Market Summary 1 Feb 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

બજેટ જોગવાઈઓ પાછળ ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ

સોમવારે બજેટ રજૂઆત અગાઉ એશિયન બજારો કરતાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવતાં સ્થાનિક બજારો બજેટ બાદ ઉર્ધ્વગામી બન્યાં

ભારતીય બજારે અંતિમ પખવાડિયામાં પ્રથમવાર હરિફ બજારોની સરખામણીમાં ચઢિયાતો દેખાવ કર્યો હતો. સોમવારે સવારે બજેટની રજૂઆત અગાઉ એક ટકાથી નીચો સુધારો દર્શાવવા સાથે એશિયન બજારોની સામે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવતાં સ્થાનિક બજારોએ બજેટ રજૂઆતો પૂરી થયા બાદ ઊર્ધ્વ દિશામાં ગતિ દર્શાવી હતી અને બંધ થયા ત્યાં સુધીમાં તેઓ સુધરતાં રહ્યાં હતાં અને આખરે 5 ટકાના એકદિવસીય સુધારે બંધ રહ્યાં હતાં.

જ્યારે સવારે 2-3 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહેલાં એશિયન બજારો ત્યાંના ત્યાં ટકેલાં રહ્યાં હતાં. જેમાં કોસ્પી 2.7 ટકા ઉછળ્યો હતો અને હેંગ સેંગ 2.15 ટકાનો સુધારો દર્શાવતો હતો. તાઈવાન અને જાપાનના બજારો અનુક્રમે 1.8 ટકા અને 1.55 ટકાનો ઉછાળો નોંધાવી રહ્યાં હતાં. યુરોપના બજારોમાં જર્મની 1.337 ટકા અને કેક 1.3 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. યુએસ ખાતે ડાઉ ફ્યુચર્સ 223 પોઈન્ટ્સના સુધારા સાથે ફરી 30 હજારની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.

સોમવારે વૈશ્વિક સૂચકાંકોનો દેખાવ

ઈન્ડાઈસીસ વૃદ્ધિ(%)

સેન્સેક્સ 5.0

કોસ્પી 2.7

હેંગ સેંગ 2.15

તાઈવાન 1.8

નિક્કાઈ 1.55

ડેક્સ 1.37

કેક 1.3

ફૂટ્સી 1.03

શાંઘાઈ કંપોઝીટ 0.64

વૈશ્વિક બજારમાં તેજી પાછળ ચાંદી રૂ. 4100 ઉછળી રૂ. 74000ને પાર

બજેટમાં આયાત જકાતમાં ઘટાડો કરવામાં આવતાં સોનામાં 1.4 ટકાનો ઘટાડો નોંધાયો

સોમવારે સોનું-ચાંદીમાં વિરોધી ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે આ માટે વૈશ્વિક બજારે મહત્વનો ભાગ ભજવ્યો હતો. નાણાપ્રધાને તેમની બજેટની રજૂઆતમાં સોનું-ચાંદી પરની આયાત જકાતમાં 5 ટકાનો ઘટાડો કર્યો હતો. જેની પાછળ વૈશ્વિક બજારમાં સોનું મજબૂત હોવા છતાં સ્થાનિક બજારમાં 1.4 ટકાનો ઘટાડો દર્શાવતું હતું. જ્યારે બીજી બાજુ વૈશ્વિક બજારમાં ચાંદીમા તીવ્ર લેવાલી પાછળ 11 ટકાનો ઉછાળો જોવા મળતો હતો અને તેને કારણે સ્થાનિક બજારમાં આયાત ડ્યુટીના ઘટાડાને ડિસ્કાઉન્ટ કર્યાં બાદ પણ તે 6 ટકા ઉછળી અંતિમ 6 મહિનાની ટોચ પર ટ્રેડ દર્શાવી રહી હતી.

એમસીએક્સ ખાતે સિલ્વર માર્ચ વાયદો રૂ. 74426ની ટોચ પર ટ્રેડ થયો હતો. સોમવારે બજેટ ખૂલે તે અગાઉ જ વૈશ્વિક બજારમાં ચાંદી 8 ટકા ઉછાળા સાથે 28 ડોલરની સપાટી પાર કરી ગઈ હતી. જેની પાછળ એમસીએક્સ વાયદો અગાઉના રૂ. 69700ના બંધ સામે રૂ. 73 હજારની સપાટી પર રૂ. 3900ના ગેપ-અપ ઓપનીંગ સાથે ખૂલ્યો હતો. જોકે બજેટમાં આયાત ડ્યુટી ઘટાડાને 12.5 ટકા પરથી 5 ટકા ઘટાડી 7.5 ટકા કરવાની જાહેરાત બાદ તેણે કેટલોક સુધારો ગુમાવ્યો હતો. જોકે વૈશ્વિક બજારમાં બપોર બાદ ચાંદીએ 11 ટકાથી વધુના સુધારે 29.90 ડોલરની જુલાઈ મહિનાની ટોચ નજીક પહોંચી હતી અને સ્થાનિક બજારમાં પણ નવી ટોચ બની હતી. જોકે સોનું ચાંદી સાથે તાલ મિલાવી શક્યું નહોતું. એમસીએક્સ ફેબ્રુઆરી વાયદો ગયા સપ્તાહના રૂ. 49096ના બંધ ભાવ સામે રૂ. 49370ના સ્તરે ગેપ-અપ ઓપનીંગ બાદ બજેટમાં આયાત ડ્યુટી ઘટતાં તૂટીને રૂ. 47200ન સ્તરે પટકાયું હતું. જ્યાંથી બાઉન્સ થઈ રૂ. 48400 પર રૂ. 700ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનું 18 ડોલરની મજબૂતી સાથે 1868 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર પોઝીટીવ ટ્રેડ દર્શાવતું હતું. આમ લાંબા સમયબાદ ચાંદી સામે સોનું અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહી હતી. માર્કેટ વર્તુળોના મતે ચાંદીએ રૂ. 71 અને રૂ. 73 હજારના સ્તરો પાર કરતાં હવે રૂ. 77 હજારનો અવરોધ છે. જે પાર થતાં ચાંદી રૂ. 80 હજારના સ્તરને સ્પર્શ કરી શકે છે.

બેંક, સ્ટીલ અને ઓટો મીડ-કેપ્સમાં 11 ટકા સુધીનો ઉછાળો

અર્બન ટ્રાન્સપોર્ટ માટે મોટા પ્રમાણમાં બસો ખરીદવાની જાહેરાત પાછળ અશોક લેલેન્ડમાં 10 ટકા ઉછાળો

નાણાપ્રધાનની બજેટની રજૂઆત બાદ લાર્જ-કેપ્સમાં ફાટ-ફાટ તેજી જોવા મળી હતી. જોકે કેટલાક મીડ-કેપ્સે પણ દ્વિઅંકી સુધારો નોંધાવ્યો હતો. જેમાં બેંકિંગ, એનબીએફસી, સ્ટીલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રના જાણીતા કાઉન્ટર્સનો સમાવેશ થતો હતો.

એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ કાઉન્ટર્સનો અભ્યાસ કરીએ તો જણાય છે કે આરબીઆઈ બેંકમાં 11 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. ગયા સપ્તાહે પરિણામો પાછળ ઘટાડો દર્શાવનાર કાઉન્ટરમાં બજેટ પાછળ બાઉન્સ જોવા મળ્યું હતું અને રૂ. 238ની સપાટી પાર કરી ગયો હતો. સરકારે એનબીએફસીને આપેલી રાહતો પાછળ ચોલામંડલમ ફીનનો શેર 11 ટકા ઉછળ્યો હતો. જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જંગી ખર્ચની જાહેરાત પાછળ સ્ટીલ ઓથોરિટીનો શેર 10 ટકા ઉચકાયો હતો. રૂ. 80ના સ્તરેથી ઘટી રૂ. 56 પર પટકાયેલો સેઈલ રૂ. 63નું સ્તર પાર કરી ગયો હતો. નાણાપ્રધાને અર્બન ટ્રાન્સપોર્ટેશન માટે 20000 થી વધુ બસો ખરીદવા માટેની જાહેરાત પાછળ અશોક લેલેન્ડનો શેર 10 ટકા જેટલો ઉછળ્યો હતો અને રૂ. 122ની સપાટી પર બંધ આવ્યો હતો. ટાયર કંપની અપોલો ટાયરનો શેર પણ 10 ટકા ઉછળી તેની સર્વોચ્ચ સપાટી નજીક બંધ રહ્યો હતો. સરકારે હાઉસિંગ ક્ષેત્રે આપેલી રાહતો પાછળ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓમાં એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના શેર્સ અનુક્રમે 9.25 ટકા અને 8.25 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક્સના રિકેપિટલાઈઝેશનની જાહેરાત પાછળ કેનેરા બેંક અને બેંક ઓફ ઈન્ડિયામાં અનુક્રમે 8.03 ટકા અને 7.63 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. પીએસયૂ બેંક્સમાં બંને કંપનીઓએ અગ્રણી સુધારો નોંધાવ્યો હતો.

બજેટ બાદ ટોચનો સુધારો દર્શાવનાર મીડ-કેપ્સ

સ્ક્રિપ્સ વૃદ્ધિ(%)

આરબીએલ બેંક 11.37

ચોલામંડલમ ફીન 11.13

સેઈલ 10.23

અશોક લેલેન્ડ 9.88

એપોલો ટાયર 9.84

કમિન્સ ઈન્ડ. 9.78

એલઆઈસી હાઉ. 9.26

ઈન્ડિયાબુલ્સ હાઉ. 8.25

કેનેરા બેંક 8.03

બેંક ઓફ ઈન્ડિયા 7.63

L&T ફાઈ. 7.5

ટાટા પાવર 7.43

એયૂ બેંક 7.06

રામ્કો સિમેન્ટ 7.04

અદાણી જૂથની કંપનીઓમાં તીવ્ર ઉછાળો જોવાયો

નવા સાત પોર્ટ પીપીપી ધોરણે વિકસાવવાની જાહેરાત પાછળ અદાણી પોર્ટનો શેર 7 ટકા ઉછળ્યો

અતુલ, જીએસપીએલ, કેડિલા, સિમ્ફની જેવી ગુજરાતી કંપનીઓનો શેર્સે મધ્યમ સુધારો નોંધાવ્યો

વર્ષ 2021-22 માટેના બજેટની રજૂઆત બાદ ગુજરાત સ્થિત કંપનીઓમાં સૌથી વધુ પોઝીટીવ પ્રતિક્રિયા અદાણી જૂથના શેર્સે દર્શાવી હતી. રૂ. 5 હજાર કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓના સોમવારે શેરબજાર પર દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે એન્જિનીયરીંગ અને ફાર્મા કંપનીઓ સિવાય અન્ય કંપનીઓએ પોઝીટીવ દેખાવ દર્શાવ્યો હતો. ફાર્મા કંપનીઓમાં પણ કેડીલાનો શેર કોવિડ વેક્સિન માટે સરકારની રૂ. 35000 કરોડની ફાળવણી પાછળ પોઝીટીવ બંધ રહ્યો હતો. જોકે રાજ્ય સ્થિત અન્ય અગ્રણી ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્માનો શેર 2.7 ટકા ઘટી બંધ આવ્યો હતો.

અદાણી જૂથની કંપનીઓમાં અદાણી પોર્ટ્સનો શેર 7 ટકા ઉછળી રૂ. 544ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 6.5 ટકા ઉછળી રૂ. 540ના સ્તર પર બંધ રહ્યો હતો. બંને કંપનીઓના શેર ગયા સપ્તાહે તેમની ટોચ બનાવી બજારમાં કરેક્શન પાછળ ઘટ્યાં હતાં. જ્યાંથી સોમવારે પરત ફર્યાં હતાં. અદાણી ટ્રાન્સમિશનનો શેર પણ 4.26 ટકા સુધર્યો હતો. નાણાપ્રધાને પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ વચ્ચે સ્પર્ધાત્મક્તા વધે તે દિશામાં પ્રયાસોની વાત કરી હતી. જેની અસર ખાનગી ડિસકોમ પર પોઝીટીવ જોવા મળી હતી. અદાણી ગ્રીનનો શેર 2.5 ટકા જ્યારે અદાણી પાવરનો શેર 2.24 ટકાનો સુધારો દર્શાવતો હતો. ગુજરાત સ્થિત અગ્રણી કેમિકલ કંપની અતુલ લિ.ના શેરે 2 ટકાથી વધુનો સુધારો નોંધાવ્યો હતો. જોકે ટોરેન્ટ ફાર્મા, ગુજરાત ગેસ અને યુપીએલ જેવા કાઉન્ટર્સે 2.5-4 ટકા સુધીનો ઘટાડો દર્શાવ્યો હતો.

બજેટ બાદ ગુજરાતી કંપનીઓનો દેખાવ

સ્ક્રિપ્સ વધ-ઘટ(%)

અદાણી પોર્ટ્સ 6.69

અદાણી એન્ટરપ્રાઈઝ 6.48

અદાણી ટ્રાન્સમિશન 4.26

અદાણી ગ્રીન 2.5

અદાણી પાવર 2.24

અતુલ 2.2

જીએસપીએલ 2.17

કેડિલા હેલ્થકેર 1.2

સિમ્ફની 1.19

એઆઈએ એન્જિ. -1.24

ટોરેન્ટ ફાર્મા -2.69

ગુજરાત ગેસ -3.2

યુપીએલ -4.22

બેંક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિસે સૌથી સારો દેખાવ દર્શાવ્યો

બેંક નિફ્ટી લગભગ 9 ટકા ઉછળઈ પ્રથમવાર 33000ની સપાટી કૂદાવી ગયો

એનએસઈના 39માંથી 9 સૂચકાંકો પાંચ ટકાથી વધુ ઉછળ્યાં

એકમાત્ર ફાર્માએ 0.14 ટકાનું સાધારણ નેગેટિવ રિટર્ન દર્શાવ્યું

નાણાપ્રધાનના બજેટ પાછળ માર્કેટમાં બ્રોડ બેઝ સુધારો જોવા મળ્યો હતો. જોકે તેજીની નેતાગીરી બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ ક્ષેત્રે લીધી હતી. બેંક નિફ્ટી તેની 21 જાન્યુઆરીની 32842ની ટોચને કૂદાવીને 33305 પર ટ્રેડ થયો હતો અને 33089 પર બંધ રહ્યો હતો. એક દિવસમાં જ તે 8.8 ટકા અથવા 2524 પોઈન્ટ્સ ઉછળ્યો હતો. નિફ્ટીને 5 ટકા સુધારવામાં તેણે 20 ટકાનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

બેંક નિફ્ટીના બે મહત્વના કંપોનન્ટ એવા પ્રાઈવેટ બેંક અને પીએસયૂ બેંકે પણ તીવ્ર સુધારો દર્શાવ્યો હતો. નિફ્ટી પ્રાઈવેટ બેંક 8.55 ટકા જ્યારે નિફ્ટી પીએસયૂ બેંક 8.16 ટકા ઉછળ્યાં હતાં. જ્યારે નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ 8 ટકા ઉછળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી 6.18 ટકા સાથે 4 ટકા ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી સર્વિસિસ પણ 6 ટકાથી વધુ ઉછળ્યો હતો. નિફ્ટી મેટલ 5.14 ટકા ઉછળ્યો હતો. જ્યારબાદના ક્રમે બેન્ચમાર્ક નિફ્ટી 5 ટકાની વૃદ્ધિ દર્શાવતો હતો. મીડ-કેપ સૂચકાંક નિફ્ટી-100 પણ 4.85 ટકા જ્યારે નિફ્ટી-200 4.67 ટકા જેટલો ઉછળ્યો હતો. નિફ્ટી ઓટોમોબાઈલ 4.51નો સુધારો દર્શાવતો હતો.

એનએસઈના 39 સૂચકાંકોમાંથી માત્ર ફાર્મા ઈન્ડેક્સ નેગેટિવ બંધ રહ્યો હતો. બજેટમાં ફાર્મા સ્પેસિફિક જોગવાઈના અભાવને કારણે ફાર્મા શેર્સમાં ખરીદીનો અભાવ જોવા મળ્યો હતો. ઉપરાંત ગયા સપ્તાહાંતે અગ્રણી ફાર્મા કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષાથી ઊતરતો દર્શાવતાં ફાર્મા કાઉન્ટર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેની અસર સોમવારે પણ જોવા મળી હતી.

બજેટ દિવસે સેક્ટરલ સૂચકાંકોનો દેખાવ

સૂચકાંક વૃદ્ધિ(%)

બેંક નિફ્ટી 8.79

પ્રાઈવેટ બેંક 8.55

પીએસયૂ બેંક 8.16

ફિન. સર્વિસિઝ 7.98

રિઅલ્ટી 6.18

સર્વિસિસ 6.02

ઈન્ફ્રા. 5.21

મેટલ 5.14

નિફ્ટી 100 4.85

નિફ્ટી 200 4.67

નિફ્ટી ઓટો 4.51

માર્કેટ માટે 23 વર્ષમાં શ્રેષ્ઠ બજેટ દિવસ જોવા મળ્યો

સેન્સેક્સ 2315 પોઈન્ટ્સ ઉછળી 48601 પર બંધ રહ્યો

નિફ્ટી 647 પોઈન્ટ્સ ઉછળી 14300ની નજીક પહોંચ્યો

બજેટ 2020ના દિવસે બેન્ચમાર્કમાં 2.43 ટકાનો ઘટાડો નોંધાયો હતો

2010થી અત્યાર સુધીમાં રજૂ થયેલા 14 બજેટમાં બજારે 7 દરમિયાન પોઝીટીવ અને 7 દરમિયાન નેગેટિવ દેખાવ દર્શાવ્યો છે

નાણાપ્રધાન નિર્મલા સીતારામને 2021-22 માટે રજૂ કરેલું બજેટ શેરબજાર રોકાણકારો માટે ડ્રીમ બજેટ બની રહ્યું હતું. શેરબજારે બજેટને છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળાનો શ્રેષ્ઠ પ્રતિસાદ આપ્યો હતો. જેની પાછળ બેન્ચમાર્ક સેન્સેક્સ 5 ટકા અથવા 2315 ઉછળી 48601ના સ્તરે બંધ રહ્યો હતો. બજેટે બજારમાં સતત છ દિવસથી જોવા મળતાં ઘટાડાને બ્રેક મારવા સાથે અંતિમ કેટલાક દિવસોમાં માર્કેટમાં જોવા મળેલા તીવ્ર ઘટાડાનો 60 ટકા રિકવરી દર્શાવી દીધી હતી.

બજેટના બુસ્ટર ડોઝ પાછળ બજારે એક ઝાટકામાં તેના તમામ મહત્વના અવરોધોને પાર કર્યાં હતાં. નિફ્ટી ગયા સપ્તાહાંતે તેના 13635ના બંધ સામે 14000 અને 14300ને પાર કર્યું હતું અને આખરે 647 પોઈન્ટ્સના સુધારે 14281નું બંધ દર્શાવ્યું હતું. એનાલિસ્ટ્સના મતે બજાર ફરી મજબૂત બન્યું છે અને તે 21 જાન્યુઆરીએ દર્શાવેલા 14753ના તેના ઓલ-ટાઈમ હાઈને ફરી સ્પર્શે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. સોમવારના સુધારા બાદ મંગળવારે પણ બજારમાં વધુ શોર્ટ કવરિંગ પાછ સુધારો ચાલુ રહી શકે છે એમ તેઓ જણાવે છે.

સોમવારે એક દિવસમાં 5 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જે 1997 બાદ એટલે કે અંતિમ 24 વર્ષોમાં બજેટ દિવસનો શ્રેષ્ઠ દેખાવ હતો. અંતિમ દાયકામાં રજૂ થયેલા 14 બજેટ દરમિયાન બજારના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે છેલ્લા વર્ષોમાં આટલો તીવ્ર ઉછાળો નથી જોવા મળ્યો. ગયા વર્ષે નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટની પ્રતિક્રિયામાં બજારે 2.43 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. કુલ 14 બજેટમાંથી ત્રણ વાર બજેટ એક ટકાથી વધુનો ઘટાડો દર્શાવતું હતું. જ્યારે સુધારાતરફી ચાલમાં બજારે 14માંથી સાત વાર પોઝીટીવ દેખાવ દર્શાવ્યો હતો. જેમાંથી માત્ર બે વાર એક ટકાથી વધુનો સુધારો નોંધાવ્યો હતો. જેમાં ફેબ્રુઆરી 2017માં તેણે વર્તમાન બજેટ બાદનો 1.76 ટકાનો બીજો સારો દેખાવ દર્શાવ્યો હતો. જ્યારે તે અગાઉ ફેબ્રુઆરી 2010માં 1.08 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. જે સિવાયના બજેટ દિવસોમાં બજારે એક ટકાથી ઓછી વધ-ઘટ દર્શાવી હતી અને ફ્લેટિશ બંધ આપ્યાં હતાં. સોમવારે તીવ્ર સુધારા બાદ પણ અંતિમ 14 બજેટ દિવસો દરમિયાન બજાર સરેરાશ ધોરણે 0.06 ટકાનું સાધારણ નેગેટિવ રિટર્ન જ સૂચવે છે.

અંતિમ 10 વર્ષમાં બજેટ દિવસનો દેખાવ

બજેટ દિવસ સેન્સેક્સ વૃદ્ધિ(%)

26/02/2010 16429 1.08

28/02/2011 17823 0.69

16/03/2012 17466 -1.19

28/02/2013 18861 -1.52

17/02/2014 20464 0.48

10/07/2014 25372 -0.28

28/02/2015 29361.5 0.48

29/02/2016 23002 -0.66

01/02/2017 28142 1.76

01/02/2018 35906 -0.16

01/02/2019 36469 0.59

05/07/2019 39513 -0.99

01/02/2020 39735 -2.43

01/02/2021 48600 5.00

સરેરાશ -0.06

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage