બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સ મક્કમ રહેતાં બેન્ચમાર્ક્સ નવી ઊંચાઈએ પહોંચ્યાં
નિફ્ટીએ 22600ની સપાટી પાર કરી સેન્સેક્સ 75000થી 257 પોઈન્ટ્સ દૂર
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.4 ટકા વધી 11.61ના સ્તરે બંધ
ઓટો, મેટલ, રિઅલ્ટી, એનર્જીમાં મજબૂતી
આઈટી, પીએસયૂ બેંક્સમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ
એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફો એજ, વોલ્ટાસ, લૌરસ લેબ્સ, ગેઈલ, ઈન્ડુસ ટાવર્સ નવી ટોચે
બાટા ઈન્ડિયા, ડાબર ઈન્ડિયામાં નવા તળિયા
શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆતમાં તેજી જળવાય રહી છે. તેજીવાળાઓ મક્કમ રહેવાથી માર્કેટ બેન્ચમાર્ક્સ નવી ટોચ બનાવી શક્યાં હતાં. સેન્સેક્સ 494 પોઈન્ટ્સ ઉછળી 74,743ની સપાટીએ જ્યારે નિફ્ટી 153 પોઈન્ટ્સ મજબૂતી સાથે 22666ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બંને બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ સપાટીએ બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સવારના ભાગમાં મજબૂતી જોવા મળી હતી. જોકે, બપોર પછી મીડ અને સ્મોલ-કેપ્સમાં ઘસારો જોવા મળ્યો હતો. જેને કારણે બ્રેડ્થ નેગેટીવ જોવા મળી હતી. ગયા સપ્તાહે પાંચેય સત્રોમાં બ્રેડ્થ પોઝીટીવ બની રહી હતી. બીએસઈ ખાતે કુલ 4055 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2033 કાઉન્ટર્સ નેગેટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1898 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. 266 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 12 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક બોટમ બનાવ્યું હતું. 15 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.4 ટકા વૃદ્ધિ સાથે 11.61ના સ્તરે બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહે અવિરત મજબૂતી પછી નવા નાણા વર્ષના બીજા સપ્તાહે પણ ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી અગાઉના 22514ના બંધ સામે 22578ની સપાટીએ ખૂલી ઉપરમાં 22697 પર ટ્રેડ થઈ 22600 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 86 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22752ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં પ્રિમીયમની સરખામણીમાં 10 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઘટાડાના સંકેત છે. જે નવી ખરીદીમાં સાવચેતી સૂચવે છે. લાર્જ-કેપ્સ કાઉન્ટર્સ ઓવરબોટ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેને જોતાં બજારમાં ઊંચા મથાળે સાવચેતીની જરૂર છે. લોંગ ટ્રેડર્સ 22200ના સ્ટોપલોસે તેમની પોઝીશન જાળવી શકે છે.
નિફ્ટીને સોમવારે સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, એમએન્ડએમ, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ લાઈફ, શ્રીરામ ફાઈનાન્સ, તાતા કન્ઝ્યૂમર, ગ્રાસિમ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન, એક્સિસ બેંક, હીરો મોટોકોર્પ, ડિવિઝ લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ.નો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી પોર્ટ્સ, નેસ્લે, એપોલો હોસ્પિટલ, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી, સન ફાર્મા, એચસીએલ ટેક, એચડીએફસી બેંકમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ઓટો, મેટલ, રિઅલ્ટી, એનર્જીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, પીએસયૂ બેંક્સ નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી ઓટો 2 ટકા ઉછળી 22068ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, એમએન્ડએમ, ટીવીએસ મોટર, ભારત ફોર્જ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, મધરસન સુમી, બોશ, અશોક લેલેન્ડ, તાતા મોટર્સ મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ 1.1 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચ નજીક બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એનએમડીસી, એપીએલ એપોલો, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંત, હિંદુસ્તાન ઝીંક, હિંદાલ્કો, તાતા સ્ટીલ, નાલ્કોમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટીરિઅલ્ટી 1.3 ટકા ઉછળી નવી ટોચે પહોંચ્યો હતો. જેના ઘટકોમાં ગોદરેજ પ્રોપર્ટીઝ, સનટેક રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, ડીએલએફમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી પણ 1.3 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. જેના ઘટકોમાં ગેઈલ, એનટીપીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, પાવર ગ્રીડમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ 17 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફો એજ, વોલ્ટાસ, લૌરસ લેબ્સ, ગેઈલ, ઈન્ડુસ ટાવર્સ, આઈશર મોટર્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, આઈડીએફસી, આઈજીએલ, સીજી કન્ઝ્યૂમર, એમએન્ડએમ, ગુજરાત ગેસ, ટીવીએસ મોટર, ગોદરેજ કન્ઝ્યૂમર, મહાનગર ગેસ, ઈન્ડિગો, હિંદ કોપરમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, બંધન બેંક, આરઈસી, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, પીએનબી, ઓરેકલ ફાઈ., કોન્કોર, પર્સિસ્ટન્સ, બિરલાસોફ્ટ, એમ્ફેસિસ, એમઆરએફ, અદાણી પોર્ટ્સમાં વેચવાલી નીકળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફો એજ, વોલ્ટાસ, લૌરસ લેબ્સ, ગેઈલ, ઈન્ડુસ ટાવર્સ, હિટાચી એનર્જી, કોચીન શીપયાર્ડ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ પાવર, સન ફાર્મા એડવાન્સ, જેએસડબલ્યુ એનર્જીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બાટા ઈન્ડિયા, ડાબર ઈન્ડિયામાં નવા તળિયે ટ્રેડ થયાં હતાં.
RBI ગવર્નરે અનઓથોરાઈઝ્ડ ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પર વિજિલન્સ વધારવા જણાવ્યું
બાર્સેલોના ખાતે FIMMDA-PDAIની એન્યૂલ કોન્ફરન્સમાં શક્તિકાંતા દાસનું વક્તવ્ય
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ગવર્નર શક્તિકાંતા દાસે અનઓથોરાઈઝ્ડ ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પર વિજિલન્સ વધારવા માટે જણાવ્યું છે. આમ કરવા પાછળનું કારણ કેટલીક કંપનીઓ અનઓથોરાઈઝ્ડ ફોરેક્સ પ્લેટફોર્મ્સ પરની કામગીરીને ફંડ કરવા માટે બેંકિંગ ચેનલ્સનો ઉપયોગ કરી રહી હોવાનું દાસે ઉમેર્યું હતું. બાર્સેલોના ખાતે FIMMDA-PDAIની એન્યૂલ કોન્ફરન્સમાં બોલતાં દાસે જણાવ્યું હતું કે અનઓથોરાઈઝ્ડ ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પરની કામગીરીને ફંડ કરવા માટે કેટલાંક વ્યક્તિઓ અથવા કંપનીઓ બેંકિંગ ચેનલ્સનો ઉપયોગ કરી રહી છે. જે અટકાવવી જરૂરી છે. 2018માં સેન્ટ્રલ બેંકે માત્ર આરબીઆઈ-રેગ્યુલેટેડ ફાઈનાન્સિલ માર્કેટ્સમાં કામગીરી માટે ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ્સને ઓથોરાઈઝ્ડ કરતી રૂપરેખા નિર્ધારિત કરી હતી. જેને પાછળથી ટેક્નોલોજીકલ ડેવલપમેન્ટ્સને ધ્યાનમાં રાખી અપડેટ કરવામાં આવી હતી. અનઓથોરાઈઝ્ડ પ્લેટફોર્મ્સ તરફથી છેતરપિંડીની વધતી ફરિયાદોને જોતાં આરબીઆઈ ગવર્નરે સાવચેતી દાખવવા જણાવ્યું હતું. એલર્ટ લિસ્ટમાં નવા ઉમેરાયેલા નામોમાં QFX માર્કેટ્સ, 2વીન ટ્રેડ, ગુરુ ટ્રેડ7 લિમિટેડ, બ્રિક ટ્રેડ અને રુબિક ટ્રેડનો સમાવેશ થાય છે.
માર્ચમાં પેસેન્જર વેહીકલ્સ વેચાણમાં વાર્ષિક 6 ટકા ઘટાડો નોંધાયો
જોકે, નાણા વર્ષ 2023-24માં PVના વેચાણમાં 8.45 ટકા વૃદ્ધિ જોવા મળી
નાણા વર્ષ 2023-24ના આખરી મહિના માર્ચમાં દેશમાં પેસેન્જર વેહીકલનું વેચાણ છ ટકા ઘટી 3,22,345 યુનિટ્સ પર નોંધાયું હતું એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સ(ફાડા)નો ડેટા સૂચવે છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં વાર્ષિક ધોરણે વેચાણમાં સતત વૃદ્ધિ પછી આ ઘટાડો જોવા મળ્યો છે. 2022-23ના માર્ચ મહિનામાં પીવીનું રિટેલ વેચાણ 3,43,527 યુનિટ્સ પર નોંધાયું હતું.
ફાડાના મતે માર્ચ, 2024માં વેચાણમાં ઘટાડાનું કારણ ગ્રાહકો તરફથી ખરીદીને એપ્રિલમાં નવરાત્રીના તહેવારો સુધી મુલત્વી રાખવાનું છે. ફાડાના પ્રેસિડેન્ટના મતે 2022-23માં માર્ચ મહિનામાં નવરાત્રિ જોવા મળી હતી. જ્યારે ચાલુ વર્ષે તે એપ્રિલમાં છે. જેને જોતાં ગ્રાહકોએ ખરીદીને પાછી ઠેલી છે. ઉપરાંત, ગુડી પડવો અને ઈદ પણ એપ્રિલમાં છે. નાણા વર્ષ 2023-24ની વાત કરીએ તો પીવીનું વેચાણ વાર્ષિક ધોરણે 8.45 ટકા વધી વિક્રમી 39,48,143 યુનિટ્સ પર નોંધાયું હતું. જે 2022-23માં 36,40,399 યુનિટ્સ પર જોવા મળતું હતું.
નાણા વર્ષ 2024-25માં દેશમાં ફ્યુઅલની માગ વિક્રમી સપાટીએ નોંધાઈ
વાર્ષિક ધોરણે ફ્યુઅલની માગમાં 5 ટકા વૃદ્ધિ જોવા મળી
નાણા વર્ષ 2022-23માં 22.321 કરોડ ટન સામે 2023-24માં 23.32 કરોડ ટનની માગ
માર્ચ મહિનામાં દેશમાં ફ્યુઅલનો વપરાશ 0.6 ટકા ઘટાડો દર્શાવતો હતો. જોકે, વાર્ષિક ધોરણે 2022-23માં તે પાંચ ટકા જેટલો વધી વિક્રમી ટોચ પર જોવા મળ્યો હતો. આ વૃદ્ધિ પાછળ ઓટોમોટીવ ફ્યુઅલ અને નેપ્થામાં વૃદ્ધિ કારણભૂત હતી. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ(PPAC)ના ડેટા મુજબ માર્ચમાં ફ્યુઅલની માગ 2.1 કરોડ ટન પર હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 2.122 કરોડ ટન સામે સાધારણ નીચી હતી.
જોકે, માર્ચમાં પૂરા થયેલા સમગ્ર નાણા વર્ષ માટે ફ્યુઅલ માગ 23.32 કરોડ ટન પર ગયા વર્ષ કરતાં ઊંચી જોવા મળી હતી. માર્ચમાં ડિઝલનું વેચાણ વાર્ષિક ધોરણે 3.1 ટકા વધ્યું હતું અને 80.4 લાખ ટન પર નોંધાયું હતું. દરમિયાનમાં માર્ચમાં પેટ્રોલનું વેચાણ વાર્ષિક 6.9 ટકા વધી 33.2 લાખ ટન પર રહ્યું હતું. બિટુમેનનું વેચાણ વાર્ષિક ધોરણે 9.9 ટકા ઉછળ્યું હતું. જ્યારે એલપીજીનું વેચાણ 8.6 ટકા વધ્યું હતું. નેપ્થાનું વેચાણ 5.5 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું.
બજાજ ફાઈનાન્સે FD પરના રેટમાં 60 બેસીસ પોઈન્ટ્સ સુધી વૃદ્ધિ કરી
ટોચની એનબીએફસી કંપની બજાજ ફાઈનાન્સે તેના ફિક્સ્ડ ડિપોઝીટ(એફડી) રેટ્સમાં 6 બેસીસ પોઈન્ટ્સ સુધી વૃદ્ધિ કરી છે. બજાજ ફાઈનાન્સ એ ડિપોઝીટ લેતી એનબીએફસી છે. તેણે 3 એપ્રિલ, 2024થી અમલી બને તે રીતે એફડી રેટ્સમાં વૃદ્ધિ કરી છે. તેણે સિનિયર સિટીઝન્સ માટેના એફડી રેડમાં 60 બેસીસ સુધી વૃદ્ધિ કરી છે. જેમાં 25-35 મહિનાના સમયગાળાની એફડીનો સમાવેશ થાય છે. જ્યારે 18-24 મહિનાના સમયગાળા માટેની એફડી પર 40 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરી છે.
નોન સિનિયર સિટીઝન્સ માટેની એફડી પર 45 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરાઈ છે. જેમાં 25-35 મહિનાની મુદત માટેની એફડીનો સમાવેશ થાય છે. જ્યારે 18-22 મહિનાઓની મુદત માટેની એફડી પર 4 બેસીસ પોઈન્ટ્સ તથા 30-33 મહિનાઓની એફડી માટે 35 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરી છે.
Market Summary 08/04/2024
April 08, 2024