યુએસ બોન્ડ યિલ્ડ્સ ઉછળતાં શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલી
નિફ્ટી 18524ની સર્વોચ્ચ ટોચ બનાવી ગગડ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ઘટી 11.53ના સ્તરે
નિફ્ટી મિડિયા 4 ટકા ઉછળ્યો
એફએમસીજી, એનર્જી, પીએસયૂ, રિઅલ્ટી, ફાર્મામાં નરમાઈ
તાતા મોટર્સ, ઓલેક્ટ્રા ગ્રીન, કલ્યાણ જ્વેલર, ગ્લેનમાર્ક નવી ટોચે
આરતી ઈન્ડસ્ટ્રીઝમાં નવું તળિયું
યુએસ ખાતે બોન્ડ યિલ્ડ્સમાં ઉછાળા પાછળ વિશ્વભરના શેરબજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય બજારમાં પણ તેજીમાં ખાંચરો પડ્યો હતો અને લગભગ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 505.19 પોઈન્ટ્સ ગગડી 65,280.45ની સપાટીએ જ્યારે નિફ્ટી 165.50 પોઈન્ટ્સ ગગડી 19,331.80 પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સ સાથે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ વેચવાલી નીકળતાં બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3580 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1968 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1495 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. 192 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 24 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 13 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ઘટી 11.53ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવાર રાતે યુએસ બોન્ડ યિલ્ડ્સ તેમની પાંચ વર્ષોની નવી ટોચ પર પહોંચતાં બેન્ચમાર્ક સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેની અસરે એશિયન બજારોમાં પણ વેચવાલી લંબાઈ ગઈ હતી. જે વચ્ચે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી શરૂઆતી તબક્કામાં પોઝીટીવ ટ્રેડ દર્શાવી સમગ્ર દિવસ માટે નેગેટિવ જોવા મળ્યો હતો. નિફ્ટી અગાઉના 19497.30ના બંધ સામે 19422.80ની સપાટીએ ખૂલી ઉપરમાં 19523.60ની ટોચ બનાવી 19303.60ના તળિયા પર ટ્રેડ થયો હતો. તેણે બંધ ધોરણે 19300ની સપાટી જાળવી રાખી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 19392 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જે 60 પોઈન્ટ્સનું પ્રિમિયમ સૂચવે છે. આમ અગાઉના સત્રમાં 37 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 23 પોઈન્ટ્સની વૃદ્ધિ નોંધાઈ હતી. જે નીચા મથાળે બજારમાં લોંગ પોઝીશનમાં ઉમેરાનો સંકેત છે. આમ, આગામી સત્રોમાં માર્કેટ ફરી તેની ટોચ તરફ જવાનો પ્રયાસ કરી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 19500 આસપાસ નાનો અવરોધ રહેલો છે. જે પાર થશે તો 19750 સુધીની લાઈન પડી શકે છે. ટ્રેડર્સે 19200ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં તાતા મોટર્સ, ટાઈટન કંપની, એમએન્ડએમ, એસબીઆઈ, ટીસીએસ, ભારતી એરટેલ, એસબીઆઈ લાઈફનો સમાવેશ થતો હતો. બીજીબાજુ, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એપોલો હોસ્પિટલ, ઈન્ડસઈન્ડ બેંક, બ્રિટાનિયા, એચયૂએલ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી અને બજાજ ફાઈનાન્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 4 ટકા ઉછળ્યો હતો. જેનું મુખ્ય કારણ ઝી એન્ટરટેઈનમેન્ટમાં 8 ટકાથી વધુની મજબૂતી હતું. પીએસયૂ બેંક ઈન્ડેક્સ અને નિફ્ટી ઓટો પણ ગ્રીન બંધ દર્શાવતાં હતાં. જ્યારે એફએમસીજી, બેંકિંગ, એનર્જી, પીએસયૂ, રિઅલ્ટી, મેટલ, ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજીમાં ઊંચું પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. જેની પાછળ ઈન્ડેક્સ 1.53 ટકા જેટલો ગગડ્યો હતો. ડાબર ઈન્ડિયા, યુનાઈડેટ સ્પિરિટ્સ, બ્રિટાનિયા, એચયૂએલ, મેરિકો, ગોદરેજ કન્ઝ્યૂમર, તાતા કન્ઝ્યૂમર, ઈમામી અને આઈટીસીમાં વેચવાલી નીકળી હતી. નિફ્ટી આઈટી પણ લગભગ 0.9 ટકા ડાઉન જોવા મળતો હતો. જેના ઘટકોમાં ટેક મહિન્દ્રા 2 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એચસીએલ ટેક્નોલોજી, એલએન્ડટી ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, પર્સિસ્ટન્ટ, કોફોર્જ, ઈન્ફોસિસમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.74 ટકા નરમાઈ દર્શાવતો હતો. જેમાં બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, ડિવિઝ લેબ્સ, ઝાયડસ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, આલ્કેમ લેબ્સ, સન ફાર્મા ઘટવામાં અગ્રણી હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.2 ટકા ગગડ્યો હતો. જેમાં હેમિસ્ફિયર, ડીએલએફ, ઓબેરોય રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને બ્રિગેડ એન્ટરપ્રાઈઝ તૂટ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીલ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઝી એન્ટરટેઈનમેન્ટ 9 ટકા ઉછળ્યો હતો. તે રૂ. 200ની સપાટી કૂદાવી ગયો હતો. આ ઉપરાંત, પીવીઆર આઈનોક્સ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, ગ્લેનમાર્ક, તાતા મોટર્સ, કેનેરા બેંક, પીએનબી, એપોલો ટાયર્સ, બેંક ઓફ બરોડા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ અને એચપીસીએલમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ એયુ સ્મોલ ફાઈનાન્સ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, ઈન્ટેલેક્ટ ડિઝાઈન, દિપક નાઈટ્રેટ, ડાબર ઈન્ડિયા, ઈન્ડિયામાર્ટ, અંબુજા સિમેન્ટ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવનારા કાઉન્ટર્સમાં તાતા મોટર્સ, ઓલેક્ટ્રા ગ્રીન, કલ્યાણ જ્વેલર, ગ્લેનમાર્ક નવી ટોચે ટ્રેડ થયાં હતાં. જ્યારે આરતી ઈન્ડસ્ટ્રીઝ વધુ 3 ટકા ગગડ્યો હતો.
સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ ટર્નઓવર રૂ. 13.58 લાખ કરોડના નવા સ્તરે
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ બિઝનેસે રૂ. 13,58,297 કરોડનો નવો વિક્રમ દર્શાવ્યો છે. જેમાં ઓપ્શન્સમાં રૂ. 13,58,227 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 70 કરોડનું ટર્નઓવર જોવા મળ્યું હતું. છેલ્લાં સપ્તાહોમાં સેન્સેક્સ ટ્રેડિંગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. ગયા સપ્તાહાંતે તેણે રૂ. 8,28,108 કરોડનું ટર્નઓવર દર્શાવ્યું હતું. જેની સામે ચાલુ સપ્તાહે 64 ટકા ટર્નઓવર વૃદ્ધિ નોંધાઈ હતી. બેન્ચમાર્ક્સમાં કુલ 34.48 લાખ ટ્રેડ્સ સાથે આજે કુલ 2.07 કરોડ કોન્ટ્રાક્ટના સોદા થયા હતાં. કુલ ઓપન ઈન્ટરેસ્ટ એક્સપાયરી પહેલા રૂ. 53,358 કરોડના મૂલ્યના 8.17 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચી ગયું હતું. ડેરિવેટિવ્સના રિલોન્ચિંગ પછી ઓપન ઈન્ટરેસ્ટ ધીરે-ધીરે વધ્યું છે અને 200થી વધુ સભ્યોએ તેમાં રસ દર્શાવ્યો છે.
કોટનમાં ફરી નરમાઈનો માહોલ, ખાંડીએ રૂ. 800નું ગાબડું
કોટનમાં નીચી માગ પાછળ ભાવમાં નરમાઈ જોવા મળી છે. જૂન મહિનામાં રૂ. 55 હજારના દોઢ વર્ષના તળિયે જોવા મળેલા ખાંડીના ભાવ શુક્રવારે ફરી રૂ. 55500 પર ટ્રેડ થયાં હતા. સપ્તાહની શરૂમાં તે રૂ. 56300 આસપાસ જોવા મળી રહ્યાં હતાં. યુએસ ખાતે નીચા વાવેતર છતાં ભાવમાં મજબૂતી જોવા મળી રહી નથી. માર્કેટ વર્તુળોના મતે યાર્નના ભાવમાં મંદી પાછળ મિલ્સની ખરીદી પાંખી છે. બીજી બાજુ સ્થાનિક બજારમાં આવકો નોંધપાત્ર સ્તરે જોવા મળી રહી છે. તેમજ છેલ્લાં સપ્તાહમાં કપાસના વાવેતરમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. ચાલુ સિઝનમાં પણ વાવેતર ગઈ સિઝનના સ્તરે જળવાય રહેવાની સંભાવના જોતાં ભાવમાં સેન્ટીમેન્ટ નરમાઈ તરફથી છે. જોકે, ભાવ રૂ. 55000થી નીચે જવાની શક્યતાં ખૂબ ઓછી હોવાનું વર્તુળોનું કહેવું છે.
ટેસ્લાએ ચીન સ્થિત ફેકટરીમાં કામદારોની છટણી શરૂ કરી
જોકે, કંપની શા માટે વર્કર્સની છટણી કરી રહ્યું છે તેનું કારણ જાણવા મળ્યું નથી
ઈલેક્ટ્રીક કાર ઉત્પાદક ટેસ્લા ઈન્કે તેના શાંઘાઈ પ્લાન્ટ સ્થિત બેટરી પ્રોડક્શન યુનિટ ખાતે કેટલાંક કામદારોને છૂટાં કર્યાં હોવાનું બ્લૂમબર્ગે શુક્રવારે જાણકાર વર્તુળોના હેવાલથી જણાવ્યું હતું. જોકે, કંપનીએ કેટલાં વર્કર્સને છૂટાં કર્યાં તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. તેમજ આ છટણી પાછળનું કોઈ ચોક્કસ કારણ પણ સામે નથી આવ્યું એમ રિપોર્ટ નોંધે છે. ટેસ્લાએ પણ આ અંગે કોઈ ટિપ્પણી નથી કરી.
સૌપ્રથમ આ છટણી અંગે સ્થાનિક ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ ડિપ એનાલિસીસ તરફથી અહેવાલ પ્રકાશિત કરાયો હતો. જે જણાવતો હતો કે ફેક્ટરીની બે બેટરી પ્રોડક્શન લાઈન્સમાં 1000થી ઓછાં કામદારો સેવા આપી રહ્યાં હતાં. ટેસ્લાની શાંઘાઈ સ્થિત ગીગાફેક્ટરી વિશ્વમાં સૌથી મોટી અને સૌથી પ્રોડક્ટિવ પ્લાન્ટ છે. જે 20 હજાર આસપાસ કર્મચારીઓને રોજગારી આપે છે. જેમાં મોડેલ વાય અને મોડેલ 3ના એસેમ્બલી બિલ્ડીંગમાં સક્રિય કામદારાનો પણ સમાવેશ થાય છે.
રશિયન રોસનેફ્ટે બોર્ડમાં પ્રથમ ભારતીયની નિમણૂંક કરી
રશિયન એનર્જી જાયન્ટ રોસનેફ્ટે તેના બોર્ડમાં પ્રથમ ભારતીયની નિમણૂંક કરી છે. કંપનીએ પીએસયૂ સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી)ના ડિરેક્ટર જી કે સતીષની નિમણૂંક કરી છે. કંપનીના પગલાંને ભારત સાથે વેપાર જોડાણને મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. સતીષ આઈઓસી ખાતેથી 2021માં નિવૃત્ત થયા હતાં. જ્યાં તેઓ બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર તરીકે સક્રિય હતાં. તેમનો સમાવેશ રોસનેફ્ટના બોર્ડમાં સામેલ કરાયેલાં ત્રણ નવા ચહેરાઓમાં થાય છે. કંપની કુલ 11 ડિરેક્ટર્સનું બોર્ડ ધરાવે છે.
રોસનેફ્ટ જી કે સતીષની ભૂતપૂર્વ કંપની આઈઓસી સાથે રશિયાના ઓઈલ અને ગેસ ક્ષેત્રોમાં ભાગીદારી ધરાવે છે. તે આઈઓસી સહિત અન્ય ભારતીય રિફાઈનર્સને ક્રૂડ ઓઈલનું વેચાણ પણ કરે છે. તેણે તાજેતરમાં ગુજરાત રિફાઈનર્સને નેપ્થાનો સપ્લાય પણ શરૂ કર્યો છે. સતીષની નિમણૂંકને મહત્વની ગણવામાં આવી રહી છે. કેમકે રોસનેફ્ટ ભારતીય કંપનીઓ સાથે વધુ ડિલ્સ ઈચ્છી રહી છે. તે દેશમાં એલએનજીનું વેચાણ કરવા પણ ઈચ્છે છે. સતીષ ભારતીય ઓઈલ અને ગેસ માર્કેટને લઈ ઊંડું જ્ઞાન ધરાવે છે. તેમજ તેઓ પેટ્રોલિયમ પ્રોડક્ટ માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, એલએનજી અને ઈન્ટરનેશનલ ટ્રેડમાં નિપુણતા ધરાવે છે. તેઓ રોસનેફ્ટ ખાતે પાંચમાંથી એક ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બન્યાં છે. આઈઓસીના બોર્ડમાં તેમની હાજરી વખતે તેઓ ઈન્ડિયનઓઈલઅદાણી ગેસના ચેરમેન પણ હતાં. કંપની આઈઓસી અને અદાણી જૂથ વચ્ચેનું સંયુક્ત સાહસ હતી.
PNBએ મેટાવર્સ પર પ્રથમ વર્ચ્યુઅલ બ્રાન્ચ લોંચ કરી
જાહેર ક્ષેત્રની બીજા ક્રમની પંજાબ નેશનલ બેંક(પીએનબી)એ પ્રથમ વર્ચ્યુઅલ બ્રાન્ચ પીએનબી મેટાવર્સ લોંચ કરવાની જાહેરાત કરી છે. બેંકની આ વર્ચ્યુઅલ બ્રાન્ચ છે. જે બેંકના વર્તમાન અને નવા ગ્રાહકોને એક ખાસ અનુભવ પૂરો પાડશે. તેઓ બેંકની વિવિધ પ્રોડક્ટ્સ અને સેવાઓ જેવીકે બેંક ડિપોઝીટ્સ, રિટેલ-એમએસએમઈ લોન્સ, ડિજિટલ પ્રોડક્ટ્સ, વુમન-સિનિયર સિટિઝન્સ, ‘ડુ ઈટ યોરસેલ્ફ’ અને સરકારી ફ્લેગશિપ સ્કિમ્સનો લાભ લઈ શકશે.
પીએનબીએ તેની મેટાવર્સ બ્રાન્ચ ડેવલપ કરી છે. જ્યાં તેના ગ્રાહકો તેમના ઘરેથી અથવા ઓફિસેથી, મોબાઈલથી કે લેપટોપથી વર્ચ્યુઅલ માહોલમાં બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકશે એમ બેંકે જણાવ્યું છે. વધુમાં, બેંક તેના ડિજીટલ અવતારમાં પરંપરાગત બેંકિંગ પ્રવૃત્તિ સાથે ગ્રાહકોને 3D અનુભવ પણ પૂરો પાડશે. બેંક આ નવી ટેક્નોલોજીના ઉપયોગ મારફતે કસ્ટમર્સની સક્રિયતા વધારવાનો હેતુ ધરાવે છે. તેમજ નવા કસ્ટમર્સ મેળવવાની પ્રક્રિયાને સુધારવા ઈચ્છે છે એમ બેંકના એમડી અતુલ કુમાર ગોએલે જણાવ્યું હતું.
જૂનમાં ડિમેટ ઓપનીંગ્સ 13-મહિનાની ટોચ પર જોવા મળ્યાં
મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં મજબૂત તેજી તથા ક્વોલિટી IPO પાછળ રિટેલ ઈન્વેસ્ટર્સ સક્રિય બન્યાં
જૂન મહિનાની આખરમાં દેશમાં કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 12.051 કરોડ પર પહોંચી
વાર્ષિક ધોરણે ડિમેટ એકાઉન્ટ્સમાં 24.41 ટકાની વૃદ્ધિ નોંધાઈ
જૂનમાં બીએસઈ-એનએસઈનું સંયુક્ત સરેરાશ દૈનિક ટર્નઓવર 42 ટકા વધી રૂ. 67,491 કરોડની વર્ષની ટોચ પર જોવા મળ્યું
ભારતીય શેરબજારમાં છેલ્લાં ચાર મહિનાથી જોવા મળી રહેલી તેજી રિટેલ ઈન્વેસ્ટર્સને માર્કેટમાં પરત લાવવામાં સફળ રહી છે. મીડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટના ઊંચા આઉટપર્ફોર્મન્સ તેમજ પ્રાઈમરી માર્કેટમાં કેટલાંક ક્વોલિટી આઈપીઓની પ્રવેશને કારણે પણ નવા ઈન્વેસ્ટર્સ બજારમાં પ્રવેશી રહ્યાં છે. જેની અસરે જૂનમાં ડિમેટ ઓપનીંગ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે 13-મહિનાની ટોચ પર નોંધાયું હતું.
દેશમાં બે ડિપોઝીટરી સર્વિસ પ્રોવાઈડર્સ સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસ અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી તરફથી પ્રાપ્ત ડેટા મુજબ જૂન મહિનામાં નવા 23.6 લાખ ડિમેટ એકાઉન્ટ્સ ખૂલ્યાં હતાં. જે મે 2022 પછી માસિક ધોરણે સૌથી વધુ હતાં. મે 2022માં 23 લાખ ડિમેટ એકાઉન્ટ્સ ખૂલ્યાં હતાં. જ્યારે મહિના અગાઉ મે 2022માં 21 લાખ ડિમેટ એકાઉન્ટ્સ ઓપન થયાં હતાં. આમ માસિક ધોરણે 2.6 લાખ ડિમેટ એકાઉન્ટ્સ વધુ ખૂલ્યાં હતાં. જૂન મહિનાની આખરમાં દેશમાં ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 12.051 કરોડ પર જોવા મળી હતી. જે માસિક ધોરણે 2 ટકા જ્યારે વાર્ષિક ધોરણે 24.41 ટકા વૃદ્ધિ સૂચવે છે.
એપ્રિલમાં નવા નાણા વર્ષની શરૂઆત સાથે જ શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. બેન્ચમાર્ક્સ નિફ્ટી શુક્રવારે 19524ની તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારે સેન્સેક્સ 65898ની ઓલ-ટાઈમ હાઈ પર જોવા મળ્યો હતો. 28 માર્ચથી અત્યાર સુધીમાં સેન્સેક્સ અને નિફટી 15 ટકાનું રિટર્ન દર્શાવી ચૂક્યાં છે. તેમણે વૈશ્વિક બજારોની સરખામણીમાં તીવ્ર આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું છે. મીડ-કેપ અને સ્મોલ-કેપ્સ સેગમેન્ટે લાર્જ-કેપ્સથી વધુ સારો દેખાવ કર્યો છે. બીએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 24 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 27 ટકાની તીવ્ર વૃદ્ધિ સૂચવી રહ્યો છે. કેલેન્ડર 2023ની વાત કરીએ નિફ્ટી 8 ટકાનું જ્યારે બીએસઈ મીડ-કેપ અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ 15-15 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે. આમ, બ્રોડ માર્કેટમાં લેવાલીને કારણે રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી સક્રિયતામાં વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત, આઈપીઓ માર્કેટ પણ રિવાઈવ થયું છે. મે અને જૂનમાં મેઈન બોર્ડ પર દસેક કંપનીઓએ પ્રિમીયમ સાથે લિસ્ટીંગ દર્શાવતાં પ્રાઈમરી માર્કેટ મારફતે પણ રોકાણકારો બજારમાં પ્રવેશ્યાં હતાં. એમએસઈ પ્લેટફોર્મ પર પણ આઈપીઓમં ઊંચી સક્રિયતાને કારણે નવો વર્ગ બજારમાં પ્રવેશી રહ્યો છે. જૂનમાં પાંચ આઈપીઓએ રૂ. 2588 કરોડ એકત્ર કર્યાં હતાં. જ્યારે કેલેન્ડર 2023માં એસએમઈ આઈપીઓએ રૂ. 1804 કરોડ ઊભાં કર્યાં હતાં.
એનાલિસ્ટ્સના મતે જ્યાં સુધી બજારમાં મજબૂતી જળવાશે ત્યાં સુધી નવા રિટેલ રોકાણકારોનું બજારમાં પ્રવેશવાનું ચાલુ રહેશે. કોવિડ પછી ભારતીય બજારમાં જોવા મળેલી તેજી પાછળ રોકાણકારોનો મોટો વર્ગ શેરબજારથી આકર્ષાયો હતો અને ત્રણ વર્ષોમાં દેશમાં કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 4.5 કરોડ પરથી વધુ 12 કરોડે પહોંચી ગયેલી જોવા મળે છે. જૂનમાં બીએસઈ અને એનએસઈનું સંયુક્ત સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ. 67,491 કરોડની એક-વર્ષની ટોચ પર નોંધાયું હતું. જે વાર્ષિક ધોરણે 42 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ડેરિવેટીવ્સ માર્કેટની વાત કરીએ તો બંને પ્લેટફોર્મનું સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ. 259 લાખ કરોડ પર જોવા મળ્યું હતું.
ડિમેટ ઓપનીંગ્સમાં વૃદ્ધિનો સંચાર(સંખ્યા લાખમાં)
મહિનો ડિમેટ
મે-2022 25
જૂન 23
જુલાઈ 18
ઓગસ્ટ 21
સપ્ટેમ્બર 21
ઓક્ટોબર 17.7
નવેમ્બર 18
ડિસેમ્બર 21
જાન્યુઆરી 2023 21.9
ફેબ્રુઆરી 20.8
માર્ચ 19.2
એપ્રિલ 16
મે 21
જૂન 23.6
શંકાસ્પદ 69 હજાર GST એકાઉન્ટ્સમાંથી 25 ટકા ‘ફેક’: CBIC
આ એકાઉન્ટ્સ રૂ. 15000 કરોડના લાભો લઈ બંધ કરાયાં છે અથવા તો હતા જ નહિ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડિરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ(CBIC)ને ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ સંબંધિત 69000 જેટલાં શંકાસ્પદ એકાઉન્ટ્સમાંથી 25 ટકા ફેક(જૂઠાં) એકાઉન્ટ્સ હોવાનું જણાયું છે. તેના મતે આ એકાઉન્ટ્સ કાં તો અસ્તિત્વમાં નથી અથવા તો નાબૂદ કરવામાં આવ્યાં છે. જોકે, તે પહેલાં તેમણે રૂ. 15000 કરોડનો લાભ મેળવી લીધો હતો.
જીએસટી નેટવર્કમાં નોંધાયેલા ફેક એકાઉન્ટ્સને દૂર કરવા માટેના આશય સાથે ચાલી રહેલા બે મહિનાના વિશેષ અભિયાન દરમિયાન 69 હજાર શંકાસ્પદ એકાઉન્ટ્સ માલૂમ પડ્યાં હતાં. જેમાંથી 17 હજાર એકાઉન્ટ્સ બોગસ હોવાનું જણાયું હતું. ટેક્સ સત્તાવાળાઓએ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિટીક્સની સહાયથી આ એકાઉન્ટ્સ ઓળખ્યાં હતાં. આ અભિયાન 15 જુલાઈએ સમાપ્ત થશે. વર્તુળોના જણાવ્યા મુજબ ફેક એકાઉન્ટ્સમાં કેટલાંક મોટા બિઝનેસિસ સહિતની કંપનીઓના નામને લઈને તપાસ ચાલી રહી છે. જેમકે, અગ્રણી ફૂડ ડિલિવરી સર્વિસ પ્રોવાઈડરે બોગસ જણાતી કંપનીઓ તરફથી મેનપાવર સર્વિસિઝ મેળવી હોવાનું માનવામાં આવે છે એમ તેઓ ઉમેરે છે. હાલમાં દેશમાં જીએસટી નેટવર્કમાં 1.38 કરોડ રજિસ્ટર્ડ ટેક્સપેયર છે. જૂનમાં જીએસટી વસૂલાત 12 ટકા ઉછળી રૂ. 1.61 લાખ કરોડ પર જોવા મળી હતી. ચોથીવાર જીએસટીની રકમ રૂ. 1.6 લાખ કરોડથી ઊંચી નોંધાઈ હતી. ફેક એકાઉન્ટ્સની બાબતમાં દિલ્હી ટોચના ક્રમે જોવા મળે છે એમ સરકારી વર્તુળો જણાવે છે. જીએસટી કાઉન્સિલે આ બાબતમાં કેટલાંક નિર્ણયો લઈ લીધાં છે અને તેનો અમલ કરશે. આ કવાયત પાછળનો હેતુ આ પ્રકારના છીંડાઓને ભરવાનો હતો એમ તેઓ ઉમેરે છે. કાઉન્સિલની 11 જુલાઈએ મળનારી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવાની શક્યતાં છે. હાલમાં કેટલાંક નિર્ણયો લેવામાં આવ્યાં છે. જેના પર અમલ શરુ કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ જીએસટી માટેના રજિસ્ટ્રેશન નિયમોને કડક બનાવવાની કોઈ યોજના નથી. કેમકે જીએસટીનો વિચાર કરદાતા માટે નિયમોના પાલનમાં મુશ્કેલીઓ ઊભી કરવાનો નહિ પરંતુ પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો. સીબીઆઈસી જીએસટી બેનિફિટ્સનો દૂરૂપયોગ ના થાય તેની ખાતરી માટે સમયાંતરે આ પ્રકારની કવાયતો માટે વિચારી રહી છે.
Trade 26 Researchના બ્રોકર હોવાનો દાવો કરી ઈન્વેસ્ટર્સને ફસાવવાના કારસાં
સેબી સાથે રજિસ્ટ્રેશન નહિ ધરાવતી કંપની ક્લાયન્ટ વતી ટ્રેડિંગ એકાઉન્ટ્સ ઓપરેટ કરી દૈનિક 10 ટકા રિટર્ન ઓફર કરે છે
વારાણસી સ્થિત સ્ટોક એડવાઈઝરી કંપનીનો રોકાણકારોને નફામાંથી 70 ટકા પ્રોફિટ આપવાનો પણ દાવો
કંપનીની વેબસાઈટ બ્રોકરેજિ હાઉસની જેમ જ કેવાયસી, રિસ્ક ડિસ્ક્લોઝર્સ અને ડિસ્ક્લેમર ડિસ્ક્લોઝર્સ જેવી પ્રક્રિયા ધરાવે છે
જો તમે શેરબજારમાં નાણા બનાવવા માટે આતુર એવા નવા નિશાળિયા છો તો Trade 26 Research જેવી કંપનીઓ તમારો લાભ ઉઠાવે તેવી પૂરી શક્યતાં છે. વારાણસી સ્થિત આ કંપની પોતાની વોબસાઈટ પર સ્ટોક એડવાઈઝરી ફર્મ તરીકે ઓળખાવે છે. તે વિવિધ પેમેન્ટ્સ પ્લાન્સ સાથે શેર્સ અને કોમોડિટીઝમાં ઈન્વેટમેન્ટ આઈડિયાઝ માટેની જાહેરાતો પણ કરે છે. તેની વેબસાઈટ કેવાયસી, રિસ્ક ડિસ્ક્લોઝર્સ અને ડિસ્ક્લેમર ડિસ્ક્લોઝર્સ જેવી બાબતો પણ ધરાવે છે. આ ઉપરાંત તે કોઈપણ પ્રકારના લિગલ સ્ટેટર(કાનૂની દરજ્જા)ની સ્પષ્ટતા કર્યાં વિના માર્કેટ રેગ્યુલેટર સેબી સાથે રજિસ્ટર્ડ થવાનો દાવો પણ કરે છે. આમ છતાં, ચિંતાની બાબત એ છે કે ટ્રેડ 26 રિસર્ચ અગ્રણી લિસ્ટેડ બ્રોકરેજની છત્રછાયા હેઠળ કામ કરી કાનૂની મંજૂરી મેળવી શકે છે.
એક મિડિયા કંપનીને તેના સેલ્સ એક્ઝીક્યૂટીવ જણાવે છે કે તેમની કંપની સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અથવા તો ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર નથી. તેમ છતાં તે સ્ટોક એડવાઈઝરી સર્વિસિઝ ઓફર કરી રહી છે. તે રજિસ્ટર્ડ મની મેનેજર નહિ હોવા છતાં રોકાણકારોને નાણાનું સંચાલન કરવાની ઓફર કરે છે. તે ગ્રાહકોના ટ્રેડિંગ એકાઉન્ટ્સ તેમના વતી ઓપરેટ કરવાની ઓફર કરે છે. જે માટે તે ઈન્વેસ્ટરના ટ્રેડિંગ એકાઉન્ટ લોગીન અને પાસવર્ડ લઈને તે મારફતે ટ્રેડ પ્લેસ કરે છે.
ભારતમાં મ્યુચ્યુલ ફંડ, પોર્ટફોલિયો મેનેજમેન્જ સર્વિસ અથવા અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ જેવી કંપનીઓએ અન્યોના નાણાને તેમની મંજૂરી સાથે મેનેજ કરવા માટે સેબી સાથે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આવી કંપનીઓએ નિયમોના દાયરામાં કામગીરી કરવાની રહે છે. જેથી રોકાણકારોનું ફંડની સુરક્ષાની ખાતરી મળી રહે. તેમને ક્યારેય પણ ઈન્વેસ્ટર-ક્લાયન્ટ્સના ટ્રેડિંગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ નથી. આ નિયમોના બંધનથી દૂર રહેવા અને ઈન્વેસ્ટર્સના નાણાનો મનફાવે તે રીતે ઉપયોગ કરવા માટે કેટલાંક મની મેનેજર્સ પોતાને રેગ્યુલેટર સાથે રજિસ્ટર્ડ નથી કરાવતાં. જોકે, તેઓ ઈન્વેસ્ટર્સના ટ્રેડિંગ એકાઉન્ટનો ઉપયોગ કરી ટ્રેડ કરવાની ઓફર કરે છે. અજ્ઞાત રોકાણકારો તેમને કરવામાં આવતી અસાધારણ પ્રોફિટની લાલચમાં આ માટે તૈયાર પણ થઈ જતાં હોય છે.
Trade 26 Researchના એક્ઝિક્યૂટીવ રોકાણકારોને દૈનિક 10 ટકા રિટર્નનો વાયદો કરે છે. એટલેકે રૂ. 2000ના રોકાણ પર રૂ. 2000નું વળતર. જે મહિને 300 ટકા અને વર્ષે 3650 ટકા રિટર્ન સૂચવે છે. કંપનીનો એક્ઝીક્યૂટીવ 70:30ના રેશિયોમાં નફો વહેંચવાનો વાયદો કરે છે. એટલેકે 70 ટકા નફો ક્લાયન્ટ્સને અને 30 ટકા નફો કંપની રાખશે. જ્યારે 100 ટકા નુકસાન ઉઠાવશે એમ જણાવે છે. જોકે, અહીં કોઈ સ્પષ્ટતાં નથી. એટલેકે આ 100 ટકા નુકસાન સર્વિસ કંપની ઉઠાવશે કે ક્લાયન્ટ્સ એ નક્કી નથી. એક નાના કૌભાંડી સમજીની આ ગેરરિતીઓને બાજુ પર રાખીએ તો પણ ચિંતાની બાબત એ છે કે તે અગ્રણી લિસ્ટેડ બ્રોકરેજના સબ-બ્રોકર તરીકે કામ કરે છે. જોકે, તેની ખાતરી થઈ શકી નહોતી. જોકે, માર્કેટ ઈન્સાઈડર્સના જણાવ્યા મુજબ બ્રોકરેજિસ તરફથી રોકાણકારોને આકર્ષવા માટે આ પ્રકારની પ્રેકટિસ અપનાવાતી હોય છે. બ્રોકરેજિસ સબ-બ્રોકર્સ, એસોસિએયેડ પાર્ટનર્સ અથવા ફ્રેન્ચાઈઝીનો ઉપયોગ ક્લાયન્ટ્સ કે ઈન્વેસ્ટર્સ મેળવવા માટે કરતાં હોય છે. જેના ભાગરૂપે તેઓ આવા મધ્યસ્થીઓને દરેક ટ્રેડ પર કમિશન ઓફર કરતાં હોય છે. જોક, બ્રોકરેજિસ આવા હજારો ડિસ્ટ્રીબ્યુટર્સની કામગીરી પર દેખરેખ રાખે તેવી અપેક્ષા ના રાખીએ તો પણ માર્કેટ ઈન્સાઈડર્સના જણાવ્યા મુજબ ઘણા ટોચના બ્રોકરેજિસ તેમની સાથે જોડાયેલા વચેટિયા તરફથી ચાલી રહેલી ગેરકાયદે પ્રેકટિસિસથી વાકેફ હોય છે. Trade 26 Researchની વાત કરીએ તો તેનો એક્ઝિક્યૂટીવ અગ્રણી બ્રોકરેજ સાથે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવા માટે આગ્રહ કરી રહ્યો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
તાતા મોટર્સઃ કંપનીની સબસિડિયરી કંપની જેગુઆર લેન્ડ રોવરે જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 29 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી છે. નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જેગુઆરે 1,01,994 યુનિટ્સ કાર્સનું વેચાણ કર્યું હતું. કંપનીના હોલસેલ વેચાણમાં 30 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે જૂન ક્વાર્ટરની આખરમાં તેની ઓર્ડર બુક 1,85,000 યુનિટ્સ પર જોવા મળી હતી. જોકે, તે 31 માર્ચના રોજ 2 લાખ યુનિટ્સ પર જોવા મળતી હતી.
હિંદુસ્તાન એરોનોટિક્સઃ પીએસયૂ કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે રૂ. 458 કરોડનો કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે. તેણે કોસ્ટ ગાર્ડ માટે બે અપગ્રેડેડ ડોર્નિઅર્સ એરક્રાફ્ટ્સ માટે આ કોન્ટ્રેક્ટ મેળવ્યો છે. નવા એરક્રાફ્ટ્સ કેટલાંક એડવાન્સ્ડ ઈક્વિપમેન્ટ જેવાકે ગ્લાસ કોકપિટ, મેરીટાઈમ પેટ્રોલ રડાર, ઈલેક્ટ્રો-ઓપ્ટિક ઈન્ફ્રારેડ ડિવાઈઝ અને મિશન મેનેજમેન્ટ સિસ્ટમ ફિટ કરવામાં આવશે.
ઝી એન્ટરટેઈનમેન્ટઃ સિક્યૂરિટીઝ એન્ડ એપલેટ ટ્રિબ્યુનલ(સેટ)એ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ પરનો તેનો ચૂકાદો સોમવારે જાહેર કરવાનું જણાવ્યું છે. સેબીએ કંપનીના ચેરમેને સુભાષ ચંદ્ર અને એમડી-સીઈઓ પુનિત ગોએન્કા પર કોઈપણ લિસ્ટેડ કંપનીમાં મેનેજર તરીકેનો હોદ્દો સંભાળવા પર મૂકેલા પ્રતિબંધ સામેની અપીલમાં સેટ સુનાવણી કરશે.
ઈન્ડિયન હોટેલ્સઃ તાતા જૂથની હોટેલ ચેઈન્સે તેના પોર્ટફોલિયોને 270 હોટેલ્સ સુધી વિસ્તાર્યો છે. તેણે નવી 11 હોટેલ્સ સાથે એગ્રીમેન્ટ્સ કર્યો છે. જ્યારે પાંચ નવી હોટેલ્સ શરૂ કરી છે. કંપનીએ દેશમાં વિવિધ સ્થળોએ આ હોટેલ્સ શરૂ કરી છે.
રિલાયન્સ રિટેલઃ દેશમાં સૌથી મોટી રિટેલ કંપની અને કોંગ્લોમેરટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરીના બોર્ડે કંપનીના ઈક્વિટી શેર કેપિટલમાં ઘટાડો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. રિલાયન્સ રિટેલની હોલ્ડિંગ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ રિલાયન્સ રિટેલનો 99.91 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે બાકીનો 0.09 ટકા હિસ્સો અન્ય શેરધારકો પાસે રહેલો છે. કંપનીના જણાવ્યા મુજબ તેની હોલ્ડિંગ કંપની સિવાયના શેર્સને રૂ. 1362 પ્રતિ શેરના આધારે કેન્સલ કરવામાં આવશે.
સિપ્લાઃ કંપનીએ યુએસ માર્કેટમાં કન્ટેનરમાં ખામીને કારણે સ્વૈચ્છિકપણે આબ્લુટેરોલ સલ્ફેટ ઈન્હીલેશન એરોસોલની છ બેચિસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. કંપનીની માલિકીની સબસિડિયરી સિપ્લા યૂએસએ ઈન્કે નવેમ્બર 2021માં બનેલી આ બેન્ચિસને પરત ખેંચવાનું જણાવ્યું છે. ઈન્હેલર વાલ્વમાં લિકેજને કારણે કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો હતો.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસ જાયન્ટે ઈન્ફોસિસ પબ્લિક સર્વિસિઝની સબસિડિયરી ઈન્ફોસિસ પબ્લિક સર્વિસિઝ કેનેડા લોંચ કરી છે. આ નવી કંપની કેનેડાના ઓન્ટેરિયો સ્ટેટમાં ઓટાવા સ્થિત છે. કંપનીએ કેનેડાના જાહેર ક્ષેત્રના ક્લાયન્ટ્સ સાથે તેનું જોડાણ જાળવી રાખતાં આ લોંચ કર્યું છે. હાલમાં ઈન્ફોસિસ ત્યાં 7 હજાર લોકોને રોજગારી પૂરી પાડે છે.
સોભા ડેવલપરઃ બેંગલૂરુ સ્થિત રિઅલ્ટી ડેવલપરે જૂન ક્વાર્ટરમાં રૂ. 1465 કરોડનું વેચાણ દર્શાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 27.9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ પાછળનું મુખ્ય કારણ હાઉસિંગની ઊંચી માગ ઉપરાંત યુનિટના વેચાણ ભાવમાં વૃદ્ધિ હતું. કંપનીનો શેર શુક્રવારે 4.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 579.2ની સપાટીએ ટ્રેડ થયો હતો.
પિરામલ એન્ટરપ્રાઈઝિસઃ કંપનીમાં રોકાણકારો એવા ન્યૂ વર્લ્ડ ફંડ ઈન્ક અને સ્મોલ કેપ વર્લ્ડ ફંડ ઈન્કે તેના સમગ્ર 34.62 લાખ ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.
કોર્પોરેટ રાઉન્ડ અપ
આઈડિયાફોર્જઃ અનમેન્ડ એરક્રાફ્ટ સિસ્ટમ્સ ઉત્પાદક આઈડિયાફોર્જ ટેક્નોલોજીનું લિસ્ટીંગ બમ્પર જોવા મળ્યું હતું. શુક્રવારે કંપનીનો શેર ઓફરભાવ સામે 45 ટકા પ્રિમીયમ સાથે ખૂલ્યો હતો. અને 92.70 ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. કંપનીએ 2023માં અત્યાર સુધીના તમામ લિસ્ટીંગ્સમાં સૌથી સારુ લિસ્ટીંગ દર્શાવ્યું હતું. કંપનીનો શેર રૂ. 672ના ઓફર ભાવ સામે એનએસઈ ખાતે રૂ. 1300 પર ખૂલ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે રૂ. 1342.95ની ટોચ દર્શાવી હતી. જ્યારે નીચામાં તે રૂ. 1260 પર ટ્રેડ થયો હતો. કામકાજની આખરમાં તે રૂ. 1294.95 પર બંધ રહ્યો હતો. જે ઓફર ભાવ સામે રૂ. 622.75ની વૃદ્ધિ સૂચવે છે. કંપનીના શેરનું લિસ્ટીંગ ગ્રે-માર્કેટ પ્રિમીયમ કરતાં પણ ઊંચું રહ્યું હતું. ગુરુવારે ગ્રે-માર્કેટ પ્રિમીયમ 70 ટકા પ્રિમીયમની અપેક્ષા રાખી રહ્યું હતું. જોકે, આઈપીઓમાં ઊંચા પાર્ટિસિપેશનને જોતાં ઊંચા ઓપનીંગની શક્યતાં હતીં. આઈપીઓ 106.6 ગણો છલકાયો હતો. જેમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સનો હિસ્સો 126 ગણો છલકાયો હતો. જ્યારે રિટેલ ક્વોટા 85.20 ગણો છલકાયો હતો.
એનએસઈઃ દેશમાં સૌથી મોટા સ્ટોક એક્સચેન્જે રોકાણકારોના હિતમાં એક યાદી જાહેર કરી છે. જે મુજબ એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “ન્યુ યોર્ક લાઇવ ટ્રેડ” નામની કંપની સાથે સંકળાયેલા “હિમાંશુ ઠક્કર” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “9662096620” દ્વારા ઓપરેટ કરીને શેરમાર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર આપી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટ સબ્સ્ક્રાઇબ ન કરવી કારણ કે તે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. અત્રે એ પણ નોંધનીય છે કે આ વ્યક્તિ/કંપની નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ સદસ્યના સભ્ય અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલી નથી. એક્સચેન્જે તેની વેબસાઈટ પર https://www.nseindia.com/invest/find-a-stock-broker લિંક હેઠળ “નો/લોકેટ યોર સ્ટોક બ્રોકર” ની સુવિધા પૂરી પાડી છે, જેથી નોંધાયેલા સભ્ય અને અધિકૃત વ્યક્તિઓની વિગતો તપાસી શકાય. વધુમાં, એક્સચેન્જમાં ટ્રેડિંગ સભ્યો દ્વારા જાહેર કરાયેલા રોકાણકારો પાસેથી નાણાં મેળવવા/ચુકવવા માટે ક્લાયન્ટ બેંક એકાઉન્ટ તરીકે નામ આપવામાં આવેલ નિયુક્ત બેંક ખાતાઓ પણ ઉપરોક્ત લિંક હેઠળ પ્રદર્શિત થાય છે. કોઈપણ એન્ટિટી સાથે વ્યવહાર કરતી વખતે રોકાણકારોને વિગતો તપાસવાની સલાહ આપવામાં આવે છે.