Market Summary 1 July 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી
સતત ચોથા સત્રમાં તેજી-મંદીવાળાઓ વચ્ચે અફડા-તફડી
એશિયન હરિફોની સરખામણીમાં ભારતીય બજારનો ચડિયાતો દેખાવ
તાઈવાન બજારમાં 3.3 ટકાનો કડાકો, જાપાન 1.7 ટકા ડાઉન
આઈટીસી પાછળ એફએમસીજી ઈન્ડેક્સમાં 3 ટકા ઉછાળો
ઓટો, મેટલ, આઈટી, રિઅલ્ટી, ફાર્મામાં પણ મજબૂતી
ઓઈલ રિફાઈનર્સ પર ટેક્સ પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાત ટકા તૂટ્યો, ONGCમાં 14 ટકાનું ગાબડું
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.7 ટકા ગગડી 21.25ના સ્તરે
સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં બુલ્સ અને બેર્સ વચ્ચે ચડસા-ચડસી જોવા મળી હતી. જેમાં આખરે મંદીવાળાઓનો હાથ ઉપર રહ્યો હતો અને બજાર સાધારણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યું હતું. જોકે બ્રોડ માર્કેટમાં સ્થિતિ સારી જળવાય હતી અને બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 111 પોઈન્ટ્સ નરમાઈ સાથે 52908ની સપાટીએ જ્યારે નિફ્ટી 28.20ના ઘટાડે 15752 પર બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાઁથી 38 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 12 નેગેટિવ જોવા મળતાં હતાં. આમ લાર્જ-કેપ્સમાં પણ માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.7 ટકા ઘટાડા સાથે 21.25ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં ભારતીય બજારે વૈશ્વિક બજારો પાછળ નરમાઈ સાથે કામગીરીની શરૂઆત દર્શાવી હતી. જ્યાંથી જોતજોતામાં બજાર એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતું થયું હતું. જોકે બુલ્સ અડગ રહેતાં શોર્ટ સેલર્સે કાપણી કરવાની ફરજ પડી હતી અને જુલાઈ સિરિઝના પ્રથમ દિવસે માર્કેટ ઈન્ટ્રા-ડે તળિયા પરથી પરત ફરી ગ્રીન ઝોનમાં ટ્રેડ થયું હતું. આખરે એવરેજિંગને કારણે તે રેડ બંધ દર્શાવતું હતું. નિફ્ટી 15511ના દિવસના તળિયાથી સુધરી 15794ના સ્તર સુધી સુધર્યો હતો. તેને એફએમસીજી, ફાઈનાન્સિયલ્સ, મેટલ્સ અને ફાર્મા તરફથી મહત્વનો સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં આઈટીસી 4 ટકા સુધારા સાથે સૌથી વધુ સુધારો દર્શાવી રહ્યો હતો. જ્યારે બજાજ બેલડીએ પણ 3-4 ટકાની રેંજમાં સુધારો નોંધાવ્યો હતો. જેમાં બજાજ ફાઈનાન્સ 4 ટકા અને બજાજ ફિનસર્વ 3.6 ટકા સુધારો દર્શાવતો હતો. સિપ્લાએ 3.5 ટકા સુધારો નોંધાવ્યો હતો. જ્યારે બ્રિટાનિયાએ 3.4 ટકા, બીપીસીએલ 3.2 ટકા અને એશિયન પેઈન્ટ્સે 2.9 ટકા સુધારો દર્શાવ્યો હતો. માર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ ઓઈલ શેર્સ હતાં. સરકારે રિફાઈનર્સ તરફથી થતી નિકાસ પર ટેક્સ લાગુ પાડતાં ઓએનજીસીમાં 13.53 ટકાનું ગાબડું પડ્યું હતું. શેર એક દિવસમાં રૂ. 20.50 ગુમાવી રૂ. 131.05ના સ્તરે બંધ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 7.2 ટકા ગગડી રૂ. 2408.70ના સ્તરે બંધ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર નવેમ્બર 2020 બાદ પ્રથમવાર આટલો તીવ્ર એક દિવસીય ઘટાડો દર્શાવી રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પોરેશનનો શેર 2.55 ટકા ગગડી રૂ. 206.50ના સ્તરે બંધ રહ્યો હતો.
જો સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએ તો નિફ્ટી એફએમસીજી 3 ટકા જેટલો સુધર્યો હતો. જ્યારે નિફ્ટી રિઅલ્ટી 1.6 ટકા, નિફ્ટી ફાર્મા 0.84 ટકા, નિફ્ટી મેટલ 0.76 ટકા, નિફ્ટી આઈટી 0.8 ટકા અને નિફ્ટી મિડિયા 0.7 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બેંકિંગ શેર્સમા પણ સુધારો જોવા મળ્યો હતો. જેને કારણે બેંક નિફ્ટી 0.34 ટકા પોઝીટીવ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં નીચા સ્તરે લેવાલી જળવાવાને કારણે મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો પણ 0.5 ટકાથી 0.8 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીએસઈ ખાતે કુલ 3435 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1738 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1546 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 151 કાઉન્ટર્સે તેમના અગાઉના બંધ પર સ્થિર જળવાયાં હતાં. 68 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 64 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 13 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે એક કાઉન્ટર લોઅર સર્કિટમાં બંધ દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં મૂથૂત ફાઈનાન્સનો શેર 6.8 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. સરકારે ગોલ્ડ આયાત ડ્યુટીમાં વૃદ્ધિ કરતાં ગોલ્ડ ફાઈનાન્સિંગ કંપનીઓના શેર્સમાં ખરીદી જોવા મળી હતી. એક અન્ય ગોલ્ડ ફાઈનાન્સ કંપની મણ્ણાપુરમ ફાઈનાન્સનો શેર પણ 3.76 ટકા સુધર્યો હતો. આ સિવાય જ્યુબિલિઅન્ટ ફૂડ 5.7 ટકા, એચપીસીએલ 5.18 ટકા, ડેલ્ટા કોર્પ 3.85 ટકા, ફેડરલ બેંક 3.82 ટકા, ગોદરેજ કોર્પ 3.8 ટકા, આઈડીએફસી 3.8 ટકા, ડો. લાલ પેથલેબ 3.7 ટકા, સિપ્લા 3.5 ટકા અને બ્રિટાનિયા 3.4 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ વેદાંત 4 ટકા, એસઆરએફ 4 ટકા અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ 2.6 ટકા ઘટાડો સૂચવતાં હતાં.

રિફાઈનરી કંપનીઓના શેર્સમાં ગાબડું
કંપની 30 જૂનનો બંધ(રૂ.) 1 જુલાઈનો બંધ(રૂ.) ઘટાડો(ટકામાં)
OIL 251.5 214.2 -14.83
ONGC 151.55 131.4 -13.3
MRPL 90.6 81.55 -9.99
RIL 2595.65 2406 -7.31
ચેન્નાઈ પેટ્રો. 313.6 298.9 -4.69
IOC 74.25 74.7 0.61



યુએસ ડોલર સામે રૂપિયો 7 પૈસા ગગડી નવા તળિયે
શુક્રવારે ઈક્વિટી માર્કેટમાં નરમાઈ વચ્ચે યુએસ ડોલર સામે ભારતીય ચલણે નવી નીચી સપાટી દર્શાવી હતી. સરકાર તરફથી ગુરુવારે મોડી રાતે ગોલ્ડ ઈમ્પોર્ટ ડ્યુટીમાં વૃદ્ધિના પગલાની પણ રૂપિયા પર કોઈ પોઝીટીવ અસર જોવા મળી નહોતી. રૂપિયો કામકાજની શરૂઆતમાં 78.99ની સપાટીએ બે પૈસા નરમાઈ સાથે ઓપન થયા બાદ વધુ ગગડીને 79.12ના ઈન્ટ્રા-ડે તળિયા પર ટ્રેડ થયો હતો. જે તેનું ડોલર સામેનું અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર હતું. જોકે માર્કેટમાં સુધારા સાથે રૂપિયો પણ સુધર્યો હતો અને 79.04ના સ્તરે સાત પૈસા ઘટાડે બંધ રહ્યો હતો. ગુરુવારે તેણે 78.97ની સપાટી પર ક્લોઝ આપ્યું હતું. ફોરેક્સ એનાલિસ્ટ્સના મતે રૂપિયો ઓવરસોલ્ડ ઝોનમાં છે અને તેથી આગામી સપ્તાહે એક બાઉન્સ દર્શાવી શકે છે. હવે તેને 79.30ના સ્તરે સપોર્ટ છે. જે તૂટતાં 79.50 અને 79.80ના લેવલ્સ દર્શાવી શકે છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 0.26 ટકા સુધારા સાથે 104.743ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તે ઊંચી વોલેટિલિટી દર્શાવી રહ્યો છે.
જૂનમાં મારુતિના વેચાણમાં સાધારણ ઘટાડો નોંધાયો
દેશમાં ટોચની પેસેન્જર વ્હીકલ્સ ઉત્પાદક મારુતિ સુઝુકીના વેચાણમાં જૂન મહિનામાં 1.2 ટકાનો સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. ગયા વર્ષે જૂન મહિનામાં 1,24,280 યુનિટ્સ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં કંપનીએ 1,22,685 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. કંપનીએ સેમીકંડક્ટર્સની અછતને કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હોવાનું જણાવ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે ડોમેસ્ટીક મોડેલ્સ પર ઈલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સની અછતની અસર પડી હતી. જોકે કંપનીએ તેને લઘુત્તમ રાખવા માટેના તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. જો ટોયોટા કિર્લોસ્કર તરફથી બલેનો અને બ્રેઝાના વેચાણના આંકડા ગણનામાં લઈએ તો જૂન મહિનામાં કંપનીની રવાનગી 132024 યુનિટ્સ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 130348 યુનિટ્સ પર હતી. કંપનીના એન્ટ્રી લેવલ મોડેલ્સ અલ્ટો અને એસ-પ્રેસોના વેચાણમાં જૂન મહિનામાં વાર્ષિક 17 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બ્રેઝા, અર્ટીગા, એસ-ક્રોસ અને એક્સએલ6નું જૂન મહિનાનું વેચાણ ઘટીને 18860 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 28172 યુનિટ્સ પર હતું. જોકે કંપનીની જૂન મહિનામાં નિકાસ 17020 યુનિટ્સ પરથી વધી 23833 યુનિટ્સ પર રહી હતી.



ઈમ્પોર્ટ ડ્યુટી વધતાં ગોલ્ડમાં રૂ. 1200નો ઉછાળો નોંધાયો
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ જોકે ગગડીને 1800 ડોલર નીચે ઉતરી ગયો
કેન્દ્ર સરકારે ગુરુવારે રાતે દેશમાં ગોલ્ડ પરની ઈમ્પોર્ટ ડ્યુટીને 5 ટકા વધારી 12.5 ટકા કરતાં સ્થાનિક બજારમાં કિંમતી ધાતુના ભાવમાં 10 ગ્રામે રૂ. 1000-1200નો સુધારો જોવા મળ્યો હતો. ગુરુવારે રૂ. 52300ની સપાટીએ જોવા મળતાં ભાવ શુક્રવારે રૂ. 53500 પર બોલાયા હતા. શુક્રવારે રૂપિયામાં વધુ નરમાઈને કારણે પણ સ્થાનિક ગોલ્ડને થોડો સપોર્ટ મળ્યો હતો વૈશ્વિક બજારમાં તો સોનુ 1800 ડોલરની સપાટી નીચે ઉતરી ગયું હતું.
સોના પર આયાત ડ્યુટીમાં વૃદ્ધિની મોટાભાગના વર્ગને શુક્રવારે સવારે જાણ થઈ હતી અને તેને કારણે આંચકો પણ લાગ્યો હતો. ખાસ કરીને રથયાત્રા જેવા શુકનવંતા ગણાતા દિવસે આ પ્રકારના નિર્ણયથી આશ્ચર્ય થયું હતું. જોકે વર્તુળોના મતે સરકારનો હેતુ ગોલ્ડની આયાત ઓછી કરવાનો છે. જેથી વિદેશી હૂંડિયામણને બચાવી શકાય અને તેથી જ તેણે આ નિર્ણય લીધો છે. આયાત ડ્યુટીમાં 5 ટકા વૃદ્ધિ બાદ કુલ ઈમ્પોર્ટ ડ્યુટી 12.5 ટકા રહેશે. તે સિવાય 2.5 ટકા એગ્રી સેસ અને 0.75 ટકા વેલફેર સરચાર્જને ગણતાં ગોલ્ડ પર ઈફેક્ટીવ ડ્યુટી રેટ 15.75 ટકાનો રહેશે. જેને કારણે ભારતમાં ગોલ્ડનો પડતરભાવ દુબઈની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો જોવા મળશે. દુબઈ ખાતે 5 ટકા અને ભારતમાં 7.5 ટકા ડ્યુટી અસ્તિત્વમાં હતી ત્યારે 2.5 ટકા ડ્યુટી લાભ આકર્ષક નહિ હોવાથી દાણચારીનું પ્રમાણ ઘટ્યું હતું. જેમાં હવે ફરીથી વૃદ્ધિ જોવા મળી શકે છે એમ બુલિયન વેપારી જીગર સોની જણાવે છે. તેમના મતે ભારત અને દુબઈમાં ભાવ વચ્ચે ગાળો વધવાને કારણે લોકો ફરી રિસ્ક લેવા માટે તૈયાર થઈ શકે છે. જેને કારણે સ્મગલીંગ વધી શકે છે. નવા ડ્યુટી માળખા બાદ દુબઈથી એક કિલો ગોલ્ડની ખરીદી પર રૂ. 2.5થી 3 લાખનો લાભ મળી શકે છે. જોકે ગોલ્ડની સ્થાનિક માગ પર ડ્યુટી વધવાની કોઈ મોટી અસર જોવા મળે તેવું તેઓ નથી માનતાં. એકાદ સપ્તાહ માટે ખરીદારો રાહ જોવાનું પસંદ કરી શકે છે. ભાવ ઘટશે એટલે તેઓ ફરી ખરીદી માટે બજારમાં આવશે એમ તેઓ ઉમેરે છે.


ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે લીધેલાં નિર્ણયથી જ્વેલર્સને આંચકો
ડ્યુટી વધવાને કારણે દાણચોરી વધશે, રોકાણરૂપી ખરીદી ઘટશે
સરકારે રથયાત્રાના શુભ દિવે ગોલ્ડ પર આયાત ડ્યુટી વધારતાં જ્વેલરી બજારમાં ઉદાસી છવાઈ હતી. જ્વેલર્સના મતે સરકારના આ નિર્ણયને કારણે ફરીથી ગ્રે-માર્કેટમાં કામકાજ વધશે. જ્યારે કાયદેસર વેપાર પર અસર પડશે. શુક્રવારે અપેક્ષિત કમાણીમાં 20-25 ટકા જેટલી અસર પડી હોવાનું તેઓ જણાવતાં હતાં.
અમદાવાદ સ્થિત ટોચના જ્વેલરના મતે સરકારે સોનાની આયાત ઓછી થાય તે માટે આ નિર્ણય લીધો છે પરંતુ આનાથી ગેરકાયદે વેપારને વેગ મળશે. બંનંબરનો ધંધો વધશે અને સરકારનો કંટ્રોલ ઘટશે. જેઓ બિલથી જ કામ કરે છે તેમના વેપારમાં ઘટાડો જોવા મળી શકે છે. જોકે જ્વેલરી માટે લોકો બ્રાન્ડ કોન્સિયસ બન્યાં હોવાથી અગ્રણી જ્વેલર્સને નુકસાન ભોગવવું ના પડે તેવું બને. જોકે ઓર્ગેનાઈઝ્ડ ક્ષેત્રે હજુ બ્રાન્ડ બનાવી શક્યાં નથી તેવા જ્વેલર્સના વોલ્યુમ ઘટી શકે છે. તેમના મતે કાયદેસર ખરીદી કરનારાઓ જ્યારે પણ માલ પરત વેચવા જાય છે ત્યારે તેમને ડ્યુટીના ભાવ મળી જ જાય છે અને તેથી ગ્રાહક માટે બહુ ચિંતાનો સવાલ રહેતો નથી.


ગોલ્ડ પર લાગુ પડનારું કસ્ટમ ડ્યુટી ટેબલ
વિવિધ ડ્યુટી ટકા રકમ(રૂ.)
એક્સેસિબલ વેલ્યૂ(A) રૂ. 100000
બેસિક કસ્ટમ ડ્યુટી 12.5(A ના) રૂ. 12500
એઆઈડીસી 2.5(A ના) રૂ. 2500
કુલ(D) રૂ. 115000
આઈજીએસટી 3(D ના) રૂ. 3450
ગોલ્ડની કુલ ઈમ્પોર્ટ વેલ્યૂ રૂ. 118450


રોકાણકારો સોવરિન ગોલ્ડ બોન્ડ્સ તરફ વળશે?
દેશમાં ફિઝિકલ ગોલ્ડની ખરીદી મોંઘી બનવાથી ગોલ્ડ રોકાણકારો માટે સોવરિન ગોલ્ડ બોન્ડ્સ પીળી ધાતુમાં રોકાણનો સારો વિકલ્પ બની રહેશે એમ એનાલિસ્ટ્સનું કહેવું છે. તેમના મતે સોવરિન ગોલ્ડ બોન્ડ્સની ખરીદી પર વાર્ષિક 2.5 ટકાનું ફિક્સ ઈન્ટરેસ્ટ આપવામાં આવે છે. તે ઉપરાંત ગોલ્ડના ભાવમાં થતી વૃદ્ધિનો લાભ તો મળે જ છે. બીજી બાજુ તેને સાચવણી માટે કોઈ ખર્ચ થતો નથી અને સરળ લિક્વિડેશન થઈ શકે છે. સરકારને પણ દેશના લોકો પેપર ગોલ્ડમાં રોકાણ તરફ વળે તેનાથી લાભ છે.


જૂન મહિનામાં વિદેશી રોકાણકારોએ રૂ. 50 હજાર કરોડનું વેચાણ નોંધાવ્યું
માર્ચ 2020માં રૂ. 62 હજાર કરોડની વેચવાલી પછીનું બીજું સૌથી મોટું વેચાણ
FPIsએ ભારતીય બજારમાં છેલ્લાં
નવ મહિનામાં કુલ રૂ. 2.56 લાખ કરોડનું વેચાણ દર્શાવ્યું
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(એફપીઆઈ)એ જૂન મહિનામાં ભારતીય શેરબજારમાં રૂ. 50203 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું હતું. જે માર્ચ 2020માં તેમના તરફથી જોવા મળેલા માસિક રૂ. 61973 કરોડના ઐતિહાસિક વેચાણ પછી એક મહિનાના સમયગાળામાં જોવા મળેલી બીજી સૌથી મોટી વેચવાલી છે. વિદેશી રોકાણકારોએ સતત નવમા મહિને વેચવાલી જાળવી રાખી હતી. જે દરમિયાન તેઓ ભારતીય બજારમાં રૂ. 2.5 લાખ કરોડથી વધુનું વેચાણ દર્શાવી ચૂક્યાં છે.
ભારતીય બજારમાં વિદેશી સંસ્થાઓ તરફથી અવિરત વેચવાલી પાછળના મુખ્ય કારણો આર્થિક તથા જીઓપોલિટિકલ હોવાનું માર્કેટ એનાલિસ્ટ્સ જણાવે છે. સાથે વૈશ્વિક સેન્ટ્રલ બેંકર્સ તરફથી થઈ રહેલા મોનેટરી ટાઈટનીંગને કારણે પણ એફપીઆઈ સતત વેચાણ જાળવી રહ્યાં છે. યુએસ ડોલરમાં મજબૂતી પાછળ યિલ્ડમાં સતત વૃદ્ધિને કારણે ઈમર્જિંગ માર્કેટ્સ 1998 પછીનો સૌથી ખરાબ વાર્ષિક દેખાવ દર્શાવી રહ્યાં છે. ટોચના બ્રોકરેજના એનાલિસ્ટના જણાવ્યા મુજબ જે દેશો ચાલુ ખાતાની ઊંચી ખાધ ધરાવે છે ત્યાં એફપીઆઈની વેચવાલી સ્વાભાવિક છે. કેમકે હાલમાં તેમના ચલણો ડોલર સામે ખૂબ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. ભારતીય રૂપિયો ડોલર સામે 79ની સપાટી પાર કરી ગયો છે. શુક્રવારે તે ઐતિહાસિક તળિયા પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ક્રૂડના ભાવમાં મજબૂતીને કારણે ભારતીય અર્થતંત્રના વૃદ્ધિ દર પર નેગેટિવ અસર જોવા મળી શકે છે. છેલ્લાં ત્રણ મહિનાથી બ્રેન્ટ ક્રૂડ વાયદો મોટેભાગે 100 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. વધતાં ઓઈલ ઈમ્પોર્ટ બિલને કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ 2022-23માં જીડીપીના 3 ટકાથી વધુ જવાની શક્યતાં જોવાઈ રહી છે. જેની પાછળ રૂપિયામાં વધુ ઘટાડાની શક્યતાં હોવાનું તેઓ ઉમેરે છે.
વિદેશી સંસ્થાકિય રોકાણકારો ઓક્ટોબર 2021થી સતત વેચવાલ જોવા મળી રહ્યાં છે. જૂન 2022માં પૂરા થતાં નવ મહિના સુધીમાં તેમણે કુલ રૂ. 2.56 લાખ કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે. જોકે એફપીઆઈની વેચવાલી માત્ર ભારતીય બજાર પૂરતી જ મર્યાદિત નથી જળવાય. તેમણે તમામ અગ્રણી ઈમર્જિંગ માર્કેટ્સમાં વેચવાલી નોંધાવી છે. જેમાં સાઉથ કોરિયા, તાઈવાન, ફિલિપિન્સ અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. આ બજારોએ તો ભારતીય બજાર કરતાં પણ ખરાબ દેખાવ નોંધાવ્યો છે. એક પીએમએસ મેનેજરના જણાવ્યા મુજબ ઈન્ટરેસ્ટ રેટમાં વૃદ્ધિને કારણે નાણા ઈક્વિટીથી ડેટ માર્કેટ તરફ વળી રહ્યાં છે. ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ પાછળ પ્રાઈસ-ટુ-અર્નિંગ્સમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.


કોર્પોરેટ હેડલાઈન્સ

અશોક લેલેન્ડઃ કમર્સિયલ વ્હીકલ ઉત્પાદકે જૂન મહિનામાં 13469 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે જૂન 2021ની સરખામણીમાં 130 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવે છે. જૂન 2021માં કંપનીએ 5851 યુનિટ્સ વેચ્યાં હતાં. કંપનીનું કુલ વેચાણ 37124 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષના 16550 યુનિટ્સની સરખામણીમાં 124 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
ઈન્ડિયન હોટેલ્સઃ તાતા જૂથની કંપનીના ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી સારો દેખાવ કરે તેવી અપેક્ષા છે. તેમની કંપની 2025 સુધીમાં 300 પ્રોપર્ટીઝના ટાર્ગેટ પર પહોંચવાની ઈચ્છા ધરાવે છે. જ્યારે કુલ 35 હજાર રુમ્સ સુધી પહોંચવા ધારે છે એમ તેમણે ઉમેર્યું હતું.
એસબીઆઈઃ દેશમાં સૌથી મોટા લેન્ડરનો ગોલ્ડ લોન પોર્ટફોલિયો રૂ. એક લાખ કરોડના આંકડાને પાર કરી ગયો છે. બેંકના ચેરમેને જણાવ્યા મુજબ તેઓ ગોલ્ડ લોન્સ માર્કેટમા 24 ટકા હિસ્સો ધરાવે છે. આ સેક્ટર ઊંચો વૃદ્ધિ દર દર્શાવી રહ્યું છે.
હીરો મોટોકોર્પઃ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે આપેલા આદેશ મુજબ ટોચની ટુ-વ્હીલર્સ ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પ તેના ઈલેક્ટ્રિક વ્હીકલ્સના વેચાણ માટે હીરો ટ્રેડમાર્કનો ઉપયોગ કરી શકે છે.
ભારતી એરટેલઃ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ભારતી એરટેલમાં ગૂગલ ઈન્ટરનેશનલ તરફથી 1.28 ટકા હિસ્સાની ખરીદીને મંજૂરી આપી છે.
ફિનિક્સ મિલ્સઃ જીઆઈસીની પાંખ ઝીનિઆ ફિનિક્સ મિલ્સની ત્રણ પેટા કંપનીઓમાં રૂ. 400 કરોડનું રોકાણ કરશે.
રિલાયન્સ ઈન્ડઃ રિલાયન્સ બ્રાન્ડ્સે યુકે સ્થિત ફૂડ એન્ડ ઓર્ગેનિક કોફી ચેઈન પ્રેટ એ મંગેર સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપની જાહેરાત કરી છે. હાલમાં પ્રેટ એ મેનેજર વૈશ્વિક સ્તરે 550 શોપ્સ ધરાવે છે. તે યૂકે ઉપરાંત યુએસ, યુરોપ અને એશિયામાં પણ હાજરી ધરાવે છે.
ભારતી એરટેલઃ બીજા ક્રમની ટેલિકોમ ઓપરેટર કંપનીએ નાણાકિય વર્ષ 2017-18 અને 2018-19 માટેની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ(એજીઆર) પેટે ચૂકવવાના થતાં નાણાની ચૂકવણીને મોકૂફ રાખવાની સરકારી ઓફર સ્વીકારી છે.
યૂપીએલઃ પેસ્ટીસાઈઝ્ડ કંપનીએ નેચર બ્લીસ એગ્રોમાં 100 ટકા ઈક્વિટી હિસ્સાની ખરીદી કરી છે.
બ્લ્યૂસ્ટારઃ કેર રેટિંગે કંપનીની લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બેંક ફેસિલિટીઝ માટે તતા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ માટે એએપ્લસનું રેટિંગ આપ્યું છે. જ્યારે આઉટલૂકને નેગેટિવમાંથી સ્ટેબલ કર્યું છે.
ઝાયડસ લાઈફસાઈન્સિઝઃ ફાર્મા કંપનીએ યુએસએફડીએ તરફથી લેકોસામાઈડ ઈન્જેક્શનના માર્કેટિંગ માટે આખરી મંજૂરી મેળવી છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઝઃ નવેમ્બર 2021 બાદ પ્રથમવાર માસિક ધોરણે ઓઈલના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
આરઈસીઃ પીએસયૂ કંપનીએ ત્રણ શેર્સ સામે એક બોનસ શેર આપવાનો નિર્ણય લીધો છે.
મોઈલઃ પીએસયૂ મેગેનીઝ ઉત્પાદક કંપનીએ કેટલાક મેગેનીઝ ફાઈન્સના ભાવમાં વૃદ્ધિ કરી છે. જેમાં કેમ ગ્રેડ્સનો ભાવ 5 ટકા વધાર્યો છે.
પીએનબીઃ જાહેર ક્ષેત્રની બેંકે ગુરુવારે તેના બેઝ રેટમાં 25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage