મા મહિને વિસ્તરણ જોવા મળી રહ્યું છે. જ્યારે મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં પીએલઆઈ જેવી સ્કિમ્સની પાછળ નવા રોકાણ આવી રહ્યાં છે. જે કેપેક્સમાં વૃદ્ધિ કરી રહ્યાં છે. છેલ્લાં ઘણા વર્ષોથી કેપેક્સ સાઈકલ મંદી દર્શાવી રહી હતી. તેમાં સુધારો જોવા મળી રહ્યો છે. આરબીઆઈ તરફથી રેટ વૃદ્ધિમાં પોઝને જોતાં આગામી ક્વાર્ટર્સમાં તેમાં ઓર સુધારો નોંધાય તેવી અપેક્ષા અર્થશાસ્ત્રીઓ રાખી રહ્યાં છે. જોકે, વૈશ્વિક અને સ્થાનિક વપરાશમાં ઘટાડો કંપનીઓ માટે ચિંતાજનક બની રહ્યો છે. જોકે હાલમાં દેશમાં ઓવર કેપેસિટીની સ્થિતિ નહિવત છે અને તેથી મધ્યમસરના વૃદ્ધિ દરમાં પણ નવું ક્ષમતા વિસ્તરણ જરૂરી બનશે એમ વર્તુળોનું કહેવું છે.

બેંક્સના 2022-23માં ટિયર-ટુ બોન્ડ ઈસ્યુમાં સાડા ત્રણ ગણી વૃદ્ધિ
ગયા નાણા વર્ષ દરમિયાન બેંકોએ ટિયર-ટુ કેપિટલ સ્વરૂપે રૂ. 59600 કરોડ ઊભા કર્યાં

કમર્સિયલ બેંક્સ તરફથી 2022-23માં ટિયર-2 બોન્ડ ઈસ્યુમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. ગયા નાણા વર્ષે તેમણે વાર્ષિક ધોરણે 3.5 ગણી વૃદ્ધિ દર્શાવવા સાથે ટિયર-2 બોન્ડ્સ મારફતે રૂ. 59,600 કરોડ ઊભાં કર્યાં હતાં. જેમાં દેશમાં સૌથી મોટા ખાનગી લેન્ડર એચડીએફસી બેંકે રૂ. 20 હજાર કરોડ ઊભાં કર્યાં હતં. જ્યારે દેશના સૌથી મોટા લેન્ડર એસબીઆઈએ પણ ટિયર-2 બોન્ડ્સ મારફતે રૂ. 13,718 કરોડ ઈસ્યુ કર્યાં હતાં. જ્યારે ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંક એક્સિસે રૂ. 12000 કરોડ ઊભાં કર્યાં હતાં એમ બ્રોકરેજ હાઉસનો રિપોર્ટ સૂચવે છે.
વ્યાજ દરમાં સતત વૃદ્ધિ સાથે ટિયર-2 તેમજ ટિયર-1 બોન્ડ્સ પર કૂપન રેટમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. આરબીઆઈએ વર્ષ દરમિયાન રેપો રેટમાં 2.5 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. તેને પરિણામે માર્કેટમાં લિક્વિડીટી ટાઈટનીંગ જોવા મળી હતી. ટિયર-2 બોન્ડ્સ જોકે એડિશ્નલ ટિયર-1 બોન્ડ્સના કૂપન રેટની સરખામણીમાં સસ્તાં જોવા મળ્યાં હતાં. ટિયર 2 બોન્ડ્સ માટે કૂપન રેટ એડિશ્નલ ટિયર-1 ઈન્સ્ટ્રુમેન્ટ્સ કરતાં લગભગ 100 બેસીસ પોઈન્ટ્સ સસ્તાં જોવા મળ્યાં હતાં. જેઓ નીચું રેટિંગ ધરાવતાં હતાં તેમના માટે એટીવન બોન્ડ્સનું વેચાણ કઠિન બન્યું હતું. રેટેડ બેસલ-3 કોમ્પ્લાયન્ટ ટિયર-1 અને ટિયર-2 ઈન્સ્ટ્રુમેન્ટ્સ હાઈબ્રીડ સબઓર્ડિનેટેડ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ છે. જેઓ ઈક્વિટીની જેમ લોસ-એબ્સોર્પ્શન ફિચર્સ ધરાવે છે. પરંપરાગત ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સની સરખામણીમાં આવા ફિચર્સ નુકસાનની ઊંચી તીવ્રતા ધરાવે છે.

યુએસ સ્થિત કંપનીઓએ માર્ચ ક્વાર્ટરમાં 2.7 લાખની છટણી કરી
વાર્ષિક ધોરણે કંપનીઓએ જોબ કટમાં 400 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવી
યુએસ સ્થિત ટેક્નોલોજી કંપનીઓની આગેવાનીમાં જાન્યુઆરીથી માર્ચ સુધીના કેલેન્ડરના પ્રથમ ક્વાર્ટરમાં કુલ 2.70,416 જોબ્સમાં કાપ મૂકવામાં આવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 55,696 જોબ કાપ સામે 396 ટકાની તીવ્ર વૃદ્ધિ સૂચવી રહ્યો છે એમ એક રિપોર્ટ નોંધે છે.
માત્ર માર્ચ મહિનામાં જ કંપનીઓએ 89,703 કર્મચારીઓની છટણી કરી હતી. જે ફેબ્રુઆરીમાં 77,770 જણાની છટણી કરતાં 15 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી એમ રિપોર્ટ જણાવે છે. માર્ચ 2022માં 21,387 જોબ કાપ સામે તે વાર્ષિક ધોરણે 319 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ચાલુ વર્ષે માર્ચમાં સતત ત્રીજીવાર જોબ કાપમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ નોંધાઈ હતી. રિપોર્ટ મુજબ કંપનીઓ 2023ને ખૂબ સાવચેતી સાથે જોઈ રહી છે. અર્થતંત્રમાં હજુ પણ નવી જોબ્સ ઊભી થઈ રહી છે. ફેડ તરફથી રેટ વૃદ્ધિ ચાલુ રહેવાથી અને કંપનીઓ ખર્ચમાં ઘટાડો કરી રહી હોવાના કારણે મોટાપાયે છટણીઓ જોવા મળી રહી છે અને તે આગળ પણ જળવાય રહેવાની શક્યતાં છે એમ ગ્રે એન્ડ ક્રિસમસના ચેલેન્જરના વાઈસ પ્રેસિડેન્ટ જણાવે છે.
જોબ કાપની બાબતમાં ટેક્નોલોજી સેક્ટરે આગેવાની લીધી છે. જોકે તમામ ઉદ્યોગોમાં ટેક્નોલોજી સંબંધી ટેલેન્ટની માગ ઊંચી જોવા મળી રહી છે. કુલ જોબ કાપમાં 38 ટકા ઘટાડો ટેક સેક્ટરમાંથી છે એમ રિપોર્ટ જણાવે છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ટેક્નોલોજી કંપનીઓએ 1,02,391 જોબ કાપની જાહેરાત કરી છે. જે 2022ના પ્રથમ ક્વાર્ટરમાં ટેક્નોલોજી કંપનીઓ તરફથી જાહેર કરવામાં આવેલા 267 જોબ ઘટાડામાં 38,487 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 2022માં જોવા મળેલી કુલ 97,171 વાર્ષિક જોબ કાપની સરખામણીમાં તે 5 ટકા વધુ છે. તે 2001માં સેક્ટર તરફથી કરવામાં આવેલી સૌથી ઊંચા વાર્ષિક જોબ કાપને પાર કરવામાં છે. કેલેન્ડર 2001માં નોકરીમાં 97,171 જેટલો ઘટાડો કર્યો હતો. ચાલુ વર્ષ સિવાય માત્ર 2001માં જ ટેક કંપનીઓએ આટલો મોટો જોબ કાપ મૂક્યો હતો. જ્યારે તેમણે 1,68,395 જોબ્સ ઘટાડી હતી. 2002માં તેમણે 1,31,294 ટેક જોબ કાપ કર્યો હતો એમ રિપોર્ટ જણાવે છે. ટેક્નોલોજી પછી જોબ ઘટાડો કરવામાં ફાઈનાન્સિયલ કંપનીઓનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે તેમણે 30,635 જોબ્સનો ઘટાડો કર્યો છે. જે 2022ના પ્રથમ ક્વાર્ટરમાં જોવા મળતાં 5903 જોબ કાપ સામે 419 ટકા વૃદ્ધિ સૂચવે છે. 2023ના પ્રથમ ક્વાર્ટરમાં હેલ્થકેર, પ્રોડક્ટ્સ કંપનીઓ અને મેન્યૂફેક્ચરિંગ તરફથી પ્રથમ ક્વાર્ટરમાં 22,950 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 13,923 જોબ્સ કાપની જાહેરાત સામે 65 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા મહિને મિડિયા ઉદ્યોગમાં 582 જોબ કાપ જોવા મળ્યાં હતાં. જ્યારે કુલ 10,320 જોબ કાપ નોંધાયાં હતાં. જેમાં 1438 જોબ્સ ડિજીટલ, બ્રોડકાસ્ટ અને પ્રિન્ટ મિડિયામાંથી હતી. માર્ચ 2023માં હાયરિંગ પ્લાન્સ છેલ્લાં આંઠ વર્ષોના તળિયે જોવા મળ્યાં છે. ગયા મહિને 9044 હાયરિંગ નોંધાયા હતાં. જે માર્ચ 2015માં 6412 પછી સૌથી નીચું હતું. ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં યુએસ એમ્પ્લોયર્સે 70,638 હાયરિંગની જાહેરાત કરી છે. જે 2016ના પ્રથમ ક્વાર્ટરમાં જોવા મળેલા 26,898 હાયરિંગ્સ પછીની સૌથી નીચી છે.

અદાણી ગ્રીનને લોંગ ટર્મ એડિશ્નલ સર્વેલન્સ ફર્સ્ટ સ્ટેજમાં ખસેડાશે
એનએસઈ અને બીએસઈએ અધિક સર્વેલન્સ પગલાંના ભાગરૂપે 10 એપ્રિલથી અદાણી ગ્રીન એનર્જીને લોંગ ટર્મ એડિશ્નલ સર્વેલન્સ ફર્સ્ટ સ્ટેજમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. 28 માર્ચે બંને એક્સચેન્જિસે અદાણી ગ્રીનને લોંગ ટર્મ એડિશ્નલ સર્વેલન્સના બીજા સ્ટેજ હેઠળ મૂકી હતી. બે અલગ સર્ક્યુલર્સમાં શેરબજારોએ કહ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જી ફ્રેમવર્કમાં ચાલુ રહેશે. જોકે 10 એપ્રિલથી તે સંબંધિત લોઅર સ્ટેજમાં ખસેડાશે. કોઈપણ શેરને એએસએમ ફ્રેમવર્ક હેઠળ લઈ જવા માટેના માપદંડોમાં હાઈ-લો વેરિએશન, ક્લાયન્ટ કોન્સન્ટ્રેશન, પ્રાઈસ બેન્ડમાં બંધ રહેવાની સંખ્યા, ક્લોઝ-ટુ-ક્લોઝ પ્રાઈસ વેરિએશન અને પ્રાઈસ અર્નિંગ રેશિયોનો સમાવેશ થાય છે. જાન્યુઆરીની આખરમાં હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી અદાણી શેર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેના ભાગરૂપે કેટલીક કંપનીઓએને એએસએમ ફ્રેમવર્કમાં દાખલ કરવામાં આવી હતી.

TCS, ઈન્ફોસિસ અને વિપ્રો તરફથી વેરિએબલ પેમાં ઘટાડાની અપેક્ષા
ભારતીય આઈટી કંપનીઓ માટે આગામી અર્નિંગ્સ સિઝન એક લિટમસ પરીક્ષા બની રહે તેવી શક્યતાં છે. કંપનીઓ તરફથી માર્ચ ક્વાર્ટરના પરિણામો કેવા રહે છે તેને આધારે તેમના તરફથી હાયરિંગ, ફ્રેશર ઓનબોર્ડિંગ, વેરિએબલ પેઆઉટ્સ જેવી બાબતો નિર્ધારિત થશે એમ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં 2022-23માં હાયરિંગ અને વેરિએબલ પેઆઉટ્સ અગાઉના વર્ષની સરખામણીમાં સુસ્ત જોવા મળ્યાં છે. નિષ્ણાતો આગામી સમયગાળામાં પણ આ ટ્રેન્ડ જળવાય રહે તેવી અપેક્ષા રાખી રહ્યાં છે. એક એચઆર કંપનીના એસોસિએટના જણાવ્યા મુજબ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં વેરિએબલ પેઆઉટ્સ મંદ જોવા મળશે. તેમના મતે નીચું વેતન ધરાવતાં કર્મચારીઓ પર તેની અસર ઓછી જોવા મળે. જ્યારે મધ્યમથી ઊંચાં લેવલ પર આવેલા કર્મચારીઓ માટે નોંધપાત્ર ઘટાડો સંભવ છે. તેમના બિઝનેસ યુનિટના પર્ફોર્મન્સને આધારે તેમને વેરિએબલ પે ચૂકવવામાં આવશે એમ તેઓ માને છે.

M&M ફાઈ. સર્વિસિઝ પર RBIની 6.77 કરોડની પેનલ્ટી
કંપની ફેર પ્રેકટિસના પાલનમાં નિષ્ફળ જવાથી બેંક રેગ્યુલેટરે લાગુ પાડેલી પેનલ્ટી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસિઝ પર બોરોઅર્સને ઈન્ટરેસ્ટ રેટ્સ સંબંધી ડિસ્ક્લોઝર્સના નોન-કોમ્પ્લાયન્સ બદલ રૂ. 6.77 કરોડની પેનલ્ટી ફટકારી છે. કંપનીએ બોરોઅર્સને લોન મંજૂરીના સમયે ઈન્ટરેસ્ટની માહિતી નહિ આપવા બદલ સેન્ટ્રલ બેંકે ગુરુવારે આ પેનલ્ટી લાગુ પાડી હતી. બેંકિંગ રેગ્યુલેટરના જણાવ્યા મુજબ તેણે 5 એપ્રિલે એનબીએફસી પર ફેર પ્રેકટિસિસ સંબંધી નિર્દેશોના પાલનમાં નિષ્ફળ જવા બદલ આ દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ 31 માર્ચ, 2019 અને 31 માર્ચ 2020 દરમિયાન કંપનીની ફાઈનાન્સિલ પોઝીશનના સંદર્ભમાં સ્ટેચ્યુટરી ઈન્સપેક્શન હાથ ધર્યું હતું. જેમાં રિસ્ક એસેટમેન્ટ રિપોર્ટ, ઈન્સ્પેક્શન રિપોર્ટ્સ અને તેને સંબંધી તમામ કોરસ્પોન્ડિંગમાં આરબીઆઈની ફેર પ્રેકટિસિસ સંબંધી માર્ગદર્શિકાઓનો ભંગ થતો જોવા મળ્યો હતો એમ આરબીઆઈએ જણાવ્યું છે. ગુરુવારે એમએન્ડએમ ફાઈનાન્સિયલ સર્વિસિઝનો શેર 5 ટકા તૂટી રૂ. 252 પર બંધ રહ્યો હતો. એક અન્ય કિસ્સામાં આરબીઆઈએ કેવાયસી નિયમોના ભંગ બદલ ઈન્ડિયન બેંક પર રૂ. 55 લાખનો દંડ ફટકાર્યો હતો. આરબીઆઈએ જુલાઈ-2020માં બેંક તરફથી નોંધવામાં આવેલા એક હાઈ-વેલ્યૂ ફ્રોડની તપાસમાં આ માલૂમ કર્યું હતું. આ સિવાય મૂથુત મની લિમિટેડ પર પણ એનબી
એફસીમાં મોનિટરીંગ ઓફ ફ્રોડ્સની કેટલીક જોગવાઈઓના પાલનના ભંગ બદલ રૂ. 10.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રિલાયન્સ કેપિટલની રેઝોલ્યુશન પ્રક્રિયાની ડેડલાઈન વધુ લંબાવવામાં આવે તેવી શક્યતાં
અગાઉ નિર્ધારિત કર્યા મુજબ રેઝોલ્યુશન પ્રક્રિયાની ડેડલાઈન 16 એપ્રિલે પૂરી થાય છે

એડીએજી જૂથની નાદાર કંપની રિલાયન્સ કેપિટલની રેઝોલ્યુશન પ્રક્રિયાને પૂરી કરવા માટેની ડેડલાઈનને મે મહિનાની આખર સુધી લંબાવવામાં આવે તેવી શક્યતાં છે. કંપનીની એસેટ ખરીદી માટે એક બીડર લિટીગેશનમાં જવાથી આમ બનશે. કંપનીની રેઝોલ્યુશન પ્રોસેસ માટેની ડેડલાઈન 16 એપ્રિલે પૂરી થાય છે. નાદાર કંપની માટે ઓક્શનનો બીજો રાઉન્ડ 11 એપ્રિલના રોજ આયોજવામાં આવ્યો છે. જેને પણ વધુ એક સપ્તાહ માટે પાછું ઠેલવામાં આવે તેવી શક્યતાં છે. કંપનીની ખરીદીમાં રસ ધરાવતાં ત્રણ બીડર્સ ટોરેન્ટ, હિંદુજા અને ઓકટ્રી હજુ પણ કમિટિ ઓફ ક્રેડિટર્સ સાથે કેટલીક બાબતોને લઈને વાતચીત ચલાવી રહ્યાં છે. બીડર્સ ઓક્શનના બીજા રાઉન્ડને લઈ સીઓસી પાસેથી વધુ પારદર્શિતા ઈચ્છી રહ્યાં છે. તેમજ તેમણે લંબાવેલા ચેલેન્જ મિકેનીઝમ માટે અલગ ઈ-પોર્ટલ રચવામાં આવે તેવી માગણી પણ કરી છે. 21 ડિસેમ્બર 2022ના રોજ યોજાયેલા પ્રથમ રાઉન્ડમાં ટોરેન્ટ રૂ. 8650 કરોડની ઓફર સાથે સૌથી મોટા બીડર તરીકે ઊભરી હતી. જોકે, ઓક્શન પૂરું થયા પછી સીઓસીએ એસેટ્સના મૂલ્યના મેક્સિમાઈઝેશન માટે બીજું ઓક્શન યોજ્યું હતું. જેણે ટોરેન્ટને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પાડી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

ઓએનજીસીઃ પીએસયૂ હાઈડ્રોકાર્બન ઉત્પાદક કંપનીની સબસિડિયરી ઓએનડીસી વિદેશ લિમિટેડ સુદાન સરકાર સામે 19 કરોડ ડોલરનો આર્બિટ્રેશન રકમ જીતી ગઈ છે. કંપનીને ઓઈલ અને પાઈપલાઈન માટેના પેમેન્ટને લઈને ચાલી રહેલા વિવાદ પેટે આ રકમ મળી છે. ઓવીએલે સુદાન સરકારને પેમેન્ટ્સની માગણી કરતી નોટિસ પણ પાઠવી છે. કંપનીએ પાંચ વર્ષ અગાઉ આર્બિટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી.
વેદાંતઃ વેદાંત રિસોર્સિસની પેટા પની ઝીંક ઈન્ટરનેશનલ વૈશ્વિક બેંકિંગ કંપનીઓ પાસેથી 1.25 અબજ ડોલર ઊભા કરવા માટે વાતચીત ચલાવી રહી છે. આમાં ફારાલોન કેપિટલ મેનેજમેન્ટનો પણ સમાવેશ થાય છે. લોન માટે ભારતમાં લિસ્ટેડ વેદાંતા તરફથી ગેરંટીની જરૂર રહેશે. આ માટે ભારતીય બેંક રેગ્યુલેટર તરફથી મંજૂરી અનિવાર્ય છે.
મેક્રોટેક ડેવલપર્સઃ રિઅલ્ટી કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 3025 કરોડનું પ્રિ-સેલ્સ નોંધાવ્યું છે. જે નાણા વર્ષ 2022-23 માટે રૂ. 12064 કરોડનું સૌથી ઊંચું પ્રિ-સેલ્સ દર્શાવે છે. જે વાર્ષિક ધોરણે 34 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપની રૂ. 11,500 કરોડના સમગ્ર વર્ષ માટેના ગાઈડન્સને પાર કરી ગઈ છે. કંપનીએ ગયા નાણા વર્ષે રૂ. 971 કરોડનું ડેટ રિપેમેન્ટ કર્યું હતું.
જેએસપીએલઃ જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના પ્રમોટર્સે કંપનીના શેર્સ પ્લેજ કરીને લીધેલી લોનનું પુનઃ ચૂવું કરી દીધું છે. ત્રણ પ્રમોટર્સ કંપનીએ શેર્સ પ્લેજ મારફતે ઓક્ટોબર 2018માં રૂ. 1140 કરોડની લોન મેળવી હતી. ડિસેમ્બર આખરમાં આ કંપનીઓ પાસે જેએસપીએલનો 38 ટકા હિસ્સો રહેલો હતો.
વાઈસરોય હોટેલ્સઃ બેંગલૂરું સ્થિત હોટેલ કંપનીના રેઝોલ્યુશન પ્લાન માટે બે કંપનીઓએ બીડીંગ કર્યું છે. જેમાં મલ્ટિ-બિઝનેસ કંપની ધર્મપાલ સત્યપાલ ગ્રૂપ અને રિઅલ એસ્ટેટ પની સાલાપુરિયા ગ્રૂપનો સમાવેશ થાય છે. વાઈસરોય હોટેલ્સ રૂ. 1000 કરોડનું ડેટ ધરાવે છે.
ટાઈટન કંપનીઃ તાતા જૂથ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રેવન્યૂમાં 25 ટકા વૃદ્ધિ દર્શાવી છે. કંપનીએ વોચિસ અને વેરેબલ્સના ઊંચા યોગદાન પાછળ નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. કંપનીના જ્વેલરી ડિવિઝને પણ 23 ટકા વૃદ્ધિ દર હાંસલ કર્યો છે.
ટીટીકે હેલ્થકેરઃ ચેન્નાઈ સ્થિત લિસ્ટેડ કંપની શેરના ડિલિસ્ટીંગની જાહેરાત કરી છે. જેમાં કંપનીના પ્રમોટર્સે પબ્લિક શેરધારકો પાસે રહેલા તમામ ઈક્વિટી શેર્સ ખરીદી લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ માટે કંપનીએ 20 એપ્રિલે બોર્ડ મિટિંગ યોજી છે. જેમાં ડિલિસ્ટીંગ સહિત અન્ય પ્રસ્તાવો પર નિર્ણય લેવાશે.
ડાબર ઈન્ડિયાઃ એફએમસીજી કંપનીએ 2022-23ના માર્ચ ક્વાર્ટરમાં પાંચ ટકા આસપાસના એક-અંકી રેવન્યૂ ગ્રોથની અપેક્ષા દર્શાવી છે. કંપનીએ જોકે ગ્રામીણ ક્ષેત્રે માગ નબળી જળવાયેલી રહે તેમ જણાવ્યું છે. કંપનીની કોમેન્ટ પછી શેરમાં ઘટાડો નોંધાયો હતો. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં બાદશાહ મસાલાની ખરીદી કરી હતી.
મૂથૂત ફાઈનાન્સઃ કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 22નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ માટે તેમણે 18 એપ્રિલને રેકર્ડ ડેટ તરીકે નિર્ધારિત કરી છે. જાહેરાતના 30-દિવસોમાં ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવશે એમ પણ જણાવ્યું છે.
અદાણી વિલ્મેરઃ અદાણી જૂથ કંપનીએ ગયા નાણાકિય વર્ષ દરમિયાન 14 ટકા વોલ્યુમ વૃદ્ધિ દર્શાવી હતી. જેણે કંપનીને રૂ. 55000 કરોડની આવક પાર કરવામાં સહાયતા કરી હતી. અગાઉના વર્ષે કંપનીની આવક રૂ. 54,327.16 કરોડ પર જોવા મળી હતી. કંપનીએ ફૂડ અને એફએમસીજી સેગમેન્ટમાં રૂ. 3800 કરોડની આવક નોંધાવી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage