Market Summary 1 April 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

નિફ્ટીમાં દિવસના તળિયાથી તીવ્ર બાઉન્સ

ભારતીય બજારમાં નાણાકિય વર્ષ 2021-22ની શરૂઆત સારી રહી હતી. ગેપ-અપ ઓપનીંગ બાદ ફ્લેટ બનેલા બજાર પર તેજીવાળાઓએ મજબૂત પકડ જાળવી હતી અને બજાર લગભગ દિવસની ટોચની સપાટી પર જ બંધ જોવા મળ્યું હતું. નિફ્ટી 14883ની સર્વોચ્ચ ટોચ બનાવી 14867 પર બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 521 પોઈન્ટ્સ સુધરીને બંધ રહ્યો હતો.

અદાણી જૂથ કંપનીઓના શેર્સમાં ફરી તેજીનું વાવાઝોડું

છેલ્લા દોઢેક સપ્તાહથી સાધારણ કરેક્શન અને કોન્સોલિડેશનમાં રહ્યાં બાદ અદાણી જૂથના શેર્સમાં ફરી તેજીનું વાવાઝોડું જોવા મળ્યું હતું. જૂથની તમામ છ લિસ્ટેડ કંપનીઓના શેર્સ 5-10 ટકાની રેંજમાં સુધારા સાથે બંધ આવ્યાં હતાં. જેમાંથી ત્રણ કંપનીઓના શેર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જેમાં અદાણી ટ્રાન્સમિશનનો શેર 10 ટકા સર્કિટ સાથે રૂ. 999.20ની સપાટીએ બંધ રહ્યો હતો. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પાવરના શેર્સ 5-5 ટકાની સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટોટલ અને અદાણી ટ્રાન્સમિશનના શેર્સે નવી ટોચ દર્શાવી હતી. તમામ જૂથ કંપનીઓનું કુલ માર્કેટ-કેપ રૂ. 7.14 લાખ ડોલર પર જોવા મળ્યું હતું. એટલેકે તે 100 અબજ ડોલરથી થોડું છેટે રહી ગયું હતું. પ્રમોટર્સ તરીકે અદાણીની વેલ્થ 70 અબજ ડોલર પાર કરી ગઈ હતી.

 

 

સ્ટીલ-સિમેન્ટ અને કેમિકલ સહિત ઓલ્ડ ઈકોનોમીમાં તેજી યથાવત

ગુરુવારે સતત આંઠમા ટ્રેડિંગ સત્રમાં સ્ટીલ શેર્સે 9 ટકાનો સુધારો દર્શાવ્યો

નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 5 ટકાથી વધુ ઉછળી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

 

ઓલ્ડ ઈકોનોમી કંપનીઓના શેર્સમાં સતત લેવાલી જળવાય રહી છે. છેલ્લા એક સપ્તાહથી સ્ટીલ શેર્સમાં એકધારી તેજી પાછળ ગુરુવારે મોટાભાગના સ્ટીલ શેર્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે સિમેન્ટ અને કેટલાક કેમિકલ્સ શેર્સ પણ અવિરત ખરીદી પાછળ તેમની સર્વોચ્ચ સપાટી નોંધાવી રહ્યાં છે.

ગુરુવારે બજારમાં સૌથી સારો દેખાવ મેટલ ક્ષેત્રનો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 5.33 ટકા ઉછળી 4189.15ની તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે 4204.40ની ટોચ દર્શાવી હતી. મેટલ ક્ષેત્રે સ્ટીલ અને એલ્યુમિનિયમ કંપનીના શેર્સ 9 ટકા વૃદ્ધિ સાથે બંધ રહ્યાં હતાં. જેમાં પીએસયૂ એલ્યુમિનિયમ ઉત્પાદક નાલ્કોનો શેર 9 ટકા ઉછળી રૂ. 59ના સ્તરે બંધ રહ્યો હતો. બિરલા જૂથની કંપની હિંદાલ્કોનો શેર 7 ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જોકે ખરી મજા તો સ્ટીલ શેર્સમાં જોવા મળી હતી. સતત આંઠમાં દિવસે તેઓએ તેજી જાળવી હતી. જેએસડબલ્યુ સ્ટીલનો શેર 8.6 ટકા ઉછળી રૂ. 509ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. કંપની રૂ. 1.23 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે ટ્રેડ થતી હતી. અન્ય સ્ટીલ કાઉન્ટર્સ જિંદાલ સ્ટીલ એન્ડ પાવર(8 ટકા), સેઈલ(6.5 ટકા) અને ટાટા સ્ટીલ(6.3 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. કોપર અને ઝીંક કંપનીઓના શેર્સે પણ 5 ટકાનો સુધારો નોંધાવ્યો હતો. સિમેન્ટ કંપનીઓની વાત કરીએ તો અંબુજા સિમેન્ટ, બિરલા કોર્પોરેશન, ગ્રાસિમ અને શ્રી સિમેન્ટના શેર્સ બજારની તેજીમાં જોડાયા હતા અને સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા હતા. શ્રી સિમેન્ટનો શેર અગાઉના બંધ સામે રૂ. 800ના સુધારે રૂ. 30250ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. બિરલા કોર્પોરેશનનો શેર પણ 2.5 ટકાના સુધારા સાથે રૂ. 974 પર બંધ રહ્યો હતો. અંબુજા સિમેન્ટ્સ અને ગ્રાસિમના શેર્સ સાધારણ સુધારા સાથે નવી ટોચ પર બંધ રહ્યાં હતાં. કેમિકલ્સ કંપનીઓમાં અતુલ લિ.નો શેર અગાઉના બંધ સામે 5 ટકાથી વધુ ઉછળી રૂ. 7450ની લાઈફ ટાઈમ હાઈ પર ટ્રેડ થયો હતો અને રૂ. 22 હજાર કરોડના માર્કેટ-કેપ પર પહોંચ્યો હતો. દિપક નાઈટ્રેટનો શરે પણ ઈન્ટ્રા-ડે રૂ. 1693ની ટોચ બનાવ્યાં બાદ સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. ઉપરાંત જીએસેફસી અને જીએનએફસી જેવા ફર્ટિલાઈઝર્સ અને કેમિકલ્સ શેર્સ પણ સુધારા સાથે બંધ રહ્યાં હતાં.

 

સ્મોલ-કેપ ટ્રેડર્સ માટે હંમેશા જેકપોટ બની રહેલો એપ્રિલ

છેલ્લા 17 વર્ષોમાંથી 16માં એપ્રિલ મહિના દરમિયાન સ્મોલ-કેપ ઈન્ડેક્સનું પોઝીટીવ રિટર્ન

એપ્રિલ 2020માં કોવિડ લોકડાઉન વચ્ચે સ્મોલ-કેપ ઈન્ડેક્સે 15 ટકાથી વધુ રિટર્ન દર્શાવ્યું હતું

સ્મોલ-કેપમાં રિટર્ન આપવા બાબતે એપ્રિલનો 94.12 ટકાનો ઊંચો સફળતા રેશિયો

 

એપ્રિલ મહિનો સ્મોલ-કેપ્સનો મહિનો બની રહેલો જણાય છે. છેલ્લા 17 વર્ષોમાંથી 16 દરમિયાન એપ્રિલ મહિના દરમિયાન બીએસઈ સ્મોલ-કેપ સૂચકાંકે પોઝીટીવ રિટર્ન દર્શાવ્યું છે. એકમાત્ર એપ્રિલ 2019 દરમિયાન તેણે નેગેટિવ રિટર્ન આપ્યું હતું. અભ્યાસમાં લીધેલા વર્ષોમાં એપ્રિલ દરમિયાન સ્મોલ-કેપ ઈન્ડેક્સે 7.55 ટકા જેટલું ઊંચું સરેરાશ રિટર્ન દર્શાવ્યું છે. સામાન્યરીતે અન્ય કોઈ મહિનામાં સ્મોલ-કેપ્સમાં આટલો સાતત્યભર્યો દેખાવ જોવા મળ્યો નથી. બજાર નિરીક્ષકોના મતે એપ્રિલમાં માર્કેટ ઓપરેટર્સની નજર વાજબી ભાવે મળતાં સ્મોલ-કેપ્સ ખરીદવા પર હોય છે અને તેથી આમ થતું હોય છે.

ગુરુવારે નવા નાણા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે પણ ભારતીય બજારમાં લાર્જ અને મીડ-કેપ્સની સરખામણીમાં સ્મોલ-કેપ્સે ચઢિયાતો દેખાવ દર્શાવ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 1.2 ટકાનો અને નિફ્ટી મીડ-કેપ 1.8 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 2.1 ટકાના સુધારા સાથે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન એક તબક્કે તે 2.5 ટકાનો ઊંચો સુધારો દર્શાવતો હતો. જ્યાંથી થોડો કરેક્ટ થયો હતો. બીએસઈ ખાતે છેલ્લા ઘણા સત્રો બાદ જોવા મળેલી ખૂબ પોઝીટીવ માર્કેટ બ્રેડ્થ પણ આનો પુરાવો છે. એક્સચેન્જ ખાતે કુલ 3043 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 2137 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 752 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. એપ્રિલ પરંપરાગત રીતે જ સ્મોલ-કેપનો મહિનો જણાય છે. સાથે મોટાભાગના કિસ્સામાં તે ઊંચું રિટર્ન દર્શાવે છે. જેમકે ગણનામાં લીધેલા 17 કેલેન્ડર્સમાંથી 16માં પોઝીટીવ રિટર્ન જોવા મળ્યું છે. સાથે 16માંથી 5 કિસ્સાઓમાં તો દ્વિઅંકી રિટર્ન રળી આપ્યું છે. જેમકે બીએસઈ સ્મોલ-કેપે એપ્રિલ 2009માં 21.38 ટકા જેટલું ઊંચું વળતર આપ્યું હતું. જ્યારબાદ કોવિડ લોકડાઉન વચ્ચે એપ્રિલ 2020માં પણ તેણે 15.54 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવ્યું હતું. આવા કેટલાક અસાધારણ વર્ષોમાં એપ્રિલ 2004(12.38 ટકા), એપ્રિલ 2006(12.22 ટકા), અને એપ્રિલ 2008(11.88 ટકા)નો સમાવેશ થાય છે. છ કિસ્સામાં એપ્રિલ દરમિયાન સ્મોલ-કેપ ઈન્ડેક્સે 5-10 ટકાની રેંજમાં રિટર્ન આપ્યું છે. એપ્રિલ 2015માં તેણે 0.49 ટકા સાથે સૌથી નીચું રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે એપ્રિલ 2019 એક અપવાદરૂપ મહિનો બની રહ્યો હતો. કેલેન્ડર 2018થી શરૂ થયેલા મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં ધોવાણ લગભગ બે વર્ષ ચાલ્યું હતું અને તેને કારણે એપ્રિલ 2019માં 2.68 ટકાનો સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. જે એપ્રિલમાં સરેરાશ 7.55 ટકાના પોઝીટીવ રિટર્ન સામે ત્રીજા ભાગનો છે. આમ સ્મોલ-કેપ ક્ષેત્રે રિટર્ન આપવામાં એપ્રિલ મહિનો 94.12 ટકા સફળતા દર્શાવે છે. જે કોઈપણ સેગમેન્ટ માટે કોઈપણ મહિનામાં જોવા મળતા રેશિયો કરતાં ઊંચો છે.

 

 

બીએસઈ સ્મોલ-કેપ ઈન્ડેક્સનો દેખાવ

કેલેન્ડર વર્ષ            વૃદ્ધિ(%)

2010                   8.35

2011                   6.60

2012                   2.04

2013                   3.73

2014                   5.91

2015                   0.49

2016                   4.54

2017                   6.50

2018                   8.28

2019                   -2.68

2020                  15.54

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage