Market Summary 1 August 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

બુલ્સ મક્કમ રહેતાં શોર્ટ સેલર્સની પોઝીશન કવર કરવા દોટ
સેન્સેક્સ ચાર મહિને 58K પર પરત ફર્યો
નિફ્ટ 17300નું સ્તર કૂદાવી કેલેન્ડરમાં ન્યૂટ્રલ લેવલે
એશિયા, યુરોપમાં સાધારણ સુધારા વચ્ચે સ્થાનિકમાં શોર્ટ સેલર્સ
ઓટો ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઉછળી સર્વોચ્ચ લેવલે
એનર્જી, મેટલ, પીએસઈ અને ઓટોમાં પણ મજબૂતી
તેજી વચ્ચે VIXમાં 5.6 ટકા ઉછાળો સાવચેતીનો સંકેત
બ્રોડ માર્કેટમાં પણ ભારે લેવાલી વચ્ચે બ્રેડ્થ પોઝીટીવ


તેજીવાળાઓએ શેરબજાર પર મજબૂત પકડ જાળવી રાખતાં સતત ચોથા દિવસે ભારતીય બજારે આગેકૂચ જારી રાખી હતી. સાથે સતત ત્રીજા દિવસે સ્થાનિક બેન્ચમાર્ક્સ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 545 પોઈન્ટ્સ ઉછળી 58116ની સપાટી પર બંધ રહેવા સાથે ચાર મહિને 58 હજાર પર જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 17300ના સ્તરને પાર કરીને કેલેન્ડરમાં ઝીરો રિટર્ન સાથે ન્યૂટ્રલ બન્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 38 કાઉન્ટર્સ પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 12 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ ખરીદી પાછળ બ્રોડ માર્કેટમાં મજબૂતી જળવાય હતી અને તેને કારણે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. જોકે બજારમાં તેજી વચ્ચે વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સલ 5.6 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. જે સૂચવે છે કે આગામી સત્રોમાં બજારમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી શકે છે.
સોમવારે ઉઘડતાં સપ્તાહે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારે મજબૂત ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી 17243.20ની સપાટીએ ખૂલી ફ્લેટ બન્યા બાદ સતત સુધરતો રહ્યો હતો અને આખરે 17356ની ઈન્ટ્રા-ડે ટોચ નજીક જ બંધ રહેવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે ફ્યુચર્સ 31 પોઈન્ટ્સના પ્રિમિયમે 17370.50ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીને સપોર્ટ કરનારા ટોચના કાઉન્ટર્સમાં ટાટા મોટર્સ 6.6 ટકા ઉછળ્યો હતો. આ સિવાય એમએન્ડએમ 6.3 ટકા, અદાણી પોર્ટ્સ 5 ટકા, યુપીએલ 3.5 ટકા, ઓએનજીસી 3.2 ટકા, સિપ્લા 2.8 ટકા, મારુતિ સુઝુકી 2.6 ટકા, રિલાયન્સ 2.61 ટકા અને કોટક મહિન્દ્રા બેંક 2.5 ટકાનો સમાવેશ થાય છે. જ્યારે ઘટાડો દર્શાવનાર નિફ્ટી કાઉન્ટર્સમાં સન ફાર્મા, એચડીએફસી લાઈફ, એચયૂએલ, બ્રિટાનિયા અને ડિવિઝ લેબનો સમાવેશ થાય છે. સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી ફાર્મા સિવાય અન્ય તમામ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જૂલાઈ મહિના માટે વાહનોનો વેચાણના આંકડા અપેક્ષાથી સારા આવતાં ઓટો શેર્સમાં સારી ખરીદી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી ઓટો 12974.35ની સર્વોચ્ચ ટોચ દર્શાવી 3.27 ટકા વૃદ્ધિ સાથે 12954ના સ્તરે બંધ રહ્યો હતો. ટોચની કાર ઉત્પાદક મારુતિ સુઝુકીનો શેર રૂ. 9000ની સપાટી પાર કરી બે વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. નોંધપાત્ર સુધારો દર્શાવનારા અન્ય ઓટો શેર્સમાં અશોક લેલેન્ડ, બોશ, ભારત ફોર્જ, ટીવીએસ મોટર, અમર રાજા બેટરીઝ અને બજાજ ઓટોનો સમાવેશ થતો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ પણ 2.8 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવતો હતો. ઈન્ડેક્સમાં મજબૂત સુધારા પાછળ અદાણી ગ્રીન એનર્જી, ટોરેન્ટ પાવર, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને પાવર ગ્રીડ કોર્પોરેશનનું યોગદાન હતું. એનર્જી સેગમેન્ટમાં એક માત્ર આઈઓસીમાં 2.54 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ વધુ 1.7 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. જેમાં હિંદાલ્કો, નાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક અને મોઈલ મુખ્ય હતાં. ટાટા સ્ટીલમાં સ્થિરતા જોવા મળી હતી. બેંક નિફ્ટી 1.1 ટકા સુધારે બંધ રહ્યો હતો. જોકે તેમાં સ્મોલ બેંક્સનું યોગદાન વધુ હતું. આઈડીએફસી ફર્સ્ટ બેંકનો શેર 12 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવતો હતો. પીએસયૂ બેંક્સમાં પીએનબીનો શેર 7 ટકા ઉછળ્યો હતો. આ સિવાય કોટક મહિન્દ્રા બેંક, બંધન બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એસબીઆઈ પણ એક ટકાથી વધુ મજબૂતી સાથે બંધ જોવા મળ્યાં હતાં. બેંક નિફ્ટી જોકે 38 હજારનું સ્તર દર્શાવી શક્યો નહોતો. આગામી સત્રોમાં તેના માટે આ એક મહત્વનો સાયકોલોજિકલ અવરોધ બની શકે છે. આઈટી અને એફએમસીજી સૂચકાંકો ફ્લેટ જોવા મળી રહ્યાં હતાં. એફએમસીજી કાઉન્ટર્સમાં આઈટીસી સિવાય અન્ય મહત્વના કાઉન્ટર્સ નરમાઈ દર્શાવતાં હતાં. મિડિયા, રિઅલ્ટી અને ઈન્ફ્રા ક્ષેત્રે ખરીદી જળવાય હતી અને તેમના સંબંધિત સૂચકાંકો 1-2 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પસંદગીના કાઉન્ટર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેમાં રેઈન કોમોડિટીઝ 9 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 7 ટકા, આઈડીએફસી 6 ટકા, મણ્ણાપુરમ ફિન 5.6 ટકા, ગુજરાત ગેસ 5.4 ટકા અને ચોલા ઈન્વેસ્ટમેન્ટ 4.8 ટકા ઉછાળો દર્શાવતાં હતાં. જ્યારે એમસીએક્સ ઈન્ડિયા 5.3 ટકા, જીએમઆર ઈન્ફ્રા 4 ટકા, ફર્સ્ટસોર્સ સોલ્યુશન 1.7 ટકા, ઈન્ડિયા સિમેન્ટ્સ 1.55 ટકા ઘટાડે બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. જેની પાછળ બીએસઈ ખાતે બે શેર્સમાં ખરીદી સામે એક શેરમાં ઘટાડો નોંધાયો હતો. પ્લેટફોર્મ પર કુલ 3656 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2308માં મજબૂતી જોવા મળી હતી. જ્યારે 1157માં ઘટાડો નોંધાયો હતો. 146 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 37 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. 12 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. 191 કાઉન્ટર્સ અગાઉના બંધ ભાવે ફ્લેટ જોવા મળ્યાં હતાં.

Rcap માટે ઓફર માટે પિરામલ, ઓકટ્રીએ વધુ સમય માગ્યો
નાદાર એવી એડીએજી જૂથની રિલાયન્સ કેપિટલની ખરીદી માટે બીડ કરનાર કંપનીઓ તેમની ઓફર સબમિટ કરવા માટે વધુ સમયની માગ કરી રહી છે. જેનું કારણ કંપનીની એસેટ્સની ઓળખ માટે તેમણે કરવો પડી રહેલો સંઘર્ષ છે. આર-કેપ માટે બીડ કરનાર કંપનીઓમાં પિરામલ કેપિટલ, ટોરેન્ટ, ઓકટ્રી કેપિટલ અને ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાંક બીડર્સે આરબીઆઈએ નીમેલા કંપનીના એડમિનિસ્ટ્રેટર સમક્ષ ઓફર સબમિટ કરવા માટેની ડેડલાઈનને 10 ઓગસ્ટથી લંબાઈ 15 સપ્ટેમ્બર કરવા માટે અનુરોધ કર્યો છે. છેલ્લાં બે મહિના દરમિયાન રેઝોલ્યુશન પ્લાન સબમિશન ડેટ ચાર વાર લંબાવવામાં આવી ચૂકી છે. કમિટી ઓફ ક્રેડિટર્સે રિલાયન્સ કેપિટલ માટે રેઝોલ્યુશન પ્રક્રિયાનો તાગ મેળવવા માટે આગામી સપ્તાહે મિટિંગ ગોઠવી છે.
RBI શુક્રવારે રેપો રેટમાં 30-50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી શકે
ટોચની બેંકિંગ કંપનીઓના અર્થશાસ્ત્રીઓના માનવા મુજબ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 5 ઓગસ્ટે મળનારી તેની મોનેટરી સમીક્ષા દરમિયાન રેપો રેટમાં 30-50 બેસીસ પોઈન્ટ્સની રેંજમાં વૃદ્ધિ કરી શકે છે. એક આર્થિક દૈનિકે હાથ ધરેલા ટોચના 10 બેંકર્સના સર્વે મુજબ ત્રણ બેંકર્સનું માનવું છે કે આરબીઆઈ 50 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ દર્શાવશે. જ્યારે ત્રણ બેંકર્સના મતે રેટમાં 35 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ જોવા મળશે. બે સંસ્થાઓ માને છે કે સેન્ટ્રલ બેંક 35-50 બેસીસ પોઈન્ટ્સની રેંજમાં કોઈપણ વૃદ્ધિ હાથ ધરશે. જ્યારે એકના મતે પોલિસી ટાઈટનીંગના ભાગરૂપે 40-50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ જોવા મળી શકે છે. મે અને જૂનમાં આરબીઆઈએ બે તબક્કામાં રેપો રેટમાં 90 બેસીસ પોઈન્ટ્સના વધારો નોંધાવ્યો છે.
જુલાઈમાં EV રજિસ્ટ્રેશનમાં 5 ટકા ઘટાડો
દેશમાં ટોચના આંઠ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સ ઉત્પાદકોમાંથી પાંચે જુલાઈ દરમિયાન રજિસ્ટ્રેશન્સમાં ઘટાડો નોંધાવ્યો છે. વાહન પોર્ટલના ડેટા મુજબ ઈટુવી રજીસ્ટ્રેશન જૂનની સરખામણીમાં 5 ટકા ગગડી 32450 યુનિટ્સ પર રહ્યું હતું. ઓલા ઈલેક્ટ્રીક, એથર એનર્જી, એમ્પેરિ, રિવોલ્ટ અને પ્યૂર ઈવીના રજિસ્ટ્રેશનમાં માસિક ધોરણે ઘટાડો જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે નાનો બેઝ ધરાવતાં ઈટુવીના રજિસ્ટ્રેશન્સમાં ઘટાડો નિરાશાજનક બાબત છે. કેમકે તે સૂચવે છે કે ઈટુવી ઉત્પાદકો માને છે તેટલી ઝડપથી લોકો ઈવી તરફ વળી રહ્યાં નથી.

અદાણીએ વૈશ્વિક બેંકર્સ પાસેથી 5.5 અબજ ડોલર ઊભા કર્યાં
જૂથે અંબુજા સિમેન્ટ અને ACCમાં હોલ્સિમના હિસ્સો ખરીદવા નાણા ઊભા કર્યાં

અદાણી જૂથના એસીસી અને અંબુજા સિમેન્ટ્સમાં હોલ્સિમના હિસ્સા ખરીદવા માટેની યોજનાને વૈશ્વિક બેંકર્સ તરફથી ટેકો સાંપડ્યો છે. જૂથે ટોચના ગ્લોબલ બેંકર્સ પાસેથી 5.25 અબજ ડોલર(અંદાજે રૂ. 42 હજાર કરોડ) ઊભા કર્યાં છે. આ ડેટ ફાઈનાન્સિંગ કરવામાં બીએનપી પારિબા, બાર્ક્લેઝ અને સિટિ જૂથનો સમાવેશ થાય છે એમ વર્તુળો જણાવે છે.
તેઓ ઉમેરે છે કે ઉપરોક્ત બેંક સિવાય પણ ડીબીએસ બેંક, એમિરાટ્સ એનબીડી, ફર્સ્ટ અબુ ધાબી બેંક, આઈએનજી બેંક, ઈન્તેસા સેનપાઓલો, મિઝુહો બેંક, મિત્સુબિશી યુએફજે ફાઈનાન્સિયલ ગ્રૂપ, સુમિટોમો મિત્સુઈ બેંક ઓફ જાપાન અને કતાર નેશનલ બેંકે પણ ટોચની સિમેન્ટ કંપનીઓમાં હોલ્સિમના હિસ્સાની ખરીદી માટે અદાણી જૂથને ફંડિંગ કર્યું છે. અદાણી જૂથ અંબુજા સિમેન્ટ્સ અને એસીસીમાં 10.5 અબજ ડોલરના ખર્ચે હોલ્સિમનો હિસ્સો ખરીદી રહ્યું છે. જેમાં કંપનીઓના લઘુમતી શેરધારકો પાસેથી બાકીના શેર્સ ખરીદવા માટેની ઓપન ઓફરનો સમાવેશ પણ થાય છે. આ બંને કંપનીઓ વાર્ષિક 7 કરોડ ટન સિમેન્ટ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. અદાણી જૂથ પ્રથમ અંબુજામાં હોલ્સિમના 63.1 ટકા હિસ્સાની તથા એસીસીમાં હોલ્સિમના 4.4 ટકા હિસ્સાની 6.5 અબજ ડોલરમાં ખરીદી કરશે. ત્યારબાદ અંબુજા સિમેન્ટ પાસે એસીસીનો 50 ટકા હિસ્સો રહેશે. જે માટે અદાણી જૂથ રૂ. 385 પ્રતિ શેરના ભાવે શેરધારકોને ઓપન ઓફર કરશે. જ્યારે એસીસી માટે તે રૂ. 2300 પ્રતિ શેરના ભાવે ઓપન ઓફર કરશે. બેંકર્સના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે હાલમાં જોવા મળેલા જોખમો વચ્ચે બેંકર્સ તરફથી જૂથને મળેલો સપોર્ટ વૈશ્વિક બેંકિંગ સમુદાયમાં જૂથના વધી રહેલો પ્રભાવ સૂચવે છે.
આ ટ્રાન્ઝેક્શનને નજીકથી જોનાર વર્તુળના મતે આમાં કેટલાંક શોર્ટ ટર્મ ડેટનો સમાવેશ પણ થાય છે. જેને જૂથ પાછળથી જૂથ રિફાઈનાન્સ કરશે. જોકે હોલ્સિમ પાસેથી હિસ્સો ખરીદવાની જાહેરાતના ટૂંકા સમયગાળામાં આટલી મોટી રકમ ઊભી કર શકવી એ ભારતીય ગ્રોથ સ્ટોરીમાં વિદેશી બેંક્સનો વિશ્વાસ અને સપોર્ટ સૂચવે છે.


મહિનામાં 10 ટકા રિટર્ન સાથે ભારતીય બજારે હરિફોને પાછળ પાડ્યાં
ચીન અને હોંગ કોંગના બજારોમાં અનુક્રમે 4 ટકા અને 8 ટકાનો ઘટાડો
એકમાત્ર નાસ્ડેકે સ્થાનિક બજાર કરતાં એક ટકા ઊંચું રિટર્ન દર્શાવ્યું

કેલેન્ડર 2022ના બીજા અર્ધવાર્ષિક ગાળાની શરૂઆત ભારતીય શેરબજારમાં સારી રહી છે. 1 જુલાઈથી 1 ઓગસ્ટ સુધીના એક મહિનામાં ભારતીય શેરબજારે 10 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું છે. જે અન્ય કોઈપણ ઈમર્જિંગ બજારોની સરખામણીમાં ચડિયાતું છે. તેમજ વિકસિત બજારોમાં પણ નાસ્ડેકને બાદ કરતાં તે સૌથી ઊંચું વળતર સૂચવે છે. એકમાત્ર નાસ્ડેકે 11 ટકા સાથે ભારતીય બજારથી એક ટકા વધુ વળતર આપ્યું છે. વિદેશી રોકાણકારો તરફથી વેચવાલી અટકતાં સ્થાનિક બજારને નોંધપાત્ર સપોર્ટ સાંપડ્યો છે.
ટોચના વિકસિત અને ઈમર્જિંગ બજારોએ જુલાઈની શરૂઆતથી સોમવારે સુધીમાં દર્શાવેલા દેખાવનો અભ્યાસ કરીએ તો ભારતીય બજાર ફરી એકવાર આઉટપર્ફોર્મર પુરવાર થયું છે. ભારત સિવાય એક પણ ઈમર્જિંગ માર્કેટ દ્વિઅંકી રિટર્ન આપી શક્યું નથી. જ્યારે ચીન અને હોંગ કોંગ જેવા નજીકના હરિફ બજારોએ તો નેગેટિવ રિટર્ન નોંધાવ્યું છે. વિકસિત બજારોમાં પણ નાસ્ડેક સિવાય કોઈએ દ્વિઅંકી રિટર્ન આપ્યું નથી. નાસ્ડેકે ગયા સપ્તાહે 6 ટકા સાથે તીવ્ર સુધારો દર્શાવ્યો હતો અને તેને કારણે તે ભારતીય બજારથી આગળ નીકળી ગયું હતું. સ્થાનિક બજાર છેલ્લાં બે સપ્તાહથી સતત પોઝીટીવ જોવા મળી રહ્યું છે અને બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ પખવાડિયામાં 7 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. જ્યારે જુલાઈથી ઓગસ્ટના પ્રથમ ટ્રેડિંગ સત્રની આખરમાં એક મહિનામાં નિફ્ટીએ 10.12 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવ્યું છે. બેન્ચમાર્ક 15752ના સ્તરેથી સુધરતો રહી સોમવારે 17391ના સ્તરે બંધ રહ્યો હતો. આમ તેણે 20 ટ્રેડિંગ સત્રોમાં 1500 પોઈન્ટ્સનો ઉમેરો નોંધાવ્યો હતો. જ્યારે સેન્સેક્સ 52908ની સપાટી પરથી 5100 પોઈન્ટ્સથી વધુ સુધારા સાથે 58133 પર બંધ રહ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે જુલાઈમાં ઈમર્જિંગ માર્કેટ્સમાં એકમાત્ર ભારતીય બેન્ચમાર્ક્સનો જ ટોચના પાંચ દેખાવકારોમાં સમાવેશ થતો હતો. બાકીના સૂચકાંકો વિકસિત માર્કેટ્સના હતા. જેમકે યુએસ બેન્ચમાર્ક નાસ્ડેક બાદ બીજા ક્રમે ઊંચું રિટર્ન આપવામાં ફ્રાન્સનો કેક-40 જોવા મળતો હતો. તેણે 9.18 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે પછીના ક્રમે એસએન્ડપી 500એ 7.97 ટકા રિટર્ન સૂચવ્યું હતું. છઠ્ઠા ક્રમે શ્રેષ્ઠ રિટર્ન આપવામાં જાપાનનો નિક્કાઈ 7.93 ટકા સુધારો દર્શાવતો હતો. જ્યારે ઈમર્જિંગ માર્કેટ એવા કોરિયન બજારનો કોસ્પી 6.37 ટકા રિટર્ન સાથે સાતમા ક્રમે જોવા મળતો હતો. જર્મનીનો ડેક્સ અને યુએસ બેન્ચમાર્ક ડાઉ જોન્સ અનુક્રમે આંઠમા અને નવમા ક્રમે જોવા મળ્યાં હતાં. જોકે વિશ્વમાં બીજા ક્રમના અર્થતંત્ર એવા ચીનનો શાંઘાઈ કંપોઝીટ 3.77 ટકાનું નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યો હતો. જ્યારે હોંગ કોંગનો હેંગ સેંગ 7.75 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવતો હતો.

વૈશ્વિક સૂચકાંકોનો દેખાવ
સૂચકાંક 1 જુલાઈ 2022નો બંધ 1 ઓગસ્ટ 2022 નો બંધ વૃદ્ધિ(ટકામાં)
નાસ્ડેક 11127.84 12390.69 11.35%
નિફ્ટી 50 15752.05 17345.65 10.12%
સેન્સેક્સ 52907.93 58132.78 9.88%
કેક 5931.06 6475.38 9.18%
S&P 500 3825.33 4130.29 7.97%
નિક્કાઈ 25935.62 27993.35 7.93%
કોસ્પી 2305.42 2452.25 6.37%
ડેક્સ 12813.03 13541.6 5.69%
ડાઉ જોન્સ 31097.26 32845.13 5.62%
ફૂટ્સી 7168.65 7451.61 3.95%
શાંઘાઈ 3387.637 3259.96 -3.77%
હેંગ સેંગ 21859.79 20165.84 -7.75%



કોર્પોરેટ હેડલાઈન્સ
બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 8839 કરોડની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7892 કરોડ પર હતી. કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 79.3 ટકા ઉછળી રૂ. 2168 કરોડ પર રહ્યો હતો.
આઈડીએફસી ફર્સ્ટ બેંકઃ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 2751 કરોડની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2184 કરોડની સરખામણીમાં 26 ટકા ઊંચી હતી. કંપનીએ ગયા વર્ષે રૂ. 630 કરોડની ખોટ સામે ચાલુ વર્ષે રૂ. 474 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો.
ડીસીબી બેંકઃ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 374 કરોડની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 309 કરોડ પર હતી. કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે બે ગણો વધી રૂ. 34 કરોડ પરથી રૂ. 97 કરોડ રહ્યો હતો.
ગ્રોડફ્રે ફિલિપ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક રૂ. 982 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 735 કરોડની સરખામણીમાં 33.6 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 112 કરોડના નફા સામે 27 ટકા ઊંચો 142 કરોડનો નફો નોંધાવ્યો હતો
નઝારાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક રૂ. 223 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 175 કરોડની સરખામણીમાં 27 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 5 કરોડના નફા સામે 237 ટકા ઊંચો 17 કરોડનો નફો નોંધાવ્યો હતો.
ફોસેકો ઈન્ડિયાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક રૂ. 100 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 75 કરોડની સરખામણીમાં 33.3 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 6.3 કરોડના નફા સામે 67 ટકા ઊંચો 10.5 કરોડનો નફો નોંધાવ્યો હતો.
જીએમએમ ફોડલરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 34 ટકા વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે એબિટા ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં 6.72 ટકા વૃદ્ધિ સાથે 13.2 ટકા પર રહ્યો હતો. કંપનીના ઓર્ડર ઈનટેકમાં 24 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે બેકલોગ 27 ટકા વધી રૂ. 2182 કરોડ પર હતો.
નિલકમલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક રૂ. 740 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 492 કરોડની સરખામણીમાં 51.3 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 1.6 કરોડ નફા સામે 1650 ટકા ઊંચો 28 કરોડનો નફો નોંધાવ્યો હતો
વીએસટીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક રૂ. 401 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 368 કરોડની સરખામણીમાં 9 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 70 કરોડના નફા સામે 24.3 ટકા ઊંચો 87 કરોડનો નફો નોંધાવ્યો હતો

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage