Market Summary 08/02/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં પ્રોફિટ બુકિંગઃ સેન્સેક્સ 724 પોઈન્ટ્સ ગગડ્યો
નિફ્ટી 213 પોઈન્ટ્સ ગગડી 21800ની નીચે
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ઉછળી 15.82ના સ્તરે બંધ
નિફ્ટી પીએસયૂ બેંક વધુ 2 ટકા ઉછળી નવી ટોચે
આઈટી, એનર્જી, મિડિયા અને પીએસઈમાં મજબૂતી
એફએમસીજી, ઓટો, પ્રાઈવેટ બેંકિંગ, મેટલ, રિઅલ્ટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં વેચવાલી ફરી વળી
ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, જનરલ ઈન્શ્યોરન્સ, ભારત ડાયનેમિક્સ, કમિન્સ ઈન્ડિયા નવી ટોચે
યૂપીએલ, સારદા કોર્પ, વિનતી ઓર્ગેનિક્સમાં નવા તળિયા

વૈશ્વિક બજારમાં મજબૂતી વચ્ચે ભારતીય શેરબજારમાં ગુરુવારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 724 પોઈન્ટ્સ ગગડી 71428ની સપાટીએ જ્યારે નિફ્ટી 213 પોઈન્ટ્સ ઘટાડે 21718ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જળવાઈ હતી. બીએસઈ ખાતે કુલ 3945 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2204 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1636 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. 524 કાઉન્ટર્સ વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ સૂચવતાં હતાં. જ્યારે 24 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા ઉછળી 15.82ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે બેન્ચમાર્ક નિફ્ટીએ પોઝીટીવ નોંધ સાથે કામગીરીની શરૂઆત દર્શાવી હતી. અગાઉના 21931ના બંધ સામે તે 22010ની સપાટી પર ખૂલી ઉપરમાં 20011 પર ટ્રેડ થઈ ઘસાતો રહ્યો હતો અને 21665ના ઈન્ટ્રા-ડે લો પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. બેન્ચમાર્કે 21900 અને 21800ના લેવલ્સ ગુમાવ્યાં હતાં. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 118 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21830ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 88 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં 30 પોઈન્ટ્સની વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં ઘટાડે લોંગ પોઝીશનમાં વૃદ્ધિના સંકેત છે. જોકે, માર્કેટમાં આગામી સત્રોમાં વધુ ઘટાડો સંભવ છે. જેને જોતાં નવી લોંગ પોઝીશનથી દૂર રહેવું જોઈએ. લોંગ્સ માટે 21450નો સ્ટોપલોસ જાળવવો જોઈએ. જ્યારે શોર્ટ્સ માટે 22000નો સ્ટોપલોસ મહત્વનો બની રહેશે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં એસબીઆઈ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બીપીસીએલ, હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, એપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી અને હીરો મોટોકોર્પનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આઈટીસી, બ્રિટાનિયા, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, નેસ્લે, આઈશર મોટર્સ, યૂપીએલ, ગ્રાસિમ, ઈન્ડસઈન્ડ બેંક, તાતા કન્ઝ્યૂમર, અલ્ટ્રાટેકસિમેન્ટ, એચડીએફસી લાઈફ, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, લાર્સન, મારુતિ સુઝુકી, જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફિનસર્વ, સિપ્લા, વિપ્રો, ડિવિઝ લેબ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો નિફ્ટી પીએસયૂ બેંક વધુ 2 ટકા ઉછળી નવી ટોચે પહોંચ્યો હતો. આ ઉપરાંત, આઈટી, એનર્જી, મિડિયા અને પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે એફએમસીજી, ઓટો, પ્રાઈવેટ બેંકિંગ, મેટલ, રિઅલ્ટીમાં નરમાઈ નીકળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2 ટકા ઉછળી નવી ટોચ પર બંધ રહ્યો હતો. એક સમયે ઈન્ટ્રા-ડે તેણે 7000ની સપાટી પાર કરી હતી. ઈન્ડેક્સના ઘટકોમાં એસબીઆઈ 3.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, જેકે બેંક, યુનિયન બેંક, ઈન્ડિયન બેંક અને પીએનબીમાં પણ મજબૂતી જોવા મળી હતી. જોકે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં પ-પ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.4 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઓઈલ ઈન્ડિયા 5 ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. આ ઉપરાંત, હિંદુસ્તાન એરોનોટિક્સ, આઈઓસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, કોન્કોર, બીપીસીએલ, ભારત ઈલે., કોલ ઈન્ડિયા, ઓએનજીસી, ગેઈલ, એનએમડીસીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે સેઈલ, એનએચપીસી, ભેલ, નાલ્કોમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂતી સૂચવતો હતો. જેના ઘટકોમાં આઈઓસી, તાતા પાવર, પાવર ગ્રીડ કોર્પો, બીપીસીએલ અને રિલાયન્સ એનર્જીમાં મજબૂતી જળવાય હતી. નિફ્ટી મિડિયા 2 ટકા ઉછળ્યો હતો. ઝી એન્ટરટેઈનમેન્ટમાં 6 ટકા ઉછાળા પાછળ તે દોડ્યો હતો. આ ઉપરાંત, ડીશ ટીવી, પીવીઆર આઈનોક્સ, નેટવર્ક 18, જાગરણ પ્રકાશનમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, કોફોર્જ, એમ્ફેસિસ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બીજી બાજુ નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યો હતો. જેમાં આઈટીસી 4 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, બ્રિટાનિયા, નેસ્લે, તાતા કન્ઝ્યૂમર, કોલગેટ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, ગોદરેજ કન્ઝ્યૂમર, ઈમામી, પીએન્ડજીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ 2 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં મૂથૂત ફાઈનાન્સ, પિરામલ એન્ટરપ્રાઈઝ, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, શ્રીરામ ફાઈનન્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એચડીએફસી લાઈફ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો કમિન્સ ઈન્ડિયા 8 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, ટ્રેન્ટ, ઝી એન્ટરટેઈનમેન્ટ, હિંદુસ્તાન એરોનોટિક્સ, તાતા કોમ્યુનિકેશન, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, મેક્સ ફાઈનાન્સિયલ, એસબીઆઈ, આલ્કેમ લેબ, બેંક ઓફ બરોડા, આઈઓસી, ટાટા પાવર, કેનેરા બેંક અને પાવર ગ્રીડ કોર્પોરેશનમાં પણ નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, મેટ્રોપોલીસ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, મૂથૂત ફાઈનાન્સ, ડેલ્ટા કોર્પ, કેન ફિન હોમ્સ, ચંબલ ફર્ટિલાઝર્સ, આઈટીસી, બ્રિટાનિયા, મણ્ણાપુરમ ફાઈ., એયૂ સ્મોલ ફાઈ., ગોદરેજ પ્રોપર્ટીઝ, ડો. લાલ પેથલેબમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, જનરલ ઈન્શ્યોરન્સ, ભારત ડાયનેમિક્સ, કમિન્સ, મોતીલાલ ઓસ્વાલ, ટ્રેન્ડ, એલઆઈસી ઈન્ડિયા, મેનકાઈન્ડ ફાર્મા, ઓઈલ ઈન્ડિયા, ફર્સ્ટસોર્સ, એલ્ગી ઈક્વિપમેન્ટ્સ અને ટોરેન્ટ પાવરનો સમાવેશ થતો હતો. જ્યારે યૂપીએલ, શારડા કોર્પ અને વિનતી ઓર્ગેનિક્સે નવા તળિયા દર્શાવ્યાં હતાં.


RBIએ રેપો રેટને સતત છઠ્ઠીવાર સ્થિર જાળવ્યો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે તેની નાણાકિય બેઠક સમીક્ષામાં રેપો રેટને સ્થિર જાળવવાનો નિર્ણય લીધો હતો. આમ તેણે સતત છઠ્ઠી મિટિંગ પછી રેપો રેટને 6.5 ટકાની સપાટીએ ફ્લેટ રાખ્યો હતો. ગયા સપ્તાહે યુએસ ફેડ પછી આરબીઆઈએ પણ હોકિશ ટોન દર્શાવ્યો હતો. બેંકે ઈન્ફ્લેશનનો 4 ટકાનો ટાર્ગેટ તેના માટે મહત્વનો હોવાનું જણાવ્યું હતું. આરબીઆઈની જાહેરાત પછી રૂપિયામાં નાની વધ-ઘટ જોવા મળી હતી. શેરબજારમાં પણ નરમાઈ હોવાને કારણે રૂપિયો ઈન્ટ્રા-ડે સુધારો જાળવી શક્યો નહોતો અને ડોલર સામે 82.96ની સપાટીએ બંધ જળવાયો હતો. દિવસ દરમિયાન તે 82.89ની ટોચ પર ટ્રેડ થયો હતો. આરબીઆઈએ 2023-24 નાણા વર્ષ માટે તેના અંદાજને 7 ટકા પરથી સુધારી 7.3 ટકા કર્યો હતો. જ્યારે 2024-25 માટે 7 ટકા વૃદ્ધિનો અંદાજ જાળવ્યો હતો. તેણે 2024-25 માટે 4.5 ટકાના કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સનો અંદાજ બાંધ્યો હતો.


LICએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 9441 કરોડનો નફો નોંધાવ્યો
કંપનીની નેટ પ્રિમીયમ ઈન્કમ 4.67 ટકા ઉછળી રૂ. 1.17 લાખ કરોડ પર રહી

દેશમાં ટોચની જીવન વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 9441 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 6334 કરોડના નફા સામે 49 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ પ્રિમીયમ ઈન્કમ 4.67 ટકા વધી રૂ. 1.17 લાખ કરોડ પર જોવા મળી હતી. જે વર્ષ અગાઉ રૂ. 1.11 લાખ કરોડ પર હતી. એલઆઈસીએ રોકાણકારો માટે પ્રતિ શેર રૂ. 4ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. એલઆઈસીની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ ગયા વર્ષે 5.02 ટકા સામે ઘટી 2.15 ટકા પર જોવા મળી હતી. ઈન્શ્યોરરનો સોલવન્સી રેશિયો 1.93 ટકા પર જળવાયો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.85 ટકા પર હતો. એલઆઈસીનો શેર ગુરુવારે 5.86 ટકા ઉછળી રૂ. 1106.25ની સપાટી પર બંધ રહ્યો હતો.


ભારત 2027 સુધીમાં GitHub પર સૌથી મોટી ડેવલપર કોમ્યુનિટી બનશેઃ સત્યા નડેલા
ભારત 2027 સુધીમાં GitHub પર સૌથી મોટી ડેવલપર કોમ્યુનિટી તરીકે યૂએસને પાછળ રાખી દેશે તેવી અપેક્ષા માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્યા નડેલાએ વ્યક્ત કરી છે. ગુરુવારે બેંગલૂરૂ ખાતે માઈક્રોસોફ્ટ એઆઈ ટૂર ખાતે 1100થી વધુ ડેવલપર્સ અને ટેક્નોલોજી લીડર્સને સંબોધિત કરતાં તેમણે આમ જણાવ્યું હતું. GitHub ખાતે ભારત અગાઉથી જ સૌથી ઝડપી વિકસી રહેલું માર્કેટ છે એમ તેમણે નોંધ્યું હતું. માઈક્રોસોફ્ટની માલિકીના સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્લેટફોર્મ એવા GitHubનો ઉપયોગ 1.32 કરોડ ડેવલપર્સ કરી રહ્યાં છે. GitHub પર યુએસ પછી ભારત બીજા ક્રમે જનરેટીવ એઆઈ પ્રોજેક્ટ્સ ધરાવે છે એમ જણાવી નડેલાએ કટીંગ-એજ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સને બનાવવામાં ભારતીય ડેવલપર કોમ્યુનિટીની ભૂમિકાનું મહત્વ દર્શાવ્યું હતું.


ઝોમેટોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 138 કરોડનો નફો નોંધાવ્યો
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 138 કરોડનો નફો દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 90.98 કરોડના અંદાજ કરતાં ઊંચો છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 347 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું. ત્રીજા ક્વાર્ટરમાં ક્રિકેટ વિશ્વ કપ અને તહેવારોની સિઝનને કારણે કંપનીની કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. પરિણામોની જાહેરાત પછી ઝોમેટોનો શેર 3 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવતો હતો. કંપનીના ફૂડ ડિલિવરી બિઝનેસની આવકમાં 48 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે તેના ક્વિક કોમર્સ ડિવિઝનની આવકમાં બમણાથી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. જેને કારણે કુલ રેવન્યૂ 69 ટકા ઉછળી રૂ. 3288 કરોડ પર રહી હતી.

SBIએ યસ બેંકમાં હિસ્સા વેચાણના રિપોર્ટને નકાર્યો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રાઈવેટ લેન્ડર યસ બેંકમાં તેના તરફથી હિસ્સો વેચવા સંબંધી અહેવાલનો ઈન્કાર કર્યો છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ અહેવાલ હકિકતદોષ ધરાવે છે. અગાઉ, ગુરુવારે સવારે એક મિડિયા રિપોર્ટ મુજબ એસબીઆઈ તેનો યસ બેંકમાંનો સમગ્ર હિસ્સો વેચશે તેમ જણાવાયું હતું. રિપોર્ટ મુજબ એસબીઆઈ બ્લોક ડિલ મારફતે રૂ. 5000-7000 કરોડના મૂલ્યના યસ બેંકના શેર્સનું વેચાણ કરશે. યસ બેંકે પણ એક અલગ એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું કે આ અહેવાલ પાયાવિહોણો છે. બેંકે આ પ્રકારની કોઈપણ ગતિવિધિ હાથ ધરી નથી. જુલાઈ 2022માં યસ બેંકના બોર્ડે રિકન્સ્ટ્રક્શન સ્કિમમાંથી એક્ઝિટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ સ્કિમ હેઠળ માર્ચ 2020માં એસબીઆઈની આગેવાનીમાં નવ બેંક્સે પ્રાઈવેટ લેન્ડરનો હિસ્સો ખરીદ્યો હતો. ડિસેમ્બર, 2023ની આખરમાં યસ બેંકમાં એસબીઆઈ 26.13 ટકા, એચડીએફસી લિ. 3 ટકા અને આઈસીઆઈસીઆઈ બેંક 2.61 ટકા હિસ્સો ધરાવતી હતી. માર્ચ, 2020માં આરબીઆઈએ યસ બેંકને ટેકઓવર કરી હતી અને એસબીઆઈના ભૂતપૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને એડમિનિસ્ટ્રેટર તરીકે નિમ્યાં હતાં.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage