Market Summary 08/12/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં બુલ્સની પકડ પાછળ નિફ્ટી 21 હજારની ટોચે જોવાયો
સેન્સેક્સ 70 હજારથી 112 પોઈન્ટ્સ છેટે રહી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.6 પોઈન્ટ્સ ગગડી 12.47ના સ્તરે
આઈટી,બેંક, રિઅલ્ટીમાં મજબૂતી
એફએમસીજી, ફાર્મા, ઓટો, એનર્જીમાં નરમાઈ
જીએમઆર એરપોર્ટ્સ, સોભા, નોસિલ, આરબીએલ બેંક નવી ટોચે

ભારતીય શેરબજારમાં એક સત્ર માટે વિરામ રાખ્યાં પછી તેજી પરત ફરી હતી અને બેન્ચમાર્ક્સ નવી ટોચે પહોંચ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 304 પોઈન્ટ્સ ઉછળી 69826ની સપાટીએ જ્યારે નિફ્ટી 68 પોઈન્ટ્સ સુધારે 20,969 પોઈન્ટ્સ પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે પ્રોફિટ બુકિંગ પાછળ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3880 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2077 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1679 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. 358 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 19 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.6 પોઈન્ટ્સ ગગડી 12.47ના સ્તરે બંધ રહ્યો હતો.
સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ સાથે કામકાજની શરૂઆત કરી હતી. જ્યારપછી તે વધુ સુધરતો જોવા મળ્યો હતો અને શરૂઆતી તબક્કામાં જ તેણે 21000ની સપાટીને સ્પર્શ કર્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે 21006ની ટોચ બનાવી વેચવાલીના દબાણે તે 20863 સુધી ગગડ્યો હતો. એક તબક્કે તે રેડ ઝોનમાં જોવા મળતો હતો. જોકે, ત્યાંથી પરત ફરી સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 121 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21090ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 119 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં સાધારણ વૃદ્ધિ દર્શાવે છે. એટલેકે લોંગ ટ્રેડર્સ હજુ પણ ક્યાંય તેમની પોઝીશનને લિક્વિડેટ કરવાની ઉતાવળમાં નથી જણાતા. જે બજારમાં મજબૂતી જળવાય રહેવાનો સંકેત છે. જોકે, રિટેલ રોકાણકારોએ નવી ખરીદી ટાળવી જોઈએ. તેમનું વલણ નીચે ખરીદેલી ચીજોમાં પ્રોફિટ બુકિંગનું હોવું જોઈએ. કેમકે, હરીફ બજારોની સરખામણીમાં ભારતીય બજાર ઊંચું વેલ્યૂએશન સૂચવે છે. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં એચસીએલ ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, જેએસડબલ્યુ સ્ટીલ, એપોલો હોસ્પિટલ, ઈન્ફોસિસ, એચડીએફસી બેંક, ટાઈટન કંપની, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, વિપ્રો, હિંદાલ્કો, લાર્સન, એસબીઆઈ લાઈફ, કોટક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝ, આઈટીસી, અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, હિરો મોટોકોર્પ, બ્રિટાનિયા, એમએન્ડએમ, ડિવિઝ લેબ્સ, બજાજ ફાઈનાન્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી, બેંક, રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે એફએમસીજી, ફાર્મા, ઓટો, એનર્જી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી 1.31 ટકા ઉછળી નવી ટોચ પર ટ્રેડ થયો હતો. જેને સપોર્ટ આપનારા ઘટકોમાં એચસીએલ ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, પર્સિસ્ટન્ટ, ઈન્ફોસિસ, કોફોર્જ, એમ્ફેસિસ, વિપ્રો, ટીસીએસ, એલએન્ડટી ટેક્નોલોજી, ટેક મહિન્દ્રાનો સમાવેશ થતો હતો. નિફ્ટી બેંક પણ એક ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એચડીએફસી, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ બરોડા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એસબીઆઈનો સમાવેશ થતો હતો. નિફ્ટી રિઅલ્ટી 0.5 ટકા મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, સોભા, પ્રેસ્ટીજ એસ્ટેટ, હેમિસ્ફિઅર, ડીએલએફમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ ફિનિક્સ મિલ્સ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ઓબેરોય રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ એક ટકા જેટલો પટકાયો હતો. જેના ઘટકોમાં એનટીપીસી સિવાય તમામ કાઉન્ટર્સ ઘટાડો સૂચવતાં હતાં. જેમકે અદાણી ગ્રીન એનર્જી 5 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત આઈઓસી, ઓએનજીસી, એચપીસીએલ, ગેઈલ, બીપીસીએલ, તાતા પાવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ એક ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ડાબર ઈન્ડિયા, ગોદરેજ કન્ઝ્યૂમર અને એચયૂએલ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. એ સિવાય તાતા કન્ઝ્યૂમર, વરુણ બેવરેજીસ, નેસ્લે, ઈમામી, મેરિકો, કોલગેટ, જ્યુબિલિઅન્ટ ફૂડ, યુનાઈટેડ બ્રૂઅરિઝમાં નરમાઈ જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.80 ટકાનો ઘટાડો સૂચવતો હતો. જેના ઘટકોમાં ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબ, ડિવીઝ લેબ્સ, બાયોકોન, લ્યુપિન, ઓરોબિંદો ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા અને સન ફાર્મા નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો 0.55 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં અશોક લેલેન્ડ, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, તાતા મોટર્સ, સોના બીએલડબલ્યુ, ટીવીએસ મોટર, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો અને બોશમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો જીએમઆર એરપોર્ટ્સ 12 ટકા સાથે સૌથી ઊંચો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત, આરબીએલ બેંક, ઈન્ડિયા સિમેન્ટ્સ, આરઈસી, એચસીએલ ટેક્નોલોજી, ઝી એન્ટરટેઈનમેન્ટ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એલટીઆઈમાઈન્ડટ્રી, પર્સિસ્ટન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, પાવર ફાઈનાન્સ, મધરસન સુમી, હિંદુસ્તાન કોપર, ઈન્ફોસિસ, એપોલો હોસ્પિટલમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ એમસીએક્સ ઈન્ડિયા, બલરામપુર ચીની, ભેલ, એસ્કોર્ટ્સ કુબોટા, આઈઈએક્સ, ગ્લેનમાર્ક, ઝાયડસ લાઈફ, વોડાફોન આઈડિયા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, અદાણી એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ ફાર્મા, આદિત્ય બિરલા ફેશનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. કેટલાંક કાઉન્ટર્સ જે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવતાં હતાં તેમાં જીએમઆર એરપોર્ટ્સ, સોભા, નોસિલ, આરબીએલ બેંક, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઈન્ડિયા સિમેન્ટસ, સ્વાન એનર્જી, આરઈસી, એચસીએલ ટેક્નોલોજી, પાવર ફાઈનાન્સનો સમાવેશ થતો હતો.

નિફ્ટીનો PE 10-વર્ષોની સરેરાશથી ઊંચો છતાં વેલ્યૂએશન મોંઘા નથીઃ એનાલિસ્ટ્સ
માર્કેટ નિષ્ણાતોના મતે હાલમાં માર્કેટ વેલ્યૂ ઝોનમાં છે નહિ કે એક્સપેન્સિવ ઝોનમાં

બેન્ચમાર્ક નિફ્ટીએ શુક્રવારે 21000ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો. માર્કેટમાં છેલ્લાં કેટલાંક સપ્તાહોથી સતત તેજી જોવા મળી રહી છે. જેને લઈને વેલ્યૂએશનને લઈ ચિંતા ઊભી થઈ છે. બજારમાં ઘણા અભ્યાસુઓ માર્કેટમાં નવા રોકાણથી દૂર રહેવાની સલાહ આપી રહ્યાં છે. જોકે, માર્કેટ નિષ્ણાતોનું કહેલું છે કે વર્તમાન સપાટીએ બેન્ચમાર્ક ઈન્ડેક્સ મોંઘો નથી જણાતો. ભારતના આર્થિક વૃદ્ધિ દરની અપેક્ષાને જોતાં તે વાજબી વેલ્યૂ ધરાવે છે એમ તેઓ ઉમેરે છે.
નિફ્ટીનો એક વર્ષ માટેનો ફોરવર્ડ પીઈ 21.35નો જોવા મળે છે. જે છેલ્લાં 10-વર્ષોના 20.08ના સરેરાશ પીઈની સરખામણીમાં ઊંચો છે. જોકે, તે મોંઘો નથી એમ એક્સપર્ટ્સ માને છે. તેમના મતે નિફ્ટી વેલ્યૂ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યો છે. ટૂંકાગાળામાં બેન્ચમાર્ક કરેક્શન દર્શાવી શકે છે એમ તેઓ માને છે. જોકે, લોંગ-ટર્મમાં બજારમાં તેજી જળવાય રહેશે એમ તેમનું કહેવું છે. વેલ્થમિલ્સના ઈક્વિટી સ્ટ્રેટેજિસ્ટના મતે લોકસભાની ચૂંટણીઓ અગાઉ માર્કેટમાં કેટલુંક કોન્સોલિડેશન અપેક્ષિત છે. જોકે, ચૂંટણીઓ પછી ઈન્ડેક્સમાં તેજીની શક્યતાં છે. હાલમાં પણ ભારતીય શેરબજાર વેલ્યૂ ઝોનમાં જોવા મળે છે અને દેશના આર્થિક વૃદ્ધિના ઉજળા સંજોગો જોતાં તે મોંઘા વેલ્યૂએશન્સ નથી સૂચવતું. તેમના મતે હાલમાં દેશનો વૃદ્ધિ દર છેલ્લાં 10-વર્ષોની સરખામણીમાં ઊંચો જોવા મળી રહ્યો છે. ફિસ્ડમના રિસર્ચ હેડના મતે આપણે વર્તમાન માર્કેટને આક્રમક ભાવ સપાટી ધરાવતું બજાર કરી શકીએ પરંતુ તેને મોંઘું માર્કેટ ના કહી શકાય. તેમના મતે સ્થાનિક સ્તરે રાજકીય સ્થિરતા, ક્ષમતા વિસ્તરણમાં ખર્ચ અને આરબીઆઈના ઈન્ટરેસ્ટ સેટ નીતિમાં કોઈ ફેરફાર નહિ થવાથી કોર્પોરેટ કંપનીઓ મજબૂત અર્નિંગ્સ ગ્રોથ દર્શાવી રહી છે. મોર્ગન સ્ટેનલીના એમડી અને રિસર્ચ હેડ રિધમ દેસાઈના મતે આગામી વર્ષોમાં નિફ્ટીની અર્નિંગ્સ સરેરાશ 20 ટકાથી ઊંચા દરે વૃદ્ધિ દર્શાવશે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સતત પાંચમી વખતે રેપો રેટને સ્થિર જાળવ્યાં હતાં. સેન્ટ્રલ બેંકે 2023-24 માટે જીડીપી ગ્રોથના અંદાજને 50 બેસીસ પોઈન્ટ્સ વધારી સાત ટકા કર્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર ડેટામાં ઊંચી સરપ્રાઈઝને જોતાં તેણે આમ કર્યું હતું. ઉપરાંત, ભાજપે ગયા સપ્તાહે ચૂંટણી પરિણામોમાં મહત્વના ત્રણ રાજ્યોમાં સત્તા મેળવતાં માર્કેટના સેન્ટીમેન્ટ પર અસર પડી છે. તેમજ આ પરિણામોને કારણે 2024ની સામાન્યસભાની ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે તેવો વિશ્વાસ મજબૂત બન્યો છે.
સ્વતંત્ર માર્કેટ એક્સપર્ટના જણાવ્યા મુજબ નિફ્ટી માટે વેલ્યૂએશન્સ હાલમાં મોંઘા નથી જણાતાં. 2023-24ની ઈપીએસને જોતાં તે 18.5 ગણા જોવા મળે છે. તેમના મતે માર્કેટ્સ માટે હવેના મોટા ટ્રિગર્સ વૈશ્વિક બોન્ડ યિલ્ડ્સમાં મૂવમેન્ટ અને ઈમર્જિંગ માર્કેટમાં ફ્લો બની રહેશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભારતીય શેરબજારમાં ચોખ્ખું વેચાણ દર્શાવનાર એફઆઈઆઈ નવેમ્બરમાં પરત ફરી હતી અને તેણે રૂ. 10 હજાર કરોડનું ચોખ્ખું રોકાણ દર્શાવ્યું હતું. ચાલુ મહિને પણ તે શરૂઆતી સત્રોમાં પોઝીટીવ ઈનફ્લો મોકલી રહી છે. યુએસ બોન્ડ યિલ્ડ્સમાં તાજેતરમાં નરમાઈ પાછળ ઈમર્જિંગ માર્કેટમાં લિક્વિડિટી પરત ફરવાની શક્યતાં જોવાઈ રહી છે. ઓક્ટોબરમાં 5 ટકા પર પહોંચેલા બોન્ડ યિલ્ડ્સ હાલમાં ઘટી 4.2 ટકા નીચે ઉતરી ગયા છે. શુક્રવારે નિફ્ટીએ ઈન્ટ્રા-ડે ધોરણે 21005ની ટોચ દર્શાવી હતી. જ્યારે સેન્સેક્સ 69888ની ટોચ પર ટ્રેડ થયો હતો. આરબીઆઈએ રેપો રેટને 6.5 ટકા પર સ્થિર જાળવી રાખતાં બજારમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી-50એ તાજેતરમાં ડિસેમ્બર 2020 પછીની સૌથી લાંબી તેજી જોઈ છે. તે સતત છ સપ્તાહથી સુધારો દર્શાવી રહ્યો છે. ચાલુ સપ્તાહે તેણે ત્રણ ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. જે જુલાઈ 2022 પછીની સૌથી ઊંચી સાપ્તાહિક વૃદ્ધિ છે.

MF અને PMSની વચમાં એક નવો એસેટ ક્લાસ ઊભો કરવા સેબીની વિચારણા
સેબી ચેરમેનના મતે કેટલાંક નિયંત્રણો સાથે હાઈ-રિસ્ક, હાઈ-રિટર્ન કેટેગરી ઊભી કરવામાં આવે તેવી શક્યતાં

માર્કેટ રેગ્યુલેટર સેબી હાઈ-રિસ્ક ઈન્વેસ્ટર્સ માટે એક નવા એસેટ ક્લાસ માટે વિચારી રહી છે એમ સેબી ચેરમેન માધવી પૂરી બૂચે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સેબીએ આ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઓફ ઈન્ડિયા(એમ્ફી)ને આ માટેનો પ્રસ્તાવ પણ પાઠવ્યો છે. હાલમાં દેશનો મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ રૂ. 47 લાખ કરોડનું કદ ધરાવે છે. બૂચ દિલ્હી ખાતે સીઆઈઆઈ ગ્લોબલ ઈકોનોમિક પોલિસી ખાતે બોલી રહ્યાં હતાં.
રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી બિનજરૂરી સલાહ-સૂચનની માગણીને લઈ માર્કેટ રેગ્યુલેટર ચિંતિત છે. આ માટે નાના રોકાણકારો ઈન્વેસ્ટમેન્ટ સલાહ મેળવવા માટે વારંવાર ગેરકાયદે એવા રજિસ્ટ્રેશન નહિ ધરાવતાં ક્લાસી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ(પીએમએસ) પાસે પહોંચી જતાં હોય છે અને તેમના નાણા જોખમી રોકાણોમાં રોકવાની ભૂલ કરી બેસતાં હોય છે. જેને કારણે તેમણે ઊંચું નુકસાન પણ ઊઠાવવાનું બનતું હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે રિટેલ રોકાણકારો બજારમાં મોટી સંખ્યામાં પ્રવેશ્યાં છે. ખાસ કરી મહામારી પછી ઈક્વિટીઝમાં તેમનું પાર્ટિસિપેશન નોંધપાત્ર વધ્યું છે. આમાં અનેક રોકાણકારો નવા છે. તેઓ અગાઉ રોકાણનો અનુભવ ધરાવતાં નથી. તેમણે તેજી-મંદીનો અનુભવ નથી કર્યો અને તેથી તેઓ અનરજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ લેવા માટે દોડતાં હોય છે.
વર્તમાન નિયમો મુજબ મ્યુચ્યુલ ફંડની સ્કિમ માટે લઘુત્તમ રૂ. 5000 કરોડનું રોકાણ થઈ શકે છે પરંતુ પીએમએસ માટે ઓછામાં ઓછું રૂ. 50 લાખનું રોકાણ કરવાનું રહે છે. જ્યારે અલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ(એઆઈએફ) માટે રૂ. 1 કરોડના રોકાણની જરૂરિયાત રહેતી હોય છે. સામાન્યરીતે પીએમએસ અને એઆઈએફ્સ જોખમી ગણાય છે. તેઓ એમએફ સ્કિમ કરતાં લઘુત્તમ રોકાણની ઊંચી જરૂરિયાત ધરાવે છે. નાના રોકાણકારો રજિસ્ટ્રેશન નહિ ધરાવતાં એવા એડવાઈઝર્સ તરફથી ચલાવવામાં આવતી હાઈ-રિસ્ક સ્કિમ્સમાં તેમનું રોકાણ કરતાં હોય છે અને ફસાતાં હોય છે.

નાણા વર્ષની આખર પહેલાં સમાન દિવસે સેટલમેન્ટઃ સેબી ચેરમેન
ચાલુ નાણાકિય વર્ષ 2023-24 પૂરું થાય તે પહેલાં ભારત સમાન દિવસે માર્કેટ સેટલમેન્ટની દિશામાં આગળ વધી રહ્યું હોવાનું માર્કેટ રેગ્યુલેટર સેબી ચેરમેન માધવી પૂરી બૂચે જણાવ્યું હતું. હાલમાં દેશમાં T+1 સેટલમેન્ટ સિસ્ટમ ચાલી રહી છે. એટલેકે ટ્રેડ થયાના બીજા દિવસે સેટલમેન્ટ કરવામાં આવે છે. તેને T+0 પર લઈ જવામાં આવશે. એટલેકે ટ્રેડ થાય તે જ દિવસે સેટલમેન્ટ પણ કરાશે. જે ટ્રેડ થવા સાથે જ સેટલમેન્ટની ખાતરી પૂરી પાડશે.
સેબી ચેરમેનના જણાવ્યા મુજબ હાલમાં આપણે વૈકલ્પિક ધોરણે T+0 તરફ આગળ વધી રહ્યાં છીએ એમ નવી દિલ્હી ખાતે એક ઈન્ડસ્ટ્રી ઈવેન્ટમાં તેમણે કહ્યું હતું. તે ચાલુ નાણા વર્ષની આખર પહેલાં અમલી બનશે. અગાઉ સપ્ટેમ્બરમાં સેબી તરફથી ટ્રેડના એક કલાકમાં સેટલમેન્ટના અમલ પર વિચાર શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે કેટલાંક મહિનાઓ પછી ઈન્ટસ્ટન્ટ સેટલમેન્ટ અમલી બનાવવાની વાત ચર્ચાઈ રહી હતી. ચીન પછી ભારત શોર્ટ સેટલમેન્ટ સાઈકલ અપનાવનાર બીજો દેશ છે. બાકીના ટોચના અર્થતંત્રોમાં સેટલમેન્ટ સાઈકલ બે દિવસોમાં પૂરી કરવામાં આવે છે. આમ, ભારત ઘણા વિકસિત દેશો કરતાં પણ શેરબજારમાં સેટલમેન્ટની બાબતમાં આગળ છે. શરૂઆતમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી આને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, પાછળથી તેના સફળ અમલને જોતાં કોઈ ખાસ વિવાદ જોવા મળ્યો નહોતો.

નવેમ્બરમાં SIP ઈનફ્લો પ્રથમવાર રૂ. 17 હજારની સપાટી કૂદાવી ગયો
જોકે, ગયા મહિને ઈક્વિટી ફંડ ઈનફ્લોમાં 22 ટકા ઘટાડો જોવા મળ્યો
સ્મોલ-કેપ અને મીડ-કેપ સ્કિમ્સમાં રોકાણ પ્રવાહ જળવાય રહ્યો
2023માં સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. 37,178 કરોડનો અને મીડ-કેપ ફંડ્સમાં રૂ. 21,520 કરોડનો નેટ ઈનફ્લો
જ્યારે લાર્જ-કેપ ફંડ્સમાં રૂ. 2686 કરોડનો નેટ આઉટફ્લો જોવા મળ્યો
મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગમાં સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સમાં નવો વિક્રમ બનવાની પ્રક્રિયા નવેમ્બરમાં પણ ચાલુ રહી હતી. ગયા મહિને SIP સ્કિમ્સમાં રૂ. 17000નો ઈનફ્લોનું લેવલ પ્રથમવાર પાર થયું હતું અને કુલ રૂ. 17073 કરોડનો નાણાપ્રવાહ નોંધાયો હતો. જે ઓક્ટોબરમાં રૂ. 16,928 કરોડ પર જોવા મળતો હતો.
જોકે, બીજી બાજુ ઈક્વિટી-ઓરિએન્ટેડ મ્યુચ્યુલ ફંડ્સ ઈનફ્લોમાં નવેમ્બરમાં 22 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, સતત 33મા મહિને ઈનફ્લો પોઝીટીવ જોવા મળ્યો હતો એમ એસોસિએશ ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઓફ ઈન્ડિયા(એમ્ફી)નો ડેટા જણાવે છે. શુક્રવારે નવેમ્બર મહિનામાં ફંડ ઉદ્યોગની કામગીરી અંગે જણાવતાં એમ્ફીએ નોંધ્યું હતું કે ઈક્વિટી ફંડ્સમાં ગયા મહિને રૂ. 15,536.42 કરોડનું ચોખ્ખું રોકાણ જળવાયું હતું. જે ઓક્ટોબરમાં જોવા મળેલા રૂ. 19,957.17 કરોડની સરખામણીમાં 22.15 ટકાનો ઘટાડો દર્શાવે છે. સ્થાનિક શેરબજારમાં સતત મજબૂતીને કારણે ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સમાં પ્રવાહ સ્થિર જોવા મળ્યો છે. નવેમ્બરમાં બેન્ચમાર્ક બીએસઈ સેન્સેક્સ 4.87 ટકાનુ રિટર્ન દર્શાવતો હતો. જ્યારે નિફ્ટીએ 5.52 ટકાનું વળતર આપ્યું હતું. સપ્ટેમ્બરમાં ટોચ બનાવી પ્રોફિટ બુકિંગ પાછળ પાંચ ટકાનું કરેક્શન દર્શાવનાર ભારતીય બજાર ઓક્ટોબર અને નવેમ્બરમાં ઝડપથી પરત ફર્યું હતું.
ફંડ મેનેજર્સના મતે નવેમ્બરમાં ઈક્વિટી ફંડ ફ્લોમાં નોંધપાત્ર ઘટાડાનું કારણ દિવાળીના તહેવારો તથા બેંકમાં રજાઓની અસર હોય શકે છે. તહેવારોના દિવસોમાં વેકેશનને કારણે પણ ફંડ ફ્લોમાં ઘટાડો જોવા મળ્યો હોય તેમ બને. જોકે, મલ્ટી-એસેટ એલોકેશન કેટેગરી સ્કિમ્સમાં ફ્લો જળવાયો હતો. તેમજ સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સમાં પણ નેટ ઈનફ્લો વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. જે સૂચવે છે કે સ્થાનિક રિટેલ રોકાણકારો તેમની બચતને ઈક્વિટીઝમાં રોકી રહ્યાં છે. ઓક્ટોબરમાં રૂ. 17 હજારથી સહેજ છેટે રહી ગયેલો સિપ ઈનફ્લો નવેમ્બરમાં સત્તાવાર રીતે રૂ. 17 હજાર કરોડની સપાટી પાર કરી ગયો હતો. છેલ્લાં ચાર વર્ષોમાં તે લગભગ 100 ટકા વૃદ્ધિ દર્શાવે છે. અગાઉ 2020ની આસપાસ તે રૂ. 8000-9000 કરોડની રેંજમાં જોવા મળતો હતો.
એમ્ફીના ડેટા મુજબ સ્મોલ-કેપ ફંડ્સની માગ ઊંચી જળવાય હતી. તમામ કેટેગરીઝમાં તેની માગ ઊંચી રહી હતી. ઈક્વિટી કેટેગરીની વાત કરીએ તો સ્મોલ-કેપ અને મીડ-કેપ મ્યુચ્યુલ ફંડ સ્કિમ્સમાં ઊંચી માગ જોવા મળી હતી. જેને કારણે સ્મોલ-કેપ ઈક્વિટી સ્કિમ્સમાં રૂ. 3699.24 કરોડનો ફંડ ફ્લો નોંધાયો હતો. જ્યારે મીડ-કેપ્સમાં રૂ. 2665.70 કરોડનો ફંડ ફ્લો જોવા મળ્યો હતો. જો સમગ્ર વર્ષની વાત કરીએ તો કેલેન્ડર 2023માં અત્યાર સુધીમાં સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. 37,178 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો છે. જ્યારે મીડ-કેપ ફંડ્સમાં રૂ. 21,520 કરોડનું નેટ ઈન્વેસ્ટમેન્ટ નોંધાયું છે. આનાથી ઉલટું, 2023ની શરૂઆતથી લાર્જ-કેપ ફંડ્સમાં રૂ. 2,686 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. નવેમ્બરમાં લાર્જ-કેપ ફંડ્સમાં રૂ. 307 કરોડનો નાનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો.
ડેટ ફંડ્સની વાત કરીએ તો નવેમ્બરમાં તેણે રૂ. 4706.70 કરોડનો નેટ આઉટફ્લો નોંધાવ્યો હતો. ઓક્ટોબરમાં ડેટ ફંડ્સમાં રૂ. 42,633.70 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. કેટગરી મુજબ જોઈએ તો કોર્પોરેટ બોન્ડ ફંડ્સે રૂ. 15,78.39 કરોડનો નેટ આઉટફ્લો દર્શાવ્યો હતો. જ્યારે અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્સે રૂ. 1,865.73 કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો. બીજી બાજુ, મની માર્કેટ અને ફ્લોટર ફંડ્સે અનુક્રમે રૂ. 865.34 કરોડ અને રૂ. 648.32 કરોડની નાની ખરીદી દર્શાવી હતી.

એપલનો ભારતમાં વર્ષે 5 કરોડ આઈફોન્સ બનાવવાનો લક્ષ્યાંક
ટેક્નોલોજી જાયન્ટ એપલ ઈન્ક આગામી બેથી ત્રણ વર્ષોમાં ભારતમાં વાર્ષિક ધોરણે 5 કરોડ આઈફોન્સ બનાવવાનો ટાર્ગેટ ધરાવે છે એમ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું છે. આ ટાર્ગેટ હાંસલ થયા પછી કંપની વધુ એક કરોડ આઈફોન્સ બનાવવાનું વિચારશે એમ રિપોર્ટ સૂચવે છે. એપલના કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર્સ ભારતમાં આઈફોન ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર રોકાણ કરી રહ્યાં છે. જેમાં તાઈવાન મુખ્યાલય ધરાવતી કંપનીઓ મુખ્ય છે. ભારતના તાતા જૂથે પણ એપલ કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર પાસેથી પ્લાન્ટ ખરીદ્યો છે અને તેથી તે પણ એપલની સપ્લાય ચેઈનમાં જોડાયું છે. 2025 સુધીમાં એપલ તેના કુલ આઈફોન ઉત્પાદનનો 25 ટકા હિસ્સો ભારતમાંથી ઉત્પાદન કરવાનું અગાઉ જણાવી ચૂકી છે. જેમાં તેના લેટેસ્ટ મોડેલ્સ પણ સામેલ છે.

G7ના રશિયન ડાયમંડની આયાત પર પ્રતિબંધથી ભારતને ફટકો પડશે
જી7 દેશોની જાન્યુઆરીથી રશિયન ડાયમંડના સીધા સોર્સિંગ પર પ્રતિબંધની જાહેરાત

ગ્રૂપ ઓફ સેવન(G7) દેશો તરફથી રશિયાથી સોર્સ કરવામાં આવતાં ડાયમંડ્સ પર પ્રતિબંધના નિર્ણયને કારણે ભારતના કટ અને પોલીશ્ડ ડાયમંડ ઉદ્યોગ પર મોટી અસર પડવાની શક્યતાં વ્યક્ત કરવામાં આવી રહી છે. જી-7 દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, યુકે અને યુએસનો સમાવેશ થાય છે. જેઓ ભારતીય ડાયમંડ નિકાસ માટે મોટા માર્કેટ્સ છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહના જણાવ્યા મુજબ જી7 દેશોના નેતાઓ તરફથી તાજેતરના નિવેદનો ભારતના હીરા ઉદ્યોગ માટે ગંભીર છે. આ દેશોના નેતાઓ જાન્યુઆરી મહિનાથી રશિયામાંથી પેદા થતાં ડાયમંડના સીધા સોર્સિંગ પર પ્રતિબંધની જાણ કરી રહ્યાં છે. જ્યારે માર્ચ મહિનાથી રશિયામાંથી પેદા થયેલા પરંતુ ત્રીજા દેશ તરફથી પ્રોસેસ થયેલા ડાયમંડની આયાત પર જી7 દેશો પ્રતિબંધ મૂકશે એમ તેઓ જણાવે છે. આ ઘટનાએ ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે મોટી ચિંતા ઊભી કરી છે. તેમના મતે ડાયમંડ ઉદ્યોગ જી7 દેશો સાથે આ બાબતને લઈ મંત્રણા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. શાહના મતે આ નિયંત્રણોને લાગુ પાડવા માટે જાહેર કરવામાં આવેલી સમયમર્યાદાને લઈ તેમનું સંગઠન રિઝર્વેશન્સ ધરાવે છે. જીજેઈપીસીના મતે પ્રતિબંધોના અમલીકરણ વખતે એસએમઈ અને નાના યુનિટ્સના હિતોનું ધ્યાન રખાવું જોઈએ. કેમકે તેમના પર લાખો પરિવારોનું ગુજરાત ચાલી રહ્યું છે. કાઉન્સિલ આ મુદ્દે વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ સાથે પણ ચર્ચા કરશે. તેમજ તેમના ધંધાને નુકસાન ના થાય તે માટે તમામ બિઝનેસ ભાગીદારોને આ મુદ્દે સંપર્ક સાધશે.

કોર્પોરેટ હેડલાઈન્સ

વિપ્રોઃ આઈટી સર્વિસ કંપની સતત તેના ઉચ્ચ અધિકારીઓને ગુમાવી રહી છે. હવે તણે ચીફ ગ્રોથ ઓફિસર સ્ટીફાની ટ્રૌંટમેનને ગુમાવ્યાં છે. તેમણે તેમના પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ 31 ડિસેમ્બર 2023 સુધી કંપનીમાં વર્તમાન હોદ્દા પર ચાલુ રહેશે. વિપ્રોએ મોટા ડીલ્સ મેળવવા માટે સીજીઓનો હોદ્દો બનાવ્યો હતો. જે કંપનીના એમડી અને સીઈઓને સીધું રિપોર્ટિંગ કરતાં હતાં. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં વિપ્રોએ ત્રણ ટોચના અધિકારી ગુમાવ્યાં છે. જેમાં ચીફ ફાઈનાન્સિયલ ઓફિસરનો સમાવેશ પણ થાય છે.
રાઈટ્સઃ ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કન્સલ્ટન્સી અને એન્જિનીયરીંગ કંપની રાઈટ્સે અન્ય પીએસયૂ ઓઈલ ઈન્ડિયા સાથે કરાર સાઈન કર્યાં છે. તેણે આસામમાં ડુલિઆજાન ટાઉનશીપ ડેવલપ કરવા માટે આ એગ્રીમેન્ટ કર્યાં છે. જેને મિની સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવશે એમ એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે. એમઓયૂ મુજબ રાઈટ્સ વર્તમાન સિસ્ટમની સમીક્ષા કરી જરૂરી ડિઝાઈન અને ડેવલપમેન્ટની કામગીરી કરશે. જેમાં બિલ્ડિંગ્સ, હોર્ટિકલ્ચર અને બ્યૂટિફિકેશનનો સમાવેશ થશે.
હિંદાલ્કોઃ આદિત્ય બિરલા જૂથની એલ્યુમિનિયમ ઉત્પાદક કંપની 2030 સુધીમાં 30 ટકા લો-કાર્બન એલ્યુમિનિયમ પ્રોડક્શનનો ટાર્ગેટ ધરાવે છે. કંપની કોમોડિટી સાઈકલમાં ઘટાડા વખતે પણ નવું રોકાણ જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. કંપનીએ એપ્રિલમાં તેના મૂડી ખર્ચ ટાર્ગેટને ઘટાડી 4.4 અબજ ડોલર સાથે પચાસ ટકા કર્યો હતો. કંપની ભારતમાં એલ્યુમિનિયમ અને કોપરની માગ મજબૂત રહેશે તેમ માને છે અને તેથી નવું રોકાણ કરી રહી છે.
મેક્સ હેલ્થકેરઃ મેક્સ હેલ્થકેરે સહારા હોસ્પિટલ લખનૌ પાસેથી રૂ. 125 કરોડના ખર્ચે 550 બેડ્સની હોસ્પિટલ ખરીદવાનો નિર્ણય લીધો છે. હાલમાં આ હોસ્પિટલ વર્ષે 2 લાખ દર્દીઓને સેવા પૂરી પાડી રહી છે. તેમજ તે ન્યૂરોસાયન્સિઝ માટે જાણીતું સેન્ટર ફોર એક્સિલન્સ ધરાવે છે. કંપની સ્ટારલાઈટ મેડિકલ સેન્ટર પાસેથી હોસ્પિટલનો 100 ટકા હિસ્સો ખરીદશે. હોસ્પિટલના કેમ્પસમાં નર્સિંગ કોલેજ પણ આવેલી છે.
નેટકો ફાર્માઃ કંપનીએ જણાવ્યું છે કે ચેન્નાઈ ખાતે અતિવૃષ્ટિને કારણે તેના ચેન્નાઈ પ્લાન્ટની કામગીરી પર અસર પડી છે. કંપનીના પ્લાન્ટમાં ચક્રવાતને કારણે પાણી ભરાઈ જવા પામ્યું હતું. જેને કારણે તેણે હંગામી ધોરણ માટે કંપનીની કામગીરી બંધ રાખવાની ફરજ પડી છે એમ કંપનીએ ફાઈલીંગમાં જણાવ્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage