Market Summary 1 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

દિવાળી પૂર્વે બજારમાં તેજીવાળાઓનું પુનરાગમનઃ સેન્સેક્સમાં 832 પોઈન્ટસનો ઉછાળો

આઈટી, મેટલ, બેંકિંગ, પીએસઈ, રિઅલ્ટી પાછળ બજારમાં સાર્વત્રિક સુધારો નોંધાયો

મીડ અને સ્મોલ-કેપ્સમાં લેવાલી વચ્ચે બીએસઈ ખાતે બે શેર્સમાં સુધારા સામે એકમાં ઘટાડો જોવાયો

બીએસઈનું માર્કેટ-કેપ રૂ. 3.64 લાખ કરોડ વધી રૂ. 262.84 લાખ કરોડે જોવા મળ્યું



બે સપ્તાહથી મંદીવાળાઓ સામે પાછા પડી રહેલા તેજીવાળાઓએ દિવાળીના તહેવારોની શરૂઆત સાથે પકડ મજબૂત બનાવી હતી. જેની પાછળ ભારતીય બેન્ચમાર્ક્સે એક ટકાથી વધુ સુધારો દર્શાવ્યો હતો. જેમાં સેન્સેક્સ 831.53 પોઈન્ટસ ઉછળી 60138.46ના સ્તરે જ્યારે નિફ્ટી 258 પોઈન્ટ્સ ઉછળી 17929.65 પોઈન્ટ્સના સ્તરે બંધ રહ્યો હતો. માર્કેટને લગભગ તમામ ક્ષેત્રો તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં આઈટી, મેટલ, બેંકિંગ અને જાહેર સાહસો મુખ્ય હતાં. રોકાણકારોની વેલ્થ ગયા શુક્રવારે રૂ. 259.20 લાખ કરોડ પરથી રૂ. 3.64 લાખ કરોડ વધી રૂ. 262.84 લાખ કરોડ પર જોવા મળી હતી.

વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારની શરૂઆત સાધારણ ગેપ-અપ ઓપનીંગ સાથે થઈ હતી. શરૂઆતી ત્રણેક કલાક દરમિયાન રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવ્યાં બાદ બજારમાં તેજીવાળાઓની લેવાલી શરૂ થઈ હતી. જેની પાછળ શોર્ટવાળાઓએ પણ કાપણી શરૂ કરવી પડી હતી અને જોતજોતામાં સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ્સ ઉછળી ગયો હતો અને 60 હજારની સપાટી પુનઃ હાંસલ કરી હતી. જોકે નિફ્ટી 18000ના સ્તરને સ્પર્શી શક્યો નહોતો. નિફ્ટી કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક 8 ટકાનો ઉછાળા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. જ્યારબાદ હિંદાલ્કો(4 ટકા), એચસીએલ ટેક(4 ટકા), ભારતી એરટેલ(4 ટકા), ગ્રાસિમ(4 ટકા), કોલ ઈન્ડિયા(3.8 ટકા), ટાટા સ્ટીલ(3.7 ટકા) અને ડો. રેડ્ડીઝ લેબ(3 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી-50માં માત્ર ચાર કાઉન્ટર્સ રેડ ઝોનમાં બંધ રહ્યાં હતાં. જેમાં યૂપીએલ, એમએન્ડએમ, બજાજ ફિનસર્વ અને નેસ્લેનો સમાવેશ થતો હતો.

વિવિધ સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએ તો નિફ્ટી મેટલ 3 ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી આઈટી 2.56 ટકા ઉછળ્યો હતો. આ સિવાય નિફ્ટી રિઅલ્ટી 4 ટકા, નિફ્ટી પીએસઈ 1.9 ટકા, નિફ્ટી હેલ્થકેર 1.65 ટકા, નિફ્ટી કન્ઝમ્પ્શન 1.66 ટકા, નિફ્ટી ઈન્ફ્રા 1.8 ટકા અને બેંક નિફ્ટી 1.66 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો પણ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી મીડ-કેપમાં 1.82 ટકાનો જ્યારે નિફ્ટી સ્મોલ-કેપમાં 0.86 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. બ્રોડ બેઝ ખરીદી પાછળ બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. પ્લેટફોર્મ ખાતે ટ્રેડેડ 3501 કાઉન્ટર્સમાંથી 2160 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1148 કાઉન્ટર્સે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. 403 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. તથા 233 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 190 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 32 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું.

HDFCનો નફો 32 ટકા ઉછળી રૂ. 3780 કરોડ

મોર્ગેજ લેન્ડર એચડીએફસીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 3780 કરોડનો સ્ટેન્ડઅલોન પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2870 કરોડની સરખામણીમાં 32 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક સમાનગાળામાં 4.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 12215.95 કરોડ પર રહી હતી. કંપનીની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ વધીને રૂ. 5.97 લાખ કરોડ પર પહોંચી હતી. એક વર્ષ અગાઉ તે રૂ. 5.4 લાખ કરોડના સ્તર પર હતી. કંપનીના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 3.6 ટકા પર રહ્યાં હોવાનું કંપનીએ જણાવ્યું હતું.


IRCTCનો નફો 386 ટકા ઉછળી રૂ. 158.6 કરોડ

રેલ્વે કેટરીંગ અને ઓનલાઈન ટિકિટ બુકિંગ કંપની આઈઆરસીટીસીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 158.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાના રૂ. 32.6 કરોડની સરખામણીમાં 386 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 357 ટકા ઉછળી રૂ. 405 કરોડ પર જોવા મળી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 88.5 કરોડ પર જોવા મળી હતી. જૂન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 243 કરોડની આવક દર્શાવી હતી. કંપનીની આવકમાં વૃદ્ધિનું કારણ તમામ બિઝનેસ સેગમેન્ટ્સમાં વૃદ્ધિ હતું. જેમાં ટિકિટિંગ સેગમેન્ટમાં 355 ટકા વૃદ્ધિ સાથે રૂ. 265.3 કરોડની આવક નોંધાઈ હતી.

સેઈલનો શેર 13 ટકા ઉછળ્યો

પીએસયૂ સ્ટીલ ઉત્પાદક કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો શેર તેના લિસ્ટીંગ ઈતિહાસમાં શ્રેષ્ઠ ત્રિમાસિક નફા પાછળ સોમવારે 13 ટકા ઉછળ્યો હતો. ગયા શુક્રવારે રૂ. 115.10ના સ્તરે બંધ રહેલો શેર સપ્તાહના પ્રથમ દિવસે રૂ. 123ના સ્તરે ખૂલી ઉછળી રૂ. 130.30ની ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યાં બાદ રૂ. 125 આસપાસ ટ્રેડ થતો રહ્યો હતો. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 4304 કરોડનો નફો દર્શાવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 393 કરોડનો નફો દર્શાવ્યો હતો. જ્યારે જૂન ક્વાર્ટરમાં તેણે રૂ. 3850 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીએ શેર દીઠ રૂ. 4નું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું. કંપનીની આવક 58 ટકા ઉછળી રૂ. 26827 કરોડ રહી હતી.

IOCએ રૂ. 6360 કરોડનો નફો નોંધાવ્યો

દેશમાં સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 6360 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5941 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1.18 લાખ કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 1.35 લાખ કરોડ પર જોવા મળી હતી. એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિના દરમિયાન તેણે રૂ. 3,24,827 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2,04,693 કરોડ પર હતો. છ મહિના દરમિયાન કંપનીનો નેટ પ્રોફિટ રૂ. 12301 કરોડ પર રહ્યો હતો. કંપનીએ શેર દીઠ રૂ. 5નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.



ઓક્ટોબરમાં ઓટો સેલ્સના વેચાણમાં જોવા મળી પોઝીટીવ સરપ્રાઈઝ

ચીપ શોર્ટેજ પાછળ મારુતિના ઉત્પાદનમાં ઘટાડા પાછળ વેચાણ ઘટ્યું, જોકે ટાટા મોટર્સ, અશોક લેલેન્ડનો સારો દેખાવ

ટુ-વ્હીલર્સ સ્પેસમાં બજાજ ઓટોનો નબળો દેખાવ



ઓક્ટોબર મહિના માટે ઓટોમોબાઈલ કંપનીઓના વેચાણમાં ધારણા કરતાં સારો દેખાવ જોવા મળ્યો છે. મારુતિ સુઝુકી અને બજાજ ઓટોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે પરંતુ સામે ટાટા મોટર્સ અને અશોક લેલેન્ડે અપેક્ષાથી સારું વેચાણ નોંધાવ્યું છે. કંપનીઓએ સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં ઊંચું સેલ્સ હાંસલ કર્યું છે.

સોમવારે વિવિધ ઓટો કંપનીઓએ પ્રગટ કરેલાં વેચાણ આંકડા પર નજર નાખીએ તો ઓક્ટોબરમાં મારુતિ સુઝુકીના વેચાણમાં 24 ટકા ઘટાડો નોંધાયો હતો. દેશમાં અગ્રણી કાર ઉત્પાદક કંપનીએ ઓક્ટોબરમાં 1,38,335 યુનિટ્સ કાર્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,81,448 કાર્સની સરખામણીમાં 24 ટકા ઘટાડો સૂચવે છે. ગયા મહિને તેણે સ્થાનિક બજારમાં વાર્ષિક 32 ટકા ઘટાડા સાથે 1,17,013 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. જે ગયા વર્ષે 1,71,862 યુનિટ્સ પર હતું. કંપનીએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સની તંગીને કારણે ઉત્પાદન પર અસર પડી હતી. જોકે કંપનીએ તેની અસરને લઘુત્તમ બનાવવા માટે તમામ જરૂરી ઉપાયો હાથ ધર્યાં હતાં. જેને કારણે કંપનીએ મહિનાની શરૂઆતમાં અપેક્ષા કરતાં ઊંચું વેચાણ હાંસલ કર્યું હતું.

બીજી બાજુ ટાટા મોટર્સે ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે 31 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે માસિક ધોરણે 16 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. કંપનીએ મહિના દરમિયાન સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં કુલ 67829 વાહનોનું વેચાણ દર્શાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 52131 યુનિટ્સ પર હતું. જ્યારે સપ્ટેમ્બર મહિના દરમિયાન 59156 યુનિટ્સ પર હતું. કંપનીનું પેસેન્જર વેહીકલ્સ સેલ્સ 33,925 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે સપ્ટેમ્બરમાં 25739 યુનિટ્સ સામે 32 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જ્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં 23617 યુનિટ્સ સામે 44 ટકા વૃદ્ધિ સૂચવતું હતું.

જો ટુ-વ્હીલર સેગમેન્ટની વાત કરીએ તો બજાજ ઓટોનું વેચાણ અપેક્ષા કરતાં સાધારણ ઊંચું જોવા મળ્યું હતું પરંતુ ગયા વર્ષની સરખામણીમાં નીચું હતું. બજાજ ઓટોએ સ્થાનિક બજારમાં 1,98,738 નંગ ટુવ્હીલર્સનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 2,68,631 નંગ પર જોવા મળ્યું હતું. નિકાસમાં પણ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 1,91,565 યુનિટ્સ રહ્યું હતું. જે ગયા વર્ષે 2,01,659 નંગ પર હતું. આમ કુલ ટુ-વ્હીલર્સ વેચાણ ગયા વર્ષે 4,70,290 યુનિટ્સ સામે ચાલુ વર્ષે 3,91,303 યુનિટ્સ રહ્યું હતું. જે 17 ટકાનો ઘટાડો સૂચવે છે. હેવી વેહીકલ્સ ઉત્પાદક અશોક લેલેન્ડના વેચાણ આંકડા પણ સારા રહ્યાં હતાં. તેણે માર્ચ 2021 બાદ માસિક ધોરણે સૌથી ઊંચું વેચાણ દર્શાવ્યું હતું. સતત પાંચમા મહિને કંપનીના વેચાણમાં સુધારો નોંધાયો હતો. વાર્ષિક ધોરણે કુલ વેચાણમાં 11 ટકાનો જ્યારે હેવી કમર્સિયલ વ્હીકલ્સના વેચાણમાં 32 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ટ્રેકટર ઉત્પાદક એસ્કોર્ટ્સના વેચાણમાં 1.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સ્થાનિક બજારમાં તેનું વેચાણ 3.3 ટકા ઘટાડો સૂચવતું હતું.


ઓક્ટોબરમાં UPI ટ્રાન્ઝેક્શન્સ વેલ્યૂ 100 અબજ ડોલરને પાર કરી ગઈ
રૂપિયામાં ટ્રાન્ઝેક્શન્સની વેલ્યૂ રૂ. 7.71 લાખ કરોડને પાર કરી ગઈ
એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન માસિક સરેરાશ 5.8 ટકા સામે ઓક્ટોબરમાં 18 ટકાનો ઊંચો વૃદ્ધિ દર નોંધાયો
2021-22ની આખર સુધીમાં 1 ટ્રિલિયન ડોલરની ટ્રાન્ઝેક્શન્સ વેલ્યૂનો ટાર્ગેટ પાર થશે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એનપીસીઆઈ)નો યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસે ઓક્ટોબરમાં એક વધુ સીમાચિહ્ન હાંસલ કરતાં 100 અબજ ડોલરના મૂલ્યના ટ્રાન્ઝેક્શન્સ નોંધાવ્યાં છે. જો રૂપિયાના સંદર્ભમાં જોઈએ તો તેમણે રૂ. 7.71 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન્સ હાંસલ કર્યાં છે. મહિના દરમિયામ કુલ 421 કરોડ ટ્રાન્ઝેક્શન્સ હાથ ધરવામાં આવ્યાં હતાં. આમ મૂલ્ય અને સોદાઓ, બંને સંદર્ભમાં નવો વિક્રમ નોંધાયો હતો.
ઓક્ટોબરમાં વૃદ્ધિનું કારણ તહેવારોની સિઝન અને ઈ-કોમર્સના વેચાણ પાછળ જોવા મળેલી ઊંચી ખરીદી છે. ઊંચા વેક્સિનેશન પાછળ લોક ડાઉન હળવું બનતાં લોકોમાં ઘરની બહાર નીકળવાનું પ્રમાણ વધતાં પણ આર્થિક ગતિવિધિમાં વૃદ્ધિ જોવા મળી હતી. માર્ચથી સપ્ટેમ્બર સુધીના છ મહિનાની વાત કરીએ તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં સરેરાશ માસિક 5.8 ટકા વૃદ્ધિ દર નોંધાયો હતો. જોકે ઓક્ટોબરમાં માસિક ધોરણે ટ્રાન્ઝેક્સન્સમાં 18 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. આ દરે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સની વેલ્યૂ 2021-22ના નાણાકિય વર્ષ દરમિયાન એક ટ્રિલિયન ડોલરના સીમાચિહ્લનને પાર કરવાની દિશામાં આગળ વધી રહી છે.
કેલેન્ડર 2021ની શરૂઆતથી માસિક ટ્રાન્ઝેક્શન્સ વેલ્યૂમાં 79 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જાન્યુઆરી 2021માં તે રૂ. 4.31 લાખ કરોડ પર હતી. જ્યારે કુલ ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા જાન્યુઆરીમાં 230 કરોડ પરથી 83 ટકાનો સુધારો દર્શાવે છે. 2016માં યૂપીઆઈ લોંચ કરવામાં આવી ત્યારથી માસિક ધોરણે રૂ. 3.86 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન્સને હાંસલ કરવામાં ઓક્ટોબર 2020 સુધી ચાર વર્ષનો સમયગાળો લાગ્યો હતો. જ્યારે પછીના એક વર્ષમાં જ તે રૂ. 7 લાખ કરોડને પાર કરી ગયો હતો. તાજેતરમાં જ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ખાતે બોલતાં એનપીસીઆઈના એમડી અને સીઈઓએ જણાવ્યું હતું કે 2021માં કુલ એનપીસીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં યૂપીઆઈ 60 ટકાથી નજીકનો હિસ્સો ધરાવશે. તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન ગતિને જોતાં યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ ચાલુ નાણા વર્ષના અંતે એક ટ્રિલિયન ડોલરને પાર કરી જશે. જેને બમણું થતાં માત્ર અન્ય ત્રણ વર્ષનો સમય લાગશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage