Market Summary 09/10/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજાર પર યુધ્ધના ઓળા ઉતરતાં વેચવાલીનું દબાણ
ભારતીય બજારનું અન્ડરપર્ફોર્મન્સ
વોલેટિલિટી ઈન્ડેક્સ 11 ટકા ઉછળી 11.40ના સ્તરે
મેટલ, બેંકિંગ, ઓટો, એનર્જીમાં વેચવાલી
મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે ઘટાડો
આઈટીઆઈ, ઓઈલ ઈન્ડિયા, એમીસએક્સ ઈન્ડિયા, મહિન્દ્રા હોલિડેઝ નવી ટોચે
રાજેશ એક્સપોર્ટ્સ, અદાણી ટોટલ, હિંદુજા ગ્લોબલ નવા તળિયે

સપ્તાહાંતે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે ભીષણ જંગ શરૂ થતાં શેરબજારોએ નરમાઈ સાથે શરૂઆત દર્શાવી હતી. એશિયન બજારમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજારમાં બેઠી વેચવાલી પાછળ બેન્ચમાર્ક્સ પોણો ટકા ઘટી બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 483 પોઈન્ટ્સ ગગડી 65512ની સપાટીએ જ્યારે નિફ્ટી 141 પોઈન્ટ્સ ઘટાડે 19512ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ભારે વેચાણ નોંધાયું હતું. જેની પાછળ બ્રેડ્થ ઘણા દિવસોની તળિયા પર જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3929 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2804 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 993 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. 240 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. જ્યારે 8-8 કાઉન્ટર્સ અપર સર્કિટમાં તથા લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 11 ટકા ઉછળી 11.40ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે ભારતીય બજારે ગેપ-ડાઉન શરૂઆત દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19653ના બંધ સામે 19539ની સપાટીએ ખૂલી ઉપરમાં 19589ની સપાટીએ ટ્રેડ થઈ 19481 સુધી પટકાયો હતો. જોકે, આખરે તે 19500ની સપાટી જાળવી શક્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 10 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 10522ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 19 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એવો થાય છે કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં લિક્વિડેશન જોવા મળ્યું છે. આમ, ઘટાડે લેણની ઉતાવળ કરવા જેવી નથી. નવી ખરીદી માટે બજારમાં સ્થિરતા સ્થપાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. ઉપરાંત, જીઓ-પોલિટીકલ મોરચે આગળ કેવી ઘટનાઓ ઘટે છે તે પણ બજારની દિશા માટે મહત્વની બની રહેશે. ટેકનિકલ એનાલિસ્ટ્સે બંધ ભાવની રીતે 19500ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવા જણાવે છે. આમ, મંગળવાર મહત્વનો સાબિત થશે. જો માર્કેટમાં બાઉન્સ જોવા મળશે તો લોંગ ટ્રેડર્સને રાહત મળી શકે છે.
નિફ્ટીને સપ્તાહની શરૂમાં સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં ડો.રેડ્ડીઝ લેબ્સ, એચસીએલ ટેક્નોલોજી, તાતા કન્ઝ્યૂમર, એચયૂએલ, ટીસીએસ, ઓએનજીસી, કોલ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી પોર્ટ્સ 5 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, હીરો મોટોકોર્પ, એચડીએફસી લાઈફ, એમએન્ડએમ, બીપીસીએલ, બજાજ ફાઈનાન્સ, તાતા સ્ટીલ, એસબીઆઈ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, કોટક મહિન્દ્રા અને એશિયન પેઈન્ટ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટીના 50માંથી માત્ર સાત કાઉન્ટર્સ જ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, બેંકિંગ, ઓટો, એનર્જીમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.5 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં મોઈલ, સેઈલ, એપીએલ એપોલો, વેલસ્પન કોર્પ, એનએમડીસી, વેદાંત, તાતા સ્ટીલ, નાલ્કો, જીંદાલ સ્ટીલમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બેંક 1 ટકાથી વધુ ગગડ્યો હતો. જેના ઘટકોમાં પીએનબી, બંધન બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંકમાં ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી ઓટો એક ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં હીરો મોટોકોર્પ, સોના બીએલડબલ્યુ, મધરસન સુમી, એમએન્ડએમ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, તાતા મોટર્સ, ભારત ફોર્જ, મારુતિ સુઝુકી અને એમઆરએફમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ડેલ્ટા કોર્પોરેશન 3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, મેટ્રોપોલીસ, એલએન્ડટી ટેક્નોલોજી, એમસીએક્સ ઈન્ડિયા, ટીવીએસ મોટર, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, એચસીએલ ટેક્નોલોજી, જ્યુબિલિઅન્ટ ફૂડ, બિરલાસોફ્ટ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગમાં સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, જીએમઆર એરપોર્ટ્સ, અદાણી પોર્ટ્સ, એલએન્ડટી ફાઈનાન્સ, પીએનબી, હિંદ કોપર, વોલ્ટાસ, એબી કેપિટલ, તાતા પાવર, પેટ્રોનેટ એલએનજી, કેન ફિન હોમ્સ, સન ટીવી નેટવર્ક અને સેઈલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. 52-સપ્તાહની ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં આઈટીઆઈ, ઓઈલ ઈન્ડિયા, એમીસએક્સ ઈન્ડિયા, મહિન્દ્રા હોલિડેઝ, વિજયા ડાયગ્નોસ્ટીક, નિપ્પોન, ટીસીએસ, સોલાર ઈન્ડ., ઈપ્કા લેબ્સ, સોભાનો સમાવેશ થતો હતો. જ્યારે રાજેશ એક્સપોર્ટ્સ, અદાણી ટોટલ, હિંદુજા ગ્લોબલ નવા તળિયા દર્શાવ્યાં હતાં.

મધ્ય-પૂર્વ એશિયામાં તણાવ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ સામે નવો પડકાર બની રહેશે
મહામારી, રશિયા-યૂક્રેન યુધ્ધ પછી ઈઝરાયેલ-પેલેસ્ટાઈન જંગ ફુગાવાના દબાણને બહેકાવી શકે
યુએસ ફેડ સહિતના સેન્ટ્રલ બેંકર્સ પર લાંબો સમય રેટને ઊંચા જાળવવા ફરજ પડશે

મધ્ય પૂર્વમાં નવેસરથી ફાટી નીકળેલા જંગે ફુગાવા સામે સંઘર્ષ કરી રહેલા સેન્ટ્રલ બેંકર્સ સામે એક વધુ મુસીબત ઊભી કરી છે. હજુ તો મહામારી અને રશિયા-યુક્રેન યુધ્ધને કારણે સપ્લાય ચેઈનના અવરોધો પાછળ જોવા મળતાં ફુગાવાને અંકુશમાં લેવાં દિવસ-રાત પ્રયાસ કરી રહેલી મધ્યસ્થ બેંક્સને જોઈએ તેવા પરિણામ નથી મળી રહ્યાં ત્યાં ઈઝરાયેલ-પેલેસ્ટાઈન જંગ બળતામાં ઘી હોમવાનું કામ કરી શકે છે એમ જણાય રહ્યું છે.
ગયા સપ્તાહાંતે હમાસના ઉગ્રવાદીઓ તરફથી ઈઝરાયેલ પર હુમલામાં સંખ્યાબંધ નાગરિકોના મોત અને તેના પ્રતિભાવમાં ઈઝરાયેલ તરફથી જવાબી કાર્યવાહી મધ્ય-પૂર્વ એશિયામાં વ્યાપક ઘર્ષણનું કારણ બની શકે છે અને તે વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલી અસ્થિરતામાં ઉમેરો કરી શકે છે. રશિયા-યૂક્રેન વચ્ચેનું યુધ્ધ છેલ્લાં 20-મહિનાઓથી ચાલી રહ્યું છે. જેને કારણે ક્રૂડ સહિતની કોમોડિટીઝના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. સહુને સતાવતી સમસ્યા એ છે કે મધ્ય-પૂર્વ એશિયામાં નવેસરથી જોવા મળી રહેલી યુધ્ધની સ્થિતિ કેટલું લાંબુ ચાલશે અને તેને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર કેટલી ગંભીર અસર પડશે. તેમજ તે અન્ય વિસ્તારોમાં તો નહિ પ્રસરેને તેની ચિંતા પણ સતાવી રહી છે. બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટના જનરલ મેનેજરના જણાવ્યા મુજબ આ જંગની અસરોને લઈ હજુ કશું પણ કહેવું ઉતાવળું છે. જોકે, શરૂઆતી પ્રતિક્રિયામાં ઓઈલના ભાવ ઉછળ્યાં છે અને ઈક્વિટી માર્કેટ્સમાં ઘટાડો નોંધાયો છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 3 ટકાથી વધુ ઉછળી 87 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. જ્યારે ભારત સહિત એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. તેમના મતે યુધ્ધને કારણે અગાઉથી જ ધીમી વૃદ્ધિ દર્શાવી રહેલાં વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર જોવા મળી શકે છે. આને કારણે યુએસ ફેડે રેટને ઊંચા સ્તરે જાળવી રાખવાની ફરજ પડી શકે છે. નોર્ધન ટ્રસ્ટના ચીફ ઈકોનોમિસ્ટના મતે આર્થિક અનિશ્ચિતતાને કારણે નિર્ણય લેવામાં વિલંબ જોવા મળી શકે છે. જે રિસ્ક પ્રિમીયમને વધારી શકે છે. ઉપરાંત, મધ્ય-પૂર્વ ઓઈલનો મુખ્ય સપ્લાયર હોવાથી ક્રૂડ કઈ બાજુ જશે તે અંગે કશું પણ કહેવું કઠિન છે. તેમના મતે માર્કેટ્સ પણ જે પ્રમાણે સ્થિતિ ઊભી થશે તેને અનુસરશે.
સેન્ટ્રલ બેંક્સની વાત કરીએ તો તેમના માટે મોટી મૂંઝવણ ઊભી થશે. છેલ્લાં પોણા બે વર્ષથી ફુગાવાનો સામનો કરી રહેલી બેંક્સ પર ઈન્ફ્લેશનના દબાણમાં ઉમેરો જોવા મળી શકે છે. કેમકે મધ્ય-પૂર્વ ઈરાન અને સાઉદી અરેબિયા જેવા મુખ્ય ઓઈલ ઉત્પાદકોને સમાવે છે એટલું જ નહિ પરંતુ સૂએઝના અખાતમાંથી મોટા ભાગનો વૈશ્વિક વેપાર થઈ રહ્યો છે. જે આર્થિક પ્રવૃત્તિને ખોરવી શકે છે.

હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલ સામે FIR
મુંજાલે ખોટા બિલ્સ દર્શાવી રૂ. 55.5 કરોડની ટેક્સ ક્રેડિટ્સ લઈ છેતરપિંડી આચર્યાનો આક્ષેપ

દિલ્હી પોલીસે હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલ સામે છેતરપિંડીના આક્ષેપસર એફઆઈઆર દાખલ કરી છે. મુંજાલે ખોટા હિસાબો તૈયાર કરી રૂ. 5.96 કરોડની છેતરપિંડી આચરી હોવાનું રિપોર્ટમાં જણાવ્યું છે. વધુમાં ખોટા બિલ્સ ઊભા કરી રૂ. 55.5 લાખની ટેક્સ ક્રેડિટનો દાવો કર્યાનો આરોપ પણ મુંજાલ પર લગાવવામાં આવ્યો છે.
એફઆઈઆરમાં જણાવાયું છે કે મુંજાલે વર્ષ 2009થી 2010 વચ્ચે મહિનાવાર ફેક બિલ્સ ઊભા કર્યાં હતાં. તેમણે કુલ રૂ. 5,94,52,525 કરોડની રકમના ખોટાં બિલ્સ દર્શાવ્યાં હતાં. આ બિલ્સ હીરો મોટોકોર્પ લિ. તરફથી સાઈન કરવામાં આવ્યાં હતાં. આમ, આટલી રકમનું ખોટું ડેબિટ બેલેન્સ ઊભું કરવામાં આવ્યું હતું. વધુમાં, ચેરમેને ખોટાં બિલ્સ સામે રૂ. 55,51,777નો ખોટી ક્રેડિટનો દાવો કર્યો હતો. આમ, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે છેતરપિંડી આચરી હતી. એફઆઈઆર ઉમેરે છે કે ખોટા બિલ્સ ક્યારેય ઈસ્યુ કરવામાં આવ્યાં નહોતાં કે ફરિયાદી કંપની તરફથી 2009 અને 2010માં રજૂ કરવામાં આવ્યાં નહોતાં. હીરો મોટોકોર્પ લિમિટેડ 27 જુલાઈ, 2011થી અસ્તિત્વમાં આવી હતી. 69-વર્ષીય પવન મુંજાલ બિલિયોનર બિઝનેસમેન છે અને હીરો મોટોકોર્પના પ્રમોટર છે. ઓગસ્ટમાં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોંડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ ચેરમેન અને અન્યો સામે સર્ચ કર્યું હતું. આ સર્ચ મુંજાલના નિવાસસ્થાન અને બિઝનેસ ઓફિસિસ ખાતે હાથ ધરવામાં આવી હતી.

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન જંગ પાછળ અદાણી જૂથ શેર્સમાં વેચવાલી
અદાણી પોર્ટ્સનો શેર 5 ટકા અને અદાણી પાવરનો શેર 6.1 ટકા તૂટ્યો

ગયા સપ્તાહાંતે ઈઝરાયેલ પર ત્રાસવાદી સંગઠન હમાસ તરફથી થયેલા હુમલા પછી શરૂ થયેલા જંગ પાછળ સોમવારે અદાણી જૂથ કંપનીઓના શેર્સમાં વેચવાલી નીકળી હતી અને તેઓ 6.1 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ભારતીય કોંગ્લોમેરટની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં.
અદાણી જૂથ શેર્સમાં સૌથી વધુ ઘટાડો અદાણી પાવરમાં જોવા મળ્યો હતો. કંપનીનો શેર 6.12 ટકા ગગડી રૂ. 342ની સપાટીએ બંધ રહ્યો હતો. તે એક દિવસમાં રૂ. 22થી વધુનો ઘટાડો સૂચવતો હતો. કંપનીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અદાણી પોર્ટનો શેર 4.9 ટકા ગગડી રૂ. 790.05ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપની ઈઝરાયેલ ખાતે પોર્ટ ધરાવતી હોવાના કારણે રોકાણકારોનું સેન્ટીમેન્ટ ખરડાયું હતું. જે શેર્સમાં વેચવાલીનું કારણ બન્યું હતું. જૂથની અન્ય કંપનીઓમાં અદાણી એનર્જીનો શેર(3.36 ટકા), અદાણી વિલ્માર(3.44 ટકા), અદાણી ગ્રીન(2.32 ટકા), અદાણી ટોટલ ગેસ(2.37 ટકા), એસીસી(2.24 ટકા) અને અંબુજા સિમેન્ટ(1.26 ટકા)નો ઘટાડો સૂચવતાં હતાં. જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 1.39 ટકા જેટલો ગગડ્યો હતો. આમ, તમામ જૂથ કંપનીઓ નેગેટિવ બંધ દર્શાવતી હતી. સોમવારે ભારતીય શેરબજારમાં પણ નરમાઈ જોવા મળી હતી.

હાઈફા પોર્ટ સંપૂર્ણપણે કાર્યરત
અદાણી જૂથના ઈઝરાયેલ સ્થિત હાઈફા પોર્ટને લઈને રોકાણકારોમાં જોવા મળી રહેલી ચિંતા પાછળ જૂથે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે હાઈફા બોર્ડ સંપૂર્ણપણે કાર્યરત છે અને કર્મચારીઓ તથા એસેટની સલામતી માટે કંપનીએ પૂરતાં ઉપાયો હાથ ધર્યાં છે. કંપની તેના બિઝનેસ પ્લાન સાથે કોઈપણ પરિસ્થિતિને અસરકારક રીતે પહોંચી વળવા માટે સજ્જ હોવાનું તેણે ઉમેર્યું હતું. અદાણી પોર્ટના કુલ કાર્ગો વોલ્યુમમમાં હાઈફા પોર્ટનો 3 ટકા જેટલું નાનુ યોગદાન જોવા મળે છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2023ના સમયગાળામાં અદાણી પોર્ટ્સે 20.3 કરોડ ટન વોલ્યુમ નોંધાવ્યું હતું. જેમાં હાઈફાનો હિસ્સો 60 લાખ ટન જેટલો હતો. આમ હાઈફા પોર્ટને લઈને ખાસ ચિંતાનું કારણ નહિ હોવાનું અદાણી પોર્ટે નોંધ્યું હતું. કંપની ચાલુ નાણા વર્ષે વિક્રમી કાર્ગો પરિવહન દર્શાવી રહી છે અને આગામી સમયગાળામાં પણ ટ્રેન્ડ ચાલુ રહેશે તેવી અપેક્ષા રાખે છે.

બીજા ક્વાર્ટરમાં CIIનો બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ ત્રણ-ક્વાર્ટરની ટોચે
મોટાભાગના કોર્પોરેટ્સના મતે 2023-24માં જીડીપી વૃદ્ધિ 6-7 ટકા વચ્ચે જળવાશે

વૈશ્વિક સ્તરે સતત અવરોધો વચ્ચે ભારતીય કોર્પોરેટ જગતનો બિઝનેસ કોન્ફિડેન્સ જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં છેલ્લાં ત્રણ ક્વાર્ટર્સની ટોચ પર જોવા મળી રહ્યો છે. મજબૂત સ્થાનિક માગ અને મેક્રો ફંડામેન્ટલ્સમાં પાછળ આમ બન્યું હોવાનું કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી(CII)નો સર્વે જણાવે છે.
સપ્ટેમ્બર 2023 ક્વાર્ટર માટે સીઆઈઆઈ કોન્ફિડન્સ ઈન્ડેક્સ 67.1 પર જોવા મળ્યો હતો. જે એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે 66.1 પર હતો. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર 2022 માટે 62.2 પર જોવા મળતો હતો એમ સીઆઈઆઈ જણાવે છે. દેશમાં કોર્પોરેટ્સની સૌથી મોટી ઈન્ડસ્ટ્રી બોડીના જણાવ્યા મુજબ સર્વેના તારણો હાઈ ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સમાં જોવા મળી રહેલા પોઝીટીવ મોમેન્ટમની ખાતરી આપે છે. આવા હાઈ ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સમાં જીએસટી કલેક્શન, એર એન્ડ રેલ પેસેન્જર ટ્રાફિક, પીએમઆઈ જેવી બાબતોનો સમાવેશ થાય છે. જે બીજા ક્વાર્ટરમાં ઘણા મજબૂત જોવા મળ્યાં હતાં એમ સીઆઈઆઈ સર્વે નોંધે છે. તેના જણાવ્યા મુજબ તાજેતરના સમયગાળામાં ગ્રામીણ માગમાં તેજી જોવા મળેલી તેજી પણ સર્વેમાં પ્રતિબિંબિત થાય છે. સર્વેમાં ભાગ લેનારા 52 ટકાના મતે ચાલુ નાણા વર્ષના પ્રથમ છ મહિનામાં ગ્રામીણ માગમાં સુધારો નોઁધાયો હતો. સીઆઈઆઈએ 200થી વધુ વિવિધ સાઈઝની કંપનીઓનો સર્વે હાથ ધર્યો હતો. તેણે તમામ ઉદ્યોગ સેક્ટર્સમાં અને દેશના તમામ પ્રદેશોમાં આવેલી કંપનીઓને આ સર્વેમાં સાંકળી લીધી હતી. મોટાભાગની કંપનીઓ મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાંથી આવતી હતી અને 54 ટકા પ્રતિભાવકો મોટી અને મધ્યમ કદની કંપનીઓ સાથે સંકળાયેલા હતાં. મોટાભાગના પ્રતિભાવકોના મતે 2023-24માં ભારતીય અર્થતંત્ર 6-7 ટકાના દરે વૃદ્ધિ દર્શાવશે. જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અંદાજ મુજબ છે. સર્વેમાંના મોટાભાગના લોકોના મતે આરબીઆઈ ચાલુ નાણાકિય વર્ષના બીજા ક્વાર્ટરમાં પણ ઈન્ટરેસ્ટ રેટમાં પોઝ જાળવી રાખશે.
દેશમાં ભાવ વધારાને અંકુશમાં જાળવવા માટે લેવામાં આવેલા પગલાઓમાં પ્રતિભાવકોએ કોમોડિટીઝની નિકાસ પર લાગુ પાડવામાં આવેલી નિકાસ ડ્યુટીને ફુગાવા પર નિયંત્રણ માટે લાભદાયી ગણાવ્યા હતાં. સર્વેમાં ભાગ લેનારાઓમાંથી 55 ટકાનું માનવું હતું કે સરકાર તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પર મૂડી ખર્ચ પર ભારને કારણે તથા ઈઝ-ઓફ-ડુઈંગ બિઝનેસને કારણે ખાનગી મૂડી ખર્ચને વેગ મળશે. જે અર્થતંત્રના અન્ય ક્ષેત્રોમાં પણ વૃદ્ધિને વેગ આપશે. પ્રતિભાવકોમાં 53 ટકાથી વધુના મતે બીજા ક્વાર્ટરમાં તેમનો ક્ષમતા વપરાશ 75-100 ટકાની વચ્ચે જોવા મળ્યો હતો.

સપ્ટેમ્બરમાં ઓટોમોબાઈલ વેચાણમાં 20 ટકા વૃદ્ધિ નોંધાઈ
ટ્રેકટર્સ સિવાય તમામ સેગમેન્ટ્સમાં ઊંચી વેચાણ વૃદ્ધિ જોવા મળી
ટુ-વ્હીલર્સે વાર્ષિક ધોરણે વેચાણમાં 22 ટકા વધારો દર્શાવ્યો
ગ્રામીણ માગમાં સુધારા પાછળ સેન્ટીમેન્ટ અપબીટ

તહેવારોની શરૂઆત પૂર્વે સપ્ટેમ્બરમાં દેશમાં ઓટોમોબાઈલનું વેચાણ મજબૂત જોવા મળ્યું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન(ફાડા)ના ડેટા મુજબ ગયા મહિને દેશમાં કુલ 18.9 લાખ વાહનોનું વેચાણ નોંધાયું હતું. સારા ચોમાસાની પાછળ માર્કેટ સેન્ટીમેન્ટમાં સુધારો નોંધાયો હતો અને વેચાણ વધ્યું હોવાનું ફાડાનું માનવું છે.
માત્ર ટ્રેકટર્સ સિવાય તમામ વ્હીકલ સેગમેન્ટમાં વાહનોનું વેચાણ ઊંચું જોવા મળ્યું હતું. ટ્રેકટર્સનું વેચાણ વાર્ષિક ધોરણે 10 ટકા ઘટાડો દર્શાવતું હતું. જ્યારે બાકીના તમામ વાહનોના સેગમેન્ટમાં મજબૂત વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં ટુ-વ્હીલર્સે 22 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. થ્રી-વ્હીલર્સનું વેચાણ 49 ટકા વધ્યું હતું. જ્યારે પેસેન્જર વેહીકલ્સનું વેચાણ 19 ટકા વધ્યું હતું અને કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ 5 ટકા વધ્યું હતું. થ્રી-વ્હીલર્સનું વેચાણ સર્વોચ્ચ ઊંચાઈ પર પહોંચ્યું હતું. સપ્ટેમ્બરમાં 1,02,426 થ્રી-વ્હીલર્સનું વેચાણ નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 68,937 યુનિટ્સ પર જોવા મળતું હતું. તેણે ઓગસ્ટ 2023માં જોવા મળેલા 99,907 યુનિટ્સના અગાઉના વિક્રમને પાર કર્યો હતો. જોકે, ડિલર્સ માટે ચિંતાનું કારણ ઈન્વેન્ટરીનું વધતું લેવલ હતું. જે 60-65 દિવસના સર્વોચ્ચ લેવલ પર પહોંચી ગયું છે.
ફાડાના પ્રેસિડેન્ટ મનિષ રાજ સિંઘાનિયાના જણાવ્યા મુજબ ઉદ્યોગ આગામી તહેવારોની સિઝનને લઈ ખૂબ આશાવાદી છે. સપ્ટેમ્બરમાં ઓટોમોબાઈલના વેચાણમાં ઊંચી વૃદ્ધિ જોતાં મોમેન્ટમ જળવાય રહેવાની શક્યતાં છે. ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં 3.5 ટકા વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. સપ્ટેમ્બર દરમિયાન ટુ-વ્હીલર્સનુ વેચાણ 1.31 લાખ યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 10.8 લાખ યુનિટ્સ પર હતું. નવા મોડેલ્સની રજૂઆત અને આકર્ષક પ્રમોશ્નનલ ઓફર્સને કારણે સેન્ટીમેન્ટમાં સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ગ્રામીણ બજારોની માગ પરત ફરી છે. કમર્સિયલ વેહીકલ્સ સેગમેન્ટમાં સપ્ટેબર મહિનો મજબૂત જોવા મળ્યો હતો. કોલ, સિમેન્ટ અને અન્ય સેક્ટર્સની માગ ઊંચી રહી હતી. પેસેન્જર કેરિઅર સેગમેન્ટે પણ ઊંચી વૃદ્ધિ દર્શાવી હતી. ફાડાના જણાવ્યા મુજબ આ પોઝીટીવ ટ્રેન્ડ પાછળ સરકાર તરફથી ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ક્ષેત્રે ઊંચો ખર્ચ જવાબદાર છે. જેની પાછળ ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ 80,804 યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 77,054 યુનિટ્સ પર જોવા મળતું હતું. વેચાણમાં વૃદ્ધિનું કારણ સપ્લાયમાં વ્યાપક વૃદ્ધિ અને પ્રોડક્ટ પોર્ટફોલિયોની વેરાયટીમાં સુધારો છે. જે વિવિધ કન્ઝ્યૂમરની માગને સંતોષે છે. સપ્ટેમ્બર, 2022માં 2.29 લાખ યુનિટ્સ સામે ચાલુ વર્ષે 3.32 લાખ યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. પીવી માટે ઈન્વેન્ટરી લેવલ 60-65 દિવસો પર પહોંચી હતી. જે ઓઈએમ્સ માટે સાવચેતી સૂચવી રહી છે. તેમણે ઊંચી ઈન્વેન્ટરીનું દબાણ ઊભું ના થાય તેનો ખ્યાલ રાખવાનો રહેશે એમ સિઁઘાનિયાએ ઉમેર્યું હતું. શ્રાધ્ધનો સમયગાળો પૂરો થવા સાથે માર્કેટમાં ખરીદી નીકળવાની શક્યતાં છે. જેમાં નવરાત્રિ અને દુર્ગાપુજા મહત્વના તહેવારો બની રહેશે. નવરાત્રિથી લઈ દિવાળી સુધી 42 દિવસોની તહેવારોની સિઝનમાં વેચાણ મજબૂત જળવાય રહેશે તેમ ફાડાનું કહેવું છે.

મારુતિ 2030-31 સુધીમાં રૂ. 1.25 લાખ કરોડનું રોકાણ કરશે
ટોચની કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી 2030-31 સુધીમાં રૂ. 1.25 લાખ કરોડનું રોકાણ કરશે. કંપની વર્તમાન 17 મોડેલ્સની પ્રોડક્ટ રેંજને વધારી 28 મોડેલ્સની કરવા વિચારી રહી છે. જે માટે ક્ષમતા વિસ્તરણ પાછળ મુખ્ય ખર્ચ થશે એમ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું. મારુતિ 2030-31 સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતાને 40 લાખ યુનિટ્સ પર લઈ જવા માગે છે. કંપનીના જણાવ્યા મુજબ ગુરગાંવ, માનેસર અને ગુજરાત પ્લાન્ટ ખાતે નિયમિત રોકાણ ચાલુ રહેશે. 2022-23માં કંપનીએ રૂ. 7500 કરોડનું રોકાણ કર્યું હતું. કંપનીએ શેરધારકો, એનાલિસ્ટ્સ અને પ્રોક્સિ એડવાઈઝર્સ સમક્ષ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે 20 લાખ યુનિટ્સની ક્ષમતા ઊભી કરવા માટે તેને રૂ. 45 હજાર કરોડની જરૂરિયાત રહેશે.

પસંદગીની અનસિક્યોર્ડ લોનમાં ચાર-વર્ષોમાં રૂ. સાત લાખ કરોડની વૃદ્ધિ
ઓગસ્ટ 2019માં રૂ. 7.4 લાખ કરોડ પરથી ઓગસ્ટ 2023માં અનસિક્યોર્ડ લોન્સમાં રૂ. 6.9 લાખ કરોડનો ઉમેરો
ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ 124 ટકા વધ્યું જ્યારે કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ આઉટસ્ટેન્ડિંગમાં 218 ટકાનો ઉછાળો

મહામારી પછી લોકો તરફથી અનસિક્યોર્ડ લોન્સ લેવાના પ્રમાણમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી રહી છે. કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સની ખરીદી માટે કે પછી ક્રેડિટ કાર્ડ્સના ફંડિંગ માટે કે અન્ય કારણસર પર્સનલ લોન્સ લેવાનું પ્રમાણ વધ્યું છે. જેની પાછળ અનસિક્યોર્ડ લોનનું કદ વધુ રૂ. 14 લાખ કરોડને પાર કરી ગયું છે. ઓગસ્ટ 2019થી ઓગસ્ટ 2023ના ચાર વર્ષોમાં અનસિક્યોર્ડ લોનમાં રૂ. 6.9 લાખ કરોડની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે એમ આરબીઆઈ ડેટાનું એનાલિસીસ સૂચવે છે.
આ લોન્સ અનસિક્યોર્ડ હોય છે. કેમકે તે માટે કોઈપણ પ્રકારની કોલેટરલ(જામીનગીરી) પૂરી પાડવામાં આવી હોતી નથી. બેંકિંગ કંપનીઓ તેમને કોલેટરલ સાથેની લોન્સની સરખામણીમાં જોખમી લોન્સ તરીકે ગણના કરતી હોય છે. ગ્રાહક જ્યારે નાદાર બને છે ત્યારે નાણા રિકવર કરવા માટે કોલેટરલને વેચવામાં આવે છે. જ્યારે અનસિક્યોર્ડ લોનના કિસ્સામાં આમ કરવું અસંભવ છે. આરબીઆઈએ શુક્રવારે બેંક્સને અનસિક્યોર્ડ લોન્સને લઈને સાવચેતી દાખવવા માટે જણાવ્યું હતું. આરબીઆઈના મતે બેંક્સે છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સમાં ઊંચી અનસિક્યોર્ડ લોન વૃદ્ધિ દર્શાવી છે. ગયા સપ્તાહે મોનેટરી પોલિસીની રજૂઆત સાથે આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસે બેંક્સ અને એનબીએફસીને પૂરતાં રિસ્ક મેનેજમેન્ટની ખાતરી જાળવવા માટે કહ્યું હતું. તેમજ લોન્સ આપતી વખતે બેંકની ક્રેડિટ આપવાની ક્ષમતા અકબંધ જળવાય રહે તેની ખાતરી બની રહે તે માટે જણાવ્યું હતું.
જો કોવિડ અગાઉથી અત્યાર સુધીની વાત કરીએ તો અનસિક્યોર્ડ લોન્સમાં 93 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. ઓગસ્ટ 2019માં રૂ. 7.4 લાખ કરોડ પર જોવા મળતી અનસિક્યોર્ડ લોન્સ ઓગસ્ટ 2023માં રૂ. 14.3 લાખ કરોડે પહોંચી છે. અન્ય પર્સનલ લોન્સ કેટેગરી 87 ટકા ઉછળી રૂ. 11.9 લાખ કરોડ પર જોવા મળે છે. ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ 124 ટકા વધી રૂ. 2.2 લાખ કરોડ પર જ્યારે કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ આઉટસ્ટેન્ડિંગ 218 ટકા ઉછળી રૂ. 2.1 લાખ કરોડ પર જોવા મળે છે. બેંકિંગ સિસ્ટમમાં માત્ર આ એક જ અનસિક્યોર્ડ લોન્સ નથી. એજ્યૂકેશન લોન્સ પણ અનસિક્યોર્ડ છે. કેટલીક કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ લોન્સ સિક્યોર્ડ હોય છે. બેંક્સ તરફથી અનસિક્યોર્ડ લોન્સ તરીકે પૂરા પાડવામાં આવતાં નાણામાં ત્રીજા ભાગનો હિસ્સો રિટેલ લોન્સનો હોય છે. બેંક્સના કુલ લોન પોર્ટફોલિયોમાં અનસિક્યોર્ડ લોન્સનો હિસ્સો વધી રહ્યો છે એમ આરબીઆઈએ જેના જૂન 2023ના ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવ્યું હતું.

ટોચની બેંક્સમાં કુલ લોન્સમાં અનસિક્યોર્ડ બેંક્સનું પ્રમાણ(ટકામાં)
બેંક નાણા વર્ષ 2018-19 2022-23(ઓગસ્ટ સુધી)

HDFC બેંક 17 17
ICICI બેંક 7 13
એક્સિસ બેંક 8 11
કોટક મહિન્દ્રા બેંક 6 11
SBI 5 10
બેંક ઓફ બરોડા 0 2

ઓપેકે લોંગ ટર્મ માટે ઓઈલની માગનો અંદાજ વધાર્યો
ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠનના મતે 14 ટ્રિલીયન ડોલરના ઈન્વેસ્ટમેન્ટની જરૂર

ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે તેના વાર્ષિક આઊટલૂકમાં મધ્યમથી લાંબા ગાળા માટે ઓઈલની માગનો અંદાજ વધાર્યો છે. તેણે નોંધ્યું છે કે વધતી માગને પહોંચી વળવા માટે 14 ટ્રિલીયન ડોલરના રોકાણની જરૂરિયાત છે. રિન્યૂએબલ ફ્યુઅલના વપરાશમાં વૃદ્ધિ તથા વધુ ઈલેક્ટ્રીક કાર્સના વપરાશ છતાં ઓઈલની માગ વધી રહી છે.
ઓર્ગનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટીંગ કન્ટ્રીઝના મતે ચાલુ દાયકામાં ઓઈલની માગ તેની ટોચ બનાવી દેશે. જોકે, આ આગાહી ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કરેલી આગાહીથી વિરોધાભાસ દર્શાવે છે. ઓપેકે સોમવારે 2023 વર્લ્ડ ઓઈલ આઉટલૂક રજૂ કર્યો હતો. ઓઈલના વપરાશમાં એક દાયકા કે તેથી વધુની વૃદ્ધિ ઓપેકને મજબૂતી પૂરી પાડશે. ઓપેકના 13 સભ્યો ઓઈલની આવક પર નિર્ભર છે. ગ્રૂપના જણાવ્યા મુજબ ઓઈલ એ એનર્જી ટ્રાન્ઝિશનનો એક હિસ્સો હોવો જોઈએ. તેણે કેટલીક સરકારો અને કંપનીઓ તરફથી ફોસ્સિલ ફ્યુઅલ્સના વપરાશને ઓછો કરવાની ગતિને ધીમી પાડવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઓપેકના મતે નવા ઓઈલ પ્રોજેક્ટ્સમાં રોકાણને અટકાવવાનો નિર્ણય ગેરમાર્ગે દોરી રહ્યો હોવાનું અને તે એનર્જી અને આર્થિક અરાજક્તા તરફ દોરી શકે છે એમ નોંધ્યું છે. તેના મતે ગયા વર્ષના 12.1 ટ્રિલીયન ડોલરના અંદાજની સામે 2045 સુધીમાં 14 ટ્રિલિયન ડોલરના રોકાણની જરૂર પડશે. ઓપેકના મતે 2045 સુધીમાં વિશ્વની તેલની માગ 11.6 કરોડ બેરલ્સ પ્રતિ દિવસ પર પહોંચશે. જે ગયા વર્ષે અંદાજિત માગ કરતાં 60 લાખ બેરલ્સ ઊંચી છે. જેની પાછળ ચીન, ભારત સહિત અન્ય એશિયન દેશો તથા આફ્રિકા અને મધ્ય પૂર્વની વધતી માગ જવાબદાર છે. આઈઈએના એક્ઝીક્યૂટીવ ડિરેક્ટરે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે કોલ, ઓઈલ અને નેચરલ ગેસનો વપરાશ 2030 પહેલાં તેની ટોચ દર્શાવી શકે છે. તેણે ઔદ્યોગિક દેશોને નવું ઓઈલ ઈન્વેસ્ટમેન્ટ્સ અટકાવવા માટે સૂચન કર્યું હતું.
ઓપેકના મતે 2028 સુધીમાં વિશ્વની ઓઈલમાં 11.02 કરોડ બેરલ્સ પ્રતિ દિવસ પર પહોંચશે. જે 2023ની 10.2 કરોડ બેરલ્સ પ્રતિ દિવસથી ઊંચી છે. 2027માં ઓઈલની માગ 10.9 કરોડ બેરલ્સ પર પહોંચે તેવો અંદાજ તેણે કર્યો હતો. જે 2022ની 10.69 કરોડ બેરલ્સના અંદાજ કરતાં ઊંચો હતો. 2045 સુધીમાં વિશ્વમાં 26 અબજ વાહનો માર્ગો પર હશે. જે 2022ની સરખામણીમાં એક અબજ જેટલાં વધુ હશે. ઈવીના ઝડપી પ્રસાર છતાં તેમાંના 72 ટકા કોમ્બુશન એન્જિનથી ચલિત હશે.

કોર્પોરેટ હેડલાઈન્સ

એચપીસીએલઃ પીએસયૂ ઓઈલ માર્કેટિંગ કંપની તેના ઉત્પાદનમાં વૃદ્ધિને કારણે અન્ય કંપનીઓ પાસેથી ડિઝની ખરીદી ઘટાડવાનો લક્ષ્ય ધરાવે છે. કંપનીનો વિશાખાપટ્ટનમ પ્લાન્ટ ચાલુ નાણા વર્ષમાં 1.35 કરોડ ટનની ક્ષમતાએ કાર્ય કરશે. જ્યારે આગામી નાણા વર્ષે 1.5 કરોડ ટનની ક્ષમતા દર્શાવશે. કંપનીએ તાજેતરમાં તેની રિફાઈનરી ખાતે 30 લાખ ટનની ક્ષમતાના હાઈડ્રોક્રેકર પ્લાન્ટને કાર્યાન્વિત કર્યો હતો.
એનએલસી ઈન્ડિયાઃ નવરત્ન સાહસે સોમવારે પાવર સપ્લાય માટે સફળ બીડર તરીકે ઊભરી હોવાનું જણાવ્યું હતું. તે રૂ. 2.64 પ્રતિ યુનિટના ભાવે વીજ સપ્લાય કરશે. રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ તરફથી જાહેર કરેલાં ટેન્ડરમાં બીડ મેળવ્યું હતું. જેમાં બિકાનેર ખાતે 2000 મેગાવોટના સોલાર પાર્ક ખાતે 810 મેગાવોટનો ગ્રીડ કનેક્ટેડ સોલાર ફોટોવોલ્ટીક પાવર પ્રોજેક્ટ્સ સ્થાપવાનો રહેશે.
એર ઈન્ડિયાઃ તાતા જૂથની એરલાઈન કંપનીએ દિલ્હી ખાતે તેની મેગા વેરહાઉસ ફેસિલિટીનું ઉદઘાટન કર્યું છે. 54 હજાર ચોરસ ફિટ વિસ્તારમાં ફેલાયેલી આ સુવિધા નવી દિલ્હી એરપોર્ટ્સના કાર્ગો કોમ્લેક્સના ટર્મિનલ 3 નજીક આવેલી છે. આ સેન્ટ્રલાઈઝ્ડ વેરહાઉસ ટર્નએરાઉન્ડ ટાઈમમાં સુધારો કરશે. તે દસ લાખથી વધુ સ્પેર્સનું સ્ટોરેજ ધરાવે છે.
રિલાયન્સ જનરલઃ એડીએજી જૂથની જનરલ ઈન્શ્યોરન્સ કંપનીએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ પાસેથી રૂ. 922.58 કરોડની શો-કોઝ નોટિસ મેળવી છે. કંપનીને રિ-ઈન્શ્યોરન્સ અને કો-ઈન્શ્યોરન્સ જેવી સેવાઓમાંથી મેળવેલી રકમ માટે આ નોટિસ પાઠવવામાં આવી છે. તેને કુલ ચાર ભિન્ન સેવાઓ હેઠળ રૂ. 478.84 કરોડ, રૂ. 359.70 કરોડ, રૂ. 78.66 કરોડ અને રૂ. 5.38 કરોડની નોટિસ અપાઈ છે.
સ્વાન એનર્જીઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે સ્વાન એનર્જીને રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનીયરીંગ માટે અપફ્રન્ટ પેમેન્ટ કરવા માટે જણાવ્યું છે. સ્વાન એનર્જીએ રૂ. 250 કરોડનું અપફ્રન્ટ પેમેન્ટ કરવાનું બની શકે છે. કંપનીએ લંબાયેલી ડેડલાઈન પછી પણ આ પેમેન્ટ નથી કર્યું.
આઈનોક્સ વિન્ડઃ આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિઝે ગુજરાતમાં નાની વિરાણી વિન્ડ એનર્જી પ્રાઈવેટ લિ.માં 100 ટકા હિસ્સાનું વેચાણ કરવાનો નિર્ણય કર્યો હોવાનું રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું. કંપનીનું આ વિન્ડ ફાર્મા 50 મેગાવોટની ક્ષમતા ધરાવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage