Market Summary 09/01/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ઈન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટ પછી શેરબજારમાં ફ્લેટ બંધ
એશિયન બજારોમાં આગળ વધતો ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા ઘટી 13.26ના સ્તરે બંધ
રિઅલ્ટી, ઓટો, ફાર્મા, મેટલમાં મજબૂતી
બેંકિંગ, એફએમસીજી, મિડિયામાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં લેવાલી પાછળ બ્રેડ્થ પોઝીટીવ
આઈઆરબી ઈન્ફ્રા, એનબીસીસી, જીએસએફસી, નિપ્પોન લાઈફ નવી ટોચે

ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા સત્રમાં બે બાજુની વધ-ઘટ પછી બેન્ચમાર્ક્સ ફ્લેટ બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 31 પોઈન્ટ્સ મજબૂતી સાથે 71,386ની સપાટીએ જ્યારે નિફ્ટી 32 પોઈન્ટ્સના સુધારે 21545ની સપાટીએ બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ હતી. બીએસઈ ખાતે કુલ 3944 કાઉન્ટર્સમાં ટ્રેડ થયાં હતાં. જેમાંથી 2241 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1606 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 472 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 9 કાઉન્ટર્સ તેમના 51-સપ્તાહના તળિયે ટ્રેડ થયાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.5 ટકા ઘટી 13.26ના સ્તરે બંધ રહ્યો હતો.
એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે મંગળવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 21513ના બંધ સામે એક તબક્કે ઈન્ટ્રા-ડે 21724ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે, ત્યાંથી વેચવાલીનું એક મોજું ફરી વળ્યું હતું અને કામકાજની આખરમાં તે 21518ના તળિયા પર ટ્રેડ થયા પછી પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 74 પોઈન્ટ્સ પ્રિમીયમે 21629ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 57 પોઈન્ટ્સના પ્રિમીયમમાં વૃદ્ધિ સૂચવે છે. જેનો અર્થ એવો કરી શકાય કે નીચા મથાળે લોંગ પોઝીશન્સમાં ઉમેરો થયો છે. જોકે, બેન્ચમાર્કની રેંજ સંકડાઈ ગઈ છે. તે 21500નો મજબૂત સપોર્ટ દર્શાવે છે. જ્યારે ઉપરમાં 21700-21800ની રેંજમાં અવરોધ રહેલો છે. લોંગ ટ્રેડર્સે જૂની પોઝીશનને સુલટાવી બજારમાં થોડા સમય માટે સાઈડલાઈન રહેવું જોઈએ. 21500ની સપાટી નીચે 21300 સુધીનો ઘટાડો અપેક્ષિત છે. નિફ્ટીને મંગળવારે સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં હીરો મોટોકોર્પ, અદાણી પોર્ટ્સ, એપોલો હોસ્ટિપટલ, એસબીઆઈ લાઈફ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બજાજ ઓટો, લાર્સન, ભારતી એરટેલ, સિપ્લા, સન ફાર્મા, તાતા મોટર્સ, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, ડિવિઝ લેબ્સ, બીપીસીએલ, એલટીઆઈમાઈન્ડટ્રીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બ્રિટાનિયા, નેસ્લે, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, એચડીએફસી લાઈફ, ઓએનજીસી, યૂપીએલ, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈશર મોટર્સમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો રિઅલ્ટી, ઓટો, ફાર્મા, મેટલમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે બેંકિંગ, એફએમસીજી, મિડિયામાં નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 2.52 ટકા ઉછળી નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ફિનિક્સ મિલ્સ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિઅલ્ટી, સનટેક રિઅલ્ટી, હેમિસ્ફિઅર, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, પ્રેસ્ટીજ એસ્ટેટમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, બજાજા ઓટો, ભારત ફોર્જ, તાતા મોટર્સ, બોશ, મધરસન સુમી, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.9 ટકા પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જના ફટકોમાં સન ફાર્મા, સિપ્લા, ડિવિઝ લેબ્સ, લ્યુપિન, ટોરેન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ અને બાયોકોનમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.8 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં નાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝ, એપીએલ એપોલો, જિંદાલ સ્ટીલ, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, એનએમડીસી, વેદાંત, મોઈલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 0.25 ટકા સુધારા સાથે ગ્રીન બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં એચપીસીએલ, બીપીસીએલ, એનટીપીસી, તાતા પાવર, ગેઈલ ગ્રીન ઝોનમાં જોવા મળતાં હતાં. બીજી બાજુ નિફ્ટી બેંક 0.44 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 3 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ બરોડા, પીએનબીમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી મિડિયા 3.3 ટકા તૂટ્યો હતો. જેમાં ઘટાડાનું મુખ્ય કારણ ઝી એન્ટરટેઈનમેન્ટમાં 8 ટકા ઘટાડો હતો. આ ઉપરાંત ડીશ ટીવી, ટીવી18, ટીવી ટુડે, પીવીઆર આઈનોક્સમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી સાધારણ ઘટાડો સૂચવતો હતો. જેના ઘટકોમાં બ્રિટાનિયા, નેસ્લે અને ડાબર ઈન્ડિયા એક ટકા આસપાસ ગગડ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો સિમેન્સ 4.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, ડીએલએફ, મેક્સ ફાઈનાન્સિયલ, નાલ્કો, ગોદરેજ પ્રોપર્ટીઝ, એબીબી ઈન્ડિયા, જીએનએફસી, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, અબોટ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, એચપીસીએલ, ઈન્ટરગ્લોબ એવિએશન, એપોલો હોસ્પિટલ, એસબીઆઈ લાઈફ, પેટ્રોનેટ એલએનજી, કોન્કોર, અદાણી એન્ટરપ્રાઈઝ, એલએન્ડટી ટેક્નોલોજી, બજાજ ઓટો, લાર્સન, ઈન્ડિયન હોટેલ્સ, જિંદાલ સ્ટીલ, ભારતી એરટેલ, ગ્લેનમાર્ક, લૌરસ લેબ્સમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, પોલીકેબ, ઝી એન્ટરટેઈનમેન્ટ, વોડાફોન, એસઆરએફ, વેજ ઈન્ડસ્ટ્રીઝ, એયૂ સ્મોલ ફાઈ. નવીન ફ્લોરિન, પાવર ફાઈનાન્સ, કોરોમંડલ ઈન્ટર., ઈન્ડિયામાર્ટ, જીએમઆર એરપોર્ટ્સમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં આઈઆરબી ઈન્ફ્રા, એનબીસીસી, જીએસએફસી, નિપ્પોન લાઈફ, જીએસએફસી, પતંજલિ ફૂડ્સ, ફિનિક્સ મિલ્સ, બેયર ક્રોપસાયન્સ, એબીબી ઈન્ડિયા, પુનાવાલા ફિન, બીએલએસ ઈન્ટર., ટ્રાઈડન્ટ, સેન્ચૂરી, શેલે હોટેલ્સનો સમાવેશ થતો હતો.

ડિસેમ્બરમાં ATFનો વપરાશ 47-મહિનાની ટોચે પહોંચ્યો
ડોમેસ્ટીક વિમાનોની ઊંચી ઉડાનો પાછળ ફ્યુઅલનો વપરાશ ઉચકાયો

કેલેન્ડર 2020ના શરૂઆતી મહિના પછી ડિસેમ્બર, 2023માં એવિએશન ટર્બાઈન ફ્યુઅલ(ATF)નો સૌથી મોટો વપરાશ જોવા મળ્યો હતો. સ્થાનિક સ્તરે વધતી હવાઈ મુસાફરીની માગ પાછળ ડોમેસ્ટીક વિમાનોની ઊંચી ઉડાનો પાછળ ફ્યુઅલનો વપરાશ ઉચકાયો હતો. ડિસેમ્બરમાં કુલ એટીએફ(જેટ ફ્યુઅલ) વપરાશ વધીને 7.2 લાખ ટન પર પહોંચ્યો હતો એમ પેટ્રોલિયમ પ્લાનીંગ એડ એનાલિસિસ સેલ(PPAC)નો ડેટા સૂચવે છે. અગાઉ જાન્યુઆરી, 2020માં દેશમાં 7.39 લાખ ટનનો વિક્રમી એટીએફ વપરાશ નોંધાયો હતો.
માર્ચ, 2020માં લોકડાઉન પછી એટીએફના વપરાશમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેની પાછળ એપ્રિલ 2020માં એટીએફ વપરાશ ઘટી 55.2 ટનના નીચા સ્તરે પહોંચ્યો હતો. ત્યારપછી જોકે, સતત રિકવરી જોવા મળી હતી. સરકારી ડેટા મુજબ સ્થાનિક ફ્લાઈટ્સ એટીએફના વપરાશમાં નોઁધપાત્ર હિસ્સો ધરાવે છે. એપ્રિલથી નવેમ્બર 2023 સુધીના મહિનાઓમાં એટીએફના કુલ વપરાશમાં ડોમેસ્ટીક ફલાઈટ્સનો હિસ્સો 74 ટકા જેટલો છે. જ્યારે 24 ટકા વપરાશ ઈન્ટરનેશનલ એવિએશનનો છે. જ્યારે 2 ટકા વપરાશ મિલિટરી તરફથી નોંધાયો હતો. પીપીએસી ઈન્ડસ્ટ્રી વપરાશ ઉપયોગ જણાવે છે કે ડોમેસ્ટીક મુસાફરી મહામારી અગાઉના સમય પર પરત ફરી છે. જોકે, કેટલાંક દેશોમાં હજુ પણ નિયંત્રિત પ્રવેશને કારણે ઈન્ટરનેશનલ ટ્રાફિક અગાઉની સાથે સરખામણી થઈ શકે તેમ નથી. રિપોર્ટમાં નોંધ્યા મુજબ એટીએફ પર વેલ્યૂ-એડેડે ટેક્સને કારણે વપરાશ પર અસર પડી છે. બિહાર, તમિલનાડુ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેટ ફ્યૂઅલ પર 25 ટકાનો ઊંચો ટેક્સ રેટ ધરાવે છે. આને કારણે પશ્ચિમી વિસ્તારોમાં વપરાશ ઊંચો જોવા મળે છે. જાન્યુઆરી, 2020માં સ્થાનિક ફ્લાઈટ્સની મૂવમેન્ટ પાછળના 12-મહિનાઓના બેસીસ પર 21.7 કરોડ પર હતી.

બ્લૂમબર્ગ ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતીય બોન્ડ્સ પ્રવેશ માટે તૈયાર
સપ્ટેમ્બર 2024થી પાંચ મહિનાના સમયગાળામાં ફૂલ્લી એક્સેસિબલ રુટ(FAR) બોન્ડ્સને સમાવવામાં આવશે

ભારત સરકારના ફૂલ્લી એક્સેસિબલ રુટ(FAR) બોન્ડ્સ બ્લૂમબર્ગ ઈમર્જિં માર્કેટ(ઈએમ) લોકલ કરન્સી ઈન્ડેક્સમાં સમાવેશ માટે તૈયાર છે. આગામી સપ્ટેમ્બર 2024થી પાંચ મહિનાના સમયગાળામાં ફૂલ્લી એક્સેસિબલ રુટ(FAR) બોન્ડ્સને સમાવવામાં આવશે.
આના પરિણામા, ભારતીય એફએઆર બોન્ડ્સને ઈએમ લોકલ કરન્સી સૂચકાંકોમાં શરૂઆતમાં તેમની ફૂલ માર્કેટ વેલ્યૂના 20 ટકા વેઈટ સાથે સમાવાશે. ત્યારપછી એફએઆર બોન્ડ્સનું વેઈટ જાન્યુઆરી, 2025 સુધીના પાંચ મહિના સુધી દર મહિને તેમની ફૂલ માર્કેટ વેલ્યૂના 20 ટકાના ઈન્ક્રિમેન્ટ્સમાં વધારવામાં આવશે. જાન્યુઆરી, 2025માં તેઓ ફૂલ માર્કેટ વેલ્યૂ(100 ટકા) પણ વેઈટેજ હશે. બ્લૂમબર્ગ ઈમર્જિંગ માર્કેટ 10 પર્સન્ટ કન્ટ્રી કેપ્ડ ઈન્ડેક્સમાં સંપૂર્ણ સમાવેશ પછી ઈન્ડિયા એફએઆર બેન્ડ્સ ઈન્ડેક્સમાં સંપૂર્ણપણે 10 ટકાનું વેઈટ ધરાવતાં હશે. તે વખતે ભારતીય રૂપિયો ત્રીજો સૌથી મોટો કરન્સી કોમ્પોનેન્ટ બનશે. જે ચાઈનીઝ રેમેમ્બિ અને કોરિયન વોન પછી આવતો હશે એમ બ્લૂમબર્ગ ઈન્ડેક્સ સર્વિસિઝ લિ.એ જણાવ્યું હતું.
અગાઉ એપ્રિલ 2020માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એવી જામીનગીરીઓ રજૂ કરી હતી તેને ફૂલ્લી એક્સેસિબલ રૂટ હેઠળ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ રિસ્ટ્રીક્શન્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી. 30 નવેમ્બર, 2023ના ડેટા મુજબ ઈન્ડેક્સમાં 32 ભારતીય સિક્યૂરિટીઝનો સમાવેશ થશે. જે 5.96 ટ્રિલીયન ડોલરના ઈન્ડેક્સમાં 6.99 ટકા હિસ્સો ધરાવતી હશે. જેપી મોર્ગને તેના ઈમર્જિંગ માર્કેટ ડેટ ઈન્ડેક્સમાં ભારતીય સિક્યૂરિટીઝના સમાવેશની કરેલી જાહેરાતના ગણતરીના મહિનાઓમાં આ પ્રસ્તાવ જોવા મળ્યો છે.

કસ્ટમ્સ કેસમાં રેમન્ડ ગ્રૂપે રૂ. 328 કરોડની પેનલ્ટી ચૂકવી
સરકારી એજન્સીએ રેમન્ડ જૂથના ચેરમેન ગૌતમ સિંઘાનિયાને લાભાન્વિત તરીકે ઓળખી કાઢ્યાં હતાં
કંપનીએ વચેટિયા કંપનીઓ મારફતે 142 કાર્સની આયાત કરી ઈમ્પોર્ટ ડ્યૂટી બચાવી હતી

ગૌતમ સિંઘાનિયાના નેતૃત્વ હેઠળના રેમન્ડ ગ્રૂપે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ(ડીઆરઆઈ) તરફથી ફાઈલ કરવામાં આવેલા કહેવાતાં કસ્ટમ્સ ડ્યૂટી ચોરીના કેસને સેટલ કર્યો છે. સિંઘાનિયાએ 142 કાર્સની આયાત પેટે રૂ. 328 કરોડની ચૂકવણી કરી છે. રેમન્ડ ગ્રૂપના યુનિટ જેકે ઈન્વેસ્ટર્સ(બોમ્બે) લિ.એ ચૂકવેલી રકમમાં ડ્યૂટીના તફાવત ઉપરાંત ઈન્ટરેસ્ટ અને 15 ટકાના દરે પેનલ્ટીનો સમાવેશ થાય છે એમ ડીઆરઆઈનો ક્લોઝર રિપોર્ટ સૂચવે છે. ક્લોઝર માટે ગયા વર્ષે જાન્યુઆરીમાં મંજૂરી આપવામાં આવી હતી.
સરકારી એજન્સીએ રેમન્ડ જૂથના ચેરમેન ગૌતમ સિંઘાનિયાને લાભાન્વિત તરીકે ઓળખી કાઢ્યાં હતાં. જેમની કહેવાતી સૂચનાને આધારે જૂથે જાણીતા ઓક્શન હાઉસિસો જેવાકે સૂથબિઝ, બેર્રેટ-જેક્સન અને બોન્હામ્સ પાસેથી 138 વિન્ટેજ કાર્સ અને ચાર આરએન્ડડી વેહીકલ્સ સહિત 142 કાર્સ ખરીદી હતી. આ કાર્સનું મૂલ્ય નીચું દર્શાવીને તેમને ઈન્ટરમિડિયરી કંપનીઝ મારફતે દેશમાં લાવવામાં આવી હતી. જેમના રજિસ્ટ્રેશન્સ, યુએઈ, હોંગ કોંગ અને યુએસના હતાં. આને કારણે દેશની તિજોરીને રૂ. 229.72 કરોડનું નુકસાન થયું હોવાનું ડીઆરઆઈએ નોંધ્યું હતું. જેકે ઈન્વેસ્ટર્સ(બોમ્બે)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ જૂની ઘટના હતી અને તે ખામીભરી ગણતરીનો કેસ હતો. જેને જેકે ઈન્વેસ્ટર્સે ચૂકવી દીધી છે અને આ મામલો બંધ થયો છે.
આ મુદ્દાને નજીકથી જોઈ રહેલાં રેમન્ડ જૂથના અધિકારીએ જણાવ્યં હતું કે સરકારી તિજોરીને નુકસાન દર્શાવ્યાં કરતાં ઘણું નીચું હતું. ગણતરીમાં ખામીને કારણે પેનલ્ટી અને ઈન્ટરેસ્ટની રકમ ચૂકવાતાં આંકડો ઊંચો જોવા મળે છે. જૂથનો ઈરાજો ટેક્સ ચોરીનો નહોતો. આ કાર્સ 2018થી 2021માં વિવિધ ઓક્શન ગૃહો પાસેથી ખરીદવામાં આવી હતી. જેને યુએસ અને યુકેથી સીધી ભારત મોકલવામાં આવી હતી. જોકે, ભારતીય કસ્ટમ્સને રજૂ કરવામાં આવેલા બિલ્સ ભિન્ન-ભિન્ન કંપનીઓના નામે હતાં. જેમાં બેન્ટીમી ઈન્ટરનેશનલ એફઝેડસી, સેમ્સા ઈન્ટરનેશનલ એફઝેટ, ટ્રૂમેક્સ લિ. અને ઓર્ચિડ એચકે લિ.નો સમાવેશ થતો હતો. આ કંપનીઓ દુબણ, યુએસ અને હોંગ કોંગ સ્થિત હતી. આમ કરવાનું કારણ વિન્ટેજ કાર પર લાગુ 251.5 ટકાના ઈમ્પોર્ટ ટેક્સની ચોરીનું હતું.

અંબાણી, અદાણી અને બિરલા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપશે
તાતા જૂથ, વેદાંત જૂથ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, રેમન્ડ જૂથ, ટીવીએસ જૂથના ચેરમેનોને પણ આમંત્રણ
અયોધ્યા ખાતે ટોચની હોટેલ્સના તમામ રૂમ્સ રિઝર્વ્ડ રાખવામાં આવ્યાં

દેશના ટોચના ઔદ્યોગિક જૂથોના ટ્રાવેલ ડેસ્ક અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તેમના સંબંધિત વડાઓની ઉપસ્થિતિને શક્ય બનાવવાની તૈયારીમાં પડ્યાં છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, આદિત્ય બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલા, તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી સહિતના ટોચના બિઝનેસ લીડર્સ રામ મંદિરના ઉદ્ઘાટન સમારંભમાં 10 હજાર અતિથિઓમાં જોવા મળશે. મંદિરોના નગરમાં એક દિવસ માટે મનોરંજન, રમત-જગત, રાજકારણ, ધર્મ, જાહેર જીવન અને કળા સહિતના ક્ષેત્રોના મહાનુભાવો ઉમટી પડશે.
હિંદુસ્તાન યુનિલીવરના ભૂતપૂર્વ સીઈઓ સંજિવ મહેતા જણાવે છે કે હું આ ઈવેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. સઘળાં હિંદુઓ અને ભારતીયો માટે આ એક મોટો દિવસ છે. હિંદુ તરીકે મારા માટે આ એક આધ્યાત્મિક યાત્રા છે એમ મહેતા ઉમેરે છે. ટેમ્પલ ટ્રસ્ટ તરફથી આમંત્રણ મેળવનારાઓમાં તેમનો પણ સમાવેશ થાય છે. આમંત્રણ મેળવનારા અન્ય બિઝનેસ અગ્રણીઓમાં વેદાંત જૂથના ચેરમેન અનિલ અગ્રવાલ, પિરામલ એન્ટરપ્રાઈઝિસના અજય પિરામલ, રેમન્ડ જૂથના ચેરમેન ગૌતમ સિંઘાનિયા, ટીવીએસ ચેરમેન વેણુ શ્રીનીવાસન, ભારત ફોર્જના બાબા કલ્યાણી અને અમીત કલ્યાણી, એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ અન એમડી સતીષ મહેતા અને એલએન્ડટીના સીએમડી એસએન સુબ્રમણ્યમનો સમાવેશ થાય છે. ટોચના ભારતીય કોંગ્લોમેરટના ચેરમેન ટેમ્પલ ટ્રસ્ટના આમંત્રણને એક લાગણીસભર ક્ષણ ગણાવે છે. બિઝનેસ ટાયકૂનના મતે હિંદુઓ માટે અયોધ્યાનું મંદિર શ્રધ્ધા અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. તે હંમેશા મારા ફરજિયાત મુલાકાત માટેની યાદીમાં સમાવિષ્ટ છે.
આઈઆઈએમ કોઝીકોડના ડિરેક્ટર દેબાશિષ ચેટરજીના મતે અયોધ્યા એ ધર્મ, આધ્યાત્મિક્તા, બિઝનેસ અને રાજકારણનો સંગમ છે. બિઝનેસિસ અને સરકારો ભિન્ન ચાવીરૂપ શેરધારકોને શેર કરે છે. બિઝનેસિસ માટે સરકાર એક મહત્વના શેરધારકોમાંનો એક છે. જ્યારે સરકાર માટે બિઝનેસિસ શેરધારક છે. ‘બાય-ઈન્વિટેશન’ ઈવેન્ટને કારણે અયોધ્યા સ્થિત તમામ હોટેલ રિઝર્વ્ડ છે. વીઆઈપી અને વીવીઆઈપીઓ માટે વ્યાપક સુરક્ષા પ્રબંધ કરવામાં આવ્યો છે. આમંત્રણ મેળવનાર દરેક વ્યક્તિને વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે. ઈન્વિટેશન પત્રમાં સ્પષ્ટપણે ‘વન-કાર્ડ-વન-પર્સન’નો ઉલ્લેખ પણ કરાયો છે. કેટલાંક બિઝનેસ ટાયકૂન્સ અયોધ્યા પહોંચવા માટે તેમના પ્રાઈવેટ વિમાનનો ઉપયોગ કરવાનું આયોજન ધરાવે છે. તેમજ તેઓ મોટેભાગે ટેમ્પલ ટાઉન સ્થિત રેડિસન સહિતની અગ્રણી હોટેલ્સમાં ઉતરશે. સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાંક વીવીઆઈપીઓ માટે રોકાણનો આખરી નિર્ણય તારીખ નજીક આવતી જશે ત્યારે કરવામાં આવશે. અયોધ્યા ખાતે સમારોહ દરમિયાન 100 વિમાનો આવે તેવી ધારણા છે. આટલા મોટા ટ્રાફિકના સંચાલન માટે સુલતાનપુર, આંબેડકર નગર અને આઝમગઢ ખાતે તૈયારીઓ ચાલી રહી છે.

કોન્ડોમ ઉત્પાદક ક્યુપિડના શેરે છ મહિનામાં 500 ટકાનું રિટર્ન આપ્યું
મંગળવારે કંપનીનો શેર 5 ટકાની અપર સર્કિટમાં રૂ. 1449.05ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો
ગયા સપ્તાહે યુએસ સ્થિત એફઆઈઆઈ મિનેરવા વેન્ચર્સે કંપનીમાં 75 હજાર શેર્સ ખરીદ્યાં હતાં

કોન્ડોમનું ઉત્પાદન કરતી ક્યુપિડ લિમિટેડના શેરમાં છેલ્લાં છ મહિનામાં અસાધારણ તેજી જોવા મળી છે. કંપનીનો શેર આ સમયગાળામાં 500 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. મંગળવારે તે 5 ટકાની અપર સર્કિટમાં રૂ. 1449.05ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 1933 કરોડ જોવા મળતું હતું. શેર 52-સપ્તાહના રૂ. 235.50ના તળિયાથી પાંચ ગણા કરતાં વધુ વૃદ્ધિ સૂચવે છે.
કંપનીમાં ગયા સપ્તાહે યુએસ સ્થિત સંસ્થાકિય રોકાણકાર મિનેરવા વેન્ચર્સ ફંડે 75 હજાર શેર્સની ખરીદી કરી હતી. જ્યારપછી શેર્સમાં સતત અપર સર્કિટ્સ જોવા મળી રહી છે. ઓક્ટોબરની શરૂમાં શેર રૂ. 400ની આસપાસ ટ્રેડ દર્શાવતો હતો. જ્યારપછી તેણે સતત મોટી છલાંગો ભરી છે. મિનેરવા વેન્ચર્સે રૂ. 1193.15 પ્રતિ શેરના ભાવે ક્યુપિડના શેર્સ ખરીદ્યાં હતાં. તેણે કુલ રૂ. 8.94 કરોડનું રોકાણ કર્યું હતું. અગાઉ આદિત્ય હલવાસિયા અને કોલંબિયા પેટ્રો કેમ પ્રાઈવેટ લિમિટેડે સફળ રીતે ક્યૂપિડ લિમિટેડ માટે ઓપન ઓફરને ગયા સપ્તાહે સફળ રીતે પૂરી કરી હતી. તેમણે કંપનીનો 26 ટકા હિસ્સો થવા 34.7 લાખ શેર્સ ખરીદ્યાં હતાં. તેમણે રૂ. 325 પ્રતિ શેરના ભાવે કુલ રૂ. 113 કરોડના શેર્સ ખરીદ્યાં હતાં. જાહેર શેરધારકોએ ઓપન ઓફરમાં માત્ર 367 શેર્સ ઓફર કર્યાં હતાં. તેમણે કંપનીના અગાઉના પ્રમોટર્સ પાસેથી 55.8 લાખ શેર્સ અથવા 41.84 લાખ શેર્સ ખરીદ્યાં પછી નિયમ મુજબ ઓપન ઓફર કરવી પડી હતી. તેમણે રૂ. 285 પ્રતિ શેરના ભાવે પ્રમોટર્સ પાસેથી શેર ખરીદ્યાં હતાં. જે રૂ. 159 કરોડનું રોકાણ સૂચવે છે.
ક્યૂપિડ મેલ કોન્ડોમ, ફિમેલ કોન્ડોમ સહિત આઈવીડી કિટ્સ અને લ્યુબ્રિકેન્ટ જેલીનું ઉત્પાદન કરે છે. કંપનીની સ્થાપના 1993માં થઈ હતી. તે 105 દેશોમાં તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. તેની આવકમાં 90 ટકા હિસ્સો નિકાસમાંથી આવે છે. 2022-23માં કંપનીએ રૂ. 164.10 કરોડનું વેચાણ, રૂ. 46.08 કરોડનોએબિટા અને રૂ. 31.58 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો.

બજાજ ઓટોનું માર્કેટ-કેપ પ્રથમવાર રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયું
કંપનીએ રૂ. 10000 પ્રતિ શેરના ભાવે રૂ. 4 હજાર કરોડની બાયબેક યોજના જાહેર કરતાં શેર નવી ટોચે
મંગળવારે બીએસઈ ખાતે શેરે ખૂલતાંમાં રૂ. 7420ની સર્વોચ્ચ ટોચ દર્શાવી

દેશમાં જૂની ટુ-વ્હીલર્સ કંપનીઓમાંની એક બજાજ ઓટો મંગળવારે પ્રથમવાર રૂ. 2 લાખ કરોડના માર્કેટ-કેપના લેવલને પાર કરી ગઈ હતી. કંપનીના બોર્ડે સોમવારે રૂ. 4000 કરોડના બાયબેકની જાહેરાત કરતાં કંપનીના શેરમાં મંગળવારે ઉછાળો નોંધાયો હતો. કંપની રૂ. 10000 પ્રતિ શેરના ભાવે શેર બાયબેક કરશે. જે વર્તમાન બજારભાવની સરખામણીમાં 40 ટકાથી ઊંચું પ્રિમીયમ સૂચવે છે. આ જ કારણથી મંગળવારે બીએસઈ ખાતે શેર ખૂલતાં રૂ. 7420ની સર્વોચ્ચ ટોચ પર ખૂલ્યો હતો. જોકે, આ સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને શેર મોટાભાગનો દિવસ રૂ. 7100ની સપાટી આસપાસ ટ્રેડ દર્શાવતો હતો. બીએસઈ ખાતે સરેરાશ વોલ્યુમની સરખામણીમાં આંઠ ગણા વોલ્યુમ જોવા મળતાં હતાં.
કંપનીનો શેર બાયબેક પ્રોગ્રામ તેની કુલ પેઈડ-અપ ઈક્વિટીના 16.33 ટકા હિસ્સો સૂચવે છે. જ્યારે તે ફ્રિ રિઝર્વ્સનો 14.49 ટકા હિસ્સો દર્શાવે છે. કંપનીમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપ શેરધારકો 59.94 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે વિદેશી સંસ્થાકિય રોકાણકારો પાસે 14.72 ટકા હિસ્સો રહેલો છે. જ્યારે સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સ 5.35 ટકા અને ઈન્શ્યોરન્સ કંપનીઝ 3.21 ટકા હિસ્સો ધરાવે છે. બજાજ ઓટોએ જણાવ્યું હતું કે બાયબેક રેગ્યુલેશન્સના નિયમો હેઠળ કંપનીનું બોર્ડ અથવા બાયબેક કમિટી બાયબેકની રેકર્ડ ડેટના એક દિવસ પહેલા સુધી બાયબેક પ્રાઈસ વધારી શકે છે તેમજ બાયબેકમાં પ્રસ્તાવિત શેર્સની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. બજાજ ઓટોના બોર્ડે બાયબેક કમિટિની રચના કરી હતી અને આ અંગેની કામગીરીની સત્તા તેને આપી છે. બાયબેક શેરધારકો તરફથી પોસ્ટલ બેલોટ મારફતે સ્પેશ્યલ રેઝોલ્યુશનને મંજૂરીને આધીન રહેશે. એનાલિસ્ટ્સ મુજબ રિટેલ ક્વોટામાં 3.9 ટકા એપ્લિકેશન્સ સ્વીકારાય તેવી શક્યતાં છે. જ્યારે જનરલ એક્સેપ્ટેન્સ 1.3 ટકા જોવા મળી શકે છે.

સોની સાથેનું ડિલ જોખમાતાં ઝીના શેરમાં 8 ટકાનું ગાબડું
કંપની વોલ્ટ ડિઝનીને ક્રિકેટ મેચિસના ટીવી રાઈટ્સ માટે 20 કરોડ ડોલર ચૂકવવામાં નિષ્ફળ ગયાના અહેવાલ
ઝી એન્ટરટઈનમેન્ટે તરફથી સોની સાથેનું મર્જર ડીલને ખતરાને રદિયો આપ્યો
ઝી એન્ટરટેઈનમેન્ટનો શેર મંગળવારે એક કરતાં વધુ કારણો પાછળ દબાણ હેઠળ જોવા મળ્યો હતો. એનએસઈ ખાતે શેર 8 ટકા ગગડી રૂ. 256.30ની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉના સત્રના બંધની સરખામણીમાં તે રૂ. 21.85નો ઘટાડો દર્શાવતો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 24,618 કરોડ પર જોવા મળ્યું હતું.
ઝીના શેર્સમાં ઘટાડા પાછળના બે મુખ્ય કારણોમાં એક તો સોની જૂથના ભારતીય મડિયા બિઝનેસ સાથે કંપનીના મર્જરને સોની તરફથી પડતું મૂકવામાં આવે તેવા અગ્રણી માધ્યમોના અહેવાલ હતા. બીજી બાજુ, કંપની યુએસ મિડિયા જાયન્ટ વોલ્ટ ડિઝનીને ક્રિકેટ મેચિસન ટેલિવિઝન પ્રસારણ પેટે મિડિયા રાઈટ્સ માટે 20 કરોડ ડોલરની ચૂકવણીમાં નિષ્ફળ ગઈ હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું હતું. આમ ઝીના શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જોકે, બીજી બાજુ ઝીના પ્રમોટર્સ તરફથી સોની સાથેના ડિલને લઈ પોતે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમજ ડીલને કોઈ ખતરો હોવાની વાતને રદિયો આપ્યો હતો. એક ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું હતું કે ડીલને ક્લોઝ કરવાની દિશામાં તે ઝડપથી આગળ વધી રહી છે. સોમવારે એક રિપોર્ટ મુજબ નવી મર્જ્ડ કંપનીના નેતૃત્વને લઈને સોની અને ઝી વચ્ચે મડાગાંઠને જોતાં સોની ડિલને રદ કરવા વિચારી રહી છે. જોકે, ઝી તરફથી આ અહેવાલને પાયાવિહોણો ગણાવવામાં આવ્યો હતો.
એક અન્ય ઘટનામાં ઝી એન્ટરટેઈનમેન્ટ વોલ્ટ ડિઝનીના ભારતીય એકમને ક્રિકેટ મેચિસ માટે ટીવી અધિકારો મેળવવા 20 કરોડ ડોલર ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે એમ જાણકારોનું કહેવું હતું. તેમના મતે કંપની સોની ગ્રૂપ કોર્પ સાથે મેગા મર્જર અગાઉ હાથ પર કેશ જાળવી રાખવાના ભાગરૂપે ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી હતી. કંપનીએ રોકડની તંગીનું કારણ આપી જાન્યુઆરીની શરૂમાં ચૂકવવાનો હતો હપ્તો ચૂકવ્યો નહોતો એમ નામ નહિ આપવાની શરતે વર્તુળ જણાવે છે. ડીઝનીએ આ માટે ઝી પાસેથી સ્પષ્ટતા પણ માગી હતી. ઓગસ્ટ 2022માં થયેલા લાયસન્સ એગ્રીમેન્ટ હેઠળ ઝી હપ્તામાં 1.4 અબજ ડોલર ચૂકવવા માટે સહમત થઈ હતી.

ફ્લિપકાર્ટ તેના વર્કફોર્સમાં સાત ટકા ઘટાડો કરશે
ઈ-કોમર્સ પ્લેયર 22 હજાર કર્મચારીઓ ધરાવે છે, જેમાંથી 1500 પર અસર પડવાની સંભાવના

વોલમાર્ટની માલિકીની ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટ તેના કર્મચારી બળમાં 5-7 ટકા ઘટાડો કરવાની વિચારણા ચલાવી રહી છે. હાલમાં ફ્લિપકાર્ટ પાસે 22 હજાર કર્મચારીઓ રહેલાં છે. જો કંપની 5-7 ટકા ઘટાડો કરે તો 1500 કર્મચારીઓને અસર પડવાની શક્યતાં છે.
વર્તુળોના જણાવ્યા મુજબ હાલમાં કંપનીમાં પર્ફોર્મન્સ સમીક્ષા ચાલી રહી છે. જે માર્ચ-એપ્રિલ, 2024 સુધીમાં પૂર્ણ થશે. જેની સાથે કંપની વર્કફોર્સ ઘટાડવાની કવાયત પણ અમલી બનાવી શકે છે. કંપનીના કર્મચારીઓની સંખ્યામાં તેના ફેશન પોર્ટલ મિંત્રાના કર્મીઓનો સમાવેશ નથી થતો. ઈકોમર્સ જાયન્ટ તેના સ્રોતોના મહત્તમ ઉપયોગ માટે આંતરિક સ્તરે પુનર્ગઠન માટે પણ વિચારી રહી હોવું વર્તુળોનું કહેવું છે. જેથી કરીને નફાકારક્તા પણ જાળવી શકાય. કંપનીએ છેલ્લાં ઘણા સમયથી નવી નિમણૂંકો બંધ કરી હતી તેમજ છેલ્લાં વર્ષથી તેણે નવી ટેલેન્ટનો ઉમેરો નથી કર્યો એમ વર્તુળો ઉમેરે છે.

આગળની સીટ માટે ઈન્ડિગો રૂ. 2K સુધી ચાર્જ કરશે
વિન્ડો સીટ માટે રૂ. 2000 જ્યારે વચ્ચેની સીટ માટે રૂ. 1500 વસૂલશે

વિમાન મુસાફરી દરમિયાન ઊંચો લેગ રૂમ ધરાવતી આગળી હરોળની સીટ્સ માટે ઈન્ડિગો હવેથી રૂ. 2000 સુધીની રકમ ચાર્જ કરશે. એરલાઈન કંપનીની વેબસાઈટ પર મૂકેલી માહિતી મુજબ કંપની આગળી હરોળમાં બારી(વિન્ડો) સાથેની બેઠક માટે રૂ. 2000 વસૂલશે. જ્યારે વચ્ચેની સીટ માટે રૂ. 1500નો ચાર્જ કરશે. કંપનીના A321 વિમાનમાં કુલ 232 બેઠકો હોય છે.
કંપની 222 બેઠકો સાથેના A321 વિમાન માટે તથા 186 બેઠકો સાથેના A320 વિમાન માટે પણ સમાન ચાર્જ વસૂલશે એમ વેબસાઈટમાં જણાવ્યું છે. એટીઆર પ્લેન્સના કિસ્સામાં સીટની પસંદગી માટે રૂ. 500 સુધીનો ચાર્જ વસૂલવામાં આવશે. અગાઉ, કંપની આ પ્રકારની સીટ પસંદગી માટે રૂ. 1500 સુધીનો ચાર્જ વસૂલતી હતી એમ એવિએશન એનાલિસ્ટ્સ જણાવે છે. કંપનીએ આ અંગે તત્કાળ કોઈ પ્રતિભાવ નહોતો આપ્યો. ગયા મહિને ઈન્ડિગોએ પેસેન્જર્સ તરફથી વસૂલવામાં આવતાં ફ્યુઅલ ચાર્જને પરત ખેંચ્યો હતો. જેને કારણે કેટલાક લાંબા રૂટ્સ પર વિમાની ભાડામાં રૂ. 1000 સુધીનો ઘટાડો થયો હતો. જેટ ફ્યુઅલના ભાવમાં ઉછાળાને પગલે એરલાઈને 6 ઓક્ટોબલ, 2023થી ડોમેસ્ટીક તથા ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ફ્યુઅલ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું હતું. જે ડિસ્ટન્સને આધારે રૂ. 300થી લઈ રૂ. 1000 સુધી જોવા મળતો હતો.

લોકસભા ચૂંટણી અગાઉ મહિલા ખેડૂતોને વાર્ષિક ચૂકવણું બમણું કરવાની વિચારણામાં
આ પગલાંથી સરકારી તિજોરી પર રૂ. 12000 કરોડનો અધિક બોજો પડવાની શક્યતાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર લોકસભાની ચૂંટણી અગાઉ મહિલા ખેડૂતોને વાર્ષિક ધોરણે ચૂકવાતી રકમ બમણી કરીને રૂ. 12 હજાર કરવા માટે વિચારી રહી હોવાનું વર્તુળોનું કહેવું છે. આ પગલાને કારણે સરકારી તિજોરી પર રૂ. 12 હજાર કરોડનું ભારણ પડી શકે છે. આ યોજના 1 ફેબ્રુઆરીએ બજેટ દરમિયાન જાહેર કરવામાં આવે તેવી શક્યતાં હોવાનું નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે.
હાલમાં પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધી પ્રોગ્રામ હેઠળ સરકાર મહિલા તેમજ પુરુષ ખેડૂતોને વાર્ષિક રૂ. 6000નું ચૂકવણું કરે છે. આ યોજના હેઠળ સરકારે ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. 2.81 લાખ ચૂકવ્યાં છે એમ સરકારી અંદાજ સૂચવે છે. હવે સરકારની યોજના આ સપોર્ટને મહિલા ખેડૂતો માટે બમણો કરવાનો છે. દેશમાં કુલ ખેડૂતોમાં 60 ટકા હિસ્સો મહિલા ખેડૂતોનો છે. જોકે, તેમાંથી માત્ર 13 ટકા પાસે જ પોતાની જમીન છે એમ સરકારી ડેટા સૂચવે છે. દેશમાં કુલ 26 કરોડ ખેડૂત પરિવારો છે.

વાણિજ્ય મંત્રાલયે નિકાસકારોની સમસ્યાના ઉકેલ માટે ટાસ્ક ફોર્સની રચના કરી

કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલયે નિકાસકારોને અન્ય દેશોમાં નડી રહેલા વેપારસંબંધી અવરોધોને ઓળખી કાઠવા તથા તેના ઉકેલ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ પગલાને કારણે ભારતીય માલસામાનને વધુ સારો માર્કેટ પ્રવેશ મળે તેવી શક્યતાં છે એમ અધિકારી જણાવે છે.
ભારતના નિકાસકારોને નડી રહેલા વ્યાપક અવરોધોને જોતાં આ પગલું મહત્વનું બની રહેશે. આવી સમસ્યાઓમાં ઘણા દેશોમાં આગોતરી રજિસ્ટ્રેશન જરૂરિયાત અને બિનવાજબી સ્થાનિક ધારાધોરણો-નિયમોનો સમાવેશ થાય છે. અમે મંત્રાલયની અંદર જ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જે વેપાર અવરોધોનો તથા ટેકનિકલ અવરોધોનો અભ્યાસ કરશે. મંત્રાલય સિસ્ટમમાં કેવી રીતે સુધારો કરી શકાય અને ધારા-ધારણો કેવી રીતે સુધારી શકાય તેના પર ધ્યાન આપશે એમ અધિકારીનું કહેવું હતું. મંત્રાલય વિવિધ દેશો સાથે મ્યુચ્યુલ રેકગ્નિશન એગ્રીમેન્ટ્સ(MRA)માં સુધારા માટે પણ પ્રયાસ કરશે. જેથી આયાતકાર દેશોના પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સની જરૂરિયાત મુજબ સ્થાનિક ધારાધોરણો સ્થાપી શકાય. ગુડ્ઝ અને સર્વિસિઝ માટેના ધોરણો વૈશ્વિક વેપારને વેગ આપવામાં સહાયરૂપ બની શકે છે એમ તેઓ ઉમેરે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશ્યેટિવ નામની ઈકોનોમિક થીંક ટેંકના રિપોર્ટ મુજબ ભારતે નોન-ટ્રેડ બેરિઅર્સને દૂર કરવા માટે ફાસ્ટ-ટ્રેક મેનરમાં કામ કરવાની જરૂર છે.

NFRAની ટોચની ઓડિટ કંપનીઓનું વાર્ષિક ઈન્સ્પેક્શનની વિચારણા
આ પગલનું કોર્પોરેટ ફ્રોડ પર નિયંત્રણ લાવશે, જ્યારે છીંડાના કિસ્સામાં ઝડપી ઉપાય શક્ય બનાવશે

નેશનલ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી(NFRA) તરફથી દેશની ટોચની ઓડિટ કંપનીઓના વાર્ષિક ઈન્સ્પેક્શન્સ માટેની વિચારણા ચાલી રહી છે. જેમાં ટોચની ચાર કંપનીઓનો સમાવેશ થાય છે. આ વિચારણા પાછળનું કારણ ટોચની ઓડિટ કંપનીઓના કમ્પ્લાયન્સને જાણવાનો છે એમ વર્તુળો જણાવે છે. આમ કરવાથી ઓડિટર્સ અને એકાઉન્ટન્ટ્સને નક્કી કરેલા ધારા-ધોરણો અને પ્રક્રિયાઓને ટાળતાં અટકાવવાનો છે. જે આખરે તો કોર્પોરેટ ફ્રોડ્સ પર નિયંત્રણમાં સહાયરૂપ બનશે. ઓડિટ વોચડોગ તરફથી આ પ્રકારનું પગલું વૈશ્વિક સ્તરે જોવા મળતી શ્રેષ્ઠ પ્રેકટિસિસ સાથે બંધ બેસે છે. જેમકે, યુએસ ખાતે પબ્લિક કંપની એકાઉન્ટીંગ ઓવરસાઈટ બોર્ડ આ પ્રકારની જાહેર એકાઉન્ટીંગ કંપનીઓનું વર્ષે અથવા ત્રણ વર્ષે એકવાર ઈન્સ્પેક્શન કરતું હોય છે.

ભારતમાં રોકાણ માટે NRI પાસેથી આઈટી વિભાગે શપથનામું માંગ્યું
જો બિન-નિવાસી ભારતીયો વધુ પડતું રોકાણ કરે તો સ્થાનિક નાગરિક માફક જ ટેક્સ અને ડિસ્ક્લોઝર્સ નિયમો લાગુ પડે છે

કેટલાંક બિન-નિવાસી ભારતીયો(NRI) પાસે ઈન્કમ ટેક્સ વિભાગે ભારતમાં તેઓ કેટલાં દિવસ રોકાયાં હતાં તે જાણવા માટે સ્વોર્ન સ્ટેટમેન્ટ્સ(શપથ નિવેદન)ની માગણી કરી છે. આવકવેરા વિભાગ આ એનઆરઆઈ કેટલાંક વર્ષો દરમિયાન ટેક્સ ભરવામાંથી છટકી તો નથી ગયાંને તે જાણવા માટે આ કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક નાગરિકોની માફક એનઆરઆઈએ તેમની વિદેશી કમાણી અથવા વિદેશમાં રહેલી તેમની જાણમાં હોય તેવી એસેટ્સ પર નિયમો પ્રમાણે ટેક્સ ભરવાનો થતો નથી. જોકે, ભારતમાં તેઓ 181 દિવસોથી વધુનું રોકાણ કરે તો તેમના પર સ્થાનિક નાગરિકોની માફક જ ટેક્સ અને ડિસ્ક્લોઝર્સ નિયમો લાગુ પડે છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં ટેક્સ વિભાગે લગભગ ડઝન જેટલાં એનઆઈઆઈને તેમણે સાઈન કરેલી એફિડેવિટ રજૂ કરવા માટે જણાવ્યું છે. એફિટેવિટમાં તેમણે જણાવવાનું રહેશે કે તેમણે વાર્ષિક ટેક્સ રિટર્ન્સમાં દર્શાવેલા સમયગાળામાં તેઓ દેશના નાગરિક નહોતાં. ઉપરાંત તેમની પાસે માગવામાં આવેલી દરેક વર્ષની વિગતોમાં તેમણે દેશમાં કેટલો સમય રોકાણ કર્યું તે જણાવવાનું રહેશે. કેટલીક નોટિસિસમાં 2014-15થી 2022-23 સુધીના એસેસમેન્ટ વર્ષની સમીક્ષા કરવામાં આવી રહી છે.
આઈટી ડિપાર્ટમેન્ટ ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પાસેથી હંમેશા આ પ્રકારની માહિતી મેળવી શકે છે. ઈમિગ્રેશન વિભાગ દરેક વ્યક્તિના ફ્લાઈટ-વાઈઝ, ડેટ-વાઈઝ ડેટાને જાળવે છે. તે ક્યારે દેશમાં પ્રવેશ્યો અને ક્યારે દેશને છોડ્યો તે માહિતી પણ તેની પાસે હોય છે. વિદેશમાં લાંબા સમયથી વસેલાં એનઆરઆઈ પાસે એસેસિંગ ઓફિસરે તેના એનઆરઆઈ દરજ્જાને સાબિત કરવા એફિડેવિટની માગણીની જરૂર રહેતી નથી એમ સીએ કંપની જયંતિલાલ ઠક્કર એન્ડ કંપનીના પાર્ટનર રાજેશ શાહ જણાવે છે. જોકે, ટેક્સ વર્તુળોના મતે 2020 અને 2021માં ભારતની મુલાકાતે આવેલા એનઆરઆઈ રોકાઈ ગયા હતા અને તેમણે એનઆઈઆઈ તરીકે આઈટી રિટર્ન્સ ફાઈલ કર્યાં છે. આવા કિસ્સામાં જો વ્યક્તિ ખોટી માહિતી કે ખોટી એફિડેવિટ રજૂ કરે તો તે નિયમોનો ભંગ ગણાય. જેમાં તેની સામે ઈન્ક્મ ટેક્સ એક્સ અને બ્લેક મની એન્ડ ઈમ્પોઝીશન ઓફ ટેક્સ એક્ટ 2015 લાગુ પડી શકે છે.

ટેક્સની પળોજણ
NRI વિદેશી આવક પર કોઈ ટેક્સ ચૂકવતાં નથી
NRIએ વિદેશમાં તેમની એસેટ્સને ડિસ્ક્લોઝ કરવાની રહેતી નથી
જો વ્યક્તિ ચોક્કસ સમયમર્યાદાથી વધુ નિવાસ કરે તે NRIનો દરજ્જો ગુમાવે છે
એનઆરઆઈએ ભારતમાં તેણે કરેલા રોકાણના નિશ્ચિત દિવસોનું શપથ સાથે એફિડેવિટ આપવાની રહેશે

કોર્પોરેટ હેડલાઈન્સ

પ્રેસ્ટીજ એસ્ટેટઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં બમણી વૃદ્ધિ સાથે રૂ. 5326 કરોડના સેલ બુકિંગ્સ નોંધાવ્યાં છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝની મજબૂત માગ પાછળ તેણે ઊંચું વેચાણ દર્શાવ્યું છે. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 54.6 લાખ ચો.ફૂટ એરિયાનું વેચાણ કર્યું હતું. તેણે સરેરાશ રૂ. 9762 પ્રતિ ફૂટમાં આ વેચાણ કર્યું હતું. એપ્રિલથી ડિસેમ્બર, 2023 દરમિયાન તેના સેલ્સ બુકિંગ્સ 81 ટકા ઉછળી રૂ. 16,333.4 કરોડ પર જોવા મળ્યાં હતાં.
બીજીઆર એનર્જીઃ કંપનીએ રૂ. 631 કરોડના પેમેન્ટમાં નાદારી નોંધાવી હોવાનું જણાવ્યું છે. તેણે આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડિયન બેંક અને બેંક ઓફ ઈન્ડિયાને મુદત પેટે આ રકમ ચૂકવવાની હતી. કંપની પાવર પ્રોજેક્ટ્સ માટે બેલેન્સ ઓફ પ્લાન્ટનું ઉત્પાદન અને સપ્લાય કરે છે. કંપનીનું કુલ દેવું રૂ. 4688 કરોડ થવા જાય છે. કંપનીનો શેર ગગડીને રૂ. 90 આસપાસ ટ્રેડ થતો હતો.
ચંબલ ફર્ટિલાઈઝર્સઃ ચંબલ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સના બોર્ડે રૂ. 450 પ્રતિ શેરના ભાવે બાયબેકને મંજૂરી આપી છે. કંપની કુલ રૂ. 700 કરોડના 1.56 શેર્સની પરત ખરીદી કરશે. જેમાં કંપનીના પ્રમોટર્સ અને પ્રમોટર જૂથ કંપનીઓએ પણ તેમના શેર્સ ટેન્ડર કરવાની ઈચ્છા દર્શાવી છે. કંપનીએ 18 જાન્યુઆરીને બાયબેક માટેની રેકર્ડ ડેટ તરીકે નિર્ધારિત કરી છે. બાયબેક ટેન્ડર રૂટ મારફતે હાથ ધરાશે.
ડો.રેડ્ડીઝ લેબ્સઃ ફાર્મા કંપનીએ યુએસ ખાતે ટ્રાન્સપ્લાન્ટેડ ઓર્ગનના રિજેક્શનને ટાળવાની સારવારમાં વપરાતી જેનેરિક દવાની 8000 બોટલ્સને પરત બોલાવી છે. તેણે પેકેજિંગમાં ખામીને કારણે આ બોટલ્સ પરત બોલાવવી પડી છે એમ યૂએસએફડીએ જણાવે છે. ટોચની દવા કંપનીએ ટેક્રોલીમસ કેપ્સ્યૂલ્સની 8280 બોટલ્સ પરત બોલાવી છે. આ પરત બોલાવાયેલા લોટનું ઉત્પાદન હૈદરાબાદ નજીક બાચુપલ્લી પ્લાન્ટ ખાતે કરવામાં આવ્યું હતું.
સેન્ટ-ગોબેનઃ ગ્લાસ ઉત્પાદક કંપનીએ તમિલનાડુમાં ભિન્ન બિઝનેસ સેગમેન્ટ્સમં રૂ. 3400 કરોડના રોકાણ માટે પ્રતિબધ્ધતા દર્શાવી છે. જેમાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ ઈન્વેસ્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે. આ રોકાણ ગ્લાસ વુલ, જીપ્સમ, પ્લાસ્ટરબોર્ડ, પ્લાસ્ટર, એકોસ્ટીક સિલીંગ, ફ્લોટ ગ્લાસ, સીલેન્ટ્સ જેવા ઉત્પાદકોના વિસ્તરણમાં કરાશે.
એલઆઈસીઃ જાહેર ક્ષેત્રની જીવન ઉત્પાદક કંપનીએ જણાવ્યું છે કે તેના બોર્ડે નેશનલ હાઉસિંગ બોર્ડ પ્રમોટેડ કંપનીમાં 10 ટકા હિસ્સાની ખરીદી માટે મંજૂરી આપી છે. એક ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું છે કે નવી પ્રસ્તાવિત કંપનીમાં રોકાણ માટે બોર્ડ તરફથી મંજૂરી મળી છે. એનએચબીએ રેસિડેન્શિયલ મોર્ગેજ-બેક્ડ સિક્યૂરિટીઝ માટે કંપની સ્થાપી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage