રેંજ બાઉન્ડ ટ્રેડની બહાર નીકળવા પ્રયાસ કરતું બજાર
ગુરુવારે આખરી તબક્કામાં મજબૂતી જળવાય
નિફ્ટી બીજા દિવસે 17800 પર ટક્યો
પીએસઈ, આઈટી અને બેંકિંગ તરફથી સપોર્ટ
મેટલ, ફાર્મા, એફએમસીજી, એનર્જીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પણ લેવાલીનો અભાવ
અદાણી જૂથ શેર્સમાં ફરી વેચવાલી
કમિન્સ, કેપીઆઈટી, સોનાટા નવી ઊંચાઈએ
પેજ ઈન્ડસ્ટ્રીઝ, તાતા ટેલિ, થાયરોકેર વાર્ષિક તળિયા પર
વૈશ્વિક બજારોમાં નરમ અન્ડરટોન વચ્ચે ભારતીય શેરબજારે ગુરુવારે ચોપી ચાલ જાળવી રાખી હતી. સત્રના બીજા હાફમાં મજબૂતી પાછળ બેન્ચમાર્કસ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 142 પોઈન્ટ્સ સુધારે 60,806.22ની સપાટીએ જ્યારે નિફ્ટી 22 પોઈન્ટ્સના સુધારે 17,893 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યાં હતાં. જોકે લાર્જ-કેપ્સમાં પાંખા કામકાજ વચ્ચે બ્રેડ્થ લગભગ ન્યૂટ્રલ જોવા મળી હતી અને નિફ્ટીમાં સમાવિષ્ટ 50માંથી માત્ર 26 કાઉન્ટર્સ પોઝીટીવ જ્યારે 24 કાઉન્ટર્સ અગાઉના બંધ કરતાં ઘટાડો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ નેગેટિવ હતી. જોકે લાર્જ-કેપ્સ જેટલી નેગેટિવ નહોતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3613 કાઉન્ટર્સમાંથી 1880 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1579 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. 75 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 119 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ વધુ 4 ટકા ગગડી 13.04ની સપાટીએ બંધ રહ્યો હતો.
બુધવારે યુએસ બજારમાં નરમાઈ પાછળ મોટાભાગના એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જોકે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 17872ના અગાઉના બંધ સામે 17886ની સપાટીએ ખૂલી શરૂઆતમાં નીચે ગબડ્યો હતો અને તેણે 17780નું ઈન્ટ્રા-ડે તળિયું બનાવ્યું હતું. જ્યાંથી તે પરત ફર્યો હતો અને દિવસ દરમિયાન ધીમા સુધારે 17917ની ટોચ બનાવી આખરી બે કલાકમાં કોન્સોલિડેશનમાં જોવા મળ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 67 પોઈન્ટ્સ પ્રિમીયમમાં જોવા મળ્યો હતો. જે અગાઉના સત્ર કરતાં પ્રિમીયમમાં 30 પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવે છે. જેનો અર્થ માર્કેટમાં પાતળા વોલ્યુમ વચ્ચે લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે. જે બજારને આગામી સત્રોમાં વધુ સુધારાતરફ દોરી જઈ શકે છે. જોકે ગુરુવારે વોલ્યુમ ખૂબ પાંખા જોવા મળ્યાં હતાં. આમ સુધારાના ટકાઉપણાને લઈને શંકા ઊભી છે. વધુમાં નિફ્ટીને 18 હજારનો મજબૂત અવરોધ નડી રહ્યો છે. જેને પાર કરવું કઠિન છે. જો આ સ્તર પાર થશે તો તે 18300-18400 સુધીનો સુધારો દર્શાવી શકે છે. જ્યારે નીચે 17700નો સપોર્ટ છે. જેની નીચે માર્કેટ 17350 સુધી ગગડી શકે છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા અગ્રણી કાઉન્ટર્સમાં બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, હિંદાલ્કો, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, ઓએનજીસી, એસબીઆઈ લાઈફ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ મુખ્ય હતો. શેર 11 ટકા ઘટાડા સાથે રૂ. 1926ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે અદાણી પોર્ટ્સ, હીરો મોટોકોર્પ, સિપ્લા, જેએસડબલ્યુ સ્ટીલ, ભારતી એરટેલ અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ નરમાઈ જાવો મળી હતી. સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએ તો નિફ્ટી આઈટી, નિફ્ટી બેંક અને નિફ્ટી પીએસઈમાં સાધારણ સુધારો જોવા મળતો હતો. જ્યારે નિફ્ટી મેટલ, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી ઓટો અને નિફ્ટી એનર્જીમાં નરમાઈ જોવા મળી રહી હતી. આઈટી સેગેમેન્ટમાં એલએન્ડટી ટેક્નોલોજી 2.2 ટકા સુધારા સાથે ટોચ પર રહ્યો હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ, એમ્ફેસિસ, ટીસીએસ અને ટેક મહિન્દ્રા પણ મજબૂતી સૂચવતાં હતાં. પીએસઈ સેગમેન્ટમાં ઓએનજીસી 1.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આઈઆરસીટીસી, એનએચપીસી, પાવર ફાઈનાન્સ, સેઈલ, આઈઓસી અને પાવર ગ્રીડમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી બેંક સાધારણ પોઝીટીવ રહ્યો હતો. જેમાં ઈન્ડસઈન્ડ બેંક 1.6 ટકા સાથે ટોચ પર હતો. આ સિવાય બંધન બેંક, બેંક ઓફ બરોડામાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ 1.6 ટકા સાથે નોંધપાત્ર નરમાઈ સૂચવતો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ ઉપરાંત વેદાંત, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, એનએમડીસી અને કોલ ઈન્ડિયામાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ અડધો ટકો ડાઉન જોવા મળતો હતો. જેમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા અને લ્યુપિન ઘટવામાં અગ્રણી હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સમાં વરુણ બેવરેજિસ 3 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. ઉપરાંત યુનાઈટેડ બ્રૂઅરીઝ, મેરિકો, આઈટીસી અને તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સમાં નરમાઈ જોવા મળી રહી હતી. બીજી બાજુ બ્રિટાનિયા, એચયૂએલ, ઈમામી, કોલગેટ મજબૂતી દર્શાવતાં હતાં. અદાણી ગ્રીન એનર્જી, ટોરેન્ટ પાવર અને બીપીસીએલમાં ઘટાડા પાછળ નિફ્ટી એનર્જી પણ નરમાઈ દર્શાવતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટ્રેન્ટ 9 ટકા સાથે સૌથી ઊંચો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત કમિન્સ ઈન્ડિયા, જ્યુબિલિઅન્ટ ફૂડ્સ, આદિત્ય બિરલા ફેશન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ પણ સુધરવામાં અગ્રણી હતાં. જ્યારે બીજી બાજુ અંબુજા સિમેન્ટ્સ, શ્રી સિમેન્ટ, એમઆરએફ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, આરઈસી, એસીસી, હનીવેલ ઓટોમેશન, અબોટ ઈન્ડિયા ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતાં. કમિન્સ ઈન્ડિયા, કેપીઆઈટી, સોનાટા અને એમએન્ડએમ ફાઈનાન્સિયલે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન અને તાતા ટેલિસર્વિસિસ વાર્ષિક તળિયું દર્શાવી રહ્યાં હતાં.
અદાણી જૂથ શેર્સના ફ્રી ફ્લોટની MSCI તપાસ પાછળ શેર્સ તૂટ્યાં
અદાણી જૂથના શેર્સમાં ગુરુવારે ફરી એકવાર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ગ્લોબલ ઈન્ડેક્સ પ્રોવાઈડર એમએસસીઆઈએ અદાણી જૂથ કંપનીઓમાં ફ્રી ફ્લોટને લઈને સમીક્ષા કરી રહ્યું હોવાનું જણાવતાં જૂથ શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર શરૂઆતી અડધા કલાકમાં 15 ટકાની લોઅર સર્કિટમાં બંધ જોવા મળ્યો હતો. જ્યારે અન્ય જૂથ શેર્સ પણ નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. બુધવારે અદાણી જૂથના 10 લિસ્ટેડ શેર્સમાંથી 7 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જોકે ગુરુવારે તમામ કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. એમએસસીઆઈના નિવેદનને પગલે હિંડેનબર્ગના સ્થાપક નાથન એન્ડરસને એક ટ્વિટમાં જણાવ્યું હતુંકે એમએસસીઆઈની તપાસ અમારા રિસર્ચ રિપોર્ટનું અનુમોદન કરી રહી છે. કંપનીએ તેના રિપોર્ટમાં શેલ કંપનીઓમાં અદાણી જૂથ શેર્સના પાર્કિંગનો આક્ષેપ કર્યો હતો.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે ફ્રી ફ્લોટ સ્ટેટસમાં ફેરફારને કારણે એમએસસીઆઈ ઈન્ડેક્સમાં અદાણી જૂથના વેઈટેજ પર અસર પડી શકે છે. જેની પાછળ ફંડ્સ તરફથી જૂથ કંપનીઓના શેર્સમાં વેચવાલી સંભવ છે. કેમકે ઘણા વૈશ્વિક ફંડ્સ આવા સૂચકાંકોમાં રોકાણ ધરાવે છે. એનાલિસ્ટના મતે ઘણા રોકાણકારો એમએસસીઆઈ ઈન્ડેક્સને એક માપદંડ તરીકે ગણનામાં લે છે. એમએસસીઆઈ રિવ્યૂના આધારે અદાણી જૂથ કંપનીઓના શેર્સ પર આગામી દિવસોમાં દબાણ જોવા મળી શકે છે એમ તેઓ ઉમેરે છે.
નોર્વે વેલ્થ ફંડે અદાણી કંપનીઓમાં બાકીનો હિસ્સો પણ વેચ્યો
નોર્વેના 1.35 ટ્રિલિયન ડોલરના સોવરિન ફંડે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે છેલ્લાં કેટલાંક સપ્તાહામં અદાણી જૂથ કંપનીઓમાંના તેના બાકીના હિસ્સાનું પણ વેચાણ કર્યું હતું. ફંડના ઈએસજી રિસ્ક મોનીટરિંગ હેડ ક્રિસ્ટોફર રાઈટે જણાવ્યું હતું કે અમે અદાણી પર ઈએસજી મુદ્દાને લઈને વર્ષોથી મોનીટરીંગ કર્યું છે. જેમાં પર્યાવરણીય જોખમોને લઈને તેમના સંચાલનનો સમાવેશ થાય છે. ફંડે અદાણી જૂથ કંપનીઓમાં 2014થી હિસ્સો વેચવાનું શરૂ કર્યું હતું. 2022ની આખરમાં તે અદાણી પોર્ટ્સ સહિત જૂથની ત્રણ કંપનીઓમાં રોકાણ ધરાવતું હતું. હવે અદાણી જૂથ કંપનીઓમાં અમે તમામ હિસ્સાનું વેચાણ કરી દીધું છે અને જૂથમાં કોઈ એક્સપોઝર રહેતું નથી એમ તેમણે જણાવ્યું હતું. 2022ની આખરમાં નોર્વેના ફંડ પાસે અદાણી ગ્રીન એનર્જીના 5.27 કરોડ ડોલરના શેર્સ હતાં. જ્યારે અદાણી ટોટલ ગેસમાં તે 8.36 કરોડ ડોલરના શેર્સ ધરાવતું હતું અને અદાણી પોર્ટ્સમાં તે 6.34 કરોડ ડોલરના મૂલ્યનો હિસ્સો ધરાવતું હતું.
હિંડેનબર્ગ વિવાદ વચ્ચે અદાણી પાવરમાં છ પેટા કંપનીઓનું મર્જર થશે
એનસીએલટી તરફથી કંપનીને મર્જર માટે મંજૂરી પણ મળી ગઈ છે
એકબાજુ હિંડેનબર્ગ વિવાદ હજુ પણ અદાણી જૂથ કંપનીઓના શેર્સનો પીછો છોડી રહ્યો નથી ત્યારે જૂથની લિસ્ટેડ કંપની અદાણી પાવરમાં તેની છ પેટાકંપનીઓને ભેળવી દેવામાં આવશે. આ માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)એ મંજૂરી પણ આપી દીધી છે. એનસીએલટીએ ગુરુવારે અદાણી પાવર મહારાષ્ટ્ર, અદાણી પાવર રાજસ્થાન, ઉડ્ડુપી પાવર કોર્પોરેશન, રાયપુર એનર્જેન, રાયગઢ એનર્જી જનરેશન અને અદાણી પાવર(મુંદ્રા)ને અદાણી પાવરમાં ભેળવી દેવા માટે મંજૂરી આપી હતી.
અદાણી પાવરે ગુરુવારે સ્ટોક એક્સચેન્જને એક ફાઈલીંગમાં જણાવ્યું હતું કે એનસીએલટીએ તેની છ સબસિડિયરીઓને પોતાનામાં મર્જ કરવા માટે છૂટ આપી છે. આ તમામ છ કંપનીઓમાં અદાણી પાવર 100 ટકા હિસ્સો ધરાવે છે. જોકે આ અહેવાલની અદાણી પાવરના શેર્સ પર કોઈ પોઝીટીવ અસર જોવા નહોતી મળી. કંપનીનો શેર 5 ટકા લોઅર સર્કિટમાં જ બંધ જોવા મળ્યો હતો. હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટ બાદ કંપનીના શેરમાં સતત સેલર સર્કિટ્સ જોવા મળી રહી છે. ગુરુવાર તે રૂ. 172.80ની સપાટીએ બંધ રહ્યો હતો. ગયા વર્ષે અદાણી પાવરનો શેર મલ્ટીબેગર બન્યો હતો. જોકે ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં તે 42.04 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવી રહ્યો છે. જૂથની અન્ય કંપનીઓને શેર્સમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળી છે અને તેઓ પણ ગુરુવારે નરમાઈ સાથે બંધ દર્શાવતાં હતાં. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ એક તબક્કે શરૂઆતમાં 15 ટકાની સેલર સર્કિટમાં બંધ જોવા મળ્યો હતો. જ્યાંથી બાઉન્સ થયા બાદ 9 ટકા આસપાસનો ઘટાડો દર્શાવતો હતો. ગયા સપ્તાહે યૂપી સરકારની મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમે અદાણી પાવરને સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવાના ટેન્ડરને રદ કર્યું હતું. આ ટેન્ડર રૂ. 5400 કરોડનું હતું. અંદાજિત મૂલ્ય કરતાં ટેન્ડરની રકમ 48થી 65 ટકા વધુ હોવાને કારણે તેને શરૂઆતથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. અદાણી પાવરે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન નફામાં વાર્ષિક ધોરણે 96 ટકા ઘટાડો દર્શાવ્યો હતો અને તે માત્ર 8.7 કરોડ પર જોવા મળ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 218.5 કરોડનો નફો નોંધાવ્યો હતો.
એરલાઈન્સ કંપનીઓ બે વર્ષમાં 1700 વિમાનનો ઓર્ડર આપે તેવી શક્યતાં
ભારતીય ઉડ્ડયન કંપનીઓ આગામી એકથી બે વર્ષોમાં 1500થી 1700 વિમાનોના ઓર્ડર્સ આપે તેવી શક્યતાં એવિએશન કન્સલ્ટન્સી કંપની જોઈ રહી છે. જેમાં તાતા જૂથની એર ઈન્ડિયા 500 વિમાનો માટેનો ઓર્ડર આપશે તેમ તેનું કહેવું છે. હાલમાં ભારતીય કંપનીઓની કુલ કમર્સિયલ ફ્લિટ સંખ્યા 700 એરક્રાફ્ટ્સ આસપાસ છે. જે વિશ્વની કેટલીક ટોચની એરલાઈન્સ કંપનીઓ કરતાં પણ નાની છે. દેશમાં હવાઈ ઉડ્ડયનને લઈને રહેલી વિપુલ શક્યતાંને જોતાં કંપનીઓ તેમના કાફલામાં વધુ વિમાનો ઉમેરવાનું કારણ પણ છે. કોવિડ બાદ ભારતીય બજાર વૈશ્વિક ધ્યાન ખેંચી રહ્યું છે. કેમકે તે સૌથી વધુ સંભાવનાઓ ધરાવતું એવિએશન માર્કેટ બની રહ્યું છે.
આગામી એકાદ-બે વર્ષોમાં તમામ ઉડ્ડયન કંપનીઓ વિમાનોની ખરીદી માટે ઓર્ડર આપશે. જેમાં ફ્લિટ રિપ્લેસમેન્ટ ઉપરાંત ગ્રોથ પણ એક મહત્વનું કારણ હશે. આગામી દાયકામાં માર્કેટ વૃદ્ધિની શક્યતાં સામે મોટાભાગના ભારતીય કેરિયર્સની ઓર્ડર બુક ઘણી કન્ઝર્વેટિવ છે અને તેથી તેથી પણ કંપનીઓએ નવા વિમાનો ખરીદવા પડશે. કોવિડ બાદ ભારતમાં એર ટ્રાફિક રિકવરી વિશ્વમાં સૌથી મજબૂત જોવા મળી છે. કોવિડ અગાઉ ઈન્ડિગો 300 વિમામોની ખરીદી માટેના ઓર્ડર માટે વિચારી રહી હતી. જે મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું. જે હવે શક્ય બને તેમ જણાય છે. જેમાં ઓર્ડર સંખ્યા 300થી વધી 500 પર જોવા મળી શકે છે.
જાન્યુઆરીમાં ઈક્વિટી ફંડ્સમાં રૂ. 12 હજાર કરોડનો ઈનફ્લો નોંધાયો
સતત ચોથા મહિને SIP મારફતે રૂ. 13 હજાર કરોડથી વધુનું રોકાણ જોવા મળ્યું
ઈન્ડેક્સ ફંડ્સ ઈનફ્લો સતત ત્રીજા મહિને ઘટી રૂ. 5813 કરોડ પર રહ્યો
ડેટ મ્યુચ્યુલ ફંડ્સમાં રૂ. 10,316 કરોડનો ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો
MF ઉદ્યોગનું કુલ AUM રૂ. 39.62 લાખ કરોડ પર સ્થિર જળવાયું
જાન્યુઆરીમાં એક્ટિવ ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સમાં માસિક ધોરણે 70 ટકા ઉછળી રૂ. 12,546 કરોડ પર જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2022માં તે રૂ. 7303 કરોડ પર જોવા મળ્યો હતો એમ એમ્ફીનો ડેટા જણાવે છે. ઈક્વિટી કેટેગરીમાં ઊંચા ઈનફ્લોનું મુખ્ય કારણ સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(SIP) તરફથી વધી રહેલો રોકાણપ્રવાહ છે. જાન્યુઆરીમાં સતત ચોથા મહિને એસઆઈપી ઈનફ્લો રૂ. 13 હજાર કરોડ પર જોવા મળ્યો હતો. તેણે માસિક ધોરમે રૂ. 13,856 કરોડનો નવો વિક્રમ બનાવ્યો હતો. ડિસેમ્બરમાં સિપ મારફતે રૂ. 13,570 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો.
કેલેન્ડરના પ્રથમ મહિનામાં મ્યુચ્યુલ ફંડ્સ ક્ષેત્રે કામગીરીનો અહેવાલ રજૂ કરતાં એમ્ફીએ નોંધ્યું હતું કે જાન્યુઆરીમાં નવા 22.6 લાખ સિપ એકાઉન્ટ્સ ઓપન થયાં હતાં. જ્યારે 13.5 લાખ એકાઉન્ટ્સ મેચ્યોર થયાં હતાં અથવા ડિસ્કન્ટીન્યૂ થયાં હતાં. આમ લગભગ નેટ ધોરણે નવ લાખ સિપ એકાઉન્ટ્સનું એડિશન જોવા મળ્યું હતું. જો કેટેગરી મુજબ ઈક્વિટી ઈનફ્લોની વાત કરીએ તો સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. 2256 કરોડ સાથે સૌથી ઊંચો ઈનફ્લો નોઁધાયો હતો. જ્યારબાદના ક્રમે લાર્જ-કેપ્સ અને મીડ-કેપ ફંડ્સ તથા મલ્ટી-કેપ ફંડ્સ જોવા મળતાં હતાં. ઘટેલાં બજારમાં રોકાણકારોને સ્મોલ-કેપ્સમાં વેલ્યૂ જણાય રહી હોવાનું એમ્ફીના સીઈઓએ જણાવ્યું હતું. તેમના મતે આ રોકાણ લોંગ ટર્મ પ્રકારનું હોવાથી રોકાણકારોને એવું જણાય રહ્યું છે કે કરેક્શન પૂરું થશે અને બજારમાં સુધારા વખતે તેમને લાભ મળશે. જાન્યુઆરીમાં માર્કેટમાં ઘટાડો ચાલુ રહ્યો હોવા છતાં સતત બીજા મહિને ઈનફ્લો જોવા મળ્યો હતો. જાન્યુઆરીમાં નિફ્ટીમાં 2.5 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ડિસેબરમાં તે 3.5 ટકા જેટલો ગગડ્યો હતો. બજારમાં ઘટાડાને કારણે જોકે ઈન્ડેક્સ ફંડ્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ(ઈટીએફ્સ) પર અસર પડી હતી. સતત ત્રીજા મહિને ઈન્ડેક્સ ફંડ્સમાં ઈનફ્લોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જાન્યુઆરીમાં ઈન્ડેક્સ ફંડ્સમાં રૂ. 5,813 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જે માસિક ધોરણે 13.7 ટકા ઘટાડો સૂચવતો હતો. વિદેશી રોકાણકારો તરફથી માર્કેટમાં જોવા મળેલી વેચવાલીને પચાવવા માટે એસઆઈપી ઈનફ્લો મહત્વનો સાબિત થઈ રહ્યો છે. અગાઉ ત્રણ મહિના સુધી નેટ ઈનફ્લોમાં ઘટાડા બાદ ઈક્વિટી કેટેગરીમાં ઈનફ્લો રૂ. 10 હજાર કરોડથી ઊંચો રહ્યો હતો. સ્ટોક માર્કેટમાં વોલેટિલિટી છતાં રોકાણકારોએ ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સમાં વિશ્વાસ જાળવી રાખ્યો હોવાનું ફંડ એનાલિસ્ટનું કહેવું છે. ઈક્વિટી-ઓરિએન્ટેડ ફંડ્સમાં બે મહિના અગાઉ 21-મહિનાની બોટમ બનાવી ઈનફ્લોમાં રિકવરી જોવા મળી છે પરંતુ ડેટ કેટેગરીમાં રિડમ્પ્શન જળવાયું છે. જાન્યુઆરીમાં ડેટ મ્યુચ્યુલ ફંડ્સમાં રૂ. 10,316 કરોડનો ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો. સતત બીજા મહિને ઈન્કમ અને ડેટ-ઓરિએન્ટેડ સ્કિમ્સમાંથી ભારે આઉટફ્લો નોંધાયો હતો. સેન્ટ્રલ બેંક તરફથી પોલિસી રેટમાં સતત વૃદ્ધિને કારણે રોકાણકારોએ લિક્વિડ, લોંગ-ડ્યૂરેશન ફંડ્સ અને કોર્પોરેટ બોન્ડ ફંડ્સમાંથી નાણા પરત ખેંચ્યાં હતાં. એકવાર રેટ વૃદ્ધિનું ચક્ર તેની ટોચ બનાવી લેશે ત્યારબાદ લોંગ ડ્યૂરેશન ડેટ ફંડ્સમાં નાણા પરત ફરે તેવી શક્યતાં જોવાઈ રહી છે. બુધવારે આરબીઆઈએ હોકિશ વલણ જાળવી રાખતાં અર્થશાસ્ત્રીઓ હજુ પણ વધુ એક રેટ વૃદ્ધિની શક્યતાં જોઈ રહ્યાં છે. ડેટ ફંડ એનાલિસ્ટ એપ્રિલ 2023ના ક્વાર્ટરથી ડેટ ફંડ્સમાં ફ્લો પરત ફરે તેમ માને છે. રેટ વૃદ્ધિ જળવાય રહેતાં જાન્યુઆરીમાં હાઈબ્રીડ ફંડ્સમાં રૂ. 4,491 કરોડનો નેટ ફ્લો જોવા મળ્યો હતો.
જાન્યુઆરી આખરમાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયૂએમ) સાધારણ ફેરફાર સાથે રૂ. 39.62 લાખ કરોડ પર જળવાયું હતું. જેમાં ઈક્વિટી એયૂએમ રૂ. 15.1 લાખ કરોડ અને ડેટ એયૂએમ રૂ. 12.37 લાખ કરોડ પર જોવા મળતું હતું.
વૈશ્વિક બજાર પાછળ ગોલ્ડમાં મજબૂતી
ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ કિંમતી ધાતુઓમાં પોઝીટીવ ટોન જળવાય રહ્યો હતો. ગુરુવારે એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 130ના સુધારા સાથે રૂ. 57340 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી વાયદો રૂ. 150ના સુધારે રૂ. 67760 પર ટ્રેડ દર્શાવતો હતો. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ પાંચ ડોલરની મજબૂતી સાથે 1896 ડોલર પર જોવા મળતું હતું. જ્યારે ચાંદી 0.4 ટકા સુધારા સાથે 22.50 ડોલર પર ટ્રેડ દર્શાવતી હતાં. બેઝ મેટલ્સમાં કોપરમાં મજબૂતી હતી. જ્યારે ક્રૂડ, નેચરલ ગેસમાં નરમાઈ જોવા મળી રહી હતી. એગ્રી કોમોડિટીઝમાં કોટન, ઘઉં, મકાઈ અને સોયાબિનમાં સુધારો નોંધાયો હતો. ગુરુવારે ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી હતી.
જાન્યુઆરીમાં સ્ટીલ નિકાસમાં 33 ટકા વૃદ્ધિ
કેલેન્ડર 2023ના પ્રથમ મહિના દરમિયાન સ્ટીલ નિકાસમાં માસિક ધોરણે 33 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જાન્યુઆરી મહિનામાં દેશમાંથી 5.9 લાખ ટન સ્ટીલ નિકાસ જળવાય હતી. જોકે વાર્ષિક ધોરણે નિકાસમાં 28 ટકા ઘટાડો નોઁધાયો હતો. જો એપ્રિલથી જાન્યુઆરી સુધીના 10 મહિનાની વાત કરીએ તો સ્ટીલની નિકાસમાં લગભગ 50 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં 1.14 કરોડ ટનની સરખામણીમાં ચાલુ વર્ષે નિકાસ 53.3 લાખ ટન પર જળવાય હતી. જેનું એક કારણ વૈશ્વિક સ્તરે મંદીને કારણે નીચી માગ પણ હોવાનું વર્તુળો જણાવે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એનસીસીઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 157.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 76.4 કરોડ સામે 100 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3015 કરોડ સામે 28 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 3850 કરોડ પર જોવા મળી હતી.
જેબી કેમિકલઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 106.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 83.9 કરોડ સામે 27 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 600.7 કરોડ સામે 32 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 793 કરોડ પર જોવા મળી હતી.
એસકેએફઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 116.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 88.7 કરોડ સામે 32 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 966.9 કરોડ સામે 11.4 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1077.2 કરોડ પર જોવા મળી હતી.
પીઈએલઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3547.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 888 કરોડ સામે 400 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2285.2 કરોડ સામે 40 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 3232 કરોડ પર જોવા મળી હતી.
એપીએમ ટર્મિનલઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 84.36 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 44.6 કરોડની સરખામણીમાં 89 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 168.5 કરોડ પરથી વધી રૂ. 250.5 કરોડ પર રહી હતી. જ્યારે એબિટા રૂ. 88 કરોડથી વધી રૂ. 147 કરોડ રહ્યો હતો. એબિટા માર્જિન વધી 59 ટકા જળવાયું હતું.
લિંકન ફાર્માઃ હેલ્થકેર કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 21.61 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 17.60 કરોડની સરખામણીમાં 23 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક પણ ગયા વર્ષે રૂ. 122.5 કરોડ સામે 14 ટકા વધી રૂ. 140.1 કરોડ જોવા મળી હતી. કંપનીનો એબિટા 27 ટકા વધી રૂ. 26 કરોડ પર જળવાયો હતો. જ્યારે ઈપીએસ રૂ. 10.79 પર રહી હતી.
આઈટીડી સિમેન્ટેશનઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 36.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 19.7 કરોડ સામે 86 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 998.1 કરોડ સામે 33 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1327 કરોડ પર જોવા મળી હતી.
એચજી ઈન્ફ્રાઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 130.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 100.5 કરોડ સામે 30 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 958.3 કરોડ સામે 24 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1185 કરોડ પર જોવા મળી હતી.
ઓબેરોય રિઅલ્ટીઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 702.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 467.5 કરોડ સામે 50 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 832 કરોડ સામે 96 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1630 કરોડ પર જોવા મળી હતી.