Market Summary 07/12/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

માર્કેટ તેજીને વિરામ આપી કોન્સોલિડેશનમાં પ્રવેશ્યું
ગુરુવારે બેન્ચમાર્ક્સમાં સાંકડી રેંજમાં ટ્રેડિંગ નોંધાયું
એશિયન બજારોમાં ઘટાડો આગળ વધ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 8 ટકા ગગડી 12.67ના સ્તરે
એનર્જી, પીએસઈ, ઓટો, ફાર્મામાં મજબૂતી
એફએમસીજી, મેટલ, આઈટીમાં નરમાઈ
તાતા પાવર, એસજેવીએન, એનએચપીસી નવી ટોચે
ટોરેન્ટ પાવરે રૂ. 1000ની સપાટી પાર કરી

ભારતીય શેરબજારમાં સાત દિવસથી જોવા મળી તેજી પર બ્રેક લાગી હતી અને કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 132 પોઈન્ટ્સ ઘટાડે 69522ની સપાટીએ જ્યારે નિફ્ટી 37 પોઈન્ટ્સ ગગડી 20901ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ તેજી જળવાય હતી. જેને કારણે બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3885 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2144 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1619 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 339 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સે 52-સપ્તાહનું લો દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 8 ટકા ગગડી 12.67ના સ્તરે બંધ રહ્યો હતો.
યુએસ બજારમાં નરમાઈ પાછળ ગુરુવારે ભારતીય બજારની શરૂઆત સાધારણ ગેપ-ડાઉન જોવા મળી હતી. દિવસ દરમિયાન બેન્ચમાર્ક્સ બે બાજુની વધ-ઘટ વચ્ચે સાધારણ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 119 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21020ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 117 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં સાધારણ વૃદ્ધિ સૂચવે છે. આનો અર્થ એ થાય છે કે માર્કેટમાં લોંગ પોઝીશન અકબંધ છે. જે મજબૂત અન્ડરટોન દર્શાવે છે. વૈશ્વિક બજારમાં મજબૂતી વચ્ચે ભારતીય બજાર હજુ પણ સુધારો જાળવી શકે છે. જે દરમિયાન તે 21 હજારની વિક્રમી સપાટી દર્શાવી શકે છે. જોકે, ટ્રેડર્સે સાવચેતી દાખવવાની ખાસ જરૂર છે. તેમણે લોંગ પોઝીશન માટે 20700નો સ્ટોપલોસ જાળવવો જોઈએ. નવી લોંગ પોઝીશનથી દૂર રહેવું જોઈએ. જો 20700નું લેવલ તૂટે તો એક્ઝિટ લઈ શોર્ટ પોઝીશન લઈ શકાય છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા, ગ્રાસિમ, આઈશર મોટર્સ, ટાઈટન કંપની, ડો. રેડ્ડીઝ લેબ્સ, એનટીપીસી, મારુતિ સુઝુકી, તાતા કન્ઝ્યૂમર, એસબીઆઈ, બજાજ ઓટો, બીપીસીએલ, એસબીઆઈ લાઈફનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ભારતી એરટેલ, એચયૂએલ, ઓએનજીસી, એપોલો હોસ્પિટલ, તાતા સ્ટીલ, હિંદાલ્કો, એલટીઆઈમાઈન્ડટ્રી, આઈટીસી, લાર્સન, જેએસડબલ્યુ સ્ટીલ, એમએન્ડએમમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એનર્જી, પીએસઈ, ઓટો, ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે એફએમસીજી, મેટલ, આઈટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.23 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ટાટા પાવર 11 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઓસી, ગેઈલ, એનટીપીસી, બીપીસીએલમાં સુધારો જોવા મળતો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ 0.5 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે પ્રથમવાર 18 હજારની સપાટી દર્શાવી હતી. જેના ઘટકોમાં એમઆરએફ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, ટીવીએસ મોટર, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, આઈશર મોટર્સ, સોના બીએલડબલ્યુ, મારુતિ સુઝુકી, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બોશમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ પણ મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, હેમિસ્ફીઅર, સોભા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ અને સનટેક રિઅલ્ટીનો સમાવેશ થતો હતો. નિફ્ટી બેંક ફ્લેટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પીએસયૂ બેંક 0.5 ટકા સુધરી નવી ટોચ પર બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં આઈઓબી, ઈન્ડિયન બેંક, પીએનબી, યૂકો બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈનો સમાવેશ થતો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ એક ટકા ઘટાડો દર્શાવતો હતો. જેમાં એચયૂએલ 1 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ગોદરેજ કન્ઝ્યૂમર, આઈટીસી, મેરિકો, કોલગેટ અને ડાબર ઈન્ડિયામાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ નરમાઈ દર્શાવતો હતો. જેના ઘટકોમાં એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, પર્સિસ્ટન્ટ, ટેક મહિન્દ્રા અને વિપ્રો નેગેટિવ બંધ સૂચવતાં હતાં.
એનએસઈના ડેરિવેટીવ્સ પ્લેટફોર્મ પર નજર નાખીએ તો તાતા પાવર 11 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આઈઈએક્સ, કન્ટેનર કોર્પોરેશન, ઝી એન્ટરટેઈનમેન્ટ, મહાનગર ગેસ, ઈન્ડુસ ટાવર્સ, એમસીએક્સ ઈન્ડિયા, ઈન્ડિયા સિમેન્ટ્સ, ઝાયડસ લાઈફ, આલ્કેમ લેબ, એમઆરએફ, લૌરસ લેબ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, વોડાફોન, ભારત ઈલે., એલઆઈસી હાઉસિંગ, એસબીઆઈ કાર્ડ, પાવર ગ્રીડ, વોલ્ટાસ, આઈઆરસીટીસી તાતા કોમ્યુનિકેશનમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, બલરામપુર ચીની, એબી કેપિટલ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ભારતી એરટેલ, એચયૂએલ, ગોદરેજ કન્ઝ્યૂમર, આઈડીએફસી, એપોલો ટાયર્સ, આરઈસી, એપોલો હોસ્પિટલ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, તાતા સ્ટીલ, પિરામલ એન્ટર.માં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં તાતા પાવર, એસજેવીએન, એનએચપીસી, ટોરેન્ટ પાવર, કોન્કોર, એલઆઈસી ઈન્ડિયા, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, જેએસડબલ્યુ એનર્જી, એમસીએક્સ ઈન્ડિયા, એનબીસીસી, એમઆરએફ, ગુજરાત પીપાવાર, ભેલ, ભારત ઈલે., એનસીસી, સીઈએસસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઆરસીટીસી અને એનએલસી ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. અમદાવાદ મુખ્યાલય ધરાવતી ટોરેન્ટ પાવરે વિક્રમી રૂ. 1000ની સપાટી પાર કરી હતી.

તાતા પાવરે રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું
તાતા જૂથની કંપની તાતા પાવરે ગુરુવારે રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ પસાર કર્યું હતું. જે સાથે આ સિધ્ધિ હાંસલ કરનાર તે છઠ્ઠી તાતા જૂથ કંપની બની હતી. ગુરુવારે કંપનીનો શેર 11 ટકા ઉછળી રૂ. 325.60ની સપાટીએ બંધ રહ્યો હતો. ચાલુ કેલેન્ડરમાં તે 50 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે. જે નિફ્ટીમાં જોવા મળેલાં 15 ટકાના રિટર્ન કરતાં મજબૂત વૃદ્ધિ સૂચવે છે. બ્રોકરેજિસ તરફથી કંપનીનું રેટીંગ અપગ્રેડ કરવામાં આવતાં કંપનીના શેરમાં છેલ્લાં સત્રોમાં મજબૂત ખરીદી જોવા મળી છે. દાયકાઓ જૂની કંપનીને રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ કરવામાં નોંધપાત્ર સમય લાગ્યો હતો. કંપની રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ઊંચું ફોકસ ધરાવી રહી છે. તેમજ તે લો-વેલ્યૂ બિઝનેસિસમાંથી બહાર નીકળી રહી છે. તે બ્રાઉનફિલ્ડ હાઈડ્રો સ્ટોરેજ સેક્ટરમાં પ્રવેશી રહી છે. તેમજ તેના ટ્રાન્સમિશન બિઝનેસને ડિસ્ટ્રીબ્યુશનથી આગળ લઈ જઈ રહી છે.

સરકારે સુગર મિલ્સને ઈથેનોલ બનાવટમાં શેરડીનો રસ ઉપયોગમાં નહિ લેવા જણાવ્યું
જોકે, ખાદ્યાન્ન મંત્રાલયે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને બી-હેવી મોલાસિસમાંથી ઈથેનોલ સપ્લાય ચાલુ રહેવાની ખાતરી આપી

કેન્દ્ર સરકારે ગુરુવારે સુગર મિલ્સ અને ડિસ્ટીલરિઝને ઈથેનોલના ઉત્પાદન માટે શેરડીના સરનો ઉપયોગ નહિ કરવા માટે જણાવ્યું હતું. સરકારે દેશમાં ખાંડના પૂરતાં જથ્થાની ખાતરી માટે તથા ભાવને અંકુશમાં રાખવા આ પગલું લીધું હતું. જોકે, ખાદ્યાન્ન મંત્રાલયે સુગર મિલ્સ અને ડિસ્ટીલરિઝના એમડી અને સીઈઓને પત્રમાં જણાવ્યું છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને બી-હેવી મોલાસિસમાંથી ઈથેનોલનો સપ્લાય ચાલુ રહેશે. ફૂડ મંત્રાલયે સુગર કંપનીઓને પત્રમાં જણાવ્યું હતું કે સુગર કંટ્રોલ ઓર્ડર(1966)ના ક્લોઝ 4 અને 5 હેઠળ આપવામાં આવેલી સત્તા હેઠળ સુગર મિલ્સ અને ડિસ્ટીલરીઝને 2023-24માં તત્કાળ અસરથી ઈથેનોલના ઉત્પાદન માટે શેરડીનો રસ કે સુગર સિરપનો ઉપયોગ તત્કાળ અસરથી નહિ કરવા જણાવવામાં આવે છે. જોકે, બી-હેવી મોલાસિસમાંથી બનેલા ઈથેનોલનો સપ્લાય ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ચાલુ રહેશે એમ તેણે જણાવ્યું હતું. સરકારના આ નિર્દેશ પાછળ છેલ્લાં બે સત્રોમાં સુગર શેર્સના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. શેરબજાર પર લિસ્ટડ અનેક સુગર શેર્સ બુધવારે 5-8 ટકા ગગડ્યાં પછી ગુરુવારે સવારે ટ્રેડિંગ દરમિયાન વધુ તૂટ્યાં હતાં. જોકે, સરકાર તરફથી ઈથેનોલ સપ્લાય ચાલુ રાખવાની સ્પષ્ટતા પછી તેમાં થોડો બાઉન્સ જોવા મળ્યો હતો. કામકાજની આખરમાં તેઓ નેગેટિવ બંધ રહ્યાં હતાં. ચાલુ સિઝનમાં દેશમાં શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડાની શક્યતાં પાછળ દેશમાં ખાંડના સપ્લાયને લઈ ચિંતા સેવાઈ રહી છે. વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ 12 વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે ભારતીય બજારમાં તે છ-વર્ષોની ટોચ દર્શાવી રહ્યાં છે. ભારત વિશ્વમાં ખાંડનો સૌથી મોટો નિકાસકાર છે. જોકે, છેલ્લાં બે વર્ષોથી સરકાર નિકાસ પર અંકુશ લગાવી રહી છે. જેથી સ્થાનિક બજારમાં પુરવઠા પર નેગેટિવ અસર ના પડે.

ગૌતમ અદાણી ફરીથી બીજા સૌથી ધનવાન ભારતીય બન્યાં
માર્ચમાં અદાણી જૂથ કંપનીઓમાં રોકાણ કરનાર GQG પાર્ટનર્સના રાજીવ જૈનને 82 ટકાનું તગડું વળતર મળ્યું
સાત ટ્રેડિંગ સત્રોમાં અદાણી જૂથનું માર્કેટ-કેપ રૂ. 4.5 લાખ કરોડ ઉછળી રૂ. 14.8 લાખ કરોડે પહોંચ્યું

અદાણી જૂથના શેર્સમાં છેલ્લાં એક સપ્તાહમાં ભારે લેવાલી પાછળ જૂથના માર્કેટ-કેપિટલાઈઝેશનમાં તીવ્ર ઉછાળા પાછળ જૂથના પ્રમોટર ગૌતમ અદાણી ફરીથી બીજા સૌથી ધનવાન ભારતીય બન્યાં છે. અગાઉ કેલેન્ડરની શરૂઆતમાં જાન્યુઆરીની આખરમાં યુએસ સ્થિત હિંડેનબર્ગ રિપોર્ટ પાછળ તેમણે વિશ્વના બીજા સૌથી મોટા ધનવાન તરીકેનું સ્થાન ગુમાવ્યું હતું. જોકે, તાજેતરમાં યુએસ સરકારે જ હિંડેનબર્ગના રિપોર્ટને અપ્રસ્તુત ગણાવતાં અદાણી શેર્સમાં ભારે ખરીદી નીકળી હતી અને જોતજોતામાં સાત ટ્રેડિંગ સત્રોમાં અદાણી જૂથનું માર્કેટ-કેપ રૂ. 4.5 લાખ કરોડથી વધુ ઉછળ્યું હતું. ગુરુવારે સવારે તે રૂ. 14.8 લાખ કરોડ પર જોવા મળતું હતું. જૂથની અનેક કંપનીઓના શેર્સ માત્ર એક સપ્તાહમાં 40-50 ટકા જેટલું તીવ્ર રિટર્ન સૂચવી રહ્યાં છે.
અદાણી જૂથ શેર્સમાં સૌથી મોટી તેજીનો લાભ જૂથની ચાર કંપનીઓમાં માર્ચ 2023માં રોકાણ કરનાર યુએસ સ્થિત જીક્યુજી પાર્ટનર્સના રાજીવ જૈનને થયો છે. તેમને તેમના અદાણી જૂથ રોકાણ પર આંઠ મહિનામાં 82 ટકાનું તગડું વળતર મળી રહ્યું છે. અદાણી જૂથમાં તેમનું રોકાણ વર્ષથી પણ નીચા સમયગાળામાં લગભગ બમણું થયું છે એમ કહી શકાય. જીક્યૂજીના પોર્ટફોલિયોમાં અદાણી જૂથ શેર્સનું મૂલ્ય ઉછળી રૂ. 39,331 કરોડ પર પહોંચ્યું છે. જે વિવિધ અદાણી જૂથ કંપનીઓમાં તેમણે કરેલારૂ. 21,660 કરોડના રોકાણમાં રૂ. 17 હજાર કરોડથી વધુની વૃદ્ધિ સૂચવે છે. તેમણે માર્ચ, 2023માં પ્રથમ તબક્કા પછી વધુ બે તબક્કામાં અદાણી જૂથ કંપનીઓમાં રોકાણ કર્યું હતું. તેમણે મુખ્યત્વે અદાણી જૂથની ચાર કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને અદાણી પાવરમાં રોકાણ કર્યું હતું. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝમાં રૂ. 3403 કરોડનું રોકાણ હાલમાં રૂ. 9024 કરોડ પર જોવા મળે છે. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જીમાં રૂ. 4743 કરોડનું રોકાણ રૂ. 8800 કરોડ પર પહોંચ્યું છે. અદાણી પોર્ટ્સમાં રૂ. 4472 કરોડનું રોકાણ રૂ. 7766 કરોડ પર જોવા મળે છે. જ્યારે અદાણી પાવરમાં રૂ. 4245 કરોડનું રોકાણ રૂ. 8718 કરોડ પર જોવા મળી રહ્યું છે.
જીક્યુજી પાર્ટનર્સના રાજીવ જૈને 2 માર્ચે અદાણી જૂથની ચાર કંપનીઓમાં રૂ. 11,849 કરોડ રોક્યાં હતાં. જૂનમાં તેમણે અદાણી એનર્જી સોલ્યુશન્સમાં તથા અદાણી ગ્રીન એનર્જીમાં રૂ. 2776 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે 16 ઓગસ્ટે અદાણી પ્રમોટર્સે જીક્યૂજીને રૂ. 4245 કરોડમાં અદાણી પાવરના 15.21 કરોડ શેર્સ વેચ્યાં હતાં. જે ત્યારપછી 90 ટકા ઉછળ્યો છે. જેણે જીક્યુજીના રોકાણને રૂ. 8858 કરોડ પર પહોંચાડ્યું છે. સપ્ટેમ્બર 2023માં જીક્યૂજીએ અંબુજા સિમેન્ટમાંરૂ. 1520 કરોડનું રોકાણ કર્યું હતું. ગઈ 24 નવેમ્બરથી લઈ અત્યાર સુધીમાં અદાણી જૂથ શેર્સમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. જૂથનું માર્કેટ-કેપ રૂ. 4.5 લાખ કરોડ જેટલું ઉછળી રૂ. 14.8 લાખ કરોડ પર પહોંચ્યું છે. અગાઉ સુપ્રીમ કોર્ટ તરફથી જૂથને ક્લિનચીટ પછી યુએસ સરકારે પણ હિંડેનબર્ગ રિપોર્ટને નકાર્યો હતો. જ્યારે રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને કારણે પણ અદાણી જૂથને લઈ સેન્ટીમેન્ટમાં પરિવર્તન જોવા મળ્યું હતું. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીની વેલ્થ 10 અબજ ડોલરથી વધુ ઉછળી 70 અબજ ડોલરને પાર કરી ગઈ હતી અને તેઓ બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સમાં ફરી ટોચના સ્થાનોમાં જોવા મળી રહ્યાં છે.

નાની લોન્સ ઘટાડવાની જાહેરાત પાછળ પેટીએમનો શેર 20 ટકા ગગડ્યો
શેરબજારમાં લિસ્ટીંગ પછી ફિનટેક કંપનીના શેરમાં સૌથી મોટો એકદિવસીય ઘટાડો
બીએસઈ ખાતે શેર 20 ટકાની લોઅર સર્કિટમાં રૂ. 650.65ની સપાટીએ ટ્રેડ થયો

ફિનટેક કંપની પેટીએમની માલિક વન 97 કોમ્યુનિકેશન્સનો શેર ગુરુવારે 20 ટકાની લોઅર સર્કિટમાં પટકાયો હતો. કંપનીએ નાની રકમની લોન્સને ઘટાડવાની જાહેરાત કરવા પાછળ શેરમાં તીવ્ર વેચવાલી નીકળી હતી અને સવારના ભાગમાં જ બીએસઈ ખાતે તે 20 ટકાની નીચલી સર્કિટમાં રૂ. 650.65 પર ટ્રેડ થયો હતો. કંપનીએ રૂ. 50 હજારથી નીચેના મૂલ્યની લોનનું પ્રમાણ ઘટાડશે તેમ જણાવ્યું હતું.
જોકે, લોઅર સર્કિટ દર્શાવ્યાં પછી શેરમાં થોડું બાઈંગ જોવા મળ્યું હતું અને તે 17 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. પેટીએમે જણાવ્યું હતું કે આ પગલું આરબીઆઈએ લીધેલા નિયમનકારી પગલાને કારણે તેણે ભર્યું છે. બેંક રેગ્યુલેટરે ગયા મહિને અનસિક્યોર્ડ કન્ઝ્યૂમર લોન્સ માટેના નિયમો સખત બનાવ્યાં હતાં. કેમકે છેલ્લાં મહિનાઓમાં અનસિક્યોર્ડ પર્સનલ લોન્સના પ્રમાણમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. રૂ. 50 હજારની નીચેના મૂલ્યની લોન્સ મોટેભાગે પોસ્ટપેઈડ લોન હોય છે. જે બાય નાઉ પે લેટર(બીએનપીએલ) તરીકે ગણાય છે. જેનું પ્રમાણ આગામી સમયગાળામાં કંપની ઘટાડીને 50 ટકા કરશે એમ તેણે નોંધ્યું હતું. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન કંપનીની કુલ લોનમાં 55 ટકા હિસ્સો પોસ્ટપેઈડ લોન્સનો હતો. જેમાં પર્સનલ લોનનું પ્રમાણ 25 ટકા જ્યારે મર્ચન્ટ લોનનું પ્રમાણ 20 ટકા પર જોવા મળતું હતું. જો કુલ લોન ડિસ્બર્સમેન્ટ્સની વાત કરીએ તો રૂ. 50 હજારથી નાની હોય તેવી પોસ્ટપોઈડ લોન્સ કુલ વિતરીત રકમના 72-75 ટકા પર જોવા મળતી હતી. ઘણા બ્રોકરેજ હાઉસિસે આ ઘટનાને પગલે પેટીએમ માટે તેમના ટાર્ગેટ ભાવમાં ઘટાડો કર્યો છે. ગોલ્ડમેન સાચે શેર માટેનું રેટિંગ ઘટાડી ન્યૂટ્રલ કર્યું છે. તેમજ અગાઉ રૂ. 1250ના ટાર્ગેટ ભાવને ઘટાડે રૂ. 840 કર્યો છે. બ્રોકરેજે અગાઉ 2024-25માં કંપનીની નફા કરવાની શક્યતાને હવે થોડી લંબાવી 2025-26 કરી છે. આમ પેટીએમના શેરને લઈ સેન્ટીમેન્ટ બદલાયું છે. તેણે 2023-24થી 2025-26 માટેની અપેક્ષિત રેવન્યૂ અને એડજસ્ટેડ એબિટાના અંદાજમાં અનુક્રમે 10 ટકા સુધીનો તથા 40 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.
જેફરીઝે નોંધ્યું છે કે બીએનપીએલ વિતરણ આગામી 3-4 મહિનામાં અડધું થઈ જશે. તેણે પેટીએમના ટાર્ગેટ પ્રાઈસને ઘટાડી રૂ. 1300 પરથી રૂ. 1050 કર્યો છે. જ્યારે આગામી બે નાણા વર્ષોમાં રેવન્યૂ ટાર્ગેટમાં પણ 3-10 ટકાનો ઘટાડો કર્યો છે. જેની અસરે એડજસ્ટેડ એબિટામાં 12-15 ટકાનો ઘટાડો જોવા મળશે. બર્નસ્ટેઈને પણ શેરના ટાર્ગેટને રૂ. 1100 પરથી ઘટાડી રૂ. 950 કર્યો છે.

સતત આંઠમા કેલેન્ડરમાં ભારતીય શેરબજારનું આઉટપર્ફોર્મન્સ
કેલેન્ડર 2016થી 2023 સુધીમાં બેન્ચમાર્ક સેન્સેક્સે 168 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું
બીજી બાજુ હરિફ ચીનના બેન્ચમાર્ક શાંઘાઈ કંપોઝીટમાં આંઠ વર્ષોમાં 17 ટકા ઘટાડો
100 ટકાથી વધુ રિટર્ન આપવામાં માત્ર ભારત અને અમેરિકી બેન્ચમાર્ક્સનો સમાવેશ

ભારતીય શેરબજાર છેલ્લાં આંઠ વર્ષોથી તેજીના રંગે રંગાયું છે. કેલેન્ડર 2016થી લઈને ટૂંક સમયમાં પૂરા થવા જઈ રહેલા કેલેન્ડર 2023, દરેકમાં સ્થાનિક બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ પોઝીટીવ રિટર્ન આપ્યું છે. તેમણે હરિફ ઈમર્જિંગમ માર્કેટ્સના સ્ટોક માર્કેટ બેન્ચમાર્ક્સને ઊંચા માર્જિનથી પાછળ રાખ્યાં છે. તેમજ સતત પોઝીટીવ રિટર્નનો વિક્રમ બનાવ્યો છે. અગાઉ આંઠ કેલેન્ડર્સમાં સળંગ પોઝીટીવ રિટર્ન છેલ્લાં 30-વર્ષોમાં તેણે નથી દર્શાવ્યું.
એકમાત્ર નાસ્ડેકે ગણતરીમાં લીધેલા સમયગાળામાં ભારતીય બેન્ચમાર્ક્સની સરખામણીમાં થોડું ઊંચું રિટર્ન દર્શાવ્યું છે. જોકે, એ વાત ના ભૂલવી જોઈએ કે બેન્ચમાર્ક 2000થી લઈ 2015 સુધી ભારતીય શેરબજારની સરખામણીમાં મોટો અન્ડરપર્ફોર્મર બની રહ્યો હતો અને મહામારી પછી ગ્લોબલ ટેક્નોલોજી કંપનીઓમાં મોટી તેજી પાછળ તે ઝડપી સુધર્યો હતો. જોકે, પાછળથી તે ભારતીય બજારની સરખામણીમાં ફરી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. 2016થી 2023માં અત્યાર સુધી નાસ્ડેક 181 ટકાના રિટર્ન સાથે ટોચ પર જોવા મળે છે. જ્યારપછી 168 ટકા રિટર્ન સાથે બીએસઈ સેન્સેક્સ બીજા ક્રમે આવે છે. વિશ્વમાં સૌથી ઊંચું ડેરિવેટીવ્સ ટ્રેડિંગ ધરાવતાં એનએસઈનો નિફ્ટી 165 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ 2015ની આખરમાં 25960ની બંધ સપાટીની સરખામણીમાં તાજેતરમાં 69755ની સર્વોચ્ચ ટોચ દર્શાવી ચૂક્યો છે. આમ એબ્સોલ્યૂટ ટર્મમાં તેણે લગભગ 45 હજાર પોઈન્ટ્સની તેજી નોંધાવી છે. જે અસાધારણ છે. ભારતીય બેન્ચમાર્ક્સ પછી આઁઠ કેલેન્ડર્સમાં ઊંચું રિટર્ન આપવામાં એસએન્ડપી 500 અને ડાઉ જોન્સનો ક્રમ આવે છે. આમ, ભારત અને યુએસના બેન્ચમાર્ક્સ રિટર્ન આપવાની બાબતમાં એક માર્ગે ચાલતાં જોવા મળે છે. વિશ્વની ટોચની 500 કંપનીઓને સમાવતાં એસએન્ડપી 500એ 2016ની શરૂઆતથી અત્યાર સુધીમાં 121 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે 105 ટકાનું વળતર આપ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે 100 ટકાથી વધુ રિટર્ન આપવામાં ભારત અને અમેરિકી બેન્ચમાર્ક્સનો જ સમાવેશ થાય છે. તે સિવાયના અન્ય તમામ બેન્ચમાર્ક્સ દ્વિઅંકી રિટર્ન દર્શાવી રહ્યાં છે. જેમકે, જાપાનનો નિક્કાઈ પણ સમાનગાળામાં ઊંચું રિટર્ન દર્શાવી રહ્યો છે. જોકે, તેણે 76 ટકાનું રિટર્ન આપ્યું છે. જે નાસ્ડેક, નિફ્ટી અને સેન્સેક્સની સરખામણીમાં 60 ટકાથી નીચું રિટર્ન છે. વાજબી વળતર આપનારા અન્ય ટોચના સૂચકાંકોમાં ફ્રાન્સનો કેક અને જર્મનીનો ડેક્સ અનુક્રમે 59 ટકા અને 54 ટકાનું રિટર્ન સૂચવી રહ્યાં છે. યુરોપમાં લાંબા સમયથી મંદી વચ્ચે તેઓ પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. યૂકેનો ફૂટ્સી સમાનગાળામાં 20 ટકાનું રિટર્ન સૂચવે છે. આમ, તે ટોચના વિકસિત બજારોમાં સૌથી મોટો અન્ડરપર્ફોર્મર જોવા મળી રહ્યો છે.
જોકે, મહત્વની બાબત તો ચાઈનીઝ શેરબજારની છે. છેલ્લાં આઁઠ વર્ષઓમાં ચીનનો બેન્ચમાર્ક શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 17 ટકા ડાઉન જોવા મળી રહ્યો છે. આમ, તો તે કેલેન્ડર 2008થી નેગેટિવ જોવા મળે છે. ઓક્ટોબર 2007માં 6200ની ટોચ બનાવ્યાં પછી તે ફરી ક્યારેય આ સપાટી હાંસલ કરી શક્યો નથી. જે સૂચવે છે કે ચીનનું બજાર લાંબા સમયથી રોકાણકારોને કોઈ રિટર્નથી નવાજી રહ્યું નથી. આ જ સ્થિતિ હોંગ કોંગ શેરબજારની પણ છે. વિશ્વમાં પાંચમા ક્રમનું માર્કેટ-કેપ ધરાવતું હોંગ કોંગ શેરબજાર પર મુખ્યત્વે ચાઈનીઝ કંપનીઓ લિસ્ટીંગ ધરાવે છે અને તેથી તે પણ છેલ્લાં ઘણા વર્ષોથી અન્ડરપર્ફોર્મર બની રહ્યું છે. તેમજ તે ખૂબ જ વોલેટાલિટી પણ દર્શાવી રહ્યું છે. ગુરુવારે તે 1 ટકાથી વધુ ઘટાડા સાથે 16,158ના વાર્ષિક તળિયા પર ટ્રેડ થયું હતું. તે 22,701ની વાર્ષિક ટોચથી 25 ટકાથી વધુ તૂટી ચૂક્યું છે. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષોમાં તે 39 ટકાનો ઘટાડો દર્શાવે છે.

અગ્રણી શેરબજાર સૂચકાંકોનો 2016થી અત્યાર સુધીનો દેખાવ

બેન્ચમાર્ક બજાર ભાવ 31 ડિસે. 2015નો બંધ વૃદ્ધિ(ટકામાં)
નાસ્ડેક 14229.91 5065.85 181%
સેન્સેક્સ 69653.73 25960.03 168%
નિફ્ટી 20937.7 7896.25 165%
S&P 500 4567.18 2063.36 121%
ડાઉ જોન્સ 36124.56 17603.87 105%
નિક્કાઈ 33445.9 19033.71 76%
CAC(ફ્રાન્સ) 7414.09 4677.14 59%
ડેક્સ(જર્મની) 16580.89 10743.01 54%
શાંઘાઈ કંપોઝીટ 2968.933 3572.876 -17%
હેંગ સેંગ 16463.26 21882.15 -25%

શેરબજારની તેજીમાં પ્રોફિટ બુકિંગ કરી રહેલા PE ઈન્વેસ્ટર્સ
ચાલુ નાણા વર્ષમાં સ્થાનિક લિક્વિડીટીના સપોર્ટથી પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સે 2.5 અબજ ડોલરની એક્ઝિટ લીધી

ભારતીય શેરબજારમાં તેજીનો લાભ વિદેશી પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ લઈ રહ્યાં છે. ચાલુ નાણા વર્ષમાં અત્યાર સુધીમાં લગભગ ચારેક મોટા ડિલ્સમાં ફોરેન પીઈએ તગડા નફા સાથે એક્ઝીટ લીધી છે. માર્ચથી લઈ ડિસેમ્બર સુધીમાં તેમણે લગભગ 2.5 અબજ ડોલરનો હિસ્સો વેચ્યો છે. જેને સ્થાનિક લિક્વિડીટીનો સપોર્ટ મળ્યો છે. આ ડેટામાં પીઈ તરફથી સ્ટાર્ટ-અપ્સમાંથી મેળવવામાં આવેલી એક્ઝીટનો સમાવેશ નથી થતો અને તે સેકન્ડરી માર્કેટમાં વેચાણને સમાવે છે.
એક રિસર્ચ રિપોર્ટ મુજબ ટોચની પીઈ તરફથી લિસ્ટેડ કંપનીઓમાં તેમના નોંધપાત્ર હિસ્સાનું વેચાણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચાલુ સપ્તાહની શરૂમાં વોરબર્ગ પિંકસ સાથે જોડાયેલી ગ્રેટ ટેરેન ઈન્વેસ્ટમેન્ટે કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસિઝ(સીએએમએસ)માં કરેલા 19.87 ટકા હિસ્સા વેચાણ તાજુ ઉદાહરણ છે. વોરબર્ગની કંપનીએ મ્યુચ્યુલ ફંડ ટ્રાન્સફર એજન્સીમાં રૂ. 2700 કરોડમાં આ હિસ્સો વેચ્યો હતો. યુએસ સ્થિત પ્રમોટર સીએએમએસની પ્રમોટર તરીકે ક્લાસિફાઈડ હતી. તેણે તેના રોકાણ પર ચાર ગણો નફો મેળવ્યો હતો. એક અન્ય મહત્વના ઉદાહરણમાં બેરિંગ પ્રાઈવેટ ઈક્વિટી એશિયાએ કોફોર્જમાં 26.6 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. જ્યારે એવરસ્ટોન કેપિટલે રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયામાં 25.4 ટકા હિસ્સો વેચ્યો હતો. રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયા અગાઉ બર્ગરકિંગ તરીકે ઓળખાતી હતી. વર્તુળોના મતે ચાલુ વર્ષે ખાસ નોંધવા લાયક બાબત એ છે કે પીઈ કંપનીઓ એક સાથે જ તેમના મોટા હિસ્સાનું વેચાણ કરવામાં સક્ષમ રહી છે. જે અગાઉ એકથી વધુ તબક્કામાં અને મહિનાઓમાં પ્લાનીંગ સાથે કરવામાં આવતું હતું. આમ, તાજેતરમાં જોવા મળેલી પીઈ એક્ઝિટ સ્થાનિક બજારની વધતી ક્ષમતા સૂચવે છે. આ ઉપરાંત, મોટા ભાગની પીઈ એક્ઝીટ સંબંધિત કંપનીઓના શેરના ભાવમાં કોઈ મોટા ઘટાડા વિના પૂરી થઈ હતી. જે બજારની મેચ્યોરિટી દર્શાવે છે. માર્કેટમાં સપ્લાય સામે ઊંચી ડિમાન્ડને કારણે આમ બન્યું છે. જે ડેપ્થ સૂચવે છે. ઉદ્યોગ વર્તુળોના મતે ચાલુ વર્ષે જોવા મળેલી સરળ પીઈ એક્ઝીટ સ્થાનિક બજારમાં મજબૂત લિક્વિડીટી દર્શાવે છે. તાજેતરમાં જ ભારતીય બજારે 4 ટ્રિલીયન ડોલરનું માર્કેટ-કેપ હાંસલ કર્યું છે અને તે હાલમાં વિશ્વમાં ચોથું સૌથી મોટું બજાર બની રહ્યું છે.
પીઈ તરફથી જોવા મળેલા મોટા વેચાણ
કંપની પીઈ હિસ્સા વેચાણ વેચાણ રકમમાં(રૂ. કરોડ)
SJS એન્ટરપ્રાઇઝિસ એવરસ્ટોન કેપિટલ 29.5 550
કોફોર્જ બેરિંગ બ્રાન્ડ એશિયા 26.6 7684
રેસ્ટોરન્ટ એવરસ્ટોન કેપિટલ 25.4 1494
સોના BLW બ્લેકસ્ટોન 20.5 4917
CAMS વોરબર્ગ 19.8 2700

કોર્પોરેટ હેડલાઈન્સ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાઃ ઓટોમોબાઈલ કંપનીએ તેની એસયૂવી અને કમર્સિયલ વેહીકલ્સ કેટેગરીમાં ભાવ વૃદ્ધિ જાહેર કરી છે. તેણે કોમોડિટીઝના ભાવમાં વૃદ્ધિનું કારણ આપીને ઈન્ફ્લેશન પાછળ ભાવમાં વધારો કર્યો હોવાનું જણાવ્યું છે. કંપનીએ જોકે તે વિવિધ મોડેલ્સના ભાવમાં કેટલી વૃદ્ધિ કરશે તે અંગે નહોતું જણાવ્યું. કંપનીએ તેનાથી બનતી ખર્ચ વૃદ્ધિ પચાવવાનો પ્રયાસ કર્યો છે અને ગ્રાહકો પર આંશિક ભાવ વધારો કરી રહી છે એમ નોંધ્યું છે.
આઈડીબીઆઈ બેંકઃ પીએસયૂ બેંકના બેસેલ 3 કોમ્પ્લાયન્ટ ટીયર ટુ બોન્ડ્સ માટે રેટિંગ એજન્સી કેર તરફથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે. કુલ રૂ. 2000 કરોડના બોન્ડ્સ માટેનું રેટિંગ એપ્લસથી વધારી એએમાઈનસ કરાયું છે. જ્યારે આઊટલૂકને સુધારી પોઝીટીવમાંથી સ્ટેબલ કરાયું છે. આ રેટિંગ રિવિઝન બેંકના લોંગ ટર્મ ડેટ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ માટે કરાયું છે. બેંકમાં એલઆઈસી સૌથી ઊંચો હિસ્સો ધરાવે છે. જ્યારે સરકાર બીજા ક્રમની શેરધારક છે.
ઝી એન્ટરટેઈનમેન્ટઃ ઝી-સોની મર્જરને લઈ એક્સિસ ફાઈનાન્સ અને આઈડીબીઆઈ બેંકે કરેલી બે અલગ અપીલ્સ પરની સુનાવણીને એનસીએલએટીએ 15 ડિસેમ્બર પર પરત ઠેલી હતી. કોર્ટે તેની પાસે સમયના અભાવે સુનાવણી મુલત્વી રાખી હતી. તેમજ તેને આગામી સપ્તાહે સુનાવણી માટે લિસ્ટ કરવા જણાવ્યું હતું. અગાઉ એનસીએલટીએ આ અરજીને ખારીજ કરી હતી. જેથી બેંક અને એનબીએફસીએ તેને એનસીએલએટીમાં પડકારવાની ફરજ પડી હતી.
હિંદુસ્તાન એરોનોટીક્સઃ પીએસયૂ વિમાન ઉત્પાદકે જણાવ્યું છે કે નાઈજિરિયા, ફિલિપિન્સ, આર્જેન્ટીના અને ઈજિપ્તે ઘરઆંગણે તૈયાર કરવામાં આવેલા યુધ્ધ વિમાન તેજસ લાઈટની ખરીદીમાં રસ દર્શાવ્યો છે. આ દેશો સાથે હાલમાં વિમાન ખરીદી માટે વાતચીત ચાલી રહી છે. આર્જેન્ટીના ડિફેન્સ મિનિસ્ટરે આ માટે ભારતની મુલાકાત લીધી હતી. જે વખતે એચએએલે આર્જેન્ટીનાની એર ફોર્સ સાથે એગ્રીમેન્ટ પણ સાઈન કર્યો હતો. ફિલિપિન્સ પણ ભારતમાંથી શસ્ત્રોની ખરીદી કરી રહ્યું છે.
આઈડીએફસી ફર્સ્ટ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર માધીવનન બાલક્રિષ્ણને રાજીનામું આપ્યું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.
હિંદુસ્તાન ઝીંકઃ વેદાંત જૂથની કંપનીના બોર્ડે ચાલુ નાણા વર્ષ માટે રૂ. 6 પ્રતિ શેરના બીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. કંપની ડિવિડન્ડ પેટે રૂ. 2535.19 કરોડનું ચૂકવણું કરશે. રૂ. 2ની ફેસવેલ્યૂ જોતાં કંપનીએ 300 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યા મુજબ વચગાળાનું ડિવિડન્ડ નિર્ધારિત સમયગાળામાં ચૂકવવામાં આવશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage