Market Summary 1 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઓક્ટોબર સિરિઝની નબળી શરૂઆત, નિફ્ટીએ 17600નો સપોર્ટ ગુમાવ્યો
ભારતીય બજારે સતત ચોથા દિવસે નરમાઈ દર્શાવતાં નિફ્ટીએ 17600નો સપોર્ટ આખરે તોડ્યો હતો. બેન્ચમાર્ક નીચામાં 17453 થઈ 17532 પર બંધ રહ્યો હતો. ફાર્મા, મેટલ અને એનર્જી તરફથી સપોર્ટ જોવા મળ્યો હતો. જ્યારે બેંકિંગમાં નરમાઈ જોવા મળી હતી. સતત બીજા દિવસે મીડ-કેપ અને સ્મોલ-કેપે સુધારો દર્શાવ્યો હતો. આમ બ્રોડ માર્કેટમાં ક્યાંક-ક્યાંક ખરીદી જળવાય હતી. નિફ્ટીએ 17600 તોડતાં તેને માટે હવે 17300-17400ની રેંજમાં સપોર્ટ રહેશે. જે તૂટશે તો 17000 સુધીનો ઘટાડો સંભવ છે. જ્યારે ઉપરની બાજુ 17900-18000ની રેંજમાં અવરોધ છે.
પારસ ડિફેન્સનું 171 ટકા પ્રિમિયમ સાથે બમ્પર લિસ્ટીંગ

પ્રાઈમરી માર્કેટમાં છેલ્લાં ઘણા વર્ષોમાં જોવા મળેલા વિક્રમી લિસ્ટીંગમાં પારસ ડિફેન્સનો શેર 171 ટકા પ્રિમીયમે લિસ્ટ થયો હતો તથા ત્યારબાદ વધુ 5 ટકા સુધારા સાથે અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. શુક્રવારે કંપનીનો શેર રૂ. 175ના ઓફરભાવ સામે એનએસઈ ખાતે રૂ. 469ના સ્તરે ખૂલ્યો હતો. જ્યાંથી વધુ 6 ટકા ઉછળી રૂ. 492.45ની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે તે રૂ. 498.75ની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. આઈપીઓને વિક્રમી 304.26 ગણુ સબસ્ક્રિપ્શન દર્શાવ્યું હતું. રૂ. 175 કરોડ સામે રૂ. 38 હજાર કરોડની અરજીઓ કરવામાં આવી હતી.
ઓયોએ રૂ. 8340 કરોડના IPO માટે ડીઆરએચપી ફાઈલ કર્યું
અગ્રણી હોટેલ એગ્રીગેટર ઓયોએ રૂ. 8430 કરોડ અથવા 1.2 અબજ ડોલરની રકમ એકત્ર કરવા માટે ડીઆરએચપી ફાઈલ કર્યું છે. સેબી સમક્ષ રજૂ કરવામાં આવેલી ફાઈલીંગમાં કંપનીએ રૂ. 1430 કરોડ ઓફર-ફોર-સેલ તથા રૂ. 7000 કરોડના ફ્રેશ ઈસ્યુ માટે જણાવ્યું છે. કોવિડ મહામારી છતાં 2020-21 દરમિયાન ઓયોના એડજસ્ટેડ ગ્રોસ માર્જિનમાં 33 ટકા સુધારો જોવા મળ્યો હતો. આઈપીઓમાં સોફ્ટબેંક તેની પાસેના 46 ટકા હિસ્સાનું વેચાણ કરી રૂ. 1328 કરોડ મેળવશે. તે ઉપરાંત એવન હોલ્ડિંગ્સ ઈન્ક, ચાઈના લોજિંગ અને ગ્લોબલ આઈવી વેન્ચર્સ તેનો હિસ્સો વેચાણ કરશે.
વૈશ્વિક બજારમાં કોટન વાયદાએ 106 સેન્ટને પાર
ન્યૂયોર્ક ખાતે આઈસીઈ કોટન ફ્યુચર્સ 106.50 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડની 10 વર્ષની નવી ટોચ પર જોવા મળ્યો હતો. કોટનની ઊંચી માગ પાછળ તૈયાર માલોની અછતને પગલે કોટનના ભાવમાં મજબૂતીનો ક્રમ ચાલુ છે. સ્થાનિક બજારમાં પણ જૂના ક્વોલિટી માલોના ભાવ ફરી રૂ. 57000ને પાર કરી ગયાં છે. વરસાદને કારણે નવા માલોની આવક અટકી છે.
મેદાંતાની માલિક ગ્લોબલ ડીઆરએચપી ફાઇલ કર્યું
દેશના ઉત્તર-પૂર્વિય રાજ્યોમાં સૌથી મોટી ખાનગી મલ્ટિ-સ્પેશિયાલિટી ટર્શરી કેર પ્રોવાઇડર્સમાંની એક ગ્લોબલ હેલ્થ લિમિટેડે સેબી સમક્ષ આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની મેદાંતા અથવા કંપની નામે હોસ્પિટલ્સ ધરાવે છે. કંપનીની સ્થાપના ડો. નરેશ ત્રેહાને કરી હતી. તે 1100થી વધુ ડોકટર્સ અને 2176 બેડ્સ ધરાવે છે. આઈપીઓમાં ફ્રેશ ઈસ્યુ તથા ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે.

ઝી બોર્ડનો ઈન્વેસ્કોની માગ પર EGM બોલાવવાનો ઈન્કાર
કંપનીએ તેના સૌથી મોટા રોકાણકારની નોટિસની વિવિધ કાનૂની અસરો અંગે ચર્ચા-વિચારણા કરી હોવાનું જણાવ્યું
ઝી એન્ટરટેઈનમેન્ટ લિ.ના બોર્ડે તેના સૌથી મોટા શેરધારક ઈન્વેસ્કો સાથે ઘર્ષણનો માર્ગ અપનાવતાં કંપનીની અસાધારણ સામાન્ય સભા(ઈજીએમ) બોલાવવાની માગણીનો ધરાર ઈન્કાર કર્યો છે. ઈન્વેસ્કોએ ઝીના વર્તમાન એમડી અને સીઈઓ પુનિત ગોએન્કાને હટાવી બોર્ડમાં પોતાના પ્રતિનિધિઓની નિમણૂંકના ઈરાદે કંપનીની ઈજીએમ બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો.
શેરબજારોને એક રેગ્યુલેટરી નિવેદનમાં ઝીએ જણાવ્યું હતું કે કંપનીએ તેને આપવામાં આવેલી નોટિસની વિવિધ કાયદાકીય અસરો અંગે ચર્ચા-વિચારણા હાથ ધરી છે. કંપનીના બોર્ડે ઈન્ડિપેન્ડન્ટ કાઉન્સેલ અને કાનૂની તજજ્ઞો સાથે આ મુદ્દે વિચાર-વિમર્શ પણ કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્તિ ન્યાયાધીશોનો સમાવેશ પણ થાય છે એમ તેણે નોંધ્યું છે. કંપનીએ આ મુદ્દાનું યોગ્ય અને પારદર્શક રીતે મૂલ્યાંકન કર્યું છે એમ તેણે ઉમેર્યું હતું. કંપનીએ નોંધ્યું છે કે એક ઓક્ટોબરે મળેલી તેની બેઠકમાં ઈન્વેસ્કોની અરજીને અમાન્ય અને ગેરકાનૂની ગણવામાં આવી હતી. જેને ધ્યાનમા રાખીને બોર્ડે ઈન્વેસ્કો ડેવલપીંગ માર્કેટ્સ ફંડ્સ અને ઓએફઆઈ ગ્લોબલ ચાઈના ફંડ એલએલસીને અસાધારણ સામાન્ય સભા(ઈજીએમ) બોલાવવાની તેની અક્ષમતા અંગે જાણ કરી દીધી છે.
કંપનીના નિવેદનમાં જણાવાયું છે કે બોર્ડે બહુવિધ કાયદાઓ હેઠળ વિવિધ નોન-કોમ્પ્લાયન્સને ધ્યાનમાં રાખીને તેનો નિર્ણય લીધો છે. આવા કાયદાઓમાં સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ગાઈડલાઈન્સ, મિનિસ્ટ્રી ઓફ ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ ગાઈડલાઈન્સ અને કંપનીઝ એક્ટ એન્ડ કમ્પિટિશન એક્ટ હેઠળ ચાવીરૂપ માર્ગદર્શિકાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે કંપનીના તમામ શેરધારકોના હિતને લક્ષ્યમાં લઈને આ નિર્ણય લીધો છે. હાલમાં આ મુદ્દો કોર્ટમાં હોવાથી વધુ કોઈ ટિપ્પણી નહિ કરી શકે તેમ પણ જણાવ્યું હતું.
કાયદાવિદોના જણાવ્યા મુજબ ઝી બોર્ડના આ નિર્ણય બાદ આ મુદ્દો કાનૂની યુધ્ધ બની રહેશે. ઈન્વેસ્કો તો આ મુદ્દે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)માં ગઈ છે. જેના પ્રતિભાવમાં કોર્ટે ઝીને ઈજીએમ યોજવા અંગે વિચારણા માટે બેઠક કરવા જણાવ્યું હતું. જે બેઠકમાં જ ઝીના બોર્ડે ઈજીએમ યોજવાનો ઈન્કાર કર્યો હતો.
બેંકર્સના મતે ઈન્વેસ્કો માટેના કેટલાક વિકલ્પોમાં તે ઝીમાંનો તેનો હિસ્સો વિરોધી મિડિયા જૂથને વેચાણ કરી શકે છે અને નવા શેરધારકને ઝી-સોની ટ્રાન્ઝેક્શનની સામે કાઉન્ટર ઓફર માટે તૈયાર કરી શકે છે.

રિલાયન્સ રિટેલે ફ્યુચર જૂથની ખરીદી માટેની ડેડલાઈન લંબાવી
ફ્યુચર-એમેઝોન વચ્ચે કોર્ટમાં ચાલી રહેલા વિવાદને કારણે કંપનીએ 30 સપ્ટેમ્બરની જૂની ડેડલાઈનને 31 માર્ચ 2022 કરી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(આરઆરવીએલ)એ ફ્યુચર ગ્રૂપની ખરીદી માટેની તેની લોંગ-સ્ટોપ ડેટને વધુ છ મહિના માટે લંબાવી 31 માર્ચ 2020 કરી છે. ફ્યુચર જૂથ અને તેના ઈન્વેસ્ટર એમેઝોન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા કોર્ટ કેસને કારણે રિલાયન્સ રિટેલે આમ કરવાનું બન્યું છે. અગાઉ તેણે 30 સપ્ટેમ્બર 2021ની ડેડલાઈન નિર્ધારિત કરી હતી.
લોંગ સ્ટોપએ એવી સમયમર્યાદા છે જે દરમિયાન ડિલની તમામ શરતોનું પાલન થાય અને ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયું ગણાય.
શેરબજાર પર લિસ્ટેડ ફ્યુચર રિટેલે એક રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે તેની લોંગ સ્ટોપ ડેટને 30 સપ્ટેમ્બર 2021 પરથી લંબાવી 31 માર્ચ 2022 કરી છે. જેને આરઆરવીએલની સંપૂર્ણ માલિકીની કંપની રિલાયન્સ રિટેલ અને ફેશન લાઈફસ્ટાઈલ લિમિટેડે માન્ય રાખી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં આરઆરવીએલે ફ્યુચર જૂથના રિટેલ બિઝનેસને ખરીદવાની જાહેરાત કરી હતી. જેમાં જૂથના એપરલ, લાઈફસ્ટાઈલ અને ગ્રોસરી સેગમેન્ટનો સમાવેશ થતો હતો. તેણે જણાવ્યું હતું કે તે રૂ. 25000 કરોડની આસપાસમાં બિગબઝાર, નીલગિરિસ, એફબીબી, ઈઝીડે, સેન્ટ્રલ અને બ્રાન્ડ ફેક્ટરી જેવા આઈકોનિક રિટેલ બ્રાન્ડ્સ ખરીદશે એમ જણાવ્યું હતું. જોકે આ ડીલ પાર પડે તે અગાઉ ફ્યુચર કૂપન્સમાં ઈન્વેસ્તર અને તેને કારણે ફ્યુચર રિટેલ લિ.માં શેરઘારક એવા એમેઝોને દરમિયાનગીરી કરીને ડીલને અટકાવ્યું હતું. તેણે આ માટે કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. ફ્યુચર ગ્રૂપ દ્વારા પોતાની મંજૂરી વિના તેના રિટેલ બિઝનેસનો નોંધપાત્ર હિસ્સો રિલાયન્સને વેચવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ તેણે કરી હતી. હાલમા પણ આ ખટલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેથી રિલાયન્સ રિટેલ માટે ડેડલાઈન લંબાવવી પડે તેમ હતી.

ઓગસ્ટમાં રિટેલ સહિત ઈન્ડસ્ટ્રી તરફથી ક્રેડિટ માગમાં વૃદ્ધિ જોવા મળી
મધ્યમ કદના યુનિટ્સને લોનમાં 63.4 ટકાની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ
રિટેલ સેગમેન્ટે ગયા વર્ષે 8.5 ટકા સામે 12.1 ટકાની લોન વૃદ્ધિ દર્શાવી
જોકે સર્વિસ ક્ષેત્રે ક્રેડિટ વૃદ્ધિ દર ગયા વર્ષના 10.9 ટકાથી ઘટી 3.5 ટકા રહ્યો


આર્થિક રિકવરી સાથે તાલ મેળવતાં બેંક ક્રેડિટમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. ખાસ કરીને રિટેલ સેગમેન્ટનો દેખાવ સારો જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો રિટેલ ક્રેડીટમાં 12.1 ટકાનો વૃદ્ધિ દર જોવા મળ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 8.5 ટકા પર હતો. જોકે ઉદ્યોગ ક્ષેત્રે ક્રેડિટ ગ્રોથ 2.3 ટકાનો રહ્યો છે. જે ગયા વર્ષે ઓગસ્ટમાં માત્ર 0.4 ટકા પર જોવા મળતો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રજૂ કરેલા ડેટા મુજબ ઓગસ્ટ મહિના દરમિયાન ઊંચી હાઉસિંગ અને વ્હીકલ ક્રેડિટની માગ પાછળ રિટેલ ક્ષેત્રે લોનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જોકે બેંકર્સ ક્રેડિટ ગ્રોથમાં સુધારાનો સ્વીકાર કરતાં જણાવે છે કે ગયા વર્ષે મહામારીને કારણે મંદી પાછળ ચાલુ વર્ષે બેઝ ઈફેક્ટ જોવા મળી રહી છે. વાસ્તવમાં મહામારીના વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં ક્રેડિટ વિતરણની ગતિ હજુ પણ નીચી જોવા મળી રહી છે. ઉદ્યોગ ક્ષેત્રે ઓગસ્ટમાં 2.3 ટકાનો ક્રેડિટ ગ્રોથ નોંધાયો હતો. જે ગયા વર્ષે 0.4 ટકાના સાધારણ વૃદ્ધિ દર કરતાં ઊંચો હતો. દરમિયાનમાં કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રોમાં ક્રેડિટ ગ્રોથ સારો જળવાયો છે. ઓગસ્ટ દરમિયાન તેમણે 11.3 ટકા લોન વૃદ્ધિ નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 4.8 ટકા પર હતી. જોકે સર્વિસિસ ક્ષેત્રે ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓગસ્ટ 2020માં 10.9 ટકાના વૃદ્ધિ દર સામે ચાલુ વર્ષે તેણે માત્ર 3.5 ટકાની લોન વૃદ્ધિ દર્શાવી છે. આમ થવા પાછળનું કારણ એનબીએફસી અને કમર્સિયલ રિઅલ એસ્ટેટ ક્ષેત્રે ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો છે.
ઓગસ્ટમાં સૌથી સારો દેખાવ મધ્યમ કદના ઔદ્યોગિક યુનિટ્સનો રહ્યો છે. તેમણે 63.4 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. જે ગયા વર્ષે ઓગસ્ટમાં માત્ર 4.4 ટકાનો સ્તરે હતી. માઈક્રો અને સ્મોલ ઈન્ડસ્ટ્રીઝને ક્રેડિટ ગ્રોથ વધીને 10.1 ટકા પર રહ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તે 1ય1 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જોકે મોટા ઉદ્યોગોને ક્રેડિટ પર પ્રતિકૂળ અસર પડી હતી અને તે 1.7 ટકાનો ઘટાડો દર્શાવતી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં તેણે 0.5 ટકાની વૃદ્ધિ નોઁધાવી હતી. વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે એન્જિનીયરીંગ, કેમિકલ્સ એન્ડ કેમિકલ પ્રોડક્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માઈનીંગ એન્ડ ક્વોરિંગ ક્ષેત્રે ક્રેડિટ માગમાં વૃદ્ધિ જોવા મળી હતી.

ઓટો કંપનીઓને ચીપ શોર્ટેજ ભારે પડીઃ સપ્ટેમ્બર વેચાણમાં તીવ્ર ઘટાડો
મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ જેવી ઓટો કંપનીઓ પર ચીપ શોર્ટેજની સૌથી ગંભીર અસર
મારુતિના સપ્ટેમ્બર વેચાણમાં 46 ટકાનો ઘટાડો નોંધાયો, સપ્ટેમ્બરમાં એક લાખથી પણ ઓછી કારનું વેચાણ
વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી ચીપ શોર્ટેજની ઓટોમોબાઈલ કંપનીઓના ઉત્પાદન અને વેચાણ પર ગંભીર અસર જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિના માટે વિવિધ ભારતીય કંપનીઓએ રજૂ કરેલા તેમના સેલ્સ ડેટા પરથી આ બાબતનો ખ્યાલ આવે છે. દેશમાં અગ્રણી કાર ઉત્પાદક અને લગભગ 50 ટકા હિસ્સો ધરાવતી મારુતિ સુઝુકીના વેચાણમાં સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સે પણ તેમના વેચાણોમાં દ્વિઅંકી ઘટાડો દર્શાવ્યો છે. જોકે ટ્રેકટર્સના વેચાણમાં તીવ્ર વૃદ્ધિ દર્શાવી હતી.
મારુતિ સુઝુકીએ સપ્ટેમ્બરમાં માત્ર 86380 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,60,442 યુનિટ્સ પર હતું. લાંબા સમયબાદ કંપનીએ માસિક ધોરણે એક લાખ યુનિટ્સ કરતાં નીચું વેચાણ દર્શાવ્યું હતું. આમાં પણ કંપનીનું સ્થાનિક વેચાણ 55 ટકા જેટલો તીવ્ર ઘટાડો સૂચવે છે. સપ્ટેમ્બર 2020માં કંપનીએ 1,51,608 યુનિટ્સ કાર્સનું વેચાણ કર્યું હતું. જેની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં માત્ર 68,615 કાર્સનું વેચાણ કર્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે ચીપ શોર્ટેજને ખાળવા માટે તમામ જરૂરી ઉપાયો હાથ ધરવા છતાં કંપની તેના વેચાણમાં તીવ્ર ઘટાડાને અટકાવી શકી નહોતી. કંપનીએ અલ્ટો અને એસ-પ્રેસો જેવી મીની કાર્સના વેચાણમાં 45.18 ટકા ઘટાડો નોઁધાવ્યો હતો. સપ્ટેમ્બરમાં તે 14936 યુનિટ્સ પર રહી હતી. ગયા વર્ષે તેણે 27,246 મીની કાર્સનું વેચાણ નોંધાવ્યું હતું. કંપનીના અન્ય મોડેલ્સ જેવાકે સ્વિફ્ટ, સેલેરિઓ, ઈગ્નિસ, બાલેનો અને ડિઝાઈરના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આ તમામ મોડેલ્સનું વેચાણ ગયા વર્ષે 84,213 કાર્સ પરથી 75.19 ટકાગગડી ચાલુ વર્ષે માત્ર 20,891 યુનિટ્સ પર રહ્યું હતું. જોકે કંપનીની નિકાસ બમણી વૃદ્ધિ દર્શાવતી હતી અને ગયા વર્ષે 7834 યુનિટ્સ સામે 17565 યુનિટ્સ પર રહી હતી.
મહિન્દ્રાએ તેના યુટિલિટી વેહીકલના ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 12 ટકા ઘટાડો નોઁધાવ્યો હતો. સપ્ટેમ્બર 2020માં 14663 યુનિટ્સ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં તેણે 12863 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. તેનું સમગ્રતયા સેલ્સ ઓગસ્ટ મહિનાની સરખામણીમાં 8.08 ટકા ઘટી 28,112 યુનિટ્સ પર રહ્યું હતું. જેમાં પેસેન્જર કારના વેચાણમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે ઓગસ્ટની સરખામણીમાં તેના ટ્રેકટર વેચાણમાં 89 ટકા વૃદ્ધિ નોઁધાઈ હતી અને કુલ 40331 ટ્રેકટર્સનું વેચાણ કર્યું હતું.
ટાટા મોટર્સનું કારનું વેચાણ ઓગસ્ટ મહિનાની સરખામણીમાં 8.16 ટકા ઘટાડા સાથે 25730 યુનિટ્સ પર રહ્યું હતું. કંપનીના જણાવ્યા મુજબ એસયૂવી અને કાર્સની માગ મજબૂત છે પરંતુ ચીપની શોર્ટેજને કારણે સપ્લાય પર અસર થઈ છે. કમર્સિયલ વેહિકલ્સના વેચાણમાં કંપનીએ 11.6 ટકા વદ્ધિ દર્શાવી હતી. જેને કારણે કુલ વેચાણ 9.16 ટકા વૃદ્ધિ સાથે 59156 યુનિટ્સ પર રહ્યું હતું. જેમાં 33,258 યુનિટ્સ વેચાણ સીવીનું હતું.
અશોક લેલેન્ડના વેચાણમાં સુધારો નોંધાયો હતો. કમર્સિયલ વેહીકલ્સ ઉત્પાદકે સપ્ટેમ્બરમાં 9533 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 8332 યુનિટ્સ પર જોવા મળતું હતું. કંપનીનું કુલ વેચાણ 23245 યુનિટ્સ સામે 96 ટકા ઉછળી 45530 યુનિટ્સ પર રહ્યું હતું.

ટુ-વ્હીલર્સ ઉત્પાદકોનો મિશ્ર દેખાવ
ટુ-વ્હીલર્સ અગ્રણી બજાજ ઓટોએ સપ્ટેમ્બર વેચાણમાં વાર્ષિક ધોરણે 16 ટકા ઘટાડો નોંધાવ્યો હતો. કંપનીએ સપ્ટેમ્બર 2020માં 2,28,731 વેહીકલ્સની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 1,92,348 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. કંપનીના સ્થાનિક વેચાણ સહિત નિકાસમાં પણ ઘટાડો નોંધાયો હતો અને તેથી કુલ વેચાણ વાર્ષિક ધોરણે 9 ટકા ઘટી 4,02,021 યુનિટ્સ પર નોંધાયું હતું. ટીવીએસ મોટરે જોકે સપ્ટેમ્બર દરમિયાન વેચાણમાં 6 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. તેણે ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં કુલ 3,47,156 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 3,27,692 યુનિટ્સ પર હતું.


ભારતીય કંપનીઓનો ક્રેડિટ પ્રોફાઈલ બાબતે ઘણા વર્ષો પછી શ્રેષ્ઠ દેખાવ

ઈન્ડિયા રેટિંગ્સે એપ્રિલથી સપ્ટેમ્બરમાં 150 કંપનીઓના રેટિંગ્સને અપગ્રેડ કર્યું જ્યારે માત્ર 49 રેટિંગ્સ ડાઉનગ્રેડ કર્યાં
ભારતીય કંપનીઓના ક્રેડિટ પ્રોફાઈલે ચાલુ નાણા વર્ષના પ્રથમ છ માસ એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન છેલ્લાં પાંચ કરતાં વધુ વર્ષોનો શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો છે. મહામારીની પ્રતિકૂળ અસર વચ્ચે તેમણે સારો દેખાવ જાળવ્યો હોવાનું ઈન્ડિયા રેટિંગ્સ નોંધે છે.
ઈન્ડિયા રેટિંગ્સે ગણનામાં લીધેલાં સમયગાળામાં 150 કંપનીઓના રેટિંગ્સમાં સુધારો કર્યો હતો. જ્યારે માત્ર 49 કંપનીઓના રેટિંગ્સને ડાઉનગ્રેડ કર્યાં હતાં. છેલ્લાં બે વર્ષોમાં જોવા મળેલા ટ્રેન્ડની સામે આ તદ્દન વિરોધી બાબત છે. પાછલાં બે વર્ષોમાં રેટિંગ ડાઉનગ્રેડના કિસ્સાઓ અપગ્રેડની સરખામણીમાં ખૂબ ઊંચા જોવા મળતાં હતાં. કોર્પોરેટ ડાઉનગ્રેડ-ટુ-અપગ્રેડ રેશિયોની વાત કરીએ તો 2020-21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તે 0.3ના તળિયા પર જોવા મળતો હતો. જ્યારે ચાલુ વર્ષે તે 3થી ઉપર જોવા મળી રહ્યો છે. કોર્પોરેટ્સ ઉપરાંત કો-ઓપરેટિલ ઈસ્યુઅર્સ ખાતે ડિફોલ્ટ રેશિયો પણ 1.4 ટકાના નીચા સ્તરે જોવા મળે છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 2 ટકા પર જોવા મળતો હતો. નોન-કોઓપરેટિવ ઈસ્યુઅર્સ સાથે ડિફોલ્ટ્સ રેશિયો 2.4 ટકા પર જોવા મળે છે. જે ગયા વર્ષે 3.7 ટકા પર હતો. આમ ડિફોલ્ટ રેશિયોમાં ચાલુ વર્ષે નોઁધપાત્ર ઘટાડો નોંધાયો છે.
ઈન્ડિયા રેટિંગ્સના એસોસિએટ ડિરેક્ટર સુપર્ણા બેનર્જીના જણાવ્યા મુજબ અસંતુલિત સેક્ટરલ રિકવરીની સ્થિતિ દૂર થઈ છે. લગભગ તમામ ક્ષેત્રોમાં પોઝીટીવ રેટિંગ એક્શન્સ જોવા મળી રહ્યાં છે. જે બ્રોડ બેઝ આર્થિક રિકવરી સૂચવે છે. આનાથી ઊલટું, ગયા વર્ષે ખૂબ જૂજ કંપનીઓના કિસ્સામાં પોઝીટીવ રેટિંગ્સ જોવા મળતું હતું. નાણા વર્ષ 2021-22 રિકવરીનું વર્ષ હોવાની ખાતરી આપે છે એમ તેઓ જણાવે છે. રિકવરીની ઝડપ પણ ખૂબ નોંધપાત્ર છે. છેલ્લા ત્રણથી ચાર ક્વાર્ટરમાં દેખાવમાં પણ અર્થપૂર્ણ સુધારો જોવા મળી રહ્યો છે. મેન્યૂફેક્ચરિંગ અને સર્વિસ કોર્પોરેટ્સ માટે ક્રેડિટ પ્રોફાઈલમાં સુધારાનું કારણ અસાધારણ ડિલેવરેજિંગ છે. કંપનીઓ પાસે મજબૂત કેશ ફ્લોને કારણે તેઓ ડેટમાં ઘટાડો કરવામાં સફળ રહ્યાં છે. ઘણા કોર્પોરેટ્સ 2018-19ની સરખામણીમાં 2021-22માં 27 ટકા રેવન્યૂ ગ્રોથ દર્શાવે તેવી અપેક્ષા છે. તેમણે 2020-21માં પણ મજબૂત દેખાવ દર્શાવ્યો હતો. કેટલાંક હાઈ ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સ અપેક્ષા કરતાં સારો સુધારો દર્શાવી રહ્યાં છે. જે સૂચવે છે કે માગ પાછી ફરી છે. નિકાસ વૃદ્ધિ દર ખૂબ સારો જોવા મળી રહ્યો છે. કોમોડિટીઝના ભાવોમાં મજબૂતી સરળતાથી ગ્રાહકો પર પસાર થઈ શકી છે. સાથે સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પર ઊંચો ખર્ચ કરવાનું જાળવ્યું છે. આ તમામ કારણોએ રેટિંગ એક્શન્સને સપોર્ટ કર્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage