Market Summary 08 Feb 2021

માર્કેટ સમરી

નિફ્ટી 15000 પર બંધ આપવામાં સફળ

ભારતીય બજાર માટે સોમવાર એક વધુ લેન્ડમાર્ક ડે હતો. બેન્ચમાર્ક નિફ્ટી 192 પોઈન્ટ્સ ઉછળી 15116ની સર્વોચ્ચ સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. આ અગાઉ ગયા શુક્રવારે તે 15014ના ઈન્ટ્રા-ડે ટોપ પરથી નીચે ઉતરી 14924 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સે પણ 51000નું સ્તર પાર કર્યું હતું.

ઓટો-મેટલ શેર્સના સપોર્ટે નિફ્ટીએ નવી ટોચ દર્શાવી  

નિફ્ટી ઓટો અને મેટલ 3-3 ટકાથી વધુ ઉછળ્યાં

બજેટ અને અર્નિંગ્સની અસરે ભારતી બજારે સતત છઠ્ઠા દિવસે તેજી નોંધાવી

નિફ્ટી બજેટ દિવસથી અત્યાર સુધીમાં 11 ટકા અથવા 1411 પોઈન્ટ્સ સુધર્યો

બજેટના બીજા સપ્તાહે પણ બજારમાં તેજીનો પવન ચાલુ રહ્યો હતો. અગ્રણી એશિયન બજારો ટોચના ભાવેથી કરેક્ટ થઈને ફ્લેટ-ટુ-નેગેટિવ બંધ રહ્યાં હોવા છતાં ભારતીય બજાર એક ટકાથી વધુના સુધારે બંધ આપવામાં સફળ રહ્યું હતું. તેમજ ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ 15000ના સ્તરને પાર કર્યું હતું. જ્યારે સેન્સેક્સ 51000ને પાર કરી ગયો હતો. સોમવારે બેંકિંગ સેક્ટર ઠંડુ રહ્યું હતું ત્યારે નિફ્ટીને ઓટો અને મેટલ તરફથી મહત્વનો સપોર્ટ મળ્યો હતો.

નિફ્ટી મેટલ 3.17 ટકા થવા 109 પોઈન્ટ્સ ઉછળી 3552 પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી ઓટોમાઈલ 3.14 ટકાના ઉછાળે 11061ની ત્રણ વર્ષની ટોચ પર બંધ આવ્યો હતો. તેણે દિવસ દરમિયાન 11078ની ટોચ બનાવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે ઓટો અગ્રણી મારુતિના સપોર્ટ વિના નિફ્ટી ઓટોમાં તીવ્ર સુધારો જોવા મળ્યો હતો. ઈન્ડેક્સને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સે મહત્વનો સપોર્ટ કર્યો હતો. સપ્તાહાંતે અપેક્ષાથી સારા પરિણામ રજૂ કરવા પાછળ એમએન્ડએમનો શેર તેણે બે વર્ષ અગાઉ દર્શાવેલી સર્વોચ્ચ સપાટીના સ્તરને સ્પર્શ કરીને પરત ફર્યો હતો. તેણે 10 ટકાથી વધુનું ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે અગાઉની ટોચ અવરોધ બનતાં શેર 7.30 ટકા સુધરી રૂ. 928.40ની સપાટી પર બંધ આવ્યો હતો. તેણે રૂ. 952ની ટોચ દર્શાવી હતી. 2018માં તેણે રૂ. 970ની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. બજેટમાં કૃષિ ક્રેડિટમાં વૃદ્ધિની જાહેરાતે પણ ટ્રેકટર ઉત્પાદક શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. ટાટા મોટર્સનો શેર શુક્રવારે સાધારણ કરેક્શન દર્શાવી સોમવારે ફરી મજબૂત બન્યો હતો અને 6 ટકાથી વધુના સુધારે બંધ આવ્યો હતો. એ સિવાય ઓટો પૂર્જા કંપનીઓના શેર્સમાં તેજી જોવા મળી હતી. જેમાં બેટરી ઉત્પાદક એક્સાઈડ બેટરીનો શેર 5 ટકાથી વધુ ઉછળ્યો હતો. જ્યારે મધરસન સુમીનો શેર 4 ટકા ઉછળ્યો હતો. ભારત ફોર્જ અને અમર રાજા બેટરીઝના શેર્સ પણ 4-4 ટકા સુધર્યાં હતાં. જ્યારે અશોક લેલેન્ડનો શેર બજેટ બાદ સતત છઠ્ઠા દિવસે સુધરવા સાથે વધુ 3 ટકા મજબૂતીએ રૂ. 135 પર બંધ રહ્યો હતો. મારુતિ અને બજાજ ઓટોએ ઓટો શેર્સની તેજીમાં પાર્ટિસિપેટ નહોતું કર્યું અને તેઓ અનુક્રમે એક ટકો અને 0.15 ટકા સુધારે બંધ આવ્યાં હતાં.

મેટલ શેર્સમાં એલ્યુમિનિયમ અગ્રણી હિંદાલ્કોનો શેર 6 ટકા ઉછળી રૂ. 281ની તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. સરકારી કંપની હિંદુસ્તાન કોપરનો શેર પણ 8 ટકા ઉછળ્યો હતો અને રૂ. 78ની ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે મેટલમાં સ્ટીલ શેર્સમાં વ્યાપક તેજી જોવા મળી હતી. જેમાં પીએસયૂ સ્ટીલ ઉત્પાદક સેઈલનો શેર સતત છઠ્ઠા દિવસે સુધારા સાથે બંધ રહ્યો હતો. તે 4 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 67.70 પર બંધ આવ્યો હતો. ગયા મહિને સરકારે ઓચિંતા ફોલોઓન ઓફર કરી હતી અને રૂ. 66ના ભાવે શેર ઓફર કરતાં ભાવરૂ. 81 પરથી તૂટી રૂ. 56 પર પટકાયો હતો. જોકે સ્ટીલના ભાવમાં મજબૂતી પાછળ સમગ્ર ક્ષેત્રીય શેર્સમાં ખરીદી જોવા મળી રહી છે. જેએસડબલ્યુ સ્ટીલનો શેર પણ 4 ટકા ઉછળી તેની રૂ. 418ની ચાર વર્ષની ટોચ પર બંધ રહ્યો હતો. જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો શેર સારા પરિણામો પાછળ રૂ. 300ની સપાટી પર બંધ આપવામાં જ્યારે ટાટા સ્ટીલનો શેર રૂ. 700ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. આ ઉપરાંત રત્નમણિ મેટલ, વેદાંત, એનએમડીસી, હિંદુસ્તાન ઝીંક જેવા કાઉન્ટર્સમાં પણ 2-4 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

સોમવારે ઓટો કંપનીઓનો દેખાવ

સ્ક્રિપ્સ          વૃદ્ધિ(%)

એમએન્ડએમ           7.30

ટાટા મોટર્સ             6.35

એક્સાઈડ ઈન્ડ.         5.30

મધરસન સુમી          4.16

ભારત ફોર્જ             4.07

અમર રાજા બેટરીઝ     3.92

અશોક લેલેન્ડ           3.19

બોશ લિ.                3.11

સોમવારે મેટલ કંપનીઓનો દેખાવ

સ્ક્રિપ્સ          વૃદ્ધિ(%)

હિંદુસ્તાન કોપર 8.0

હિંદાલ્કો        6.5

સેઈલ          4.07

જેએસડબલ્યુ સ્ટીલ      4.0

જિંદાલ સ્ટીલ           2.7

ટાટા સ્ટીલ              2.6

વેદાંતા                 2.03

એનએમડીસી           1.50

 બજાજ જૂથની બંને એનબીએફસીના ભાવ નવી ટોચે

બજાજ જૂથની નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સે સોમવારે સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બજાજ ફિનસર્વનો શેર અગાઉના રૂ. 9718ના બંધ સામે તે રૂ. 400ના સુધારે રૂ. 10113ની ટોચ પર ટ્રેડ થઈ રૂ. 10053 પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર માર્ચ મહિનાના રૂ. 3986ના તળિયાથી 150 ટકા જેટલો સુધરી ચૂક્યો છે અને તેનું માર્કેટ-કેપ રૂ. 1.6 લાખ કરોડ પર પહોંચ્યું છે. બજાજ ફાઈનાન્સનો શેર પણ રૂ. 5539ના અગાઉના બંધ સામે રૂ. 5665ના સ્તરે ટ્રેડ થયો હતો અને આખરે સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 3.32 લાખ કરોડ પર જોવા મળ્યું હતું.

કોટક બેંક, એચડીએફસી બેંક નવી ટોચ બનાવી પાછા પડ્યાં

ખાનગી ક્ષેત્રની કોટક અને એચડીએફસી બેંક સર્વોચ્ચ સપાટી દર્શાવી પરત ફર્યાં હતાં. જેમાં કોટક બેંક રૂ. 2030ની ટોચ બનાવી 1.32 ટકાના ઘટાડે રૂ. 1950ની સપાટી પર બંધ રહી હતી. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 3.87 લાખ કરોડ રહ્યું હતું. બેંકનો શેર છેલ્લા ઘણા સમયથી રેંજમાં અથડાઈ રહ્યો છે. રૂ. 2000નું સ્તર તેના માટે અવરોધ બન્યું છે. એચડીએફસ બેંકનો શેર પણ રૂ. 1632ની સર્વોચ્ચ ટોચ દર્શાવી રૂ. 1608ના સ્તરે 0.7 ટકા મજબૂત બંધ રહ્યો હતો. એક તબક્કે બેંક શેર રૂ. 9 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. જોકે બંધ ભાવે તેનું એમ-કેપ રૂ. 8.86 લાખ કરોડ જોવા મળતું હતું.

ડિએલએફનો શેર પાંચ વર્ષની ટોચ પર પહોંચ્યો

અગ્રણી રિઅલ એસ્ટેટ પ્લેયર ડીએલએફનો શેર પાંચ વર્ષની ટોચ પર જોવા મળ્યો છે. સોમવારે કંપનીનો શેર અગાઉના રૂ. 305ના બંધ સામે 5 ટકાથી વધુ મજબૂતીએ રૂ. 319 પર ટ્રેડ થયા બાદ રૂ. 313 સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 78000 કરોડ નજીક જોવા મળતું હતું. ડીએલએફનો શેર 2006માં લિસ્ટીંગ બાદ રૂ. 1200ની સપાટી પર જોવા મળ્યો હતો. જ્યાંથી પટકાઈ રૂ. 100ની નીચે ઉતરી ગયો હતો. રૂ. 300નું સ્તર પાર કરતાં તેને ખૂબ સમય લાગ્યો છે.

પીએસયૂ બેંક શેર્સમાં ઊંચા સ્તરે વેચવાલી જોવા મળી

છેલ્લા સપ્તાહે તીવ્ર વૃદ્ધિ દર્શાવનાર પીએસયૂ બેંક શેર્સમાં નવા સપ્તાહે વેચવાલી જોવા મળી હતી. એસબીઆઈનો શેર સાંકડી રેંજમાં પોઝીટીવ ટ્રેડ દર્શાવતો હતો અને એક ટકો સુધરી રૂ. 397 પર બંધ આવ્યો હતો. જોકે વિપરીત પરિણામો પાછળ પીએનબીમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે યુનિયન બેંક 2.3 ટકા, બેંક ઓફ બરોડા 2 ટકા અને કેનેરા બેંક 1.5 ટકા ઘટી બંધ રહ્યા હતાં. નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ પણ એક ટકા તૂટ્યો હતો.

 એચસીએલ ટેક્નોલોજી કર્મચારીઓને બોનસ પેટે રૂ. 700 કરોડ ચૂકવશે

ડિસેમ્બર ક્વાર્ટરમાં 10 અબજ ડોલરની રેવન્યૂનું સીમાચિહ્ન હાંસલ કરવા બદલ કર્મચારીઓને કંપની તરફથી ભેટ

અગ્રણી આઈટી કંપની એચસીએલ ટેક્નોલોજી તેના કર્મચારીઓને રૂ. 700 કરોડ બોનસ તરીકે ચૂકવશે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં સિધ્ધ કરેલા 10 અબજ ડોલરની આવકના સીમાચિહ્નનની ઉજવણીના ભાગરૂપે કંપનીએ કર્મચારીઓને બોનસ તરીકે 10 દિવસનું વેતન ચૂકવવાના લીધેલા નિર્ણય લેતાં આ લાભ પ્રાપ્ય બનશે.

નોઈડા મુખ્યાલય ધરાવતી કંપનીએ સોમવારે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કંપની સાથે એક કે તેથી વધુ સમયથી વિશ્વભરમાં ફેલાયેલા કંપનીના કર્મચરીઓને દસ દિવસનો પગાર બોનસ તરીકે ચૂકવવામાં આવશે. આ બોનસનું ડોલરમાં વેલ્યૂએશ 9 કરોડ ડોલર ઉપરાંત થવા જાય છે. કંપની 1.59 લાખથી વધુ કર્મચારીઓ ધરાવે છે. જેમાંથી મોટાભાગના ભારતમાં સ્થિત છે. જ્યારે એક હિસ્સો ઓન શોર સેવા બજાવી રહ્યો છે. કંપનીના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર અપ્પારાવ વીવીએ જણાવ્યું હતું કે કર્મચારીઓ અમારી સૌથી કિંમતી એસેટ છે. મહામારી વચ્ચે એચસીએલ પરિવારના દરેક સભ્યે પ્રતિબધ્ધતા અને ધીરજ દર્શાવી હતી અને કંપનીને ગ્રોથ પ્રદાન કર્યો હતો. કર્મચારીઓ પ્રત્યે સૌજ્ન્ય દર્શાવતાં કંપનીએ બોનસ આપવાનો નિર્ણય લીધો છે આ બોનસ ચાલુ ફેબ્રુઆરીમાં જ ચૂકવવામાં આવશે. કંપનીએ 2020-21 માટેના એબિટ ગાઈડન્સમાં આ બોનસની ગણના નહોતી કરી આમ આટલા મોટા ચૂકવણાથી કંપનીની ભાવિ નફાકારક્તા પર કોઈ પ્રતિકૂળ અસર નહિ પડે એમ દેશની ત્રીજી મોટી આઈટી કંપને જણાવ્યું હતું. બોનસના હેવાલ રજૂ થયા બાદ કંપનીનો શેર એક તબક્કે નેગેટિવ ટ્રેડ દર્શાવતો હતો. જોકે પાછળથી તે 1.23 ટકાના સુધારે બીએસઈ ખાતે રૂ. 957.90ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2.6 લાખ કરોડ પર જોવા મળ્યું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage