બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ભારતીય બજારનું હરિફ માર્કેટ્સ સામે બીજા દિવસે આઉટપર્ફોર્મન્સ
નિફ્ટી સાંકડી રેંજમાં કોન્સોલિડેટ થયો
વોલેટિલીટી ઈન્ડેક્સ 1.5 ટકા ગગડી 11.03ના સ્તરે
ફાર્મા, રિઅલ્ટી, મેટલ, પીએસઈમાં મજબૂતી
આઈટી, બેંકિંગમાં નરમાઈ
એનએલસી ઈન્ડિયા, આલ્કેમ લેબ, ઈપ્કા લેબ નવી ટોચે
હરિફ ઈમર્જિંગ માર્કેટ્સમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારમાં બીજા દિવસે કોન્સોલિડેશન સાથે મજબૂતી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 33 પોઈન્ટ્સ સુધરી 64,975.61ની સપાટીએ જ્યારે નિફ્ટી 37 પોઈન્ટ્સ ઉછળી 19444ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3838 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2019 પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 1683 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 246 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 26 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા ગગડી 11.03ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે સતત બીજા સત્રમાં એશિયન બજારોમાં નરમાઈ જળવાય હતી. જોકે, તેમ છતાં ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું અને પોઝીટીવ ઝોનમાં ટ્રેડિંગ જાળવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 19464ની ટોચ દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 44 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19488ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 73 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 29 પોઈન્ટ્સનો નોઁધપાત્ર ઘટાડો સૂચવે છે. આમ, બજારમાં ઊંચા મથાળે લોંગ પોઝીશનમાં લિક્વિડેશનનો સંકેત છે. જે માર્કેટમાં થોડી સાવચેતી રાખવા સૂચવે છે. લોંગ ટ્રેડર્સે 19100નો સ્ટોપલોસ જાળવવાનો રહેશે. જો માર્કેટ 19500ની સપાટી પાર કરશે તો તે વધુ તેજી માટે તૈયાર બનશે. ભારતીય બજાર માટે સૌથી મહત્વનું પરિબળ ક્રૂડના ભાવમાં નોંધપાત્ર ઘટાડો છે. છેલ્લાં સપ્તાહમાં ક્રૂડના ભાવ 8 ટકા જેટલા ગગડી અઢી મહિનાના તળિયે પહોંચ્યાં છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ ક્રૂડમાં વધુ ઘટાડાની શક્યતાં જોઈ રહ્યાં છે. જેને કારણે સ્થાનિક બજારમાં સેન્ટીમેન્ટ પોઝીટીવ બની શકે છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, એશિયન પેઈન્ટ્સ, સિપ્લા, ટાઈટન કંપની, અદાણી એન્ટરપ્રાઈઝિસ, લાર્સન, આઈશર મોટર્સ, ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, આઈટીસી, એચયૂએલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, હિંદાલ્કોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આઈસીઆઈસીઆઈ બેંક, એનટીપીસી, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, તાતા કન્ઝ્યૂમર, એચડીએફસી લાઈફ, તાતા સ્ટીલ, એપોલો હોસ્પિટલ, એચસીએલ ટેક્નોલોજી, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં મજબૂતી જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, રિઅલ્ટી, મેટલ, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, બેંકિંગમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.5 ટકા મજબૂતી સાથે સતત ત્રીજા દિવસે ઉછળ્યો હતો. જેના ઘટકોમાં આલ્કેમ લેબ, ઝાયડસ લાઈફ, ઓરોબિંદો ફાર્મા, સિપ્લા, લ્યુપિન, ટોરેન્ટ ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, બાયોકોન, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ એક સત્રના વિરામ પછી ફરી તેજી તરફી બન્યો હતો અને 1.52 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સોભા, હેમિસ્ફીઅર, ફિનિક્સ મિક્સ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. નિફ્ટી મેટલ 0.75 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં મોઈલ 9 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત હિંદુસ્તાન ઝીંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, સેઈલ, હિંદાલ્કો, નાલ્કોમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ 0.43 ટકા સુધારા સાથે નવી ટોચે પહોંચ્યો હતો. જેના ઘટકોમાં એચપીસીએલ 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત બીપીસીએલ, એનએચપીસી, ભારત ઈલે, હિંદુસ્તાન એરોનોટીક્સ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, સેઈલ, આરઈસી, નાલ્કોમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી અને નિફ્ટી બેંકિંગમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો એચપીસીએલ 8 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એપોલો ટાયર્સ, આલ્કેમ લેબ, ઈપ્કા લેબ્સ, ઝાયડસ લાઈફ, કમિન્સ, ઈન્ફો એજ, ઓરોબિંદો ફાર્મા, ગ્લેનમાર્ક, ચંબલ ફર્ટિલાઈઝર્સ, આરબીએલ બેંક, બીપીસીએલ, ઓરેકલ ફાઈનાન્સિયલ, અશોક લેલેન્ડ, અદાણી પોર્ટ્સ, બર્ગર પેઈન્ટ્સ, મેક્સ ફાઈનાન્સિયલ અને સિમેન્સમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ભેલ, ડેલ્ટા કોર્પ, ભારત ફોર્જ, શ્રી સિમેન્ટ્સ, એલઆઈસી હાઉસિંગ, વોડાફોન, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, આઈસીઆઈસીઆઈ બેંક, પિરામલ એન્ટરપ્રાઈઝ, આઈજીએલમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એનએલસી ઈન્ડિયા, આલ્કેમ લેબ, ઈપ્કા લેબ, સ્વાન એનર્જી, કેપીઆઈટી ટેક, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ઓરોબિંદો ફાર્મા, જ્યોતિ લેબ્સ, સોભા, કલ્યાણ જ્વેલર, બીએસઈ લિમિટેડનો સમાવેશ થતો હતો.
ગોલ્ડ ETFમાં વાર્ષિક ધોરણે રોકાણમાં 10 ગણો ઉછાળો
સપ્ટેમ્બર 2022માં રૂ. 165 કરોડ સામે સપ્ટેમ્બર 2023માં રૂ. 1660 કરોડનો ઈનફ્લો નોંધાયો
જૂન ક્વાર્ટરની સરખામણીમાં સપ્ટે. ક્વાર્ટરમાં રોકાણ 450 ટકા ઉછળ્યું
ગોલ્ડ ઈટીએફ્સમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઈન્વેસ્ટમેન્ટમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. એમ્ફીના ડેટા મુજબ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ મહિનાના સમયગાળામાં ગોલ્ડ ઈટીએફ્સમાં રૂ. 1660 કરોડનું રોકાણ નોંધાયું હતું. જે ગયા વષે સમાનગાળામાં માત્ર રૂ. 165 કરોડ પર જોવા મળતું હતું. ચાલુ વર્ષે જૂન ક્વાર્ટરની સરખામણીમાં પણ સપ્ટેમ્બર ક્વાર્ટર રોકાણમાં 450 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
રેટિંગ એજન્સી ઈકરાના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગોલ્ડ ઈટીએફ્સમાં રોકાણમાં નાટ્યાત્મક વૃદ્ધિ જોવા મળી હતી. જેનું કારણ ગોલ્ડના ભાવમાં ઘટાડો હોય શકે છે. છેલ્લાં કેટલાંક ક્વાર્ટરમાં ત્રિમાસિક ધોરણે ગોલ્ડ રોકાણમાં આટલી ઊંચી વૃદ્ધિ નથી નોંધાઈ. કોવિડ પછી શરૂઆતી સમયગાળામાં ગોલ્ડના ભાવમાં તેજી પાછળ રોકાણકારો ગોલ્ડ ઈટીએફ્સ તરફ વળ્યાં હતાં પરંતુ ત્યારપછી રોકાણમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. કેમકે ગોલ્ડ પણ દિશાહિન ચાલ દર્શાવતું જોવા મળ્યું હતું. એપ્રિલ, 2023ની શરૂઆતથી ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ ટેક્સની રીતે વધુ લાભદાયી બન્યું હોવા છતાં રોકાણકારો ગોલ્ડ ઈટીએફ્સમાં ઈનફ્લોમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. નવા નાણા વર્ષની શરૂઆતથી ભારતીય ઈક્વિટી માર્કેટમાં ઈટીએફ જેવા ફંડ્સ પર કોઈપણ સમયગાળાના રોકાણ પર ઈન્કમ-ટેક્સ લાગુ પાડવામાં આવ્યો હતો. ફિઝિકલ ગોલ્ડ પર રોકાણકાર તેને ત્રણ વર્ષથી વધુ સમય સુધી જાળવે તો હજુ પણ 20 ટકા ટેક્સ લાગુ પડે છે. તેમજ તેમાં ઈન્ડેક્સેશન બેનિફિટ્સ પ્રાપ્ય છે.
એમ્ફીના ડેટા મુજબ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ગોલ્ડ ઈટીએફ્સમાં રૂ. 1660 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં રૂ. 165 કરોડ પર હતો. જ્યારે જૂન 2023 ક્વાર્ટરમાં ગોલ્ડ ઈટીએફ્સમાં રૂ. 298 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. ઈકરાના રિપોર્ટ મુજબ ફિઝિકલ ગોલ્ડ વધુ સારા ટેક્સ લાભો ધરાવે છે પરંતુ તેની ખરીદીમાં કેટલાંક જોખમો રહેલાં છે. જેમકે તેનો સંગ્રહ, ચોરીનું જોખમ તેમજ સોનાની શુધ્ધતાને લઈ પણ શંકા રહેતી હોય છે. જે બાબતો ગોલ્ડ ઈટીએફ્સની બાબતમાં જોવા મળતી નથી. તેમજ ગોલ્ડ ઈટીએફની ખરીદી સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ પર ડિમેટ સ્વરૂપમાં થઈ શકે છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ ઈટીએફ્સે એક વર્ષમાં 20 ટકાથી વધુનું રિટર્ન દર્શાવ્યું છે. તેઓ 13માંથી 11 ગોલ્ડ ઈટીએફ્સને જ ગણનામાં લઈ રહ્યાં છે. કેમકે બે ગોલ્ડ ઈટીએફ્સને હજુ લિસ્ટીંગનું વર્ષ પૂરું નથી થયું. ઈકરા એનાલિટીક્સના હેડ અશ્વિની કુમારના જણાવ્યા મુજબ ગોલ્ડ ઈટીએફ્સે આપેલા રિટર્નનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તેમણે એક વર્ષમાં 20.6 ટકાથી લઈ 22.46 ટકાની રેંજમાં વળતર આપ્યું છે. જ્યારે પાંચ-વર્ષોમાં તેમણે 12.84 ટકાથી લઈ 13.32 ટકાનું સરેરાશ રિટર્ન પૂરું પાડ્યું છે. યુએસ-ચીન ટ્રેડ વોર, કોવિડ, રશિયા-યૂક્રેન યુધ્ધ અને હવે ઈઝરાયેલ-હમાસ જંગે ગોલ્ડના ભાવોને સતત સપોર્ટ પૂરો પાડ્યો છે.
NBFCને વધતાં બેંક ફંડીંગથી સિસ્ટમેટિક જોખમઃ RBI બોડી
મોટી એનબીએફસી કંપનીઓ બેંક્સ પાસેથી લોન લઈ નાની એનબીએફસીને બેંક લોન્સ આપે છે
છેલ્લાં વર્ષોમાં એનબીએફસીની અનસિક્યોર્ડ લોન્સમાં વૃદ્ધિને કારણે તેમની એસેટ્સમાં સાધારણ વૃદ્ધિ નોંધાઈ
નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ(એનબીએફસી)ને બેંકિંગ કંપનીઓ તરફથી વધી રહેલા ફંડિંગને લઈને સિસ્ટમેટીક જોખમ વધી રહ્યું હોવાનું સેન્ટર ફોર એડવાન્સ્ડ ફાઈનાન્સિયલ રિસર્ચ એન્ડ લર્નિંગ(CAFRAL)એ સાવચેતી આપતાં જણાવ્યું છે. CAFRAL એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્થાપિત ઈન્ડિપેન્ડન્ટ બોડી છે.
આરબીઆઈ ચેરમેન શક્તિકાંતા દાસે મંગળવારે રજૂ કરેલા તેમના ઈન્ડિયા ફાઈનાન્સ રિપોર્ટ-2023માં CAFRALએ સેક્ટર વચ્ચેની ઈન્ટરકનેક્ટેડનેસને લઈ ચેતવણી ઉચ્ચારી છે. તેણે નોંધ્યું છે કે મોટી એનબીએફસી બેંક્સ પાસેથી બોરોઈંગ લઈને તેમના નાના એનબીએફસી હરિફોને ધિરાણ આપીને રેગ્યુલેટરી આર્બીટ્રેડનું શોષણ કરી રહી છે. મહામારી પછીના સમયગાળામાં બેંકિંગ સેક્ટર સાથે એનબીએફસીના વધેલા ઈન્ટિગ્રેશને પણ સિસ્ટમેટીક મુશ્કેલીઓને અટકાવવા માટે નજીકથી મોનીટરીંગને જરૂરિયાત વધારી છે એમ એમ ચેતવણી આપતાં CAFRALએ નોંધ્યું છે.
એનબીએફસી અને પરંપરાગત બેંકિંગ સેક્ટર વચ્ચે ઈન્ટર-લીંકેજિસ સિસ્ટમેટીક જોખમ વધારી રહી છે. તેણે નોંધ્યું છે કે નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓએ જંગી ગ્રોથ અનુભવ્યો છે પરંતુ તે કોઈના ભોગ વિના નથી જોવાયો. આ કંપનીઓ ફંડીંગ માટે શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સ પર ભારે મદાર ધરાવે છે. આ જરૂરિયાતમાં છેલ્લાં એક દાયકામાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. CAFRAL રિસર્ચ ટીમે તૈયાર કરેલા રિપોર્ટ મુજબ હાલમાં બેંક્સે પ્રાથમિકરીતે તેમના લેન્ડિંગને મોટી એનબીએફસી માટે લંબાવ્યું છે. જેને કારણે સેક્ટરની અંદર જ ક્રોસ-લેન્ડિંગ વધ્યું છે. તેણે એમ પણ નોંધ્યું છે કે મોનેટરી પોલિસીની કોન્ટ્રેક્શ્નરી ટ્રેજેક્ટરીને કારણે એનબીએફસીના પોર્ટફોલિયોમાં અનસિક્યોર્ડ લોન્સનું પ્રમાણ વધ્યું છે. જેને એનબીએફસીની બેલેન્સ શીટ્સમાં જોઈ શકાય છે. એસેટ્સની વાત કરીએ તો અનસિક્યોર્ડ લોન્સની સરખામણીમાં સિક્યોર્ડ લોન્સમાં ઘટાડાને કારણે સાધારણ વૃદ્ધિ નોંધાઈ છે એમ રિપોર્ટ જણાવે છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝીંગ એન્ડ ફઆઈનાન્સિયલ સર્વિસ(IL&FS)ની નાદારી પછી જોવા મળેલા માર્કેટ કરેક્શન અને પોઝમાં કોવિડ-19 મહામારી પછી ફરી એનબીએફસીને બેંક ફાઈનાન્સિંગમાં વૃદ્ધિ જોવા મળી છે. એનબીએફસી મુખ્યત્વે માર્કેટમાંથી અને બેંક્સ પાસેથી તેમના નાણા મેળવે છે. એનબીએફસીના કુલ બોરોઈંગમાં 36 ટકા હિસ્સો બેંક્સનો છે. 2022-23ના પ્રથમ છ મહિનામાં કુલ રૂ. 25,84,696 કરોડનું ધિરાણ એનબીએફસી તરફથી લેવામાં આવ્યું હતું. એનબીએફસીને લોન્સ આપવામાં જાહેર ક્ષેત્રની બેંક્સ ટોચ પર છે. જ્યારપછીના ક્રમે પ્રાઈવેટ બેંક્સ આવે છે.
US DFC અદાણીના શ્રીલંકન જોઈન્ટ વેન્ચરને 55.3 કરોડ ડોલરનું ધિરાણ કરશે
કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલના વિકાસથી શ્રીલંકાની આર્થિક વૃધ્ધિને બળ મળશે
પોર્ટ ઓફ. કોલંબોમાં ડીપ વોટર શિપિંગ કન્ટેનર ટર્મિનલના વિકાસ માટે આ ફંડ જરુરી ટેકો આપશે
યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન (DFC) ભારતના સૌથી મોટા પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ., શ્રીલંકાના જ્હોન કીલ્લ્સ હોલ્ડિંગ (JKH) અને શ્રીલંકા પોર્ટ ઓથોરીટીના બનેલા કોન્સોર્ટીઅમને 55.3 કરોડ ડોલરનું ધિરાણ આપશે. યુએસ સરકારની સંસ્થા ડીએફસી વિકાસશીલ દેશોને નાણાકિય સહાયતા પૂરી પાડે છે. તે ઉર્જા,આરોગ્ય સંભાળ,આંતરમાળખું, કૃષિ અને નાના વ્યવસાયો તથા ધિરાણ સેવાઓના ક્ષેત્રમાં રોકાણ કરે છે.
યુએસ સરકાર પ્રથમવાર તેની સંસ્થા મારફતે અદાણીના કોઈ પ્રોજેક્ટને ધિરાણ આપી રહ્યું છે જે અદાણી જૂથના વિકાસલક્ષી અભિગમ અને સંચાલકીય બહોળા અનુભવને માન્યતા આપે છે. આ ધિરાણ અદાણી જૂથના કોલંબો પોર્ટમાં રોકાણ કરી વિશ્વકક્ષાની કન્ટેનર સુવિધાનું સર્જન કરવાની કાબેલિયતમાં વિશ્વાસ દર્શાવે છે. અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પૂર્ણકાલિન ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી કરણ અદાણીએ અમેરિકન સરકારની સંસ્થા અમેરિકાના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશનના અદાણી પ્રોજેક્ટ સાથેના જોડાણને આવકારી જણાવ્યું હતું કે અમે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી દ્વારા અમારા વિઝન,અમારી ક્ષમતાઓ અને અમારા સુશાસન ઉપર મજબૂત ભરોસા તરીકે જોઈએ છીએ. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા પોર્ટ ડેવલપર અને ઓપરેટર પૈકીના એક તરીકે ઉભરેલી APSEZ આ પ્રોજેક્ટ ફક્ત અમારી વિશ્વ કક્ષાની પુરવાર કાબેલિયત માટે જ નહી પરંતુ આંતર માળખાકીય ક્ષેત્રમાં નિર્માણના અમારા અગાધ અનુભવને લઈને આવી છે. આ પ્રોજેક્ટ જ્યારે પૂરો થશે ત્યારે કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેક્ટ ફક્ત કોલંબો જ નહી પરંતુ સમગ્ર ટાપુની આરપાર સામાજીક આર્થિક ચિત્રને નવી પ્રત્યક્ષ અને પરોક્ષ હજારો રોજગારની તકો મારફત પલટાવી નાખવા સાથે શ્રીલંકાના વેપાર-વાણિજ્યની ઈકો સિસ્ટમને જોરદાર પ્રોત્સાહન આપશે. ભારતીય સમુદ્રી પરીસીમામાં પોર્ટ ઓફ કોલંબો સૌથી મોટું અને ધમધોકાર ચાલતું ટ્રાન્સશિપમેંટ પોર્ટ છે. વર્ષ 2021થી તે 90 ટકાથી વધુ ઉપયોગીતા સાથે કામકાજ કરી રહ્યું છે. જેથી તેમાં વધારાની ક્ષમતા ઉમેરવી એ સમયની માંગ છે. નવું ટર્મિનલ મહત્વના શિપિંગ રુટો ઉપર શ્રીલંકાના મહત્વના સ્થાન તેમજ આ વિસ્તરતા બજારની તેની નજદીકી પહોંચ બંગાળના અખાતમાં ઉભરી રહેલા અર્થકારણને વેગ આપશે. DFCના સીઈઓ સ્કોટ નેથને જણાવ્યું હતું કે કંપની વિકાસને આગળ ધપાવતા અને આર્થિક વૃધ્ધિ તરફ દોરી જતા ખાનગી ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપીને અમારા ભાગીદારોની વ્યુહાત્મક સ્થિતિને મજબૂત બનાવે છે. જે અનુસાર પોર્ટ ઓફ કોલંબોમાં આ આંતર માળખાના નિર્માણ માટે અમે સહયોગ કરી રહ્યા છીએ. શશ્રીલંકા દુનિયાનું એક મુખ્ય ટ્રાન્ઝીટ હબ છે અને અડધો અડધ કન્ટેનર શિપ તેના પાણીમાંથી પસાર થાય છે. સોવરીન ડેબ્ટ વધાર્યા સિવાય ખાનગી ક્ષેત્રમાં વેસ્ટ કન્ટેનર ટર્મિનલ માટે 55.3 કરોડ ડોલરની લોનની DFCની પ્રતિબધ્ધતા તેની શિપિંગ ક્ષમતાને વિસ્તારવા સાથે શ્રીલંકાની સમૃધ્ધિને નવી ઉચાઇએ લઈ જશે. આ સાથે અદાણી ગૃપ ઉભરતા બજારમાં વ્યુહાત્મક રોકાણ મારફત તેની વૈશ્વિક હાજરી વિસ્તારી રહી છે. અદાણી સમૂહે ટ્રાન્સપોર્ટ લોજીસ્ટિક્સ અને એનર્જી યુટીલિટીઝ વ્યવસાયોમાં માર્કેટ લિડર તરીકેનું સ્થાન લઈ લીધું છે.
કોટનના ભાવમાં ત્રણ દિવસોમાં ખાંડીએ રૂ. 700નો ઘટાડો
કોટનની આવકોમાં વૃદ્ધિ સામે માગ નીચી જળવાવાથી કોટનના ભાવ ઘટવાતરફી જોવા મળી રહ્યાં છે. સોમવારે ઉઘડતાં સપ્તાહે રૂ. 56900-57200ની રેંજમાં ટ્રેડ થતી ખાંડી બુધવારે રૂ. 56200-56500ની રેંજમાં ટ્રેડ થઈ રહી હતી. વર્તુળોના મતે માર્કેટમાં આવકો વધી રહી છે જ્યારે તહેવારોની સિઝનને કારણે પૂછપરછો નીચી છે. ખેડૂતો તરફથી દિવાળીના વેકેશન પહેલાં કેટલોક માલ વેચાઈ જાય તેને કારણે પણ આવકો સારી છે. આગામી સપ્તાહે દિવાળીને કારણે બજારો બંધ રહેશે. યુએસડીએના તાજેતરના રિપોર્ટ મુજબ આવકમાં ઘટાડા વચ્ચે પણ કોટનના ભાવ નીચા જળવાય રહેશે. કેમકે, વૈશ્વિક વપરાશ નીચો રહેવાની શક્યતાં છે.
FMCG સેક્ટરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 9 ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવી
શહેરી વિસ્તારોમાં વાર્ષિક 10.2 ટકાનો વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો
ફૂડ તથા નોન-ફૂડ સેક્ટર, બંનેએ 8.7 ટકા ગ્રોથ નોંધાવ્યો
એફએમસીજી સેક્ટરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 8.6 ટકાનો મજબૂત વૃદ્ધિ દર નોંધાવ્યો છે. જે દેશમં પોઝીટીવ કન્ઝ્મ્પ્શન પેટર્ન્સનો સંકેત આપે છે. મોંઘવારીમાં ઘટાડા પાછળ વપરાશમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું માનવામાં આવે છે. તેમજ ગ્રામીણ વિસ્તારોમાં તબક્કાવાર માગ રિકવરીને કારણે પણ વપરાશ વધ્યો છે. ગ્રામીણ ખરીદારો તરફથી આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ ઉપરાંત નોન-ફૂડ એફએમસીજીની ખરીદી શરૂ થવાથી એફએમસીજી કંપનીઓને સહાયતા મળી છે.
નેલ્સનઆઈક્યૂએ હાથ ધરેલા સર્વે મુજબ ગ્રામીણ બજારોમાં રિકવરીના સંકેતો મળી રહ્યાં છે. સર્વે મુજબ ગ્રામીણ બજારોમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.4 ટકાની વોલ્યુમ વૃદ્ધિ જોવા મળી હતી. જૂન ક્વાર્ટરમાં ગ્રામીણ વિસ્તારોમાં વોલ્યુમ વૃદ્ધિ 4 ટકા પર અંદાજવામાં આવતી હતી. બીજી બાજુ, શહેરી વિસ્તારોમાં 10.2 ટકાનો સ્થિર વોલ્યુમ ગ્રોથ નોંધાયો હતો. મહામારી પછી લાંબા સમયથી ગ્રામીણ વિસ્તારોમાં માગ પરત ફરી રહી નહોતી. જે ધીમે-ધીમે પરત ફરી રહેલી જોવા મળે છે. આ માટેનું એક કારણ મોંઘવારીનું દબાણ ઘટ્યું હોવાનું પણ માનવામાં આવે છે. એફએમસીજી કંપનીઓએ ગયા ક્વાર્ટરમાં પ્રાઈસ ગ્રોથમાં વધુ ઘટાડો અનુભવ્યો હતો. જેણે ગ્રાહકોને ખરીદી માટેની વધુ અનુકૂળતા કરી આપી હતી. આ બાબત ગ્રામીણ વિસ્તારોમાં ખાસ નજરે પડે છે કેમકે ત્યાં તમામ કેટેગરીઝમાં માગ વધતી જોવાઈ છે એમ એનઆઈક્યૂ ઈન્ડિયાના એમડી જણાવે છે. તેઓ ઉમેરે છે કે બેઝ ઈફેક્ટને કારણે ઈન્ફ્લેશન ઠંડુ પડ્યું છે. તેમજ તાજેતરમાં બેરોજગારીના આંકડામાં ઘટાડા સહિતના પરિબળોએ ગ્રાહકોને ખર્ચ માટે પ્રેરિત કર્યાં છે.
ફૂડ્સ અને નોન-ફૂડ્સ, બંને કેટેગરીમાં સમાન ગતિએ વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફૂડ સેક્ટરે 8.7 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. જેમાં સ્નેક્સ અને ચોકલોટ્સ જેવી કેટેગરીઝનું યોગદાન મુખ્ય હતું. આ ઉપરાંત, બિસ્કિટ્સ, ટી અને કોફીનું વેચાણ પણ વધ્યું હતું. નોન-ફૂડ કેટેગરીમાં પણ 8.7 ટકા વૃદ્ધિ નાંઈ હતી. જેમાં પર્સનલ કેર સેગમેન્ટનો સમાવેશ થતો હતો. એશિયા-પેસિફિક પ્રદેશના અન્ય બજારોની સરખામણીમાં ભારતીય બજારમાં ઊંચો વપરાશ જોવા મળી રહ્યો છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં માગ રિવાઈવલને કારણે એફએમસીજી કંપનીઓને મોટી રાહત મળી છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઓઈલ ઈન્ડિયાઃ પીએસયૂ ક્રૂડ ઓઈલ ઉત્પાદકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 640 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2,116 કરોડના નફા સામે 70 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 10,121 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 13 ટકા ઘટી રૂ. 8816 કરોડ પર રહી હતી. ક્રૂડના ભાવમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મજબૂતી છતાં કંપનીની રેવન્યૂમાં ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીનો શેર સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો.
કેએસબી લિમિટેડઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 563.7 કરોડનું વેચાણ દર્શાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 31 ટકા વૃદ્ધિ સૂચવે છે. કેલેન્ડર 2023ના ત્રણ ક્વાર્ટર્સમાં તેણે રૂ. 1644.6 કરોડનું વેચાણ નોંધાવ્યું છે. જે વાર્ષિક 27 ટકા ઊંચું છે. સીબીઈ વાલ્વ ડિવિઝનમાં ઓર્ડર ઈન્ટેક રૂ. 317.3 કરોડ સાથે વિક્રમી સ્તરે છે. તેણે ન્યૂકલિયર પાવર કોર્પોરેશન તરફથી રૂ. 55.1 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
સ્કિપર લિમિટેડઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 19.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 560 ટકાનો ઉછાળો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 462 કરોડ પરથી 67.2 ટકા વધી રૂ. 772.4 કરોડ પર રહી હતી. કંપનીના પોલીમર ડિવિઝનની કામગારી 101 ટકા વૃદ્ધિ સાથે 3924 ટનથી વધી 7872 ટન પર જોવા મળી હતી. કંપનીની ઓર્ડર બુક પોઝીશન રૂ. 1529 કરોડ પર રહી હતી.
જીએચસીએલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 817 કરોડની નેટ ઈન્કમ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1183 કરોડ પર જોવા મળતી હતી. જ્યારે 2023-24ના જૂન ક્વાર્ટરમાં રૂ. 1029 કરોડ પર નોંધાઈ હતી. કંપનીનો એબિટા રૂ. 224 કરોડ રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 413 કરોડ પર હતો. કંપનીનો નેટ પ્રોફિટ રૂ. 143 કરોડ પર જોવા મળ્યો હતો.
તાતા પાવરઃ તાતા જૂથ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1017.41 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 935.18 કરોડના નફાની સરખામણીમાં 8.79 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીના કોર બિઝનેસમાં વૃદ્ધિ પાછળ આવક પણ રૂ. 15442 કરોડ પર નોંધાઈ હતી.