Market Summary 1 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


વૈશ્વિક સેન્ટીમેન્ટ ખરડાતાં શેરબજારોમાં સાર્વત્રિક નરમાઈ
નિફ્ટી જોકે 17500ની સપાટી જાળવવામાં સફળ
એનર્જી, આઈટી, ફાર્મા, મેટલમાં વેચવાલી
બેંકિંગમાં સિલેક્ટિવ કાઉન્ટર્સમાં તેજીનો દોર જળવાયો
રિઅલ્ટી કાઉન્ટર્સમાં જળવાયેલી મજબૂતી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 3 ટકાની નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ઉછળી 19.87ની સપાટીએ
ટીવીએસ મોટર્સે રૂ. 1000ની સપાટી કૂદાવી

વૈશ્વિક શેરબજારોમાં સેન્ટીમેન્ટમાં ઓચિંતો પલટો આવતાં સાર્વત્રિક મંદીનું માહોલ જોવા મળી રહ્યું છે. એશિયન બજારોમાં 3 ટકા સુધારા વચ્ચે ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી ગુરુવારે સમગ્ર દિવસ દરમિયાન નરમાઈ જાળવી રાખી હતી. બીએસઈ સેન્સેક્સ 770.5 પોઈન્ટ્સ ઘટાડે 58766.5ની સપાટીએ જ્યારે નિફ્ટી 216.5 પોઈન્ટ્સ ગગડી 17543 પર બંધ આવ્યો હતો. સોમવારે ગેપ-ડાઉન ઓપનીંગ બાદ સપ્તાહમાં સતત બીજીવાર બેન્ચમાર્કમાં નરમ ઓપનીંગ જોવા મળ્યું હતું. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ માર્કેટ-બ્રેડ્થ નરમ રહી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 37 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 13 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. ખરાબ બજારમાં પણ મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી પાછળ માર્કેટ બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.2 ટકા ઉછળી 19.87ની તાજેતરની ટોચ પર બંધ રહ્યો હતો.
બુધવારે ગણેશ ચતુર્થીની રજાને કારણે બંધ રહેલા ભારતીય બજારમાં ઘટાડો બેવડાયો હતો. યુએસ બજારમાં સતત ચાર દિવસની નરમાઈને કારણે સિંગાપુર નિફ્ટી નરમ ટ્રેડ દર્શાવતો હતો અને તેથી ભારતીય બજાર ગુરુવારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે તે નક્કી હતું. જે મુજબ જ નિફ્ટીએ અગાઉના 17759ના બંધ સામે 17486ના સ્તરે 250 પોઈન્ટ્સથી વધુનું ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જ્યાંથી તે બાઉન્સ થઈ 17695 સુધી સુધર્યો હતો. જોકે ફરીથી ગગડીને 17468ના સ્તરે નવુ બોટમ બનાવ્યું હતું અને ત્યાંથી 80 પોઈન્ટ્સ સુધારે બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં વર્તમાન કરેક્શનને હેલ્ધી કરેક્શન ગણાવી શકાય તેમ છે. કેમકે જૂન મહિનાના મધ્યભાગથી તેણે 19 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે હજુ તે માંડ 3 ટકા કરેક્શન દર્શાવી રહ્યો છે. નિફ્ટીને નજીકમાં 17166નું સોમવારે બનાવેલું બોટમ એક મજબૂત સપોર્ટ પૂરો પાડી શકે તેમ છે. જ્યારે મંગળવારે તેણે દર્શાવેલું 17777ની ટોચ તેને માટે એક અવરોધ બની શકે છે. જે પાર થશે તો 17992ની 19 સપ્ટેમ્બરે દર્શાવેલી ટોચ નવો અવરોધ બની શકે છે. જો આ સ્તર પાર થશે તો માર્કેટ 18600ને પાર કરશે અને નવી ટોચ દર્શાવશે એમ તેઓ માની રહ્યાં છે. જ્યારે 17166નું સ્તર તૂટશે તો નિફ્ટી 16700 સુધી ગગડી શકે છે. બજારમાં તેજીની આગેવાની બેંકિંગ શેર્સ લેશે એમ તેઓ જણાવે છે. ગુરુવારે પણ બજારમાં કેટલાંક બેંકિંગ કાઉન્ટર્સે તેમની નવી વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જેમાં બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક જેવા કાઉન્ટર્સ મુખ્ય હતાં.
સેક્ટરલ સૂચકાંકોમાં બેંક નિફ્ટી 0.6 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જોકે તેણે 39 હજારની સપાટી જાળવી રાખી હતી. એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક અને બંધન બેંક પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જોકે એનર્જી, આઈટી, ફાર્મા અને મેટલ શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 2 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું મુખ્ય યોગદાન હતું. સરકારે ફ્યુઅલની નિકાસ પરનો ટેક્સ વધારતાં આરઆઈએલમાં વેચવાલી જોવા મળી હતી. તે 3 ટકા ગગડી રૂ. 2600ની નીચે ઉતરી ગયો હતો. આ ઉપરાંત ઓએનજીસી, એનટીપીસી, અદાણી ગ્રીન એનર્જી, પાવર ગ્રીડ અને આઈઓસીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે એચપીસીએલ અને બીપીસીએલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી પણ 2 ટકા ગગડ્યો હતો. આઈટી અગ્રણી ટીસીએસમાં 2.5 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત માઈન્ડટ્રી, એલએન્ડટી ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એમ્ફેસિસ, કોફોર્જ, એચસીએલ ટેક્નોલોજી અને વિપ્રોમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 1.2 ટકા ઘસાયો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં બાયોકોન 3 ટકા તૂટ્યો હતો. જ્યારે તે ઉપરાંત સન ફાર્મા, ઝાયડસ લાઈફ, સિપ્લા, લ્યુપિન, ઓરોબિંદો ફાર્મા અને ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝમાં એક ટકાથી વધુનો ઘટાડો નોઁધાયો હતો. નિફ્ટી મેટલ એક ટકા ડાઉન બંધ દર્શાવતો હતો. લંડન મેટલ એક્સચેન્જ પર બેઝ મેટલ્સના ભાવમાં બે સત્રોમાં તીવ્ર ઘટાડા પાછળ મેટલ શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેમાં હિંદાલ્કો 4 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત નાલ્કો 3.5 ટકા, વેદાંત 2.7 ટકા, કોલ ઈન્ડિયા 2 ટકા, ટાટા સ્ટીલ 1.8 ટકા, જિંદાલ સ્ટીલ 1.8 ટકા અને જેએસડબલ્યુ સ્ટીલ 0.8 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. માર્કેટમાં રિઅલ્ટી શેર્સમાં ખરીદી જળવાય હતી. જુલાઈ મહિનામાં વાર્ષિક ધોરણે હાઉસિંગ સેક્ટરના ઊંચા વૃદ્ધિ ગ્રોથને કારણે રિઅલ્ટીમાં મોમેન્ટમ પોઝીટીવ હતું. ઓબેરોય રિઅલ્ટીનો શેર 3 ટકા ઉછળી સૌથી સારો દેખાવ દર્શાવતો હતો.આ ઉપરાંત પ્રેસ્ટીજ એસ્ટેટ, ડીએલએફ, ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટી અને બ્રિગેડ એન્ટરપ્રાઈઝ પણ મજબૂત સુધારો દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં જીએમઆર ઈન્ફ્રા 7 ટકા સાથે સૌથી મજબૂત દેખાવ દર્શાવતો હતો. આ ઉપરાંત અશોક લેલેન્ડ, એસઆરએફ, ટાટા કોમ્યુનિકેશન, ભારત ઈલેક્ટ્રીક, એબીબી ઈન્ડિયા, એસ્ટ્રાલ લિ., ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સમાં 4 ટકાથી વધુ મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ ઝી એન્ટરટેઈનમેન્ટ 5 ટકા ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત ડો. લાલ પેથલેબ, પિરામલ એન્ટરપ્રાઈઝ, નાલ્કો, પર્સિસ્ટન્ટ, બાયોકોન, વેદાંત, મણ્ણાપુરમ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ વગેરેમાં નરમાઈ જોવા મળી રહી હતી. બીએસઈ ખાતે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. પ્લેટફોર્મ ખાતે કુલ 3578 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1873 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1565 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 225 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી જ્યારે 20 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. 140 કાઉન્ટર્સ તેમના અગાઉની બંધ સપાટી પર ફ્લેટ જોવા મળ્યાં હતાં. વૈશ્વિક બજારમાં કોરિયા, હોંગ કોંગ, તાઈવાનમાં 2-3 ટકાની રેંજમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપ માર્કેટ્સ પણ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યા હતાં. જ્યારે યુએસ ખાતે નાસ્ડેક 12 હજારની સપાટી નીચે ઉતરી ગયો હતો.મૂડીઝે 2022 માટે આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડી 7.7 ટકા કર્યો
અગાઉ મે મહિનામાં તેણે કેલેન્ડર દરમિયાન 8.8 ટકા વૃદ્ધિ દરની આગાહી કરી હતી

મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસને ભારતના 2022ના આર્થિક વૃદ્ધિ દર અંદાજને ઘટાડે 7.7 ટકા કર્યો છે. તેણે વધતાં ઈન્ટરેસ્ટ રેટ્સ, અનિયમિત ચોમાસા અને વૈશ્વિક ગ્રોથ રેટમાં ઘટાડા પાછળ આમ કર્યું છે. તેના મતે યુએસ અને વિકસિત દેશોમાં આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાની ભારતીય અર્થતંત્ર પર અસર પડશે. અગાઉ મે મહિનામાં મૂડીઝે ચાલુ વર્ષ માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 8.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. 2021માં સ્થાનિક અર્થતંત્ર 8.3 ટકાના દરે વધ્યું હતું. જ્યારે 2020માં તેણે કોવિડ મહામારીની અસરે 6.7 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.
મૂડીઝે તેના સુધારેલા ગ્લોબલ મેક્રો આઉટલૂક 2022-23માં નોંધ્યું છે કે ભારતીય મધ્યસ્ત બેંક ચાલુ વર્ષે તેનું હોકિશ વલણ જાળવી રાખી શકે છે. તેમજ 2023માં પણ તે ટાઈટ પોલિસીનું વલણ દર્શાવી શકે છે. જેથી ફુગાવજન્ય દબાણને અંકુશમાં રાખી શકાય. એજન્સીએ જણાવ્યું છે કે ભારતનો રિઅલ જીડીપી ગ્રોથ 2021માં જોવા મળેલા 8.3 ટકાના સ્તરની સરખામણીમાં 2022માં 7.7 ટકા પર રહેશે. જે 2023માં વધુ ગગડી 5.2 ટકા પર રહેશે. વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાની ત્રિમાસિક ધોરણે અસર પડશે એમ તે નોંધે છે. તેની અપેક્ષા મુજબ જુલાઈ અને ડિસેમ્બરના કેલેન્ડરના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ફુગાવાનું દબાણ હળવું પડી શકે છે. વૈશ્વિક કોમોડિટીઝ પ્રાઈસિઝમાં ઝડપી ઘટાડાને કારણે આર્થિક વૃદ્ધિને નોંધપાત્ર જગા મળશે. ઉપરાંત જો ખાનગી કેપેક્સ સાઈકલ વેગ મેળવશે તો 2023માં અમારા અંદાજની સરખામણીમાં ઊંચો આર્થિક વૃદ્ધિ દર જોવા મળી શકે છે એમ તે ઉમેરે છે. એજન્સી જણાવે છે કે ભારતીય અર્થતંત્રમાં હાઈ ફ્રિકવન્સી ડેટા મજબૂત જોવા મળી રહ્યાં છે. ચાલુ નાણાકિય વર્ષ 2022-23ના પ્રથમ ચાર મહિનામાં તે મજબૂત મોમેન્ટમ દર્શાવી રહ્યાં છે. જૂન ક્વાર્ટરમાં ભારતીય જીડીપી વૃદ્ધિ દર 13.5 ટકા પર જોવા મળ્યો હતો. જે માર્ચ ક્વાર્ટરમાં જોવા મળેલા 4.1 ટકા ગ્રોથ રેટની સરખામણીમાં ઘણો મજબૂત હતો. સર્વિસિસ અને મેન્યૂફેક્ચરિંગ સેક્ટર્સે કામગીરીમાં મજબૂત સુધારો દર્શાયો છે. જેનો ખ્યાલ પીએમઆઈ, કેપેસિટી યુટીલાઈઝેશન, મોબિલિટી, ટેક્સ ફાઈલીંગ અને કલેક્શન, બિઝનેસ અર્નિંગ્સ અને ક્રેડિટ ઈન્ડિકેટર્સ જેવા ડેટા પરથી આવે છે. જોકે ફુગાવો હજુ પણ પડકારરૂપ બની રહ્યો છે. આરબીઆઈએ હજુ પણ ગ્રોથ અને ઈન્ફ્લેશન વચ્ચે સંતુલન સાધવાનું બની રહ્યું છે. એજન્સી નોઁધે છે કે જુલાઈમાં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન સાધારણ ઘટીને 6.7 ટકા પર જોવા મળ્યું હતું. જોકે તે આરબીઆઈના 2-6 ટકાના કમ્ફર્ટ ઝોન કરતાં ઊંચું છે. સતત સાતમા મહિને તે 6 ટકાની ઉપર જોવા મળ્યું હતું. આરબીઆઈની આગાહી મુજબ 2023 દરમિયાન પણ ઈન્ફ્લેશન ઊંચું જોવાશે. જેને ધ્યાનમાં રાખીને જ સેન્ટ્રલ બેંકરે અત્યાર સુધીમાં ત્રણવાર રેટ વૃદ્ધિ દર્શાવી છે.

મારુતિએ ઓગસ્ટ મહિનામાં 26 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી
કંપનીની પેસેન્જર કાર્સનું વેચાણ 30 ટકા ઉછળી 1.34 લાખ યુનિટ્સ પર જોવા મળ્યું

દેશમાં અગ્રણી ઓટો ઉત્પાદક મારુતિ સુઝુકીએ ઓગસ્ટ મહિનામાં 26.37 ટકા વેચાણ વૃદ્ધિ સાથે કુલ 1,65,173 યુનિટ્સ કાર્સનું વેચાણ નોંધાવ્યું હતું. કંપનીએ એક વર્ષ અગાઉ સમાનગાળામાં 1,30,699 યુનિટ્સનું વેચાણ કર્યું હતું એમ કંપનીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું.
ગુરુવારે ઓગસ્ટ મહિના માટેના વાહન વેચાણના આંકડા રજૂ કરતાં કંપનીએ નોંધ્યું હતું કે તેણે ગયા મહિને 1,34,166 યુનિટ્સ પેસેન્જસ વેહીકલ્સનું વેચાણ દર્શાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,03, 187 યુનિટ્સની સરખામણીમાં 30 ટકા ઊંચું હતું. મીની સેગમેન્ટ કાર્સનું વેચાણ 22162 યુનિટ્સ રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 20,461 યુનિટ્સ પર હતું. આ સેગમેન્ટમાં અલ્ટો અને એસ-પ્રેસો જેવી કાર્સનો સમાવેશ થાય છે. કંપનીની મીડ-સેગમેન્ટ કાર્સ જેવીકે બાલેનો, સેલેરિયો, ડિઝાઈર, ઈગ્નિસ, સ્વિફ્ટ, વેગનઆર અને યુર એસનું વેચાણ 57 ટકા વી 71557 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 45577 યુનિટ્સ પર હતું. યુટિલિટી વેહીકલ્સ બ્રેઝા, અર્ટિગા, એસ-ક્રોસ અને એક્સએલ6નું વેચાણ 26,932 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 24,337 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. કંપનીએ યાદીમાં જણાવ્યા મુજબ ઈલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સની અછતની વેહીકલ્સ ઉત્પાદન પર સાધારણ અસર જોવા મળી હતી. કંપનીએ આ માટે તેનાથી બનતા ઉપાયો હાથ ધર્યાં હતાં. ઈકોનું વેચાણ ગયા વર્ષે ઓગસ્ટમાં 10,666 યુનિટ્સ પરથી વધી ચાલુ વર્ષે 11999 યુનિટ્સ પર રહ્યું હતું. જ્યારે કમર્સિયલ વેહીકલ સુપર કેરીનું વેચાણ પણ ગયા વર્ષના 2588 યુનિટ્સ પરથી વધી 3371 યુનિટ્સ જોવા મળ્યું હતું. કંપનીએ ઓગસ્ટમાં 21,481 યુનિટ્સની નિકાસ કરી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 20,619 યુનિટ્સ પર હતી.


બેન્ચમાર્ક્સમાં ઊંચી વધ-ઘટ વચ્ચે મીડ-કેપ્સમાં લાવ-લાવ
નિફ્ટી-500ના શેર્સે સાત ટ્રેડિંગ સત્રોમાં 27 ટકા સુધીનું રિટર્ન આપ્યું
લાર્જ-કેપ્સમાં કરેક્શન વખતે બીજી અને ત્રીજી હરોળમાં બાર્ગેન હંટીંગ

શેરબજારમાં આંતરે દિવસે બે બાજુની તીવ્ર મૂવમેન્ટ જોવા મળી રહી છે ત્યારે પસંદગીના કાઉન્ટર્સમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે. બેન્ચમાર્ક નિફ્ટી ઓગસ્ટમાં તેણે દર્શાવેલી ચાર મહિનાની ટોચની સપાટીએ પરથી ગુરુવારે 3 ટકા ઘટાડા સાથે બંધ દર્શાવતો હતો, ત્યારે બીજી બાજુ ચુનંદા મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં 27 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
એનએસઈ-500 જૂથનો છેલ્લાં સાત ટ્રેડિંગ સત્રોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે સ્માર્ટ ઈન્વેસ્ટર્સે બેન્ચમાર્ક્સમાં ઊંચી વધ-ઘટ વચ્ચે અનેક કાઉન્ટર્સમાં સ્માર્ટ બાઈંગ કર્યું છે. જેમાં જાહેર સાહસ કંપનીઓ ઉપરાંત કેપિટલ ગુડ્ઝ કંપનીઓ તથા પ્રાઈવેટ બેંકિંગ સ્પેસનો સમાવેશ થાય છે. છેલ્લાં મહિનાઓમાં પીટાઈ ગયેલા કેટલાક કાઉન્ટર્સનો પણ આઉટપર્ફોર્મર્સમાં સમાવેશ થાય છે. જેમકે ધાની સર્વિસિઝનો શેર ગુરુવારે 5 ટકા સર્કિટમાં બંધ રહ્યો હતો. છેલ્લા સાત સત્રોમાં કંપનીના શેરે 27 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવ્યું છે. કંપનીનો શેર વર્ષની શરૂમાં રૂ. 200ની સપાટી પરથી ગગડી રૂ. 28.50 પર ટ્રેડ થયો હતો. સરકારી શીપ બિલ્ડીંગ કંપની અને ગયા કેલેન્ડરમાં આઈપીઓ સાથે બજારમાં પ્રવેશનાર મઝગાંવ ડોકે સાત સત્રોમાં 24 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીનો શેર 19 ઓગસ્ટના રૂ. 323.2ના બંધ ભાવ સામે ગુરુવારે રૂ. 401ની સપાટી પર બંધ રહ્યો હતો. ગુરુવારે રૂ. 416.95ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી તે રૂ. 402.50ની ઓલ-ટાઈમ હાઈ પર જ બંધ રહ્યો હતો. ટૂંકાગાળામાં તીવ્ર સુધારો દર્શાવનારા આવા કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં પોલીમેડ(20 ટકા), આરબીએલ બેંક(18 ટકા), કલ્યાણ જ્વેલર્સ(17 ટકા), ઓલકાર્ગો(16 ટકા), ટીટીએમએલ(16 ટકા), એજીસ કેમ(15 ટકા), સુઝલોન(14 ટકા) અને એલ્ગી ઈક્વિપમેન્ટ(13 ટકા)નો સમાવેશ થાય છે. આ સિવાય યૂફ્લેક્સ, કેઆરબીએલ, ટાટા કોમ્યુનિકેશન્સ, એસ્કોર્ટ્સ, સીસીએલ, આશાહી ઈન્ડિયા, કોચીન શીપયાર્ડ જેવા કાઉન્ટર્સેમાં પણ 10 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે. જે સૂચવે છે કે એક બાજુ લાર્જ-કેપ્સ મોટી વધ-ઘટ દર્શાવી રહ્યાં છે ત્યારે મીડ-કેપ્સમાં બાર્ગેન હંટીંગ જોવા મળી રહ્યું છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે બજાર માટે આ એક સારો સંકેત છે. જેનો અર્થ એવો થાય છે કે લાર્જ-કેપ્સ કોન્સોલિડેશનમાં જળવાય શકે છે જ્યારે બીજી અને ત્રીજી હરોળના શેર્સ સુધારાતરફી ચાલી જાળવી રાખશે. તેઓ ઘટાડે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ખરીદીની ભલામણ કરી રહ્યાં છે.

નિફ્ટી-500 શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ 19 ઓગસ્ટનો બંઘ ગુરુવારનો બંધ ફેરફાર(ટકામાં)
નિફ્ટી 17992 17542 -3%
ધાની 54 68.6 27%
મઝગાંવ ડોક 323.2 401 24%
પોલીમેડ 773.15 930 20%
RBL બેંક 103.45 122.05 18%
કલ્યાણ જ્વેલર્સ 71.5 83.9 17%
ઓલકાર્ગો 317 369 16%
TTML 109.3 127.05 16%
ABB 2924.75 3392 16%
એજીસ કેમ 258.29 297 15%
સુઝલોન 7.8 8.9 14%
એલ્ગી ઈક્વિ. 434.5 493 13%
યૂફ્લેક્સ 681.6 766 12%

કોર્પોરેટ હેડલાઈન્સ

એબીબીઃ કંપનીના બોર્ડે તેની પાસે રહેલા ટર્બોચાર્જિંગ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ સર્વિસિઝ ઈન્ડિયાના 31.49 કરોડ ઈક્વિટી શેર્સનું ટર્બો સિસ્ટમ્સને વેચાણ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ અહેવાલ પાછળ કંપનીનો શેર 6 ટકા ઉછળ્યો હતો.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદક કંપનીએ નાણા વર્ષ 2024-25 સુધીમાં તેનું કોલ ઉત્પાદન વધારીને 123 કરોડ ટન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કંપની હાલમાં દેશમાં કુલ કોલ ઉત્પાદનનો 80 ટકા હિસ્સો ધરાવે છે.
ઝાયડસ લાઈફઃ અમદાવાદ સ્થિત ફાર્મા કંપનીએ વેન્લાફેક્ઝાઈ એક્સટેન્ડેડ-રિલિઝ ટેબલેટ્સ અને પ્રેગાબાલીન એક્સટેન્ડેડ-રિલીઝ ટેબલેટ્સ માટે યુએસએફડીએ તરફથી બે આખરી મંજૂરીઓ મેળવી લીધી છે.
મારુતિ સુઝુકીઃ ઓટો કંપનીનું બોર્ડ ગયા વર્ષે પ્રતિ શેર રૂ. 45ના ડિવિડન્ડ સામે શેરધારકોને ચાલુ વર્ષે પ્રતિ શેર રૂ. 60નું ડિવિડન્ડ આપવા માટે સહમત થયું છે.
એચડીએફસી બેંકઃ ટોચની પ્રાઈવેટ લેન્ડરનું બોર્ડ સ્થાનિક બોન્ડ સેલ્સ મારફતે રૂ. 10 હજાર કરોડનું ફંડ ઊભું કરવા માટેની વિચારણા તથા પ્રસ્તાવને મંજૂરી આપવા માટે મળશે.
ટીએમબીઃ તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક 5 સપ્ટેમ્બરે રૂ. 830 કરોડના આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશશે. 101 વર્ષ જૂની બેંક રૂ. 500-525ની રેંજમાં શેર ઓફર કરશે. સંપૂર્ણપણે ફ્રેશ શેર્સ ધરાવતાં ભરણામાં રિટેલર્સને 10 ટકા હિસ્સો ઓફર થશે. બેંક 600થી વધુ શાખાઓ સાથે માર્ચ 2022ની આખરમાં રૂ. 45 હજાર કરોડનો ડિપોઝીટ્સ બેઝ ધરાવતી હતી. આઈપીઓ 7 સપ્ટેમ્બરે બંધ થશે.
આઈનોક્સ લેઝરઃ સિનેમા કંપની 2022-23 બાદ 834 નવી સ્ક્રિન્સનો ઉમેરો કરશે એમ તેના તાજા એન્યૂલ રિપોર્ટમાં જણાવાયું છે.
સિપ્લાઃ અગ્રણી ફાર્મા કંપનીએ કેમવેલ બાયોફાર્મા સાથે તેમના સંયુક્ત સાહસને લઈને થયેલા એગ્રીમેન્ટમાં સુધારો કર્યો છે. બંને કંપનીઓનું સંયુક્ત સાહસ હવે યુએસ ખાતે રચવામાં આવશે.
ઈન્ડિગોઃ ભારતીય ઉડ્ડયન કંપનીએ વર્જિન એટલાઈન્ટિક સાથે કોડશેર એગ્રીમેન્ટ પર સાઈન કર્યું છે. જેની પાછળ ઈન્ડિગોના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી.
તાતા પાવરઃ તાતા જૂથની કંપની મુંબઈમાં નાણાકિય વર્ષ 2024-25 સુધીમાં તમામ 7.5 લાખ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર્સ ઈન્સ્ટોલ કરશે.
હેવેલ્સઃ કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ કંપની કર્ણાટક ખાતે રૂ. 300 કરોડના અંદાજિત ખર્ચે વાર્ષિક 3.48 લાખ કિલોમીટરની ક્ષમતા સાથેના કેબલ મેન્યૂફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરશે.
જીએમઆર પાવરઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના જીએમઆર જૂથની કંપની પીટી જેમ્સમાં તેના 30 ટકા હિસ્સાનું 42 કરોડ ડોલરમાં વેચાણ કરશે. આ અહેવાલ પાછળ જીએમઆર ઈન્ફ્રા.નો શેર 7 ટકા ઉછળ્યો હતો.
સનટેક રિઅલ્ટીઃ મુંબઈ સ્થિત રિઅલ્ટી કંપનીની પેટાકંપની ક્લેરિસા ફેસિલિટી મેનેજમેન્ટ એલએલપીએ રસેલ મલ્ટીવેન્ચર્સમાં 10 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદ્યો છે.
જેએમબી ઓટોઃ ઓટો બોડી ઉત્પાદક કંપનીએ તેના સંયુક્ત સાહસ જેબીએમ સોલારિસ ઈલેક્ટ્રીક વેહીકલ્સમાં સોલારિસ પાસે રહેલા 20.1 ટકા ઈક્વિટી હિસ્સાની ખરીદી કરી છે.
જેટ એરવેઝઃ સ્થાનિક ઉડ્ડયન કંપની સાથે એરબસ 50 એ220 એરક્રાફ્ટ્સના ઓર્ડર માટે ચર્ચા-વિચારણા કરી રહ્યું છે.
ઝી એન્ટરટેઈનમેન્ટઃ મિડિયા કંપનીએ આઈસીસી મેન્સ ઈવેન્ટ્સ માટે ડિઝની સાથે સ્ટ્રેટેજિક લાયસન્સિંગ કરાર કર્યાં છે.
એબીએફઆરએલઃ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ આદિત્ય બિરલા ફેશનમાં જીઆઈસીની હિસ્સા ખરીદીને મંજૂરી આપી છે.
આઈનોક્સ વિન્ડઃ કંપનીના બોર્ડે રૂ. 800 કરોડના ફંડ રેઈઝીંગના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage