માર્કેટ સમરી
માર્કેટમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ
ભારતીય બજારે બુધવારે તેની નવી ટોચ દર્શાવી હતી. જોકે અપેક્ષા મુજબ જ તેજીવાળાઓએ વિરામ પસંદ કર્યો હતો અને પ્રોફિટ બુકિંગ પાછળ માર્કેટ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. નિફ્ટી 17226ની ટોચ બનાવી આખરે 56 પોઈન્ટ્સના ઘટાડે 17076ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે આમ છતાં નિફ્ટીના 25 શેર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 25 શેર્સ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. એશિયન પેઈન્ટ્સ, ટાટા મોટર્સ, એસબીઆઈ લાઈફ, નેસ્લે, એક્સિસ બેંક અને ડો. રેડ્ડીઝ લેબ સુધરવામાં અગ્રણી રહ્યાં હતાં. આશ્ચર્યની બાબત એ હતી કે નિફ્ટી નરમ હતો ત્યારે બેંક નિફ્ટી 0.41 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે બજારને સપોર્ટ આપવા માટે બેંકિંગ સેક્ટર તૈયાર થઈ રહ્યું છે. રિઅલ્ટી શેર્સમાં ભારે લેવાલી નીકળી હતી અને તેઓ 11 ટકા જેટલો સુધારો દર્શાવતાં હતાં.
ICICI બેંકે રૂ. 5 લાખ કરોડનું એમ-કેપ દર્શાવ્યું
દેશની બીજા ક્રમની ખાનગી બેંક આઈસીઆઈસીઆઈએ બુધવારે રૂ. 5 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. કંપનીના શેરે શરૂઆતમાં મજબૂતી વચ્ચે રૂ. 734.85ની ટોચ દર્શાવી હતી. જોકે પાછળથી નરમાઈને કારણે તે બીએસઈ ખાતે રૂ. 718.30ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે તેનું એમ-કેપ રૂ. 4.98 લાખ કરોડ થવા જતું હતું. રૂ. 5 લાખથી વધુનું માર્કેટ-કેપ દર્શાવનાર તે છઠ્ઠી ભારતીય કંપની છે. રિલાયન્સ, ટીસીએસ, એચડીએફસી બેંક, ઈન્ફોસિસ અને એચયૂએલ અન્ય પાંચ કંપનીઓ છે. બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંક બાદ રૂ. 5 લાખનું એમ-કેપ ધરાવતી તે બીજી બેંક બની છે.
ઓગસ્ટમાં UPI મારફતે રૂ. 6.39 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એનપીસીઆઈ)ના ફ્લેગશીપ પેમેન્ટ પ્લેટફોર્મ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(યૂપીઆઈ)એ ઓગસ્ટ મહિનામાં રૂ. 6.39 કરોડનું મૂલ્ય ધરાવતાં 3.55 અબજ ટ્રાન્ઝેક્શન્સ નોંધાવ્યા હતા. જે અત્યાર સુધીનો વિક્રમ છે. જુલાઈ બાદ સતત બીજા મહિને યૂપીઆઈ મારફતે 3 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા હતા. માસિક ધોરણે સરખામણી કરીએ તો ઓગસ્ટમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સના વોલ્યુમમાં 9.5 ટકા જ્યારે ટ્રાન્ઝેક્શન્સ વેલ્યૂમાં 5.4 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
સપ્લાયની ચિંતા પાછળ એલ્યુમિનિયમના ભાવ 10-વર્ષની ટોચે
એલ્યુમિનિયમના ભાવ 10 વર્ષથી વધુ સમયની ટોચ પર પહોંચ્યાં છે. વૈશ્વિક સ્તરે સપ્લાયને લઈને ચિંતા પાછળ લંડન સહિત ચીનના બજારમાં ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. ચીન ખાતે સ્મેલ્ટર્સ પર કડક પાવર કંટ્રોલ લાગુ પાડવામાં આવતાં સપ્લાયને લઈને ચિંતા ઊભી થઈ છે. ચીનમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનાનું સૌથી વધુ ઉત્પાદન કરતાં ગ્વોંગ્ક્સિ પ્રાંતની સરકારે એક નિવેદન જાહેર કરી ત્યાંની ભઠ્ઠીઓ પર ઊર્જા વપરાશને લઈને કડક અંકુશો લાગુ પાડ્યા છે. જેને કારણે શાંઘાઈ ખાતે સૌથી વધુ ટ્રેડિંગ ધરાવતો ઓક્ટોબર એલ્યુમિનિયમ કોન્ટ્રેક્ટ 1.2 ટકા સુધરી 21,390 યુઆન અથવા 3,311 ડોલર પર ટ્રેડ થયો હતો.
ઓગસ્ટમાં મારુતિનું વેચાણ 5 ટકા, ટાટાના વેચાણમાં 50 ટકા વૃદ્ધિ
દેશમાં અગ્રણી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ ઓગસ્ટમાં 5 ટકા વૃદ્ધિ સાથે કુલ 1,30,699 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. ચીપ જેવા કોમ્પોનેન્ટ્સની તંગી વચ્ચે તેણે વેચાણ વૃદ્ધિ જાળવી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં કંપનીએ 1,24,624 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. જોકે કંપનીના સ્થાનિક વેચાણમાં વાર્ષિક ધોરણે 6 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે 1,10,080 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે ઓગસ્ટમાં 1,16,704 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. સ્થાનિક ઉત્પાદક ટાટા મોટર્સે ઓગસ્ટ મહિનામાં પેસેન્જર વેહિકલ્સ બિઝનેસમાં વાર્ષિક ધોરણે 51 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં 18,533 યુનિટ્સ સામે ચાલુ વર્ષે કંપનીએ 28,018 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે જુલાઈ મહિનાના 30,185 યુનિટ્સ વેચાણની સરખામણીમાં 7 ટકા નીચું હતું. કંપનીના ઈવી વેચાણમાં 234 ટકાનો ઊંચો વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. ઓગસ્ટમાં તેણે 1022 ઈલેક્ટ્રિક કાર્સનું વેચાણ નોંધાવ્યું હતું.
રિઅલ્ટી શેર્સમાં ધૂમ ખરીદી પાછળ 11 ટકા સુધીનો ઉછાળો
બુધવારે બ્રોડ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ વચ્ચે નિફ્ટી રિઅલ્ટી 6 ટકા ઉછળ્યો
રિઅલ્ટી શેર્સમાં બુધવારે ભારે ખરીદી જોવા મળી હતી. એકબાજુ નિફ્ટી તેની ટોચ દર્શાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ પાછળ રેડ ઝોનમાં ટ્રેડ થતો હતો ત્યારે રિઅલ્ટી સેક્ટરમાં સ્માર્ટ બાયર્સે ચીલઝડપી ખરીદી નોંધાવી હતી. જેની પાછળ અગ્રણી રિઅલ્ટી કાઉન્ટર્સ 11 ટકા જેટલા સુધારો દર્શાવી રહ્યાં હતાં. કેટલાક કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયાં હતાં.
એનએસઈ ખાતે સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી રિઅલ્ટી 5.6 ટકાના ઉછાળે 408.35ના સ્તરે બંધ રહ્યો હતો. લાંબા સમયબાદ એક દિવસીય ધોરણે તેણે તીવ્ર સુધારો નોંધાવ્યો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે રિઅલ્ટી ક્ષેત્રે ત્રિમાસિક ધોરણે વેચાણના આંકડા સારા આવી રહ્યાં છે. અગ્રણી ડેવલપર્સે જૂન ક્વાર્ટરમાં અપેક્ષાથી સારા પરિણામો દર્શાવ્યાં છે અને તે કારણથી જ ફંડ્સ એક દાયકાથી વધુ સમય બાદ તેમના પોર્ટફોલિયોમાં રિઅલ્ટી સેક્ટરનું વેઈટેજ વધારી રહ્યાં છે. મોટાભાગના બ્રોકરેજિસ પણ અગ્રણી રિઅલ્ટી કંપનીઓ માટે ઓવરવેઈટનું રેટિંગ ધરાવે છે અને તેમના ગ્રાહકોને લાંબાગાળા માટે રિઅલ્ટી શેર્સમાં રોકાણ કરવા માટે જણાવી રહ્યાં છે. એ વાત ઉલ્લેખનીય છે કે રિઅલ્ટી શેર્સ લાંબા સમયથી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં હતાં. છેલ્લા બે ક્વાર્ટરથી તેઓ રોકાણકારોના રડાર પર છે. હાલમાં મોટાભાગના ડેવલપર્સ પાસે ઈન્વેન્ટરી તેના ઘણા વર્ષોના તળિયા પર છે અને તેથી તેઓ નોંધપાત્ર સંખ્યામાં નવા પ્રોજેક્ટ્સ લોંચ કરી રહ્યાં છે એમ અગ્રણી બ્રોકરેજિસે તેના રિપોર્ટમાં નોંધ્યું છે. આ પ્રોજેક્ટ્સ આગામી 2-3 વર્ષોમાં ડિલીવર થશે અને તેથી આગામી વર્ષોમાં કંપનીઓની ટોપ લાઈનમાં તથા બોટમ લાઈનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે.
બુધવારે અગ્રણી સુધારો દર્શાવનાર કાઉન્ટર્સમાં ઓબેરોય રિઅલ્ટીનો સમાવેશ થતો હતો. કંપનીનો શેર 10.7 ટકા ઉછળી રૂ. 778.55ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઉપરાંત સોભા ડેવલપર્સ(10 ટકા), બ્રિગેડ એન્ટરપ્રાઈઝ(7.6 ટકા), ઓમેક્સ(6 ટકા), ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી(6 ટકા), પ્રેસ્ટીજ એસ્ટેટ(5.6 ટકા), ગોદરેજ પ્રોપર્ટીઝ(4.8 ટકા), ફિનિક્સ મિલ્સ(4.5 ટકા) અને ડીએલએફ(4 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. દેશમાં ટાયર-ટુ શહેરોમાં હાજરી ધરાવતાં મીડ-કેપ અને સ્મોલ-કેપ રિઅલ્ટી શેર્સમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી.
100 ટકા પીક માર્જિન અમલી બનતાં જ માર્કેટ ટર્નઓવરમાં 22 ટકાનો તીવ્ર ઘટાડો
એનએસઈ કેશ માર્કેટ વોલ્યુમ મંગળવારના રૂ. 82086 કરોડ પરથી ગગડી બુધવારે રૂ. 64263 કરોડ પર જોવા મળ્યું
બ્રોકરેજિસના મતે 100 ટકા અપફ્રન્ટ માર્જિનનો તબક્કો લાગુ પડ્યાં બાદ બજારની ડેપ્થ પર ગંભીર અસર પડશે
સપ્ટેમ્બરની શરૂઆત સાથે જ સેબીએ ઘડેલા પીક માર્જિનના છેલ્લા તબક્કાના અમલની માર્કેટ વોલ્યુમ પર મોટી અસર જોવા મળી હતી. બુધવારે એનએસઈ ખાતે કેશ સેગમેન્ટનું વોલ્યુમ ઘટીને રૂ. 64263 કરોડ પર જોવા મળ્યું હતું. જે મંગળવારે રૂ. 82086 કરોડ પર નોંધાયું હતું. આમ સેબીના નિર્ણયની અસરે એક દિવસમાં માર્કેટની કામગીરીમાં 22 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. બ્રોકરેજિસ માને છે કે આગામી સત્રોમાં વોલ્યુમમાં ઓર ઘટાડો નોંધાઈ શકે છે. કેમકે 100 ટકા અપફ્રન્ટ માર્જિનની રિટેલ પાર્ટિસિપેશન પર મોટી અસર પડશે.
મંગળવાર સુધી 75 ટકા અપફ્રન્ટ માર્જિન પર બ્રોકરેજ તેમના ક્લાયન્ટ્સને પોઝીશન લેવાની છૂટ આપતાં હતાં. જોકે બુધવારથી તેઓએ 100 ટકા માર્જિન ચૂકવવાનું થયું હતું. આને દ્રષ્ટાંતથી સમજીએ તો કોઈ ‘એ’ કંપનીના રૂ. એક લાખના મૂલ્યના શેર્સ લેવા માટે મંગળવારે 75 ટકા માર્જિન લેખે રૂ. 15000નું માર્જિન લાગુ પડતું હતું. જે બુધવારથી 100 ટકા લેખે રૂ. 20000 થયું હતું. આમ ગ્રાહકે માર્જિન પેટે 25 ટકા રકમ વધુ ભરવાની થઈ હતી. જેની પાછળ માર્કેટ વોલ્યુમમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો હતો. દલાલ સ્ટ્રીટ સ્થિત બ્રોકરેજિસે સેબી સમક્ષ આ 100 ટકા માર્જિનના અમલને મોકૂફ રાખવા માટે જણાવ્યું હતું. જોકે રેગ્યુલેટરે અગાઉથી નિર્ધારિત ટાઈમટેબલને જાળવ્યું હતું. નવા પીક માર્જિન નિયમોનો અમલ ચાર તબક્કામાં કરવામાં આવ્યો હતો અને તે 1 ડિસેમ્બર 2020થી અમલી બન્યાં હતાં. જ્યારબાદ દર ક્વાર્ટરે માર્જિન મનીમાં 25 ટકા લેખે વૃદ્ધિ કરવામાં આવી હતી. શરૂઆતી બે તબક્કાના અમલ બાદ માર્કેટના ટર્નઓવર પર નોંધપાત્ર અસર જોવા મળી નહોતી. જોકે બુધવારે માર્કેટમાં 22 ટકાનો ઘટાડો ચોંકાવનારો હતો. ખાસ કરીને બુધવારે બજાર વોલેટાઈલ હતું અને તેવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે ઊંચા કામકાજ જોવા મળતાં હોય છે. ઉપરાંત માર્કેટના વેલ્યૂએશન્સ પણ ઊંચા ચાલી રહ્યાં છે અને તેથી ટર્નઓવર વધવું જોઈએ. નિફ્ટીએ બુધવારે તેની 17226ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે દિવસ દરમિયાન વધ-ઘટ બાદ તે 56 પોઈન્ટ્સની નરમાઈ સાથે 17076ના સ્તરે બંધ રહ્યો હતો.
અમદાવાદ સ્થિત બ્રોકરના મતે આ નવા નિયમને લઈને યોગ્ય ગોઠવણ કરવાની જરૂર છે નહિતર તે ટ્રેડર્સ, ઈન્વેસ્ટર્સ અને બ્રોકર્સ સહિતના માર્કેટ પાર્ટિસિપન્ટ્સ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેમના મતે પીક માર્જિન નિયમનો ચોથો તબક્કો ડે-ટ્રેડર્સ તથા જોબર્સ માટે સૌથી વધુ પડકારદાયી બની રહેશે. કેમકે તેમના માટે ઈન્ટ્રા-ડે પોઝીશન લેવા માટે માર્જિનની જરૂરિયાત વધી જશે. બ્રોકરેજિસે માટે તેમના ગ્રાહકોને માર્જિન મની માટે તૈયાર કરવાનું કઠિન બનશે. આને કારણે બ્રોકર-ક્લાયન્સ રિલેશનશીપ્સ પર પણ નેગેટિવ અસર પડશે. ઈન્ટ્રા-ડે ટ્રેડર્સને કારણે બજારને લિક્વિડિટી મળતી હોય છે અને જો તેમના ટ્રેડ્સમાં ઘટાડો જોવા મળશે તો માર્કેટની ડેપ્થ ઘટશે તે નિશ્ચિત છે. સેબીએ કેટલાક સમય બાદ તેના નિર્ણયને લઈને સમીક્ષા કરવાની રહેશે એમ તેઓ ઉમેરે છે. માર્જિન નિયમોના ભંગ બદલ ટ્રેડરે 0.5 ટકાથી લઈને 5 ટકા સુધીની રેંજમાં પેનલ્ટી ભરવાની થતી હોય છે.
લોકો ડબ્બા તરફ વળશે
બ્રોકર વર્તુળોના મતે 100 ટકા માર્જિન અમલી બન્યાં બાદ નોંધપાત્ર વર્ગ બજારની સમાંતર ચાલતાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ તરફ વળશે અને તેનાથી બ્રોકરેજ હાઉસિસ, એક્સચેન્જિસ અને સરકારે એસટીટીના રૂપમાં આવક ગુમાવવાનું બનશે. ડબ્બા ટ્રેડિંગ સંપૂર્ણપણે ગેરકાયદે છે. જોકે તેમ છતાં તે બેરોકટોક ચાલી રહ્યું છે અને માર્કેટ રેગ્યુલેટર તેને અટકાવી શક્યો નથી. એક અંદાજ મુજબ એક્સચેન્જિસ પર થતાં વોલ્યુમના 10-20 ટકા વોલ્યુમ ડબ્બામાં થાય છે. જેને પ્લેટફોર્મ પર લાવવાના બદલે હવે પ્લેટફોર્મ પરથી ટ્રેડર્સ ડબ્બા તરફ વળે તેવું બની શકે છે.