Market Summary 07 December 2022

માર્કેટ સમરી

 

RBIના હોકિશ ટોન પાછળ માર્કેટે સપોર્ટ તોડ્યો

લાંબા સમયબાદ સેન્સેક્સ ચાર સત્રોમાં નેગેટિવ જોવા મળ્યો

યુએસ પાછળ વૈશ્વિક બજારોમાં 3 ટકા સુધી ઘટાડો

વોલેટિલિટી ઈન્ડેક્સમાં સાધારણ વૃદ્ધિ નોંધાઈ

એફએમસીજી ઈન્ડેક્સે સર્વોચ્ચ ટોચ દર્શાવી

એનર્જી, રિઅલ્ટી, મેટલ, આઈટી, ઓટોમાં વેચવાલી

પીએસયૂ બેંક્સમાં સુધારો જળવાયો

 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે રેપો રેટમાં 35 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ વચ્ચે ઈન્ફ્લેશન પર તેનું મુખ્ય ફોકસ હોવાનું જણાવતાં શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 216 પોઈન્ટ્સ ગગડી 62411ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 82 પોઈન્ટ્સ ગગડી 18561ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. લાર્જ તથા મીડ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.03 પોઈન્ટ્સના સુધારે 14.07 પર બંધ રહ્યો હતો.

યુએસ બજારોમાં સતત ત્રીજા દિવસે નરમાઈ પાછળ વૈશ્વિક બજારોમાં 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. જોકે આ બધા વચ્ચે ભારતીય બજારે કામગીરીની શરૂઆત ફ્લેટ દર્શાવી હતી. તેમજ આરબીઆઈ મિટિંગ અગાઉ બજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવતું હતું. આરબીઆઈએ અપેક્ષા મુજબ જ 35 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવી હતી. જેને બજાર અગાઉથી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું હતું. જોકે આરબીઆઈ ગવર્નરે તેમની કોમેન્ટમાં સેન્ટ્રલ બેંકર માટે હજુ પણ ગ્રોથ કરતાં ઈન્ફ્લેશન મુખ્ય બાબત હોવાનું જણાવતાં બજારના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર જોવા મળી હતી. માર્કેટ નિરીક્ષકોના મતે આરબીઆઈની ટિપ્પણીનો અર્થ એવો થાય છે કે 2023માં પણ તે રેટ વૃદ્ધિનો દર જાળવી શકે છે. એકબાજુ અત્યાર સુધીમાં આરબીઆઈ તરફથી રેટ વૃદ્ધિને કારણે સિસ્ટમમાંથી લિક્વિડીટી ઘણે અઁશે દૂર થઈ ચૂકી છે. જો તે વધુ રેટ વૃદ્ધિ કરશે તો આર્થિક વૃદ્ધિ દર પણ તેની ગંભીર અસર જોવા મળી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી બે સત્રોથી 18600ની સપાટી નીચે ઉતરી પરત ફરતો હતો. જોકે બુધવારે તેણે બંધ થતાં અગાઉ 18528નું બોટમ બનાવ્યું હતું. જે સૂચવે છે કે માર્કેટમાં અન્ડરટોન નરમ બન્યો છે અને તે આગામી સત્રોમાં વધુ ઘટાડો દર્શાવી શકે છે. એશિયન બજારોમાં હોંગ કોંગ 3.22 ટકા જેટલો ઘટાડો દર્શાવતું હતું. જ્યારે તાઈવાન, સિંગાપુર, નિક્કાઈ, ચીન સહિતના બજારો પણ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. યુરોપિયન બજારો પણ અડધા ટકા આસપાસ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ગોલ્ડને બાદ કરતાં તમામ એસેટ ક્લાસિસ નરમાઈ સૂચવતાં હતાં. જે ઈન્વેસ્ટર સેન્ટિમેન્ટ વેચવાલી તરફી હોવાનું દર્શાવી રહ્યાં છે.

બુધવારે ભારતીય બજારને મુખ્ય સપોર્ટ આપવામાં એકમાત્ર એફએમસીજી સેક્ટર આગળ આવ્યું હતું.  આ ઉપરાંત પીએસયૂ બેંક્સમાં પણ મજબૂતી જોવા મળી હતી. જ્યારે બીજી બાજુ એનર્જી, આઈટી, ઓટો અને રિઅલ્ટીમાં વેચવાલી નીકળી હતી. નિફ્ટી એફએમસીજી સેક્ટર ઈન્ટ્રા-ડે ધોરણે 45878ની ટોચ દર્શાવી 45725ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. તે એક ટકા જેટલો સુધર્યો હતો. એફએમસીજી કાઉન્ટર્સમાં એચયૂએલ, કોલગેટ, મેરિકો, ડાબર ઈન્ડિયા, ગોદરેજ કન્ઝ્યૂમર, પીએન્ડજી, આઈટીસી, યુનાઈટેડ બ્રૂઅરિઝ સુધારો દર્શાવતાં હતાં. જ્યારે જ્યુબિલિઅન્ટ ફૂડ્ઝ, બ્રિટાનિયા, વરુણ બેવરેજિસમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક્સ ઈન્ડેક્સ 0.26 ટકા મજબૂતી સાથે 4215.25ની સપાટીએ બંધ રહ્યો હતો. નાની પીએસયૂ બેંક્સમાં સુધારા પાછળ તે મક્કમ જોવા મળ્યો હતો. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો શેર 7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત યૂકો બેંક, આઈઓબી, જેકે બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને બેંક ઓફ બરોડામાં પણ સુધારો જોવા મળ્યો હતો. પંજાબ એન્ડ સિંધ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક અને એસબીઆઈ જોકે નરમ જોવા મળ્યાં હતાં. ઘટાડો દર્શાવવામાં એનર્જી સેક્ટર મુખ્ય હતું. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.13 ટકા ગગડ્યો હતો. જેમાં એચપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રીન, તાતા પાવર, ઓએનજીસી અને પાવરગ્રીડ ઘટવામાં અગ્રણી હતાં. જોકે ક્રૂડના ભાવ 11 મહિનાના તળિયે પહોંચતાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ શેર્સ મજબૂત જોવા મળ્યાં હતાં. એચપીસીએલ 4 ટકા જ્યારે બીપીસીએલ અને આઈઓસીમાં 1 ટકાથી વધુનો સુધારો નોંધાયો હતો. નિફ્ટી મેટલ 0.9 ટકા, નિફ્ટી ઓટો 0.8 ટકા, નિફ્ટી આઈટી 0.8 ટકા અને નિફ્ટી ફાર્મા 0.7 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. મેટલ કાઉન્ટર્સમાં તાતા સ્ટીલ, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈઝિસ અને એનએમડીસી નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ આઈટી કાઉન્ટર્સમાં એલટીઆઈમાઈન્ડટ્રી 3 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત એલએન્ડટી ટેક્નોલોજી, કોફોર્જ, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો, એમ્ફેસિસ અને ટેક મહિન્દ્રા પણ એક ટકાથી વધુ નરમાઈ સૂચવતાં હતાં. ઓટો કાઉન્ટર્સમાં અમરરાજા બેટરીઝ 2 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત એમઆરએફ, તાતા મોટર્સ, બજાજ ઓટો, ટીવીએસ મોટર, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, બોશમાં નરમાઈ જોવા મળી હતી. ફાર્મા કાઉન્ટર્સમાં સન ફાર્મા, ઝાયડસ લાઈફ, ઓરોબિંદો ફાર્મા, આલ્કેમ લેબ્સ એકથી બે ટકા આસપાસ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે ટોરેન્ટ ફાર્મા, બાયોકોન અને લ્યૂપિન પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં.

એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સિમેન્સ 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત એચડીએફસી એએમસી, એયૂ સ્મોલ ફાઈનાન્સ, પાવર ફાઈનાન્સ કોર્પો., આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ઈન્ટરગ્લોબ એવિએશન, એશિયન પેઈન્ટ્સ, આરઈસી, મેરિકો અને ડાબર ઈન્ડિયા મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ ઓબેરોય રિઅલ્ટી 3.5 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ સિવાય ડેલ્ટા કોર્પ, જ્યુબિલિઅન્ટ ફૂડ, અતુલ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, પીવીઆર નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. વાર્ષિક ટોચ દર્શાવનારા કેટલાંક કાઉન્ટર્સમાં ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સનો સમાવેશ થતો હતો. શેર 10 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત એનએલસી ઈન્ડિયા, રાષ્ટ્રીય કેમિકલ, એજિસ લોજિસ્ટીક્સ, પાવર ફાઈનાન્સ, જ્યોતિ લેબ્સ, બ્લ્યૂ સ્ટાર, ક્યુમિન્સ, રેડિંગ્ટન પણ તેમની વાર્ષિક ટોચ પર બંધ રહ્યાં હતાં.

 

 

RBIએ નાગરિકોને IFSC ખાતે ગોલ્ડ હેજિંગની છૂટ આપી

સેન્ટ્રલ બેંકે એચટીએમ લિમિટમાં વૃદ્ધિને 31 માર્ચ 2023 સુધી લંબાવી

 

ભારતીય નાગરિકો હવેથી ગાંધીનગર સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ખાતે ગોલ્ડ હેજિંગ કરી શકે છે એમ આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસે બુધવારે નાણાકિય પોલિસીની જાહેરાત વખતે જણાવ્યું હતું. આમ થવાથી ભારતીયોને વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવમાં વધ-ઘટ સામે હેજિંગની સુવિધા મળશે. અત્યાર સુધી ભારતીય કંપનીઓને ગોલ્ડમાં તેમના એક્સપોઝરને વિદેશી બજારમાં વધ-ઘટ સામે હેજ માટેની છૂટ નહોતી. આરબીઆઈના નિર્ણયને કારણે ગોલ્ડનો કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરતાં આયાતકર્તાઓને હેજિંગ માટે મોટી સુવિધા મળશે.

દાસે તેમની દ્વિમાસિક મોનેટરી પોલિસીની જાહેરાત દરમિયાન જણાવ્યું હતું કે સ્થાનિક કંપનીઓને તેમની ગોલ્ડ પોઝીશન સામે હેજિંગ માટે વ્યાપક ફલેક્સિબિલિટી પૂરી પાડવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી તેઓ વધુ કાર્યદક્ષતા સાથે ભાવમાં રહેલા જોખમ સામે સુરક્ષા મેળવી શકે. હવેથી તેઓ ગાંધીનગર સ્થિત આઈએફએસસી ખાતે માન્યતા પ્રાપ્ય એક્સચેન્જિસ ખાતે આમ કરી શકશે. આ અંગે આરબીઆઈ અલગથી વિગતવાર સૂચનો જાહેર કરશે એમ તેમણે ઉમેર્યું હતું. દરમિયાનમાં સેન્ટ્રલ બેંકે  23 ટકાની વધારેલી એચટીએમ(હેલ્ડ ટુ મેચ્યોરિટી) મર્યાદાને 31 માર્ચ 2024 સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. સાથે તેમણે બેંક્સને 1 સપ્ટેમ્બર 2020થી 31 માર્ચ 2024 દરમિયાન ખરીદવામાં આવેલી સિક્યુરિટીઝને પણ એચટીએમ લિમિટમાં ઉમેરવાની છૂટ આપી હતી. અગાઉ આરબીઆઈએ એચટીએમ કેટેગરી હેઠળ લિમિટ્સને 19.5 ટકાથી વધારી 23 ટકા કરી હતી. જેને 30 જૂન, 2024થી તબક્કાવાર રીતે 23 ટકા પરથી 19.5 ટકા પર પુનઃસ્થાપિત કરવામાં આવશે.

 

 

અદાણી પોર્ટ સામે કેરળના વિઝીન્જામ ખાતે વિરોધ અટક્યો

પોર્ટ પાસેથી 30 ટકા વૈશ્વિક કાર્ગો પસાર થાય છે

સરકારે આંદોલનકારીઓની માગ સ્વીકારતાં 138 દિવસના વિરોધનો અંત

 

કેરળ ખાતે અદાણી જૂથના મહત્વાકાંક્ષી અદાણી વિઝીન્જામ ઈન્ટરનેશનલ સીપોર્ટ પ્રોજેક્ટ સામે 138 દિવસોથી ચાલી રહેલા વિરોધને મંગળવારે પરત ખેંચવામાં આવ્યો છે. સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સમાધાન બાદ આંદોલન કરી રહેલા માછીમાર સમુદાયે વિરોધ પરત ખેંચ્યો હતો.

સરકારે વિરોધકારોને અગાઉ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પોર્ટ સાઈટ ખાતે બાંધકામની કામગીરી અટકશે નહિ. જોકે તેણે વિરોધકારોની તમામ માગણીઓ સ્વીકારી લીધી હતી. રાજ્યના ચીફ સેક્રેટરીના નેતૃત્વમાં બનેલી મોનેટરી કમિટીએ આંદોલનકારીઓને તેમની તમામ માગો ધ્યાનમાં લેવામાં આવશે તેની ખાતરી પૂરી પાડી હતી. વિઝીન્ઝામ ખાતે પોર્ટનો વિરોધ કરનારાઓની આગેવાની લેનાર યૂજેન પરેરાએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટના અમલને કારણે દરિયાકાંઠાના થનારા ધોવાણની વિગતો લોકોને આપવામાં આવી નથી. જો સરકારે હાથ ધરેલો અભ્યાસ આ વિસ્તારમાં કેટલી અસર થઈ છે તે જણાવશે તો વિરોધ ફરી શરૂ થશે. સરકાર હાલમાં કાંઠાના ધોવાણને કારણે થનારી અસર બદલ મકાન ગુમાવનાર તમામ પરિવારોને માસિક રૂ. 5500નું વળતર આપવા તૈયાર થઈ છે. વિરોધકારો અદાણી વિઝીન્જામ પોર્ટ ખાતે બાંધકામ બંધ કરવાની માગ કરી રહ્યાં હતાં. તેમની માગમાં દરિયાકાંઠા પર બાંધકામની અસરની સાઈન્ટિફિક સ્ટડી કરાવવાનો સમાવેશ પણ થતો હતો. તેમજ મકાન ગુમાવનારને રિલીફ કેમ્પ્સમાં રિલોકેટ કરવાનો તથા તેમના નિર્વાહ માટે રિહેબિલિટેશન પેકેજની માગ પણ તેમણે કરી હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ 30 ટકા વૈશ્વિક કાર્ગો ભારતની દક્ષિણ ભૂશિરેથી પસાર થાય છે. વિઝીન્જામ કુદરતી રીતે જ કાંઠાથી એક કિમી દૂર 18.4 મીટર્સની ડેપ્થ ધરાવે છે. જે વિશ્વમાં સૌથી મોટી મધર વેસેલ 24500 ટીઈયુને હેન્ડલ કરવા પણ પૂરતી ઊંડાઈ છે.

 

 

RCAP માટે મહિનાની આખરમાં ઈ-ઓક્શન યોજાશે

રિલાયન્સ કેપિટલના લેન્ડર્સે ચાલુ મહિનાની આખરમાં કંપનીની એસેટ વેચાણ માટે ઈ-ઓક્શન યોજવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી સૌથી ઊંચી બોલી લગાવનાર બીડર નિર્ધારિત કરવામાં નહિ આવે ત્યાં સુધી કંપનીની એસેટ્સ ખરીદવા માટે એનસીએલટીમાં અરજી કરનારાઓ વચ્ચે એકથી વધુ રાઉન્ડ્સમાં બિડીંગ જોવા મળશે. અત્યાર સુધીમાં કંપની માટે પિરામલ એન્ટરપ્રાઈઝિસ તરફથી રૂ. 5231 કરોડની સૌથી ઊંચી બીડ મળી છે. જેને ઈ-ઓક્શન માટે બેઝ પ્રાઈસ તરીકે ગણવામાં આવશે એમ જાણકાર વર્તુળો જણાવે છે. કંપનીની એસેટ્સ ખરીદી માટે ટોરેન્ટ ગ્રૂપ, હિંદુજા ગ્રૂપ, ઓકટ્રી કેપિટલ અને અન્ય બીડર્સ સ્પર્ધામાં છે. ઈ-ઓક્શનમાં જળવાય રહેવા માટે બીડર્સે બેઝ પ્રાઈસની સરખામણીમાં ઓછામાં ઓછી રૂ. 1000 કરોડ ઊંચી લગાવવાની રહેશે એમ પણ તેઓ ઉમેરે છે.

 

નબળી માગ પાછળ સાઉદીએ એશિયા માટે ઓઈલ પ્રાઈસ ઘટાડ્યાં

સાઉદી અરેબિયાએ એશિયા માટેના તેના ઓઈલ પ્રાઈસમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. ચીન ખાતે કોવિડ નિયંત્રણોને કારણે માગને લઈ અનિશ્ચિતતા વચ્ચે અગ્રણી ઓઈલ ઉત્પાદકે આમ કરવું પડ્યું છે. સાઉદી સરકારની માલિકીની સાઉદી અરામ્કોએ તેના મુખ્ય અરબ લાઈટ ગ્રેડ માટે જાન્યુઆરી વેચાણના ભાવમાં પ્રાદેશિક બેન્ચમાર્ક ઉપર 2.2થી 3.25 ડોલરનો ઘટાડો કર્યો છે. બ્લૂમબર્ગ સર્વે મુજબ પ્રાદેશિક બેન્ચમાર્કમાં રિફાઈનર્સ અને ટ્રેડર્સની આગાહી મુજબ 2.1 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ વર્ષે 13 ટકા જેટલો ગગડ્યો છે. જોકે જૂન મહિનાની 120 ડોલરની ટોચ પરથી તે 30 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. મંગળવારે તે 80 ડોલરની નીચે ઉતરી ગયો હતો. જે જાન્યુઆરી 2022 પછીનું તળિયું હતું.

 

 

કોર્પોરેટ હેડલાઈન્સ

 

વોડાફોન આઈડિયાઃ જંગી ઋણ બોજથી લદાયેલી વોડાફોન આઈડિયા અમેરિકન ટાવર કોર્પોરેશન સાથેના ઈક્વિટી ડિલની ડેડલાઈન ચૂકી ગઈ છે. મોબાઈલ સર્વિસ કંપની તરફથી ટાવર કંપનીને રૂ. 1600 કરોડના શેર્સ ઈસ્યુ કરવામાં આવનાર હતા. જોકે એટીસીની એક શરત એવી હતી કે સરકાર વોડાફોનના ડેટને ઈક્વિટીમાં રૂપાંતરણ કરે ત્યારબાદ જ તે કંપનીમાં ઈક્વિટી ખરીદશે. હજુ સુધી સરકાર તરફથી આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વર્તુળોના જણાવ્યા મુજબ વોડાફોન એટીસીને ડેડલાઈન લંબાવવા માટે સમજાવી રહી છે.

ભેલ/એલએન્ડટીઃ પીએસયૂ સેક્ટરની ભેલ અને પ્રાઈવેટ સેક્ટરની એલએન્ડટી વચ્ચે એનએલસી ઈન્ડિયાના 2400 મેગાવોટના ઓડિશા ખાતેના તાલાબીરા થર્મલ પ્રોજેક્ટ મેળવવા માટે સ્પર્ધા જોવા મળી રહી છે. રૂ. 20 હજાર કરોડનું મૂલ્ય ધરાવતાં પ્રોજેક્ટ માટે બોઈલર, ટર્બાઈન-જનરેટર સહિતના અન્ય કોમ્પોનેન્ટ્સ માટે ટેન્ડરિંગ થઈ ચૂક્યું છે.

સિમેન્સ ઈન્ડિયાઃ કેપિટલ ગુડ્ઝ કંપની ગુજરાતમાં દાહોદ ખાતે 9000 હોર્સ  પાવર ઈલેક્ટ્રીક લોકોમોટીવ્સ પ્રોજેક્ટ માટે સૌથી નીચા બીડર તરીકે ઉભર્યું છે. કંપનીને રૂ. 20000 કરોડના 1200 લોકોમોટિવ્સ બનાવવા માટેનો ઓર્ડર મળ્યો છે. જેની પાછળ કંપનીનો શેર 5 ટકાથી વધુ ઉછળ્યો હતો. એપ્રિલ મહિનામાં ટેન્ડર બહાર પડ્યું હતું.

કોન્કોરઃ પીએસયૂ કંપનીની ખરીદી માટે બીડ કરનારાઓએ પ્રાઈવેટાઈઝેશન બાદ શેરધારકના અધિકારોને લઈને સરકાર પાસે સ્પષ્ટતા માગી છે. સરકાર કંપનીમાં લઘુમતી હિસ્સાનું વેચાણ કરી રહી હોવાના કારણે કંપનીમાં પ્રવેશનારો રોકાણકાર 51 ટકાથી નોંધપાત્ર નીચો હિસ્સો ધરાવતો હશે અને તેથી સ્પષ્ટતા જરૂરી બને છે એમ વર્તુળો જણાવે છે. હાલમાં કંપનીમાં સરકાર 54.8 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે બાકીનો 45.2 ટકા હિસ્સો જાહેર જનતા પાસે રહેલો છે.

સન ફાર્માઃ મદ્રાસ હાઈકોર્ટે ફાર્મા કંપની સામેના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ઓર્ડર પર સ્ટે મૂક્યો છે. ફાર્મા કંપની પર તેના મદુરાંથગામ ખાતેના યુનિટ ખાતે એન્વાર્યમેન્ટ સંબંધી મંજૂરી લીધા વિના વિસ્તરણ કરવા બદલ ગ્રીન ટ્રિબ્યુનલે રૂ. 10 કરોડનો દંડ ફટકાર્યો હતો.

મારુતિ સુઝુકીઃ કાર ઉત્પાદકે 9125 યુનિટ્સ કાર્સને સીટ બેલ્ટ્સમાં ખામીને કારણે રિપેર માટે પરત ખેંચી છે. જેમાં કંપનીના વિવિધ કાર મોડેલ્સ જેવાકે સિઆઝ, બ્રેઝા, અર્ટિગા, એક્સએલ6 અને ગ્રાન્ડ વિટારાનો સમાવેશ થાય છે. આ મોડેલ્સનું ઉત્પાદન 2-28 નવેમ્બર દરમિયાન કરાયું હતું.

સેફાયર ફૂડ્સઃ ઈન્વેસ્ટર ફેનેલ પ્રાઈવેટ લિમિટેડે કંપનીમાંના તેના 6.01 લાખ ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે. જે કુલ ઈક્વિટીઝનો લગભગ એક ટકા હિસ્સો થવા જાય છે.

એચડીએફસી એએમસીઃ જાણીતી ઈન્વેસ્ટમેન્ટ કંપની અને પ્રમોટર અબેરદાન ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટે અગ્રણી એએમસીમાં તેના 10.21 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. એચડીએફસી એએમસી દેશમાં બીજા ક્રમની એસેટ મેનેજર કંપની છે.

ભારતનેટ પ્રોજેક્ટઃ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ભારતનેટ પ્રોજેક્ટનું પ્રાઈવેટાઈઝેશન નહિ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતનેટ એ ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટેનો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટના ખાનગીકરણ માટે ખરીદારો તરફથી મોળો પ્રતિભાવ મળવાને કારણે ટેલિકોમ વિભાગે આમ નિર્ણય લેવો પડ્યો છે.

કોરોમંડલ ઈન્ટરનેશનલઃ એગ્રીકલ્ચર સેક્ટરની કંપની ડ્રોન સ્ટાર્ટ-અપમાં રૂ. 20 કરોડનું રોકાણ કરશે. ફર્ટિલાઈઝર સેક્ટરની ટોચની કંપની કોરોમંડલ વેન્ચર કેપિટલની પાંખ ડેર વેન્ચર્સ મારફતે આ ઈન્વેસ્ટમેન્ટ કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage