માર્કેટ સમરી
ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી બીજી વાર 13000ની સપાટી પર બંધ આપવામા સફળ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે 13128ની ટોચ બનાવીને તે 13109 પર બંધ રહ્યો હતો. જોકે અગાઉની 13145ની ટોચને તે સ્પર્શી શક્યો નહોતો. જો બુધવારે વૈશ્વિક બજારોનો સપોર્ટ હશે તો ભારતીય બજાર તેને પાર કરવાનો ચોક્કસ પ્રયત્ન કરશે.
આઈટી, ફાર્મા અને પીએસયૂ બેંક શેર્સમાં લેવાલી
મંગળવારેને બજારને ચારે બાજુથી સપોર્ટ સાંપડ્યો હતો. જોકે આઈટી અને ફાર્મા કાઉન્ટર્સ અગ્રણી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મા 1.74 ટકા. જ્યારે નિફ્ટી આઈટી 1.87 ટકા ઉથળ્યાં હતાં. પીએસયૂ બેંક શેર્સમાં ખરીદી પાછળ નિફ્ટી પીએસયૂ બેંક શેર્સ પણ 2.88 ટકા ઉછળ્યો હતો. છેલ્લા બે સપ્તાહમાં પીએસયૂ બેંક શેર્સે 18 ટકા જેટલો તીવ્ર સુધારો નોંધાવ્યો છે. જેમાં કેનેરા બેંક ટોચ પર છે. ત્યારબાદ જએન્ડકે બેંક(17 ટકા), પીએનબી(16 ટકા), આઈઓબી(14 ટકા) અને બેંક ઓફ બરોડા(13 ટકા)નો સમાવેશ થાય છે. આ તમામ બેંક્સ 0.5થી પણ નીચેના પ્રાઈસ-ટુ-બુક(પીબી) રેશિયો પર ટ્રેડ થઈ રહ્યાં છે. જે બેંકિંગ શેર્સ માટે આકર્ષક ગણાય છે.
સિલ્વર 2.6 ટકા અને ગોલ્ડ 1.6 ટકા ઉછળ્યો
બે સપ્તાહની નરમાઈ બાદ બુલિયનમાં ખરીદી જોવા મળી હતી. એમસીએક્સ સિલ્વર 2.6 ટકાના સુધારે રૂ. 60650 પર ટ્રેડ થતી હતી. જ્યારે સોનું 1.6 ટકાના સુધારે રૂ. 48559 પર ટ્રેડ થતું હતું. કોપર અને ક્રૂડમાં પણ મજબૂતી હતી. કોપર રૂ. 586ની ટોચ પર ટ્રેડ થતું હતું.
ટેક મહિન્દ્રાનો શેર નવી ટોચ પર પહોંચ્યો
મંગળવારે બ્રોડ માર્કેટમાં મજબૂતી વચ્ચે ટેક કાઉન્ટર ટેક મહિન્દ્રાનો શેર તેની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યો હતો. અગાઉના રૂ. 876ના બંધ સામે કંપનીનો શેર 4 ટકાથી વધુ ઉછળી રૂ. 913 પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 88 હજાર કરોડને પાર કરી ગયું હતું. કંપની પાંચમા ક્રમનું માર્કટ-કેપ ધરાવતી આઈટી કંપની છે. જ્યારે પેરન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કરતાં તે 3 હજાર કરોડના નીચા માર્કેટ-કેપ સાથે ટ્રેડ થઈ રહી છે. માર્ચ મહિનામાં રૂ. 470ના તળિયાથી તે 90 ટકાથી વધુ રિટર્ન દર્શાવી રહ્યો છે.
કેટ રેટિંગ્સના શેર્સમાં વધુ 14 ટકાનો ઉછાળો
રેટિંગ એજન્સી કેર રેટિંગ્સના શેરમાં તેજી અટકવાનું નામ નથી લેતી. મંગળવારે શેર વધુ 14 ટકા ઉછળી રૂ. 579ની છેલ્લા ઘણા મહિનાની ટોચ પર બોલાયો હતો. કંપનીના શેરમાં રૂ. 300ની સપાટીએથી વર્તમાન તેજીનો દોર શરૂ થયો છે અને કંપનીનો શેર અવિરત સુધરતો રહ્યો છે. માર્ચમાં બનાવેલા રૂ. 236ના સ્તરેથી તે બમણાથી વધુ રિટર્ન દર્શાવી રહ્યો છે. જોકે તેની વાર્ષિક ટોચથી હજુ તે નીચે ચાલી રહ્યો છે. કંપનીની વાર્ષિક ટોચ રૂ. 727ની છે.
એવન્યૂ સુપરમાર્ટ્સનું માર્કેટ-કેપ રૂ. 1.5 લાખ કરોડ પાર
ડિમાર્ટની માલિકી ધરાવતી એવન્યૂ સુપરમાર્ટ્સનો શેર મંગળવારે 6 ટકાથી વધુ ઉછળ્યો હતો અને લગભગ પાંચેક મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 2400ના સ્તરને કૂદાવી રૂ. 2431 પર બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 1.57 લાખ કરોડ પર જોવા મળતું હતું. કંપનીનો શેર માર્ચમાં રૂ. 1701ના તળયિયા પર પટકાયો હતો. જ્યાંથી ધીમો સુધારો દર્શાવી રહ્યો છે.
મીડ-કેપ્સમાં તેજીનો જુવાળ
મંગળવારે લાર્જ-કેપ્સ કરતાં પણ મીડ અને સ્મોલ-કેપ્સમાં તેજીનો ઉકળતો ચરુ જોવા મળ્યો હતો. લગભગ જાતે-જાતમાં ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3072 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1926માં પોઝીટીવ ટ્રેડ જોવા મળ્યો હતો. એટલેકે તેઓ તેમના અગાઉના બંધ કરતાં પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 973 કાઉન્ટર્સમાં નેગેટિવ કામકાજ જોવા મળ્યું હતું. 432 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં.