સતત બીજા દિવસે ભારતીય બજારનું અન્ડરપર્ફોર્મન્સ
નિફ્ટીએ 18600ની સપાટી ગુમાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.24 ટકા ગગડી 11.12ના સ્તરે
પીએસઈ, રિઅલ્ટી સિવાય તમામ સેક્ટરમાં નરમાઈ
પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.2 ટકા ગગડ્યો
એફએમસીજી, આઈટીમાં પ્રોફિટ બુકિંગ
હિંદુસ્તાન એરોનોટીક્સ, ડેલ્ટા કોર્પ, સોનાટા નવી ટોચે
IEX, આવાસ નવા તળિયે
વૈશ્વિક બજારોમાં સ્થિરતા વચ્ચે સતત બીજા સત્રમાં ભારતીય શેરબજારે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 223 પોઈન્ટ્સ ઘટાડા સાથે 62626ની સપાટીએ જ્યારે નિફ્ટી 71 પોઈન્ટ્સ ઘટાડે 18563ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખાસ લેવાલી-વેચવાલીના અભાવે બ્રેડ્થ લગભગ ન્યૂટ્રલ બની રહી હતી. બીએસઈ ખાતે 3648 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1801 નરમાઈ સૂચવતાં હતાં. જ્યારે 3648 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવી રહ્યાં હતાં. 170 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 11 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં જ્યારે 8 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.24 ટકા ગગડી 11.12ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં સ્થાનિક બજારે ગેપ-અપ શરૂઆત દર્શાવી હતી. જોકે ત્યારપછી તેમાં ધીમો ઘસારો જળવાયો હતો અને બજાર ગ્રીન ઝોનમાં પરત ફરી શક્યું નહોતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18635ના બંધ સામે 18656ની સપાટીએ ખૂલી ઉપરમાં 18677 પર ટ્રેડ થઈ નીચે 18555 પર પટકાયો હતો અન તેની નજીક જ બંધ રહ્યો હતો. આમ નિફ્ટીએ 18600ની સપાટી ફરી ગુમાવી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 67 પોઈન્ટ્સ પ્રિમીયમે 18630ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 77 પોઈન્ટ્સના પ્રિમીયમમાં 10 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. જે સૂચવે છે કે માર્કેટમાં ઊંચા સ્તરે ધીમે-ધીમે લોંગ પોઝીશન લિક્વિડ થઈ રહી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે 18600-18888ના ઝોનમાં બેન્ચમાર્ક અવરોધનો સામનો કરી રહ્યું છે. જોકે, અન્ડરટોન હજુ પણ તેજીનો છે. હજુ સુધી ક્યાંય ટ્રેન્ડ રિવર્સલના સંકેતો મળ્યાં નથી. નિફ્ટીને શુક્રવારે સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, પાવર ગ્રીડ કોર્પોરેશન, એક્સિસ બેંક, લાર્સન, અદાણી એન્ટરપ્રાઈઝિસનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, એચડીએફસી લાઈફ, ડિવિઝ લેબ્સ, તાતા સ્ટીલ, એસબીઆઈ, એચયૂએલ, એચસીએલ ટેક્નોલોજી, યૂપીએલ, ઈન્ફોસિસ, ઓએજીસીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઈન્ડિયા સિમેન્ટ્સ 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હિંદુસ્તાન એરોનોટીક્સ, ડેલ્ટા કોર્પ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, તાતા કોમ્યુનિકેશન, ભારત ઈલે., બલરામપુર ચીની, એપોલો ટાયર્સ, આરઈસીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ આઈઈએક્સ 10 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, વોલ્ટાસ, એસઆરએફ, દિપક નાઈટ્રેટ, એચડીએફસી એએમસી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, કોરોમંડલ, નવીન ફ્લોરિનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં હિંદુસ્તાન એરોનોટીક્સ, ડેલ્ટા કોર્પ, સોનાટા, જસ્ટ ડાયલ, મેક્રોટેક ડેવલપર્સ, એઆઈએ એન્જીનીયરીંગનો સમાવેશ થતો હતો. જ્યારે આઈઈએક્સ, આવાસ ફાઈનાન્સર અને વી-માર્ટ રિટેલે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
ફોરેક્સ રિઝર્વ્સ 5.9 અબજ ડોલર ઉછળી 595 અબજ ડોલરે પહોંચ્યું
બે સપ્તાહના ઘટાડાના વલણથી વિપરીત દેશના વિદેશી હૂંડિયામણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ 2 જૂને પૂરાં થતાં સપ્તાહ દરમિયાન દેશમાં ફોરેક્સ રિઝર્વ્સ 5.929 અબજ ડોલર વધી 595.067 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. અગાઉના બે સપ્તાહ દરમિયાન હૂંડિયામણમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે 4.34 અબજ ડોલર ગગડી 589.14 અબજ ડોલર પર રહ્યું હતું.
અગાઉ ઓક્ટોબર 2021માં દેશનું વિદેશી હૂંડિયાણ 645 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યું હતું. જોકે, કેલેન્ડર 2022માં ડોલર સામે રૂપિયાને ઘટતો અટકાવવા બજારમાં દરમિયાનગીરીના ભાગરૂપે સેન્ટ્રલ બેંકે નોંધપાત્ર ડોલર વેચાણ કરવું પડ્યું હતું. નવેમ્બર 2022થી ફોરેક્સ રિઝર્વ્સમાં ફરીથી વૃદ્ધિ જોવા મળી રહી છે અને છ મહિનામાં લગભગ 55-60 અબજ ડોલરની વૃદ્ધિ નોંધાઈ છે. 2 જૂને પૂરા થતાં સપ્તાહ દરમિયાન ફોરેન કરન્સી એસેટ્સમાં 5.27 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો અને તે 526.201 અબજ ડોલર પર પહોંચ્યું હતું. જ્યારે ગોલ્ડ રિઝર્વ્સ 65.5 કરોડ ડોલર વૃદ્ધિ સાથે 45.557 અબજ ડોલરની સપાટીએ જોવા મળ્યું હોવાનું આરબીઆઈએ નોંધ્યું હતું.
રેલ્વે તરફથી ચિંતા દર્શાવાતાં કોન્કોરના શેરવેચાણમાં અવરોધ
સરકારને કન્ટેનર કોર્પોરેશનમાં 30.8 ટકા હિસ્સાનું સ્ટ્રેટેજિક વેચાણ કરી રૂ. 12000 કરોડ આસપાસ ઊભા કરવામાં વિલંબ થશે
સરકારી સાહસ કન્ટેનલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(કોન્કોર)નું ડિસઈન્વેસ્ટમેન્ટ અટકી પડ્યું છે. કંપનીની પૈતૃક સંસ્થા રેલ્વે તરફથી રજૂ કરવામાં આવેલી ચિંતાઓને કારણે આમ બન્યું હોવાનું સરકારના સિનિયર અધિકારી જણાવે છે.
તેઓ ઉમેરે છે કે કોન્કોરના સ્ટ્રેટેજીક હિસ્સા વેચાણને લઈને રેલ્વેએ કેટલીક સીધી ચિંતાઓ વ્યક્ત કરી છે. નીતી આયોગ કોન્કોરના ડિસઈન્વેસ્ટમેન્ટ માટે બોર્ડ પર છે પરંતુ રેલ્વે એસેટના વેચાણ માટે આતુર નથી. વેચાણ પહેલા ઘણી બાબતો કરવાની રહેશે. હાલમાં, વેચાણનો મુદ્દો અટવાયો છે એમ તેમનું કહેવું છે. આનો અર્થ એવો થાય છે કે કોન્કોરમં 30.8 ટકા હિસ્સા વેચાણ મારફતે રૂ. 12000 કરોડ ઊભા કરવાની પ્રક્રિયામાં વિલંબ થશે. પ્રસ્તાવને રેલ્વે મંત્રાલય તરફથી આગળ મોકલવાનો રહેશે. કેમકે તે નોડલ મિનિસ્ટ્રી છે. તેણે વેચાણ માટે આગળ આવવું પડશે એમ અધિકારી ઉમેરે છે. જ્યાં સુધી આંતરિક પ્રક્રિયાઓ પૂરી થાય નહિ ત્યાં સુધી અમે કોન્કોર માટે એક્સપ્રેશન્સ ઓફ ઈન્ટેન્ટ મંગાવી શકીએ નહિ. કોન્કોર માટે ઈઓઆઈ ક્યારે ઈસ્યુ કરવામાં આવશે તે અંગે હાલમાં કશું કહી શકાય નહિ એમ અગાઉ એક અન્ય સરકારી અધિકારીએ જણાવ્યું હતું. સરકારે ચાલુ નાણાવર્ષ 2022-23 માટે નક્કી કરેલા રૂ. 50 હજાર કરોડના નીચા ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટમાં કોન્કોર અને આઈડીબીઆઈ બેંક, બે મુખ્ય ડિસઈન્વેસ્ટમેન્ટ્સ છે. જેમાં કોન્કોરનું શેરવેચાણ ખોરંભે પડતાં સરકાર માટે અન્ય એસેટ વેચાણ મારફતે નાણા ઊભા કરવાની જરૂર ઊભી થશે. ગયા સપ્તાહે કોલ ઈન્ડિયામાં ઓફર-ફોર-સેલ મારફતે સરકારે રૂ. 4100 કરોડથી વધુ રકમ ઊભી કરી હતી. કોન્કોરનું પ્રાઈવેટાઈઝેશન છેલ્લાં બે વર્ષોથી આ રીતે જ અટવાયેલું જોવા મળે છે.
અલ નીનોના ડર પાછળ સુગર શેર્સમાં નવેસરથી ખરીદી જોવા મળી
યુએસ સુગર ફ્યુચર્સ ગુરુવારે 4 ટકા ઉછળી 25.48 ડોલર પર જોવાયો
વિશ્વમાં સૌથી મોટા ખાંડ ઉત્પાદક ભારત પર અલ નીનોની અસરને લઈને સુગરની અછત ઊભી થવાની ચિંતા ઘેરી બનતાં ખાંડ શેર્સમાં મજબૂતી જોવા મળી છે. એનાલિસ્ટ્સના મતે જ્યાં સુધી ચોમાસાને લઈને ચિત્ર સ્પષ્ટ નહિ થાય ત્યાં સુધી સુગર શેર્સ ‘સ્વિટ’ સ્પોટમાં જોવા મળી શકે છે.
અલ નીનોને કારણે પેસિફિક મહાસાગરમાં તાપમાન ઊષ્ણ જોવા મળે છે. જેને કારણે સમગ્ર વિશ્વમાં ચોમાસા પર અસર ઊભી થતી હોય છે. આની અસરે ભારતમાં ચોમાસામાં અગાઉ ઘટ જોવા મળી છે. ગરમ હવામાનની પેટર્નને કારણે ભારત, બ્રાઝિલ ને થાઈલેન્ડ જેવા શેરડી ઉત્પાદક દેશો પર અસર થવાની પૂરી સંભાવના છે. જેને કારણે ઉત્પાદનમાં ઘટાડા પાછળ પુરવઠાની તંગી જોવા મળી શકે છે. જે ખાંડના ભાવને નવી ઊંચાઈ તરફ લઈ જઈ શકે છે. આ ગભરાટ પાછળ યુએસ ખાતે સુગર ફ્યુચર્સ ગુરુવારે 4 ટકા ઉછળી 25.48 ડોલર પર ટ્રેડ થયો હતો. યુએસ નેશનલ ઓસિએનિક એન્ડ એટ્મોસ્ફિઅરિક એડમિનિસ્ટ્રેશનના હવામાન આગાહી કેન્દ્રે 8 જૂને જણાવ્યું હતું કે અલ નીનોની શરૂઆત થઈ ચૂકી છે. જેની પાછળ વિશ્વભરમાં ગરમ તાપમાન જોવા મળશે. એ વાત ઉલ્લેખનીય છે કે ભારતમાં 2022-23ના વર્તમાન સુગર વર્ષમાં ઉત્પાદન 6 ટકા ગગડી 311 લાખ ટન પર જોવા મળે છે. ગયા વર્ષે વિક્રમી સુગર ઉત્પાદન પછી ચાલુ વર્ષે તે નીચું જળવાશે એમ જણાય છે. સુગર વર્ષ સપ્ટેમ્બર 2023માં પુરું થશે. દેશમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાંને જોતાં સરકારે અગાઉથી જ નિકાસ માટે ક્વોટા બાંધી દીધો હતો.
ગુરુવારે શેરબજારમાં સુગર શેર્સમાં નવેસરથી ખરીદી નીકળી હતી. જેમાં ધામપુર સુગર મિલ્સનો શેર 3.63 ટકા વૃદ્ધિ સાથે રૂ. 278ની સપાટીએ બંધ રહ્યો હતો. તેણે રૂ. 281.90ની બે વર્ષથી વધુની ટોચ પણ દર્શાવી હતી. બલરામપુર ચીનીનો શેર 2.31 ટકા સુધારે રૂ. 404.70ની ટોચ પર જોવા મળ્યો હતો. જ્યારે મવાના સુગર્સ 5.17 ટકા ઉછળી રૂ. 100.65 પર, દાલમિયા સુગર 2 ટકા મજબૂતીએ રૂ. 371.25, રાણા સુગર્સ 4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 24.70, કેએમ સુગર 2.4 ટકા સુધારા સાથે રૂ. 27.40 પર બંધ રહ્યાં હતાં.
મેમાં ઈક્વિટી MF ઈનફ્લોમાં 50 ટકા ઘટાડો નોંધાયો, SIPનો વિક્રમી ફ્લો
ગયા મહિને રૂ. 3240 કરોડ સાથે ઈક્વિટી ફ્લો છ મહિનાના તળિયે જોવા મળ્યો
સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન મારફતે રૂ. 14,749 કરોડનો વિક્રમી ઈનફ્લો પ્રવેશ્યો
લાર્જ-કેપ ફંડ્સમાં રૂ. 1,362.28 કરોડનો નેટ આઉટફ્લો જ્યારે સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. 3282.50 કરોડનો સૌથી ઊંચો ઈનફ્લો
મે મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સમાં ઈનફ્લો 50 ટકા ગગડી રૂ. 3,240.30 કરોડ પર નોંધાયો હતો એમ એમ્ફીનો ડેટા જણઆવે છે. નવેમ્બર 2022માં માત્ર રૂ. 2500 કરોડના ઈનફ્લો પછીનો તે સૌથી નીચો ઈનફ્લો હતો. જોકે, ઈનફ્લોમાં ઘટાડા વચ્ચે પણ સતત 27મા મહિને ઈક્વિટી ફંડ ઈનફ્લો પોઝીટીવ ઝોનમાં જળવાયો હતો.
સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનની વાત કરીએ તો મેમાં વધુ એક વિક્રમ જોવા મળ્યો હતો. સિપ મારફતે ગયા મહિને રૂ. 14,748.68 કરોડનો વિક્રમી ફ્લો નોંધાયો હતો. જે એપ્રિલમાં જોવા મળતાં રૂ. 13,727.63 કરોડના સિપ ઈનફ્લોની સરખામણીમાં રૂ. 1000 કરોડથી વધુની વૃદ્ધિ સૂચવે છે. જ્યારે માર્ચ મહિનામાં બનેલી રૂ. 14,276 કરોડની અગાઉની ટોચથી લગભગ રૂ. 500 કરોડનો વધારો દર્શાવે છે. ઓપન-એન્ડેડ મ્યુચ્યુલ ફંડ્સમાં નેટ ઈનફ્લો રૂ. 59,879.31 કરોડ પર જોવા મળ્યો હતો. જે એપ્રિલ દરમિયાન રૂ. 1.24 લાખ કરોડ પર રહ્યો હતો. નિષ્ણાતોના મતે લાર્જ-કેપ ફંડ્સમાં રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ પસંદ કરતાં ઈક્વિટી ફ્લોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અગ્રણી એસેટ મેનેજર કંપનીના સેલ્સ, માર્કેટિંગ અને ડિજિટલ બિઝનેસ હેડના જણાવ્યા મુજબ વધતાં બજારમાં પ્રોફિટ બુકિંગ તેમજ વેકેશન અને એજ્યૂકેશનને લઈને ખર્ચ પાછળ મે મહિનામાં ઈન્વેસ્ટમેન્ટ નીચું રહ્યું હોય તેમ શક્ય છે. છેલ્લાં કેટલાંક સત્રોથી ભારતીય બજારમાં વોલેટિલિટી વધી છે. વર્ષની શરૂઆતથી બીએસઈ સેન્સેક્સ 2 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. જોકે માર્ચ મહિનાના તળિયેથી તે 10 ટકાથી વધુ સુધરી ચૂક્યો છે. ઈક્વિટી ફંડ્સમાં લાર્જ-કેપ ફંડ્સમાં રૂ. 1,362.28 કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો હતો. જ્યારે સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. 3282.50 કરોડનો સૌથી ઊંચો ઈનફ્લો જોવા મળ્યો હતો. મે મહિનામા ડેટ મ્યુચ્યુલ ફંડ્સમાં ઈનફ્લો માસિક ધોરણે 50 ટકાથી વધુ ઘટાડા સાથે રૂ. 45,959.03 કરોડ પર જોવા મળ્યો હતો. એપ્રિલમાં તે રૂ. 1.06 લાખ કરોડ પર રહ્યો હતો. વધુમાં લાર્જ એન્ડ મીડ કેપ ફંડે રૂ. 1133.26 કરોડનો ઈનફ્લો જોયો હતો. જ્યારે મીડ-કેપ ફંડ્સે રૂ. 1195.65 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો. બીજી બાજુ, ફ્લેક્સિ-કેપ, ફોકસ્ડ ફંડ્સ, ટેક્સ-સેવિંગ ઈક્વિટી-લિંક્ડ સેવિંગ્ઝ સ્કિમ(ઈએલએસએસ)માં મે મહિના દરમિયાન વેચાણ જોવા મળ્યું હતું. માર્ચમાં ઈક્વિટી ફંડ્સમાં નેટ ઈનફ્લો 31 ટકા ઉછળી રૂ. 20,534.21 કરોડ પર રહ્યો હતો. જે તે વખતે વર્ષની ટોચની સપાટી હતી. ફેબ્રુઆરીમાં નેટ ઈક્વિટી ઈનફ્લો રૂ. 15,685.57 કરોડ પર જોવા મળ્યો હતો.
ડેટ મ્યુચ્યુલ ફંડ્સમાં ફ્લો ઘટી રહ્યો છે. મે મહિનામાં તે 50 ટકાથી વધુ ઘટ્યો હતો. જે પણ શોર્ટ ટર્મ લિક્વિડ ફંડ્સ પૂરતો સિમિત હતો. બીજી બાજુ, ઓવરનાઈટ ફંડે રૂ. 18,910.27 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો. દરમિયાનમાં અલ્ટ્રા-શોર્ટ ડ્યૂરેશન અને લો-ડ્યૂરેશન તથા મની માર્કેટ ફંડ્સમાં પણ ઈનફ્લો જોવા મળ્યો હતો. ઈક્વિટી, ડેટ, કોમોડિટી અને વિદેશી ઈક્વિટીમાં રોકાણ કરતાં હાઈબ્રીડ ફંડ્સની માગ ઊંચી જોવ મળી હતી અને તમાં રૂ. 6092.85 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. આર્બિટ્રેડ ફંડ્સમાં રૂ. 6639.64 કરોડની નેટ ખરીદી પાછળ નેટ ઈનફ્લો નોઁધાયો હતો. બીજી બાજુ બેલેન્સ્ડ હાઈબ્રીડ ફંડ્સમાં રૂ. 996.78 કરોડનો નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો. ઈક્વિટી સેવિંગ્ઝ ફંડ્સ કે જે આર્બિટ્રેડ, ઈક્વિટી અને ડેટમાં રોકાણ કરે છે તેમાં મે મહિના દરમિયાન રૂ. 444.66 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. સમગ્ર મહિના માટે એમએફ ઉદ્યોગના ઓપન એન્ડેડ મ્યુચ્યુલ ફંડ્સનું એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ રૂ. 42.90 લાખ કરોડ પર જોવા મળ્યું હતું.
SBIની ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે રૂ. 50000 કરોડ ઊભા કરવાને મંજૂરી
ટોચનો લેન્ડર 2023-24 દરમિયાન પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે નાણા ઊભા કરશે
દેશમાં ટોચના લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બોર્ડે શુક્રવારે રૂ. 50000 કરોડના ફંડ એકત્રીકરણ માટેની મંજૂરી આપી છે. બેંક નાણા વર્ષ 2023-24 દરમિયાન પ્રાઈવેટ પ્લેસમેન્ટ આધારે ડેટ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ ઈસ્યુ કરીને આ ફંડ ઊભું કરશે.
સ્ટોક એક્સચેન્જ ફાઈલીગમાં એસબીઆઈએ જણાવ્યું હતું કે બેંકના સેન્ટ્રલ બોર્ડે ભારતીય રૂપિયા તેમજ અન્ય કોઈપણ કન્વર્ટિબલ કરન્સીમાં ડેટ ઈન્સ્ટ્રુમન્ટ્સ મારફતે નાણા ઊભા કરવા માટે મંજૂરી આપી છે. જેમાં લોંગ ટર્મ બોન્ડ્સ, બેસેલ 3 કોમ્પ્લાયન્ટ એડિશ્નલ ટીયર 1 બોન્ડ્સ, બેસલ 3 કોમ્પ્લાયન્ટ ટિયર 2 બોન્ડ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય પ્રકારના બોન્ડ્સ પણ જારી કરી શકશે. બોન્ડ્સ મારફતે બેંક કુલ રૂ. 50000 કરોડ સુધીની રકમ ઊભી કરશે. જેમાં જરૂર પડશે ત્યાં સરકારની મંજૂરી મેળવવાની રહેશે એમ બેંકે ઉમેર્યું હતું. આ જાહેરાત પછી શુક્રવારે બેંકનો શેર 1.8 ટકા નરમાઈ સાથે રૂ. 577.75ની સપાટી પર ટ્રેડિંગ દર્શાવતો હતો. ગયા મહિને એસબીઆઈએ તેના વિદેશી બિઝનેસની વૃદ્ધિને ભંડોળ પૂરું પાડવા માટે 10-અબજ ડોલર ગ્લોબલ મિડિયમ નોટ પ્રોગ્રામ હેઠળ 75 કરોડ ડોલર ઊભા કર્યાં હતાં. આ ફંડ ગાંધીનગર સ્તિત ગિફ્ટ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર(આઈએફએસસી) સ્થિત આઈએનએક્સના ગ્લોબલ સિક્યૂરિટીઝ માર્કેટ(જીએસએમ) ખાતે ઊભું કરવામાં આવ્યું હતું. એસબીઆઈની લંડન બ્રાન્ચ મારફતે આ બોન્ડ્સ ઈસ્ય કરવામાં આવ્યાં હતાં. જેનું પ્રાઈસિંગ સ્પર્ધાત્મક રાખવામાં આવ્યું હતું.
ડોલર બે સપ્તાહના તળિયે ગગડતાં ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં યુએસ ખાતે જોબલેસ ક્લેમ ડેટા બે વર્ષની ટોચ પર આવતાં ડોલર ઈન્ડેક્સમાં ગુરુવારે મોડી સાંજે વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી પરત ફરી હતી. જેમાં પણ ચાંદીમાં ખાસ ઉછાળો નોંધાયો હતો. ગુરુવાર સાંજના ટ્રેડિંગ સત્રમાં એમસીએક્સ સિલ્વર ફ્યુચર રૂ. 2000થી વધુનો ઉછાળો દર્શાવતો હતો. કોમેક્સ ખાતે સિલ્વર ફ્યુચર 3 ટકાથી વધુ ઉછળી 24 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. શુક્રવારે ગોલ્ડ ફ્યુચર 1980 ડોલર આસપાસ પોઝીટીવ ઝોનમાં ટ્રેડ દર્શાવતો હતો. ગુરુવારના ડેટા પછી ફેડ રિઝર્વ આગામી સપ્તાહની બેઠકમાં રેટને સ્થિર રાખે તેવી શક્યતાં ફરી ઊંચી જોવા મળી રહી છે. જેની પાછળ ડોલર ઈન્ડેક્સ 103.20ની સપાટી સુધી બે સપ્તાહના તળિયે જોવા મળ્યો હતો.
સેબીએ MFને AA રેટેડ કોર્પોરેટ ડેટના રેપોમાં રોકાણની છૂટ આપી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુલ ફંડ્સને એએ અને તેનાથી ઊપરનું રેટિંગ ધરાવતાં કોર્પોરેટ ડેટ સિક્યૂરિટિઝના રેપોઝમાં રોકાણની છૂટ આપી છે. આ ઉપરાંત કમર્સિયસ પેપર્સ અને સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝીટ્સમાં પણ રોકાણની છૂટ આપી છે. કોર્પોરેટ બોન્ડ્સના સેકન્ડરી માર્કેટમાં લિક્વિડીટી વધારવાના હેતુથી સેબીએ કોર્પોરેટ બોન્ડ્સ માટે ટ્રાઈ-પાર્ટી રેપો સેગમેન્ટમાં ક્લાયન્ટ્સના સીધા પાર્ટિસિપેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે પછી સ્ટોક એક્સચેન્જ, ક્લિઅરીંગ કોર્પોરેશન, એનબીએફસી, મ્યુચ્યુલ ફંડ્સ અને વીમા કંપનીઓ કોર્પોરેટ બોન્ડ્સના રેપો ટ્રાન્ઝેક્શન્સમાં સીધો હિસ્સો લઈ શકશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
રિલાયન્સ કેપિટલઃ એડીએજી જૂથની નાદાર કંપનીના લેન્ડર્સે હિંદુજા જૂથની કંપનીના રેઝોલ્યુશન પ્લાન પર શુક્રવારથી વોટિંગ શરુ કર્યું હતું. આ પ્લાન રૂ. 10000 કરોડથી સહેજ વધુ રિકવરી ઓફર કરી રહ્યો છે. બે દિવસની મિટિંગમાં લેન્ડર્સે પ્લાનને લઈ ચર્ચા-વિચારણા પછી શુક્રવારથી વોટિંગની પ્રક્રિયા શરૂ કરી હતી. આર-કેપે રૂ. 24000 કરોડની લોન ચૂકવણીમાં નાદારી નોંધાવી હતી.
એનએચપીસીઃ જાહેર સેક્ટરની હાઈડ્રો પાવર ઉત્પાદક કંપનીની સબસિડીયરીએ મધ્ય પ્રદેશ સરકાર તરફથી પુનાસા ખાતે અંદાજિત 525 મેગાવોટની સ્ટોરેજ ક્ષમતા સાથેનો પંપ્ડ હાઈડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ મેળવ્યો છે. જે અંદાજે 6 કલાક માટે વિજ સ્ટોરેજ કરી શકશે.
સેઈલઃ જાહેર ક્ષેત્રના સ્ટીલ સાહસમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વધુ 2.001 ટકા હિસ્સાની ખરીદી કરી છે. જે સાથે સેઈલમાં એલઆઈસીનો કુલહિસ્સો 8.687 ટકા પર પહોંચ્યો છે. તે સેઈલમાં કુલ 35.88 કરોડ શેર્સ ધરાવે છે. અગાઉ તેની પાસે કંપનીમાં 6.686 ટકા હિસ્સો હતો.
HAL: હિંદુસ્તાન એરોનોટીક્સનું બોર્ડ 27 જૂને કંપનીના શેર્સના સબ-ડિવિઝનના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે. આ અહેવાલ પાછળ શુક્રવારે કંપનીના શેરમાં 5 ટકા ઉછાળો જોવા મળ્યો હતો અને તે સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો.
કોલ ઈન્ડિયાઃ વિશ્વમાં ટોચના કોલ ઉત્પાદકે છત્તીસગઢમાં ખાણોના વિસ્તરણનો વિરોધ કરી રહેલા સ્થાનિક નિવાસીઓ સાથે મંત્રણા શરૂ કરી છે. સ્થાનિકોના વિરોધને કારણે કંપનીને તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 7 કરોડ ટન પર લઈ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દેશમાં 70 ટકા વીજ ઉત્પાદન હજુ પણ થર્મલ છે.
તાતા પાવરઃ કંપનીની રિન્યૂએબલ એનર્જી પાંખે તાતા સ્ટીલ માટે 966 મેગાવોટના રાઉન્ડ-ધ-ક્લોક હાઈબ્રીડ રિન્યૂએબલ પાવર પ્રોજેક્ટની સ્થાપના માટે લેટર ઓફ એવોર્ડ મેળવ્યો છે.
બાયોકોનઃ બેંગલૂરૂ સ્થિત ફાર્મા કંપનીની એપીઆઈ મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટીને જર્મનીની ડ્રગ ઓથોરિટી તરફથી જીએમપી કોમ્પ્લાયન્સ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
ગેઈલ ઈન્ડિયાઃ પીએસયૂ કંપનીએ એનસીએલટીના આદેશને અનુસરતાં જેબીએફ પેટ્રોકેમિકલ્સના તમામ સ્ટેકહોલ્ડર્સને પેમેન્ટ રિલીઝ કર્યું છે. ગેઈલે જેબીએફ પેટ્રોકેમની ખરીદી કરી હતી.
તાન્લા પ્લેટફોર્મ્સઃ કંપનીએ યુએસ સ્થિત વેલ્યૂફર્સ્ટ ડિજિટલ મિડિયાની રૂ. 342 કરોડમાં ખરીદી માટે એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. યુએસમાં ટિવિલિયો સ્થિત કસ્ટમર એન્ગેજમેન્ટ પ્લેટફોર્મની ખરીદીનું ડીલ જુલાઈ સુધીમાં પૂરું થવાની શક્યતાં છે.