Market Summary 10/03/23

ભારત સહિત વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક મંદીનો માહોલ
એશિયન બજારોમાં 3 ટકા સુધીનો ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા વધી 13.41ની સપાટીએ
એફએમસીજી, એનર્જી સિવાય તમામ સેક્ટર્સમાં નરમાઈ
બેંકિંગ, ફાઈ. સર્વિસિસ, મેટલ, આઈટીમાં નોંધપાત્ર ઘટાડો
કેપીટીએલ, સિમેન્સ, એચએએલ નવી ટોચે
મોતીવાલ ઓસ્વાલ, ફાઈઝર, મૂથૂત ફાઈનાન્સ નવા તળિયે
અદાણી એન્ટરપ્રાઈઝમાં બીજા દિવસે નરમાઈ

વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી પાછળ સ્થાનિક શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો અને બેન્ચમાર્ક્સ એક ટકાથી વધુ ઘસારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 671 પોઈન્ટ્સ ગગડી 59135ની સપાટીએ જ્યારે નિફ્ટી 177 પોઈન્ટ્સ ઘટી 17413ની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં વેચવાલી જળવાતાં બ્રેડ્થ નરમ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 35 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 15 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3611 કાઉન્ટર્સમાંથી 2099 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળતાં હતાં. જ્યારે 1407 કાઉન્ટર્સ અગાઉ બંધ કરતાં સુધારો સૂચવી રહ્યાં હતાં. 116 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. જ્યારે 81 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. 10 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.34 ટકા ઉછળી 13.41ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો.
ગુરુવારે યુએસ ખાતે ભારે વેચવાલી જોવા મળી હતી અને ડાઉ જોન્સ અને નાસ્ડેક 1.5 ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જેની પાછળ એશિયન શેરબજારોમાં એક ટકાથી લઈ ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. જે વચ્ચે ભારતીય બજારે શુક્રવારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17590ના બંધ સામે 17444ની સપાટીએ ખૂલ્યાં બાદ વધુ ગગડી 17324 પર પટકાયો હતો. જ્યાંથી બાઉન્સ થયો હતો ને 17452ની ટોચ બનાવી રેંજ બાઉન્ડ જળવાયો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર 37 પોઈન્ટ્સ પ્રિમીયમે 17449.50ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 49ના પ્રિમીયમની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે. જે સૂચવે છે કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં લિક્વિડેશન જળવાયું હતું. જે બજારમાં વધુ ઘટાડો જાળવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 17300થી 17200ની રેંજમાં મજબૂત સપોર્ટ છે. જે આખરી સપોર્ટ છે. આ રેંજ તૂટશે તો બેન્ચમાર્ક 17000 સુધી ઘટી શકે છે. ટૂંકાગાળામાં નિફ્ટી ઓવરસોલ્ડ ઝોનમાં છે. જોકે શોર્ટ કવરિંગના અભાવે તેમાં બાઉન્સ જોવા મળી રહ્યો નથી. વૈશ્વિક સ્તરે યુએસ બોન્ડ યિલ્ડ્સ અને ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીને કારણે ઈક્વિટી માર્કેટ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી બહારના બજારોમાં સુધારો જોવા નહિ મળે ત્યાં સુધી ભારતીય બજારમાં પણ બાઉન્સની શક્યતાં નહિવત છે. સપ્તાહના આખરી સત્રમાં નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં તાતા મોટર્સ મુખ્ય હતો. જોકે નિફ્ટીનું એક પણ કાઉન્ટર એક ટકાથી વધુ સુધારો દર્શાવી શક્યું નહોતું. તાતા મોટર્સ 0.84 ટકા સાથે સૌથી મજબૂત રહ્યો હતો. આ ઉપરાંત એનટીપીસી, મારુતિ સુઝુકી, બ્રિટાનિયા, બીપીસીએલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, પાવગ ગ્રીડ કોર્પોરેશન, ટાઈટન કંપની, સન ફાર્મા, બજાજ ઓટો, એચયૂએલ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝ 3 ટકા સાથે ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એચડીએફસી બેંક, એપોલો હોસ્પિટલ, એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એફએમસીજી અને એનર્જી ઈન્ડાઈસીસને બાદ કરતાં અન્ય તમામ સેક્ટર્સમાં નરમાઈ જોવા મળતી હતી. એફએમસીજી ઈન્ડેક્સના મુખ્ય ઘટકોમાં ગોદરેજ કન્ઝ્યૂમર, મેરિકો, ઈમામી, ડાબર ઈન્ડિયા, કોલગેટ, બ્રિટાનિયા અને યુનાઈટેડ સ્પિરિટ્સમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સમાં અદાણી ગ્રીન એનર્જી 5 ટકાની સર્કિટમાં બંધ રહ્યો હતો. આ ઉપરાંત ગેઈલ, હિંદુસ્તાન પેટ્રોલિયમ, બીપીસીએલ અને પાવરગ્રીડ કોર્પોરેશનમાં મજબૂતી જોવા મળી હતી. બેંક નિપ્ટી 1.9 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવતો હતો. જેમાં એચડીએફસી બેંક 2.6 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત બેંક ઓફ બરોડા 2.2 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 2.2 ટકા, એસબીઆઈ 2 ટકા અને પીએનબી 2 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક ઈન્ડેક્સ તો 2.2 ટકા ઘટાડો સૂચવતો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ ઈન્ડેક્સ 1.8 ટકા તૂટ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં પિરામલ એન્ટરપ્રાઈઝિસ 3 ટકા ડાઉન હતો. આ ઉપરાંત આરઈસી, એચડીએફસી, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ કાર્ડ, શ્રીરામ ફાઈનાન્સ અને આઈસીઆઈસીઆઈ બેંક પણ નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ એક ટકા ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં ડીએલએફ 2 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત સોભા 1.5 ટકા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 1.5 ટકા, ઓબેરોય રિઅલ્ટી 1.2 ટકા અને પ્રેસ્ટીજ એસ્ટેટ 1 ટકા ઘટાડો દર્શાવતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો શ્રી સિમેન્ટ્સ 2.43 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ડિક્સોન ટેક્નોલોજી, ગેઈલ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ઝાયડસ લાઈફ, એચપીસીએલ, ઈન્ટરગ્લોબ એવિએશન, સિન્જિન ઈન્ટરનેશનલ, ટોરેન્ટ ફાર્મા, બલરામપુર ચીની, અતુલમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ પોલીકેબ 4.5 ટકા ઘટાડા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત કેનેરા બેંક, ડેલ્ટા કોર્પ, ઈન્ડિયામાર્ટ, ઈન્ટેલેક્ટ ડિઝાઈન, એમ્ફેસિસ, પિરામલ એન્ટરપ્રાઈઝ, આરબીએલ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, કોફોર્જમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ઓલેક્ટ્રા, જેબીએમ ઓટો, કલ્પતરુ પાવર, સિમેન્સ, બ્લ્યૂ સ્ટાર, સીસીએલ પ્રોડક્ટ્સનો સમાવેશ થતો હતો. જ્યારે વાર્ષિક તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં આરતી ડ્રગ્ઝ, મોતીલાલ ઓસ્વાલ, એબીએસએલ એએમસી, ફાઈઝર, બેયર ક્રોપસાયન્સ, મૂથૂત ફાઈનાન્સ, રિલેક્સો ફૂટવેરનો સમાવેશ થતો હતો.

ફેબ્રુઆરીમાં કુલ 2.91 લાખ કાર્સનું વેચાણ નોંધાયુઃ SIAM
ગયા વર્ષે સમાનગાળામાં 2.63 લાખ યુનિટ્સનું વેચાણ નોંધાયું હતું
મારુતિએ 1.02 લાખથી વધુ યુનિટ્સ સાથે સૌથી વધુ વેચાણ દર્શાવ્યું

દેશમાં ફેબ્રુઆરી મહિનામાં કાર્સના વેચાણમાં વાર્ષિક ધોરણે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. સોસાયટી ઓફ ઈન્ડિયા ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર્સ એસોસિએશન(સિઆમ)ના જણાવ્યા મુજબ ગયા મહિને કુલ 2,91,928 યુનિટ્સ પેસેન્જર વેહીકલ્સનું વેચાણ નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા 2,62,984 યુનિટ્સની સરખામણીમાં નોંધપાત્ર ઊંચું જોવા મળ્યું હતું.
જો ટોચની કાર ઉત્પાદક કંપનીઓના વેચાણ પર નજર કરીએ તો મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરીમાં 1,02,565 યુનિટ્સ કાર્સનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં તેણે દર્શાવેલા 99,398 યુનિટ્સની સરખામણીમાં 3 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવતો હતો. બીજા ક્રમે હ્યુન્ડાઈ મોટરે 24,493 યુનિટ્સ વેચ્યાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળામાં 21,501 યુનિટ્સ પર હતાં. જો નાણાકિય વર્ષની વાત કરીએ તો એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023 સુધીના 11 મહિનાઓમાં દેશમાં કુલ 34,61,716 યુનિટ્સ પેસેન્જર વેહીકલ્સનું વેચાણ જોવા મળ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 26,66,109 યુનિટ્સ પર જોવા મળતું હતું. આ સમયગાળામાં મારુતિ સુઝુકીએ 10,25,836 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જ્યારે હ્યુન્ડાઈએ 2,42,436 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષે સમાનગાળામાં મારુતિ સુઝુકીએ 8,32,873 યુનિટ્સનું જ્યારે હ્યુન્ડાઈએ 2,08,835 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. સિઆમ પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ યુનિયન બજેટ 2023-24માં ગ્રાહકો માટે પ્રોત્સાહક જોગવાઈને કારણે વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. માર્કેટમાં સમગ્રતયા સેન્ટિમેન્ટ પોઝીટીવ જોવા મળી રહ્યું છે. ઓટો ઉદ્યોગ બીએસ 6 એમિશન નોર્મ્સના બીજા તબક્કામાં ટ્રાન્ઝિશન માટે સંપૂર્ણપણે તૈયાર છે. તમામ કેટેગરીઝના વેહીકલ્સમાં તે લાગુ પડશે. જોકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી રેપો રેટમાં સતત વૃદ્ધિને જોતાં તેમણે ચેતવણીનો સૂર વ્યક્ત કર્યો હતો. ઊંચી ક્રેડિટ કોસ્ટને કારણે વપરાશ પર પ્રતિકૂળ અસરની શક્યતાં તેમણે જણાવી હતી. જોકે સીએનજી ફ્યુઅલના ભાવમાં ટોચ પરથી ઘટાડો ગેસ આધારિત મોબિલિટી માર્કેટનું વિસ્તરણ કરવામાં મહત્વનું બની રહેશે. કાર્સના વેચાણમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. જોકે ટુ-વ્હીલર્સનું વેચાણ હજુ પણ પ્રમાણમાં મંદ જળવાયું હતું. ફેબ્રુઆરી 2023માં ટુ-વ્હીલર્સના વેચાણમાં 8 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. એપ્રિલ-ફેબ્રુઆરીના સમયગાળામાં ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સનું વેચાણ હજુ પણ કોવિડ અગાઉના સમયગાળાના સ્તરે પહોંચી શક્યું નહોતું. જ્યારે કાર્સનું વેચાણ વિક્રમી સ્તરે જોવા મળી રહ્યું છે.

ફેબ્રુઆરીમાં ઈક્વિટી ઈનફ્લો 25 ટકા વધી નવ મહિનાની ટોચે જોવાયો
જાન્યુઆરીમાં રૂ. 12547 કરોડના નેટ ઈનફ્લો સામે ફેબ્રુઆરીમાં રૂ. 15686 કરોડનો ઈનફ્લો નોંધાયો
સિપ મારફતે ઈનફ્લો માસિક ધોરણે 1 ટકા ઘટી રૂ. 13,686 કરોડ પર જળવાયો

કેલેન્ડરના બીજા મહિનામાં ઈક્વિટી ઈનફ્લોમાં સતત 24મા મહિને પોઝીટીવ ફંડ ફ્લો જોવા મળ્યો હતો. એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઓફ ઈન્ડિયા(એમ્ફી)ના ડેટા મુજબ ફેબ્રુઆરીમાં ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સ કેટેગરીમાં રૂ. 15685.57 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. જે જાન્યુઆરીમાં જોવા મળેલા રૂ. 12,546.51 કરોડના ઈનફ્લો સામે 25 ટકા વૃદ્ધિ દર્શાવવા સાથે નવ મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો. ભારતીય મ્યુચ્યુલ ફંડ્સમાં નેટ ઈનફ્લો રૂ. 9575 કરોડ પર જોવા મળ્યો હતો. જ્યારે ગયા મહિને એમએફ ઉદ્યોગના એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયૂએમ)માં માસિક ધોરણે 0.4 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 39.46 લાખ કરોડ પર રહ્યું હતું.
ડેટ કેટેગરીમાં જે આઉટફ્લો જળવાયો હતો. ફેબ્રુઆરીમાં ડેટ ફંડ્સે રૂ. 13815.23 કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો. માસિક ધોરણે ડેટ ફંડ્ઝનું એયૂએમ 0.7 ટકા ઘટી રૂ. 12.3 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. ફેબ્રુઆરીમાં તમામ ઈક્વિટી ફંડ કેટેગરીઝમાં ઈનફ્લોમાં વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં સેક્ટરલ અથવા થીમેટિક કેટેગરીમાં કુલ ઈનફ્લો રૂ. 3855.90 કરોડ પર રહ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. 2246.30 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. ડિવિડન્ડ યિલ્ડ ફંડ્સમાં સૌથી ઓછો રૂ. 47.93 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. હાઈબ્રીડ ફંડ કેટેગરીમાં નેટ ઈનફ્લો માત્ર રૂ. 460.32 કરોડનો જોવા મળ્યો હતો. જે જાન્યુઆરીમાં રૂ. 4491.97 કરોડ પર હતો. કન્સર્વેટીવ હાઈડબ્રીડ ફંડ્સે રૂ. 92.33 કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો. જ્યારે ઈક્વિટી સેવિંગ્ઝ ફંડ્સે રૂ. 205.68 કરોડનો આઉટફ્લો જોવાનો બન્યો હતો. બેલેન્સ્ડ હાઈબ્રીડ ફંડ અથવા અગ્રેસિવ હાઈબ્રીડ ફંડે કુલ રૂ. 125.36 કરોડનો ઈનફ્લો મેળવ્યો હતો. જ્યારે મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સે રૂ. 510.51 કરોડનો ઈનફ્લો નોંધાવ્યો હતો. ઓપન એન્ડેડ હાઈબ્રીડ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ ફેબ્રુઆરીમાં રૂ. 4.9 લાખ કરોડ પર રહી હતી. જે માસિક ધોરણે 0.7 ટકા ઘટાડો સૂચવતી હતી.
જોકે સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(સિપ) મારફતે ઈનફ્લોમાં માસિક ધોરણે સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો અને તે 1 ટકા ઘટી રૂ. 13,686 કરોડ પર રહ્યું હતું. આ માટેનું મુખ્ય કારણ ફેબ્રુઆરીમાં 28 દિવસો જ હોવાનું એમ્ફીનું કહેવું હતું. છેલ્લાં છ મહિનાથી સિપ મારફતે ઈનફ્લોમાં સતત વૃદ્ધિ જોવા મળતી હતી અને તે નવો વિક્રમ દર્શાવી રહ્યો હતો. છેલ્લાં 14 મહિના દરમિયાન સિપ મારફતે મ્યુચ્યુલ ફંડ્સમાં રૂ. 1.77 લાખ કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. જે ભારતીય બજારમાં વિદેશી સંસ્થાકિય રોકાણારો(એફપીઆઈ)ના રૂ. 1.55 લાખ કરોડના ચોખ્ખા વેચાણ કરતાં ઊંચો જોવા મળી રહ્યો છે. લિક્વિડ ફંડ્સમાં આઉટફ્લો નોઁધાયો હતો. ફેબ્રુઆરીમાં ફંડ્સમાંથી રૂ. 11304 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો.

ફેબ્રુઆરીમાં દેશમાં ફ્યુઅલ માગ 24-વર્ષોની ટોચે જોવા મળી
ભારતમાં ફેબ્રુઆરી દરમિયાન ફ્યુઅલ માગ 24-વર્ષોની ટોચ પર જોવા મળી હતી એમ ડેટા સૂચવે છે. સસ્તાં રશિયન ઓઈલને કારણે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં ઔદ્યોગિક કામગીરીમાં વેગ આવવાને કારણે આમ બન્યું છે. ગયા મહિને ફ્યુઅલ વપરાશ 5 ટકા વધી 48.2 લાખ બેરલ્સ પ્રતિ દિવસ પર નોંધાયો હતો. જે વાર્ષિક ધોરણે સતત 15મી વૃદ્ધિ દર્શાવે છે. ભારતીય ઓઈલ મંત્રાલય તરફથી 1998થી એકત્ર કરવામાં આવતાં ડેટા મુજબ તે સૌથી ઊંચી માગ સૂચવે છે. માર્ચમાં માગ વધી 51.7 લાખ બેરલ્સ પ્રતિ દિવસ પહોંચવાની આગાહી છે. જોકે ત્યારબાદ ચોમાસાની સિઝન શરૂ થવાથી માગમાં સાધારણ ઘટાડાની અપેક્ષા છે.

નવા નાણા વર્ષમાં બેંક્સની GNPA દાયકાના તળિયે પહોંચશે
ભારતીય બેંક્સની બેડ લોન્સ 2023-24ની શરુઆત સુધીમાં દાયકાના સૌથી નીચા સ્તરે જોવા મળશે એમ એક અભ્યાસ જણાવે છે. 2022-23માં બેડ લોનમાં 90 બેસીસ પોઈન્ટ્સના ઘટાડાની અપેક્ષા હોવાનું એસોચેમ-ક્રિસિલ રેટિંગનો અભ્યાસ જણાવે છે. મહામારી બાદ ભારતીય અર્થતંત્રમાં રિકવરીને કારણે બેંકોની ગ્રોસ એનપીએમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું અભ્યાસ જણાવે છે. સ્ટડીના જણાવ્યા મુજબ કોર્પોરેટ લોન સેગમેન્ટમાં સૌથી સારો સુધારો જોવા મળી રહ્યો છે. જ્યાં આગામી નાણા વર્ષે બેડ લોન ઘટીને 2 ટકા નીચે જોવા મળે તેવી શક્યતાં છે. 31 માર્ચ 2018ના રોજ તે 16 ટકાની ટોચ પર જોવા મળી હતી. બેંક્સ તરફથી તેમની બેલેન્સ શીટ્સના નોંધપાત્ર શુધ્ધિકરણને કારણે પણ ગ્રોસ એનપીએમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એમ સ્ટડી જણાવે છે.

પ્રિમીયમ વેલ્યૂએશનમાં ઘટાડો છતાં સ્થાનિક શેરબજાર હજુ મોંઘુ
ઓક્ટોબર 2022થી અત્યાર સુધીમાં વૈશ્વિક બજારો અને ભારતીય બજારના વેલ્યૂએશન ગેપમાં 25 ટકા ઘટાડો નોંધાયો

ભારતીય શેરબજારના વેલ્યૂએશનમાં જોવા મળતું પ્રિમીયમ છેલ્લાં છ મહિનામાં નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યું છે. જોકે આમ છતાં તે હરિફ ઈમર્જિંગ બજારો અને વિકસિત બજારોની સરખામણીમાં પ્રિમીયમ ધરાવે છે એમ એક સ્ટડી સૂચવે છે. ઓક્ટોબર 2022થી અત્યાર સુધીમાં ભારતીય બજારના અન્ય બજારોની સરખામણીમાં વેલ્યૂએશન ગેપમાં 25 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને તેથી સ્થાનિક બજારના વેલ્યૂએશન થોડા વાજબી બન્યાં છે. જોકે હજુ પણ વૈશ્વિક હરિફોની સરખામણીમાં સ્થાનિક બજાર મોંઘું છે એમ નિષ્ણાતો જણાવે છે. જોકે આ માટેનું કારણ ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિની ઊંચી શક્યતાં છે.
હાલમાં મોર્ગન સ્ટેનલી કેપિટલ ઈન્ટરનેશનલ(એમએસસીઆઈ) ઈન્ડિયા ઈન્ડેક્સ 12-મહિનાના ફોરવર્ડ પ્રાઈસ-ટુ-અર્નિંગ્સને આધારે 21.6ના પીઈ મલ્ટીપલ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ્સ અને એમએસસીઆઈ વર્લ્ડ ઈન્ડાઈસિસ અનુક્રમે 11.3 અને 16ના પીઈ પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે એમ બ્લૂમબર્ગનો ડેટા સૂચવે છે. ઓક્ટોબરમાં ભારતીય બજારનો પીઈ 23થી ઊંચો જોવા મળી રહ્યો હતો. જે એમએસસીઆઈ ઈએમના પીઈની સરખામણીમાં 2.2 ગણો હતો. જ્યારે એમએસસીઆઈ વર્લ્ડની ઈન્ડાઈસના પીઈ સામે 42 ટકા ઊંચો હતો. તે વખતે એમએસસીઆઈ ઈએમ ઈન્ડેક્સ ઘટીને એકઅંકી પીઈ દર્શાવી રહ્યો હતો. તેમાં ઘટાડાનું મુખ્ય કારણ ચીનના બજારમાં તીવ્ર ઘટાડો હતો. ભારતીય બજારના પ્રિમીયમ વેલ્યૂએશનમાં ઘટાડાના કારણોમાં છેલ્લાં ત્રણ મહિનામાં ભારતીય બજારના અન્ડરપર્ફોર્મન્સ ઉપરાંત ચીન અને યુરોપિયન બજારનું આઉટપર્ફોર્મન્સ જવાબદાર છે. ઓક્ટોબરના તળિયાના સ્તરેથી ચીનના બજારમાં 20 ટકાથી વધુ સુધારો નોંધાઈ ચૂક્યો છે. હોંગ કોંગ, કોરિયા અને તાઈવાનના બજારો પણ તેમના તળિયેથી નોંધપાત્ર રિટર્ન દર્શાવે છે. જોકે ભારતીય બજાર ડિસેમ્બરની શરૂમાં સર્વોચ્ચ ટોચ બનાવ્યા બાદથી ઘટાડાતરફી જોવા મળી રહ્યું છે અને હાલમાં તે લગભગ ચાર મહિનાના તળિયા પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. ચીનનું બજાર છેલ્લાં પાંચ મહિનામાં નોંધપાત્ર સુધારા બાદ પણ હજુ 11થી નીચેના પીઈ મલ્ટિપલ પર ટ્રેડ થઈ રહ્યું છે. જે ભારતીય બજારની સરખામણીમાં અડધો રેશિયો સૂચવે છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે ભારત અને ચીનના બજારો વચ્ચેનો ગેપમાં ખાસ ઘટાડાની શક્યતાં ઓછી છે.
એક અગ્રણી બ્રોકરેજના રિપોર્ટ મુજબ ચીને છેલ્લાં ચારથી છ મહિના દરમિયાન ભારતીય બજારની સરખામણીમાં ઊંચું આઉટપર્ફોર્ન્સ દર્શાવ્યું છે. તેમ છતાં ભારતીય બજારનું પ્રિમીયમ ચીનની સરખામણીમાં ઊંચી બાજુ જોવા મળી રહ્યં છે. જોકે અમે ઐતિહાસિક વેલ્યૂએશન ડેટાનું ખાસ મહત્વ નથી જોઈ રહ્યાં. કેમકે ભારતની સરખામણીમાં ચીન ખાતે ભાવિ ગ્રોથ નીચો જળવાવાનો છે. તેમજ ચીન અને યુએસ વચ્ચે જીઓપોલિટીકલ તણાવ ચાલુ રહેવાનો છે. જેમાં યુએસ રોકાણકાર તરફથી ચીનમાં સંભવિત રોકાણને લઈને જોખમ જળવાયેલું છે. મોટાભાગના યુરોપિયન શેરબજારો અને એશિયન બજારોએ પણ ચાલુ વર્ષે પીઈ મલ્ટિપલ્સમાં વિસ્તરણ નોંધાવ્યું છે. બીજી બાજુ ભારતીય બજારે સાધારણ ડિરેટિંગ નોંધાવ્યું છે. જેનું આંશિક કારણ અદાણી જૂથના શેર્સમાં જોવા મળેલી તીવ્ર વેચવાલી પણ છે. સાથે મધ્યમસર જોવા મળેલા ત્રીજા ક્વાર્ટરના પરિણામોએ પણ ભાગ ભજવ્યો છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

જેમ્સ-જ્વેલરી એક્સપોર્ટઃ ફેબ્રુઆરીમાં જેમ અને જ્વેલરી નિકાસમાં 24 ટકા ઉછાળો જોવા મળ્યો હતો અને તે રૂ. 28,833 કરોડ પર પહોંચી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23,327 કરોડ પર જોવા મળતી હતી. કટ-એન્ડ-પોલીશ્ડ ડાયમંડ શીપમેન્ટ્સ 32 ટકા ઉછળી રૂ. 19,582 કરોડ પર રહ્યાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14,842 કરોડ પર હતાં. જ્યારે ગોલ્ડ જ્વેલરીની નિકાસ 30 ટકા ઉછળી રૂ. 5,830 કરોડ પર પહોંચી હતી. જે ગયા વર્ષે રૂ. 5830 કરોડ પર જોવા મળી હતી. પોલીશ્ડ લેબ-ગ્રોન ડાયમંડની નિકાસ 18 ટકા વધી રૂ. 1117 કરોડ રહી હતી. જ્યારે કલર્ડ જેમ-સ્ટોનની નિકાસ બમણી વધીને રૂ. 452 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળમાં રૂ. 209 કરોડ પર હતી.
રેલીગેર એન્ટરપ્રાઈઝિસઃ કંપનીની સબસિડિયરી રેલીગેર ફિનવેસ્ટે 16 લેન્ડર્સ સાથે વન-ટાઈમ સેટલમેન્ટ હેઠળ પૂર્ણ કર્યું છે. તેણે 8 માર્ચે આ લેન્ડર્સને રૂ. 400 કરોડ ચૂકવ્યાં હતાં. આ સેટલમેન્ટ કંપનીના લેગસી ઈસ્યુના ક્લોઝરમાં છેલ્લો તબકક્કો હતો. જાન્યુઆરી 2018થી કંપનીએ તેના લેન્ડર્સને રૂ. 9000 કરોડથી વધુ રકમનું ચૂકવણું કર્યું છે.
એચયૂએલઃ હિંદુસ્તાન યુનિલીવરે શુક્રવારે તેના નવા એમડી અને સીઈઓ તરીકે રોહિત જાવાની નીમણૂંક કરી હતી. તેઓ 23 જૂન, 2023થી કંપનીનો કાર્યભાર સંભાળશે. તેઓ યુનિલીવર સાઉથ એશિયાના પ્રેસિડેન્ટનો હવાલો પણ સંભાળશે.
સિક્વન્ટ સાઈન્ટિફિકઃ કંપનીએ ટિનેટા ફાર્માની ખરીદી માટેના કરારને રદ કર્યો છે. કંપનીએ નવેમ્બર 2022માં ટિનેટા ફાર્મામાં 100 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. જોકે કંપનીએ જણાવ્યું હતું કે શેર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ શરૂ કરવામાં આવેલું ટ્રાન્ઝેક્શન પૂરું થઈ શક્યું નહોતું.
ગ્લેનમાર્ક ફાર્માઃ ફાર્મા કંપની અને સેડીપ્રોફ ઈન્કે અટેન્શન અને હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર્સની સારવારમાં વપરાતાં એમ્ફેટામાઈનના મિક્સ્ડ સોલ્ટ્સના ડિસ્ટ્રીબ્યુશન માટે જોડાણ કર્યું છે. યુએસ ખાતે આ પ્રિસ્ક્રાઈબ્ડ પ્રોડક્ટ છે અને હાલમાં તેની ખૂબ તંગી જોવા મળી રહી છે એમ ગ્લેનમાર્કે જણાવ્યું છે.
બેંક ઓફ બરોડાઃ બીજા ક્રમની પીએસયૂ બેંકના બોર્ડે બીઓબી ફાઈનાન્સિયલ સોલ્યુશન્સમાં 49 ટકા હિસ્સાના વેચાણ માટેની મંજૂરી આપી છે. પીએસયૂ બેંકે તેના હોમ લોન રેટમાં પણ 40 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને તેને 8.5 ટકા કર્યો છે. જ્યારે એમએસએમઈ લોન પરના રેટને ઘટાડી 8.4 ટકા કર્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage